જનાન્તિકે/સાડત્રીસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સડત્રીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} ઉમ્બર પર કોઈકનો પડછાયો દેખાય છે...")
(No difference)

Revision as of 07:08, 9 July 2021


સડત્રીસ

સુરેશ જોષી

ઉમ્બર પર કોઈકનો પડછાયો દેખાય છે. એ તરફ કોઈનું ધ્યાન નથી. એ બીજાને દૃષ્ટિગોચર નહીં હોય! પણ હું એ પડછાયા પરથી દૃષ્ટિ ખસેડી શકતો નથી. વાતચીતમાં મારું ધ્યાન નથી, વાક્યો તૂટે છે. એ પડછાયાની સંકોચશીલ ભીરુતા મને અસ્વસ્થ કરી મૂકે છે. હું એની સાથેનો પરિચય તાજો કરવા મથું છું ને યાદ આવે છે : દીવાની ઝાળથી કાળી બની ગયેલી ચીમની, ઊંઘના ભારથી લચી પડેલી પાંપણો ને સ્થિર થવા આવેલાં નિદ્રાના જળને ડહોળી મૂકતાં અકારણ હીબકાં, છાતીએ ભરાઈ આવેલો ડૂમો, બાલ્યવયનું એ નવજાત દુ:ખ આ બધાં વર્ષો દરમિયાન મારાથી અગોચરે ઉછરતું રહ્યું છે. આજે હવે એ એક જ ખોળિયામાં ભેગું રહેવા આવ્યું છે. હવે એકાન્ત શક્ય નથી. એનો સહવાસ છૂટે એમ નથી. હાસ્યને અન્તે એનો ઉચ્છ્વાસ સંભળાય છે. દૃષ્ટિની આડે એ ઝાંયની જેમ છવાઈ જાય છે. રાતભર સો સો છિદ્રોમાંથી ઉઘાડા પડી જતા એના વ્રણને ઢાંકવા એ અન્ધકારનાં થીંગડાં માર્યા કરે છે. એની સોયના ટાંકાનો અવાજ મને જંપવા દેતો નથી. સવારે મારાં સૂજેલાં પોપચાંને ખોલીને એ સૂર્યની આડે ઊભું રહી જાય છે. પ્રત્યેક પળે એના અન્તરાયને વીંધીને સૃષ્ટિને જોવાનો શ્રમ આંખને ભીની કરી દે છે.