સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પ્રકાશકીય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <big>'''પ્રકાશકીય'''</big> {{Poem2Open}} મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનશ્રેણીમાં ૨૭, ૨૮ અને ૨૯ નવેમ્બરના રોજ શ્રી જયંત કોઠારીના ‘સંસ્કૃત કાવ્યશાસ્ત્ર...")
(No difference)

Revision as of 02:14, 3 July 2024


પ્રકાશકીય

મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનશ્રેણીમાં ૨૭, ૨૮ અને ૨૯ નવેમ્બરના રોજ શ્રી જયંત કોઠારીના ‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા’ એ વિષય ઉપરનાં વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. આજે એ વ્યાખ્યાનો પુસ્તક રૂપે પ્રગટ કરી શકીએ છીએ એનું બધું શ્રેય જયંત કોઠારીને છે. જયંત કોઠારી જેવા સજાગ સહૃદયી અભ્યાસી આપણી ભાષામાં છે તેની પ્રતીતિ આ પુસ્તકના વાચનમાંથી પસાર થનાર અભ્યાસીને જરૂર થશે. જયંતભાઈની પ્રતિભા એક રસજ્ઞ, મર્મગામી અને પારદર્શી વિદ્વાન તરીકેની છે. અતડા તથા ભારેખમ રહીને પાંડિત્ય ડહોળવાનું તેઓને ક્યારેય અનુકૂળ આવતું નથી. તેમની વિવેચક તરીકેની વિશિષ્ટતા એ છે કે દુર્બોધ દેખાતા વિષયને તેઓ પોતાની રસમય પ્રજ્ઞાથી સુબોધ અને વિશદ કરી આપે છે. જલદીથી પ્રભાવિત થઈ જવું, અંજાઈ જવું એ તેમના સ્વભાવમાં નથી. કૃતિના વાચન – પરીક્ષણ દરમિયાન તેમને જે લાગે તે નિખાલસપણે, કોઈનીયે શેહશરમમાં તણાયા વિના, સીધી સોંસરવી, પૉઇન્ટ બ્લેન્ક ભાષામાં તેઓ કહી શકે છે. અર્વાચીન – આધુનિક કૃતિઓના પ્રત્યક્ષ વિવેચનમાં ભારતીય કાવ્યશાસ્ત્રના વિવિધ સિદ્ધાંતો કેટલા ઉપયોગી થઈ શકે એ પ્રશ્ન વારંવાર આપણે ત્યાં એક કે બીજા સ્વરૂપે ચર્ચાતો રહ્યો છે. આપણે વિવેચન કરતી વખતે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષાનો વિનિયોગ કરીએ છીએ, પણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનો, કેટલાક અપવાદો બાદ કરતાં, વિનિયોગ કરી શક્યા છીએ ખરા? અહીં જયંત કોઠારીએ વિશદતાથી, લાઘવથી સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ધ્વનિ, રસ તથા વક્રોક્તિની વિભાવનાઓને પોતાની આગવી દૃષ્ટિ વડે વિવિધ કૃતિઓની સંમુખ રહી ચકાસી છે. કૃતિના વિશ્વને ઉજાગર કરવામાં આ સિદ્ધાંતો ક્યાં કેટલા પ્રમાણમાં ફળપ્રદ છે કે નથી તે અનેક ઉદાહરણોથી દર્શાવી આપ્યું છે. ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો માટે જયંતભાઈ ઘણી શારીરિક અગવડો હોવા છતાં આવી શક્યા તેને હું અમારા વિભાગનું સદ્ભાગ્ય ગણું છું. અને જયંત કોઠારી પ્રતિ મારી કૃતજ્ઞતાની લાગણી પ્રગટ કરું છું. આ વ્યાખ્યાનોના પ્રકાશનકાર્યમાં ગુજરાતી વિભાગને સહકાર આપવા માટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના સંચાલકશ્રીનો આનંદ સાથે આભાર માનું છું. આ વ્યાખ્યાનોમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રત્યક્ષ કૃતિવિવેચનમાં કેટલી પ્રસ્તુતતા છે એ વિશે કરવામાં આવેલાં કેટલાંક નિરીક્ષણો સાહિત્યરસિક વિદ્યાર્થીઓને તથા અભ્યાસીઓને માટે વિચારપ્રેરક નીવડશે એવો વિશ્વાસ છે.

૨૫ ઑગસ્ટ ૧૯૯૮ નીતિન મહેતા
અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
મુંબઈ યુનિવર્સિટી