ગુજરાતી બાળવાર્તા સંપદા/લે... ! એમાં બીવાનું શું ?: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 03:11, 13 August 2024
લે... ! એમાં બીવાનું શું ?
અને જંગલમાં જબરજસ્ત ચહલ-પહલ મચી ગઈ ! સસલું તો દોડતું જાય ને બોલતું જાય.... નાસો રે નાસો... આકાશ તૂટી પડ્યું... બાપલા... ભાગો રે ભાગો ! સસલાને આમ દોડતું જોઈને વનનાં બીજાં પ્રાણીઓ પણ એની પાછળ દોડવા લાગ્યાં. હરણાં દોડ્યાં... શિયાળવાં દોડ્યાં... નીલગાયો દોડી... લોંકડીઓ દોડી... દોડતાં જાય ને અંદરોઅંદર પૂછતાં જાય... હેં શું થયું ? બોલો ને ! આપણે કેમ દોડીએ છીએ ? કોઈ કહેતું પેલું સસલું દોડે છે એટલે... બધાંને દોડતાં જોઈ બે-ત્રણ દીપડાય ગભરાયા ને એય ભાગવા લાગ્યા. દીપડાને દોડતા જોઈ જાડિયા વાઘે પૂછ્યું, ‘અરે, કેમ દોડો છો તમે બધા ?’ દીપડો હાંફતો હાંફતો ઊભો રહ્યો અને બોલ્યો, ‘આ કોઈ કહે છે, આકાશ તૂટી પડ્યું છે... નહિ દોડીએ તો...’ આટલું બોલી વળી દીપડો દોડ્યો. વાઘેય છલંગ મારતો દોડ્યો. બે-ત્રણ સિંહ અને સિંહણ અને બચ્ચાંઓ તળાવે પાણી પીતાં હતાં. બધાંને આમ દોડતાં જોઈ એક બચ્ચું બોલ્યું, ‘બાપલુજી, બાપલુજી, આ બધાં કેમ દોડે છે ? મને તો કંઈ કંઈ થાય છે !’ સિંહે વાઘને અટકાવીને પૂછ્યું, ‘અરે એય વાઘ ! તમે બધાં આમ કેમ ભાગો છો ? શી બાબત છે ?’ વાઘ કહે, ‘આકાશ તૂટી પડ્યું છે... તો નાસો રે નાસો...’ અને જંગલમાં આમ જબરદસ્ત ભાગદોડ મચી ગઈ હતી. દોડતાં દોડતાં આમ સહુ લગભગ જંગલના છેડે આવી પહોંચ્યાં હતાં. આગળ હતા સસલાભાઈ. ત્યાં રસ્તા પર ફરતાં સચિન, મિલિન્દ અને ચિરાગે આ સૌને જોયાં. મિલિન્દ કહે, ‘સચિનિયા, જો તો પેલાં બધાં પ્રાણીઓ, આ તરફ આવતાં લાગે છે.’ ચિરાગે અને સચિને જોયું, તો એય ગભરાયા. ચિરાગે બોલ્યો, ‘મિલિન્દિયા, મરી ગયા, બાપલિયા...! આ તો જંગલી પ્રાણીઓ આવતાં દેખાય છે ને કંઈ !’ બધાં પ્રાણીઓ દોડતાં આવતાં હતાં. ત્રણેય ગભરાયા અને ભાગ્યા... સચિન બૂમ પાડી ઊઠ્યો, ‘ભાગો... નાસો... મરી ગયા’ પાસે સૂતેલી મમ્મી અને મમતા જાગી ગયાં. લાઇટ કરતાં તે બોલી, ‘શું થયું સચલા ? શું થયું ત્યાં ?’ ‘હેં...!’ સચિન બોલ્યો, ‘ક્યાં ગયું સસલું, દીપડા... એ બધાં દોડતાં દોડતાં અમારી તરફ આવતાં હતાં... ક્યાં ગયાં એ બધાં....?’ ‘હત્ તેરે કી...!’ મમ્મી બોલી, ‘આ તો તેં વાર્તા વાંચી હશે પેલી... તે સપનું આવ્યું હશે !’ મમતા હસી પડી અને બોલી, ‘લે... તે એમાં બીવાનું શું ? ગાંડિયા રે ગાંડિયા !’ બોલતી બોલતી ઊભી થઈને તે પાણી લેવા ગઈ. એણે લઇટ કરી. પાણી લેતી હતી તે ત્યાં ગરોળી જોઈને ડરી ગઈ, બૂમ પાડી ઊઠી, ‘મમ્મી... મમ્મી... જલદી આવ...’ મમ્મી દોડી, પૂછ્યું, ‘શું થયું છે બેટા ?’ ‘આ જોને ગરોળી... બીક લાગે છે !’ મમતા બોલતી હતી. એટલામાં સચિનેય ઘૂસી આવ્યો... ‘શું છે મમ્મી !’ ‘આ ગરોળી જો ને...!’ મમતા બોલી. સચિન ખડખડાટ હસી પડ્યો અને તે બોલ્યો : ‘લે, એમાં બીવાનું શું ?’ અને ત્રણેય હસી પડ્યાં.