ગુજરાતી બાળવાર્તા સંપદા/ખવડાવીને ખાવું, જિવાડીને જીવવું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 14:33, 11 August 2024


ખવડાવીને ખાવું, જિવાડીને જીવવું

અકો, બકો, ટકો ને ચકો નામે ચાર ભાઈ હતા. ચારે બાર વર્ષ ગુરુને ઘેર રહી ગણ્યા હતા. અને હવે શહેરમાં કમાવા જતા હતા. રસ્તામાં એક નદીના કિનારે તેઓ ભાથું ખાવા બેઠા હતા, ત્યાં એક જોગી આવી ચડ્યો. ચારે ભાઈઓએ જોગીને પોતાના ભેગો નોતર્યો. પછી જમતાં જમતાં બધા વાતે ચડ્યા. વાત વાતમાં, અકો કહે : ‘મને મીઠીમધ કેરીઓવાળો એક આંબો મળી જાય તો મજા થઈ જાય !’ જોગીએ કહ્યું : ‘તો શું કરે તું ?’ અકાએ કહ્યું : ‘ભણ્યું સફળ કરું.’ જોગીએ કહ્યું : ‘એવું શું ભણ્યો છે તું ?’ અકાએ કહ્યું : ‘એ જ કે ખવડાવીને ખાવું ને જિવાડીને જીવવું. જે ઘેર આવે એને એક વાર તો કેરી ખવડાવું, ખવડાવું ને ખવડાવું જ.’ જોગીએ કહ્યું : ‘બહુ સરસ ! ભગવાને તને આવો આંબો આપવો જ જોઈએ.’ બકો કહે : ‘હું કંઈ આંબો ન માગું. હું તો કહું કે ભગવાન, આપવું હોય તો મને બી, બળદ ને ખેતર આપો ! હું દુનિયાને ધાન પૂરીશ. મારે આંગણે કોઈ ભૂખ્યું નહિ જાય.’ જોગીએ કહ્યું : ‘બહુ સરસ ! તું આવા વરદાનને લાયક છે.’ ટકો કહે : ‘તો શું હું લાયક નથી ? મને ભગવાન ગાયો આપે તો ગાયોની એવી સેવા કરું ! બસ, જે ઘેર આવે એને માખણ ખવડાવું !’ જોગીએ કહ્યું : ‘વાહ, ભગવાન તને જરૂર ગાયો આપશે.’ પણ ચકો કંઈ બોલ્યો નહિ. કહે : ‘મને કંઈ સૂઝતું નથી.’ ત્યારે અકાએ તેની મશ્કરી કરી : ‘માગ રાજપાટ ને રાણી, ભલેને આંખે કાણી !’ ચકો કહે : ‘રાજપાટનું મારે શું કામ રાજ-રાણીનું યે શું કામ ? પણ ઘરમાં ગૃહિણી હોય તો અતિથિસેવા સારી થાય.’ હવે ચારે જણા ભાનમાં આવ્યા. કહે : ‘આપણે તો મનમાં લાડવા વાળીએ, પણ ક્યાં છે ઘી ? ક્યાં છે ગોળ ? ભગવાન એમ કોઈને કંઈ આપી દેતો નથી.’ જોગીએ કહ્યું : ‘ભગવાન એમ જ આપે છે. ભગવાનની દયા થાય તો આકડાનો આંબો થઈ જાય, પથરાના બળદ થઈ જાય, તેતરની ગાયો થઈ જાય અને ઢીંગલીની રાણી થઈ જાય.’ આ સાંભળી બધા હસ્યા. જોગી ત્યાં જ રહ્યો, અને ચારે ભાઈઓ આગળ ચાલ્યા. રસ્તામાં એક આકડાનું ઝાડ જોઈ બકાને ગમ્મત સૂઝી. તેણે કહ્યું : ‘અકાભાઈ, આ તમારો આંબો !’ બીજી જ પળે બધાએ જોયું તો સાચેસાચ ત્યાં આંબો હતો, અને કેરીઓથી લચી પડતો હતો. અકાએ એક કેરી કાપી સૌને ખવડાવી, તો સૌ કહે : ‘વાહ, અમૃત જોઈ લો !’ અકો કહે : ‘હું હવે અહીં જ રહેવાનો.’ અકાને ત્યાં છોડી ત્રણ ભાઈ આગળ ચાલ્યા. રસ્તામાં બે મોટા પહાણા એક ધૂળના ઢગલા વચ્ચે પડેલા હતા. ટકાને ગમ્મત સૂઝી. તેણે કહ્યું : ‘બકા, આ તારા બળદિયા !’ બીજી જ પળે બધાએ જોયું તો પહાણાની જગાએ બળદ હતા, અને રેતીના ઢગલાની જગાએ ધાન હતું. બકો કહે : ‘હું તો હવે અહીં જ રહેવાનો !’ એ ત્યાં રહી પડ્યો. હવે ટકો ને ચકો આગળ ચાલ્યા. ત્યાં રસ્તામાં તેતર જોઈ ચકો કહે : ‘ઓહ તેતર !’ ત્યાં ટકો બોલ્યો : ‘તેતર ક્યાં છે ? અહીં તો ગાયો છે. હવે હું અહીં જ રહેવાનો અને ગાયોની સેવા કરવાનો ! ઘી, માખણ ખાવાનું મન થાય ત્યારે આવજે મારે ત્યાં !’ હવે ચકો એકલો આગળ ચાલ્યો. રસ્તામાં એક ગામ આવ્યું. ગામના દરવાજામાં પગ દેતાં જ રાજગોર, નગરશેઠ વગેરે મોટામોટા માણસો એની સામે આવ્યા ને એની ડોકમાં ફૂલની માળા નાખી બોલ્યા : ‘પધારો રાજના જમાઈરાજ !’ ઢોલ - નગારાં વાગ્યાં અને વાજતેગાજતે ચકાનો વરઘોડો નીકળ્યો. વાત એમ બની હતી કે રાજાને કોઈ કુંવરી નહોતી, પણ એને રાજકુંવરી પરણાવવાનું સ્વપ્નું આવ્યું હતું, તેથી તેણે પ્રધાન-પુરોહિત-નગરશેઠ વગેરેને હુકમ કર્યો હતો કે જાઓ, વર લઈ આવો ! એટલે એ બધા ગામના દરવાજે આવીને ઊભા હતા કે જે પહેલો દરવાજામાં પગ દે તેને વરરાજા બનાવી દેવો. આમ ચકો વરરાજા બની ગયો ને માયરામાં પરણવા બેઠો. ગોરે કહ્યું : ‘કન્યા પધરાવો !’ રાજાએ પ્રધાનને હુકમ કર્યો : ‘રાજકન્યાને લઈ આવો !’ પણ રાજકન્યા જન્મી જ નહોતી, પછી ક્યાંથી હોય ? પ્રધાને એક ઢીંગલીને શણગારી માયરામાં ખડી કરી દીધી ! ગોરે જોરથી મંત્રો ભણવા માંડ્યાં. એકાએક બધાની આંખો પહોળી થઈ ગઈ ! જોયું તો લાકડાની ઢીંગલી સાચેસાચ રાજકન્યા બની ગઈ હતી અને ચકાની સાથે મંગલફેરા ફરતી હતી ! લગ્ન થઈ ગયાં; ચકો કન્યાને લઈને વિદાય થઈ ગયો. આ વાતને કેટલાંક વરસ વીતી ગયાં. એક દિવસ પેલા જોગી મહારાજને વિચાર આવ્યો કે આ ચાર ભાઈઓ કેવી રીતે રહે છે તે જોઉં. જોગી પહેલાં આંબાવાળા અકાને ત્યાં ગયા. નોકર-ચાકરથી ધમધમતો અક્કડ બંગલો હતો. જોગી સીધા જ અકો બેઠો હતો તે ગાદી-તકિયા પર જઈને બેઠા. તરત અકો ગરજ્યો : ‘એઈ જોગટા, ગાદી પરથી નીચે ઊતર અને પણે ઊભો રહી જે અરજ કરવી હોય તે કર !’ જોગી ખૂણે જઈને ઊભો. કહે : ‘બાપજી, ભૂખ્યો છું.’ અકાએ કહ્યું : ‘તો કહે ભગવાનને, તને ખાવાનું આપશે.’ જોગીએ કહ્યું : ‘શેઠજી, ખવડાવીને ખાવું ને જિવાડીને જીવવું એ માણસનો ધર્મ છે.’ અકો ગુસ્સે થઈ ગયો : ‘તારો ઉપદેશ રાખ તારી પાસે ! નીકળ અહીંથી !’ જોગીએ કહ્યું : ‘શેઠજી, જરી પેલી કેરી ચાખવા મન હતું.’ અકાએ ગુસ્સામાં કહ્યું : ‘બાપનો માલ ખરો ને ! એક કેરીની એક સોનામહોર ઊપજે છે ! આ કેરી રાજામહારાજાઓ માટે છે, તારા જેવા ભિખારડાઓ માટે નથી. સાધુ થઈને તું જીભના આવા ચસકા કરે છે તે તું સાચો સાધુ નથી. ઢોંગી છે, ધુતારો છે ! સિપાઈ, આ બદમાશને ધક્કો મારી બહાર કાઢો !’ જતાં જતાં જોગીથી બોલાઈ ગયું : ભગવાન, તેં તો દીધું - ખવડાવીને ખાવા અને જિવાડીને જીવવા, પણ આ તો એકલો ખા ખા કરે છે અને ખાતાં ધરાતો જ નથી. એ કેરીને લાયક નથી, આકડાને લાયક છે.’ એવું જ થયું. આંબાનું ઝાડ આકડાનું બની ગયું. અકાના મહેલ-મિનારા, સોનુંરૂપું, ગાદીતકિયા, ખાટલા ને પાટલા, ડેલી ને દરવાજા બધું ઘડીકમાં અલોપ થઈ ગયું. અકાના મોંમાંથી ચીસ નીકળી ગઈ : ‘હાય, મારું બધું લૂંટાઈ ગયું ! હું ભિખારી થઈ ગયો !’ પાગલની પેઠે એ હવામાં બાચકાં ભરવા લાગ્યો. હવે જોગી બકાને ઘેર ગયો. બકો હૂકો ગગડાવતો બેઠો હતો ને સામે ઘઉં, ચોખાના પહાડ જેવડા ઢગલા ખડકેલા હતા. જોગીએ કહ્યું : ‘ભગત, થવા દો આજે કાળી રોટી ને ધોળી દાળ !’ બકો કહે : ‘ઓહો ! ભીખમંગાનો રુઆબ તો જુઓ ! હટ, દીસતો રહે અહીંથી ! અહીં તારા માટે ખાવાનું ભરી રાખ્યું નથી.’ જોગીએ કહ્યું : ‘આટલું બધું છે ને ! ખાવા ખવડાવવા અને જીવવા જિવાડવા માટે તો છે બધું ! આમાંથી થોડું -’ બકાએ ગુસ્સામાં કહ્યું : ‘થોડું શું, એક દાણો નહિ મળે, રસ્તે પડ !’ જોગી હતાશ થઈ ચાલી નીકળ્યો. જતાં જતાં એ બોલ્યો : ‘ભલા ભગવાન ! તેં દીધું, પણ હળ, બળદ, ધાન કશાને આ લાયક નથી. ધૂળ-પહાણાને જ લાયક છે !’ ત્યાં તો દખણાદો વાયરો વાયો. બકાએ આંખો ચોળી જોયું તો ચારે તરફ ધૂળ-પહાણા સિવાય કંઈ જ નહોતું. તે ચીસ પાડી ઊઠ્યો : ‘હાય રે, હું લૂંટાઈ ગયો ! હું ભિખારી થઈ ગયો !’ એવામાં દૂરથી એને અકો આવતો દેખાયો. દોડીને એ અકાને બાઝી પડ્યો ને રોતાં રોતાં બોલ્યો : ‘મારા ધનની ધૂળ થઈ ગઈ !’ અકો બકાની પાસે આશ્વાસન લેવા આવ્યો હતો, પણ જોયું તો બકો ય એના જેવો ખિસ્સે ખાલી હતો. બેઉ હવે ટકાને ત્યાં જવા નીકળ્યા. પણ તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જોગી ત્યાં પહોંચી ગયો હતો. ટકો ઢોલિયે આરામ કરતો હતો. જોગીએ કહ્યું : ‘શેઠ, થવા દો આજે શેર બાટીમાં અધ શેર ઘી ! ખવડાવીને ખાઓ ને જિવાડીને જીવો !’ ટકાએ કહ્યું : ‘આવા ને આવા હાલ્યા આનવે છે, બધા મફતનું ખાવા પેંધા પડ્યા છે, હટ અહીંથી !’ જોગીએ કહ્યું : ‘શેઠ, ભૂખ્યો છું. કૃપા કરો. ભગવાન તમારું ભલું કરશે.’ ટકાએ કહ્યું : ‘તું ભૂખ્યો એમાં મને શું ? અને ભગવાન આગળ તારી સિફારસ ચાલતી હોય તો કહેજે એને કે હજી બે-ચાર વરસ ઘી-દૂધનો આવો દુકાળ ચાલુ રાખે !’ જોગી હતાશ થઈ ત્યાંથી ચાલી નીકળ્યો. જતાં જતાં કહે : ‘ભલા ભગવાન, આ તો દેશમાં દુકાળ માગે છે ! એ ગાયોને લાયક નથી.’ ત્યાં ટકાની આંખોમાં કંઈ કસ્તર પડ્યું : આંખો ચોળી એણે જોયું તો ક્યાંય કશું નથી; નથી ગાયો કે નથી દોમદોમ સાયબી. એણે માથું કૂટ્યું : ‘હાય રે હું લૂંટાઈ ગયો. હું ભિખારી થઈ ગયો !’ એટલામાં અકો ને બકો એની સામે આવી ઊભા ને બોલ્યા : ‘હવે અમે તારે આશરે છીએ, ભાઈ ! અમે લૂંટાઈ ગયા, ભિખારી થઈ ગયા !’ ટકો કહે : ‘તમે નહિ, હું !’ અકો - બકો કહે : ‘તું નહિ, અમે !’ છેવટે ત્રણેને એકબીજાની હાલતનું ભાન પડ્યું. હવે તેમણે ચકાને ત્યાં જવાનું વિચાર્યું. પણ તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જોગી ત્યાં પહોંચી ગયો હતો. ગામ છેવાડે ચકાની ઝૂંપડી હતી. ઝૂંપડીમાં પગ દેતાં જ જોગીને શબ્દો સંભળાયા : ‘પધારો અતિથિદેવ !’ ઘરમાં એક સ્ત્રી અને બે બાળકો હતાં, તેમણે જ જોગીને આવકાર્યા હતા. ચકો હતો નહિ. એક બાળકે આસન પાથરી દીધું, બીજો જોગીનો હાથ પકડી તેને દોરી ગયો. જોગી બેઠા એટલે ગૃહિણીએ કહ્યું : ‘મહારાજ, આ તો ગરીબનું ઘર છે. અહીં મેવા-મીઠાઈ નથી, રોટલા છે, પણ ભાવમાં ઊણપ નહિ આવે.’ જોગી શાન્તિથી જમ્યો. કહે : ‘આહ ! કેટલે દહાડે આવું ભાવતું ભોજન મળ્યું ! હું કહું છું કે આજે આખી દુનિયાનું પેટ ભરાયું !’ આ સાંભળી ગૃહિણી હસી. તે પછી જોગીએ આશીર્વાદ આપી વિદાય લીધી. જોગીના ગયા પછી અકો, બકો ને ટકો ત્યાં આવી પહોંચ્યા. ગૃહિણીએ તેમનો સત્કાર કર્યો. ત્રણે ખૂબ ભૂખ્યા થયા હતા. તેમના ભાણામાં રોટલો ને ગોળ પીરસાયાં. ત્રણેને થયું કે આ કેમ ખવાશે ? પણ ખાતાં ખાતાં અકો કહે : ‘બકા, આ રોટલો આવો મીઠો ? મારી કેરીયે આવી મીઠી નહોતી !’ બકો કહે : ‘મારાં મિષ્ટાન્ન તો લૂખાં આની આગળ !’ ટકો કહે : ‘મારાં માખણ-ઘીમા કંઈ માલ નહિ !’ ત્યાં ગૃહિણી બોલી : ‘અતિથિદેવતા, અમે ગરીબ છીએ; અમારું ગરીબડું સ્વાગત સ્વીકારી તમે અમને પાવન કર્યાં છે.’ ટકો કહે : ‘પાવન તો અમે થઈ રહ્યા છીએ !’ અકો કહે : ‘બકા, કાંઈ સમજાય છે ? આપણે બચી ગયા, નહિ તો આપણો ધનનો મદ આપણને ખાઈ જાત.’ બકો કહે : ‘ખરું કહ્યું ! ખવડાવીને ખાવું અને જિવાડીને જીવવું એ વાત જ આપણે ભૂલી ગયા હતા, પણ ભગવાન ક્યાં ભૂલવા દે એવો છે ? એણે થપ્પડ મારીને આપણને ભૂલેલું યાદ કરાવી દીધું.’ ત્રણે જમીને ઊઠ્યા, એટલામાં ચકો ત્યાં આવી પહોંચ્યો. ત્રણે મોટા ભાઈઓને પોતાને ઘેર મહેમાન બનેલા જોઈ એ રાજી રાજી થઈ ગયો. ત્રણે વડીલોને એ પગે લાગ્યો. હવે ગૃહિણીએ અને બાળકોએ આ મહેમાનોને ઓળખ્યા. પછી ચારે ભાઈઓ વચ્ચે સુખ-દુઃખની વાતો ચાલી. ચકાએ કહ્યું : ‘જોગીએ કહેલું એવું જ મારે થયું. લાકડાની ઢીંગલી મારી ગૃહિણી બની છે. તમે આજે રોટલા જમ્યા તે એના હાથના !’ હવે અકા-બકા-ટકાને જોગી યાદ આવ્યો. તેમણે કહ્યું : ‘એ જોગી ફરી અમારી પાસે આવ્યો હતો, પણ અમે એને ધુતકારી કાઢ્યો ! ખવડાવીને ખાવું ને જિવાડીને જીવવું એ વાત પણ એણે અમને યાદ કરાવી હતી, પણ અમે કંઈ કાને ધર્યું નહિ !’ આ સાંભળી ચકાની ગૃહિણી બોલી ઊઠી : ‘હમણાં એક જોગી મહારાજ અહીં આવ્યા હતા - રોટલો-ગોળ ખાઈને ગયા.’ અચાનક આખા ઝૂંપડામાં પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો. સૌએ ચકિત થઈ જોયું તો સામે જોગી ઊભો હતો ! બાળકો તો દોડીને એને વળગી જ પડ્યાં. જોગીએ શાન્ત સ્વરે કહ્યું : ‘મારું નામ નારદ !’ આમ કહી એણે માથા પર હાથ ફેરવ્યો તો મંદિરના શિખરની પેઠે એના માથા પર ચોટલી ઊભી થઈ ગઈ ! પછી હસીને કહે : ‘એક વાર મેં ભગવાનને પૂછ્યું : ‘ભગવાન, માણસનું આયુષ્ય ટૂંકું છે, અને એણે ભણવાની વિદ્યાઓ ઘણી છે, તો એ કેમ કરીને બધું ભણી રહેવાનો ?’ ભગવાને કહે કે તો શું કરવું છે ? મેં કહ્યું કે તમે બધી વિદ્યાઓના સારનો સાર મને કહો તો હું ઘેર ઘેર ફરીને એ કહી આવું. ભગવાને કહ્યું : ‘ઠીક, તો સાંભળ ! બધી વિદ્યાઓનો સારમાં સાર એ કે ખવડાવીને ખાવું અને જિવાડીને જીવવું.’ બોલતાં બોલતાં ભગવાન હસ્યા, એટલે મેં કહ્યું : ‘ભગવાન, કેમ હસો છો ?’ ત્યારે ભગવાને કહ્યું કે તું સમજે છે કે હું બધાને બે શબ્દોમાં બધું સમજાવી દઈશ, પણ કોઈ એમ નહિ સમજે; એ તો અનુભવે જ શીખશે. મેં કહ્યું કે હું એમને ભણતરમાં જ આ ભણાવી દઈશ. પછી હું આવ્યો પૃથ્વી પર અને બાર બાર વરસ લગી મેં તમને ચારે ભાઈઓને ભણાવ્યા - ભણીને તમે નીકળ્યા. ત્યારે તમારી જીભે આ શબ્દો હતા કે ખવડાવીને ખાવું ને જિવાડીને જીવવું. મેં માન્યું કે મારી તાલીમ ફળી, પણ ખરેખર શું થયું એ તમે જાણો છો, ભલે ત્રણ જગાએ એ ન ફળી, પણ એક જગાએ - આ ઘરમાં એ ફળી છે એનો મને આનંદ છે.’ પ્રકાશ બંધ થયો, એ સાથે જોગી પણ દેખાતો બંધ થયો.