ગુજરાતી બાળવાર્તા સંપદા/મિજબાની: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 14:41, 12 August 2024
રજની વ્યાસ
મિજબાની
એક હતો રાજા. મોટો સરસ એનો મહેલ. મહેલમાં રાજા સાથે રાણી અને કુંવર પણ રહે. સાથે ઘણા નોકર, ચાકર ને રસોઈયા. રાજાના મહેલમાં સૌને મીઠાઈ બહુ ભાવે. રાજાને ત્યાં રોજ જાતજાતની મીઠાઈ બને. રાજાના રસોઈયા એવી સરસ મીઠાઈ બનાવે કે આખા મહેલમાં એની સુગંધ ફેલાઈ જાય. અરે ! મહેલમાં શું, આખાય નગરમાં એની સુગંધ ફેલાઈ જાય. ગામના છેડે આવેલા કુંભારવાડામાં કાળુ કુંભાર રહે. એના ઘર સુધી મીઠાઈની સુગંધ ફેલાય. કુંભારવાડામાં ઉકા ઉંદરડાને એક દિવસ મીઠાઈની સુગંધ આવી. ઉકાના મોંમાં પાણી છૂટ્યું. એનાં સગાંવહાલાં ને ભાઈબંધોનાં મોંમાં પણ પાણી છૂટ્યું ! સૌને થયું : ‘આજે તો હવે મીઠાઈ ખાધા વિના નહીં જ રહેવાય.’ બધા ઉંદરડા મીઠાઈની સુગંધે સુગંધે આગળ વધ્યા. સુગંધ લેતી લેતી ઉંદરસેના મહેલમાં આવી પહોંચી. આવીને મીઠાઈની તાસકો ને ડબાઓ પર તૂટી પડી. ઉંદર ચૂં...ચૂં કરતા જાય ને મીઠાઈ ખાતા જાય. મીઠાઈ ખાતા જાય ને ચૂં... ચૂં કરતા જાય. રાજા તો આ જોઈને સડક જ થઈ ગયો ! રાજા ચિંતામાં પડી ગયો. રાજા જેવો રાજા મૂંઝાઈ ગયો. આટલા બધા ઉંદરડા ! એમને કાઢવા શી રીતે ? વિચાર કરીને રાજાએ નગરના શાણા માણસોને બોલાવ્યા. એમની સલાહ પૂછી : ‘આ ઉંદરસેના ખસે એવો ઉપાય બતાવો.’ શાણા માણસોએ સલાહ આપી : ‘ઉંદરડા કાઢવા બિલાડાં બોલાવો. બિલાડાંને જોશે કે ઉંદરો ઊભી પૂંછડીએ ભાગશે.’ રાજાએ નોકરોને હુકમ કર્યો : ‘જાઓ, બિલાડાં લઈ આવો.’ નોકરો દોડ્યા. આખા નગરમાંથી, ખૂણે-ખાંચરેથી બિલાડીઓ શોધી લાવ્યા. મોટી ને નાની, જાડી ને પાતળી ! કાળી ને ધોળી, ભૂખરી ને કાબર-ચીતરી ! ઉંદરડા કાઢવા માટે બિલાડીઓ આવી પહોંચી. મ્યાઉં મ્યાઉં બોલતી ને ઘુર્ર્ર્ ઘુર્ર્ર્ ઘૂરકતી. કોઈ બારણામાંથી કૂદી તો કોઈ બારીમાંથી ઠેકી. બિલાડી એટલે તો ઉંદરનું મોત ! બિલાડીઓ જોઈને ઉંદરો તો રફુચક્કર થઈ ગયા. હવે બિલાડીઓ મહેલની મહેમાન થઈ ગઈ. રાજાના ગાદી-તકિયે બેસે, આળોટે ને બધે લહેરથી હરેફેર. રાજા વળી મુંઝાયો. એને થયું : ‘થોડા દિવસમાં તો આ બિલાડીઓ મહેલ ગંદો ગંદો કરી મૂકશે.’ ફરી એણે શાણા માણસોને બોલાવ્યા. શાણા માણસોએ સલાહ આપી : ‘બિલાડાં કાઢવા કૂતરાં મંગાવો.’ રાજાએ સેવકોને હુકમ કર્યો : ‘જાઓ ! કૂતરાં પકડી લાવો.’ સેવકો કૂતરાં લઈ આવ્યા. ધોળિયાં ને કાળિયાં. જાડિયાં ને પાડિયાં. ભસતાં ને હાઉવાઉ કરતાં. એ...ઈ... પડ્યાં બિલાડીની પાછળ. આગળ બિલાડાં ને પાછળ કૂતરાં. કૂતરાંઓને બિલાડાં નસાડવાની બહુ મઝા પડી ગઈ. બિલાડીઓ નાસી ગઈ. ક્યાં ગઈ તેનીય ખબર ન પડી. પછી કૂતરાંઓને મહેલમાં રહેવાની મઝા પડી ગઈ. રાજાના ભાણામાંથી કૂતરાંઓ મીઠાઈ ખાય ને પલંગ પર આરામ કરે. કૂતરાંઓને લીલા લહેર થઈ ગઈ ! પણ રાજા દુઃખી દુઃખી થઈ ગયો. રાજાએ વળી પાછા શાણા માણસોને બોલાવ્યા. રાજા કહે : ‘અરે ભાઈ, આ કૂતરાં કાઢવાનો કોઈ રસ્તો ખરો ?’ શાણા માણસો કહે, ‘કૂતરાં કાઢવા વાઘ મંગાવો.’ રાજાએ સેવકોને હુકમ કર્યો, ‘વાઘ લઈ આવો.’ સેવકો વાઘ લઈ આવ્યા. પીળા-કેસરિયા રંગ પર કાળા ચટાપટાવાળા વાઘ ! મોઢું ફાડે તો ભલભલા બી જાય ! જબરજસ્ત વાઘ ત્રાડ પાડતા આવ્યા અને કૂતરાંની પાછળ પડ્યા. બે પગ વચ્ચે પૂંછડી દબાવીને કૂતરાં તો જાય ભાગ્યાં... જાય ભાગ્યાં ! થોડી વારમાં તો કૂતરાંનું નામ-નિશાન ન મળે ! હવે વાઘ મહેલમાં મોજ કરવા મંડ્યા ! તબિયતથી ખાય, પીએ ને મોજ કરે. થોડા દિવસમાં રાજા વાઘથી પણ તંગ આવી ગયો. વાઘની ગંધથી આખો મહેલ ગંધાતો હતો ! બધાં નાક દબાવીને ચાલ્યા કરે. હવે ? રાજાએ ફરી પાછા શાણા માણસોને બોલાવ્યા. શાણા માણસોએ સલાહ આપી, ‘વાઘને કાઢવા સિંહ લાવો.’ રાજાએ સેવકોને હુકમ કર્યો, ‘સિંહ લઈ આવો.’ સેવકો સિંહ લઈ આવ્યા. માથાં ડોલાવતા ને કેશવાળી ફંગોળતા ! મોટી મોટી ગર્જનાઓ કરતા સિંહ આવ્યા. મહેલ આખો એમની ગર્જનાથી ગાજી ઊઠ્યો ! સિંહ તો વનના રાજા. એમની ગર્જના સાંભળી કોણ ઊભું રહી શકે ? વાઘ તો એવા બીધા એવા બીધા કે જાય સી... ધા મહેલની બહાર ! પણ સિંહો તો બરાબર પાછળ પડ્યા. વાઘને છેક ગામની બહાર નસાડી આવ્યા ! હવે સિંહ મહેલમાં રહેવા લાગ્યા. વનના રાજા હવે મહેલના રાજા બની ગયા. એ તો સિંહાસને બેસે ને એમાં જ સૂઈ જાય. ખરા રાજાને તો સિંહાસને સૂવા કે બેસવાનું જ ન મળે ! રાજાને થયું, ‘આ તો ભારે થઈ !’ રાજાએ ફરી શાણા માણસોને બોલાવ્યા. શાણા માણસોએ ખૂબ વિચાર કર્યો, હવે શું કરવું ? સિંહ તો વનનો રાજા. એનાથી મોટું કોણ ? હવે કોઈ એવું નાનું પ્રાણી લાવો કે જે સિંહ જેવા સિંહને પરેશાન કરી મૂકે. એવું નાનું પ્રાણી કોણ ? એ તો ઉંદર ! બીજું કોઈ નહીં ! ફરી ઉકા ઉંદરને આમંત્રણ અપાયું. ઉકો ઉંદર કહે, ‘એ તો અમારું જ કામ. અમે સિંહોને આમ ચપટીમાં નસાડી મૂકીશું. પણ અમારી એક શરત છે.’ રાજા કહે : ‘બોલો, શી શરત ?’ ઉકો કહે, ‘પછી તમારે બિલાડીઓ બોલાવવાની નહીં !’ રાજા હસી પડ્યો, ‘કબૂલ ભાઈ, તમારી શરત કબૂલ ! મારું તમને વચન છે.’ ઉકાની ઉંદરસેના આવી પહોંચી. રાત્રે સિંહો સૂતા હતા, ત્યારે ઉંદરડા એમની ઉપર ફરી વળ્યા. એકે સિંહની કેશવાળી કાપી નાખી બીજાએ એની મૂછો કરડી ખાધી. ત્રીજાએ પૂંછડીના વાળ કાપી નાખ્યા. ચોથાએ સિંહના પંજામાં તીણા દાંત પેસાડી દીધા. સિંહો ઊછળી ઊછળીને ઝાપટો મારવા લાગ્યા. પણ ઉંદરડા કેટલા બધા ! ચાર ને ફેંકે તો ચૌદ આવે ! સિંહો તો ત્રાસી ગયા - હેરાન પરેશાન થઈ ગયા ! એ તો જીવ લઈને નાઠા. ઉંદરસેના સિંહની પાછળ પડી. સિંહોને તે ઠેઠ જંગલ સુધી મૂકી આવી ! ઉકાએ આવીને રાજાને સમાચાર આપ્યા : ‘અમે સિંહોને ભગાડી મૂક્યા છે.’ રાજા બહુ રાજી થયા. રાજાએ ઉંદરોને ભવ્ય મિજબાની આપી. ઉકાને સૌની આગળ બેસાડી એનું ભારે સન્માન કર્યું. કહ્યું : ‘આજથી આ મહેલ તમારો જ ગણજો. અહીં રહી રોજરોજ પેટ ભરીને મીઠાઈ જમજો.’ પછી મિજબાની માણીને ઉંદરસેના કુંભારવાડાના માર્ગે પડી. રાજા, રાણી ને કુંવરે ક્યાંય સુધી હાથ હલાવ્યા કરી ઉકાને વિદાય આપી. રાજાનો મહેલ ફરી પાછો આનંદથી ભર્યો ભર્યો બની રહ્યો.