ગુજરાતી બાળવાર્તા સંપદા/કોનું કોનું જાંબુ ?: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 03:07, 13 August 2024
રમેશ પારેખ
કોનું કોનું જાંબુ ?
ચકાને એક ઠળિયો જડ્યો. બીજા ઠળિયા તો સાવ ટચૂકડા હોય. આ તો મોટો, કેરીના ગોટલા જેવડો ઠળિયો હતો. ચકાને થયું : આ વળી શું હશે ? લાવ, માને પૂછું. એ દોડ્યો ઘેર. ઘરમાં મા કામ કરતી હતી. તેને ઊંચું જોવાનીયે ફુરસદ નહોતી. ચકાએ માને ઠળિયો બતાવ્યો : ‘મા, મા, આ શું છે ?’ કામ કરતાં કરતાં મા બોલી : ‘છે કાંક ઠળિયા જેવું. જા, વાડામાં નાખ. જે હશે તે ઊગશે.’ ચકાએ જાંબુનો ઠળિયો નાખ્યો વાડામાં. પછી એ તો રમવા ગયો. રાતે સૂઈ ગયો. સવારે વાડામાં ગયો તો નવાઈ પામી ગયો. ઠળિયામાંથી મોટું જાંબુનું ઝાડ ઊગ્યું છે. અને તેની સાત ડાળ ઊગી છે. સાતે ડાળે એક એક જાંબુ ઊગ્યું છે. જાંબુ મોટાં મોટાં, કેરી જેવાં, જોતાંવેંત મોઢામાં પાણી આવી જાય તેવાં. એ જોઈ ચકો ખુશખુશ થઈ ગયો. તરત તેણે જાંબુ તોડવા હાથ લાંબો કર્યો, પણ જાંબુ સુધી પહોંચ્યો નહીં. કૂદકો માર્યો, છતાંય જાંબુ હાથમાં આવ્યું નહીં. ફરી વાર મો...ટ્ટો કૂદકો માર્યો તોય જરાક છેટું રહી ગયું. આમ વારંવાર કૂદકા મારવા છતાંય એક્કેય જાંબુ ચકાના હાથમાં આવ્યું નહીં તેથી તે ખિજાઈ ગયો - ‘આ જાંબુડી મારી છે, છતાં મને એક્કેય જાંબુ આપતી નથી ? જાંબુડી સમજે છે શું એના મનમાં ? આવી જાંબુડીને શું કરવી છે ? તોડી નાખું એને...’ તેણે ખીજમાં ને ખીજમાં જાંબુડીનું થડ પકડીને હચમચાવ્યું તો આખી જાંબુડી ધ્રૂજી ગઈ. જાંબુડી હં હં હં કરતી બોલી ઊઠી : ચકા રે ચકા સાંભળ વાત કહું બોલ રે બોલ કેટલાં જાંબુ દઉં ? ચકો મૂછે તાલ દેતાં બોલ્યો : ત્યારે પહેલેથી જ જાંબુ આપી દીધાં હોત તો ! સાંભળ : હચમચ હાંબુડી સાંભળ તું જાંબુડી દિવસ પછી રાત જાંબુ દે સાત. જાંબુડી કહે : ચકા, મારી પાસે સાત જ જાંબુ છે. લે ભાઈ, આ સાતે તારાં. આમ બોલી તેણે ટપ ટપ ટપ કરતાં સાતે જાંબુ નીચે પાડ્યાં. ચકાએ પટ પટ કરતાં વીણી લીધાં ને ઝટપટ એક જાંબુ મોઢામાં મૂક્યું : અહાહા ! કેવું મીઠું મધ ! ચકાને તો ટેસ પડી ગયો. એ રાજી રાજી થઈને ગાવા લાગ્યા : વાહ વાહ રે જાંબુ જી એને હું ન આંબું જી જાંબુડી છે લુચ્ચી ઊગી બહુ ઊંચી ઊંચી ઊંચી અંજેડી મેં તો ઝાઝી ઝંઝેડી ઝંઝેડીને સીધાં સાત જાંબુ લીધાં. વળી એક બાજુ જાંબુ મોઢામાં નાખ્યું. આહાહા ! જાણે સાકરના કટકા ! બીજું જાંબુ તો માંડ માંડ ખવાયું. ચકો ધરાઈ ગયો ને મોટો ઓડકાર ખાધો. પાંચ જાંબુ વધ્યાં તે તેણે ઘરમાં જઈને એક કુલડીમાં મૂક્યાં. મોઈ-દાંડિયો લઈ તે શેરીમાં રમવા જતો હતો ત્યાં એને કોઈના રડવાનો અવાજ સંભળાયો. કોણ રડતું હશે ? તેણે કાન માંડ્યા તો વાડામાં કોઈ રડતું હોય તેમ લાગ્યું. વાડામાં આવીને જુએ છે તો જાંબુડી ટપટપ આંસુ પાડતી રુએ છે. ચકાની નવાઈનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું : જાંબુડીબહેન, જાંબુડીબહેન, કેમ રુઓ છો ? જાંબુડી કહે : રોઉં નહીં તો શું કરું ? ખિસકોલી તો આવે તેને જાંબુ ભાવે આવી હતી આજે જાંબુ ખાવા કાજે મેં કહ્યું : બાપુ ! જાંબુ ક્યાંથી આપું ? સાત જાંબુ સીધાં ચકાએ લઈ લીધાં એમ વાત છે કે જાંબુ નથી એક્કે. ખિસકોલીને એક્કેય જાંબુ મળ્યું નહીં તેથી તે રોઈ પડી. ને કહેવા લાગી : અરરર માડી તમે ના પાડી મારાં બચ્ચાં નાનાં રાખું કેમ છાનાં ? એને લાગી ભૂખ એનું મારે દુઃખ હવે ક્યાં જઈશ ? બચ્ચાંને શું દઈશ ? જાંબુડી કહે : બીચારી ખિસકોલી રડતી રડતી ગઈ. એય ભૂખી ને એનાં બચ્ચાંય ભૂખ્યાં. આજે એ શું ખાશે ? મારી પાસે જાંબુ હોત તો એને એક જાંબુ આપત. ચકા, બધાં જાંબુ તો તેં લઈ લીધાં છે. અરેરે, ખિસકોલી ને એનાં બચ્ચાં ભૂખે ટળવળશે... ચકાને દયા આવી ગઈ. તે કહે : ખિસકોલી તો મારી પણ દોસ્ત છે. એ ભૂખી રહે, એનાં બચ્ચાં ભૂખ્યાં રહે તે મને ન ગમે. ઊભાં રહો જંબુડીબહેન ! મારી પાસે પાંચ જાંબુ વધ્યાં છે ને, તેમાંથી એક જાંબુ ખિસકોલી માટે લાવી દઉં...! જાંબુડી કહે : હંઅઅઅ... લાવી દે ને ભાઈ, તો તો તારા જેવું કોઈ નહીં. ચકો દોડતો ઘરમાં જઈ જાંબુ લઈ આવ્યો ને જાંબુડીને આપ્યું. જાંબુડીએ ખિસકોલીને સાદ પાડ્યો : ખિસકોલીબહેન, ખિસકોલી-બહેન, લ્યો, આ તમારું જાંબુ ! ખિસકોલી કૂદતી કૂદતી દોડી આવી. જાંબુડીએ તેને જાંબુ આપ્યું તેથી રાજી રાજી થઈ ગઈ. ચકાને થયું કે વાહ રે ! મેં એક જાંબુ આપ્યું ત્યાં તો કેટલાં બધાં જણ ખુશ થયાં ! ખિસકોલી ખુશ થઈ, એનાં બચ્ચાં ખુશ થયાં. જાંબુડી ખુશ થઈ ને હુંયે ખુશ ખુશ થયો ! તેણે જાંબુડીને કહ્યું : જાંબુડીબહેન, મને હવે રોજ છ જાંબુ જ આપજો. સાતમું જાંબુ છે ને તે ખિસકોલીને આપજો. જાંબુડી રાજીરાજી થઈને બોલી : વાહ ચકા ! તું કેવો ભલો છે ! આ સાંભળી ચકો રાજી થઈ ગયો. એવામાં ઘરમાંથી મા બોલી : ચકા, તારું ના’વાનું પાણી કાઢ્યું છે. ઝટ નાહી લે... ચકો ના’વા માટે ઘરમાં ગયો. હજુ તે ના’વા બેસે છે ત્યાં તો ફરીથી વાડામાંથી કોઈનો રડવાનો અવાજ આવ્યો. ચકાને થયું : અરે, વળી પાછું કોણ રડે છે ? એ ઊઠીને વાડામાં આવ્યો. જુએ છે તો જાંબુડી ટપટપ આંસુ પાડે છે ને રડે છે. ચકાએ પૂછ્યું : જાંબુડીબહેન, જાંબુડીબહેન, કેમ રુઓ છો ? જાંબુડી રડતાં રડતાં બોલી : રડું નહીં તો શું કરું ? ચકલીબ્હેન તો આવે તેને જાંબુ ભાવે આવી હતી આજે જાંબુ ખાવા કાજે મેં કહ્યું : બાપુ, જાંબુ ક્યાંથી આપું ? સાત જાંબુ સીધાં ચકાએ લઈ લીધાં એમ વાત છે કે જાંબુ નથી એક્કે આ સાંભળી ચકલી ચોધાર આંસુએ રડી પડી ને કહેવા લાગી - અરરર માડી તમે ના પાડી મારાં બચ્ચાં નાનાં રાખું કેમ છાનાં ? એને લાગી ભૂખ મારે એનું દુઃખ હવે ક્યાં જઈશ ? બચ્ચાંને શું દઈશ ? જાંબુડી બોલી : બીચારી ચકલી રડતી રડતી ગઈ. એય ભૂખી ને એનાં બચ્ચાંય ભૂખ્યાં. આજે એ શું ખાશે ? મારી પાસે જાંબુ હોત તો એને એક જાંબુ આપત. ચકા, બધાં જાંબુ તો તેં લઈ લીધાં છે. અરેરે, ચકલી ને એનાં બચ્ચાં ભૂખે ટળવળશે. ચકાને દયા આવી ગઈ. તે કહે : ચકલી તો મારી પણ દોસ્ત છે. એ ભૂખી રહે, એનાં બચ્ચાં ભૂખ્યાં રહે તે મને ન ગમે. ઊભાં રહો જાંબુડીબહેન, મારી પાસે ચાર જંબુ વધ્યાં છે ને તેમાંથી એક જાંબુ ચકલી માટે લાવી દઉં ? જાંબુડી કહે : હંઅઅઅ... લાવી દે ને ભાઈ, તો તો તારા જેવું કોઈ નહીં. ચકો દોડતો ઘરમાં જઈ જાંબુ લઈ આવ્યો ને જાંબુડીને આપ્યું. જાંબુડીએ ચકલીને સાદ પાડ્યો : ચકલીબહેન, ચકલીબહેન, લ્યો, આ તમારું જાંબુ ! ચકલી ઊડતી ઊડતી આવી - ફરરર.... જાંબુડીએ તેને જાંબુ આપ્યું તેથી રાજી રાજી થઈ ગઈ. ચકાને થયું : વાહ રે ! એક જાંબુ આપ્યું ત્યાં તો કેટલાં બધાં જણ ખુશ થયાં ! ચકલી ખુશ થઈ. એનાં બચ્ચાં થયાં, જાંબુડી ખુશ થઈ ને હુંય ખુશખુશ થયો ! તેણે જાંબુડીને કહ્યું : જાંબુડીબહેન, મને હવે રોજ પાંચ જાંબુ જ આપજો. છઠ્ઠું જાંબુ છે ને તે ચકલીને આપજો. જાંબુડી રાજી રાજી થઈને બોલી : વાહ ચકા ! તું કેવો ભલો છે ! આ સાંભળી ચકો રાજી થઈ ગયો. ત્યાં ઘરમાંથી મા બોલી : ચકા, હજી નાહ્યો નથી ? તારું પાણી ઠરી જાય છે. ચાલ જલદી નાહી લે... ચકો બોલ્યો : એ આવ્યો... અને ના’વા માટે ઘરમાં ગયો. હજુ શરીર ઉપર બે લોટા પાણી નાખ્યું હશે તેવામાં વાડામાંથી જોર જોરથી રડવાનો અવાજ આવ્યો. ચકાને થયું : અરે જાંબુડી વળી પાછી કેમ રુએ છે ? લાવ જોવા દે ! તે દોડ્યો વાડામાં. જુએ છે તો જાંબુડીની ડાળે બેઠો બેઠો વાંદરો રુએ છે. બીજી ડાળે બેઠેલી કાબર રુએ છે. ત્રીજી ડાળે બેઠેલો પોપટ રડે છે. ત્રણેને રડતાં જોઈ જાંબુડીય રડે છે. ચકાએ પૂછ્યું : અરે, જાંબુડીબહેન, વાંદરાભાઈ, પોપટભાઈ, કાબરબહેન, તમે બધાં કેમ રુઓ છો ? પોપટ બોલ્યો : રડું નહીં તો શું કરું ? કાબર બોલી : રડું નહીં તો શું કરું ? વાંદરોય બોલ્યો રડું નહીં તો શું કરું ? જાંબુડી કહે : રડું નહીં તો શું કરું ? વાંદરાભાઈ આવે પોપટભાઈ આવે કાબરબ્હેન આવે તેને જાંબુ ભાવે આવ્યાં સહુ આજે જાંબુ ખાવા કાજે મેં કહ્યું : બાપુ, જાંબુ ક્યાંથી આપું ? સાત જાંબુ સીધાં ચકાએ લઈ લીધાં એમ વાત છે કે જાંબુ નથી એક્કે. આ સાંભળીને વાંદરાભાઈ, કાબરબહેન અને પોપટભાઈ રોઈ પડ્યાં તેથી મનેય રડવું આવે છે. ત્યાં વાંદરો ટપક ટપક આંસુ ટપકાવતાં બોલ્યો : હૂપ હેક હૂપ હેક જાંબુ એક, જાંબુ એક મને દે, મને દે ભૂખ છે, ભૂખ છે કાબરબહેન પીળી પીળી ચાંચ ઉઘાડીને બોલી : ચ્યાઉં ચ્યાઉં શું ખાઉં ? કોને કહું ? ભૂખ બહુ પોપટ પણ પોતાની લીલીલીલી પાંખ પછાડી પછાડીને રોવા લાગ્યો ને રોતાં રોતાં કહેવા લાગ્યો : ટિ્વક્ ટુ ભૂખ્યો છું મને બે જાંબુ દે ! જાંબુડી, વાંદરભાઈ, કાબરબહેન અને પોપટભાઈ - આ ચારેને રોતાં જોઈ ચકાની આંખમાંય આંસુ આવી ગયાં. તે સીધો ઘરમાં દોડ્યો ને ત્રણ જાંબુ લઈ આવ્યો. તે જાંબુડીને આપીને કહ્યું : લ્યો જાંબુડીબહેન, સૌને જાંબુ વહેંચી આપો. જાંબુડીએ આંસુ લૂછી નાખ્યાં ને હસી પડી. તેણે કહ્યું : ‘વાહ રે વાહ, ચકા ! તું કેવો ભલો છે !’ પછી તેણે એક જાંબુ વાંદરાને આપ્યું, એક કાબરને આપ્યું ને એક પોપટને આપ્યું. પોપટ રડતો રડતો બોલ્યો : ટિ્વક ટુ, ટિ્વક ટુ ભૂખ્યો છું, ભૂખ્યો છું મને બે, મને બે જાંબુ દે, જાંબુ દે જાંબુડી બોલી : ભાઈ પોપટ, વધારે નથી. નહીં તો તને બે નહીં ચાર જાંબુ આપત. ચકો તેની વાત સાંભળીને બોલ્યો : પોપટભાઈ, આજે તમે એક જાંબુ ખાઓ. કાલે જાંબુડીબહેન, તમને બે જાંબુ આપશે. કાલે ફરી સાત જાંબુ ઊગશે તેમાંથી એક ખિસકોલીબહેનનું, એક ચકલીબહેનનું, એક વાંદરાભાઈનું, એક કાબરબહેનનું, એક મારું ને બે તમારાં... બસ ? પોપટ છાનો રહી ગયો. તેણે કહ્યું : ભલે, આજે એક જાંબુ ખાઈશ. મારી પાસે એક મરચું પડ્યું છે તે પણ આજે ખાઈ લઈશ એટલે પેટ ભરાઈ જશે. પણ કાલે મને બે જાંબુ મળશે ને ? જાંબુડી અને ચકો બોલી ઊઠ્યાં : હા, કાલે તમને બે જાંબુ મળશે. પોપટ રાજીરાજી થઈને ટિ્વક ટુ, ટિ્વક ટુ કરતો ઊડી ગયો. કાબર રાજી રાજી થઈને ચ્યાંઉં ચ્યાંઉં કરતી ઊડી ગઈ. વાંદરો હૂપહૂપ કરતો પૂંછડી ઉછાળતો જાંબુનો ઠળિયો ચાવતો ચાવતો બોલ્યો : વાહ ! જાંબુ તો મીઠું મધ જેવું હતું. હોં... કાલે પણ હું જાંબુ ખાવા આવીશ... જાંબુડી કહે : કાલે હું સાત જાંબુ આપીશ. ચકો કહે : ના, જાંબુડીબહેન, ના. હું તો કાલે એક જ જાંબુ લઈશ. બીજાં છ જાંબુ મારા દોસ્તોને આપજો. ત્યાં ઘરમાંથી મા બોલી : ચકા હવે ઝટ નાહી લે. તારે નિશાળે જવાનું મોડું થશે. એ આવ્યો... કહેતો ચકો જાંબુડીને આવજો કહી ઘરમાં ના’વા ચાલ્યો ગયો.