ગુજરાતી બાળવાર્તા સંપદા/દે તાલ્લી !: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 04:01, 13 August 2024
રક્ષા દવે
દે તાલ્લી !
એક હતા શિયાળભાઈ. બહુ રંગીલા, ભાઈ ! ઈ શિયાળભાઈને ટેવ : વાત કરે ત્યારે વારે ઘડીએ ‘દે તાલ્લી, દે તાલ્લી’ કર્યા કરે. મિત્રોને કહે, “અલ્યા, આજે તો હું પેટ ભરીને દ્રાક્ષ જમ્યો, દે તાલ્લી, દે તાલ્લી !” પોતાની પત્નીનેય કહે, “અલી, આપણા બચ્ચાનું પૂછડું હવે મોટું થતું જાય છે હોં, દે તાલ્લી !” અને પોતાના બચ્ચાનેય કહે, “અલ્યા, તારા મોઢામાં હવે બધા જ દાંત ફૂટી ગ્યા છે હોં, દે તાલ્લી ! અને મારા મોઢામાંથી દાંત હવે ધીમે ધીમે પડવા માંડ્યા છે હોં, લે, દે તાલ્લી !” શિયાળભાઈનાં વહુ તો તેમને પૂછતાં’તાયે ખરાં “અરે, તમને તમારા દોસ્તો ‘દે તાલ્લી, દે તાલ્લી’ કહીને ખીજવતા નથી ? જોજો તમારું નામ જ કંઈ ન પાડી દે ‘દે તાલ્લી’ !” એક વખત વનના રાજા સિંહે શિયાળભાઈને - ‘દે તાલ્લી’ને પોતાની નોકરીમાં રાખી લીધા. કામ સોંપ્યું સંદેશાવાહકનું. સિંહરાજાને પોતાના જંગલની પ્રજા બહુ વહાલી હતી. વાઘ, દીપડો, વરુ, ભેંસ, ગાય, શિયાળ, કૂતરો, ગધેડો, ઘોડો, બિલાડી, લોંકડી વગેરે બધાંય વહાલાં હતાં અને આ પશુઓ પણ વનરાજા સિંહ ફરવા નીકળે ત્યારે ‘રાજા મહારાજાને ઘણી ખમ્મા’ કરતાં લળી લળીને તેને સલામું ભરતાં અને રાજા વાર-તહેવારે સૌ પશુઓને ભાવતાં ભોજન દેતા. સિંહરાજાએ એક વાર શિયાળભાઈ સંદેશાવાહકને કામ સોંપ્યું : “ભાઈ શિયાળ !” “જી હજૂર !” “જાઓ, બધાં વનવાસી પશુઓને કહી આવો : આજે રાતે, તળાવ પાળે, મસમોટા વન-વડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે... તો સૌ હાજર રહેજો, હાજર રહેજો.” અને પછી શિયાળભાઈને ખાસ કહ્યું, “કોયલબહેનને કહેજો કે ગાવાનું કામ એમણે સંભાળવાનું છે. અને મોરભાઈને જઈને કહેજો કે શરણાઈ વગાડવાનું કામ એમણે સંભાળવાનું છે. ઘોડાલાલને કહેજો કે તબલાં તો એમના જેવાં કોઈને આવડે જ નહિ અને ઓલા ત્રમ ત્રમ ત્રમિયા તમરારાવને કહેજો કે તંબૂરાવાદન તો બસ એમનું જ ! તો એ સૌ આવી પહોંચે વાંદરાભાઈને સંગત દેવા.” શિયાળભાઈ તો ખુશ ખુશ. જથ્થાબંધ વાળવાળું ગુચ્છાદાર પૂંછડું વીંઝતાં ગયા સંગીતશાસ્ત્રીઓની પાસે. કોયલબહેનને જઈને કહે : “આજે રાતે, તળાવ પાળે, મસમોટા વન-વડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે .... દે તાલ્લી ! કોયલબહેનાં ! રાજાસા ’બનો હુકમ થયો છે : વાંદરાભાઈના નર્તન વખતે ગીત ગાવાનાં છે... તમારે... દે તાલ્લી !” પછી ગયા મોરભાઈ પાસે, જઈને કહ્યું : “આજે રાતે, તળાવ પાળે, મસમોટા વન-વડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે ... દે તાલ્લી ! મોરભૈયા ! રાજાસા ’બનો હુકમ થયો છે : વાંદરાભાઈના નર્તન વખતે શરણાઈ વગાડજો ... દે તાલ્લી !” પછી ગયા ઘોડાલાલ પાસે અને સંદેશો સુણાવ્યો : “આજે રાતે, તળાવ પાળે મસમોટા વન-વડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે .... દે તાલ્લી ! ને ઘોડાલાલ ! રાજાસા ’બનો હુકમ બડો કે : વાંદરાભાઈના નર્તન વખતે તબલાં વગાડજો ... દે તાલ્લી !” પછી ગયા તમરારાવ ત્રમત્રમિયા પાસે અને જઈને કહ્યું : “આજે રાતે, તળાવ પાળે, મસમોટા વન-વડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે ... દે તાલ્લી ! ને તમરારાવ ! રાજાસા ’બનો હુકમ થયો છે : વાંદરાભાઈના નર્તન વખતે તંબૂર બજાવજો .... દે તાલ્લી !” આમ તાલી દેતાં અને તાલી લેતાં શિયાળભાઈ પક્ષીઓને માળે માળે ફર્યા, ઝાડની બખોલે બખોલે ફર્યા, પહાડની ગુફાએ ગુફાએ ફર્યા. ટૂંકમાં, સર્વેને જઈ જઈને નિમંત્રણ દઈ આવ્યા : “આજે રાતે, તળાવ પાળે, મસમોટા વન-વડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે ... દે તાલ્લી ! તો સૌ ત્યારે હાજર રહેજો, હાજર રહેજો, હાજર રહેજો રે .... દે તાલ્લી !” પછી તો રાત્રે મોટી સભા ભરાઈ. વનરાજા આવીને મોટા રાજસિંહાસને બેઠા. ગીધરાય આવીને પોતાની મોટી મોટી પાંખે વનરાજાને વીંઝણો નાખવા લાગ્યા. અને આખે શરીરે ઉઘાડા એવા વાંદરાભાઈએ બાંધ્યા પગમાં ઘૂઘરાં અને માથે આભલાળી ફૂમતાવાળી ટોપી પહેરી લીધી, ત્યારે શિયાળભાઈએ મોટા ભૂંગળામાં મોઢું રાખી મોટેથી જાહેરાત કરી : “ભાઈઓ અને બહેનો ! કાર્યક્રમ શરૂ થાય છે. દે તાલ્લી ! શરણાઈ પર મોરભાઈ ચાંદલાવાળા સંગત કરશે. દે તાલ્લી ! અને તબલાં પર ઘોડાલાલ ડાબલાવાળા સંગત કરશે. દે તાલ્લી ! તંબૂરના તાર છેડશે તમરારાવ ત્રમત્રમિયા. દે તાલ્લી ! અને વાંદરાભાઈને ઠેકે ઠેકે ગીત છેડશે કોયલબહેન કલશોરિયા. દે તાલ્લી ! તો હવે જુઓ શ્રી વાંદરાભાઈનું નૃત્ય ! શ્રી વાંદરાભાઈ ઠેકડિયા. દે તાલ્લી !” અને તાલીઓની લેતીદેતીના જોરદાર ગડગડાટ સાથે પડદો ખૂલ્યો. વાંદરાભાઈએ હૂપ-હૂપાહૂપ સાથે, કૂદ-કૂદાકૂદ સાથે ખૂબ કૂદકા-નૃત્યો કર્યાં અને પછી તો દે તાલ્લી ! સિંહરાજા તો ખૂબ ખુશ થઈ ગયા. કાર્યક્રમ સફળ જતો હતો તેનું કારણ તેમને શિયાળભાઈની ‘દે તાલ્લી’માં જણાવા લાગ્યું. કાર્યક્રમ આખરે પૂરો થયો. શિયાળભાઈએ જાહેર કર્યું : “કાર્યક્રમ અહીં પૂરો થાય છે. દે તાલ્લી ! સૌ સૌને ઘરે જાઓ. દે તાલ્લી ! જાઓ, નહિ તો ધક્કા મારી કાઢી મૂકવા પડશે. દે તાલ્લી !” પછી તો અનેક સંદેશા શિયાળભાઈ દ્વારા વનરાજાએ કહેવડાવ્યા. એક વાર વનરાજાને ત્યાં એક નાનકડું બચ્ચું જન્મ્યું અને શિયાળભાઈએ આખા વનમાં રાજકુમારના જન્મની વધાઈ ‘દે તાલ્લી, દે તાલ્લી’ કરતાં પહોંચાડી દીધી. સિંહરાજાનો કુંવર જ્યારે એક વર્ષનો થયો ત્યારે રાજાએ સૌને ચા-નાસ્તાનું નોતરું મોકલ્યું અને શિયાળભાઈ દોડ્યા : “રાજકુંવરનો જન્મદિવસ છે; રાજાજીએ સૌને નોતર્યાં જમવા કાજે દે તાલ્લી !” બધાં ચૂપચાપ હોય ત્યારે ઝાડવાની ડાળીઓ પવન વાતાં ભટકાતી ત્યારે પણ સૌને ‘દે તાલ્લી, દે તાલ્લી’ જ સંભળાતું. આવું શિયાળભાઈનું ‘દે તાલ્લી’ સૌના કાનમાં ભરાઈ ગયેલું. એક વખત વનના રાજા સિંહનાં રાણી બે નાના રાજકુમારને રડતાં મૂકીને ગુજરી ગયાં. સિંહના ગુફા-મહેલમાં તો કાળો કકળાટ થઈ ગયો. શિયાળને કહેવામાં આવ્યું કે આખા રાજ્યમાં જઈને આ કમોતની ખબર કરો. શિયાળભાઈ દોડતાં દોડતાં વનમાં ગયા. રોતા જાય અને બોલતા જાય : “વનરાજાનાં રાણી મૂઆં બહુ ભૂંડું થ્યું, દે તાલ્લી !” સૌ પ્રથમ મળ્યા ગધેડાભાઈ, પૂછ્યું “શિયાળભાઈ, કેમ રડો છો ?” શિયાળ કહે : “અરે ગધ્ધાભાઈ ! શું કહું તમને ? માઠો આ સંદેશા વહતાં જીભ ઊપડતી નથી અમારી, દે તાલ્લી ! અરે અરેરે ! વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું, દે, તાલ્લી !” શિયાળ કહે, “ગધેડાભાઈ ! તમે મારી સાથે આવો તો બહુ સારું. દે તાલ્લી !” ગધેડાભાઈ તો સાથે ગયા. વચ્ચે મળ્યા પાડાભાઈ. તેમણે પૂછ્યું, “અલ્યા કેમ રડો છો ?” શિયાળ કહે : “અરે, અરેરે ! વનરાજાનાં રાણી મૂઆં બહુ ભૂંડું થ્યું, દે તાલ્લી !” ગધેડાભાઈને એમ કે મરણના સમાચાર આવી રીતે દેવાતા હશે, તેથી તેઓ પણ શિયાળભાઈ સાથે મંડી પડ્યા ‘દે તાલ્લી, દે તાલ્લી’ કરવા. પાડાભાઈ પણ શિયાળભાઈ અને ગધેડાભાઈ સાથે ‘અરેરે’માં જોડાયા. શિયાળભાઈ અને ગધેડાભાઈને ‘દે તાલ્લી’ બોલતાં સાંભળી પાડાભાઈને થયું કે ‘કોઈ મરી જાય ત્યારે છાતી કૂટવી જોઈએ. હવે તેવું આપણે ન કરીએ તો તાળી તો કૂટવી જ જોઈએ ને !’ તેથી તેમણે પણ શરૂ કર્યું ‘દે તાલ્લી.’ સામે મળ્યા વાંદરાભાઈ. તેમને પણ મોકાણના સમાચાર આપ્યા : “અરે, અરેરે ! વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું, દે તાલ્લી !” વાંદરાભાઈ અને બીજાં પશુઓ પણ તેમની સાથે ચાલવા લાગ્યાં. બધાં પશુઓ જાણ્યે-અજાણ્યે, ઇચ્છા-અનિચ્છાએ શિયાળભાઈનું સંદેશા-વાક્ય “અરે, અરેરે, વનરાજાનાં રાણી મૂઆં, બહુ ભૂંડું થયું.” - પૂરું થાય કે તરત ‘દે તાલ્લી’ બોલવા લાગ્યાં. તે સહુએ પક્ષીઓને જોઈને કહ્યું : “અરે, અરેરે ! વનરાજાનાં રાણી મૂઆ, બહુ ભૂંડું થ્યું, દે તાલ્લી !” અને પક્ષીઓની નાતમાં પણ તાલીનો તાબોટો બોલી ગ્યો. ઉંદરડાંઓ અને જીવજંતુઓને પણ કહ્યું : “અરે, અરેરે ! વનરાજાના રાણી મૂઆં, બહુ ભૂંડું થ્યું, દે તાલ્લી !” અરે, ઘાસપાન તથા ધૂળ તથા ઢેફાંને પણ જઈને કહ્યું : “અરે, અરેરે ! વનરાજાના રાણી મૂઆં, બહુ ભૂંડું થયું, દે તાલ્લી !” અને પછી સૌ પશુઓ ટોળાબંધ ખરખરે ગયાં. સૌથી મોખરે રહ્યા શિયાળભાઈ, ગધ્ધાભાઈ, પાડાભાઈ અને બળદભાઈ ! સિંહ પાસે જઈને જરા ઓરે સુધી માથે ઓઢીને સૌ બોલ્યા : “તમારે માથે રે આપત્તિ રે આવી રે, દે તાલ્લી ! તમારા દુઃખમાં રે અમને રે સાથે રે ... સમજો રે, દે તાલ્લી !” આ ‘દે તાલ્લી’ સાંભળીને વનરાજા તો દંગ થઈ ગયા. આંખમાં આંસુ અને મુખમાં દે તાલ્લી ?! પણ દુઃખમાં ડૂબેલા હતા અને સ્મશાને જવાની ધમાલમાં હતા તેથી કાંઈ બોલ્યા નહિ. મનમાં ને મનમાં સમસમી રહ્યા. રાણીબાના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી શિયાળભાઈએ એક શોકસભા ભરી. દુઃખી વનરાજાની આસપાસ સૌ ટોળે વળીને બેસી ગયાં. ત્યારે શિયાળભાઈએ શોક-પ્રવચન શરૂ કર્યું : “આજે આપણા વનરાજાને ભીડ પડી છે, દે તાલ્લી ! રાણી મૂઆં સાવ નાનકડાં છોરું મૂકી, દે તાલ્લી ! તો આપણે તેમના આત્મા કેરી શાંતિ માટે બે-ત્રણ પળનું મૌન પાળીએ...” અને આખો પશુ-સમાજ બોલી ઊઠ્યો : “દે તાલ્લી !” વનરાજાનો પિત્તો ગયો, “સાલાઓ, હરામખોરો, દુઃખમાં ભાગ લેવા આવ્યાં છો કે તાળીઓ ટીચવા ? એક એકને હમણાં સખણાં ન કરું તો મારું નામ રાણા સિંહ નહિ. પહેલો વારો લઉં છું આ ‘દે તાલ્લી’ના સરદાર શિયાળિયાનો.” વનરાજાને વીફરતા જોઈને બધાં પશુઓ શિયાવિયા થઈ ગયાં, મૂંઝાયાં, ગભરાયાં, ઊઠ્યાં, દોડ્યાં અને ભાગ્યાં અને નાસી છૂટ્યાં. બસ, ત્યારથી વનરાજા સિંહ બધાં પશુઓ ઉપર ખિજાયેલા રહે છે અને બધાં પશુઓ તેથી તેમનાથી ડરતાં ફરે છે. કેમ, કેવી લાગી વાર્તા ? મજા પડી ને ? તો, દે તાલ્લી !