ગુજરાતી બાળવાર્તા સંપદા/બકરીબાઈની જે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <big><big>'''જયભિખ્ખુ'''</big></big><br> <big>'''બકરીબાઈની જે'''</big><br> {{Poem2Open}} ‘બકરી ! બકરી ! ક્યાં ચાલી ?’ એક પાડાએ રસ્તે જતાં કહ્યું. બકરીને રીસ ચડી. એણે કહ્યું : ‘બકરી તારી મા ને તારો બાપ. સારો માણસ તોછડું ન બો...")
 
(No difference)

Revision as of 16:44, 11 August 2024


જયભિખ્ખુ

બકરીબાઈની જે

‘બકરી ! બકરી ! ક્યાં ચાલી ?’ એક પાડાએ રસ્તે જતાં કહ્યું. બકરીને રીસ ચડી. એણે કહ્યું : ‘બકરી તારી મા ને તારો બાપ. સારો માણસ તોછડું ન બોલે. બકરીબાઈ કહે ને !’ પાડો બકરીના રોફ પાસે નરમ પડી ગયો. એ બોલ્યો : ‘પણ બકરીબાઈ ! આટલું બધું માઠું શેને લાગ્યું ?’ ‘માઠું ન લાગે તો બીજું શું થાય ? જો, જે કામે તું જાય છે, એ કામે હું પણ જાઉં છું.’ ‘હું તો દેશના કામે જાઉં છું. આપણા દેશ ઉપર ઉત્તરમાંથી ભયંકર તારતાર લૂંટારા ચડી આવે છે. દેશને લૂંટે છે, ગામને બાળે છે, ખેતર-પાદરનું સત્યાનાશ વાળે છે. આ લૂંટારા સામે દેશ આખો જાગ્યો છે.’ પાડો આટલી વાત કરીને અટક્યો. બકરીબાઈએ અડધેથી વાત ઉપાડી લીધી ને કહ્યું : ‘જો, દેશના કામમાં શું પાડો કે શું બકરી, બધાં સરખાં. મને પણ દેશના દુઃખની ખબર છે. દેશ આખો જાગ્યો છે, નક્કી કર્યું છે કે લૂંટારાને આવતા રોકવા. તન, મન ને ધનના ભોગે રોકવા. એ માટે જંગી દીવાલ ચણવાની છે. એ કામે હું પણ ઘેરથી નીકળી છું.’ પાડો બકરીની વાત સાંભળી હસી પડ્યો ને બોલ્યો : ‘ભલી બાઈ ! ઘોડો કાંઈ કામની વાત કરે તો ઠીક, ઊંટ કાંઈ બોલે તોય બરાબર, પણ તું શું કરીશ ? આ દીવાલ જેવીતેવી નથી ચણાવાની. પૂરી અગિયારસો માઈલ લાંબી ચણવાની છે.’ બકરીબાઈને આથી ખોટું લાગ્યું. એ બોલી : ‘પાડાભાઈ ! દેશ સહુનો છે. કામ કરવું સહુની ફરજ છે. રથ ગમેતેવો મોટો હોય, એનેય નાનીશી ખીલીની ગરજ પડે છે કે નહીં ?’ પાડો જરા નિંભર હતો, એને પોતાની તાકાતનો ગર્વ હતો. મોટી મોટી પાણીની મશકો ને કાંઈ કેટલી ઈંટો રોજ વહી જતો. એ કાંઈ બોલ્યા વગર આગળ વધ્યો. બકરી પણ આગળ ચાલી. રસ્તે ઘોડા મળ્યા. તેઓને પાડાએ બકરીબાઈની વાત કરી. ઘોડો પણ હસ્યો ને આગલા પગે પાડાભાઈને તાલી આપી. ઊંટભાઈ પણ મારગમાં ભેટ્યા. તેને પણ પાડાભાઈએ વાત કરી. ઊંટભાઈ તો પોતાના લાંબા હોઠ ફફડાવી એવું હસ્યા કે બધે થૂંક થૂંક થઈ રહ્યું. હત્તારીની ! એક હરામખોર શિયાળ એ ઊંટના લબડતા લાંબા હોઠ હમણાં હેઠા પડશે, ને હમણાં મને ભોજન મળશે, એમ સમજી પાછળ પાછળ ફરતું હતું. એ ઊંટના હસવાથી ડરીને ભાગ્યું. ઘોડાએ શિયાળને ભાગતું અટકાવ્યું ને કહ્યું : ‘ચાલ રે ! દેશમાં દુઃખનો વખત છે. આ ગરીબ બકરી પણ દેશની મદદે નીકળી છે, પછી તું ક્યાં રખડે છે ?’ શિયાળ કહે : ‘આ તો તમારું મોટાઓનું કામ મુજ ગરીબને વળી દેશ કેવો ને વિદેશ કેવો ?’ શિયાળની વાત સાંભળીને ઊંટને ગુસ્સો ચડ્યો. શિયાળની પૂંછડી મોંમાં પકડીને ઊંચો કર્યો ને ઠીક ઠીક લબડાવ્યો. બકરી આ વખતે બોલી : ‘જુઓ, દેશમાં દુઃખનો વખત છે. નોતરું હોય કે નહીં, પણ જવું જોઈએ. નાના કે મોટા સહુએ સહુ જોગું કામ કરવું જોઈએ. શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ. આડીઅવળી વાતોમાં વખત કાઢવો ન જોઈએ. ગામ હોય ત્યાં સારા ને ખરાબ બન્ને જાતના જીવો હોય. કોઈથી કુસંપ કરવો ન જોઈએ.’ ઘોડો કહે : ‘શાણાં છે બકરીબાઈ ! શાણી છે એમની વાત !’ અને બધાં આગળ વધ્યાં. લૂંટારાઓને રોકવા મોટીમસ દીવાલ ચણાતી હતી. લડાઈ ચાલતી હોય ત્યારે લડાઈમાં લડી શકે એવું કોઈ ઘેર ન રહે, એમ દેશનાં કામ ચાલતાં હોય ત્યારે કામમાં મદદ કરી શકે એવું કોઈ ઘેર બેસી ન રહે. ઘેર ઘેરથી માણસો આવ્યા હતા. જન આવ્યા હતા, જાનવર આવ્યાં હતાં. ગાડી, ગાડાં ને રથમાં આવ્યાં હતાં. કોઈ બાકી નહોતું. સહુએ સહુના ગજા પ્રમાણે કામ ઉપાડી લીધાં હતાં. દિલચોરી કોઈ જાણતું નહીં ! ઘોડાએ કામ શરૂ કર્યું. ઊંટે કામગીરી આરંભી લીધી. પાડાભાઈએ પણ બમણો બોજ લીધો, ને ચાલતાં ચાલતાં બકરીબાઈની જરા મશ્કરી પણ કરી લીધી. ‘બાઈસાહેબ ! તમે શી ધાડ મારશો ?’ બકરી કહે : ‘ભઈલા ! મારા જોગું કામ હું કરીશ.’ દીવારનું કામ ધડાધડ ચાલી રહ્યું હતું. લાખો માણસ, કરોડો જાનવરો ! હજારો મણ ચૂનો ને ઈંટ ! પથરાની દીવાલ ધડાધડ ખડી થવા લાગી. ત્રીસ ફૂટ ઊંચી દીવાલ ! પચીસ ફૂટ પહોળી દીવાલ ! આ તોતિંગ દીવાલ તૈયાર થાય એટલે લૂંટારા ઝખ મારે છે. દીવાલની ઉપર બુરજ છે. બુરજમાં બંદૂક લઈ સિપાઈ ખડા રહેશે. કેટલાક ચાડીકા ત્યાં બેસશે, ને દૂર દૂર સુધી નજર રાખશે. લૂંટારા દેખાય કે તરત ઢોલ વગાડશે, બધાને જાગતા કરી દેશે. લૂંટારો નજીક આવ્યો કે ભડાક ભમ્મ ! તરત હેઠો. આ કામ દશ વરસ ચાલવાનું હતું. ઘેર ઘેરથી માણસ ને પૈસો લાવવાનાં હતાં. રાજાએ પોતાનો રાજમહેલ ચણાતો હતો, એ બંધ રાખી એના પથરા દીવાલ માટે મોકલ્યા હતા. રાજકુંવર પણ મજૂરીએ આવ્યો હતો. સહુની સાથે ખાતો, સહુની સાથે કામ કરતો, સહુની સાથે સૂતો. દેશના બચાવના કામમાં રાય ને રંક સરખા ! બકરી ઊભી હતી. શું કામ કરવું તેના વિચારમાં હતી. ત્યાં તો એણે ધડામ અવાજ સાંભળ્યો. ઊચે જોયું તો પહાડ ઉપરથી પાડાને ગબડતો જોયો. થોડી વારમાં પાડો આવ્યો હેઠો ! નાકમાંથી ને મોંમાંથી લોહી અપંરાપાર હાલ્યાં જાય. ઘોડો આવ્યો. એણે કહ્યું : ‘પાડો જડસું છે. ટેકરી ઊંચી છે, તો શું છે ? પગ ઠેરવીને મૂકવો પડે. જુઓને, હું હમણાં કાંઈ કેટલો માલસામાન પહોંચાડી દઉં છું. બળ સાથે કળ જોઈએ.’ ઘોડાએ પીઠ પર સામાન લીધો. પણ દીવાલ જતી જતી પાંચ હજાર ફૂટ ઊંચા પહાડ પર પહોંચી હતી. સીધું ચઢાણ હતું. છાતીભેર ! ઘોડો પગ ઠેરવવા ગયો પણ લપસ્યો ! આવ્યો ભમ્મ કરતો હેઠો. હાડકાં-પાંસળાં ભાંગીને ભુક્કો ! ભારે મૂંઝવણ થઈ. પાંચ હજાર ફૂટ પર કામ અટકીને ઊભું રહ્યું. માણસથી તો માલસામાન સાથે જઈ શકાય નહીં. ઘોડા, પાડા ને ઊંટ પણ નકામાં નીવડ્યા હતા. આ વખતે બકરીબાઈ આગળ આવી. એણે કહ્યું : ‘સોયનું કામ કોશથી ન થાય. આ કામ મારું છે. મારી ડોકે એક ઈંટ બાંધો, હું પહોંચાડી દઈશ. આથી ભારે ટેકરા પર હું ચડું છું.’ બસ, તરત એની ડોકે એક ઈંટ બાંધવામાં આવી ને બકરીબાઈ તો ચાલી. સડસડાટ ચાલી ! ડોકે મીઠી ઘંટડી બજતી જાય. બકરીબાઈ આગળ વધતાં જાય. મીઠાં સાદાં ગીત ગુંજતી જાય ! જોતજોતાંમાં તો પાંચ હજાર ફૂટ પર પહોંચી ગઈ. ઈંટ ત્યાં મૂકીને ઝટ પાછી ! ઘંટડી ઝનનન ઝન ! ટનનન ટન ! ફરી ઈંટ લીધી ને ફરી ચાલી ! પણ લોકો કહે ! ‘એક એક ઈંટ લઈ ગયે શું વળે ? ત્યાં તો હજારો ઈંટો જોઈશે.’ બકરી બીજે દહાડે પોતાની બહેનપણીઓને લઈ આવી, પોતાનાં ભાઈભાંડુને લઈને આવી. સહુને કહ્યું કે દેશના બચાવનું કામ છે. દેશ બચશે તો આપણે બચીશું. માટે ચાલો. જોતજોતાંમાં બે હજાર બકરી તૈયાર ! જોતજોતામાં પાંચ હજાર બકરી તૈયાર ! દરેકના ગળામાં ઈંટ ને કંઠમાં ગીત ! દરેકના કંઠમાં ઘંટડી ! ટનનન ટન ! ઝનનન ઝન ! જોતજોતામાં પાંચ હજાર ફૂટ ઊંચા ડુંગરા પર ઈંટોનો ઢગલો થઈ ગયો. ચૂનાનો ઢગલો થઈ ગયો. દીવાલ તૈયાર ! બકરીબાઈના કામથી બધાં ખુશ થયાં. સહુએ ધન્યવાદ દીધા. પેલા પાડાથી ન રહેવાયું. એ કવિ હતો, એણે કવિતા બનાવી ને બોલ્યો - ‘બકરી તારું બડું માન, શાં કરું તારા ગુણગાન ? તન, મન ને પ્રાણ, દેશને ખાતર કર્યાં કુરબાન ! બોલો બહાદુર બકરીબાઈની જે !’ બકરી કહે : ‘પાડાભાઈ ! આમાં તો પૃથ્વીમાતાની જે ! આપણા દેશની જે ! જનતા જનાર્દનની જે ! દેશનું કામ કરવાની સહુની ફરજ છે. મેં મારી ફરજ અદા કરી ! સહુ સહુની ફરજ અદા કરે, દેશનું કામ સહુનું કામ છે !’ બકરીબાઈની વાત સહુને ગમી.