અર્વાચીન કવિતા/હરિલાલ હર્ષદરાય ધ્રુવ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 101: | Line 101: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | |previous = ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | ||
|next = ‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ | |next = ‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ | ||
}} | }} |
Latest revision as of 02:31, 12 July 2024
હરિલાલની કવિતાની ઓજસ્વિતા
કુંજવિહાર (૧૮૯૫), પ્રવાસપુષ્પાંજલિ (૧૯૦૯) અર્વાચીન ગુજરાતી કવિતામાં હરિલાલનાં કાવ્યો એક અનોખી તેજસ્વી ભાત પાડે છે. એમની શૈલીમાં ગુણ અને દોષોની લાક્ષણિક સહસ્થિતિ છે. તથા પ્રાચીન સંસ્કૃતની, મધ્યકાલીન હિંદીની એતદ્દેશીય ગુજરાતી કવિતાની અને અર્વાચીન પાશ્ચાત્ય શૈલીની વિવિધ છાયાઓ પણ કાળેકાળે પ્રગટતી રહેલી છે; પરંતુ એ શૈલી તેના ઉત્તમોત્તમ રૂપે અર્વાચીનતાની દીપ્તિવાળી નવીન લઢણોની બનેલી સંસ્કૃતની પ્રૌઢિથી યુક્ત બની એક વિલક્ષણ કળાસ્વાતંત્ર્ય, સહેજ લાપરવાહી, અને પ્રગાઢ ઓજસ વ્યક્ત કરે છે. ૧૮૮૦થી લખાવા માંડેલી હરિલાલની કવિતા દ્વારા ગુજરાતી કવિતામાં પ્રથમ વાર ‘પ્રાચીન સંસ્કૃત શિક્ષણના નવાવતારે અને અર્વાચીન પાશ્ચાત્ય શિક્ષણના સંસ્કારે કંઈ નવો જ યોગ’ પ્રગટે છે. તેમની કવિતા અત્યાર લગીના બધા કવિઓ કરતાં સૌથી વિશેષ અર્વાચીન અસરો તરફ અભિમુખ બનેલી છે. હરિલાલ પછી નરસિંહરાવ અને કાન્ત વગેરેમાં અર્વાચીન અસરોનું પરિણામ વધારે સૌષ્ઠવયુક્ત બને છે. પરંતુ એ અસરોનો પ્રાદુર્ભાવ તેના તાત્વિક રૂપે હરિલાલથી જ શરૂ થઈ જાય છે.
ઇહજીવનનો મસ્ત કવિ
હરિલાલને આપણે ઐહિક જીવનનો મસ્ત કવિ કહી શકીએ. એમના માનસમાં એક રીતની ભાવની સભરતા, ઊર્મિઓનો ઉછાળ, ઐહિક સામાજિક અને રાજકીય જીવનની વીર્ય અને ત્યાગની તમન્ના છે. એ ભાવોદ્રેકતા તેમને એક બાજુ કાવ્યની શૈલીમાં વિરૂપતા, તથા વિરામચિહ્નો આદિના બાલિશ આડંબર તરફ લઈ જાય છે, તો બીજી બાજુ તેમનાં ઉત્તમ કાવ્યોમાં શૈલીની એક અસાધારણ સમર્થ દીપ્તિ અને ભાવની ઘનતા તરફ પણ લઈ જાય છે. ઇહજીવનના પ્રેમ અને શૌર્યના ભાવોમાં હરિલાલ આ રીતે નર્મદને મળતા આવે છે. નર્મદનાં વક્રતા, લાપરવાહી અને આડંબર તેમનામાં કાવ્ય પૂરતાં સાંગોપાંગ ઊતર્યાં છે, ઉપરાંત નર્મદનું પાંડિત્ય તેના કરતાં અનેક ગણી પ્રૌઢિ સાથે પ્રગટ્યું છે. સાથેસાથે સૃષ્ટિસૌંદર્ય તેમજ બીજાં ઊર્મિકાવ્યોમાં અર્વાચીન રીતિના સંસ્કારો તેમણે અપનાવ્યા છે. એ રીતે તેમનું કાવ્ય સામાજિક જીવનની બધી અદ્યતન ઊર્મિઓ સાથે સંપર્ક રાખી અર્વાચીન કવિતાનાં બધાં તત્ત્વો પ્રકટ કરે છે.
વિવિધ શૈલીઓ
હરિલાલની કવિતામાં બીજું ધ્યાન ખેંચનારું તત્ત્વ શૈલીની વિવિધતા છે. અત્યાર લગીના કોઈ પણ કવિ કરતાં તેમણે વિશેષ શૈલીઓ અજમાવી છે. ફારસીની અસર તેમનામાં બહુ ઓછી છે, પણ ગુજરાતી તળપદી, મધ્યકાલીન હિંદી તથા સંસ્કૃત કવિતાની શૈલીમાં તેમણે ઠીકઠીક લખ્યું છે. એ દરેક શૈલીમાં તેઓ મૂળની શૈલીની પ્રતિકૃતિ નિપજાવી શક્યા છે; જોકે એ બધાં કાવ્યોમાં કળાગુણની ઘણી વિષમતા છે. એ બધી શૈલીઓમાંથી તેમનું ઉત્તમ કાવ્ય બે શૈલીમાં બનેલું છે. તે છે નર્મદની અને સંસ્કૃત પ્રૌઢિની શૈલીઓ. તેમની વીરરસની કવિતા નર્મદની શૈલીને વધારે સામર્થ્યથી વિકસાવે છે. અને તેમની સંસ્કૃતની પ્રૌઢ શૈલી એ તેમનો પોતાનો જ સ્વતંત્ર આવિર્ભાવ છે. એમાં સંસ્કૃત ભાષાનાં ગૌરવ અને ઓજસ ફરીથી પુનઃસર્જન પામ્યાં છે, પરંતુ એ કાવ્યોનાં ઘાટ તથા રીતિ અર્વાચીન રૂપનાં છે. અને કળાનાં સૌથી વધુ સૌષ્ઠવ અને ગૌરવવાળું કાવ્ય તે આ તેમનું સંસ્કૃત શૈલીમાં છે.
કુંજવિહાર શુંગારનાં કાવ્યો
હરિલાલની સોળેક વરસની સાહિત્યપ્રવૃત્તિ દરમ્યાન લખાયેલાં કાવ્યોનો મોટો ભાગ ‘કુંજવિહાર’ અને ‘પ્રવાસપુષ્પાંજલિ’ (જે તેમના મૃત્યુ બાદ ૧૯૦૯માં પ્રસિદ્ધ થયેલું, પણ લખાયેલું ૧૮૮૯માં) સંગ્રહ પામ્યો છે. તેમનાં કાવ્યો વિષયની દૃષ્ટિએ ચાર વિભાગમાં વહેંચાઈ જાય છે : શૃંગાર, દેશભક્તિ, પ્રકૃતિવર્ણન, અને પ્રાચીન વિષયોનાં વર્ણનાત્મક ઊર્મિકાવ્ય. તેમનાં શૃંગારનાં કાવ્યોમાં ઘણી કચાશ છે. આ કાવ્યોનો ભાવ ‘કામ’ અથવા ‘વિષય’ નહિ પણ ‘પ્રેમ’ છે એમ તેઓ કહે છે. આ ‘પ્રેમ’ને રસમય બનાવવાને તેનાં મથાળાં વિભાગો વગેરેમાં તેમણે બહુ આડંબર કરેલો છે, પરંતુ તેમનું કાવ્ય પરંપરાગત મિલન અને વિરહની રૂઢ લાગણીઓમાં જ રમ્યા કર્યું છે. આ લાગણીઓનું નિરૂપણ ફિક્કું, ચારુત્વ વગરનું, વાચ્યાર્થમાં સમાપ્ત થતું, કૃત્રિમ અને નાટકી બની ગયું છે. ઘણાં કાવ્યોના ઢાળો પણ નાટકનાં ગાયનોના છે. કેટલાંક જૂના દેશી ઢાળનાં પદો તથા સંસ્કૃત છંદોમાં લખેલાં સ્વભાવોક્તિમાં આપેલાં વર્ણનો સારાં છે અને તેમાં ગુજરાતી કવિતા પૂરતી કંઈક સાચી નૂતનતા તથા મસ્તી દેખાય છે. શૃંગારનાં આ કાવ્યોમાં ‘શરત્સંજીવની’ ‘ચંદ્રવિલાપ’ તથા ‘તારાવિહાર’નાં કાવ્યો મુકાબલે વધારે સારાં છે. કેટલાંક ખૂબ સારાં છે. ‘મેઘદૂત’ની ઢબે એક નાનકડું ૩૨ શ્લોકનું ‘માલતીસંદેશ કાવ્ય’ પણ છે, પરંતુ તે સંયોજનની દૃષ્ટિએ ઘણું નિષ્ફળ છે. ‘મત્તગજેન્દ્રા’માં રૂઢ રીતિનો શૃંગાર છે. છતાં જમાવટ પ્રશસ્ય છે. એનાં વર્ણનોમાં સુરેખતા તથા પ્રૌઢિ પણ છે :
‘જીવંત જ્વલંત’ પ્રણયની કેટલીક ઉત્તમ ભાવનાઓ પણ આ કાવ્યોમાં મળે છે :
નહીં પ્રીતિમાં વળગ વટાળ સાચું સોનું શોધિયું!
અર્થ કામનો નહિ ત્યાં પાશ! ત્યાં ધર્મનું કુડ કયું?
એક પ્રેમ અખંડ સ્વરૂપ! સખી પ્રીતિ મુક્તિની!
પ્રણયાનંદ તે હરિ આનંદ! જાયે ક્યમ મેં લખી!?!
દેશપ્રીતિનાં કાવ્યો
શૃંગાર કરતાં દેશપ્રીતિનાં કાવ્યોમાં હરિલાલને વધારે સફળતા મળેલી છે. એમાં એમણે પદો, દેશી ઢાળો, હોરીઓ, લાવણીઓ વગેરે અનેક માત્રામેળ છંદો ઉપયોગમાં લીધા છે. આ કાવ્યો નર્મદના સીધા અનુસંધાન જેવાં છે. તેમાં નર્મદનો જુસ્સો અને તેની ફિક્કાશ પણ કદીકદી દેખાઈ આવે છે, છતાં બાનીનો ઘણો વિકાસ છે. આપણા જાગ્રત થતા જતા તથા વિકસતા જતા રાજકીય જીવનનું પ્રથમ ગાન હરિલાલનું છે. નર્મદના કાળમાં રાજકીય ક્ષેત્ર પૂરતી માત્ર ભાવનાઓ જ સેવવાની હતી; હરિલાલના કાળમાં પ્રજાની રાજકીય અસ્મિતા અંકુરિત થવા લાગે છે. સરકાર તરફથી મળેલા સ્થાનિક સ્વરાજ્યનો સ્વીકાર કરી સાથેસાથે સ્વતંત્રતાનાં ગીત ગાતી હરિલાલની કવિતા રાજભક્તિ અને દેશભક્તિ બંનેમાં સાથેસાથે વિચરે છે. સ્વતંત્રતા, ઉત્સાહ, શૌર્યના ભાવો હરિલાલે ઘણી ઉત્તમ બાનીમાં ગાયા છે. ‘પ્રજારણગર્જન’ તથા ‘શૂરતરંગિણી’નાં વીસેક કાવ્યો ખૂબ સુંદર ગીતો છે. એમાં ત્યાગની વીરતાની જૂની ભાવનાઓ, બાની તથા છંદશૈલીને પણ તે સફળ રીતે અપનાવે છે.
સ્વદેશની ભક્તિ રે, કે કોઈ વિરલા જાણે!
સ્વતંત્રતાના રસની રે, લે’જત કોઈ પરમાણે!
વ્હેમ ગઢ તોડવા હો! ધસો જશે રોળવા જી!
કમળપૂજા કરી કોડથી રણ જંગે ઝંપાયા!
અંગ તરંગિત ઉમંગથી શિર શત્રુ ઝઝુમવું ઝઝુમવું!
...જ્યારે ત્યારે અમે ખેલું મેદાને, દુશ્મનદળ રઘદોરી!
કેસરિયાં કરૂં, તોપ બંદુક તાતિ, પિચકારી કરિ ભરૂં ફોરી!
ગોઠ જીત લેઉં સજોરી,
અહિંસાનું શસ્ત્ર જ્યારે કોઈની પણ કલ્પનામાં ન હતું ત્યારે તોપની પિચકારી કરવાની આ ભાવના, મધ્યકાલીન છતાં ન્યાય્ય છે. સ્વતંત્રતાનો સાચો રસ્તો કયો તે મૂંઝવણ તો કવિને પણ છે :
જોગી જંગલ અધવચ ઘૂમે શોધે સ્વતંત્રતા,
જ્યમ જ્યમ ઘૂમે ત્યમ ઘુંચવાયે બંધ બંધ બંધા!
હરિલાલ પછી આજ લગીમાં ઘણાં દેશપ્રીતિનાં કાવ્યો લખાયાં છે, પરંતુ આ નવા ઉત્સાહની તેજી અને ઝલક હજી અજોડ રહી છે.
પ્રકૃતિકાવ્યો
પ્રકૃતિકાવ્યોમાં હરિલાલની કલમ વધારે કલામય અને સ્વસ્થ થતી જાય છે. આ કાવ્યોમાં તેમણે સ્ટૉકહોમને પ્રવાસે જતાં જોયેલી પ્રકૃતિનાં ચિત્રો મુખ્ય છે. એ કાવ્યો લખાયેલાં છે પણ ‘સ્ટીમર તથા ટ્રેનમાં જ, જે કાર્ડ કવર પ્રાઇસલિસ્ટ અને ગાઇડ બુક્સ ઉતારા તથા હોટલ્સ તથા દુકાનોનાં બીલમાંની પાછળની કોરી બાજૂઓ’ ઉપર. અને તેમને ફરીથી તેમણે સુધાર્યા નથી, એ જોતાં તેમનામાં કાવ્યની હથોટી કેટલી સાહજિક થઈ ગઈ હતી તે પણ સમજાય છે. આ સમયે નરસિંહરાવની ‘કુસુમમાળા’નાં પ્રકૃતિકાવ્યો શિક્ષિત વર્ગમાં વંચાતાં થયાં હતાં અને હરિલાલે પણ ‘ચંદા’ની ઢબે ‘નૂતન વાદળી’ નામનું એક કાવ્ય લખેલું છે, જેમાં કેટલુંક વિશિષ્ટ ચારુત્વ પણ છે. પરંતુ હરિલાલનાં આ પ્રવાસનાં કાવ્યો સ્વતઃ પ્રેરણાથી, પ્રકૃતિના પ્રત્યક્ષ દર્શનથી સ્ફુરેલાં છે, વધારે સ્વાભાવિક છે, અને વિષયને વિશાળ માનવભૂમિકા ઉપર રજૂ કરનારાં છે. કાવ્યોના વિષય તરીકે પણ આ કાવ્યો ગુજરાતી કવિતામાં અસાધારણ બનાવ છે. યુરોપ જેવા દેશની કુદરત, પર્વતો તેમનાં શિખરો તથા ખીણો, તેની પ્રજાનાં વિજયસ્મારકો, સમુદ્ર, દીવાદાંડી વગેરે વિષયો પહેલી જ વાર ગુજરાતી કવિતામાં નિરૂપણ પામે છે. ઉતાવળે લખાયેલાં હોવા છતાં એ કાવ્યોમાં કર્તાની કલમ ક્યાંય ઢીલી નથી થતી; શરૂઆતની નબળાઈઓ અહીં તદ્દન ચાલી જાય છે. ગુજરાતી કવિતામાં કેટલાંક અપૂર્વ ઊર્મિકાવ્ય અહીં મળે છે. એ સ્વાભાવિક છે કે કાવ્ય યુરોપની પ્રકૃતિનું બાહ્ય સ્વરૂપ તો ન જ આપી શકે, પણ કર્તાએ એના દર્શનથી જે ઉત્સાહ, પ્રસન્નતા, આનંદ અનુભવ્યાં તે તેમણે યથાર્થ રીતે વ્યક્ત કર્યા છે. આ કાવ્યોમાં સ્વિત્ઝર્લાન્ડના પર્વતોનું કાવ્ય સૌથી ઉત્તમ છે. એ પર્વતોને, જાણે ભારતવર્ષના મુનિઓ અહીં તપ કરવા આવ્યા છે એવી ઉત્પ્રેક્ષા કરી કવિએ સુંદર રીતે વર્ણવ્યા છે. વળી એક બીજા કાવ્યમાં એક પર્વત ઊતરતાં કવિને ભરતભૂમિનું સ્મરણ થાય છે. યુરોપની ભૂમિ ઉપર ફરતાંફરતાં ભરતભૂમિનું આ સ્મરણ એક ઉત્તમ માતૃભક્તિનું સ્તોત્ર છે :
નહિ ભૂલું ભરતભૂમિ તુંને, ન ગૂજ્જરી તુંને,
ક્યમ ભૂલાય અહ! મહારાષ્ટ્ર? સુરાષ્ટ્ર નહિ એ;
ક્યમ વિન્ધ્ય, હિમાચળ, આરાવલ્લી સહ્યાદ્રિ;
શુભ ઉદય ઘાટ ગિરનાર, અર્બુદાચળ શ્રી?
અને એ ભૂમિને કવિ કહે છે :
સ્મૃતિ પદે પદે શું ક્ષણે ક્ષણે તું કરાવે!
અમ આર્ય રમણ ભૂમિનું શું ઉમળકાએ?’
તુજ ખીલો સદા ખેતરો, હસો તુજ કુંજો!
તુજ રમો ઝરણ નદી નદો સરો ગિરિ સોહો!
પૌરાણિક વિષયોનાં કાવ્યો
હરિલાલનાં કાવ્યોમાં સૌથી ઉત્તમ વિભાગ તે પૌરાણિક વિષયને લઈને લખેલો ‘આર્યત્વચરિત્રનિરૂપણ અથવા દશાવતારદર્શન’ છે. દશ અવતારનાં દશ કાવ્યો ટૂંકી ટૂંકી છતાં વિષયના વિરાટ સંસ્પર્શવાળી કૃતિઓ છે. તેનું વસ્તુસંયોજન, તેનો ઉઠાવ, કાવ્યને અંતે એક અનુષ્ટુપ શ્લોકમાં ઉપસંહાર, અને આટલું સંક્ષિપ્તમાં રચાતું છતાં વિરાટ બની જતું તેમાંનું ચિત્ર, એ બધું ઘણાં મૌલિક લક્ષણોવાળું સર્જન છે. પુરાણોનું પ્રાગૈતિહાસિક કાળનું વાતાવરણ કવિ એકાદબબ્બે શબ્દોના લસરકાથી અદ્ભુત રીતે ઉપજાવે છે. અને એ સૌમાં, ક્યાંક પ્રથમ દૃષ્ટિએ અસ્પષ્ટ રહેતું છતાં શબ્દના વર્ણસંગીત અને અર્થબળના મિશ્રણથી નીપજતું હરિલાલની કવિતાનું અપૂર્વ કળાતત્ત્વ છે. આ કાવ્યો ટૂંકાં હોવા છતાં તેઓને સમગ્ર રીતે લઈએ તો તે સૌમાંથી એક નાનકડું મહાકાવ્ય બને છે એમ કહેવું જોઈશે અને તેમાં જૂના બીબાનું જડ અનુસરણ નહિ, પણ મૌલિક પ્રતિભાથી દીપતું નવું નિરૂપણ છે. આ કાવ્યો મોટે ભાગે વર્ણનાત્મક છે, છતાં તેમાં ગુજરાતી કવિતામાં જવલ્લે જડે તેવાં, અણુમાં વિરાટને દર્શાવતાં ચિત્રો છે. એમાંથી માત્ર નૃસિંહ અને વામનનાં ચિત્રો જોઈશું :
સટા વિકટ પિંગળા! દૃગ ઝરે સ્ફુ્લિંગો ઘણા.
વિકાસિ મુખ દાખવે દ્વિજસ-જિહ્વ બીહામણા.
ચતુર્ભુજ અશસ્ત્ર એ પ્રબળ પ્રૌઢ પંજા બધા!
પ્રચંડ નરકેસરી પ્રકટ થાય પ્રહ્લાદ આ!
આકાશ મંડળ ભરી શિર શું વિરાજે! અગ્નિ, પ્રભાકર સુધાકર નેત્ર જ્યાં છે!
પાતાળ પાયર્થી છવાઈ ગયાં કહિંક! ભૂ સ્વર્ગ ક્યાં ખુંપિ ગયાં તનમાં ત્વરિત!
બ્રહ્માંડ ગોળ ઘુમતા ગુંચવાઇ જાય!
દેવાદિ માનવ ચરાચર બ્હી મુંઝાય!
છો ફુંફ્વે દનુજ ધુંધવિ દોડિ તૂટે!
શસ્ત્રાસ્ત્ર પાત કરવા સઘળેથી છૂટે!
પ્રથમે પદ ભૂલોક, દ્વિતીયે ભુવરાદિ સૌ,
ત્રિવિક્રમ વિરાટ, ધન્ય બલિ બાંધે પદે ત્રિજે,
હરિલાલે ‘અમરુશતક’ તથા ’શૃંગારતિલક’ના શ્લોકોના અનુવાદો પણ કરેલા છે, તે સમશ્લોકી નથી છતાં પ્રાસાદિક છે. તેમણે સંસારસુધારાનાં કાવ્યો પણ લખ્યાં છે. તે સંખ્યામાં જોકે થોડાં છતાં ગુણવાળાં છે. શૈલીમાં તથા વિષયોમાં આવી અનેકવિધતા દાખવનાર કવિ આ તબક્કામાં બીજો કોઈ જોવા મળતો નથી. ઊર્મિઓનો આવેગ, દેશપ્રીતિનો ઉત્સાહ, પ્રકૃતિસૌંદર્યની સંવેદનપટુતા અને ઊંચી વર્ણનશક્તિ બતાવનાર, જીવનનાં શૌર્ય અને સૌંદર્ય બંને તત્ત્વોનો ધબકાર ઝીલનાર, મત્ત છતાં પ્રૌઢ સુસંપન્ન બાનીવાળા કલ્પનાસભર કવિ તરીકે હરિલાલનું સ્થાન બહુ ઊંચું રહે છે.