અર્વાચીન કવિતા/પ્રાવેશિક-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
'''૧૮૮૫ થી ૧૯૩૦'''
'''૧૮૮૫ થી ૧૯૩૦'''


<big>'''પ્રાવેશિક'''</big>
<big>'''પ્રાવેશિક'''</big></center>


{{right|કળાતત્ત્વનો વિકાસ}}
{{right|કળાતત્ત્વનો વિકાસ}}

Latest revision as of 01:48, 11 July 2024

સ્તબક બીજો

૧૮૮૫ થી ૧૯૩૦

પ્રાવેશિક

કળાતત્ત્વનો વિકાસ

અર્વાચીન કવિતાના બીજા સ્તબકની કવિતાનાં નવાં લક્ષણોમાં મુખ્ય લક્ષણ એ છે કે કવિતા ગયા સ્તબક કરતાં વધારે પ્રમાણમાં ગહન અને વ્યાપક બની છે તથા તેના કળાતત્ત્વમાં ઊંડાણ અને વિસ્તાર આવ્યાં છે. ગયા સ્તબકમાં કવિતા પ્રત્યે જે ઉત્સાહ હતો, કવિતાની જે ગાંભીર્યભરી ઉપાસના હતી, તે નવી રીતે પણ આ સ્તબકમાં ટકી રહ્યાં છે, અને વિકાસ તથા વિસ્તાર પામ્યાં છે. આ સ્તબકમાં ગદ્યનાં સર્જનાત્મક તેમજ બીજાં અંગોનો વિકાસ થતાં ગયા. સ્તબકમાં કવિતાને માથે વાગ્વ્યવહારની પ્રત્યેક લૂખીસૂકી ફરજ બજાવવાનું જે કામ આવી પડતું હતું તેમાંથી તેને મુક્તિ મળી અને તે સૌંદર્ય અને રસ તરફ હવે વિશેષ એકાગ્રતાથી અભિસરણ કરવા લાગી. કવિતાના વિકાસ સાથે વિવેચનનો પણ વિકાસ થયો, તે ઊંડું અને મર્મગ્રાહી બનવા લાગ્યું; એટલે કાવ્યકળાનાં મર્મસ્થ તત્ત્વોની ઝાંખી પણ વિશેષ થવા લાગી. એ રીતે કાવ્યનો લેખક અને કાવ્યનો ભાવક એ બંને વર્ગ તરફથી કવિતાનું અનુશીલન ગયા સ્તબક કરતાં ઊંચી, વ્યાપક અને સમૃદ્ધ ભૂમિકાએ પહોંચ્યું.

ઘડનારાં બળો

આ બીજા સ્તબકની કવિતાને ઘડનારાં બાહ્ય બળોમાં મુખ્ય બળ યુનિવર્સિટીની કેળવણી છે. એ કેળવણીમાંથી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જે અભ્યાસશીલ વૃત્તિ આપણા નવયુવાનોમાં જન્મી, તેમણે સરકારી શાળામહાશાળાઓમાં કે ખાનગી રીતે જ અભ્યાસ કર્યો, અને તેને પરિણામે તેઓ સંસ્કૃત, અંગ્રેજી તથા ફારસી સાહિત્યની કવિતા તથા પહેલી બે ભાષાની કવિતા ઉપરાંત તેમાંનાં વિવેચન તથા બીજાં વિચારતત્ત્વોનો જે પરિચય પામ્યા, તેમાંથી ગુજરાતી કવિતામાં છંદ, ભાષા, કાવ્યરૂપો, કળાદૃષ્ટિ તગેરે બાહ્યાંગોમાં અનેક રીતે નવા ઉન્મેષો પ્રગટ્યા. જોકે આ ત્રણ ઇતર સાહિત્યનો, તેમની કવિતાનો તથા કવિતાદૃષ્ટિનો સંપર્ક તો ગુજરાતના કવિઓને ગયા સ્તબકમાં જ થવા લાગ્યો હતો. નર્મદ, હીરાચંદ, શિવલાલ, પીતીત, નવલરામ, ભોળાનાથ વગેરે લેખકોએ સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી કવિતામાંથી એક યા એક કરતાં વિશેષ કવિતાના સંપર્કમાં આવી તેની અસર હેઠળ નવી રીતે લખવા માંડેલું હતું. પરંતુ આ સ્તબકમાં આ ઇતર સાહિત્યોની અસરને ઝીલી તેનો વિશેષ કળામય આવિર્ભાવ પ્રકટ કરનારાં પ્રતિભાસંપન્ન કવિહૃદયો વધારે પ્રમાણમાં પ્રગટ્યાં. અર્થાત્‌, આ સ્તબકમાં ઇતર સાહિત્યોનો સંપર્ક વધારે ઊંડી સમજણવાળો બનવા સાથે સાથે વિશેષ શક્તિવાળી કવિપ્રતિભાઓ પણ આ સ્તબકમાં વિશેષ પ્રગટી અને એ બેના સુયોગથી આ સ્તબકની કવિતા ગયા સ્તબક કરતાં પહેલા જ પદક્રમણમાં ઘણી ઊંચી ભૂમિકાએ પહોંચી ગઈ. અર્વાચીન કવિતા ઉપર આ રીતે સંસ્કૃત, અંગ્રેજી તથા ફારસી સાહિત્યે વધુઓછા ચિરંજીવ તત્ત્વવાળી અનેક અસરો ગુજરાતી કવિતા ઉપર મૂકી છે.

ફારસીની અસર

ફારસી સાહિત્યની અસરને લીધે ગુજરાતી કવિતામાં ‘ગઝલ’ નામે ખોટી રીતે ઓળખાતા વિશિષ્ટ માત્રામેળ છંદો, ફારસી, પદાવલિ, તથા સૂફીવાદનાં તત્ત્વો આવ્યાં. પીતીત તેમજ બીજા પારસી લેખકોને ફારસી સાહિત્ય સાથે હિંદુ લેખકો કરતાં વધારે જીવંત સંબંધ રહેલો છે. તેમની છંદોરચના તથા શૈલી ફારસીની વધારે નિકટ રહેલી છે. માત્ર તેની પારસીશાહી ગુજરાતી ભાષાને લીધે તે કાવ્યો પૂરતું ધ્યાન ખેંચી શક્યાં નથી. ફારસીની આ અસર બીજી અસરોને મુકાબલે બહુ અલ્પજીવી રહેલી છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણા શક્તિશાળી લેખકો ફારસી સાહિત્યના સંપર્કમાં બહુ રહી શક્યા નહિ. મોટા ભાગના લેખકો અંગ્રેજી સાથે સંસ્કૃતના અભ્યાસ તરફ જ વળ્યા. જ્યારે એ સંપર્ક પાછો સ્થપાય છે ત્યારે, ઠેઠ ૧૯૩૦ પછી ‘પતીલ’નાં કાવ્યોમાં એ ફારસી છટા દેખા દે છે. ફારસી સાહિત્યની અસર ન ટકવાનું બીજું કારણ એ કે ફારસીપ્રિય લેખકોએ જે જે છંદો કે પદાવલિ કે શૈલી અપનાવ્યાં, તે બધું જ ગુજરાતીમાં એકરસ થઈ જાય તેવું ન હતું. ગુજરાતી ભાષાએ વિકસતાં વિકસતાં જે ફારસી શબ્દાવલિ પોતાની કરી છે, તથા જે છંદો વધારે પ્રચલિત બની ટકી રહ્યા છે, તેટલા જ ફારસી અંશો ગુજરાતી કવિતામાં ચાલુ રહ્યા, અને ફારસી રંગમાં તરબોળ એવાં કાવ્યો અમુક અપવાદ સિવાય અપ્રચલિત જ રહી ગયાં.

સંસ્કૃતની અસર

સંસ્કૃત અને અંગ્રેજીની અસર ફારસી કરતાં વિશેષ વ્યાપક, ઊંડી, અને આમૂલ પરિવર્તનો નિપજાવનારી બની છે. એ બંને ભાષાની કવિતાએ, કવિતાની દૃષ્ટિએ, તથા એ બંને ભાષાભાષીઓની સંસ્કૃતિએ આપણી કવિતાને અનેક રીતે મૂળથી માંડી શાખા લગી પોષી છે. આમાંથી અંગ્રેજી કરતાં સંસ્કૃતની અસર વધારે નિકટની રહેલી છે. સંસ્કૃત ગુજરાતી ભાષાના માતૃકુલની ભાષા છે, તેમજ એના સાહિત્યમાં આપણી સંસ્કૃતિનાં ઉત્તમ રહસ્યો આવેલાં હોઈ એમાંથી ગુજરાતી કવિતા ઠેઠ પ્રાચીન કાળથી પ્રેરણા લેતી રહી છે. આ તબક્કામાં સંસ્કૃતની અસરમાં વિશેષતા એ આવી કે આપણી સંસ્કૃતિનાં પ્રાચીન અંગો, ખાસ કરીને તત્ત્વજ્ઞાન સાથે આપણો સંપર્ક વિશેષ ગાઢ અને વ્યાપક બન્યો, અને જીવન પ્રત્યેના આપણા દૃષ્ટિબિંદુને ઘડવામાં તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ દૃષ્ટિ સાહિત્યના વસ્તુતત્ત્વમાં પણ પ્રગટવા લાગી. સાહિત્યના બહિરંગોમાં આપણા કવિઓએ સંસ્કૃત કવિતાનાં વિષયો અને પદાવલિ ઉપરાંત છંદો, કાવ્યરૂપો તથા શૈલી પણ ઉતારવા માંડ્યાં. ફારસી અને સંસ્કૃત ભાષાનું સ્વરૂપ ગુજરાતી સાથે ઘણું સમાન લક્ષણોવાળું હોવાથી એ કવિતાના વિષયો સાથે તેનાં છંદો, ભાષા, શૈલી પણ આપણી કવિતામાં સરળતાથી ઊતરી શકતાં અને જોતજોતામાં ગુજરાતી કવિતાની મુખાકૃતિ કંઈ નવી જ બનવા લાગી.

અંગ્રેજીની અસર

અંગ્રેજી ભાષાનું સ્વરૂપ ગુજરાતી ભાષાથી તત્ત્વતઃ ભિન્ન હોવાને લીધે તેની કવિતાની અસર પ્રથમ કાવ્યના વિષયોમાં, અને પછી કાવ્યની શૈલીમાં મુખ્યત્વે રહી. અંગ્રેજી શબ્દોનો સ્વીકાર તો એ શબ્દો જેટલા પ્રમાણમાં ગુજરાતી બની શક્યા તેટલા પૂરતો જ થયો, અને તેમને કવિતામાં સ્થાન તો બહુ મોડું, છેક ૧૯૩૦ પછી જ મળવા માંડ્યું, અને તેય શૈલીની એક લાક્ષણિકતા તરીકે. અંગ્રેજી કવિતાની અસરને લીધે નવાં કાવ્યરૂપો રચાવા લાગ્યાં, પણ એમાં રૂપની નવીનતા કરતાં આપણાં કાવ્યોનું નવી રીતે વર્ગીકરણ કે નામકરણ વિશેષ બન્યું છે. અંગ્રેજી છંદોની અસરનું તત્ત્વ બહુ મોડે કાળે આપણે ત્યાં આવ્યું, પણ એ આવ્યું ત્યારે તેણે આપણી છંદોરચનાને એક આમૂલ પરિવર્તન આપી દીધું. આપણા છંદોમાં અંગ્રેજી છંદોની પ્રવાહિતાનાં તથા અછાંદસતાનાં તત્ત્વો પ્રવેશ પામ્યાં. એ બેમાંથી પહેલું તત્ત્વ વિશેષ રચનાત્મક અને ચિરંજીવ પરિણામો લાવી શક્યું છે. વળી, અંગ્રેજી ભાષાના પ્રયત્નતત્ત્વને બરાબર અનુસરી તેવા પ્રયત્નમેળ છંદો યોજવાનો પ્રયત્ન પણ આપણે ત્યાં થયો. અર્વાચીન કવિતા ઉપર અંગ્રેજી કવિતા કરતાં યે વધારે પ્રબળ અસર તેના યુરોપીય, ખાસ કરીને ગ્રીક સાહિત્યની કળામીમાંસાથી સમૃદ્ધ બનેલા વિવેચને નિપજાવી.

લોકબાનીની અસર

આ ત્રણ અસરો ઉપરાંત આ સ્તબકની કવિતાને ઘડનારું બીજું તત્ત્વ છે આપણી એતદ્દેશીય તળપદી લોકકવિતાની અને લોકબાનીની કળાત્મકતાની અસર. આ લોકબાની કવિતાને ઘડનાર એક બાહ્ય બળ બનવા ઉપરાંત વિશેષ તો કાવ્યનો એક નવો રસાત્મક આવિર્ભાવ નિપજાવવામાં કારણરૂપ બની છે. ગયા સ્તબકની કવિતાની બાની તળપદી અને એતદ્દેશીય રહી છે, પણ તે તેના પ્રાકૃત કળાવિહીન રૂપમાં જ. એ બાનીનો કળામય આવિર્ભાવ કેવી રીતે આપણી લોકકવિતામાં થયેલો છે, તથા તેને નવીન રૂપે કઈ રીતે રજૂ કરી શકાય, તેનો ખ્યાલ આપણા તે સ્તબકના કવિઓને બહુ થોડો રહેલો છે. આ સ્તબકમાં આપણી બાનીનું તેમજ પ્રાચીન લોકકવિતાનું કળાસામર્થ્ય આપણી નજરમાં આવ્યું અને તેનાં કવિતામાં સમાવેશ તથા પુનઃસર્જન યથાશક્તિ થવા લાગ્યાં.

ગયા સ્તબકની સાથે અનુસંધાન

આમ ભિન્નભિન્ન ચાર સરવાણીઓથી પુષ્ટ થયેલી આ સ્તબકની કવિતાનું ઉત્તમમાં ઉત્તમ રૂપ ગયા સ્તબકની કવિતાથી તદ્દન ભિન્ન પ્રતિષ્ઠાવાળું છે, છતાં ગયા સ્તબકની સાથે તેનો સર્વથા વિચ્છેદ પણ નથી થયો. આ સ્તબકના લગભગ બધા કવિઓ તેમની કાવ્યકળાની બાલદશામાં ગયા સ્તબકની પ્રધાન કાવ્યશૈલી – દલપતશૈલીમાં જ પોતાનું કાવ્ય શરૂ કરે છે. એ રીતે દલપતશૈલીનું કાવ્યપ્રદેશમાં બાલદશાની શૈલી તરીકે સ્વરૂપ પણ વધારે સ્પષ્ટ થાય છે. ગયા સ્તબક સાથે આ રીતે આ સ્તબકની કવિતાએ પોતાનું અનુસંધાન જાળવી રાખ્યું, તથાપિ આ કવિઓની પ્રતિભાઓ એ શૈલીમાં વિરામ ન પામતાં પોતપોતાની રીતે નવાં રૂપોમાં વિકસી ઊઠી. આ સ્તબકના ઘણા કવિઓની આવી દ્વિજન્મવાળી કવિતા એ પણ આ સ્તબકનું એક આકર્ષક તત્ત્વ છે.

નવું પ્રસ્થાન, નરસિંહરાવથી?

અત્યાર લગી એમ મનાતું, વિચારાતું અને પુરસ્કારાતું આવ્યું છે કે ગુજરાતી કવિતાએ તેનું પૂર્ણ શુદ્ધ અને નૂતન અર્વાચીન કળારૂપ ઉત્તમ રૂપે નરસિંહરાવની ‘કુસુમમાળા’માં પહેલી વાર ધારણ કર્યું. અને એ રીતે નરસિંહરાવને તથા આ પુસ્તકને શકવર્તી પ્રસ્થાનકાર તરીકે ગણવામાં આવેલાં છે. નરસિંહરાવે પોતે તથા રમણભાઈ વગેરેએ ગુજરાતી કવિતામાં આ રીતે, દલપતશૈલી પછી જે નવો પ્રસ્થાનભેદ થયો છે તેનો પ્રારંભ ‘કુસુમમાળા’થી મૂકવાને જે કારણો આપ્યાં છે તેમાંનું મુખ્ય એ છે કે અર્વાચીન કવિતાનો પ્રસ્થાનભેદ અંગ્રેજી કવિતાસાહિત્યની, પાશ્ચાત્ય દેશની પદ્ધતિની અસર હેઠળ લખાયેલી કવિતાથી થાય છે. પણ દલપતશૈલી પછીની ગુજરાતી કવિતામાં જે પલટો આવેલો છે તેનાં ઘટનાત્મક તત્ત્વો જોતાં આ નિગમન સ્વીકાર્ય રહેતું નથી. એ પલટાનાં ઘટનાત્મક તત્ત્વોમાં માત્ર એકલી પાશ્ચાત્ય પદ્ધતિની કવિતાની જ અસર છે એમ નથી, પણ સંસ્કૃત અને ફારસીની પણ એટલી જ પ્રબળ અસર છે અને તે અસરો ‘કુસુમમાળા’ પહેલાં ક્યારની યે, દલપતશૈલી કરતાં અનેક ગણી પ્રગાઢ કળા રૂપે વ્યક્ત થઈ ચૂકેલી છે. નરસિંહરાવે પોતે તથા બીજા વિચારકોએ ‘કુસુમમાળા’ પહેલાં વ્યક્ત થયેલી સંસ્કૃત અને ફારસી કવિતાની અસરોને જોકે સામાન્ય રીતે સ્વીકારી તો છે, પરંતુ તેને વચલા ગાળાના અને એક અતિ ગૌણ આવિર્ભાવ તરીકે જ વર્ણવી છે, અને કવિતાનું પ્રૌઢ ઉત્તમ રૂપ અંગ્રેજી અસરની કવિતામાં પ્રકટ થયેલું જણાવ્યું છે. પરંતુ વસ્તુતઃ હકીકત એવી નથી. સંસ્કૃત અને ફારસીની અસરવાળી કવિતાને અને અંગ્રેજી અસરવાળી કવિતાને એકસાથે મૂકી સરખાવી જોતાં જણાય છે કે પહેલીને મુકાબલે બીજીમાં કશી ખાસ વિશેષ ગુણવત્તા કે કળાતત્ત્વ નથી, તેમજ સંસ્કૃત અને ફારસીની અસરોનું ઘટનાત્મક બળ અંગ્રેજી અસર કરતાં જરા યે ઓછું નથી. વળી ઘડીભર માની લઈએ કે અંગ્રેજી કવિતાની અસર એ જ ગુજરાતી કવિતાને નવો પલટો આપનારું એકમાત્ર વિધાયક બળ છે, તોપણ ‘કુસુમમાળા’ને એ અસરની કવિતામાં અનન્ય સ્થાન મળે તેમ નથી. ‘અંગ્રેજી અસર તળે લખનારા ગુજરાતી કવિઓમાં પહેલી ખુરસીનો હક્ક નર્મદનો છે.’ એ પછી પારસી બોલીમાં લખનાર છતાં ઘણી સમર્થ રીતે અંગ્રેજી કવિતાની અસરને અપનાવનાર પીતીત આવે છે. તેની પછી હરિલાલ ધ્રુવ અને તે પછી નરસિંહરાવ આવે છે. નરસિંહરાવની અંગ્રેજી ઢબની કવિતા તેમના પહેલાંના આ કવિઓ કરતાં એટલી બધી આગળ વધેલી નથી, તેમાં પ્રયોગની એવી પૂર્ણતા નથી, કે કાવ્યને જરૂરી એવા બધા કળાસંસ્કારો નથી કે જેને બળે તેને શકવર્તી પ્રસ્થાનકાર ગણી શકાય. એ વખતે વિવેચનની જરા પક્ષિલ તથા જરા અવિકસિત દૃષ્ટિવાળી પ્રવૃત્તિ, તથા ‘કુસુમમાળા’ પ્રત્યેનો નવા કવિઓનો બાલદશાનો અહોભાવ એ તત્ત્વોને બાજુએ મૂકી, બધી ઐતિહાસિક હકીકતોના સંદર્ભમાં ‘કુસુમમાળા’ને વિચારી જોતાં માત્ર શુદ્ધ કળાકૃતિ તરીકેનું યા એ ગાળાના ઉન્નત શિખર તરીકેનું સ્થાન ‘કુસુમમાળા’ પામી શકે તેમ નથી. ‘કુસુમમાળા’નાં સમકાલીન કે પૂર્વકાલીન બાળાશંકર, મણિભાઈ કે ભીમરાવનાં કાવ્યોની હરોળમાં ‘કુસુમમાળા’નાં કાવ્યો બળાત્કારે માંડ બેસી શકે. અર્થાત્‌, આ સ્તબકમાં ઉપર જણાવેલાં સાહિત્યોની ગાઢ રૂપે વ્યક્ત થયેલી અસરોમાં અંગ્રેજી અસર એ સૌથી વધુ પ્રબળ ન હોવાને લીધે, તથા અંગ્રેજી અસરવાળી કવિતામાં પણ ‘કુસુમમાળા’નું સ્થાન પણ આદિમ કે અસાધારણ ન હોવાને લીધે આ સ્તબકનો પ્રારંભ તેનાથી એટલે કે ૧૮૮૬થી ન ગણતાં આ ત્રણે ઇતર અસરોમાંથી જે કોઈ અસર ઉત્તમ રૂપે જે કાવ્યમાં વ્યક્ત થઈ હોય તેનાથી ગણવો જોઈએ. આવી રીતે એકદમ નવો પ્રસ્થાનભેદ બતાવે તેવી કવિતા સંસ્કૃત અને ફારસી અસર હેઠળ લખાયેલી છે અને તેનું પ્રથમ ઉત્તમ પ્રકટીકરણ બાલાશંકરના ‘ક્લાન્ત કવિ’માં ૧૮૮૫માં થયેલું છે. ‘ક્લાન્ત કવિ’ કળાના સર્વ ગુણવાળી પૂર્ણ કૃતિ નથી એ વાતમાં સંશય નથી, પણ એ વાત પણ એટલી જ નિઃસંશય છે કે એ ગાળાની બીજી કૃતિઓ એના જેટલી ય ગુણસમૃદ્ધ નથી. અને તેથી ‘ક્લાન્ત કવિ’માં જે કંઈ છે તેટલાથી પણ તેને આ સ્તબકનું પ્રથમ શકવર્તી સીમાચિહ્ન ગણી શકાય તેમ છે.

સ્તબકનો અંતકાળ

આ સ્તબકનો સમાપ્તિકાળ ક્યારથી ગણવો એ પણ જરા વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. દલપત પછી ગુજરાતી કવિતાને નવું કલાત્મક રૂપાન્તર સધાવવામાં જે ચાર ઘટનાત્મક તત્ત્વો પ્રવૃત્ત થતાં આપણે જોયાં તે ચારેનું સ્ફુરણ જ્યાં લગી પ્રબળ રીતે થતું દેખાય અને તેમનાથી એક ડગલું આગળ ભરતી નવી કવિતા જ્યાં લગી ન પ્રગટે ત્યાં લગી આ સ્તબકની વ્યાપ્તિ ગણવી જોઈએ. એ દૃષ્ટિએ વિચારતાં આ સ્તબકની મર્યાદા ૧૯૩૧માં ઉમાશંકર જોશીના ‘વિશ્વશાંતિ’ની લગભગ મૂકી શકાય. આ પિસ્તાળીસ કરતાં ય વધુ વર્ષનો ગાળો પ્રથમ દૃષ્ટિએ ઘણો લાંબો અને એક કરતાં વિશેષ સ્તબકોમાં વહેંચી શકાય તેવો છે. જેમકે બીજો પેટાસ્તબક સહેલાઈથી ૧૮૯૮માં ન્હાનાલાલના ‘વસન્તોત્સવ’માં અને ત્રીજો પેટાસ્તબક ૧૯૧૭માં બળવંતરાયના ‘ભણકાર’થી યા ૧૯૨૩માં કાન્તના ‘પૂર્વાલાપ’થી શરૂ થતો મૂકી શકાય. પરંતુ વાસ્તવિક રીતે આ ગાળાની કવિતા આમ પૂર્વાપર રીતે વિકસી નથી. કાન્તની કવિતાની ઉચ્ચ ટોચ તો ઠેઠ ૧૮૮૯માં ‘વસંતવિજય’માં ન્હાનાલાલની પૂર્વે આવી ગયેલી છે. બળવંતરાયની કવિતાનો લાક્ષણિક પ્રારંભ ૧૮૯૩થી શરૂ થઈ ૧૯૦૨માં તે ‘આરોહણ’ લગી પહોંચી ગયેલો છે. હા, ૧૮૯૮ પહેલાં સંસ્કૃત અને ફારસી અસરની પ્રધાનતાવાળી કવિતાનો અમુક જુવાળ તેની શક્ય તેટલી છેલ્લી હદે પહોંચી ગયેલો છે. બાળાશંકર, મણિલાલ, કલાપી, ભીમરાવ, હરિલાલ ધ્રુવ વગેરેનું કાર્ય ૧૮૯૮ની લગભગ પૂરું થઈ ચૂકેલું છે, પણ બીજી બાજુ ૧૮૯૮ પછી નવો કોઈ પ્રારંભ હોય તો તે ન્હાનાલાલ પૂરતો જ છે. ન્હાનાલાલનું કાર્ય તેની અનોખી સજધજથી તથા ઝગમગતા રંગરાગથી આંખને પ્રથમ દૃષ્ટિએ ખૂબ વળગે તેવું, તદ્દન શકવર્તી લાગે તેવું છે. હા, ન્હાનાલાલમાં આ ગાળાના બીજા કોઈ પણ કવિ કરતાં લોકકાવ્યની તળપદી કળાનો ઉન્મેષ સૌથી વધુ ઉત્તમ અને વિશેષ રૂપે છે, પણ ન્હાનાલાલની કવિતાને સમગ્ર રીતે જોઈએ તો તેમાં સંસ્કૃત અને અંગ્રેજી કવિતાના ઘટનાત્મક અંશો પણ એટલા જ પ્રબળ છે. તેમજ ન્હાનાલાલની સાથેસાથે જ સંસ્કૃત અને અંગ્રેજી કવિતાની અસરો હેઠળ તેમની યે પૂર્વે લખવા લાગેલા નરસિંહરાવ, કાન્ત તથા બળવંતરાયનું કાવ્યસર્જન, તેમજ સંસ્કૃત-ફારસી તથા અગમનિગમની અસર તળેનું ત્રિભોવન પ્રેમશંકર તથા સાગરનું કાવ્યસર્જન ન્હાનાલાલના જેટલી જ કળાત્મકતાથી પ્રવૃત્ત રહેલું છે. એટલે ૧૮૯૮ પછી ન્હાનાલાલનું કાર્ય બીજા કવિઓ કરતાં વધારે લોકપ્રિય બનેલું છે છતાં ગુજરાતી કવિતાના ભિન્નભિન્ન નવીન પ્રવાહો સરખા પ્રાબલ્યથી એકીસાથે વહેતા રહેલા છે. એ રીતે ન્હાનાલાલના કાવ્યારંભથી જૂની અસરોનો અંત વા ગૌણત્વ તથા તદ્દન નવી અસરનો પ્રારંભ સૂચવી શકાય તેવો સ્તબકવિભાગ રચવો શક્ય નથી. અને તેથી આ છેંતાળીસ વરસના આખા ગાળાને એક સળંગ પટ રૂપે વિચારવો ઠીક રહેશે.

આ સ્તબકના કવિઓ : મસ્ત રંગ

આ સ્તબકના પ્રારંભનાં પાંચેક વરસમાં જ, ૧૮૮૫થી ૧૮૯૦ સુધીમાં સંસ્કૃત, ફારસી અને અંગ્રેજી કવિતાની અસર હેઠળનાં કાવ્યો એક સાથે લખાવાં શરૂ થઈ ગયાં છે; જોકે આ ત્રણેમાં સંસ્કૃતની અસર તો ૧૮૮૫ પહેલાં પણ આપણા કવિમાનસ ઉપર કામ કરવા લાગી ગયેલી છે : ભીમરાવના ‘પૃથુરાજરાસા’નું સંસ્કૃત મહાકાવ્યની ઢબે મંડાણ ઠેઠ ૧૮૭૦થી થઈ ગયેલું અને દોલતરામનું ‘ઇંદ્રજિતવધ’ પણ ૧૮૮૫ના પહેલાં લખાવા માંડ્યું હશે. બાળાશંકરના ‘ક્લાન્ત કવિ’ની ઘટનામાં સંસ્કૃત ‘સૌંદર્યલહરી’ની અસર ઓછી નથી. ફારસી છંદોની ભાષાની અને સૂફીવાદની અસર બાળાશંકર, મણિલાલ, દેરાસરી અને કલાપીમાં તે પછી પ્રગટે છે, પરંતુ તેમનામાં ય વિશેષે મણિલાલમાં આપણું અદ્વૈતદર્શન તથા એતદ્દેશીય પ્રણયભાવના કામ કરતાં રહે છે. હરિલાલ ધ્રુવ, નરસિંહરાવ, કાન્ત, બળવંતરાય સંસ્કૃત, અંગ્રેજી અને એતદ્દેશીય તળપદી અસરોનું વત્તાઓછા પ્રમાણમાં મિશ્રણ પ્રગટાવતાં પોતપોતાની મૌલિક રીતે કાવ્યસર્જન તરફ વળે છે. આમ આ ગાળાના શક્તિશાળી કવિઓનું કાર્ય ભિન્નભિન્ન પ્રવાહોમાં લગભગ એક જ સાથે વહેતું રહે છે, વળી સાચી પ્રતિભા હમેશાં અનન્ય સાધારણ હોય છે તે મુજબ આ કવિઓમાં જેઓ ખરા પ્રતિભાશાળી છે તેમનું ઉચ્ચતમ કાવ્ય બાહ્ય અંશોમાં તે બીજા સાથે અમુક સામ્ય ધરાવે છતાં તત્ત્વમાં તો તે અનન્ય છે; એટલે તેમના કાર્યનો કોઈ ને કોઈ રીતે વિભાગવાર વિચાર કરવો બને તેમ નથી. માત્ર આ કવિઓમાંથી કેટલાયમાં એક પ્રવાહનું સાતત્ય અમુક અંશોમાં ટકી રહેલું છે. અને તેટલા પૂરતું તેમનું કાર્ય એકીસાથે વિચારી શકાય તેમ છે. એ છે જેમને ‘મસ્ત રંગ’ના કવિઓ તરીકે ઓળખાવવામાં આવે છે તે બાળાશંકર, મણિલાલ નભુભાઈ, કલાપી, ત્રિભોવન પ્રેમશંકર અને સાગર – આ કવિઓ મિત્રભાવે, ગુરુશિષ્યભાવે, તેમજ અમુક ભાવનાસામ્યે એકબીજાની સાથે સંકળાયેલા છે. જોકે દરેકની કેટલીક અતિવિશિષ્ટ લાક્ષણિકતાઓ પણ છે, તો ય તેમની કવિતા આ ગાળાની બીજી કવિતા કરતાં એક વિશિષ્ટ આર્દ્ર રંગદર્શિતા, તમન્નાની અને અનુભવની એક રણકતી સચ્ચાઈ, તથા બીજા કવિઓ કરતાં જીવનના ઊંડાણમાંથી પ્રગટતી સાચી ઊંડી ખોજનું તત્ત્વ બતાવે છે. આવી આંતરિક ખોજ બીજા કવિઓમાં માત્ર કાન્તમાં છે, પરંતુ તેમના કાવ્યનું રૂપ આ કવિઓના કાવ્યથી તદ્દન નિરાળું હોઈ તેને આ પ્રકારની અંદર સમાવી શકાય નહિ. વળી હરિલાલ ધ્રુવ જેવામાં એક જાતની મસ્તી છે ખરી, પરંતુ તે જીવનની કોઈ ઊંડી ભૂખ સાથે સંકળાયેલી નથી. આ બધું જોતાં ઉપર જણાવેલા પાંચ કવિઓ તેમના મુખ્ય અંશોમાં વિશેષ રૂપે આંતરિક અને બાહ્ય સંવાદિતા ધરાવતા હોવાથી તેમનું નાનકડું જૂથ બને છે.

સંસ્કૃત જાગૃતિના કવિઓ

આ પાંચ સિવાયના બીજા કવિઓમાંથી દરેક પ્રતિભાશાળી વ્યક્તિ પોતે જ પોતાનો ગુરુ અને શિષ્ય હોય એવું બન્યું છે. અને કદીક તો તેઓ પરસ્પર પણ ગુરુશિષ્યો બનેલા છે. એમનામાંના કેટલાકને સાક્ષરયુગના કવિ તરીકે ઓળખાવવામાં આવે છે. ભાષાની સંસ્કૃતમયતા કે શૈલીની અમુક પ્રકારની પ્રૌઢિને લીધે આ નામ એમને અપાયું છે તે સાવ ખોટું નથી, પરંતુ એમને સંસ્કૃત જાગૃતિના કવિઓ તરીકે ઓળખવામાં વધારે સત્ય છે. મુનશીએ ગોવર્ધનરામથી શરૂ થતા સમયને સંસ્કૃત જાગૃતિનો કાળ કહ્યો છે તે વધારે ઔચિત્યપૂર્ણ છે અને તે પરથી આ કવિઓને પણ સંસ્કૃત જાગૃતિના કવિઓ કહી શકાય. આ પહેલાંના મસ્ત રંગના કવિઓમાંથી બાલાશંકર અને મણિલાલ પણ આ વર્ગમાં આવે તેમ છે, છતાં ઉપર જોયું તે પ્રમાણે તેમની કવિતાના તત્ત્વનું પ્રધાન લક્ષણ આ કવિઓથી ભિન્ન હોવાથી તેમને આ વર્ગણીમાં પૂરેપૂરા સમાવીશું નહિ. વળી આ બીજા વર્ગના કવિઓની શૈલી તેમની વિકાસદશામાં અમુક અંશે બીજાથી ઘડાયેલી હોવા છતાં ઘણાં વૈયક્તિક લક્ષણોવાળી હોવાને કારણે, તેમનામાંથી બીજાં જૂથ ઊભાં થઈ શકે તેમ હોવા છતાં તેમ કરવું જરૂરી નથી. એમને તેમના સર્જનારંભના ઐતિહાસિક ક્રમમાં અવલોક્યા છે. જોકે એમાં અમુક સ્થળે જ્યાં અપવાદ કર્યો છે ત્યાં એ કારણ રહ્યું છે કે કેટલીક વાર કવિના સર્જનારંભનો ચોક્કસ સમય હાથ નથી લાગ્યો, અથવા કદીક તેનું સર્જન અમુક રૂપે વહેલું થયેલું હોવા છતાં તેનામાં સ્વતંત્ર વ્યક્તિત્વ મોડું આવ્યું છે.

સ્તબકની કાવ્યપ્રવૃત્તિ

આ સ્તબકની ગુજરાતી કવિતાએ ગયા સ્તબક કરતાં અનેક ગણી પ્રગતિ કરેલી છે. કવિતાલેખકોની સંખ્યામાં, વધારે પ્રતિભાશાળી કવિઓના પ્રાકટ્યમાં, કવિતાના રસિકો અને આછાપાછા ઉપાસકોના વર્ગમાં, કવિતાની સમજમાં, કળાના રસાસ્વાદમાં અને કાવ્યનાવિવેચનમાં ઘણી પ્રગતિ થયેલી છે. આ સ્તબકમાં સવાસોએક જેટલા નાનામોટા કવિતાલેખકો મળે છે. ઊંચી કળાશક્તિવાળા તથા તેનો અભાવ હોય તોપણ કોઈ ને કોઈ કારણે બહુ લોકપ્રિય બનેલા એવા વીસેક કવિઓ આ સ્તબકમાં મળે છે, જે સંખ્યા ગયા સ્તબક કરતાં બમણી છે. ઉપરાંત આ ગાળાના સાચા કવિઓએ જે કળાસિદ્ધિ કરેલી છે તેનું તો ગયા સ્તબકની કળા સાથે કોઈ જ ગુણોત્તર મૂકી શકાય તેમ નથી. આ પ્રતિભાશીલ કલાકારોને બાજુએ મૂકતાં બાકીના સોએક લેખકોમાંથી અર્ધા જેટલા નિઃસત્ત્વ લેખકોને બાદ કર્યા પછી પણ જે બાકી રહે છે તેમાં વૈયક્તિક કળાતત્ત્વ વિશેષ જોવા મળે છે. અને તે કળાની પ્રગતિનું એક ઘણું સૂચક તત્ત્વ છે. ગયા સ્તબકમાં દલપતશૈલીનું જે એક ચકવે રાજ્ય ચાલે છે, તેને જે થોકબંધ અનુયાયીઓ મળી રહે છે, તેવું આ ગાળામાં કોઈ એક કવિની શૈલી વિશે બનતું નથી. એનો અર્થ એ નથી કે દલપતશૈલીમાં કળાનું અતિશય વર્ચસ્‌ હતું, માત્ર તેને અનુસરનારાઓમાં જ મૌલિકતાની અતિશય મંદતા હતી. આ મંદતા આ ગાળામાં ઘણી ઓછી થઈ ગઈ છે; સાવ અલોપ થઈ છે એમ તો ન જ કહી શકાય. ન્હાનાલાલના રાસશિષ્યો – તેમનો એક મઠ બને તેટલા પ્રમાણમાં મળે છે, તેમજ એથી થોડા પ્રમાણમાં સસ્તા ગઝલકારો પણ મળી આવે છે. તો ય બીજાની શૈલીનું આવું નિઃસત્ત્વ અનુકરણ કરતાં કરતાં તેમાંથી નીકળી જઈ પોતાની સ્વાયત્ત પ્રતિષ્ઠા જમાવનાર, અથવા તો પોતાની હળવી રીતે આછીપાતળી છતાં જેને સર્વથા પોતાની જ કહેવાય તેવી શૈલીમાં લખનાર, કંઈ નહિ તો થોડી પણ મૌલિક સૌંદર્યવાળી રચનાઓ મૂકી જનાર, અને કોઈ સુભગ ક્ષણમાં કળાના વરદ હસ્તનો સ્પર્શ પામનાર લેખકો ગયા સ્તબક કરતાં ઘણા વધારે પ્રમાણમાં મળે છે.

સ્તબકના ખંડકો

આ સ્તબકની કવિતાનું અવલોકન ત્રણ વિભાગમાં કર્યું છે : પહેલા વિભાગમાં મસ્ત રંગના કવિઓ, બીજા વિભાગમાં સંસ્કૃત જાગૃતિના કવિઓ, તથા ત્રીજા વિભાગમાં પ્રકીર્ણ પ્રકારની શક્તિ બતાવનાર કવિઓને મૂક્યા છે. આપણે ઉપર જોયું તેમ ગયા સ્તબક જેવાં વિશાળ કવિકુળોનો ઉદ્‌ગમ આ ગાળામાં બન્યો નથી. વિશેષ લોકપ્રિય થયેલા કવિઓના અનુયાયીઓ થોડાથોડા મળે છે ખરા, પણ મોટે ભાગે તેઓ પોતાની મૌલિકતા વિકસાવવાથી કંઈક સ્વતંત્ર સ્વાયત્ત સ્થાનના અધિકારી બનેલા છે. અને જેઓ અનુકરણમાં જ પડેલા છે તેઓ પોતાના અનુકાર્ય ગુરુની બૃહત્‌ પ્રતિભાનું અનુકરણ એટલું બધું અલ્પાંશમાં તથા દરિદ્ર રીતે કરે છે કે તેમને અમુકના અનુયાયી ગણવાથી તેમના ગુરુને કે તેમને પોતાને કશા યશની પ્રાપ્તિ થાય તેમ નથી. વળી કેટલાક અલ્પ પ્રતિભાવાળા અનુકરણકારો એવા પણ છે કે જેઓ એક કરતાં વધારે શૈલીઓ તરફ વળ્યા છે. આવા બધા લેખકોને તેમની રચનાની પ્રસિદ્ધિ પ્રમાણે ઔતિહાસિક ક્રમમાં લઈ લીધા છે. અને જરૂર જણાઈ છે ત્યાં તેમના કુળકવિનો નિર્દેશ કર્યો છે.