ગુજરાતી બાળવાર્તા સંપદા/રમકડાં પાર્ટી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 04:17, 13 August 2024


ગિરિમા ઘારેખાન

રમકડાં પાર્ટી

એ દિવસે શનિવાર હતો. છ વર્ષના કેતવની મમ્મી આજે એને લઈને એક મોટા મોલમાં ખરીદી કરવા માટે ગઈ હતી. મમ્મી એને જે વસ્તુઓની જરૂર હતી એ જોઈજોઈને લેતી જાય અને ટ્રોલીમાં મૂકતી જાય. મમ્મીની સાથે કેતવ પણ એના નાના નાના હાથોથી ટ્રોલીને ધક્કો મારવામાં મદદ કરે. કેતવની મમ્મીએ ઘર માટે થોડી વસ્તુઓ ખરીદી અને કેતવ માટે થોડા બિસ્કિટ અને થોડાં ફળો પણ ખરીદ્યાં. મોલમાં ફરતાં ફરતાં એ લોકો રમકડાંના વિભાગ પાસેથી પસાર થયાં. કેતવ તો ત્યાં જ ઊભો રહી ગયો અને બધાં રમકડાં જોવા માંડ્યો. ત્યાં મૂકેલી એક લાંબી, ભૂરા રંગની કાર એને બહુ ગમી ગઈ. એણે એની મમ્મીને કહ્યું, ‘મમ્મી, મારે આ કાર લેવી છે.’ મમ્મીએ કહ્યું, ‘તારી પાસે એક રેસિંગ કાર છે તો ખરી, પછી બીજી કેમ લેવી છે ?’ કેતવે ખભા ઉલાળતાં કહ્યું, ‘પણ એ તો આનાથી નાની છે, અને કાળા રંગની છે. મારે આવી કાર જોઈએ છે.’ એણે તો કાર ઉપાડીને ટ્રોલીમાં મૂકવા માંડી, પણ એની મમ્મીએ એને પાછી એની જગ્યાએ મૂકી દેતાં કહ્યું, ‘એમ દરેક જાતની કાર લીધા ના કરાય.’ કેતવે પગ પછાડતાં કહ્યું, ‘તો પેલું હેલિકોપ્ટર લઈ આપ, મારી પાસે હેલિકોપ્ટર તો નથી.’ મમ્મીએ એ લેવાની પણ ના પાડી અને થોડા ગુસ્સાથી બોલી, ‘આપણી પાસે જે હોય એનાથી રમવાનું, કેટલાં રમકડાં ખરીદવાનાં ? ચાલ હવે.’ કેતવની મમ્મીએ એનો હાથ પકડ્યો અને ત્યાંથી ખેંચીને લઈ ગઈ. કેતવે તો પગ પછાડ્યા અને મોટો ભેંકડો તાણ્યો. ઘેર જઈને પણ ક્યાંય સુધી એનો તોબરો ચડેલો રહ્યો. કેતવની મમ્મીએ જોયું હતું કે રમકડાં વિભાગમાં મોટા ભાગનાં બાળકો કોઈને કોેઈ નવાં રમકડાં લેવાની જીદ કરતાં જ હતાં. પછી ત્યાંથી એમને પરાણે રડતાં રડતાં જ ઘસડી જવાં પડતાં હતાં. મા-બાપ બાળકો માટે બધી જાતનાં રમકડાં તો ક્યાંથી ખરીદી શકે ? બાળકોને નવાં નવાં રમકડાંથી રમવાનું મન પણ થાય જ. એ ઉપરથી એને એક વિચાર આવ્યો. રવિવારે સવારે એણે કેતવને કહ્યું, ‘આજે તો હું તારે માટે રમકડાં પાર્ટી રાખીશ.’ કેતવને કંઈ સમજાયું તો નહીં. પણ ‘રમકડાં’ અને ‘પાર્ટી’ બંને વસ્તુ એને ગમતી જ હતી. એટલે તો એ તો ખુશ થઈ ગયો. એની મમ્મીએ કેતવના કેટલાક મિત્રોની મમ્મીઓ સાથે ફોન ઉપર વાત કરી લીધી. બપોરના ચાર વાગ્યા એટલે કેતવના ઘરની બેલ વાગી. સહુથી પહેલાં રાહુલ આવ્યો. એના હાથમાં એનું હેલિકોપ્ટર હતું. પછી પોતાના બ્લોક્સ લઈને રીના આવી. થોડી વાર પછી પોતાનો ચમકતો, લાઈટવાળો, બાઉન્સીંગ બોલ લઈને મયંક આવ્યો અને છેલ્લે આરોહી એની ટોકિંગ ડૉલ લઈને આવી. કેતવની મમ્મીએ એને એની રેસિંગ કાર અને બીજાં થોડાં રમકડાં આપ્યાં. બધાં બાળકો એક રૂમમાં ભેગાં થયાં. કેતવે સહુથી પહેલાં રાહુલને પૂછ્યું, ‘હું થોડી વાર તારું હેલિકોપ્ટર ઉરાડું ? મને હેલિકોપ્ટર બહુ ગમે છે, તું મારી કાર લે.’ રાહુલે હેલિકોપ્ટર તો તરત આપી દીધું પણ એને તો રેસિંગ કાર કરતાં મયંકના બૉલમાં વધારે રસ હતો. એણે મયંક પાસે બૉલ માંગ્યો. બોલ બાઉન્સ કરીને કંટાળેલો મયંક રીનાના બ્લૉક્સ લઈને ટાવર બનાવવા બેઠો. રીનાએ આરોહીની ટૉકિંગ ડૉલ લીધી અને આરોહીને રેસિંગ કાર ચલાવવાની બહુ મજા આવી. પોતાને ગમતાં રમકડાંથી ખાસી વાર રમી લીધા પછી એ લોકોએ પાછી રમકડાંની અદલાબદલી કરી. છેલ્લે તો બધાંએ સાથે મળીને બ્લૉક્સમાંથી જાતજાતના ટાવર બનાવ્યા. વચ્ચે કેતવની મમ્મી એ લોકોને બિસ્કિટ અને ચીપ્સ પણ આપી દીધી. ખાસા બે કલાક સુધી બાળકો સાથે સાથે રમ્યાં. આજે એમને પોતાના ઉપરાંત બીજાં પણ નવાં નવાં રમકડાં સાથે રમવા મળ્યું એટલે બધાંને બહુ જ મજા આવી. પાછું દરેક માટે કંઈક તો હતું જ એટલે ઝઘડો પણ ન થયો. છ વાગે એમની મમ્મીઓ એમને લેવા આવી ત્યારે બધાં જ બાળકો બહુ ખુશ હતાં. બધી મમ્મીઓને પણ આનંદ હતો કે કેતવની મમ્મીના આ ‘રમકડાં પાર્ટી’ના આઈડિયાથી વધારાના પૈસા ખર્ચ્યા વિના એમનાં બાળકોને નવાં નવાં મનપસંદ રમકડાંઓથી રમવા મળ્યું હતું. એ લોકોએ આવી રમકડાં પાર્ટી વારંવાર, વારાફરતી દરેકને ઘેર રાખવાનું નક્કી કર્યું અને બધાં આનંદથી છૂટાં પડ્યાં.