જનાન્તિકે/એકતાલીસ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એકતાલીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} નોકરી કરવા જાઉં છું ત્યાં બારીમ...") |
(No difference)
|
Revision as of 07:14, 9 July 2021
સુરેશ જોષી
નોકરી કરવા જાઉં છું ત્યાં બારીમાંથી નજર કરું છું તો એક પ્રચણ્ડકાય વૃક્ષરાજને જોઉં છું, એને ગળે લેટિન ભાષામાં લખેલા એના નામનું પાટિયું ટાંગ્યું છે – એ જોઈને નંબરવાળો ડગલો પહેરતા જેલના કેદી યાદ આવે છે. બોટનિકલ ગાર્ડનના વનસ્પતિપરિવાર વચ્ચે આ આરણ્યકનો મેળ ખાતો નથી. એના પર્ણમર્મરનો છન્દ સાંભળું છું ને મારામાં રહેલો આરણ્યક એમાં સાદ પૂરાવે છે. સૂડાઓનું ટોળું આવીને એના પર બેસે છે. એ શુકપંક્તિનો વિન્યાસ હું બેઠો બેઠો જોયા કરું છું. એ વૃક્ષરાજની આજુબાજુ વિષાદનો પરિવેશ છે, એકાકીપણાના વર્તુળમાં પુરાઈને એ જે દીનતા ધારણ કરે છે તે નથી સહેવાતી. એની અને મારી શિરાઓમાં ઝંઝાવાતનો ઉદ્દામ લય છે. પુસ્તકોના ઢગ વચ્ચે ઠાવકું મોં રાખીને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ સાથે વાતો કરતો હોઉં છું ત્યારે મારામાં વસતો ઘણાં વર્ષો પહેલાંનો એ કિશોર છલાંગ ભરીને વૃક્ષની સૌથી ઊંચી ડાળે ચઢીને હીંચવા અધીરો બનીને બેઠો હોય છે, અહીંના સભ્ય પણ્ડિતો વચ્ચે એવું વન્ય વર્તન કાંઈ કોઈ નભાવી નહીં લે, માટે ગમ ખાઈને બેસી રહું છું. મારા ચિત્તના નેપથ્યમાં સ્તબ્ધ બનીને ઊબેલા વૃક્ષ પરથી શુકપંક્તિઓ પાંખ ફફડાવતીકને ઊડી જાય છે.