કાવ્યમંગલા/નવમી વેળાએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 14:51, 28 June 2024

નવમી વેળાએ

આ સંગ્રહ અત્યારે નવમી વાર છપાય છે. આ પહેલાં તે ચોથી વાર, પાંચ છ અને સાતમી વાર છપાયો તેને મેં પુનર્મુદ્રણો કહ્યાં છે. પણ એને પણ આવૃત્તિ કહી શકાય તેવું કાંઈ ને કાંઈ અવનવું –આઘુંપાછું એમાં હું કરતો રહ્યો છું. માત્ર આ પહેલાં છેલ્લી વાર, આઠમી વાર તે છપાયો, પ્રકાશકે તેને સીધેસીધો છાપી લીધો, તેને જ પુનમુદ્રણ કહી શકાય. આ નવમી વાર છાપવાને હાથમાં લેતાં તેને ફરીથી જોઈ ગયો અને સ્વાભાવિક રીતે જ એમાં કશુંક કશુંક નવો સંસ્કાર પામ્યું છે. આ સંગ્રહમાંની રચનાઓને મેં મોટા પાયા ઉપર સંસ્કારી ૧૯૫૩માં, ત્રીજી આવૃત્તિની વેળાએ. આમાંની કૃતિઓના કાવ્યગુણ પરત્વે અતૃપ્ત રહેનાર વિવેચકોએ જો એ ત્રીજી આવૃત્તિને કે તે પછીની આવૃત્તિઓને જોઈ હશે તો તેમની અતૃપ્તિને ફરીથી વિચારવા માટે થોડુંએક કારણ તો મળી શકે તેમ છે એમ માનું છું. એ ત્રીજી આવૃત્તિની કે તે પછીની આવૃત્તિની પ્રસ્તાવનામાં કરેલી કેટલીએક વાતો દરેક આવૃત્તિમાં તાજી કરવા જેવી છે, પણ આ વખતે તો તે નહિ બની શકે.

આ સંગ્રહને આ નવમા મુદ્રણ માટે તૈયાર કરતો ગયો ત્યારે કોઈ નવાં, અણધારેલાં સંવેદનો અનુભવવા મળ્યાં. ૧૯૩૩ અને ૧૯૭૭, ‘કાવ્યમંગલા’ નામ ધારણ કરી આ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં, ત્યાર પછીનાં આ ૪૪ વર્ષના સમયે પણ, એ આખું વાતાવરણ પાછું એવું ને એવું જ જીવંત, એની તે વખતની મુગ્ધ પુલકિત સભરતા સાથે જાગૃત થઈ આવ્યું. મેં કવિતા લખવા માંડી, અમારા વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માં મારું પ્રથમ કાવ્ય છપાયું ૧૯૨૬માં, ત્યારથી માંડી આ સંગ્રહ તૈયાર થયો તેનું નામકરણ થયું, પ્રકાશકને ત્યાં જ તેના મહેમાન તરીકે રહી સંગ્રહ છપાયો, અનેક મુરબ્બીઓ-મુરબ્બી સાક્ષરોનો તેને સત્કાર, સ્નેહ સાંપડ્યો, આપણા સાહિત્ય જગતે તેને રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માન્યો, અને પછી તો તે અને તેમાંનાં કાવ્યો વિદ્યાર્થીજગતમાં હરતાં ફરતાં થઈ ગયાં, એમાંનાં ઘણાં ઘણાં કાવ્યો મેં ઘણે સ્થળે, ઘણી સ્નેહભરી વ્યક્તિઓ સાથે વાંચ્યાં, એ બધી ‘કાવ્યમંગલા’ની એક અનોખી સૃષ્ટિ જેવું બની રહેલું છે. એ બધાની વાત પણ કહેવા જેવી, આસ્વાદનીય છે. પણ તે કામ પણ આત્યારે કે અહીં તો કરવાનું નથી. અને ખાસ મજાનો વિચાર તો આ સંગ્રહનું ‘વિવેચન’ લખવાનો આવ્યો ! ‘અર્વાચીન કવિતા’ના, ‘અવલોકના’ના લેખક તરીકે તો એ હું કરી પણ શકું ! પણ હવે વધુ સમય તો કવિતાદેવીને આપવો જોઈએ એમ પાછું ગણિત ગણાય છે. પણ અત્યારે તો હવે વિદ્યાર્થીબંધુઓના હાથમાં આ પુસ્તક યથાસમય પહોંચી શકે તે કર્તવ્ય કરીને જ અટકું છું.
૨૮-૫-૧૯૭૭

શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી
સુન્દરમ્



માણસની ઉર્મિઓ અને આવેગોને અંતરાત્માના પ્રકાશમાં પહોંચાડી ત્યાં તેમને એક વિશુદ્ધિ આપી આધ્યાત્મિક રૂપ આપવામાં આવે ત્યારે જ તે કાવ્યને માટેનું યોગ્ય વસ્તુ બની શકે છે. જીવનનાં જે કાંઈ પ્રચલિત મૂલ્યો આવે છે તેને ઉન્નત કરીને આત્માનાં મૂલ્યો રૂપે પલટી નાખવામાં આવે ત્યારે જ માત્ર તે કાવ્યમય બની શકે છે. કાવ્યનો આનંદ અને સૌંદર્ય એ કોઈ વિશેષ ગહન રસમાંથી જન્મે છે; માનવનું સપાટી પરનું મન ઉશ્કેરાટ પામીને જીવનનો જે રસ અને આનંદ અનુભવે છે તેમાંથી તે જન્મતાં નથી.

*

કવિતાએ આત્માના આનંદનાં મૂલ સર્જક ઉત્પત્તિ સ્થાનોમાં પહોંચવાનું છે. એ આનંદમાંથી જીવનને નિહાળવાનું છે, અને જીવન સાથેની એ ગહન પ્રેરણાયુક્ત એક્તામાંથી જન્મતા દર્શન વડે જીવનને નવો ઘાટ આપવાનો છે. સાચા કવિના દર્શનનું અંતરતમ પ્રેરણામૂલ તે આવી અંતરતમ આંતર એકતા છે. (Future Poetry, પ્ર.૨૮ માંથી) -શ્રી અરવિન્દ