અર્વાચીન કવિતા/‘મસ્ત કવિ’–ત્રિભુવન પ્રેમશંકર: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 121: | Line 121: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ પંક્તિઓની જે મૌલિક સૌંદર્યવાળી ઊંડી બળવાન રણક છે તે કુંજોમાં અટવાયા કરતી, માત્ર બુદ્ધિની સપાટી પરથી ફૂટતી ન્હાનાલાલની ઉત્તમોત્તમ પંક્તિઓમાં પણ જવલ્લે છે. ત્રિભુવનની કવિતા, એના કલ્પનાકથનમાં અને એના વાણીના ઊંડા રણકારમાં તથા, તેની આંગિક બાહ્ય શિથિલતાને અને જરા ઊણી વિવેકદૃષ્ટિને બાજુએ મૂકીએ તો, તેની ગહન અનુભવસમૃદ્ધિમાં તથા નિતાન્ત સૌંદર્યપર્યવસાયિતામાં ઘણી ઊંચી કોટિની છે. | એ પંક્તિઓની જે મૌલિક સૌંદર્યવાળી ઊંડી બળવાન રણક છે તે કુંજોમાં અટવાયા કરતી, માત્ર બુદ્ધિની સપાટી પરથી ફૂટતી ન્હાનાલાલની ઉત્તમોત્તમ પંક્તિઓમાં પણ જવલ્લે છે. ત્રિભુવનની કવિતા, એના કલ્પનાકથનમાં અને એના વાણીના ઊંડા રણકારમાં તથા, તેની આંગિક બાહ્ય શિથિલતાને અને જરા ઊણી વિવેકદૃષ્ટિને બાજુએ મૂકીએ તો, તેની ગહન અનુભવસમૃદ્ધિમાં તથા નિતાન્ત સૌંદર્યપર્યવસાયિતામાં ઘણી ઊંચી કોટિની છે. | ||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ‘કલાપી’–સુરસિંહજી ગોહેલ | |previous = ‘કલાપી’–સુરસિંહજી ગોહેલ | ||
|next = ‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી | |next = ‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી | ||
}} | }} |
Latest revision as of 02:45, 11 July 2024
ત્રિભુવનનું સ્વાયત્ત પ્રતિભાબળ
વિભાવરીસ્વપ્ન (૧૮૯૪), સ્વરૂપપુષ્પાંજલિ (૧૯૦૧), કલાપીનો વિરહ (૧૯૧૩). ત્રિભુવન પ્રેમશંકરની કવિતા આ મસ્તકવિઓમાં ઘણા વિલક્ષણ વ્યક્તિત્વવાળી છે. તેની સ્વાયત્ત પ્રતિભાશક્તિ બહુ સમૃદ્ધ છે, અને તેને સામાન્ય રીતની બાહ્ય કેળવણીના બહુ સંસ્કાર મળ્યા ન હોવા છતાં કલાપી તેમજ બીજા અર્વાચીન કવિતાના જાણકાર મિત્રોના ફલપ્રદ સહવાસથી તે પ્રતિભા અસાધારણ વેગથી પ્રગટ થઈ આવી છે. એની પ્રતિભાએ અર્વાચીન ઊર્મિકવિતાની ઉત્તમ કોટિ સહજમાં પ્રાપ્ત કરી લીધી છે. પણ તેથી ય વિશેષ અગત્યની વાત એ છે કે તેણે બાલાશંકર, મણિલાલ કે કલાપી કરતાં યે વિશેષ પ્રમાણમાં આપણા એતદ્દેશીય પ્રાચીન મસ્તરંગની સાથે અનુસંધાન મેળવી લીધું છે; જોકે કહેવું જોઈશે કે કલાપીનો પ્રાચીન રંગ સાથે સંપર્ક નહિવત્ જ છે. આ મસ્તરંગના કવિઓમાં માત્ર ત્રિભુવનનું જ આ બાબતમાં પ્રથમ પ્રસ્થાન છે એમ કહી શકાય. સંસ્કૃત અને ફારસી કવિતાના મસ્ત-રંગો ઉપરાંત આપણા ભક્તિસંપ્રદાયો, અને તેમાં યે ખાસ કરીને ગોરખ સંપ્રદાયની ઘેરી અને મૂલ્યવાન અસર અર્વાચીનોમાં તેણે જ પહેલી વાર બતાવી છે. અને એ રીતે એની કવિતામાં સંસ્કૃત, અંગ્રેજી, ફારસી અને એતદ્દેશીયતાના ચાર વિવિધ અને સમૃદ્ધ પુટ દેખાય છે.
કળાની કચાશ
પરંતુ આ સમૃદ્ધિને હજી કળાનો પૂરેપૂરો સંસ્કાર મળી શક્યો નથી. એની પ્રતિભા હીરા જેવી સઘન છે, પણ પહેલદાર નથી. તેને સુષ્ઠુ રૂપો ઉપજાવતી સંયામક અને નિયંત્રક બુદ્ધિપ્રતિષ્ઠિત કળાદૃષ્ટિનો લાભ મળી શક્યો નથી. પરિણામે તેનું કાવ્ય વિશૃંખલ, ક્યાંક વિષમ, ક્યાંક સંદિગ્ધ અને ક્યાંક શિથિલ બની ગયું છે. ક્યાંક તેમાં કૃત્રિમતા અને ઊર્મિલતા પણ આવી ગઈ છે. છતાં તેની પ્રતિભા લોકોત્તર ગહન તત્ત્વનો સ્પર્શ ક્યારે ને ક્યારે વ્યક્ત કરે જ છે, જે ગુજરાતી કવિતામાં ઘણી રીતે અપૂર્વ અને અદ્વિતીય રહેલો છે.
વિભાવરીસ્વપ્ન
ત્રિભુવનનું પહેલું કાવ્ય ‘વિભાવરીસ્વપ્ન’ ‘વસન્તવિજય’ને બાદ કરીએ તો ‘ક્લાન્ત કવિ’ પછીનું ગુજરાતી કવિતાનું બીજું મોટું કળાપ્રસ્થાન કહેવાય તેવું સમૃદ્ધ છે. એના છંદમાં, એની શૈલીમાં, એની બાનીમાં અને એના સૌંદર્યમંડિત વસ્તુમાં તે ઘણી રીતે અપૂર્વ છે. એના માત્રામેળ છંદોમાં પિંગળની ચોકસાઈ ઓછી છે, પણ તેમ છતાં આવા વસ્તુને ધારણ કરવામાં તે છંદોનો થયેલો પ્રયોગ ઘણો સફળ છે. એની શિથિલતા પણ ક્યાંક મોહક છે. એના બીજા સર્ગના છંદે એક ગરબીમાંથી ‘પલટાતાં, પલટાતાં (૨૬મી કડીથી)’ નવા માપમાં પહોંચી જઈ, એવું ‘પ્રતાપી, કૂદતું, ભરતીનાં મોજાં પેઠે ગર્જતું અને ઊછળતું’ રૂપ લીધું છે કે ન્હાનાલાલ જેવા પણ તેને પોતાના એક ઉત્તમ કાવ્ય ‘વિલાસની શોભા’માં વાપરવા લલચાયા છે. આ કાવ્યની બાનીનો રંગ તદ્દન મૌલિક છે. દલપતરીતિની વાચ્યાર્થતા કે સૂફીવાદની રૂઢ ફારસી પદાવલિ કે સાક્ષરી શૈલીની અતિસંસ્કૃતતામાંથી એકેનું એમાં નિષ્પ્રાણ અનુસરણ નથી. એની ભાષામાં સંસ્કૃત અને તળપદી બાનીની, બાહ્ય રીતે આટલા અલ્પશિક્ષિત કવિમાં ઘણી આશ્ચર્યજનક લાગે તેવી ઊંચી અર્થવાહક ઉત્કટ અને ભાવસંભૃત રમણીય છટા એકસરખી ઊંચી ભૂમિકાએ સતત વિલસે છે. એના અર્થનિરૂપણમાં આ માત્રામેળ છંદોમાં આજ લગી કદી ન દેખાયેલી એવી શ્લિષ્ટતા અને ચારુતા વ્યક્ત થાય છે. કેટલીક વાર અર્થ અસ્પષ્ટ રહે છે. તેમ છતાં શૈલીનાં બળ અને માદકતા એક અનોખી ખુશબૂ પેઠે આખા કાવ્યમાં વ્યાપેલાં રહે છે.
કાવ્યનો વિષય
કાવ્યનો વિષય પણ સર્વથા નવીન સ્વરૂપનો છે. એના વિવેચક જટિલે કહ્યું છે તેમ ‘એમાં વિચારનું પ્રતિપાદન પ્રધાનપદ ધારણ કરે છે.’ અને એ રીતે આ કાવ્યને વિચારપ્રધાન કવિતાના પ્રાથમિક અંકુરોમાંનો, મણિલાલ નભુભાઈની જોડેનો, કદાચ તેની યે પહેલાંનો એક અનુપમ અંકુર કહી શકાય તેમ છે. આખું કાવ્ય પ્રેમ વિશેનું કવિનું અમુક દર્શન રજૂ કરવા પ્રવૃત્ત થાય છે. એ રીતે આ કાવ્ય વિચારપ્રધાન છે; પણ તેની રજૂઆતમાં જાગ્રત બુદ્ધિનો અંશ થોડો છે. કાવ્યનો વિચાર, એનું પ્રણયદર્શન, માણસ સ્વપ્નમાં જેવી રીતે શિથિલતાથી વિચારતો હોય છે તેવી રીતે, આલેખાયાં છે. સ્વપ્નમાં ચિત્રો પર ચિત્રો રચાતાં જાય, વિચારો પણ કાર્યકારણની કશી શૃંખલિતતા વિના કે પૂર્વાપર અનુસંધાન વિના સંધ્યાના આકાશમાં ક્રમેઅક્રમે પ્રગટતા તારાઓની પેઠે આપોઆપ ફૂટતા રહે અને તેનું અંતિમ તત્ત્વ વાદળોમાંથી એકાએક ડોકું કાઢતી પ્રણયાનુભવની કોઈ ઉન્નત ટૂંક પેઠે એકાએક ઝળહળાટ કરતું પ્રત્યક્ષ થાય, અને તેની નીચેની ભૂમિકાની કે તેથી ઉપરની સૃષ્ટિની આપણને કશી ગમ ન પડે, તેવી નરી આસ્માની શૈલીએ આખું કાવ્ય વિચરે છે. ઉપર જોયું તેમ બુદ્ધિની જાગરૂકતાને અભાવે કાવ્યના વિષયની માંડણી શિથિલ થયેલી છે, તેના વસ્તુવિકાસના અંકોડા બરાબર ગૂંથાયેલા નથી, તેનાં ગૌણ અંગોનો પ્રમાણસર વિન્યાસ નથી, તથા તેમાં મૂકેલું વસ્તુ પણ કાવ્યને સર્વથા પ્રસ્તુત નથી. વળી તેમાં રસતત્ત્વોનો ઉઠાવ પણ સંદિગ્ધ ઔચિત્યવાળો લાગે છે અને તેમાં જે ભૂમિકા ઉપર વિચારની માંડણી થઈ છે તે પણ પૂરી તર્કપ્રતિષ્ઠિત બનેલી નથી. વળી નાની-નાની વિગતોની પણ ક્ષતિઓ અને સંદિગ્ધતાઓ કાવ્યમાં છે. આ બધાં તત્ત્વો આ કૃતિના રસને પ્રાકૃત જનને સુગમ અને રોચક થતાં અટકાવે તેવાં છે.
કાવ્યનું ઉત્તમ તત્ત્વ
આખા કાવ્યમાં કવિની કલ્પનાશક્તિની ગગનગામિતા, તેનો વિશાળ પટ, તેની સુરેખ સમર્થ ચિત્રશક્તિ, અને પ્રત્યેક વિગતને શબ્દાર્થના ઉચિત સૌંદર્યથી અને કોમળતાથી મંડિત કરવાની કળા સર્વત્ર સિદ્ધ જેવી છે. સ્થૂલ માદકતાના તથા સૂક્ષ્મ અપાર્થિવ રસના નિરૂપણમાંથી કવિ એકસરખું કૌશલ બતાવે છે. એ બધાં મનોહર વર્ણનોમાંથી માત્ર અપાર્થિવ સ્નેહનું વર્ણન જોઈએ. કૌમુદી મહેલમાં ચંદ્રિકા ‘વારિદના મદનાસવથી’ જે ઉત્સવ મચાવે છે તેની કેવી સૂક્ષ્મ અસર થાય છે :
ભૂના છેડા ફરક્યા નવ કોઈ, ન અધર લાલ રમી સુરકી,
ફરક્યા નવ કોઈ પણ ઓષ્ઠ વસી હતી જ્યાં વર બિમ્બ દ્યુતિ;
રોમ વિષે નિરખ્યો ન વિકાર, નિહાળ્યું ન કો મુખ સ્વેદબિન્દુ,
ના સ્વરભંગ અનુભવિયો લવ, ક્યાંઈ ન ભાસ્યો રતિવેપથુ.
સારસ જોડું હતું ઉતકંઠ શકે વીણી લેતું જ સૂર મીઠા,
પણ માદતણા લવલેશ વિકાર તહીં નયને ન લગીર દીઠા.
કવિનું અપાર્થિવ સ્નેહનું દર્શન રમણીય છે, પણ તેનું તત્ત્વનિરૂપણ અભાવાત્મક રૂપનું ‘મદમોહ મધુથી વિમુક્ત’ થવા પૂરતું જ છે. એ તત્ત્વ તરીકે તે બહુ મૂલ્યવંતું ન કહેવાય, તોપણ તેનું નિરૂપણ કરવા જતાં કવિએ સરજેલી સૃષ્ટિની સુંદરતા, એ સૌંદર્યનું દર્શન અને અપાર્થિવ દિવ્ય મદનું વર્ણન આ કાવ્યનાં ઉત્તમ તત્ત્વો છે. આકાશમાંથી દેખાતી જ્યોત્સ્નારસિત પૃથ્વીના વર્ણનમાં કવિની પ્રતિભા પોતાનો સુંદર પરચો આપે છે :
છાયું હતું ઔદાર્ય સ્થળેસ્થળ ત્હારા સુધાદૃગપાત સમું
...દિશા નમી નમી ચોગમથી હતી ચાંપતી સ્નેહથી ભૂઅંગને
જ્યાં હતી ધોમ ધખી કુંળી પાંખડી, ત્યાં હતું શૈત્ય વસ્યું જ દીલે.
આ જ કાવ્યના અર્પણમાં મૂકેલી પંક્તિઓ આ કૃતિને લાગુ પાડતાં નિઃસંશય કહી શકાય તેમ છે કે એનાથી ગુજરાતી કવિતાનો ‘મયૂરકંઠ ગ્રહે નવી મિષ્ટતા’.
સ્વરૂપપુષ્પાંજલિ
‘સ્વરૂપપુષ્પાંજલિ’ કવિ તેના કલાપીને કરેલા અર્પણમાં જણાવે છે તેમ ‘ભજનની શુચિ માલિકા’ છે. આ પુસ્તકનું તેમજ ‘વિભાવરીસ્વપ્ન’નું અર્પણ જોતાં લેખકમાં અર્વાચીન ઢબનાં ઊર્મિકાવ્યો રચવાની હથોટી પણ ઘણી સિદ્ધ જેવી લાગે છે, પણ એ રીતનાં કાવ્યો તેમણે બહુ લખ્યાં નથી. આ પુસ્તકમાં ૧૦૮ પદો છે. એક દુઃખી રાજાને એક યોગી બ્રહ્મદર્શન કરાવે છે એવા એક નાનકડા વસ્તુતંતુ ઉપર બધાં પદો પરોવ્યાં છે. એ આખું કથાનક બહુ કળાત્મક રીતે ગૂંથાયું નથી. એનું સૌંદર્ય માત્ર તેનાં છૂટાં પદોના સ્વતંત્ર વ્યક્તિત્વમાં છે. રાજાને અવિદ્યાથી થયેલું દુઃખ, યોગીએ તેને સમજાવેલું બ્રહ્મસ્વરૂપ, અને એ બ્રહ્માનંદના અનુભવો, એવા ત્રણ વિભાગમાં આ પદો વહેંચાઈ જાય છે. આ પદોની ફ્લિસૂફી પ્રધાનતઃ વેદાન્તની છે. ‘વિભાવરીસ્વપ્ન’ની પદબંધની તથા શૈલીની અનોખી ચારુતા અહીં પણ છે, ઉપરાંત એમાં આપણા સંતકવિઓની, ખાસ કરીને ગોરખ સંપ્રદાયનાં ભજનોની લાક્ષણિક બળકટ બાની પણ છે. આ પદોમાં કેવળ બુદ્ધિજન્ય, કે કલ્પી કાઢેલી ભક્તિનો યા પ્રાર્થનાનો ભાવ નથી, પણ ઊંચા તત્ત્વદર્શનની, સાચા રસાનુભવની, ક્યાંક સાક્ષાત્કારની કોટિનો પણ કહેવાય તેવો રણકાર છે. ઉપરાંત તેની બાનીમાં વર્તમાન યુગની નજીક આવતી અલંકારોની તાજગી પણ છે. તેમનાં ધ્રુવપદની ચોટ ઘણી વાર ચમત્કારપૂર્ણ બનેલી છે. કવિનાં અલંકારશક્તિ, કલ્પનાબળ તથા બાનીની પ્રફુલ્લતાની સૂચક થોડી પંક્તિઓ જોઈએ. અવિદ્યાથી પરાભૂત થયેલો રાજા કહે છે :
મ્હારા માનસરોવર માંહ્ય એકે હંસ ના રહ્યો,
થયો મોતીનો સાથે વિનાશ, બગલે ડોહોળાઇ ગયો.
એમાંથી નીકળવાનો માર્ગ બતાવતાં ગુરુ તેને કહે છે :
છક્કાપંજાની રમત મૂકી દે ખોલ સદ્ય ઉરનાં તાળાં,
સત્ય શબ્દનો જાપ જપીને જામ પ્રેમના પી વ્હાલા
...અગમ ભૂમિને અવળા રસ્તાજી, અબ્જો ખીણો પ્હાડા,
ઘોર જંગલો ઘોર રણો ત્યાં, દુશ્મન દીએ બ્હરાડા.
...એને આંખ નથી પણ આંખ કહું તો અબ્જ લાખ રવિ વિધુઓ રે.
...બચ્ચા હુંપદના હત્યા હો જાઓ, તત્ત્વે તાર મિલી રો’.
બ્રહ્મદર્શનનો આનંદ અને અનુભવ વર્ણવતાં કવિ લખે છે :
સદગુરુના ત્યાં દીઠા બગીચા, સત્યપ્રેમનાં છીંડાં રે જી,
શીલ સંતોષનાં રખવાળાં ને ભરે અહોનિશ પ્હેરા
અલખની વાડીમાં જી.
...સપ્તલોકનો સિતાર અનહદ ઝણઝણતો મૃદુ સૂરે,
સોમ સૂર્યની જ્યોત બળે ને મનવો મધુ રસ પૂરે,
અલખના આંગણામાં.
અલખ નિરંજન હુવા અબધૂતા અલખ નિરંજન હુવા રે જી.
દશે દિશાની કફની ધારી ગગનમુંડ મૂડાવી;
ત્રિગુણ ઝોળી ખુલ્લી કરી બ્રહ્માંડ સમૃદ્ધિ ભરાઈ. મેરે દાતા.
જ્ઞાનદંડ કરમાં ધરી લીધો સત્ય પદ પાવડી ધરાવી,
વિરાગનો મારી વજ્રકછોટો ધર્મ ખપ્પર કરમાંહી. મેરે દાતા.
જ્યાં જાઉં ત્યાં ફેરી દેતો ઘર ઘર ભિક્ષા માગે,
અધર આસને સ્થિર થઈ પાછો નામરૂપે સૌ ત્યાગે. મેરે દાતા.
કલાપીનો વિરહ
‘કલાપીનો વિરહ’ ન્હાનાલાલ કવિની પ્રસ્તાવના સાથે બહાર પડેલું છે. એની પ્રશંસા કરતાં ન્હાનાલાલ તેને જગતસાહિત્યમાં સ્થાન પામે તેવી કૃતિ કહે છે. વસ્તુતઃ ‘કલાપીનો વિરહ’ એના નામમાંથી સૂચિત થાય તેવી જગતની ઉત્તમ વિરહકૃતિઓમાં સ્થાન પામે તેવી એકાગ્ર રસતત્ત્વવાળી કળાકૃતિ નથી, પણ આપણા સ્મારક અંકો જેવી, મુખ્ય વિષયથી ભિન્ન અસંબદ્ધ એવી અનેક કાવ્યરચનાઓનો સંગ્રહ છે, જેમાંનો અમુક ભાગ જ કલાપીની સાથે સંબંધ ધરાવે છે. પુસ્તકમાં મુખ્યત્વે કલાપીના વિરહની અને તત્ત્વજ્ઞાનપ્રધાન તેમજ આધ્યાત્મિક અનુભવોને સ્પર્શ કરતી કૃતિઓ છે. આ બીજા પ્રકારની કૃતિઓને વિરહને અંતે કરુણના શામક તત્ત્વદર્શન રૂપે સમજવી હોય તો સમજાય તેમ છે; જોકે એવું અનુસંધાન ક્યાંય સ્પષ્ટ રીતે કૃતિકૃતિ વચ્ચે લક્ષ્ય તરીકે દેખાતું નથી. ઉપરાંત આ રસના વાતાવરણમાં સર્વથા અસ્થાને એવી એક સામ્યવાદી દૃષ્ટિમાંથી જન્મેલી હોય તેવી તીવ્ર વર્ગભાન જાગ્રત કરતી, તેની પોતાની રીતે ઘણી સારી અને એ યુગમાં જરા આશ્ચર્યજનક કહેવાય તેવી એક ગઝલ પણ આ પુસ્તકમાં મૂકેલી છે, જે આ પુસ્તકનું સ્વરૂપ એક કાવ્યસંગ્રહ જેવું છે એમ જણાવવાને પૂરતી છે. એ બધું જોતાં આ પુસ્તકનું મૂલ્ય તેની કેટલીક છૂટી છૂટી કૃતિઓના મૂલ્ય ઉપર અવલંબે છે. અને એમ કહી શકાય કે એવી ઘણી મૂલ્યવાન ચીજો આમાં છે. કલાપીનો વિરહ ગાતી કૃતિઓમાં કલાપીના વાસ્તવિક વ્યક્તિત્વ કરતાં કવિનો કલાપી તરફનો નિઃસીમ અનુરાગ વિશેષ વ્યક્ત થાય છે. એ અનુરાગ દ્વારા નિરૂપાતું કલાપીનું વ્યક્તિત્વ ઘણું તરંગમય બની જતું લાગે છે. તેમ છતાં કલાપીને ઘડી વાર ભૂલી જઈએ તો એક મિત્રસ્નેહની ગાથા તરીકે તે કૃતિઓ કેટલીક વાર અતિ મધુર રૂપ લે છે. એ રીતે જોતાં મિત્રસ્નેહનાં આપણાં અર્વાચીન કાવ્યોમાં આમાંનાં કેટલાંક ઘણાં ઊંચે સ્થાને બેસે તેવાં છે. આ કાવ્યોમાં કવિ અર્વાચીન પ્રકારની ઊર્મિકવિતાની રચનાશક્તિ પણ સારી બતાવે છે, અને નરસિંહરાવ કે ન્હાનાલાલ જેવી કેટલીક મધુર છટાઓ પણ પોતાના વિલક્ષણ વ્યક્તિત્વમાં ઉમેરી લે છે.
બુલંદ સૂરથી પુકારૂં નામ તાહરૂં
ગજાવી મૂકું લોકલોક નામ તાહરૂં;
...સુહૃદ સ્નેહજામ માહરો ફુટી ગયો,
રસ અમૂલ માંહિનો અલોપ થઈ ગયો.
જેવી પંક્તિઓ ત્રિભુવનના કલાસામર્થ્યની સાક્ષી પૂરે છે. આમાંની ઘણી કૃતિઓમાં કાવ્યના વિભાવને અવાસ્તવિકતાની કોટિએ પહોંચાડતો વૃત્તિમય-ભાવાભાસનો બેહદ આશ્રય લેવામાં આવેલો છે, તથા તે વિભાવોનું પુનરાવર્તન પણ ઘણી વાર થયેલું છે, છતાં એ ચિત્રોનાં ઉઠાવ અને રજૂઆત કવિની રીતે ખૂબ લાક્ષણિક રહે છે. જેમકે,
વિભ્રમે ચઢેલું આ દિગંત દેખું છું,
એની પરમ શાન્તિ-પ્રસન્નતા હરી ગયો;
...૫ળે પળે ઢળે ગરીબ ઊર્મિએ દધિ,
એની ગભીર મસ્ત ગતિ એ હરી ગયો.
હરી ગયો શું ઇશ્કચમન-સ્વર્ગની હવા,
વેરાનમાં યે વહ્નિનું વહન કરી ગયો.
આ પુસ્તકમાંનાં તત્ત્વદર્શનનાં તથા આધ્યાત્મિક અનુભવોનાં ભજનોમાં ‘સ્વરૂપપુષ્પાંજલિ’ના વિષયનું અને શૈલીનું અનુસંધાન અને આગળ વિકાસ દેખાય છે. ભજનની બાનીમાં ગહનતા વિશેષ દેખાય છે, તથા શબ્દની પકડ, તેનું લાલિત્ય અને માધુર્ય વિશેષ પુખ્ત બન્યાં છે. ભાષાનો બંધ એકધારો છે. આમાં ય વિષયોનું પુનરાવર્તન છે, પણ તે આવાં પદોમાં સ્વાભાવિક ગણાય. તેમ છતાં પ્રત્યેક કૃતિને સ્વતંત્ર રીતે લઈએ તો દરેકનાં ચોટ, લાઘવ, ઉક્તિપાટવ ઉત્તમ ભજનોની કોટિનાં છે. કેટલીક વાર કવિ પ્રાચીન ભજનકારો કરતાં પણ આગળ વધેલો છે. એના વિભાવોમાં આપણા અર્વાચીન શિક્ષણના સંસ્કારોથી પ્રાપ્ત થયેલી નવી સામગ્રી, ખાસ કરીને પ્રકૃતિના વિષયોનો પણ વિશેષ રીતે આશ્રય લેવામાં આવે છે. અને તેનું નિરૂપણ ભજનની શૈલીમાં વળી વિશેષ ખીલી નીકળેલું છે. આ કાવ્યોમાં, સાંભળ્યા પ્રમાણે, ન્હાનાલાલ કવિએ પોતે પણ કેટલાક સુધારા કરેલા છે, જે કાવ્યના ઉપકારક બન્યા છે કે કેમ તે સંશયાસ્પદ છે. જેમકે,
ચંદ્ર સૂર્યની જ્યોત અને સહુ દિશાકાળની કુંજ,
એ લહેરે સદાની ઝૂકી રહી
.
આમાંની પહેલી પંક્તિમાં ન્હાનાલાલની લેખનીનો સ્પર્શ સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે, પણ તે ત્રિભુવનની પોતાની લાક્ષણિક પંક્તિઓ જેવી કે,
ગગન ગૌખ ચમકાર, મહીના ઊર્ધ્વકંઠ સહુ પહાડ,
સભા એ લહેરે લોટી રહી,
અનંત ગતિના અનિલ અને એ અનંત સાયરની છોળ,
સહુ ભરતી ઓટ ભૂલી રહી,
કરતાં ઉત્તમ નીવડી છે એમ કહી શકાય તેમ નથી.
પીધો પ્રેમરસ પૂર્ણ પૃથ્વીએ પીધો પ્રેમરસ પૂર્ણ;
એની તૃષ્ણા તનથી ઊડી ગઈ,
તથા
માલમી હમારો રે હંસલા, તું હાલી ગયો એ જી,
માનસરમાં જામી રહી મધરાત,
વાત વણસાડી રે અંધારાંના આભમાં એ જી,
કુંળાં કુંળાં કમળોનો થઈ ગયો ઘાત : માલમી હમારો રે.
એ પંક્તિઓની જે મૌલિક સૌંદર્યવાળી ઊંડી બળવાન રણક છે તે કુંજોમાં અટવાયા કરતી, માત્ર બુદ્ધિની સપાટી પરથી ફૂટતી ન્હાનાલાલની ઉત્તમોત્તમ પંક્તિઓમાં પણ જવલ્લે છે. ત્રિભુવનની કવિતા, એના કલ્પનાકથનમાં અને એના વાણીના ઊંડા રણકારમાં તથા, તેની આંગિક બાહ્ય શિથિલતાને અને જરા ઊણી વિવેકદૃષ્ટિને બાજુએ મૂકીએ તો, તેની ગહન અનુભવસમૃદ્ધિમાં તથા નિતાન્ત સૌંદર્યપર્યવસાયિતામાં ઘણી ઊંચી કોટિની છે.