ગુજરાતી બાળવાર્તા સંપદા/પ્રસ્તાવના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 12:35, 11 August 2024


પ્રસ્તાવના

સમસ્ત માનવસંસ્કૃતિના કેન્દ્રમાં મનુષ્ય છે અને મનુષ્યની સંસ્કારિતાના પાયામાં એનું શૈશવ છે. એનું શૈશવ-બાળપણ જે પ્રકારે વ્યતિત થયું હશે તે પ્રકારે તેનું વ્યક્તિત્વ પણ વિકાસ પામશે અને સંસ્કૃતિના સર્વ કાર્યો પર તેનો પ્રભાવ કોઈ ને કોઈ રીતે વર્તાશે. કોઈ પણ સંસ્કારી, સંસ્કૃતિપ્રેમી સમાજમાં બાળકનું મહત્ત્વ સ્વીકારાતું આવ્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિના કેન્દ્રમાં ‘શિશુદેવો ભવ’ની ભાવના રહેલી જ છે. શ્રીકૃષ્ણનું ચરિત્ર પણ બાલદેવતાના રસાત્મક ચમત્કારનું હૃદયંગમ દર્શન કરાવી રહે છે. આપણા એક ઋષિ-દ્રષ્ટાએ ‘દેવો ભૂત્વા દેવમ્‌ યજેત’ - એમ કહ્યું છે. આપણે એમ કહી શકીએ કે ‘બાલો ભૂત્વા બાલમ્‌ યજેત્‌*’ બાલ્યાવસ્થામાં પડતા સંસ્કારની અસરનું પરિણામ કેવું હોઈ શકે તે સમજવા ભાગવતમાં આવતી મદાલસાની વાત ધ્યાનમાં રાખવા જેવી છે. કહે છે કે મદાલસાને પુત્ર અવતર્યો. તેણે વિચાર્યું, મારા બાળકને બીજો જન્મ જ ના મળે તેમ મારે કરવું ને બાળકને પારણામાં હતો ત્યારથી જ ‘શુદ્ધોડસિ બુદ્ધોડસિ નિરંજનોડસિ’ - એમ સંભળાવવા માંડ્યું. પરિણામ એ આવ્યું કે પુત્ર મોટો થતાં મહાન શુદ્ધ-જ્ઞાની, વૈરાગી અને ત્યાગી થયો. કહેવાનું તાત્પર્ય અત્રે એટલું જ છે કે બાલ્યાવસ્થામાં પડેલા સંસ્કાર મનુષ્યના ઘડતર-વિકાસમાં નિર્ણાયક અસર કરતા હોય છે. બાળકને માહિતી આપી ભણાવવો એ સહેલું છે, પણ સદ્‌ગુણો પોષી કેળવવો એ અઘરું છે. સારા બાલસાહિત્ય પાસે આ કાર્યની હંમેશા અપેક્ષા રહે છે. શ્રી રવિશંકર મહારાજની શીખ આ સંદર્ભમાં આપણે યાદ કરી શકીએ. તેઓ કહેતા : “તમે તમારા બાળકોને ભણાવશો નહીં પણ ઉછેરજો... એટલે કે અક્ષરજ્ઞાન જરૂરી હોવા છતાં ખરું કામ બાળકમાં પડેલ સુસંસ્કારો અને સદ્‌ગુણો વિકસાવવાનું છે.” બાળક કુટુંબમાં જો કેન્દ્રસ્થાને છે તો સમાજમાં પણ કેન્દ્રસ્થાને રહેવું જોઈએ. તેની લાગણીઓની યોગ્ય માવજત થતી રહેવી જોઈએ. ફિલિપ બ્રુક્સ યોગ્ય રીતે કહે છે કે : “માનવજાતનું ભાવિ બાળકોને પગલે પગલે પ્રગતિ કરી રહ્યું છે... બાળકો નાનાં છે, તેમના પગ નાના છે પણ તેમના ઉપર ભવિષ્યનો કાળ આગળ ધપે છે.” બાળસાહિત્ય આમ બાળકના મનોઘડતર માટે અને સમાજના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક મહત્ત્વનું સાધન છે. આ બાળસાહિત્યનું જગત અનેક રીતે રસવૈવિધ્યવાળું અને રંગીન છે. બાળકો જ્યારે બાલસાહિત્યના જગતમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમને એ સાહિત્યના રમણીય અને રોમાંચક પ્રદેશોનું દર્શન થાય છે. ચાર્લોટ એસ. હક્ક અને ડોરિસ યંગ કુહ્‌ને આ સંદર્ભમાં એક સરસ બયાન આપ્યું છે : જ્યારે બાળકો ‘પુસ્તકોનાં જગત’માં પ્રવેશ કરે છે, ત્યારે મા-બાપો અને શિક્ષકો પ્રસન્ન થાય છે. જો કોઈ નકશાનવીસે પુસ્તકોના આ માયાવી જગતનો નકશો દોરવાનો પ્રયત્ન કર્યો હોત તો તેણે સાહસનાં શૈલશૃંગો અને ભયો અને ભેદભરમોથી છવાયેલી ખીણોનો એમાં સમાવેશ કર્યો હોત. એમાં માહિતીના વિશાળ મેદાનો, હાસ્યથી ચમકારા મારતી સરિતાઓ અને રહસ્યની કંદરાઓ હોત, ઉઘાડા પડેલા ખડકોના થર અતીતકાલીન જીવનનો આવિષ્કાર કરતા હોત. (એમાં આવેલાં) રમણીય બંદરો સુખસગવડ અને સલામતીનો નિર્દેશ કરતાં હોત. વળી એ જગતમાંના સમુદ્રોના તળીયે ખોજ ચલાવતાં અવનવા રસોને સંચારિત થવા માટેનો હલ્લેસાઈ ધક્કો પ્રાપ્ત થયો હોત. આ વિશ્વ વિસ્તરે છે એ અજ્ઞાત સીમાડાઓ સુધી, જ્યાં અજાણ્યા સ્થળો અને જાતભાતનાં લોકોનો ભેટો થાય છે. ‘સાહિત્યજગત’ સતત વિસ્તરતું જગત છે, (જ્યાં) શિક્ષકો એકેએક માર્ગને પદાંકિત કરી શકતા નથી. તો એકેએક બાળક એ જગતના એકેએક ખૂણામાં ફરી વળી શકતું નથી. જોકે શિક્ષકો પુસ્તકોનું જગત બાળક સમક્ષ ખુલ્લું મૂકી દઈ શકે છે, તેઓ તેનો (એ જગતનો) નકશો તો દર્શાવી શકે છે અને તેને એની જીવનભરની ખોજનો આરંભ કરવામાં સહાયભૂત પણ થઈ શકે છે.’ બાલસાહિત્યનું - બાળવાર્તાનું જગત કેવું વિસ્તરતું અને વિસ્મયપૂર્ણ જગત છે તેનો યથાર્થ સંકેત આપણને ઉપર્યુક્ત પરિચ્છેદમાંથી સાંપડે છે. બાળકનું મનોજગત અને શબ્દજગત દેશકાળના પ્રવાહ સાથે સતત ગતિમાં રહેતું અને પરિવર્તન પામતું જગત છે. સમયે સમયે બાળકોની અપેક્ષાઓ બદલાતી રહે છે અને અપેક્ષાઓના સંદર્ભમાં બાલસાહિત્યના સર્જનનાં પ્રયોજનો પણ બદલાતાં રહે એ ઇષ્ટ છે. છતાંય ન બદલાય તેવાં કેટલાંક પ્રયોજનો હોવાનાં - રહેવાનાં - બાળકનું ભાષાઘડતર, માનસઘડતર, સંસ્કારઘડતર કરવાનું અને સાહિત્યમાત્રનું જે પરમ લક્ષ્ય છે તે આનંદ આપવાનું - આટલાં તો તેનાં તેને સતત વળગેલાં, કહો કે તેના અંગરૂપ - તેની સાથે જ જન્મેલાં પ્રયોજનો છે અને તે મુખ્ય પ્રયોજનો છે. તેમાંય આનંદ તો મુખ્યમાં પણ મુખ્ય ! બાળકનું પોતાનું આગવું, સ્વતંત્ર, સ્વતઃ સંપૂર્ણ વ્યક્તિત્વ છે. બાળકોનું પોતાનું આગવું અનુભવ-જગત છે. એમની પોતાની આગવી સંવેદનાઓ છે. આથી બાળક જે પુસ્તક સાથે - જે સાહિત્ય સાથે લીલયા તાદાત્મ્ય સાધી શકે તેને ‘બાલસાહિત્ય’ના વર્ગમાં મૂકી શકાય. શ્રી યશવંત દોશી કહે છે તેમ, ‘જેની આકૃતિ અને અંતસ્તત્ત્વ બન્ને બાળકને ખુશ કરી દે તેવું સાહિત્ય તે બાલસાહિત્ય.’ આમ બાળસાહિત્યનું સમગ્ર સર્જન બાળકને અનુલક્ષીને થાય છે. બાળકના જગત સાથે, બાલમાનસ સાથે તાદાત્મ્ય સાધીને બાલસાહિત્યનો સર્જક એનું સર્જન કરતો હોય છે. આથી બાલસાહિત્યનું સર્જન કરવા જ્યારે સર્જક પ્રેરાય છે, ત્યારે તે પોતાના શૈશવકાળમાં પાછો ફરતો હોય એવો ભાવ અનુભવે છે. શ્રી રમણલાલ સોનીએ આ પ્રક્રિયાને ‘ઉતારી નાખેલી કાંચળીમાં સાપ પુનઃ પ્રવેશ કરે’ એ પ્રકારની વર્ણવી છે. વલ્લભદાસ અક્કડ કહે છે તેમ : “બાળકો માટે સાહિત્ય લખવું એ ખાવાનો ખેલ નથી. કોઈ પણ પ્રકારની પ્રેરણા કે સ્ફુરણા વિના, ઊંડા-તીવ્ર સંવેદન વિના, તેમનાં માનસ અને વાતાવરણમાં જીવ્યા વિના, બાલસાહિત્ય લખી શકાય નહીં... મોટેરાંઓના સાહિત્ય કરતાં બાલસાહિત્ય લખવાની ધાટી ભિન્ન છે, એમાં વિશેષ માવજત અભિપ્રેત છે, એ માટે વિશેષ પ્રકારની શક્તિ જોઈએ.” આ વાત સંપૂર્ણ સાચી છે. બાળકોના ડૉક્ટર પાસે જેમ તબીબી દૃષ્ટિએ બાળક વિશેની સર્વોત્તમ જાણકારીની, તેમ બાલસાહિત્યના સર્જકો પાસે પણ સંવેદન-દૃષ્ટિએ બાળકો વિશેની સર્વોત્તમ જાણકારીની અપેક્ષા રહે છે. બાળવાર્તા એ બાળસાહિત્યનો એક નોંધપાત્ર અને બાળપ્રિય સાહિત્ય પ્રકાર છે. ‘બાળવાર્તા’ શબ્દમાં ‘વાર્તા’ શબ્દ કૃતિના સ્વરૂપનો અને ‘બાળ’ શબ્દ તેના ભાવકની કક્ષાનો નિર્દેશ કરે છે. બાળવાર્તાનું સર્જન કરતાં શિશુવયથી માંડી તરુણાવસ્થા સુધીની બદલાતી બાળકોની વયકક્ષા પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં કથાવસ્તુ બાળકોના મનોજગતને સ્પર્શી શકે અને તે સમજી શકે તેવી ભાષામાં રજૂ કરવામાં આવે છે. બાળકમાં અપાર જિજ્ઞાસા અને વિસ્મય હોય છે. તેમની કલ્પનાશક્તિમાં નોંધપાત્ર મુક્તતા પણ હોય છે. બાળવાર્તામાં બાળકની કલ્પના, સંવેદના અને અપેક્ષાનો વયાનુસારી રીતે ખ્યાલ રખાય અને તે રીતે કથાનિરૂપણ થાય તે જરૂરી છે. માત્ર બાળવાર્તા જ નહીં, સમગ્ર બાળસાહિત્ય બાળકને આંખ અને પાંખ આપવાનું કાર્ય કરે છે. બાળવાર્તા શિક્ષણનું તેમજ સંસ્કારઘડતરનું એક મહત્ત્વનું સાધન છે. તેમાં બાળકને મનોઘડતર સાથે જો મનોરંજન ન મળે તો તેનો કોઈ અર્થ નથી. બાળવાર્તાઓમાં બાળક તેની કલ્પનાઓને ચરિતાર્થ થતી જુએ છે અને તેથી તેને આનંદ મળે છે. વળી તેની કલ્પનાઓને વધુ વેગ મળે છે અને સમગ્ર વિશ્વ સાથે તે સંવેદનાથી જોડાઈને એકરૂપતાનો અનુભવ કરે છે. બાળકોને જીવનની મસ્તી-પ્રફુલ્લતા-પ્રસન્નતા વધુ ગમે. આથી બાળવાર્તામાં હાસ્ય અને અદ્‌ભુત રસની સૃષ્ટિનું વિશેષ આલેખન થાય તે જરૂરી છે. સાથે જ બાળવાર્તામાં અનુકંપા, કરુણા, દયા, ક્ષમા, વીરતા, સાહસ, પ્રામાણિકતા, સચ્ચાઈ, સૌહાર્દ, ઔદાર્ય, ભલાઈ જેવા સદ્‌ગુણોનું નિરૂપણ થાય તે જરૂરી છે. બાળવાર્તાને જો પંખી રૂપે કલ્પીએ તો તેની એક પાંખ સચ્ચાઈની અને બીજી પાંખ કલ્પનાની હોય છે. બાળવાર્તામાં મૂલ્યબોધને જરૂર સ્થાન છે. પણ તે કથારસમાં ભળીને આવવો જોઈએ. બાળવાર્તાની ભાષામાં ભાવ પ્રમાણેના આરોહ-અવરોહ, કાકુ, કહેવતો, રૂઢિપ્રયોગો, અલંકારો, કહેણીની અવનવી લઢણો - આ બધાંનો આવશ્યકતા અનુસાર ઉપયોગ થતો હોવો જોઈએ. ધર્મ અને નીતિના પ્રચારકો બાળવાર્તાઓનો દૃષ્ટાંતરૂપે સતત ઉપયોગ કરતા આવ્યા છે. એટલું જ નહીં, જેમની પાસે લેખનકળા નહોતી તેવા આદિમ સમાજો પણ બાલકથાઓનો ઉપયોગ કરતા હતા. વાર્તા એ તો માનવસમાજની સાંસ્કૃતિક મૂડી છે. એ કદી જૂની થતી નથી. આ સાંસ્કૃતિક મૂડી જેટલી વપરાય તે જ સારું. બાળવાર્તાનાં સ્વરૂપ ઉપર લોકસાહિત્યનો ગાઢ પ્રભાવ છે. ખાસ તો તેની કહેણીનો - તેની નિરૂપણરીતિનો વધુ પ્રભાવ જોવા મળે છે. વળી લોકસાહિત્યમાં બાલકથાઓનો બહુ માતબર ફાલ છે. ગિજુભાઈએ બાલકથાઓ લોકસાહિત્યની ખૂબ ઋણી છે, તેમ કહ્યું જ છે. એમણે પોતે જ લોકસાહિત્યની સામગ્રીમાંથી ઘણી કથાઓને બાલભોગ્ય રૂપ આપ્યું છે. આપણી અનેક પ્રચલિત બાલકથાઓના મૂળ લોકકથાઓમાં જડે છે. આમાંની કેટલીયે કથાઓ દેશદેશાંતર ઘૂમી છે, કેટલીક રૂપાંતર પામી છે અને કેટલીયે કથાઓએ ધર્માંતર પણ કર્યું છે અને તેથી જ એ કથાઓનાં મૂળ શોધવા અઘરાં છે. લોક-સાહિત્યમાંથી બાલકથાઓને વિકસવાની ઘણી તકો છે જ. લોકકથાઓમાંથી આવતી બાલકથાઓનાં ભાષા કે બોલી ગત અનેક રૂપો મળ્યાં છે. સિન્ડ્રેલાની કથાનાં લગભગ ૩૫૦ જેટલાં સ્વરૂપો પ્રાપ્ત થયાનું અભ્યાસીઓ જણાવે છે. વિષયવૈવિધ્ય ધરાવતા લોકસાહિત્યનો બાલકથાના ઉદ્‌ભવ અને વિકાસમાં ખૂબ મોટો ફાળો છે. લોકકથામાં દુહા-સાખી વગેરે આવે. એમાં કવિતા પણ આવે. એમાં વિલક્ષણ રીતની પુનરુક્તિઓ પણ થતી હોય છે. આ બધી બાબતોને બાલકથામાં લાવીને એની રજૂઆતને પ્રભાવક બનાવવાના પ્રયત્નો ગુજરાતી બાલવાર્તામાં અનેક સર્જકોએ કર્યા છે. ગિજુભાઈની વાર્તાઓમાં તો આનાં ઢગલાબંધ ઉદાહરણો મળી રહે. હાલના સમયમાં રક્ષા દવેની વાર્તાઓમાં પણ અનેક ઉદાહરણો મળે. ઝવેરચંદ મેઘાણી, રમણલાલ સોની, ‘દક્ષિણામૂર્તિ’ અને ‘ગાંડીવ’ના પ્રકાશનોમાં તો આનાં અનેક ઉદાહરણો છે. ગુજરાતી બાલકથાઓના સંદર્ભમાં બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જો રામાયણ, મહાભારત, ભાગવત આદિ કાવ્યો-પુરાણો, વેદઉપનિષદની કથાઓ, હિતોપદેશ - પંચતંત્ર આદિની કથાઓ, હિંદુ ધર્મની આખ્યાયિકાઓ, બૌદ્ધધર્મની જાતકકથાઓ, જૈન ધર્મની આગમકથાઓ તથા ‘કથાસરિત્સાગર’, સિંહાસન બત્રીસી, વૈતાળપચીસી, શુકસપ્તતિ આદિનું સાહિત્ય ન હોત, ઈસપની નીતિકથાઓ, ‘અરેબિયન નાઇટ્‌સ’ની કથાઓ, ગ્રીમબંધુઓની લોકકથાઓ, હાન્સ ઍન્ડરસનની પરીકથાઓ વગેરે ન હોત તો આજે ગુજરાતીમાં જે પ્રકારનો કથાપ્રવાહ મળે છે, તે પ્રકારનો હોત કે કેમ તે પ્રશ્ન છે. આ પ્રકારનું સાહિત્ય અનેક જૂના-નવા બાલકથાસર્જકોએ આપ્યું છે અને તેનો પ્રવાહ આજ સુધી ચાલુ છે. અલબત્ત, એમાં સમયે સમયે જૂની વાર્તાઓના નવા સંદર્ભમાં ફેરફારો પણ કરવામાં આવ્યા છે. માત્ર ગુજરાતીમાં જ નહીં, ભારતની બધી ભાષાઓની બાળવાર્તાઓ સમયાનુસાર મૂલ્યશિક્ષણ કે ભાષાશિક્ષણ દૃષ્ટિએ બદલાતી રહી છે. હિતોપદેશ-પંચતંત્રની કે ઈસપની બાલકથાઓ બાળકોને પ્રમાણમાં ઘણી ગમતી હોય છે. એનું કારણ કદાચ એ હોઈ શકે કે તેમાં જે કાંઈ બોધ આપવામાં આવે છે, તે પ્રાણીજગત નિમિત્તે પરોક્ષ રીતે અપાયો છે. બાળકો ઉપર સીધું કશું લાદવામાં નથી આવ્યું. જાતકકથાઓમાં પણ પ્રાણીઓના નિમિત્તે બોધ પ્રદાનનું કાર્ય થયું છે. ચાતુર્યની, વ્યવહાર કૌશલની, વ્યવહાર તેમજ જાતિબોધની કથાઓનું મૂળ આ જાતકકથાઓ છે એવો એક મત છે. પંચતંત્રાદિની કથાઓને કારણે બાલકથાઓમાં લાઘવ, તટસ્થતા, સચોટતા અને બોધકતા જેવા સ્વરૂપ-લક્ષણો જોવા મળે છે. ‘અરેબિયન નાઇટ્‌સ’ની કથાઓએ સાહસ અને અદ્‌ભુત રસની સૃષ્ટિથી અનેક સર્જકોને આકર્ષ્યા છે. તેમાંય સિંદબાદ તો ઘણાંનો પ્રિય ખલાસી રહ્યો છે. બાલકથાના ઉદ્‌ભવ-વિકાસમાં પૌરાણિક કથાઓનું પ્રદાન પણ મહત્ત્વનું છે. આ પૌરાણિક કથાઓએ કેટલાંય ચિરંજીવ પાત્રો અને કથાનકો આપ્યાં છે. આ પાત્રો, કથાનકો અને ઘટનાઓએ બાલભોગ્ય રૂપ ધારણ કરીને બાળકોને આનંદ અને બોધ આપ્યો છે. પુરાણો તો કથાઓનો અખૂટ ખજાનો છે. અલબત્ત, આજના સંદર્ભમાં પુરાણના અક્ષયભંડારમાંથી બાળકોને પથ્ય એવું શું આપવું તે અંગે પસંદગી કરવાની જરૂર રહે. આવી કથાઓનું ગુજરાતીમાં સારું એવું ખેડાણ થયું છે અને હજી ઘણું થાય તેવો તેમાં અવકાશ છે. નાનાભાઈ ભટ્ટ, ધૂમકેતુ, કરસનદાસ માણેક, પન્નાલાલ પટેલ, દિનુભાઈ જોષી, શારદા મહેતા, દર્શક, હરીશ નાયક તથા અન્ય અનેક પીઢ અને નવા સર્જકોએ આ ક્ષેત્રનો ઠીક ઠીક લાભ લીધો છે. પૌરાણિક કથાઓની જેમ ઐતિહાસિક કથાઓએ પણ બાલકથાઓને સારો એવો કાચો માલ પૂરો પાડ્યો છે. પ્રતાપ, ઝાંસીની રાણી, શિવાજી કે ગાંધીજી - આ સર્વ કોઈને કોઈ રીતે સાહસ, વફાદારી, હિંમત, દેશદાઝ વગેરે સદ્‌ગુણોના પ્રેરક બળ તરીકે બાળકો સામે ઉપસ્થિત થાય છે. ઇતિહાસની અનેક ઘટનાઓને ધૂમકેતુ, જયભિખ્ખુ આદિ લેખકોએ બાળકથાના રૂપમાં ઢાળી છે. ચંદ્રશંકર ભટ્ટ, ઉમિયાશંકર ઠાકર, દિનુભાઈ જોષી, કુમારપાળ દેસાઈ અને અન્ય અનેક સર્જકોએ ઐતિહાસિક સત્યને જાળવી કથારસ પીરસ્યો છે. કનૈયાલાલ જોષી જેવા કેટલાકે તો ઇતિહાસકથામાળાઓ જ રચી છે. એટલે કે બાલકથાઓની વસ્તુસમૃદ્ધિમાં ઇતિહાસની સહાય નોંધપાત્ર છે. બાલકથાઓને ઇતિહાસની જેમ વાસ્તવિક જીવનમાંથી, આસપાસના જગતમાંથી જ સવિશેષ વસ્તુસામગ્રી મળતી રહે છે. વાસ્તવનિષ્ઠકથાઓ તો આપવી ઇષ્ટ જ છે, જેથી બાળકને સત્ય, નીતિ આદિનો ખ્યાલ આવે તેમ બાળકોને સૌંદર્ય, કલ્પના વગેરેનો ખ્યાલ આવે તે પણ ઇચ્છવાયોગ્ય છે. બાળકનું મન કલ્પનાશીલ તો હોય છે જ. બાળકના મનને પાંખો તો હોય છે જ. પરંતુ ક્યાં, ક્યારે, કેટલું, કેમ અને કેવી રીતે ઊડતાં રહેવું એ તેને શીખવવાનું હોય છે. આ માટે બાલકથાઓ ખૂબ ઉપયોગી છે. બાળક કલ્પના દ્વારા એક પ્રકારની મોકળાશ પામે છે. તેથી જ કલ્પનાકથાઓ બાળકોને ખૂબ પ્રિય હોય છે. કલ્પનાકથામાં સામાન્ય રીતે ચમત્કારનું તત્ત્વ વિશેષ પ્રાધાન્ય ભોગવતું હોય છે. આ કલ્પનાકથાઓમાં પરીકથાઓ વિશેષ ઉલ્લેખ પાત્ર છે. બાળકની કલ્પના સુંદર અને શુભની દિશામાં જ્યારે વળે છે, ત્યારે એને સુંદર પરીઓ મળે છે. આ પરીઓમાં જીવનની પ્રસન્નતા, પૂર્ણતા અને ઉન્નતતાનો આનંદ-ઉલ્લાસ છલકાતો હોય છે. આ પરીઓના સહારે બાળકો મનગમતાં કામ કરી - કરાવી શકે છે, મનગમતી ચીજવસ્તુઓ મેળવી-માણી શકે છે અને મનગમતા પ્રદેશોમાં મુક્તપણે હરી-ફરી શકે છે. આ પરીઓ બાળકના મનની સૃષ્ટિની પૂર્તિ કરવામાં પોતાની સમગ્ર શક્તિ રોકે છે. આ પરીઓ બાળકના મનનાં અવનવાં રૂપોમાં પ્રાણ પૂરીને એના આંતરલોકને ભર્યો ભર્યો કરે છે. પરીકથાઓ એક રીતે જોઈએ તો બાળકની અપેક્ષાઓની કથાઓ બની રહે છે. ખરેખર તો બાળકોના મનની વૃત્તિઓ જ પરીઓનાં રૂપ-આકાર ધારણ કરે છે. સામાન્ય રીતે પરીકથાઓનું વિશ્વ કાલ્પનિક હોવા છતાં તે પણ વાસ્તવિક જીવનનાં મૂલ્યો અને વિધિનિષેધોને કેટલીક રીતે વ્યક્ત કરે છે. કેટલીકવાર એમ પણ લાગે કે આજની વૈજ્ઞાનિક શોધના મૂળમાં પરીકથાઓ તો નહીં હોય ? જુલે વર્નની ‘ચંદ્રલોકની સફરે’ કૃતિએ જગતના અસંખ્ય બાળકોને આનંદ આપ્યો હોય, પણ આજે ચંદ્ર ઉપર માનવીએ પગ મૂકી - એ કથાને સાચી પાડી એ જ પરીકથાની ગુંજાશનો ખ્યાલ આપે છે. અલબત્ત, આજે વિજ્ઞાને હરણફાળ પ્રગતિ કરી છે. તેને લીધે આપણું આખું જીવન બદલાઈ ગયું છે. પહેલાં જે કલ્પનાઓ હતી તે આજે વાસ્તવિકતા થઈ ગઈ છે. એટલે આવતીકાલના બાળકો માટે પરીકથાઓની કલ્પનાઓનાં વ્યાપ અને પરિમાણ બદલવાની જરૂર છે. ને છતાંય મનુષ્યમાં જ્યાં સુધી કલ્પનાશક્તિનું સ્ફુરણ છે ત્યાં સુધી વૈજ્ઞાનિકતા ને બૌદ્ધિકતાનું ગમે તેવું ભારે આક્રમણ આવે તોય પરીકથાનું જગત બિલકુલ સલામત રહેશે. હાન્સ ઍન્ડહરસનની પરીકથાઓ, ગ્રીમબંધુઓની લોકકથાઓ કે હિતોપદેશ-પંચતંત્રની પ્રાણીકથાઓ - આ બધી જ વસ્તુતઃ કલ્પનાકથાઓ છે. બદલાતી સામાજિક પરિસ્થિતિ મુજબ આ બધામાં પરિવર્તનો થતાં રહ્યાં છે, પણ છતાંય તેનું કથાવસ્તુ પ્રભાવક હોય છે. બાળકોને અજ્ઞાત અને વિસ્મયલોકના પ્રવાસી થવું ગમતું હોય છે ને પરીકથા તેવી સામગ્રી પૂરી પાડતી હોય છે. વિજ્ઞાનકથાઓ સ્પષ્ટતયા વિજ્ઞાનયુગની નીપજ છે. આ વિજ્ઞાનકથાઓમાં મુખ્ય પ્રયોજન તો બાળકોને વિજ્ઞાનમાં રસ પેદા કરવાનું હોય છે. બાળક રસિક રીતે વિજ્ઞાનના પરિચયમાં આવે, તેઓ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને સમજતાં થાય, તેમનામાં વૈજ્ઞાનિક બુદ્ધિ જાગૃત થાય એ આશયથી વિજ્ઞાનકથાઓ લખાતી રહી છે. આમ એક રીતે જોઈએ તો વિજ્ઞાનકથાઓ જાણીતી હકીકતો પર આધાર રાખતા કથાત્મક બનાવોનું કલ્પનામય ચિત્રણ કરે છે. કેટલીકવાર આ વિજ્ઞાનકથાઓનો ઘટનાસંભાર વર્તમાનના સંદર્ભમાં અશક્યવત્‌ ગણાય. તેમ છતાં ભાવિની દૃષ્ટિએ તે શક્ય પણ હોય. આ કથાઓમાં અવકાશી સાહસો કે દરિયાઈ સાહસો યંત્રોની મદદથી પણ કરેલાં હોય એવું જોવા મળે છે. જેમ જૂના સમયની કથાઓમાં મંત્રતંત્રનો પ્રભાવ હતો તેમ વિજ્ઞાનકથાઓમાં યંત્રતંત્રનો પ્રભાવ જોવા મળે છે. આજની વિજ્ઞાનકથાઓમાં યંત્ર અને માનવના સંબંધોની જાતભાતની વાતો જોવા મળે છે. વિજ્ઞાનકથાઓમાં બાળકોને વિજ્ઞાનની પ્રમાણભૂત માહિતી મળે તે જરૂરી છે. બાળકો માટેની વિજ્ઞાનકથાઓમાં કેવળ વિજ્ઞાન ઉપર જ ભાર જાય તો તે ચાલે નહીં. કારણ મુખ્ય બાબત તો કથા છે. ગુજરાતી બાલકથાના આ ક્ષેત્રને ઈશ્વરલાલ વીમાવાળા, કલ્યાણરાય જોષી, ગિરીશ ગણાત્રા, ધીરજલાલ ગજ્જર, રતિલાલ નાયક, યશવંત મહેતા, હરીશ નાયક, નગીન મોદી, કિશોર પંડ્યા, અંજના ભગવતી વગેરેએ પોતપોતાની રીતે સમૃદ્ધ કર્યું છે. બાળકોમાં સાહસવૃત્તિ ખીલે, એમનામાં વીરત્વની ભાવના જાગે, એ નિર્ભય અને આત્મનિર્ભર બને, સંકલ્પવાન અને હિંમતવાન બને તે માટે સાહસકથાઓ અથવા પરાક્રમકથાઓ અને શૌર્યકથાઓ જરૂરી છે અને તેવી ઘણી કથાઓ લખાય છે. સાહસકથાઓમાં ક્રિયાવેગ, જિજ્ઞાસારસ, સંઘર્ષ વગેરે જરૂરી છે. અનિષ્ટની સામે નહીં નમવાનો, બલકે એની સામે ઝઝૂમીને એને પરાસ્ત કરવાનો દૃઢ નિર્ધાર સાહસકથાઓમાં જોવા મળે છે. સાહસકથાઓમાં નિરૂપાતું સાહિત્ય અનેક પ્રકારનું હોઈ શકે. ગુજરાતી બાલકથા આ ક્ષેત્રે નહીં દરિદ્ર નહીં સમૃદ્ધ એવી સ્થિતિમાં છે. દેશ માટે મરી ફીટનારાઓને અનેકોએ બિરદાવ્યા છે. અનેક સર્જકોએ જુદા જુદા સાહસોની કથાઓ આપી છે. બાલકથાઓનું મહત્ત્વનું પ્રયોજન બાળકોનું મનોરંજન છે. બાળકો હસતાં રહે, હસતાં હસતાં ખીલતાં રહે એટલા માટે આ કથાઓ કહેવાય છે. કેટલીકવાર જે વાત ગંભીર રીતે કહેવાતાં અસરકારક નથી બનતી તે હાસ્યવિનોદ-કટાક્ષથી કહેવાતાં અસરકારક બને છે. બાળકોને સ્થૂળથી માંડી સૂક્ષ્મ સુધીના બધા હાસ્યપ્રકારો અનુકૂળ હોય છે. તેઓ તુક્કાબાજી-ગપસપનો આનંદ પણ લેતાં હોય છે. શાબ્દિક રમતથી માંડી કઢંગા વર્તન સુધીના અવનવા તરીકાઓ બાળકની હાસ્ય-વિનોદ કથાઓમાં જોવા મળે છે. ગુજરાતી બાલકથાસર્જકોએ બાળકને અવનવી રીતે હસાવવાનો પ્રયત્ન કર્યો છે. અનેક હાસ્યરસિક પાત્રો આપ્યાં છે. કેટલીકવાર હાસ્ય વર્તનપ્રેરિત તો કેટલીકવાર બુદ્ધિપ્રેરિત હોય છે. ક્યારેક એ બાળકને ખડખડાટ હસાવે છે, તો ક્યારેક ઝીણું ઝીણું મલકાવે છે. બીરબલ નિમિત્તે હાસ્યનો વિપુલ પ્રવાહ વહ્યો છે. બકોર પટેલ, ગલબો શિયાળ, અડવો અને બુધિયો, મિયાં ફૂસકી અને શેખચલ્લી જેવાં પાત્રો બાળકોના પ્રિય પાત્રો બની ગયાં છે. બાલકથાઓમાં ઘણો મોટો ભાગ પ્રાણીકથાઓ રોકતી હોય છે. બાળકોના પ્રાણીજગતમાં જાતભાતનાં પશુપંખીઓનો સમાવેશ થાય છે. અહીં સાપ અને કીડીની વાત હોય અને હાથી અને મચ્છરની પણ વાત હોય. પ્રાણીકથાઓમાં અપાર વૈવિધ્યને અવકાશ છે. પ્રાણીકથાઓ વાંચતાં જીવનનું સંગીત કેટકેટલાં અલગ અલગ સૂરોથી ભરેલું છતાં કેટલું સંવાદમય અને હૃદયવેધક છે, તેનો મધુર અનુભવ થાય છે. બાળકને વાસ્તવિક જીવનમાં જે મોકળાશ મળતી નથી તે વ્યવહારવર્તનની મોકળાશ પ્રાણીકથાઓમાં મળી રહે છે. માત્ર હિંદુઓની પૌરાણિક કથાઓમાં જ નહીં, પણ ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન આદિ વિવિધ ધર્મોની કથાઓમાં પણ પ્રાણીસૃષ્ટિનું નિરૂપણ આવે છે. બાળક ગમે તેટલાં યાંત્રિક કલાવાળા રમકડાંથી રમતું રહે તો પણ તેને ખિસકોલીઓ અને સસલાં, પારેવાનાં બચ્ચાં અને કુરકુરિયાં રમાડવાં ગમશે જ. ગુજરાતી પ્રાણીકથાઓમાં ‘ગાંડીવ’નું સ્થાન ઘણું ઊંચું છે. અનેક લેખકોએ અનેક દૃષ્ટિબિંદુથી આવી પ્રાણીકથાઓ લખી છે. નટવરલાલ માળવી, હરિપ્રસાદ વ્યાસ, ગિજુભાઈ, રમણલાલ સોની, વનરાજ માળવી, જયમલ્લ પરમાર, નિરંજન વર્મા, મનુભાઈ મેઘાણી, નાગરદાસ પટેલ, વિજયગુપ્ત મૌર્ય, સુભદ્રા ગાંધી વગેરેનું પ્રદાન નોંધપાત્ર છે. આમ માનવેતર પ્રાણીઓનું બાલકથાને સમૃદ્ધ કરવામાં અનેકવિધ રીતે અમૂલ્ય પ્રદાન છે. એમ કહી શકાય કે બાલકથાનો મોટોભાગ પરીકથા અને પ્રાણીકથાઓ જ રોકે છે. ને આ બંને કથાઓ બાળકોનું ઘડતર કરવા સાથે તેમને મનોરંજન પણ પૂરું પાડે છે. હવે ગુજરાતી બાળવાર્તાસાહિત્ય વિશે થોડી વાત. ઈ. સ. ૧૮૩૧માં ‘Children’s Friend’ના ‘બાલમિત્ર’ નામે થયેલા ભાષાંતરને ‘પ્રથમ બાળભોગ્ય’ કૃતિ તરીકે દર્શાવવામાં આવે છે. પણ ખરેખર ૧૮૨૬માં ડાડસ્લીની વાર્તાઓના ભાષાંતર સાથે ગુજરાતીમાં બાલભોગ્ય કથાસાહિત્યનો આરંભ ગણી શકાય. ટૂંકમાં અનુવાદ-રૂપાંતરથી ગુજરાતી બાલસાહિત્યનો પ્રારંભ ૧૯મી સદીના પૂર્વાર્ધથી થયો છે. પણ બાળસાહિત્યની તાતી જરૂરિયાત અનુભવાઈ અર્વાચીન કેળવણીનો પ્રારંભ થયો ત્યારે. વિદ્યાર્થીઓ માટેનાં પાઠ્યપુસ્તકો અને ઇતરવાચન માટેની સાહિત્ય-સામગ્રીની જરૂરિયાત ઊભી થઈ. તેના પરિણામે ‘હોપવાચનમાળા’ અને અન્ય કેટલુંક સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. આમ કેળવણીના નિમિત્તે બાલસાહિત્યના સર્જન પરત્વે સભાનતા આવી. બાલઘડતરના હેતુથી, નીતિબોધથી ભરેલું અનૂદિત-રૂપાંતરિત સાહિત્ય મળ્યું. આ સંદર્ભે હરગોવિંદદાસ કાંટાવાળાની ‘ટચૂકડી સો વાતો’ના સંગ્રહો તુરત ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત આપણા કેટલાંક આદિમ-સનાતન સ્રોતો છે, જેવાં કે, પુરાણ-ઇતિહાસ, પંચતંત્ર-હિતોપદેશની કથાઓ, કથાસરિત્સાગર, સંસ્કૃત સાહિત્ય, અરેબિયન નાઇટ્‌સ કે ઈસપની વાતો, હાન્સ એન્ડરસન કે ગ્રીમની કથાઓ, અંગ્રેજી કથાઓ કે લોકકથાઓ - આ સર્વમાંથી રૂપાંતર-ભાષાંતર વગેરે પ્રારંભથી મળતા રહ્યા છે ને આ પ્રવાહ આજસુધી વણથંભ ચાલુ રહ્યો છે. ક્રમશઃ આગળ જતાં ઈસવીસનની ૨૦મી સદીમાં અને તેમાંય તેના ત્રીજા-ચોથા દાયકામાં આવીએ છીએ, ત્યારે લાગે છે કે ગુજરાતી બાલકથા જે ડગુમગુ ચાલતી હતી તે હવે દોડતાં શીખી ગઈ છે. તેનું મોટું કારણ એ જણાય છે કે બાળકો માટેનું જ અલગ યા વિશિષ્ટ સાહિત્ય હોવું જોઈએ એવી માન્યતા દૃઢતર થયેલી હતી. એક બાજુ વસોમાં શ્રી મોતીભાઈ અમીન બાળકોને મૉન્ટેસૉરી પદ્ધતિએ કેળવતા હતા. બીજી બાજુ વડોદરા રાજ્યની આ ક્ષેત્રે પ્રગતિ ખૂબ થયેલી. તેની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વાર્તાકથનના કાર્યક્રમો યોજાતા. દરમિયાન ગિજુભાઈ બધેકા, જે પાછળથી ‘મૂછાળી મા’ તરીકે જાણીતા થયા, તે પોતાના પુત્રની કેળવણી અંગે મૂંઝાતા હતા. એ મૂંઝવણના ઉકેલ અર્થે તેઓ મોતીભાઈને મળ્યા. ત્યાંથી તેમની સાચી ને નવી દિશા સાંપડી. સમયનો તકાદો જ હોય તેમ તેમને બાલઘડતરના ક્ષેત્રે પોતાની રીતે કામ કરવાનું મોકળું મેદાન મળ્યું - નાનાભાઈ ભટ્ટ સ્થાપિત ‘દક્ષિણામૂર્તિ’માં કામ કરવાના નિમિત્તે. આમ ગુજરાતને-ગુજરાતની બાલ-કેળવણી અને બાલસાહિત્યને એક ચોક્કસ દિશા લાધી. ‘બાળકોને રમકડાં નહિ, કામકડાં આપો’ કહી જુગતરામે બાળકોની શક્તિને સર્જનાત્મક પ્રવૃત્તિમાં વાળવાની હિમાયત કરી ને થોડા જ વખત પહેલાં જે ગુજરાતમાં બાલસાહિત્ય અંગે નિરાશાની હવા હતી ત્યાં એને વીસરાવી દે તેવું સુંદર સાહિત્ય ‘દક્ષિણામૂર્તિ’, ‘ગાંડીવ’, ‘બાલજીવન’, ‘બાલવિનોદ’ વગેરે સંસ્થાઓ તરફથી સાંપડવા માંડ્યું. કેળવણીની વિભાવના સ્પષ્ટ થઈ અને બાલકેન્દ્રી કેળવણી આપવી જોઈએ એ વિચારે જોર પકડ્યું. પરિણામે બાલસાહિત્યના પ્રવાહે સાંકડા કિનારા ત્યજી વિશાળ પટને આવરી લીધો. ગાંધીજીની સ્વરાજ્યની લડત ચાલુ જ હતી, ત્યાં કેળવણીની વિચારણાએ જે અસર કરી તેનાથી બાલકથાસાહિત્યમાં જાણે કે જુવાળ આવ્યો. એ જુવાળમાં ઘણું મળ્યું. આ દરમિયાન ગિજુભાઈ એક પ્રેમાળ પિતાની જેમ બાળકોને માટે સાહિત્યક્ષેત્રે પોતાનાથી થાય એટલું બધું કરી છૂટ્યા. તેમણે લોકકથા-પરીકથા પર આધારિત મનોરંજક કથાઓ આપી તેમ વિવિધ પ્રકારની ગ્રંથમાળાઓ દ્વારા જ્ઞાન-માહિતી પણ આપ્યાં. એટલે એમ કહી શકાય કે ગુજરાતી બાલસાહિત્ય અને બાળકેળવણીને એક સમર્થ પિતા તેમના રૂપે મળ્યા. ગિજુભાઈ પૂર્વે બાલસાહિત્ય તો હતું જ, બાલભોગ્ય સાહિત્ય પણ હતું, પણ એમાં બધે બાળક કેન્દ્રમાં નહોતું. ગિજુભાઈ અને તેમના સમયમાં અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી જે સાહિત્ય મળ્યું તે ગુજરાતી બાલસાહિત્યમાં સીમાચિહ્નરૂપ હતું. ‘દક્ષિણામૂર્તિ’, ‘ગાંડીવ’, ‘બાલજીવન’ અને ‘બાલવિનોદ’ કાર્યાલય નિમિત્તે ગિજુભાઈ, તારાબહેન, નટવરલાલ માળવી, ઈશ્વરલાલ વીમાવાળા, હરિપ્રસાદ વ્યાસ, રમણલાલ ના. શાહ, નાગરદાસ ઈ. પટેલ વગેરે સર્જકોએ બાળકો માટેની સાચી રસ-પ્રીતિ અને સૂઝથી બાળકોને લક્ષમાં રાખીને પથ્ય અને પ્રસન્નકર સાહિત્ય આપ્યું. માત્ર તેમના ઘડતરને જ ધ્યાનમાં રાખીને નહિ, તેમના મનોરંજનને, તેમની કલ્પનાશક્તિને ને તેમની રસતૃષાને લક્ષમાં રાખીને તેમણે પ્રમાણમાં સત્વશીલ સાહિત્ય આપ્યું. બાલસાહિત્યના મહત્ત્વના આધારસ્તંભ જેવી ઉપર્યુક્ત સંસ્થાઓએ આપેલા સાહિત્ય સિવાય પણ અન્ય અનેક સર્જકોનું પ્રદાન પણ આ ક્ષેત્રે એટલું જ નોંધપાત્ર છે. જેમાં હંસા મહેતા, ચંદ્રશંકર મ. ભટ્ટ વગેરેની સર્જકતામાં બાલમાનસની જાણકારી પણ અનુસ્યૂત હોવાથી, તેમની પાસેથી ઊંચી કક્ષાનું સાહિત્ય મળ્યું છે. ઈ. સ. ૧૯૨૧થી ૧૯૪૦ના ગાળાના આ બાલસાહિત્યમાં જીવન અને સમાજના વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ગુલીવરની મુસાફરીની કે પિનાચિયોની વાત રૂપાંતર રૂપે આ તબક્કામાં મળી છે. આ બે દાયકામાં જે જાતભાતના વિષય-રસ-સ્વરૂપનું ખેડાણ થયું છે, તેની પરંપરા પછીના દાયકાઓમાં આજ સુધી ચાલુ રહી છે. તેમાં થોડા થોડા સમયે ઉમેરા જરૂર થયા છે. વળી બદલાતી સામાજિક-રાષ્ટ્રીય સ્થિતિ, મુદ્રણકલાની વધુ પ્રગતિ અને બાલસાહિત્યને મળતી વધુ પ્રચાર-પ્રસારની તકોને લીધે તેમાં નવા વિષયો, એ વિષયો પ્રત્યેના નવા અભિગમો ઉમેરાયા છે અને તેથી વાર્તાપ્રવાહ સમય જતાં પુષ્ટ થતો રહ્યો છે. ગુજરાતી બાલકથાના વિકાસનો જો એક આલેખ દોરીએ તો ઈ. ૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકામાં વિકાસનો ઊંચો આંક તે બતાવે છે. તે સાહિત્ય ઈયત્તા અને ગુણવત્તા બેઉ દૃષ્ટિએ સમૃદ્ધ છે. પાંચમા દાયકામાં તે આંક થોડોક નીચો થાય છે. જોકે ઓછું છતાં કેટલુંક સત્ત્વશીલ સાહિત્ય અહીં જરૂર મળ્યું છે. રમણલાલ સોની પાસે ગલબા શિયાળ નિમિત્તે તેમજ અન્ય મૌલિક ઘણી વાર્તાઓ મળી છે, તો જીવરામ જોશી પાસેથી મિયાંફૂસકીની વાર્તાઓની શ્રેણી મળી છે. ઉપરાંત અનેક પાત્રપ્રધાન વાર્તાઓ મળી છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં વળી પાછો તે આંક ઊંચે જાય છે. અનેક કારણો સર આ સમયમાં અને તે પછીના સમયમાં વાર્તાપ્રવાહ પુષ્ટ થયેલો મળે છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં સ્વરૂપગત અને વિષયગત નાવીન્ય વધુ જોવા મળે છે. ત્રીજા-ચોથા દાયકામાં નહોતું તેવું ઘણું બધું તે પછીના દાયકાઓમાં જોવા મળે છે. જેમકે, બદલાયેલી સામાજિક સ્થિતિ અને માનસશાસ્ત્રના અભ્યાસને કારણે મળેલી સૂઝના પરિણામે કેટલીક સુંદર વાસ્તવનિષ્ઠ કથાઓ, વીર બાળકોની કે દિવ્યાંગોની પ્રતિભાને બિરદાવતી કથાઓ કે બાલમાનસની સંકુલતાને વ્યક્ત કરતી કથાઓ છેલ્લા થોડા દાયકાની નીપજ છે. આવી અનેક સારી બાબતોની સાથે એક વિષમય તત્ત્વ પણ બાલસાહિત્યમાં પ્રવેશ્યું છે ને તે છે વેપારીવૃત્તિ. આ વાતને જરા જુદી રીતે જોઈએ તો બાલસાહિત્યના રૂપરંગ આકર્ષણ પમાડે તેવા ઘડવા પાછળ તેનું વેચાણ વધે તે હેતુ રહ્યો છે. વેચાણ ખૂબ વધે તે આનંદની વાત કહેવાય. પણ દુઃખદ વાત એ થઈ કે તે જેટલું બાહ્ય રીતે સમૃદ્ધ બન્યું તેટલું આંતરિક રીતે ન બન્યું. બાળકને જે કાંઈ આપવું તે ઉત્તમ અને સાચું જ એવો દૃષ્ટિકોણ તેનાં લખાણોમાં સતત ન સચવાયો. જગતના ઉત્તમ સાહિત્ય તરફ જ્યારે દૃષ્ટિ કરીએ છીએ, ત્યારે એક હકીકત સ્પષ્ટ દેખાય છે કે જ્યાં હૃદયની લાગણીથી લખાયું છે, જ્યાં વ્યાવહારિક સ્થૂળ લાભાલાભનો વિચાર કર્યા વિના, આપણી પાસે જે છે તેને ઈશ્વરદત્ત ભેટ સમજી, માત્ર તે રજૂ કરવાના નિમિત્ત રૂપ આપણે છીએ એ ભાવથી સાહિત્ય સર્જાયું છે અને જે માનવજાતિ પ્રત્યેના શુદ્ધ નિર્વ્યાજ પ્રેમમાંથી નીપજ્યું છે તે સાહિત્ય મહદ્‌અંશે ઉત્તમતા સિદ્ધ કરી શક્યું છે. આ સિવાય બીજા-ત્રીજા ભાવ જ્યાં ભળતા ગયા છે ત્યાં તેની ગુણવત્તા પર સીધી અસર થઈ છે. બાળવાર્તાને પણ આ જ વાત લાગુ પડે છે. છતાંય એક વાત એ જરૂર છે કે ગુજરાતી બાળવાર્તા વિષયગત અને રસદૃષ્ટિએ વિશાળ વ્યાપ અને સમૃદ્ધિ ધરાવે છે. બાલસાહિત્યના સર્જનમાં હંમેશાં તત્કાલીન પરિસ્થિતિ અથવા વાતાવરણનો પ્રભાવ પડે જ છે. ઇચ્છીએ કે ન ઇચ્છીએ, બાળકો વર્તમાનનું જ ફૂલ છે, અને તેને વર્તમાન પરિસ્થિતિની વચ્ચે જ ખીલવાનું અને ફલદાયી થવાનું છે. આ રીતે જોઈએ તો બાલવાર્તાના વિષયવસ્તુમાં પણ વર્તમાન જીવન અને પરિસ્થિતિના સંચારો જોવા મળે છે. બાલસાહિત્યના કેટલાક ઉત્તમ વિષયોમાં એક વિષય તો બાળક પોતે જ છે. એ બાળકની જાતભાતની લીલાઓને બાળસાહિત્ય - બાળવાર્તા વિવિધ સ્વરૂપોમાં રજૂ કરતું રહ્યું છે. બાળવાર્તા ક્ષેત્રે સાહસકથાઓ, હાસ્યકથાઓ, પ્રાણીકથાઓ, નીતિકથાઓ, પરીકથા-કલ્પનાકથાઓ, વાસ્તવનિષ્ઠકથાઓ, ચમત્કારપ્રધાન કલ્પનાકથાઓ, સામાજિક કથાઓ - આમ વિષય-રસનું વૈવિધ્ય ધરાવતું વિપુલ વાર્તાસાહિત્ય ગુજરાતીમાં ૧૯મી સદીના મુકાબલે ૨૦મી સદીમાં અને તેમાંય ગિજુભાઈથી સવિશેષ મળ્યું છે. વળી તેમાં નવા નવા વિષયો, અભિગમો કે દૃષ્ટિબિંદુઓ (પોઇન્ટ્‌સ ઑફ વ્યુઝ) ઉમેરાતાં ગયાં છે. બાળસાહિત્યના સર્જન-પ્રચાર-પ્રસારમાં સામયિકોનો ફાળો સતત મળતો રહ્યો છે. તો બાળકોના વિકાસ માટે અનેક સંસ્થાઓ જુદા જુદા અભિગમથી કાર્ય કરે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અનેક રીતે સહયોગ મળે છે. મુદ્રણકલાના વિકાસને કારણે બાળસાહિત્યના રૂપરંગમાં અનેક રીતે આકર્ષક તત્ત્વ વધ્યું છે. સચિત્ર બાળવાર્તા-બાળસાહિત્ય બાળકને વધુ આનંદ આપે છે. ચિત્રને આધારે તે કૃતિને સરળતાથી સમજી શકે છે. સચિત્ર વાર્તાઓની જેમ ચિત્રવાર્તાઓ પણ ઘણી મળી છે. આઝાદી પછી મોટામાં મોટો સવાલ દેશની આબાદીનો છે. દેશની આબાદી દેશની પ્રજાના ઘડતરવિકાસ પર અવલંબે છે. જેવી પ્રજા તેવું રાષ્ટ્ર, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે જેવા બાળકો તેવી પ્રજા. બાળકના ભવિષ્ય પર રાષ્ટ્રનું ભવિષ્ય અવલંબે છે. સદ્‌ભાગ્યે આપણા દેશમાં બાળકોના કલ્યાણ માટે અનેક પ્રયત્નો થયા છે. નહેરુ બાલપુસ્તકાલય, નેશનલ બુક ટ્રસ્ટ, ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ, દિલ્હી સાહિત્ય અકાદેમી વગેરે આ બાબતે સક્રિય છે. વળી રાજ્યકક્ષાએ પણ અનેકવિધ પ્રયત્નો થાય છે. ગુજરાતી બાલસાહિત્યમાં પ્રકાશન અર્થે ગુજરાત સાહિત્ય અકાદમી અનુદાન રાખે છે. તો તે તથા ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ પુરસ્કારો આપે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જેવી સંસ્થા સ્પર્ધા યોજે છે, પુરસ્કાર આપે છે ને સાહિત્ય પ્રકાશિત પણ કરે છે. ગુજરાત રાજ્યમાં પાઠ્યપુસ્તક મંડળે બ્લેકબૉર્ડ ઓપરેશનના વિશિષ્ટ કાર્યક્રમ હેઠળ બાલસાહિત્યના નિર્માણ-પ્રકાશન માટે વિશેષ ભાવે પ્રયત્નો કરેલા. એવા પ્રયત્નોના ફળ રૂપે વિવિધ વિષયોમાં કેટલીક પીઢ અને પ્રૌઢકલમો પણ સક્રિય થયેલી. તેમ જ નવી કલમોનો પણ ઉદય થયેલો. શ્રી યશવંત મહેતાની, નિશ્રામાં ૧૯૯૪થી શરૂ થયેલ બાલ સાહિત્ય અકાદમી વિવિધ પ્રવૃત્તિ કરે છે. પરિસંવાદો યોજે છે અને વિવિધ સ્વરૂપોમાં પુરસ્કારો આપે છે. એકંદરે ગુજરાતી બાળવાર્તાનું ચિત્ર જોઈએ તો ૨૦ સદીનો ત્રીજો-ચોથો દાયકો તો ગુજરાતી બાલનવલનો સુવર્ણયુગ લાગે. એ બે દાયકા એટલે બાલનવલનો પ્રસ્થાનકાળ. પશુ-પંખી-વનસ્પતિનો વિશિષ્ટ રીતે પરિચય આપતી મનુભાઈ જોધાણીની પરિચયકથાઓ, જયભિખ્ખુની પ્રાણીકથાઓ કે વસંત નાયકની બાલમાનસને અભિવ્યક્ત કરતી શુદ્ધ બાલકથાઓ - એ ધ્યાનાર્હ ઉપલબ્ધિ. ‘દક્ષિણામૂર્તિ’, ‘ગાંડીવ’, ‘બાલજીવન’ અને ‘બાલવિનોદ’નાં પ્રકાશનો આ યુગના મહત્ત્વના આધારસ્તંભો. આ બે દાયકાઓએ આપણને ઘણું આપ્યું એનો આનંદ છે જ. તો પછીના દાયકાઓએ પણ કંઈક નવું નવું આપ્યું છે જ. ત્રીજા-ચોથા દાયકાની સરખામણીમાં પાંચમો દાયકો કંઈક ઓછું લાવ્યો છે, પણ એ વખત જ કેવો હતો ? અસ્થિરતાનો. ને તોય હરિપ્રસાદ વ્યાસના બકોર પટેલના એકહથ્થુ સામ્રાજ્યમાં અડધોઅડધ ભાગ પચાવી પાડતા મિયાં ફૂસકી આ જ દાયકાની ભેટ છે, તે ન ભૂલવું જોઈએ. આ તેનું નાનું સૂનું પ્રદાન નથી. આ મિયાં ફૂસકી તો પછીના બે-ત્રણ દાયકા સુધી બાલજગત ઉપર પોતાનું શાસન ભોગવતા રહ્યા છે. એ જ રીતે ગુલાબસિંહ બારોટ આત્મકથા ઢબે ‘ધોળી બિલાડી’ જેવી કથા લાવી સ્વરૂપગત નાવીન્ય દાખવે છે. એ જ રીતે આ દાયકાથી કથામાળાઓ રચાવી શરૂ થાય છે. એક જ સંગ્રહ નહીં પણ એક જ વિષય કે પાત્રને કેન્દ્રમાં રાખતી અનેક કથામાળાઓ રચાવી હવે શરૂ થાય છે. જે સિલસિલો આજ સુધી ચાલુ રહેલો છે. તે સંદર્ભમાં દોલત ભટ્ટ, કનુભાઈ રાવળ, રતિલાલ નાયક, શિવમ્‌ સુંદરમ્‌, શ્રીકાંત ત્રિવેદી, હરીશ નાયક, યશવન્ત મહેતા વગેરેનું પ્રદાન ઉલ્લેખ પાત્ર છે. આનાથી થોડાક આગળના સમયથી રમણલાલ સોની અને જીવરામ જોષી જેવા સર્જકો ધૂણી ધખાવીને બેઠા હતા. રમણલાલ સોની પાસેથી ગલબો શિયાળ અને જીવરામ જોષી પાસેથી મિયાં ફૂસકી, છેલ-છબો, અડુકિયો-દડુકિયો, છકો-મકો એમ અનેક પાત્રો મળે છે. જીવરામ જોષી સુધી આવતામાં ગુજરાતી બાલવાર્તાસર્જનમાં એક રસપ્રદ નિરીક્ષણ કરી શકાય એમ છે. પંચતંત્ર-હિતોપદેશની કથામાં પ્રાણીપાત્રો પ્રાધાન્ય ભોગવે છે. ત્યારબાદ બકોર પટેલમાં મુખ પ્રાણીનું પણ વર્તન માનવીનું - એવી ભૂમિકા છે. એ પછી મિયાં ફૂસકીમાં સંપૂર્ણ માનવપાત્ર છે. આમ પ્રાણીના પ્રતીકથી માનવલક્ષી કથાનો આરંભ, પછી માનવસ્વભાવનું પ્રાણીપાત્ર નિમિત્તે નિરૂપણ અને પછી માનવ સ્વભાવનું સીધું જ માનવપાત્રો દ્વારા નિરૂપણ - એમ એક વિકાસક્રમ જોઈ શકાય. આમ પાંચમો દાયકો સામાજિક-રાજકીય રીતે અસ્થિર હોવા છતાં કેટલુંક સત્ત્વશીલ અને બાળકોમાં લાંબા સમય સુધી પ્રિય રહે તેવું સાહિત્ય તો મળ્યું જ છે. ઈ. સ. ૧૯૪૭માં સ્વતંત્રતાની પ્રાપ્તિ થઈ ને રાષ્ટ્રને પોતાની રીતે વિકસાવાની તક મળી. આપણે બીજા ક્ષેત્રની વાત ન કરતા માત્ર બાલવાર્તા ક્ષેત્રે જોઈએ તો આ પછી ભારતની બધી જ ભાષાઓના બાલસાહિત્યને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મદદ મળવી શરૂ થઈ. આથી વિકાસની ગતિમાં વધારો થાય એ સ્વાભાવિક છે. છઠ્ઠા દાયકા બાદ બાલવાર્તાનો પ્રવાહ ખાસ્સો પુષ્ટ થયેલો જોવા મળે છે. સામયિકોમાં ચિત્રકથાઓ અને ચિત્રકથા માટે જાતજાતનાં પાત્રો ઊભાં થતાં ગયાં. ચિત્રોથી બાળકોને આકર્ષવાની નવી નવી તરકીબો યોજાતી ગઈ. થોકબંધ બાળસાહિત્ય ઠલવાતું રહ્યું. ભરતી સાથે થોડો કચરો એટલે કે કૃતક બાલવાર્તા સાહિત્ય પણ આવ્યું. છતાંય બાળસાહિત્ય માટેની ઉદાસીનતાની વૃત્તિ ઘટતી ગઈ એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. વળી હવે તો વીજઉપકરણોને કારણે તેના લેખન-પ્રચાર-પ્રસારને બહુ સગવડભર્યો સરકતો માર્ગ મળ્યો છે. બાળવાર્તા કે બાળકાવ્યોના લેખન-રજૂઆત માટે અનેક સંસ્થા તરફથી ઓનલાઇન કાર્યક્રમો ગોઠવાય છે. વળી યુ-ટ્યૂબ પર વ્યક્તિગત રજૂઆતો પણ થાય છે. બાળકો પણ આ પદ્ધતિને સ્વીકારતાં થઈ ગયાં છે. ઈન્ટરનેટ અને ઇ-બુક દ્વારા હવે સાહિત્ય સર્વત્ર પહોંચી ગયું છે. બાળવાર્તા અને બાળકાવ્યો પણ પહોંચે છે. સર્જકો પણ આ રીતે સાહિત્ય સર્જન કરે છે ને સર્વને પહોંચાડે છે. ‘ઇ-સામયિકો’ બાળકો માટે પ્રગટ થાય છે. બીજા સામયિકો પણ પીડીએફ દ્વારા મોબાઇલમાં પહોંચે છે. છતાંય એટલું જરૂર કહી શકાય કે હાથમાં પુસ્તક લઈને વાંચવાનો આનંદ તો અનન્ય જ છે. જોકે દરેક માધ્યમને પોતાની વિશેષતા અને મર્યાદા હોય - એ અહીં પણ લાગુ પડે. આમ જોઈ શકાય છે કે ગુજરાતી બાળવાર્તાસાહિત્ય સમૃદ્ધ છે. ને છતાંય કહેવું જોઈએ કે આ જગતને બાળકની અચરજભરી આંખે જોઈ, બાળકના કૌતુકભર્યા કાને જગતની વાતો સાંભળી, બાળકની વહાલભરી વાણીથી તે વ્યક્ત થાય તેવું, તેના મનોજગતનો વાસ્તવજગત સાથેનો સુમેળ બનાવતું બાલવાર્તાસાહિત્ય ગુજરાતીમાં બહુ નથી, જોકે ઠીક ઠીક પ્રમાણેનું છે. વળી પરદેશના વિકસેલાં બાલસાહિત્યના સંદર્ભમાં ઘણાંને આપણું સાહિત્ય ઊણું ઊતરતું લાગે છે. આ સંદર્ભમાં મોહનભાઈ શં. પટેલની એક વાત સમજવા જેવી છે. તેઓ કહે છે : “પરદેશમાં બાળકો કરતાં આપણા બાળકોમાં બુદ્ધિનું તત્ત્વ ઓછું હોય છે એવું નથી. પરદેશના બાળકોને ઉઘાડ (એક્સપોઝર્સ) ઘણા આપવામાં આવે છે, ને એ ઉઘાડના પ્રતિભાવોના પ્રોટોટાઇપ્સ એમને આપવામાં આવતા નથી. તેથી એ પોતાની મેળે પોતાની સંવેદનાઓને સમજીને પ્રતિભાવો આપે એવી આબોહવા સરજવામાં આવે છે. હાથમાં પેન, પેન્સિલ કે ક્રેયોન આવે એટલે લખતાં ન શીખેલું બાળક પણ લીટા કરે, ત્યારે આપણા માથા પર આસમાન તૂટી પડતું હોય એ રીતે આપણે ‘રિએક્ટ’ થતા હોઈએ છીએ. એ લીટાની પ્રેરક એની સર્ગશક્તિને આપણે ઉઘાડ આપતા નથી.” જો આપણી મનોદશા આવી જ રહે તો જે હેતુથી આ વિશાળ બાળસાહિત્ય-બાલવાર્તા સાહિત્ય રચાય છે અને રચાશે તેનો શો અર્થ ? - એવું પણ થાય. આપણે જાણીએ છીએ તેમ બાલસાહિત્ય કેળવણીના નિમિત્તે જ ઉદ્‌ભવ્યું છે. તો કેળવણી એટલે શું ? માત્ર પૌરાણિક-ઐતિહાસિક કથાઓ કે માત્ર પરીકથાઓ કે વિજ્ઞાનકથાઓ બાળકને આપી દેવા માત્રથી કેળવણીનો હેતુ સરશે નહીં. કેળવણી એટલે સરળ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે તે એવી સંસ્કારશક્તિ છે જે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિને, તેની સર્ગશક્તિને મોકળાશ બક્ષીને, તેને ખીલવે છે, વિકસાવે છે, તેના આંતર-બાહ્યરૂપને સમ્યગ્‌ રીતે મહોરાવી તેને એક સારો માણસ બનાવે છે અને જીવનને વિધેયાત્મક રીતે સ્વીકારી જીવતાં જીવતાં પોતાની આસપાસનાંને પણ જિવાડે એવી ઝિંદાદિલી અર્પે છે. પ્રશ્ન હવે એ છે કે ગુજરાતી બાલવાર્તાસાહિત્ય કેળવણીનો આવો હેતુ સર્વથા સિદ્ધ કરી શક્યું છે ખરું ? ગુજરાતી બાલવાર્તાસાહિત્યનું વિહંગાવલોકન કરીએ તો નિરાશાજનક ચિત્ર તો નથી જ નથી. ભલે આપણે કેળવણીના આદર્શને સંપૂર્ણ રીતે સફળ કરી શક્યા ન હોઈએ, છતાં સમયે સમયે બાળકોની જરૂરિયાત પ્રમાણે થયેલાં પરિવર્તનોથી આ હેતુ કંઈક અંશે જરૂર સધાયો છે. આ સંદર્ભે ટાગોરની પેલી ‘પોપટની વાર્તા’ આપણે સતત નજર સમક્ષ રાખવી જોઈએ. બાળકનું બાળકપણું જીવંતરૂપે સાચવીને જ આપણે તેને કેળવવાનો છે. કૌટુંબિક, શાળાકીય કે સામાજિક આ બધાં ક્ષેત્રની બદલાતી સ્થિતિથી તેઓ ઘડાઈ રહ્યાં છે. બાળકોને પરી ગમે છે તો રાક્ષસની વાત પણ ગમે છે (એ રાક્ષસને મારવાનો પણ છે), એને ચંદ્ર કે મંગળ પર જતા માનવોની-સાહસિકોની વાતો ગમે છે, તો તેને ગલબા શિયાળના પરાક્રમો પણ ગમે છે. તેને બકોર પટેલ, મિયાં ફૂસકી કે શેખચલ્લીની વાતો ગમે છે, તો બીરબલ કે તેનાલી રામનની, ઇસપની વાતો પણ ગમે છે. આમ તેને વૈજ્ઞાનિક વાતો, ચમત્કારયુક્ત વાતો, ચતુરાઈની વાતો, અદ્‌ભુતરસની વાતો કે હાસ્ય અને સાહસની વાતો પણ ગમે છે. તેને રામ-લક્ષ્મણને ખભે બેસાડી લઈ જતા હનુમાન જેટલા ગમે છે તેટલા જ તેને દરિયાઈ પેટાળમાં જઈ દરિયાઈ પ્રાણી સાથે યુદ્ધ કરતા મરજીવા ગમે છે. તેને જો કૃષ્ણની બાળલીલા ગમે છે તો તેને સ્પાઇડરમૅનની ગતિ-કળા પણ ગમે છે. ટૂંકમાં, બાળકનો ભલે દેશકાળ બદલાય કે તેની સામાજિક ભૂમિકા બદલાય, પણ તેનું ચાંચલ્ય, તેનું મનોમૌગ્ધ્ય - આ બધું તો જેમનું તેમજ રહેવાનું. જેમ પંખીને માટે ઊડવું એ જ જીવન તેમ રમવું-કિલ્લોલવું એ જ બાળકનું જીવન. એનું આવું જીવન અકબંધ રાખીને, તેનો બાળપણનો લીલારસ જાળવીને, ગુજરાતી બાળવાર્તા સર્જક જાતજાતના કીમિયા કરી બાલવાર્તાઓ સર્જતો રહ્યો છે. બાલસાહિત્ય બાલઘડતરનું પાયાનું કાર્ય કરતું હોઈ, તેના પર સવિશેષ ધ્યાન આપવું જરૂરી છે. નવા ભારતની બુનિયાદ, નવી પેઢીનું નિર્માણ બાળકેળવણી પર નિર્ભર છે અને બાળકેળવણીમાં સત્ત્વ પૂરવામાં બાલસાહિત્ય જ સૌથી મોટું અને મહત્ત્વનું સાધન છે. તેની લેશ પણ ઉપેક્ષા ન હોઈ શકે. આપણે જેટલી અણુવિજ્ઞાનની વાત ધ્યાનમાં રાખવી પડશે તેટલી જ બાલમનોવિજ્ઞાનની, બાલશિક્ષણ અને સાહિત્યની વાત ધ્યાનમાં રાખવી જોઈશે. સદ્‌ભાગ્યે ગુજરાતી સર્જક આ સંદર્ભે જાગૃત થયો છે અને એ પોતાની ગતિ-મતિ મુજબ સર્જનકાર્ય કરે છે - એ આ ગુજરાતી બાલવાર્તાઓનું સંપાદન પ્રતીત કરાવશે. પ્રસ્તુત સંપાદન ગુજરાતી બાલકથાસાહિત્યની એક રમણીય યાત્રાની ઝલક દર્શાવે તેવો પ્રયત્ન રહ્યો છે. પ્રસ્તુત સંપાદન સંદર્ભે એક-બે વાત તરફ ધ્યાન દોરું છું. ગુજરાતી ભાષામાં સાચું બાળસાહિત્ય ગિજુભાઈ બધેકાથી શરૂ થયું. તેથી આ સંપાદનમાં ગિજુભાઈથી એકડો માંડ્યો છે. આ સંપાદનમાં રસવૈવિધ્ય, બાળભોગ્ય કથાનક, મૂલ્યશિક્ષણ, ભાષાની ગરિમા અને કૌવત વગેરે બાબતોને ધ્યાનમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે. અહીં લાંબી બાળપ્રિય કથાઓમાંથી અંશો લીધાં નથી. ઉદા. તરીકે ગુજરાતી બાળકથાસાહિત્યના બાળપ્રિય અને પ્રખ્યાત પાત્રો બકોર પટેલ, મિયાં ફૂસકી, ગલબો શિયાળ અને અનેક અન્ય પાત્રોની કથાઓમાંથી અંશો કે પ્રકરણો લીધાં નથી. તે જ રીતે પદ્યાત્મક વાર્તાઓ લીધી નથી. અનુવાદ તો ન જ હોય તે સ્વાભાવિક છે. મૌલિકતાને વધુ મહત્ત્વ આપ્યું છે. તો કેટલીક વાર્તાઓ અત્યંત જરૂરી લાગવાથી લીધી છે - તેમાં એક સર્જકની બે-ત્રણ વાર્તા પણ લીધી છે. વળી અનુકંપા, કરુણા, દયા, ક્ષમા, વીરતા, સાહસ, પ્રામાણિકતા, સચ્ચાઈ, સૌહાર્દ, ઔદાર્ય, ભલાઈ જેવા સદ્‌ગુણોનું નિરૂપણ કરતી - એટલે કે જીવનમૂલ્યોને ઉજાગર કરતી વાર્તાઓ લીધી છે. કથાનકનું વૈશિષ્ઠય, ભાષાઘડતર, બાળમાનસની કલાત્મક અભિવ્યક્તિ વગેરે બાબતો ધ્યાનમાં રાખી અહીં વાર્તાઓ પસંદ કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતી બાળવાર્તાસાહિત્યમાંથી પાનાંની મર્યાદા ધ્યાનમાં રાખી, સત્ત્વશીલ કૃતિઓને અહીં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય પણ અનેક એવી વાર્તાઓ છે જે, ‘મને લો, મને લો’ - એમ કહેતી મેં સાંભળી છે, વાંચી છે, તેને લઈ ન શકવાનો અફસોસ પણ છે. એક બીજું સંપાદન થાય એટલી સંખ્યામાં સારી કથાઓ છે. પ્રસ્તુત સંગ્રહમાં રસ, ભાવ, નિરૂપણરીતિ, મૂલ્યબોધ, ભાષા વગેરેને ધ્યાનમાં રાખ્યું છે. જેમકે, ગદ્યકથા હોવા છતાં બાળવાર્તામાં પદ્યપંક્તિઓ આવે. ને ક્યારેક તેનું પુનરાવર્તન પણ થાય. ઉદા.ત. ‘આનંદી કાગડો’, ‘ચકલાભાઈનું વેર’, ‘દે તાલ્લી !’, ‘કોનું કોનું જાંબું ?’ વગેરે. તો કેટલીક શુદ્ધ કલ્પનાકથા કે પરીકથા છે, જેમકે, ‘ચિત્રલેખા’, ‘પરીબાળની ઝંખના’ વગેરે. ‘હાથીભાઈનું નાક’, ‘કરસન અને કબૂતર’, ‘કંઈ એકલા ખવાય ?’, ‘બતકનું બચ્ચું’, ‘કોણ જીત્યું ?’, ‘જાદુ’, ‘ડાઘિયાની પૂંછડી વાંકી’, ‘બિલ્લી વાઘ તણી માસી’ જેવી અનેક પશુ-પંખી-પ્રાણીકથાઓ છે. તો ‘સાચા બોલી ગાય’, ‘સોનાનાં ઓજાર’, ‘હવેલીની ચાવી’, ‘ખવડાવીને ખાવું, જીવાડીને જીવવું’ - જેવી કથાઓ સત્ય, પરિશ્રમ, અપેક્ષા વગરની મદદની ભાવના, અતિથિસત્કાર જેવાં મૂલ્યો સમજાવે છે. ‘જાદુઈ વાંસળી’ જેવી બાળકોને ગમે તેવી ચમત્કાર કથા છે. તો ‘બીક ના રાખવી’ - જેવી શીખ આપતી વાર્તા પણ છે. મોટાભાગની વાર્તાઓ ભાષાનું શિક્ષણ સહજ રીતે આપે છે. ‘મુંબઈની કીડી’, ‘સો ચક્કર’, ‘જો કરી જાંબુએ’, ‘મૅજિક પેઇન્ટિંગબુક’, ‘બે રૂપિયા’, ‘બકરીબાઈની જે’, ‘બસ, હવે ઊડો !’, ‘ઝાંઝરભાઈને જડ્યા પગ’, ‘કીકીની દાબડી’, ‘ખડીંગ ખડીંગ’ - વગેરે અનેક વાર્તાઓ જુદી જુદી નિરૂપણરીતિ દર્શાવે છે. ‘આનંદી કાગડો’ જેવી વાર્તા તો માત્ર બાળકોને જ નહીં, મોટેરાઓને પણ જીવનમાં સારી કે ખરાબ પરિસ્થિતિમાં આનંદમાં જ રહેવાનો ગુરુમંત્ર આપે છે. ‘દયાળુ સારંગીવાળો’ જેવી વાર્તા સાચા કલાકારની ઓળખ કરાવે છે અને કલાનો બીજાને મદદ કરવા ઉપયોગ કરવાનું શીખવે છે. ‘સાચી ઇજ્જત’ ધનસંપત્તિથી નહીં પણ લોકોના હૃદયમાં પ્રેમભાવથી રહેવાથી મળે છે, તે સમજાવે છે. ‘રમકડાં પાર્ટી’ જેવી સાંપ્રત સમાજને ઉપયોગી થાય તેવી વાર્તા છે, જેમાં ઓછા ખર્ચામાં બાળકો અનેક પ્રકારનાં રમકડાંથી રમીને આનંદ મેળવી શકે. ટૂંકમાં અનેક પરિમાણોને ધ્યાનમાં રાખી આ સંપાદન કરવાનો પ્રયત્ન રહ્યો છે. વળી, કોઈને અન્ય વાર્તાઓ ગમે. પણ એ તો દરેક સંપાદકના રસ-રુચિના માપદંડો પણ જુદા જ રહેવાનાં. આ સંપાદનમાં અનુક્રમ માટે સર્જકોના જન્મવર્ષને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આ ગોઠવણી અન્ય રીતે પણ થઈ શકે. લેખકના નામના વર્ણાનુક્રમે, લેખકે બાળસાહિત્યમાં કરેલા પ્રથમ સર્જનના સમયને ધ્યાનમાં રાખીને, ઐતિહાસિક ક્રમે કે અન્ય રીતે થઈ શકે. અત્રે લેખકના જન્મવર્ષ પ્રમાણે કર્તાઓ મૂક્યા છે ને તેમની એક કે એકાધિક વાર્તાઓ હોય તો તે એક સાથે મૂકી છે. આ સંપાદન કરવાની મને તક મળી તે માટે હું સાહિત્ય અકાદેમી, દિલ્હીનો હૃદયપૂર્વક આભાર માનું છું. અહીં વાર્તાઓ લેવા માટે લેખકોએ સંમતિ આપી તેથી દરેક સર્જકશ્રીનો આભાર માનું છું. અનેક સર્જકોના પરિવારજનોએ એમના વડીલોની વાર્તા માટે સંમતિ આપી તેથી મારો આનંદ બેવડાઈ ગયો. આ રીતે સમગ્ર બાળવાર્તામાંથી સંપાદન કરવાનું કાર્ય કરતા મને પુનઃ ગુજરાતી બાળવાર્તા પ્રવાહમાંથી પસાર થવાની તક આપવા માટે સાહિત્ય અકાદેમી મુંબઈ, સાહિત્ય અકાદેમી દિલ્હીના સર્વ વિદ્વાનોનો આભાર માનું છું. અહીં મને જે સો ટચના સોના જેવી વાર્તાઓ લાગી છે, જેના વિના સંપાદન ઊણું રહે તે લીધી છે ને તે માટે ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોએ પ્રેમથી, ઉદારતાથી સંમતિ આપી તેનો ખૂબ આનંદ છે ને તેમનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ કાર્ય સંદર્ભે ચર્ચા કરી મને માર્ગદર્શન આપવા માટે શ્રી ચંદ્રકાન્ત શેઠનો અને આ કાર્યમાં અનુકૂળતા ઊભી કરી આપનાર શ્રી કુમારપાળ દેસાઈનો અત્રે આભાર માનું છું. આ કાર્યમાં મને મદદ કરનાર સહુ મિત્રોની આભારી છું. ગુજરાતી બાળકથાસાહિત્ય અનેક રીતે સમૃદ્ધ છે. છતાંય આ બાળકો તો કોઈ એવા સર્જકની રાહ જોઈ રહ્યાં છે જે તેના હૃદયને ભરી દે, તે એક એવા ચિત્રકારની રાહ જોઈ રહ્યા છે જે તેની પ્રવૃત્તિઓને ઝીલીને જીવનનો રંગ તેમાં ભરી દે. એટલે કે સંપૂર્ણ જીવનલક્ષી છતાં આભની ઊંચાઈને પણ આંટી દે તેવી કલ્પનાસૃષ્ટિને રંગોમાં રંગીને રજૂ કરતા બાલકથાસાહિત્યની તેને અપેક્ષા છે. બાળવાર્તા અંતે તો સાહિત્ય જ છે. તેથી બાળવાર્તાનો શબ્દ કવિતાના શબ્દ જેવો જ મૂલ્યવાન અને મોહક છે. સત્ય અને સ્નેહ વિના એ શબ્દમાં સત્ત્વ અને સૌંદર્ય સુરખી આવી શકતાં નથી. સત્ત્વ સૌંદર્યથી રસિત આ ગુજરાતી બાળવાર્તાની સમૃદ્ધિનો અંશ અહીં રજૂ કર્યો છે. આ વાર્તાથાળમાં જે વાનગી પીરસી છે તેના પરથી ગુજરાતી બાળવાર્તાની સમૃદ્ધિનો અણસાર ભાવકોને જરૂર મળશે. અહીંની વાર્તાઓ બાળકોને આનંદ આપશે એવી અપેક્ષા અસ્થાને નથી. અસ્તુ.

તા. ૧/૧/૨૦૨૧
શ્રદ્ધા ત્રિવેદી