અર્વાચીન કવિતા/(૧) અનુવાદો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with " {{SetTitle}} <big><big><big>'''પરિશિષ્ટ'''</big></big></big> <big><big>'''અનુવાદો અને સંગ્રહો'''</big></big> <big>'''(૧) અનુવાદો'''</big> '''આપણી અનુવાદપ્રવૃત્તિ''' {{Poem2Open}} ગુજરાતી કવિતાના લગભગ પ્રારંભથી તેના કવિઓ બીજી ભાષાઓમાંથી કાવ્યોના વિ...")
(No difference)

Revision as of 02:18, 18 July 2024


પરિશિષ્ટ

અનુવાદો અને સંગ્રહો

(૧) અનુવાદો

આપણી અનુવાદપ્રવૃત્તિ

ગુજરાતી કવિતાના લગભગ પ્રારંભથી તેના કવિઓ બીજી ભાષાઓમાંથી કાવ્યોના વિષયો લેતા આવ્યા છે અને તેમાંનાં કાવ્યોના અનુવાદ કરતા આવ્યા છે. અર્વાચીન ગાળા પૂર્વેની પ્રાચીન કવિતા તેના વિષય પરત્વે તો લગભગ પરોપજીવી રહી છે. અર્વાચીન કવિતા વિષયોની બાબતમાં વધારે આત્મોપજીવી બની છે, તોપણ બીજી ભાષામાંની કવિતાને ગુજરાતીમાં લઈ આવવાનું કાર્ય આજ લગી ચાલુ રહ્યું છે. અર્વાચીન કાળમાં ગુજરાતનો શિક્ષિત વર્ગ સંસ્કૃત ઉપરાંત અંગ્રેજી, ફારસી તથા હિંદની બીજી ભાષાઓના પરિચયમાં આવતો ગયો તેમ તેમ તે ભાષાની કવિતામાંથી ભાષાન્તરો પણ થવા માંડ્યાં. આ બધી ભાષાઓમાંથી સૌથી વધુ અનુવાદો સંસ્કૃત કવિતામાંથી થયા છે. તે પછી અંગ્રેજી અને ફારસી ભાષામાંથી થયેલા અનુવાદોની સંખ્યા આવે છે. બંગાળીનો પરિચય આપણા શિક્ષિત વર્ગને મોડો થયો છે, એટલે તેમાંનાં કાવ્યોના સીધા અનુવાદો થવાને બદલે તેના હિંદી કે અંગ્રેજીમાં થયેલા અનુવાદો પરથી અનુવાદો થયેલા છે. ફારસીમાંથી પણ મૂળ પરથી થોડા જ અનુવાદો થયા છે. મરાઠી જેવી આપણી પાડોશી ભાષામાંથી એકાદબે નામ લેવા પૂરતા જ અનુવાદો થયા છે. આ અનુવાદો શરૂઆતમાં મોટે ભાગે આપણા કોઈ પ્રચલિત છંદમાં તથા કાવ્યરૂપમાં થતા. પણ સંસ્કૃતના અનુવાદોમાં ધીમેધીમે મૂળના જેવા જ સમશ્લોકી અનુવાદ કરવાનો આગ્રહ વધતો ગયો. હવે બંગાળીમાંથી તથા ફારસીમાંથી મૂળવત્‌ અનુવાદો કરવાના પ્રયત્નો પણ થવા લાગ્યા છે. અંગ્રેજી ભાષાનું છંદોરૂપ ગુજરાતીથી સર્વથા ભિન્ન રૂપનું હોવાથી મૂળવત્‌ અનુવાદને અવકાશ નથી રહેતો. અને એ અનુવાદો માટે છંદ નિરૂપણ આદિની પસંદગી કરવામાં અનુવાદ કરનારની કળાશક્તિની હમેશાં કસોટી રહે છે. આપણા લગભગ દરેક અર્વાચીન પ્રતિષ્ઠિત કવિએ કંઈ નહિ તો થોડાક અનુવાદો પર પણ કલમ ચલાવેલી છે, જેમાં દરેકને પોતાની શક્તિ પ્રમાણે વધુઓછી ફતેહ મળેલી છે. નર્મદાશંકર, નવલરામ, શિવલાલ ધનેશ્વર, બાળાશંકર, મણિલાલ, ગોવર્ધનરામ, હરિલાલ ધ્રુવ, ભીમરાવ, કલાપી, નરસિંહરાવ, ન્હાનાલાલ, બળવંતરાય, મનસુખલાલ, તથા ઉમાશંકર જેવા જાણીતા લેખકોએ ઉપરની ભાષાઓમાંથી એક યા બીજી ભાષાના કોઈ ને કોઈ કાવ્ય કે નાટકના અનુવાદો કરેલા છે. એ સિવાય બીજા વધુઓછી શક્તિઓવાળા લેખકોએ એકલા અનુવાદો કરેલા છે એવા લેખકો પોતાના અનુવાદબળે પણ કવિતાકળાના ઊંડા મર્મવિદ તરીકે સ્થાપિત થયેલા છે. કેશવલાલ ધ્રુવનું વિશિષ્ટ સ્થાન એવા અનુવાદકોમાંથી સૌથી વધુ આગળ તરી આવતું નામ કેશવલાલ હ. ધ્રુવનું છે. અનુવાદકળાને તેમણે ‘જેટલી આરાધી છે તેટલી કદાચ હિંદભરમાં બીજા કોઈએ ભાગ્યે જ આરાધી હશે. તેઓ માત્ર અનુવાદક જ રહ્યા નથી, પરંતુ પોતાની ઊંડી વિદ્વત્તાને આ અનૂદિત કૃતિઓના પાઠસંશોધન અને તેમના કર્તાઓના ઇતિહાસશોધન પાછળ પ્રયોજી તેઓ ઉત્તમ ગ્રંથસંપાદક પણ બનેલા છે, જેને લીધે તેમનું સ્થાન બીજા માત્ર અનુવાદકો કરતાં વધારે મહત્ત્વનું બનેલું છે. આ ઉપરાંત તેમની થોડીએક મૌલિક ગંભીર તથા અગંભીર, ‘કવણ રસિકતા જાણશે’ તથા ‘પોલકાંપચ્ચીસી’ જેવી રચનાઓ પણ છે. ‘ગીતગોવિંદ’ જેવી કૃતિના છાયાનુવાદ જેવી નૂતન સર્જનાત્મક રચનાને લીધે તેમને કંઈ નહિ તો એક મહત્ત્વના છાયાકવિનું સ્થાન મળે તેમ છે. બેશક, તેમનું કાવ્યમાનસ મધ્યકાલીન અલંકારપ્રધાન સંસ્કૃત શૈલીનું રહેલું છે, અને કેટલીક વાર કાવ્યને અલંકારથી સુખચિત કરવામાં તેમણે મૂળ કૃતિ સાથે કદાચ ઇષ્ટ ન ગણાય તેટલી હદે છૂટ લીધેલી છે તથા તેના રસત્વને હાનિ પહોંચાડે તેટલી હદે તેઓ અલંકારની સજાવટમાં ખેંચાઈ ગયા છે. તોપણ તેમના અનૂદિત કાવ્યની બાની હમેશાં એક શક્તિશાળી સર્જકની કોટિની જ રહેલી છે. એમની અનૂદિત કૃતિઓ સૌન્દર્યનિષ્પત્તિમાં મૂળના જેટલી જ સફળ થયેલી છે. એ અનુવાદની પાછળ તેમનું પ્રાચીન, અર્વાચીન તથા લૌકિક ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ તેમજ શબ્દસામર્થ્ય ડગલે ડગલે વ્યક્ત થાય છે. તે પણ તેમની કાવ્યશક્તિનું એક મોટું ઘટનાત્મક બળ છે તથા તેમની કીર્તિનું એક બીજું શિખર છે. આ બધા લેખકોના અનુવાદોની યથાશક્ય ચર્ચા તેમની કવિતાના અવલોકન સાથે કરી લીધેલી હોવાથી અત્રે અનૂદિત કૃતિઓ લક્ષ્યમાં રાખી તેમની નોંધ કરી લઈએ. સૌથી પહેલાં સંસ્કૃતમાંથી થયેલા અનુવાદોને લઈશું.

સંસ્કૃતમાંથી અનુવાદો

[૧] કવિતા

પૃથિવીસૂક્ત ઋતુસંહાર
રઘુવંશ શશિકલા અને ચૌરપંચાશિકા
મેઘદૂત શૃંગારત્રિવેણી
છાયાઘટકર્પર ગંગાલહરી
અમરુશતક મહિમ્નઃસ્તોત્ર
ગીતગોવિંદ અનુવાદબાવની
વૃદ્ધચાણક્ય ભાગવતપુષ્પાંજલિ
લઘુચાણક્ય દેવીસ્તુતિ
ભર્તુહરિશતકત્રય ભગવદ્‌ગીતા

પૃથિવીસૂક્ત ઋતુસંહાર રઘુવંશ શશિકલા અને ચૌરપંચાશિકા મેઘદૂત શૃંગારત્રિવેણી છાયાઘટકર્પર ગંગાલહરી અમરુશતક મહિમ્નઃસ્તોત્ર ગીતગોવિંદ અનુવાદબાવની વૃદ્ધચાણક્ય ભાગવતપુષ્પાંજલિ લઘુચાણક્ય દેવીસ્તુતિ ભર્તુહરિશતકત્રય ભગવદ્‌ગીતા શૃંગારદર્શન બીજી ભાષાનાં કાવ્યોમાંથી સૌથી વધુ અનુવાદો સંસ્કૃતના થયેલા છે. આ અનુવાદો આપણા કવિઓને કે શિક્ષિતોને જે ક્રમે સંસ્કૃત કાવ્યનો પરિચય થતો ગયો તે ક્રમે થતા આવેલા છે અને તેમાં અનુવાદકની પ્રેરણા સિવાય બીજું કશું નિયામક તત્ત્વ રહેલું નથી. અર્વાચીન કવિતાના પહેલા સ્તબકમાં ચંડીપાઠ દેવીસ્તુતિ વગેરે ધાર્મિક કાવ્યોના અનુવાદોથી શરૂ કરી, સંસ્કૃત સુભાષિતો, પુરાણોમાંથી તથા ભાગવત વગેરેમાંથી અમુક ટૂંકા ખંડો, ત્યાંથી આગળ જતાં સંસ્કૃતનાં જાણીતાં ખંડકાવ્યો, મહાકાવ્યો, નાટકો તથા છેવટે સૌથી છેલ્લે વેદનાં સૂક્તોના અનુવાદો ગુજરાતીમાં થયા છે. આ અનુવાદોમાંથી મહત્ત્વના અનુવાદો જોઈશું. રામનારાયણ વિ. પાઠકનો ‘પૃથિવીસૂક્ત’ (૧૯૨૪)નો અનુવાદ લગભગ મૂલવત્‌ છે તથા તેના ગુજરાતી અવતારમાં પણ વૈદિક વાણીનો આસ્વાદ કરાવે તેવો છે. સંસ્કૃત પંચ મહાકાવ્યોમાંથી મોટા ભાગના અનુવાદો ગદ્યમાં થયેલા છે. રઘુવંશના પ્રથમ બે સર્ગ ૧૮૭૬માં દેશી ઢાળોમાં જુદા જુદા કડવાં રૂપે રેવાશંકર મયાધર ભટે ગુજરાતીમાં ઉતાર્યા છે. અનુવાદમાં મૂળના અર્થનું સંપૂર્ણ રીતે પ્રાસાદિક અવતરણ થયેલું છે, પણ મૂળનાં પ્રૌઢિ તથા સૌંદર્ય વિશીર્ણ થઈ ગયાં છે. ૧૮૯૭માં હરિલાલ નરસિંહરામ વ્યાસ તરફથી લગભગ આખા રઘુવંશનો બીજો અનુવાદ થયેલો છે. એ સમશ્લોકી નથી. લેખકે યથેચ્છ રીતે મૂળના છંદોને માત્રામેળ કે ગણમેળ છંદોમાં પલટી નાખેલા છે. એમાં છંદની શુદ્ધિ પૂરતી જળવાઈ નથી, તોયે ઉપરના કરતાં તે કંઈક સારો છે. આખા રઘુવંશનો સમશ્લોકી પદ્યાનુવાદ ઠેઠ ૧૯૩૩માં નાગરદાસ અમરજી પંડ્યા તરફથી થયેલો મળે છે. અનુવાદ સરળ છે, પણ તેમાં મૂળનાં સૌન્દર્ય અને રસ પૂરા ઔચિત્યથી ઊતર્યા નથી. રઘુવંશનો બીજો સંપૂર્ણ અનુવાદ ચતુરભાઈ ગોવિંદભાઈ પટેલે કરેલો છે. અનુવાદમાં છંદોની શિથિલતા છે અને વાણીની દુર્બળતા ઘણે ઠેકાણે દેખાય છે. શબ્દશુદ્ધિમાં પણ અનુવાદકે ચૂકો કરી છે. કેટલાક ભાગ રસાવહ બન્યા છે. આપણા કોઈ સિદ્ધહસ્ત નવીન કવિને હાથે રઘુવંશના જેવા મહાકાવ્યના સંપૂર્ણ અનુવાદને માટે હજી યે અવકાશ રહે છે. ‘મેઘદૂત’ના અનુવાદો – બળવંતરાવ રામચંદ્ર જુન્નરકર (૧૮૬૬), નવલરામ લક્ષ્મીરામ (૧૮૭૧), ભીમરાવ ભોળાનાથ (૧૮૭૯), હરિકૃષ્ણ બળદેવ ભટ્ટ (૧૮૯૬), શિવલાલ ધનેશ્વર (૧૮૯૮), વિહારી (૧૯૦૮), કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ (૧૯૧૩), હરિલાલ હ. ધ્રુવ પૂર્વમેઘ (?), ન્હાનાલાલ દ. કવિ (૧૯૧૧), ત્રિભુવન ગૌ. વ્યાસ (૧૯૩૭), મનહરરામ હરિરામ મહેતા (૧૯૪૨) – ‘યક્ષાખ્યાન’ નામથી, નટવરલાલ ભાઈશંકર જાની (૧૯૪૭). સંસ્કૃતમાંથી કોઈ પણ કાવ્યના સૌથી વધુ અનુવાદો થયા હોય તો તે ‘મેઘદૂત’ના છે. આ એક કાવ્યના અનુવાદોના બારતેર જેટલા પૂરાઅધૂરા પ્રયત્નોમાં ગુજરાતી કવિતાની અનુવાદપ્રવૃત્તિની સારી એવી રૂપરેખા મળી આવે છે. મેઘદૂતનો સૌથી પહેલો અનુવાદ બળવંતરાવ જુન્નરકરનો છે, પણ તે મારા જોવામાં આવ્યો નથી. એ પછી નવલરામ દ્વારા મહત્ત્વનો પ્રારંભ ૧૮૭૧માં થાય છે તે વખતે ગુજરાતી ભાષામાં સંસ્કૃત રૂપમેળ વૃત્તોને સફળ રીતે કાવ્યમાં વાપરી શકાય તેવું બહુ થોડાને લાગે છે. એ સ્થિતિમાંથી ગુજરાતી ભાષા બહાર નીકળી મૂળવત્‌ સમશ્લોકી અનુવાદની ક્ષમતાએ પહોંચી શકી છે; જોકે નવાઈની વાત એ છે કે મૂળવત્‌ સમશ્લોકી અનુવાદ કરવાની અસાધારણ શક્તિ ધરાવનાર કેશવલાલ હ. ધ્રુવે આ કાવ્યનો માત્રામેળ દેશીમાં જ અનુવાદ કર્યો, અને તે ય થોડોક જ. મેઘદૂતના સમશ્લોકી વૃત્તમાં અનુવાદ ભીમરાવ, વિહારી, કીલાભાઈ અને ન્હાનાલાલના છે. શિવલાલ ધનેશ્વરનો અનુવાદ રૂપમેળ, પૃથ્વી અને સ્રગ્ધરા જેવાં વૃત્તોમાં છે. હરિકૃષ્ણનો અનુવાદ હરિગીત છંદમાં છે. ત્રિભુવન ગૌ. વ્યાસનો ઝૂલણામાં છે. આમાંથી દરેકના ભાષાન્તરની કંઈ ને કંઈ વિશિષ્ટતા છે, મર્યાદા પણ છે. નવલરામના ભાષાંતર (૧૮૭૧)માં છંદ બદલાયો છે, છતાં સ્વતંત્ર કાવ્યકૃતિ તરીકે તેની આસ્વાદ્યતા કેટલાક ભાગોમાં ઘણી રહી છે. તેની પંક્તિઓમાંથી અંત્ય વિરામ નીકળી ગયો છે, એ અજાણપણે બનેલું છે છતાં છંદોરચનાના વિકાસમાં એ વિગત નોંધવા જેવી છે. હરિકૃષ્ણના અનુવાદમાં તો ભાષા પણ ઘણી અવિકસિત છે, અને મૂળનો અર્થ આવ્યો છે પણ સૌન્દર્ય નથી આવી શક્યું. શિવલાલ ધનેશ્વરના ભાષાંતર (૧૮૯૮)માં પૃથ્વી છંદનો પ્રયોગ અદ્યતન લેખકો જેવો પ્રબળ અને સંસ્કારી રીતિનો છે. છંદ બદલાયા છતાં આ રૂપમેળ છંદોમાં વિષયનો વેગ અને સંસ્કૃતના જેવી રમણીયતા આવી છે. ભીમરાવ, વિહારી, કીલાભાઈ અને ન્હાનાલાલના અનુવાદોમાંથી સૌથી વધુ પ્રચારમાં આવેલો અનુવાદ કીલાભાઈનો છે. વિહારી તથા ન્હાનાલાલના અનુવાદોની બે આવૃત્તિઓ તો થયેલી છે. ભીમરાવના અનુવાદમાં કંઈક ક્લિષ્ટતાનું પ્રમાણ વધુ છે, તો કીલાભાઈમાં તેને લોકગમ્ય કરવા ખાતર કે લેખકની અશક્તિને લીધે અર્થને પાતળો કરી નાખતી આઠઆઠ જેટલી પંક્તિઓમાં શ્લોકોને લંબાવેલા છે તેમાં કેટલીક પંક્તિઓ અને શબ્દો ગ્રામ્ય પણ થઈ ગયાં છે. ન્હાનાલાલના અનુવાદમાં તેમણે લીધેલી છંદની છૂટ સર્વત્ર સુભગ નથી. એ કરતાં વિહારીનો અનુવાદ વધુ સુશ્લિષ્ટ અને પ્રસાદપૂર્ણ લાગે છે. બીજા અનુવાદકોના દોષો ક્લિષ્ટતા, ગ્રામ્યતા, પોચો અર્થવિસ્તાર, તથા છંદોવૈરૂપ્યમાંથી તેમનો જ અનુવાદ સૌથી વધુ બચી ગયેલો છે. ત્રિભુવન વ્યાસનો ઝૂલણાનો અનુવાદ પ્રસાદપૂર્ણ હોવા છતાં તે શબ્દાળુતા અને શિથિલતામાંથી બચી શક્યો નથી. સંસ્કૃત સાહિત્યનાં બીજાં ઉત્તમ ખંડકાવ્યો કે મુક્તકોના કે નાટકોના અનુવાદ કેશવલાલ હ. ધ્રુવને હાથે થયેલા છે તેમાં ‘છાયાઘટકર્પર’* ‘અમરુશતક’ (૧૮૯૨) તથા ‘ગીતગોવિંદ’ (૧૮૯૫)ના અનુવાદો મહત્ત્વના છે. એક જ હાથે આ અનુવાદો થયા હોવા છતાં મેઘદૂતને જેમ અનેક અનુવાદકોનો લાભ મળ્યો છે તેમ, આ કાવ્યોને પણ એના એ અનુવાદકને હાથે અનેક વાર પુનઃસંસ્કરણ મળતું રહ્યું છે અને તે ઉત્તરોત્તર ઉત્તમ બનતા ગયા છે. ‘અમરુશતક’ના અનુવાદમાં ગુજરાતી ભાષા અર્થાભિવ્યક્તિની પોતાની ઉત્તમ શક્તિ બતાવે છે અને અનુવાદોમાં પહેલી વાર ગુજરાતી ભાષાની મૌલિક ફોરમ પ્રગટે છે. અનુવાદક મૂળ કૃતિનાં પ્રૌઢિ અને રસ બંને લાવી શક્યા છે; જોકે આ સિદ્ધહસ્ત અનુવાદકમાં ઝડઝમક તરફ વધારે વલણ દેખાય છે. એ સાધવા માટે તેઓ પાઠમાં પણ કળાદૃષ્ટિએ અક્ષમ્ય એવા ફેરફારો કરે છે. આ મુક્તકોમાં શબ્દાર્થ હમેશાં યથાર્થ ઘટાવાયો નથી, તથા અનુવાદકે વિશેષણો વગેરે પણ પોતાનાં ઉમેરી દીધાં છે, જે હમેશાં મૂળ કૃતિના રસતત્ત્વને પોષક નથી બનેલાં; તોપણ અનુવાદક પોતાની કૃતિ પાછળ ખૂબ શ્રમ લે છે તથા તેને ‘તાછ, ઓપ અને સોનાગેરુના સંસ્કારો’ આપવામાં કસર રાખતા નથી. ‘ગીતગોવિંદ’ના અનુવાદને અનુવાદકે છાયાકૃતિ કહી છે તે સર્વથા ઉચિત છે. અનુવાદની કળા તથા સ્વતંત્ર સર્જનશક્તિ બંનેના મિશ્રણનું આ કાવ્ય ઉત્તમ ઉદાહરણ છે. આ કૃતિનું સૌન્દર્ય મૌલિક કહેવાય તેવું છે. અને તે મૂળ કૃતિના જેટલો જ રસનો પરમ આહ્‌લાદ આપી શકે તેવી, આપણાં અનૂદિત કાવ્યોમાં શકવર્તી ગણાય તેવી કૃતિ બનેલી છે.

  • ‘ઘટકર્પર’નું : એક બીજું સમશ્લોકી ભાષાંતર વૈદ્ય શંકરલાલ કુંવરજીએ કરેલું છે.

આ અનુવાદનો આશ્રય લઈ ગીતગોવિંદનાં બીજાં બે રૂપાન્તર ‘ગઝલે ગીતગોવિંદ’ (૧૯૨૩) – નટવરસિંહ બલદેવભાઈ દેસાઈ તથા ‘સરલ ગીતગોવિંદ’ (૧૯૨૭) – નટવરલાલ હ. શાહ દ્વારા થયાં છે, પણ તે અત્યંત નિકૃષ્ટ પ્રકારનાં છે. સંસ્કૃત સાહિત્યની આ સીમાચિહ્ન જેવી કેટલીક કૃતિઓ સિવાય બીજી પ્રકીર્ણ કૃતિઓના જે અનુવાદો થયા છે તે નીચે પ્રમાણે છે. આ અનુવાદો જેમ અર્વાચીન કાળની નજીક આવતા જાય છે તેમ મૂળવત્‌ સમશ્લોકી બનતા જાય છે. પ્રારંભમાં તો ગમે તે છંદમાં ગમે તે રીતે અનુવાદો થતા રહ્યા છે. મૂળનાં વૃત્ત છોડીને કરેલા અનુવાદોમાં અર્થ ઊતરે છે. પણ રસ કે અર્થની અસલ ચોટ ઊતરતી નથી. ૧૮૭૪ વૃદ્ધ ચાણક્યનું ભાષાન્તર – બાળકરામ નંદરામ માંડવીકર, સમશ્લોકી નથી. ૧૮૭૪ લઘુ ચાણક્ય નીતિસંગ્રહ – ”, અનુષ્ટુપ છંદમાં છે. ૧૮૭૭ ભર્તૃહરિનું નીતિશતક – જગજીવન ભવાનીશંકર, સમશ્લોકી નથી પણ અર્થ સારો ઊતર્યો છે. ૧૮૮૮ ભર્તૃહરિકૃત શૃંગાર શતક – સી. એલ. કંથારિયા, સમશ્લોકી જેવું, છંદોમાં કચાશ, શબ્દવિન્યાસમાં શિથિલતા છતાં સુવાચ્ય. ૧૯૦૧ ભર્તૃહરિ શતકત્રય – કાલિદાસ ઋતુસંહાર – પ્રાણજીવન ત્રિભુવન ત્રિવેદી, ભર્તૃહરિનાં ત્રણે શતકનો એકસાથે સૌથી પહેલો અનુવાદ. પંક્તિઓ શિથિલ છે, ભાષા કૃત્રિમતાવાળી છે. ૧૯૨૮ નીતિશતક – શ્રી ગિરિધર શર્માજી. સારો વફાદાર અને પ્રાસાદિક અનુવાદ. ૧૮૭૭ શૃંગારદર્શન – ઠા. પ્રેમજી ખેતસિંહ કંજરિયા. સમશ્લોકી નથી. કાલિદાસના શૃંગારતિલક અને થોડા શૃંગારિક શ્લોકોનો વિસ્તારીને થયેલો અનુવાદ. ૧૮૯૯ ઋતુસંહાર – મોહનલાલ પ્રસાદરાય મહેતા. સમશ્લોકી નથી. મૂળનું સૌન્દર્ય ઓછું છતાં ગુજરાતી પૂરતી સરળતા અને સુંદરતા આવી છે. આ કાવ્યનો બીજો અનુવાદ ૧૯૧૩માં હરિકૃષ્ણ બળદેવ ભટ્ટે કરેલો છે, જે મારા જોવામાં આવ્યો નથી. તે પછી ૧૯૩૮માં વકીલ જેઠાભાઈ બહેચરભાઈએ ત્રીજો અનુવાદ કર્યો છે. શબ્દયોજનામાં શિથિલતા છે. છતાં અમુક પ્રાસાદિકતા આવી શકી છે. ૧૯૨૬ શશિકલા અને ચૌરપંચાશિકા – નાગરદાસ ઈ. પટેલ. સમશ્લોકી મૂળવત્‌ મૂળનો શબ્દાર્થ સર્વત્ર સફળ રીતે નથી ઊતર્યો, તથા અર્થ ઘણી વાર નબળો થઈ ગયો છે, તોપણ કાવ્ય પ્રાસાદિક બન્યું છે. ૧૯૨૭ શૃંગારત્રિવેણી – તનમનીશંકર લાલશંકર શિવ. આમાં ‘ચૌરપંચાશિકા’, ‘શૃંગારતિલક’ અને ‘પુષ્પખાણવિલાસ’ના અનુવાદો લેખકે ત્રીજી વાર કરેલા છે. અને તેમાં પ્રગતિ છે. અનુવાદક મૂળને વધુ સફળતાથી વફાદાર રહી શક્યા છે. આ અનુવાદો ઉત્તમ અનુવાદોની હારમાં મૂકી શકાય તેવા બન્યા છે. ૧૯૦૭ ગંગાલહરી – લાલજી વીરેશ્વર જાની. મોટે ભાગે સમશ્લોકી અનુવાદ. બીજો અનુવાદ, ભીખુભાઈ રા. ગોહિલનો છે (૧૯૪૨). ૧૯૩૫ ગંગાલહરી – વિયોગી. પૂરો સમશ્લોકી અને વધારે સારો અનુવાદ છે. કેટલાક મૂળના ક્લિષ્ટ શબ્દો બદલી શકાય તેવા છે છતાં તેવા ને તેવા લેખકે રાખી મૂક્યા છે. અર્થ ક્યાંક મૂળ કરતાં પણ વધુ ક્લિષ્ટ બન્યો છે. ૧૯૦૮ મહિમ્નઃસ્તોત્ર – વિશ્વનાથ સદારામ પાઠક. સમશ્લોકી અને સુંદર. ૧૯૧૩ અનુવાદ બાવની – નાગરદાસ વૈકુંઠજી પંડ્યા. પ્રકીર્ણ બાવન સંસ્કૃત શ્લોકો, પંક્તિઓમાં વધારો કરીને. ભાગવત પુષ્પાંજલિ – વિહારી. ભાગવતમાંથી ૨૧૬ શ્લોકોનો સમશ્લોકી અનુવાદ, મૂળનાં પ્રસાદ, ગાંભીર્ય અને શિષ્ટતા સાથે. ૧૯૨૦ દેવીસ્તુતિ – ભટ શંકરલાલ પ્રભાશંકર. સમશ્લોકી સારું પદ્ય. ૧૯૧૦ ભગવગદ્‌ગીતા – ન્હાનાલાલ દ. કવિ. ગીતાનો સંપૂર્ણ અને સુભગ સમશ્લોકી અનુવાદ. ૧૯૨૭ ગીતા અમૃતસાગર – પં. ગણેશરામ છગનરામ વરતિયા. પહેલા નવ અધ્યાયનો માત્રામેળ છંદોમાં સહેલો સમજાય તેવો અનુવાદ. ૧૯૩૪ ગીતાધ્વનિ – કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા. ન્હાનાલાલના અનુવાદમાંથી ઘણો એક ભાગ આમાં સ્વીકારી લઈ તેને વધુ સરળ અને સ્પષ્ટ કરેલો છે. પરંતુ તે ન્હાનાલાલ જેટલો સુંદર નથી થયો. ૧૯૩૬ સંગીત ગીતા – રંગ અવધૂત. ગીતાના અર્થને સરળ માત્રામેળ પદ્યમાં મૂકવામાં આવ્યો છે. પણ મૂળનું અર્થગાંભીર્ય તથા કાવ્યમય બાની બહુ અલ્પ પ્રમાણમાં ઊતરી છે.