સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/વિભાવવૈશિષ્ટ્ય: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 15:52, 4 July 2024
વિભાવવૈશિષ્ટ્ય
થોડાં દૃષ્ટાંતોથી આપણે આ વાત સમજીએ. અતુલચન્દ્ર ગુપ્તે આપેલું વિભાવવૈશિષ્ટ્યનું એક દૃષ્ટાંત સૌ પ્રથમ અહીં નોંધવા જેવું લાગે છે. મહાભારતમાં, પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થયો ત્યારે કૌરવો પાસેથી પોતાનો હક કેવી રીતે મેળવી શકાશે – યુદ્ધથી કે સુલેહશાંતિપૂર્વક એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે ત્યારે દ્રૌપદીનું વર્ણન કવિ કરે છે કે – “કાળી પાંપણોવાળી દ્રુપદનંદિની આટલું બોલીને, વાંકા છેડાવાળો, સુંદર દેખાવનો, ગાઢ કાળો, સર્વ ગંધોથી વાસિત, સર્વલક્ષણસંપન્ન, મોટા નાગ જેવો વેણીબદ્ધ (= ચોટલો ગૂંથેલો) કેશકલાપ ડાબે હાથે પકડીને ગજગતિએ ચાલતી પુંડરીકાક્ષ કૃષ્ણની પાસે જઈને આંસુભરી આંખે ફરી બોલવા લાગી, ‘હે પુંડરીકાક્ષ, જો શત્રુઓ સંધિ કરવાની ઇચ્છા પ્રગટ કરે તો દુઃશાસનને હાથે પકડાયેલો મારો આ કેશકલાપ યાદ કરજો... દુરાત્મા દુઃશાસનના શ્યામળ બાહુને હું કપાયેલો અને ધૂળમાં રોળાતો ન જોઉં ત્યાં સુધી મારા હૃદયને શાંતિ ક્યાંથી થાય?” વગેરે. અતુલચન્દ્ર ગુપ્ત યોગ્ય રીતે જ દર્શાવે છે કે – “મહાભારતકારે બે શ્લોકમાં દ્રૌપદીની મહાભુજંગ જેવી લાંબી જે વેણી (ચોટલા)નું ચિત્ર દોર્યું છે, તે વેણી – જે અઢાર અક્ષૌહિણી ક્ષત્રિયોના રક્તથી પૃથ્વીને રંગવાની છે, તેને જ આલંકારિકો કાવ્યનો ‘વિભાવ’ કહે છે. આ કાવ્યના સઘળા રસનું અવલંબન દ્રૌપદી છે એટલે તે બધા રસને અનુસરતું દ્રૌપદીનું અને તેની ચેષ્ટાનું ચિત્ર, કેશપક્ષં વરારોહા ગૃહ્ય વામેન પાણિના પદ્માક્ષી પુંડરીકાક્ષમ્ ઉપેત્ય ગજગામિની આ કાવ્યનો ‘વિભાવ’ છે. કહેવાની જરૂર નથી કે આવો ‘વિભાવ’ મહાકવિમાં જ સંભવે છે. બીજા કવિને કાં તો આ ચિત્રની કલ્પના જ આવત નહીં, અથવા વેણીના વર્ણનમાં શ્લોક ઉપર શ્લોક ચાલત.” (કાવ્યજિજ્ઞાસા, અનુ. નગીનદાસ પારેખ, પૃ.૪૬-૪૭) ખરી વાત છે. કાવ્યનો જે રૌદ્રમિશ્રિત રસ છે તેના કેન્દ્રમાં વિભાવ તરીકે આ રીતે ચોટલાને સ્થાપિત કરવામાં વિશિષ્ટ કવિકર્મ રહ્યું છે. અહીં ચોટલો શૃંગારનો વિભાવ નથી, શૃંગારનો જે વિભાવ તે કરુણના વિભાવ તરીકે પલટાય છે એનો ચમત્કાર છે, એની નૂતનતા છે. બાલમુકુન્દ દવેના ‘જૂનું ઘર ખાલી કરતાં’ એ કાવ્યમાં બાળકનું મૃત્યુ એ કરુણનો વિભાવ છે. એ તો એક સનાતન વિભાવ છે એમ કહેવાય. પરંતુ એ વિભાવ અહીં નૂતન રીતે પ્રસ્તુત થયો છે એમ નથી લાગતું? એક તો, અહીં બાળકનું મૃત્યુ નથી, બાળકના મૃત્યુનું સ્મરણ છે અને એક ખાસ પ્રસંગે થયેલું સ્મરણ છે ઘર ખાલી કરતી વેળા. એથી સંસારની તુચ્છ વસ્તુને પણ યાદ કરીકરીને પોતાની સાથે લઈ જનાર માબાપ બાળકને જાણે અહીં મૂકીને જઈ રહ્યાં છે એવી જીવનવૈષમ્યની લાગણીને અવકાશ મળ્યો છે. કાવ્યની વિશેષતા એક ચિરપરિચિત વિભાવને પ્રાપ્ત થયેલી આ નૂતનતામાં રહેલી છે. આ જ રીતે ‘પગલીનો પાડનાર’ એ લોકગીતનો માતૃવાત્સલ્યનો ભાવ પણ સનાતન છે. એ ભાવના આલંબનરૂપ અહીં વાસ્તવિક બાળક નથી, પણ બાળકની ઝંખના એટલે કે અભિલષિત બાળક છે ને તોયે એ બાળકને એની વિવિધ ચેષ્ટાઓ – લીંપેલા આંગણામાં પગલી પાડવી, દળાતા લોટની પાળ તોડી નાખવી વગેરે – થી મૂર્ત કરવામાં આવેલ છે. વળી આ બધી બાલચેષ્ટાઓ સ્ત્રીનાં રોજિંદાં ગૃહકાર્યોમાં વિક્ષેપ રૂપે મુકાઈ છે. વિભાવના આ પ્રકારના નવનિર્માણમાં કાવ્યની પોતીકી આસ્વાદ્યતા રહેલી નથી અનુભવાતી? બાલમુકુન્દનું ‘નદીકાંઠે સૂર્યાસ્ત’ પ્રકૃતિરતિનું કાવ્ય છે. એમાં સૂર્યાસ્તસમય, નદીકાંઠો ને ગ્રામપરિવેશ ભેગાં મળીને એક વિશિષ્ટ વિભાવસૃષ્ટિનું નિર્માણ કરે છે. એ વિભાવસૃષ્ટિના સ્પર્શ, દર્શન અને શ્રવણના ઇન્દ્રિયાનુભવોને અવકાશ આપતી રેખાઓ કવિની નિજી કલ્પકતાની છાપ લઈને આવે છે ને એ રીતે કાવ્યમાં આપણે તાજગીનો અનુભવ કરીએ છીએ. નીચેના ચિત્રમાં નદીકાંઠો, ગ્રામપરિવેશ ને સૂર્યાસ્તસમય એકરૂપ થઈને કેવાં આબાદ ઝિલાયાં છે! સઘન ઢળતી વૃક્ષચ્છાયા અતીવ પ્રલંબિની સરિતજળમાં કંપી કંપી વિલુપ્ત થતી જતી. વિભાવમાં ગતિશીલતા આરોપીને – એને બદલાતી અવસ્થામાં મૂકીને વિવિધ ભાવોની ભૂમિરૂપ પણ બનાવી શકાય. કલાપીના ‘એક ઘા’માં નાયકના મનોભાવોનું આલંબન છે પથ્થરનો ઘા પામેલું પંખી. પણ એની જુદીજુદી અવસ્થાઓ આલેખવામાં આવી છે – ઝાડ પરથી નીચે પડવું, પાણી છાંટવા છતાં ઊડી ન શકવું, કળ ઊતરવી ને આંખ ઊઘડવી, (નાયકની આશા અને ધારણા રૂપે) મધુર ગીત ગાવાં ને વાડીનાં મધુર ફળ ચાખવાં, નાયકની પાસે ન આવવું ને ઊડી જવાને ઇચ્છવું વગેરે. આથી નાયકની પલટાતી ભાવદશાને કેવો સુંદર અવકાશ મળ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. વિભાવની કેવી અસાધારણતા શક્ય છે તે સુંદરમ્ની વાર્તા ‘પ્રસાદજીની બેચેની’ બતાવે છે. પ્રસાદજીની બેચેની શા કારણે છે? એક બજારુ ઓરતના મુખમાંથી, રતિસુખ પછીની નિદ્રાધીન અવસ્થામાં, સંભળાયેલો “યા રહીમ! યા રસૂલ!” એ ઉદ્ગાર. એક બજારુ ઓરતને અલ્લાહ સાથે શી નિસબત એ વિચાર પ્રસાદજીને બેચેન કરી મૂકે છે. બજારુ ઓરત વિશેની એમની ધારણા હચમચી ગઈ છે, કદાચ એમના ધાર્મિક ખ્યાલો પણ હચમચી ઊઠ્યા છે.