અર્વાચીન કવિતા/‘કલાપી’–સુરસિંહજી ગોહેલ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:32, 11 July 2024
કલાપીની મસ્તરંગના કવિઓમાં વિશેષતા
કલાપીનો કેકારવ (૧૯૦૩), હમીરજી ગોહેલ (૧૯૧૩), કેકારવની પુરવણી (૧૯૨૩). કલાપી મસ્તરંગના કવિઓમાં બાલાશંકર અને મણિલાલના શિષ્ય તરીકે આવે છે. બાલાશંકર પાસેથી તે ગઝલોની દીક્ષા લે છે, મણિલાલ પાસેથી અધ્યાત્મજીવનની; પરંતુ તેનું કવન કોઈ ખાસ ગહનતાએ પહોંચતું નથી. કલાપી આ મસ્ત જીવનમાં હજી બાલદશાનો કવિ છે. એ ગહનતાનો સ્પર્શ કરવાની ભૂમિકાએ તેનું જીવન પહોંચ્યું ન પહોંચ્યું ત્યાં તો એનો અંત આવી ગયો. તો ય જીવનમાં છેલ્લાં ત્રણેક વરસમાં, ખાસ કરીને શોભના સાથેના લગ્ન પછીના ગાળામાં એનું પ્રગટેલું કાવ્ય એ ગહનતાનો થોડો છતાં અત્યંત સાચો સ્પર્શ આપે છે. તે પહેલાંનું એનું કાવ્ય તેના જીવનના વિકાસ સાથે આછીપાતળી રીતે વહ્યા કરે છે. કલાપીના એ મુગ્ધ જીવનમાં માનવપ્રાણની સ્થૂલ ભૂમિકા પરના પ્રણયનો એક જબ્બર ઝોલો આવી ગયો. એનું મોટા ભાગનું કવન આ પ્રણયના ઉદ્ગાર જેવું બન્યું છે. પરંતુ કલાપીનું ચિત્તંત્ર જીવનની બીજી કોમળ લાગણીઓ, કહો કે સર્વ ભૂત તરફ ખૂબ સંવેદનશીલ હતું, તેમજ એ સંવેદનોને વ્યક્ત કરનાર કળાઓ કાવ્ય, ચિત્ર, સંગીત આદિ તરફ પણ કલાપી એટલો જ અભિમુખ અને તેમનો પિપાસુ તથા અભ્યાસી હતો. એટલે કલાપીને જે જે કળાકારોનો, કવિઓનો, કવિમિત્રોનો, ચિંતકોનો તથા જીવનની પરિસ્થિતિનો સંપર્ક થયો અને તેમના સંપર્કને લીધે તથા તેના પોતાના જીવનમાંથી પણ તેનામાં જે જે ભાવો, ભાવનાઓ અને વિચારો સ્ફુરિત થતા ગયા તે સર્વને તેણે ઓછામાં ઓછા આયાસથી, વધારેમાં વધારે સરળતાથી, અને દર્શનની ગહનતામાં પહોંચ્યા વગર, છતાં ઋજુ કોમળ આલેખનથી કવિતામાં મૂક્યાં છે. આ રીતે કલાપીની કવિતા બાલાશંકર કે મણિલાલ કરતાં વધારે વિસ્તૃત ક્ષેત્રમાં ઘૂમતી થઈ છે. તેમાં યે તેની અનાત્મલક્ષી કૃતિઓ, તેમનું બીજ આત્મલક્ષી રીતનું, તેના અંગત જીવન સાથે સંબંધ રાખતું હોવા છતાં, સ્વતંત્ર રીતે પણ ખૂબ ગણનાપાત્ર છે. કલાપીનું કાવ્ય અત્યંત લોકપ્રિય થયું તેનું આ પણ એક કારણ છે કે તે પ્રાકૃત માનવહૃદયને, ખાસ કરીને મુગ્ધ યુવાનહૃદયને તરત સમજાઈ જાય તેમજ ગમી જાય તેવી, ભાવ ભાવના અને વિચારની ભૂમિકા ઉપર રહી બહુ નિખાલસતાથી પોતાની કવિતા ગાય છે.
કલાપીની કવિતાનું ઘડતર અને સ્વરૂપ
કલાપીની મોટા ભાગની કવિતાએ ગહનતા ગુમાવી છે તો તેણે વિસ્તાર સાધ્યો છે. તેણે પોતાની કવિતાને તે વખતે ઉપલભ્ય એવી બધી અસરોથી ઘડાવા દીધી છે. બાલાશંકર અને મણિલાલ પાસેથી તેણે ગઝલો લીધી, નરસિંહરાવ તથા તેમની મૂળપ્રેરણારૂપ વડ્ર્ઝવર્થ, શેલી આદિ આંગ્લ કવિઓ પાસેથી તેણે પ્રકૃતિભક્તિ અને પ્રકૃતિકવિતા મેળવી, કાન્ત પાસેથી ખંડકાવ્યો મેળવ્યાં, અને પોતાના આ કાવ્યગુરુઓ કરતાં દરેક ક્ષેત્રમાં તેણે ઘણું વિસ્તૃત કાર્ય કર્યું. જોકે એનો અમુક ભાગ બાદ કરતાં કળાગુણમાં તેના ગુરુઓના કાવ્યને ટપી જાય તેવું નથી, તો ય કલાપીનું ઉત્તમમાં ઉત્તમ કાવ્ય એમની કક્ષામાં બેસી શકે તેવું તો છે જ. કલાપીની કવિતાનો મોટો ભાગ સહજસિદ્ધ આયાસમુક્ત સર્જન છે. તેની ગઝલોમાં અમુક જાતની કૃત્રિમતા છે, કાન્તનાં અંજનીનાં ગીતોનાં અનુકરણોમાં કેટલીક સાવ નિઃસત્ત્વતા છે; પણ તે સિવાયનું કાવ્ય, તે કહે છે તે પ્રમાણે ‘નિઃશ્વાસ પેઠે’ આપોઆપ સ્ફુરતું આવ્યું છે. તેણે કાવ્યકળાનો ઠીકઠીક અભ્યાસ કર્યો છે. કળા વિશે તેનામાં ઊંડી જાગરૂકતા છે, સંસ્કૃત તથા અંગ્રેજી કવિતાનું તેનું પરિશીલન પ્રશસ્ય છે, તેનો ભાષાભંડોળ પણ સમૃદ્ધ છે અને ભાવનાઓની તથા લાગણીઓની તો તે પોતે જ ખાણ છે; પરંતુ તેનામાં કળાનું સંયમિત બુદ્ધિનિયંત્રિત આત્મવિશ્વસ્ત સર્જક અને સંયોજક એવું પરમ સામર્થ્ય થોડું છે. આ તત્ત્વના અભાવથી તે પોતે પણ સારી રીતે જાણકાર છે; પરંતુ એ ખામીને તે પોતાની પ્રકૃતિનું અવિચ્છેદ્ય અંગ સમજે છે અને એ દિશામાં વિશેષ આયાસ કરવા જતાં પોતાની જે કંઈ કળાશક્તિ છે તે ય આપે છે તેટલું કામ આપતી બંધ થઈ જશે, કાવ્યને સારું કરવા જતાં તે કથળી જશે એમ તેને લાગ્યા કરે છે. અને તે સાચું પણ છે. આ એની કળાની તેણે પોતે સ્વીકારેલી મર્યાદા છે; એમ છતાં એની નિરાયાસ નિઃશ્વાસ રૂપે વહેતી કવિતામાં પણ કળાના લોકોત્તર સ્પર્શો નથી જ આવ્યા એમ નથી. કલાપીની કવિતામાં મોટામાં મોટી ઊણપ કાવ્યના દેહની શિથિલતા છે. એ લાગણીપ્રધાન ચિત્ત કોઈ પણ ઊર્મિ, વિચાર કે પરિસ્થિતિના બને તેટલા વિસ્તારમાં જ મોટે ભાગે સાર્થક્ય જુએ છે; પરંતુ તે સિવાય તેની કવિતામાં બીજાં એવાં અનેક શુભ લક્ષણો છે જે આજ લગીની કવિતામાં પહેલી જ વાર અહીં પ્રકટ થયાં છે. એની બાનીમાં જૂજ બે-ચાર પ્રસંગો સિવાય સર્વત્ર એક જાતનું સૌજન્ય અને આભિજાત્ય છે. તેની બાની દલપતશૈલીની પ્રાકૃત સરળતાથી તથા સંસ્કૃત શૈલીની જટિલતાથી મુક્ત રહી એક નવો જ સરળ છતાં પ્રૌઢ અને શિષ્ટ અર્થપ્રસાદ ધારણ કરે છે. એની વાણીમાં આ જ આભિજાત્યને લીધે એક પ્રકારની કુમાશ, નિકટતા અને આર્દ્ર કરે તેવું માર્દવ પ્રગટ્યાં છે. અને આ લક્ષણોને બળે તેની કવિતા હૃદયની એકદમ નજીક આવી જાય છે. એમ કહી શકાય કે કલાપી પ્રાકૃત હૃદયનો છતાં પ્રાકૃતતામાંથી છૂટવા મથતો, ક્યાંક ઊંચે ઊડવા મથતો, ક્યાંક ઊંડે તાગ લેવા ધસતો એક સાદા અભીપ્સાશીલ અને કોમળ સંવેદનશીલ સ્નેહાળ હૃદયનો કવિ રહ્યો છે.
કલાપીનાં કાવ્યોના વિભાગ, ગઝલો
કલાપીની સાતેક વરસના ગાળામાં મોટી સંખ્યામાં લખાયેલી કવિતા બે મુખ્ય ભાગમાં વહેંચાઈ જાય છે : આત્મલક્ષી અને અનાત્મલક્ષી. આત્મલક્ષી કાવ્યોનું સ્વરૂપ બે પ્રકારનું છે : એક છે ગઝલોનું, બીજું છે અંગ્રેજી રીતની ઊર્મિકવિતાનું. ગઝલોનો કેટલોક ભાગ કૃત્રિમ નિપજાવેલી લાગણીઓનો છે, તોપણ તેવી કૃતિઓ બાદ કરતાં બાકીનામાં કલાપીને ઘણી સફળતા મળેલી છે. ફારસી ગઝલની જે વિશિષ્ટ લઢણ છે તેમાં કલાપીએ કેટલીક વાર બહુ સામર્થ્ય બતાવ્યું છે. તેના જીવનમાં છેલ્લાં બે વર્ષોમાં લખાયેલી સનમને ઉદ્દેશેલી ઈશ્વર પ્રત્યે અભિમુખતા તથા તીવ્ર અને બૃહત્ ઉત્કંઠા વ્યક્ત કરતી ગઝલો ગઝલના મૂળ ફારસી અર્થમાં ઉત્તમ રૂપની બનેલી છે. કાન્તે તેમને ‘ભવ્ય ગઝલો’ કહી છે તે સર્વથા ઉચિત જ છે.
આત્મલક્ષી ઊર્મિકાવ્ય
ગઝલો સિવાયનાં બીજાં આત્મલક્ષી કાવ્યોમાં અર્વાચીન ઊર્મિકાવ્યની રીતિનાં કેટલાંક ઉત્તમ દૃષ્ટાંતો મળે છે. એ કલાપીના આંતરજીવનના, ભાવનાવિકાસના તથા સંવેદનસરણીના આલેખ જેવાં બનેલાં છે. એ કાવ્યનાં મૂળ કલાપીના અંગત જીવનમાં હોવા છતાં તેનું રૂપ અંગત જીવનની નોંધ જેવું નથી રહ્યું. તેને કલાપીએ કાવ્યોચિત તાટસ્થ્ય તેમજ આદર્શાત્મકતા આપી છે. આ કાવ્યો પ્રણયની અભીપ્સા અને અપ્રાપ્તિની વ્યથાના ભાવોને મોટે ભાગે નિરૂપે છે. આ ભાવો, ખાસ કરીને વ્યથાના ભાવો આટલી સુભગ, મધુર અને નિર્મળ રીતે ગુજરાતી કવિતામાં પહેલી જ વાર આવિર્ભાવ પામ્યા છે. આ ઉપરાંત આ કાવ્યોમાં બીજો પણ મહત્ત્વનો અંશ છે. એ છે કલાપીનું ચિંતન. કલાપીના પ્રણયરુદન પર જેટલું ધ્યાન અપાયું છે તેટલું તેની આ ચિંતનસમૃદ્ધિ પર નથી અપાયું. એનું ચિંતન ઊર્મિની આસપાસનું છે છતાં તે ઊર્મિલ નથી, પણ કેટલીક વાર તે જીવન વિશે બહુ પ્રબળતાથી તથા ઊંડી સત્યનિષ્ઠ રીતે પ્રવર્તે છે. આ ઊર્મિકાવ્યો વિશે સૌથી ધ્યાન ખેંચે એવી બિના એ છે કે એ કાવ્યો કવિના જીવનમાં પ્રણયની તૃપ્તિની સ્થિતિ પ્રાપ્ત થતાં તરત જ અટકી ગયાં છે. કલાપી આ કાવ્યોમાંની નિખાલસ ઊર્મિઓમાં નર્મદને બહુ મળતો આવે છે. નર્મદ પછી એટલા પ્રબળ તેમજ ખુલ્લા આંતર-આવેગવાળો આપણો પહેલો કવિ કલાપી છે. અને નર્મદની કવિતા પણ જેમ એકાએક એ આંતરઆવેગોને પલટો મળતાં અટકી જાય છે તેમ કલાપીની કવિતા વિશે પણ બન્યું છે. કલાપી અને નર્મદ વચ્ચેનું આ પ્રકારનું સામ્ય બહુ ધ્યાન ખેંચે તેવી ઘટના છે.
અનાત્મલક્ષી કાવ્યો
કલાપીનાં અનાત્મલક્ષી કાવ્યોનું મૂળ કલાપીની પોતાની કોઈક ને કોઈક આત્મલક્ષી મનોવૃત્તિમાં કે જીવનઘટનામાં છે, છતાં તે કાવ્યો સ્વતંત્ર અનાત્મલક્ષી વસ્તુપ્રધાન કૃતિઓ રૂપે પણ વાંચી શકાય તેમ છે. કલાપીની કવિ તરીકેની કીર્તિનો મોટા ભાગનો મદાર આ કાવ્યો ઉપર વિશેષ રહેશે એમ લાગે છે. કલાપીનું આ વસ્તુપ્રધાન વિપુલ સર્જન તેને આ મસ્ત કવિઓથી ખાસ જુદો પાડી દે છે; જોકે મણિલાલનાં અને ત્રિભુવન પ્રેમશંકરનાં અનાત્મલક્ષી કાવ્યો થોડાં છતાં પણ ખૂબ મહત્ત્વનાં અને ઊંચી કૌટિનાં છે તે અત્રે નોંધવું જોઈએ.
પ્રકૃતિ-કાવ્યો
કલાપીનાં આત્મલક્ષી કાવ્યોના બે વિભાગ પડે છે : પ્રકૃતિનાં કાવ્યો અને ખંડકાવ્યો. પ્રકૃતિનાં કાવ્યોના મૂળમાં નરસિંહરાવની સીધી પ્રેરણા દેખાય છે, પણ તેના ઉપર વડ્ર્ઝવર્થના સંસ્કારો વધારે છે. ‘કમલિની’ જેવા કાવ્યમાં કલાપી ‘ચંદા’ના કવિને કેટલાક અંશોમાં ટપી જાય છે. કલાપીએ પોતાની કેટલીક કૃતિઓ અંગ્રેજી કાવ્યો પરથી પણ કરેલી છે અને તેમાં પણ પોતાની શૈલીના બધા ગુણો જાળવી રાખી તેને નરસિંહરાવ કરતાં વધારે પ્રાસાદિક રૂપ આપ્યું છે. ‘વનમાં એક પ્રભાત’માં તે હરિલાલ ધ્રુવની ઘટ્ટ શૈલીનું સફળ અનુસરણ કરી શકે છે. કુદરત અને માનવના સંબંધની વડ્ર્ઝવર્થની ભાવના નરસિંહરાવ કરતાં કલાપીએ વધારે પ્રાસાદિકતાથી અને કળાત્મકતાથી નિરૂપી છે. એ સિવાયનાં પોતાની કલ્પનાથી ઉદ્ભવેલાં સ્વતંત્ર કાવ્યોમાં કલાપીએ ખૂબ અદ્યતન સુરેખતા સાધી છે.
ખંડકાવ્યો
કલાપીનાં ખંડકાવ્યોમાં પણ કુદરત એટલી જ વિલસે છે, પરંતુ ત્યાં માનવનું જીવન પ્રધાનતા લે છે. આ કાવ્યોમાં તેમના પ્રેરણામૂળ એવા કાન્તની કમનીયતા અને કલાઘટનાની ખામી છતાં કલાપીનાં આ ખંડકાવ્યો પોતાનું એક કોમળ સૌંદર્ય ધારણ કરે છે. ‘ગ્રામ્ય માતા’, ‘બિલ્વમંગળ’, ‘કન્યા અને ક્રૌંચ’, ‘મહાત્મા મૂળદાસ’, ‘ભરત’, ‘વીણાનો મૃગ’ એ લગભગ સંપૂર્ણ કહેવાય તેવાં કાવ્યો છે. ઉપરનાં કાવ્યોમાં સહેજ દીર્ઘસૂત્રતા પણ ક્યાંક આવી જાય છે. અને તે ‘વૃદ્ધ ટેલિયો’ તથા ‘હ્રદયત્રિપુટી’ જેવાં કાવ્યોમાં તો ખૂબ વધી જાય છે.
હમીરજી ગોહેલ
મહાકાવ્ય બનાવવાની આશા સાથે લખાયેલું પણ છેવટે અપૂર્ણ રહી ગયેલું ‘હમીરજી ગોહેલ’ આ ખંડકાવ્યો સાથે જ સ્થાન પામે તેમ છે. એ કાવ્યના કથાવસ્તુનું ખોખું જટિલે ગોઠવી આપેલું છે.*[1]અને કલાપીએ તેને પદ્યરૂપ આપેલું છે. આ કાવ્ય કલાપીને પોતાને તેમજ તેમના મિત્રોને પણ સંતોષ આપી શક્યું નથી. જોકે કાન્તે જે મુદ્દાઓ ઉપર આ કાવ્યના દોષ કાઢ્યા છે તે બહુ સાચા નથી લાગતા. સર્ગબદ્ધ મહાકાવ્ય રચવાની કલ્પના છતાં આ કાવ્યનો વિકાસ ખંડકાવ્યની રીતે વિશેષ થયો છે. એની પાછળ સ્કૉટના કાવ્યના પણ રણકાર છે, છતાં કલાપીની મૌલિક શૈલી તેમાં છે જ. એ મૌલિક ગુણોની સાથેસાથે કલાપીની વધુ પડતી ઝીણવટવાળી વિગતો, ઉપકથાની વિષમતા, તથા રસને હાનિ કરનાર દૂષિત તત્ત્વો પણ તેમાં આવી ગયાં છે. મહાભારત અને રામાયણ જેવાં મહાકાવ્યો્માં આડકથાઓ તથા ઝીણવટ હદ બહારની હોય છે, પણ તેમાં એક પ્રકારનું સાતત્યભર્યું ગાંભીર્ય હોય છે. ‘હમીરજી ગોહેલ’માં એ ગાંભીર્ય નથી તથા તેનો એટલો મોટો દાવો પણ નથી, છતાં ગુજરાતીમાં મહાકાવ્યો રચવાને થયેલા કેટલાક ગણનાપાત્ર પ્રયાસોમાં આ કાવ્યને પણ મુખ્ય સ્થાન રહેશે.
લાક્ષણિકતાઓ : ચિત્રાત્મકતા
કલાપીમાં કળાની સ્વસ્થતા અને કળાદેહની પૂર્ણ સુઘટના ઓછી છતાં તેનામાં બીજાં કેટલાંક તત્ત્વો ખૂબ વિકસેલાં છે. તેની શૈલીમાં તેના લાક્ષણિક વ્યક્તિત્વની છાપ હંમેશાં રહે છે. મનોભાવનું, ઊર્મિનું, પદાર્થનું કે પ્રસંગનું આંતરિક કે બાહ્ય કોઈ પણ પ્રકારનું તેનું નિરૂપણ વિશદ, સમલંકૃત અને મનોરમ હોય છે. તેનામાં પોતાના વિષયને ચિત્રાત્મક કરવાની, મૂર્ત કરવાની ખૂબ સાહજિક હથોટી છે. તેણે સંકુલ મનોભાવોને, પ્રસંગોનાં કે પદાર્થોના આપેલાં અનેકાનેક ચિત્રો તેનાં કાવ્યોની કળાસમૃદ્ધિનો પ્રધાન અંશ છે. તેની કાવ્યસૃષ્ટિ સહેજ અસ્તવ્યસ્ત જેવી છતાં, જાણે સૂર્યના સ્વચ્છ પ્રકાશમાં તદ્દન તાદૃશ રૂપે, એકે ય સંદિગ્ધ રેખા વગરની, નિર્મળ ઝળહળતા પદાર્થ જેવી દેખાય છે.
સ્નિગ્ધ મધુરતા – ચિંતન
આ ચિત્રાત્મકતા એ એની સમર્થ કળાશક્તિનો પ્રથમ અંશ છે. એનો બીજો અંશ છે તેના ભાવોની સ્નિગ્ધ મધુરતા. પ્રાણીમાત્ર તરફ અત્યંત સમભાવથી ભરેલું તેનું હૃદય પ્રત્યેક વસ્તુને મીઠી કોમળ લાગણીથી સ્પર્શે છે. ગુજરાતી કવિતામાં પક્ષી તરફના પ્રેમનાં કાવ્યો કલાપીમાં જ પહેલાં મળે છે. આ કોમળ લાગણી તેના કાવ્યને એકદમ હૃદયની નિકટ લઈ જાય છે. તેની કળાનો ત્રીજો અંશ છે તેનું ચિંતન. કલાપી હરેક પરિસ્થિતિનું, પછી તે આંતરિક આત્મલક્ષી હો કે બાહ્ય અનાત્મલક્ષી હો, તેની ઉપર જણાવેલી બે શક્તિઓ દ્વારા નિરૂપણ કરતાં કરતાં તેમાંથી કોઈક રહસ્ય શોધવા મથે છે. દરેક ક્ષણિક કે પ્રાસંગિક ઘટનાને, વિચારને કે ભાવનાને વિશ્વના સનાતન ક્રમમાં ક્યાંક ગોઠવવા, તેનું સ્થાન સમજવા કલાપી હંમેશાં પ્રયત્નશીલ રહે છે. અર્થાત્, તેનું કાવ્ય આખા વિશ્વજીવનનું એક અંગ બનવાનો પ્રયત્ન કરે છે. એને પરિણામે કલાપી કેટલીક વાર સાધારણ બોધકતામાં સરી જાય છે, છતાં કેટલાંક પ્રેરણાથી જ પ્રાપ્ત થાય તેવાં જીવનરહસ્યો પણ તે શોધી આપે છે. આ એની કવિતાનું ચિરંજીવ તત્ત્વ છે એમ કહી શકાય. એ તત્ત્વ કલાપીની કવિતામાં બે મુખ્ય રૂપે પ્રગટ્યું છે : એ છે સૌંદર્ય અને પ્રણય. આ બે તત્ત્વોને અનુષંગી રહેતી બીજી અનેક ગૌણ છાયાઓ તેનાં કાવ્યોમાં છે, પરંતુ સૌંદર્ય અને પ્રણયના આ બે મહાસ્વરોને જ તેની કવિતા પ્રધાનતઃ ગાય છે.
યુવાનીનો કવિ
જગત જેને હંમેશાં ઝંખે છે તેવાં આ બે મહાન તત્ત્વોને, તેના અનેક આવિર્ભાવોમાં જોવાની – શોધવાની – મેળવવાની અને અનુભવવાની આ સહૃદય અભીપ્સાએ, તથા તેની અંશતઃ છતાં સાચી સિદ્ધિએ કલાપીને લોકહૃદયમાં અપૂર્વ સ્થાન આપેલું છે. જીવનના યૌવનકાળમાં આ બે તત્ત્વો માટેની ઝંખના માનવમાં તીવ્ર રૂપે હોય છે; અને તેથી કલાપી હંમેશાં યુવાનીનો કવિ રહ્યો છે અને રહેશે. એના જીવનમાં પ્રગટેલી વેદનાના પ્રારંભકાળમાં રચાયેલી તેની કવિતામાં શિથિલ ઊર્મિલતા દેખાય છે, પણ તેના જીવનના અંતભાગમાં તે જે સ્વસ્થતા મેળવે છે, સ્થૂલથી પર તેના જીવનના અંતભાગમાં તે અંતઃસ્થતા મેળવે છે તે કલાપીની કવિતાનું અત્યંત તંદુરસ્ત લક્ષણ છે. કલાપીની એકાદ નબળીસબળી ક્ષણને નહિ પણ તેના આખા જીવનપટને અવલોકનાર, તથા તેના સમગ્ર કાવ્યપટને ખૂંદી વળનારને જીવનની પુષ્ટિ આપનાર ભાવ અને સૌંદર્યની વિપુલ સામગ્રી મળી રહે છે.
- ↑ * જુઓ ‘કલાપીના પત્રો’માં ‘જટિલ’ ઉપરના પત્રો, તા ૨-૩-૯૭થી ૪-૪-૯૮ સુધીના, પૃ. ૫૭થી ૬૩.