ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ઈશ્વર પેટલીકર: Difference between revisions
(Created page with "{{SetTitle}} <center><big>'''૧. ઈશ્વર પેટલીકર'''</big></center> {{Poem2Open}} ત્યારે હું મોડાસાની કૉલેજમાં એસ.વાય.બી.એ.માં અભ્યાસ કરતો હતો. ઈશ્વર પેટલીકર અને પન્નાલાલ પટેલને સાથે સાથે જ જોવાનું એ વર્ષમાં બનેલું. પીતાંબ...") |
(No difference)
|
Revision as of 02:23, 14 August 2024
ત્યારે હું મોડાસાની કૉલેજમાં એસ.વાય.બી.એ.માં અભ્યાસ કરતો હતો. ઈશ્વર પેટલીકર અને પન્નાલાલ પટેલને સાથે સાથે જ જોવાનું એ વર્ષમાં બનેલું. પીતાંબર પટેલને પણ બોલાવ્યા હતા, પણ એ આવી નહીં શકેલા. ‘હું લેખક કેમ થયો’ વિષય ઉપર ત્રણેનાં વ્યાખ્યાનો (કેફિયત સ્વરૂપે) ગોઠવાયેલાં. ઘણું ખરું ૧૯૬૯ની સાલનો સપ્ટેમ્બર માસ હતો. એ વર્ષોમાં હજી કવિઓ – લેખકોને જોવા-સાંભળવા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ ઊમટી પડતા હતા. ખચાખચ ભરાયેલો સભાખંડ પેટલીકરની અખંડ અને સહજ વાગ્ધારાથી મંત્રમુગ્ધ થયો હતો. વાણીમાં નિર્વ્યાજ સરળતા અને કથનની નરી સ્પષ્ટતા પેટલીકરની આંતરિક વ્યક્તિમત્તાનો પરિચય કરાવવા પૂરતી હતી. પન્નાલાલ પટેલની, કેડે એક હાથ દઈને બંડી ઝુલાવતા ઊભા રહેવાની રસમ યાદ રહી ગઈ છે. એ પછી પન્નાલાલને જોયા નથી, સાંભળ્યા નથી, માત્ર વાંચ્યા છે. એમને અને એમને વિશે વધુ ને વધુ વાંચવાનું બનતું રહ્યું છે. એથી વિપરીત પેટલીકરની બાબતમાં બન્યું. ઈડરની કૉલેજમાં આવ્યા પછીય ઈડરમાં જ એમને બે વાર સાંભળવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. સાહિત્ય વિશે તો ઘણા વિદ્વાનોને બોલતા સાંભળીયે છીએ પણ જીવન વિશે, સમાજ વિશે વિશિષ્ટ સંદર્ભો સહિત આટલા લગાવથી, અનુભવથી કોઈ પણ સાહિત્યકારને બોલતાં સાંભળ્યાનું સ્મરણ નથી. પેટલીકરનાં પુસ્તકો મહદંશે તો અભ્યાસકાળ દરમ્યાન જ વાંચી કાઢેલાં. ‘જનમટીપ’, ‘મારી હૈયાસગડી’ અને લખ્યા લેખ’ તથા ‘ભવસાગર’ જેવી નવલકથાઓ, ‘પટલાઈના પેચ’, ‘ગ્રામચિત્રો’ વગેરે તો મેં હાઈસ્કૂલના અભ્યાસકાળ દરમ્યાન વાંચી નાખેલાં. એકલા પેટલીકર જ નહિ, પન્નાલાલ, પીતાંબર પટેલ, ચુનીલાલ મડિયા, મેઘાણી, ધૂમકેતુ, મુનશી ર.વ.દેસાઈ, કલાપી ઇત્યાદિ અનેકનું ઉપલબ્ધ સાહિત્ય કોઈ અદમ્ય લગનથી મેં એ દરમ્યાન જ વાંચી નાખેલું. અપક્વતા અને અણસમજણે કરીને કેટલાંક ગૃહીતો જેવી ગ્રંથિઓ બંધાઈ ગયેલી તે ત્યાર પછીનાં પુનર્વાચનોથી ઓગળતી ગઈ અને કંઈક તાટસ્થ્ય કેળવાયું છે. નડિયાદમાં વિઠ્ઠલ કન્યા વિદ્યાલયના સભાગૃહમાં પેટલીકરને છેલવેલ્લા જોયા હતા, સાંભળ્યા નહોતા. સમારંભને અંતે એમને મળ્યો. એ મને ઓળખે નહિ એ સ્વાભાવિક હતું. મેં થોડીક વાતો કરી. નવાં સાહિત્યવલણોથી એ અનભિજ્ઞ નહોતા પણ સામયિકોનો સંપર્ક ન રહેવાથી નવી કલમોનાં નામ ને કામથી એ અભિજ્ઞ નહોતા એટલું જ. ભગવતીકુમાર શર્માને ‘ઊર્ધ્વમૂલ’ માટે ગોવર્ધન-પારિતોષિક અર્પણ કરવાનો એ સમારંભ હતો. ૧૫-૧૦-૮૩નો એ દિવસ. સમારંભમાં પેટલીકર બેઠા હતા, સાવ નિર્લેપ હોય એમ. નિજમાં નિમગ્ન હતા એ. સદાના સ્મિતસભર અને માણસભૂખ્યા - વાર્તાભૂખ્યા પેટલીકર તે દિવસે મેં કંઈક ગંભીર જોયા હતા. ત્યારે તો ખુદ એમને કે કોઈનેય ખબર નહોતી કે સાડત્રીસ દિવસ પછી પેટલીકર આપણને છોડીને હંમેશ માટે ચાલ્યા જવાના છે! પેટલીરને સાચા અર્થમાં ‘સહૃદય’ કહી શકાય. સાહિત્યના ‘સહૃદય’ તો એ સર્જક હતા એટલે હતા જ, પણ સમાજનાં સુખદુઃખના સાથી હતા એ. લોકોના ‘સહૃદય’ બનવાનું બધા માટે સરળ નથી હોતું. આપણા યુગમાં એવી વિરલ ‘સહૃદયતા’ પેટલીરે દાખવી છે. ને એટલે જ હશે, મૃત્યુએ પણ એમને હૃદયથી પકડ્યા. પેટલીરે સહૃદયતા દાખવવામાં વિલંબ ન કર્યો. ૨૨મી નવેમ્બર ૧૯૮૩ની સાંજે અમદાવાદ ખાતે એમણે પોતાની પાર્થિવ કાયા છોડી દીધી ને તેજમાં વિલીન થઈ ગયા. ત્યારે હજી એમના આયુષ્યના અડસઠમાં વર્ષનો અંતભાગ ચાલતો હતો. પેટલાદ તાલુકાના પેટલી ગામે તા. ૧૦-૨-૧૯૧૬ના રોજ એમનો જન્મ થયેલો. માતાપિતા અભણ. પિતાનું નામ મોતીભાઈ પટેલ. માતાનું નામ જીવીબા. માતાપિતા બંને સ્નેહાળ. વ્યવસાય ખેતીનો. કુટુંબની સ્થિતિ ખાધેપીધે સુખી ગણાય એવી. પિતાના મોટાભાઈ પ્રાથમિક શિક્ષણ મેળવીને થોડો સમય શિક્ષક રહેલા. પેટલીકરે તો એમને ખેડૂત તરીકે જ જોયેલા. સંયુક્ત કુટુંબમાં જીવવાનો અનુભવ હોવા સાથે ગ્રામીણ જીવનનું રાજકારણ ગળથૂથીમાં મળેલું. પિતાના મોટાભાઈની ગામમાં સારી આબરૂ હતી. સૌ એમને માનથી જોતા અને બાબર ભગતના નામથી ઓળખતા. ભગત હોવા છતાં એ ભજનો ગાતા નહોતા. હા, સવારે પૂજાપાઠ કરતા અને શુદ્ધ, નીતિમય જીવન જીવતા. બાબર ભગત વ્યક્તિ તરીકે તટસ્થ અને ન્યાયપ્રિય હતા. આથી ગામના બંને પક્ષો એમની પાસે આવતા પેટલીકરને પટલાઈ સમજવાનું શિક્ષણ આમ, ઘરમાંથી મળ્યું. શરૂઆતની કારકિર્દીમાં લખાયેલું ‘પટલાઈના પેચ’ પુસ્તક ગામના પ્રસંગોને ધ્યાનમાં રાખીને એમણે લખેલું. એ જ રીતે ગ્રામીણ જીવનમાં ઓતપ્રોત થઈ ગયેલાં, એના અનિવાર્ય અંશ જેવાં કેટલાંક વિશિષ્ટ કોમોનાં પાત્રોને લઈને એમણે ‘ગ્રામચિત્રો’ નામનું પુસ્તક કર્યું. એ પણ એમના ગ્રામજીવનના ઉછેરનું જ પરિણામ છે. ‘કંકુ અને કન્યા’નાં લખાણો, કથાવાર્તાઓ પણ ચરોતરના પાટીદાર સમાજ અને અન્ય લોકજીવનના પ્રભાવથી લખાયાં છે. જે આબોહવામાં શ્વસ્યા હતા એ આબોહવાના જીવનને એમણે સાહિત્યમાં આણવાનો ગંભીર પ્રયાસ કર્યા કર્યો છે. પન્નાલાલ પટેલ સાબરકાંઠાના આંજણા પટેલ, પીતાંબરભાઈ મહેસાણાના કડવા પટેલ, તે બોલવામાંય કડવા લાગે એવા સ્પષ્ટવક્તા. આમ નિખાલસ અને નિર્દોષ પણ. પન્નાલાલે પટેલપણું પચાવ્યું છે, એ શાણા લાગે પણ ભોળા જરાય નહિ, ગણતરીવાળા પણ કહી શકાય. બોલીને બગાડે નહિ, મનમાં રાખે. અકળાય ત્યારે આખાબોલા થાય ને સાચા હોય તોય ખરડાય એવું વર્તી બેસે ખરા. પેટલીર આ બંને કરતાં સાવ જુદા પડે — વાણી-વર્તનમાં. પેટલીર ખેડાના પટેલ. લેઉઆ પટેલ. સામાન્ય રીતે પાટીદારો ચોખ્ખી ને ચટ વાત કરનારા હોય છે. પેટલીકરનામાં આ ગુણ સારો વિકસેલો. એમાં બાબર ભગતનો પ્રભાવ પણ પોષક રહ્યો હશે. પેટલીકર ગોળ ગોળ વાત જ ન કરે. સ્પષ્ટ બોલી નાખે. ઉમાશંકર જોશી કહે છે તેમ ‘પેટલીકર સૉફિસ્ટીકેટેડ’ (જેના વ્યક્તિત્વ ઉપર રંદો ફર્યા હોય એવા) લાગી શકતા જ નથી. બોલે ત્યારે એકદમ છતા થઈ જાય. સ્વભાવની સરળતા સાથે સાથે મુદ્દો પામી જવાની દક્ષતા એમનામાં છે.’ તડ ને ફડ કહી દેવાની રીતિએ પેટલીકરને એક નિર્ભય, તટસ્થ અને સક્ષમ પત્રકાર બનાવ્યા છે. પાટીદારના ઘરમાં એમનો ઉછેર થયો એનું એ પરિણામ ગણી શકાય. પેટલીકર એમના ભગતદાદાની જેમ આકરી ભાષા (જે પટેલોનું સામાન્ય લક્ષણ છે) વાપરતા છતાં એ કડવાશહીન રહી શકતા હતા. એમનો આ ગુણ ઉત્તરોત્તર વિકસતો ગયો ને સ્વભાવ વધુ ને વધુ સમાજ-હિતચિંતક બનતો ગયો. પેટલીકર પછી તો ન્યાતજાતનેય અતિક્રમી ગયેલા. સમાજના તમામ પ્રશ્નોમાં રસ લઈને એનું સમાધાન કરવામાં એમણે પોતાનો ઉત્તરકાળ વીતાવ્યો, તે ત્યાં સુધી કે પછી તો સાહિત્યને પણ એમણે સમાજસુધારાના એક ઉપકરણ તરીકે — સાધન તરીકે લેખે લગાડ્યું, એમાં જ એમણે જીવનનું અને સાહિત્યનં શ્રેય જોયું. પેટલીકર એટલે સમજણ, શાણપણ ને સમાધાન. આવું સમીકરણ રચાય એવું એમનું કાર્યક્ષેત્ર રહ્યું. વિવાદ તરફથી વાત ને વાળે ને સંવાદ તરફ લઈ જાય. સંવાદ શક્ય ન હોય તો છૂટા પડીને બીજા માર્ગે સંવાદ શોધવાનો. પણ શોધ તો સંવાદની જ હોય. પેટલીકર આવા સંવાદના માણસ રહ્યા. એમની પરગજુતા ગુજરાતને અજાણી નથી રહી. પ્રાથમિક શિક્ષણ પેટલીમાં લીધું, ચાર ધોરણ સુધી. આગળનો અભ્યાસ કરવા આઠદસ માઈલ ચાલીને સોજિત્રા જવું પડતું. થોડોક સમય છાત્રાવાસમાં રહેલા ને સ્વયંપાકી બની અનુભવો મેળવેલા. પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને અમદાવાદ મામાને ઘેર રહીને નોકરી શોધતા હતા. નવરાશના આ સમયમાં વાર્તા લખવાનો શોખ જાગેલો પણ સમજણ વિકસેલી નહિ. આ દરમ્યાન જે વાચન થયેલું એ ભળતું વાચન હતું. સ્થૂળ ઘટનાઓ, રહસ્યભેદ, મારામારીનું સાહિત્ય વાંચેલું. ‘કાળરાત્રિનું ખૂની ખંજર’, ‘તરુણ તપસ્વિની’ અને ‘બહુરૂપી’. આવા બજારુ સાહિત્યના પ્રભાવ હેઠે એમણે ઉત્સાહમાં આવી જઈને ‘કપટીનાં કારસ્તાન’ ચોપડી લખી ને છપાવી. લેખક થવાની હોંશમાં રૂપિયા ગુમાવ્યા. પછી સમજાયું કે લેખક આમ ન થવાય. પેટલીકરનું ગણિત સારું અને ગુજરાતી વિષય નબળો. પણ પછી વિપરીત બનતું ગયું હશે એમ લાગે છે. લાંબી વાર્તાને બદલે એ ટૂંકી વાર્તા લખતા થયા, ‘પાટીદાર’ અને ‘પ્રજાબંધુ’માં એમની વાર્તાઓ પ્રસિદ્ધ થવા માંડી ત્યારે એ હજી તો પ્રાથમિક શિક્ષકની તાલીમી કૉલેજમાં વડોદરા ખાતે શિક્ષણ લઈ રહ્યા હતા. પેટલીકરના વાર્તારસને પ્રગટ કરનારી પરિસ્થિતિ તો વળી તદ્દન જુદી ન હતી. પેટલી ગામ શિક્ષણની રીતે ત્યારે તો ખૂબ પછાત. હા, ચરોતરના પટેલિયા સાગર ખેડીને આફ્રિકા જતા. સાહસો કરતા. પટલાઈ મુખીપણું એમનો સ્વભાવ. હિંમત-શૂરા અને સ્વતંત્ર મિજાજી પણ ખરા. આ ગુણલક્ષણોથી જ અંગ્રેજી શાસન દરમ્યાન એ લોકો વધારે જાગ્રત બનેલા. પેટલી ગામની આવી વસ્તીમાં એ કશીય અગવડ વિના સહજ રીતે ઉછરેલા. ગામમાં આધેડ વયના પરસોતમ ગોર હતા. આમ અભણ પણ વાર્તાના રસિયા હતા. એમને ત્યાં છોકરાંને બોલાવતા. છોકરાં રમે ને વારાફરતી એકેક છોકરો એમને વાર્તા વાંચી સંભળાવે. રમવાની લાલચે પેટલીકર પણ ત્યાં જતા અને એથી વાર્તાવાચન પણ કરવું પડતું. આમ વાર્તારસ માટેની રુચિ કેળવાઈ. ‘ગ્રામલક્ષ્મી’ જ્યારે વાંચવાની થઈ ત્યારે એમણે જોયું કે આવા ગ્રામીણ વાતાવરણની કથા તો આપણેય લખી દઈએ. આમ સર્જક થવાની એમને ઊર્મિ જાગી. પન્નાલાલ પટેલની જેમ એમણેય કૉલેજનું પગથિયું દીઠેલું નહોતું. પણ વાર્તારસ, લેખનની લગન અને અનુભવોની સમૃદ્ધિ એમને સાહિત્યની દિશામાં લઈ જાય છે એ ખરું કે ‘કપટીનાં કારસ્તાન’ જેવા અધકચરા ને ઉતાવળિયા લેખને એમને હતાશ કર્યા, પણ એમાંથી જ એમને શીખવા મળ્યું કે જીવનની વાસ્તવિકતા અને સાહિત્યની વાસ્તવિકતામાં ફેર છે, સ્થૂળ ઘટનારસના આલેખનનો માર્ગ સસ્તો ને લપસણો છે, જ્યારે સાહિત્યનું સર્જન એ સમજણ, ધીરજ, કલ્પનાશક્તિ અને જીવનદર્શનની ભૂમિકા માગી લે છે. શિક્ષકની તાલીમ લીધા પછી પેટલીકરે પાદરા તાલુકાના નેદરા ગામે ૧૯૩૮માં શિક્ષકની નોકરી સ્વીકારી હતી. નેદરા-નિવાસનાં આ ચાર વર્ષો દરમ્યાન પેટલીકરે બહુધા વાર્તાઓ જ લખી છે. ‘પાટીદાર’માં એ છપાતી રહી. પછીથી ‘પાટીદાર’ના તંત્રી શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે ‘પાટીદાર’નું તંત્રીપદ પેટલીકરને સોંપેલું. ઈ.સ. ૧૯૪૪માં આમ પેટલીકર પત્રકારત્વમાં પ્રવેશ્યા. ‘પાટીદાર’ને એમણે ‘સંસાર’માં ફેરવ્યું. જ્ઞાતિમાંથી નીકળીને એ સમાજ –લોકજીવન સુધી વિસ્તર્યા. એ પછી તો એ મૃત્યુપર્યત પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય રહ્યા. પ્રજાબંધુ, ગુજરાત સમાચાર, સંદેશ, સ્રી ઇત્યાદિ અનેક પત્રોમાં એ વર્તમાન જીવનની સમીક્ષા કરતા રહ્યા. સમાજજીવનને લગતાં એમનાં ઘણાં પુસ્તકો આ જીવંત અને સાતત્યપૂર્ણ પત્રકારત્વની જ નીપજ છે. પણ પેટલીકરને સાહિત્યકાર તરીકે કીર્તિ અપાવનારી કૃતિઓ તો નવલકથાઓ અને થોડીક વાર્તાઓ છે. એમનું નવલકથાલેખન ૧૯૪૩માં આરંભાય છે. નેદરાથી એમની બદલી સણિયાદ (તા. કરજણ) ખાતે થઈ – ૧૯૪૨માં. નેદરામાં હતા ત્યારે એ ગામમાં એક ખૂનનો બનાવ બનેલો ને બાપદીકરાને આજીવન જેલ થયેલી. એ ઘટનાએ અચાનક નવલકથાનું રૂપ લીધું. ‘જનમટીપ’ લખાઈ અને ૧૯૪૪માં એ પ્રસિદ્ધ થતાં પેટલીકર સાહિત્યકાર તરીકે ગુજરાતભરમાં પંકાઈ ગયા. આ જ વર્ષોમાં ‘ગ્રામચિત્રો’ લખાયાં હતાં ને પાઠકસાહેબની પ્રસ્તાવના સાથે ‘જનમટીપ’ કરતાં પહેલાં પ્રગટ થયાં હતાં. ‘જનમટીપ’ને મેઘાણીએ પ્રેમ કર્યો હતો. આમ પેટલીકરની પ્રારંભિક કૃતિઓએ જ એમને ગાજતા કર્યા. પછી તો નવલકથાઓ લખાતી ગઈ. પેટલીકરે શિક્ષકનો વ્યવસાય મૂકીને લેખનનો ફૂલટાઈમ વ્યવસાય સ્વીકાર્યો. એ પછી તેઓ આજીવન ‘કલમને સહારે’ રહ્યા ને વ્યવસાયને દીપાવ્યો. પેટલીકરે પચ્ચીસ નવલકથાઓ, સંકલનો સમેત ચૌદ વાર્તાસંગ્રહો, રેખાચિત્રોનાં છ પુસ્તકો, બે પુસ્તકો જીવનકથાપ્રકારનાં અને ચાળીસ અન્ય પુસ્તકો લખ્યાં છે. આ ચાળીસ પુસ્તકોમાં વીસ પુસ્તકો નવજાગૃતિ સમાજમાળાનાં છે અને વીસ પુસ્તકો કૌટુંબિક - સાંસારિક સમાજજીવનને લગતા લેખોનાં છે. એમનું એ પ્રકીર્ણ સાહિત્ય સમાજલક્ષી છે અને એ પત્રકારત્વની પેદાશ છે. પાનાંની દૃષ્ટિએ જોઈએ કે ગુણવત્તાની દૃષ્ટિએ જોઈએ તો વાર્તાનવલકથાનું એમનું લેખન વધારે અને વિશિષ્ટ પ્રકારનું છે. આ સિવાય ઉક્ત પ્રકીર્ણ સાહિત્યનાં પુસ્તકોમાં પેટલીકરે સમાજને વિવિધ કોણથી વિશ્લેષીને એની સર્વાંગીણ સમીક્ષા આપી છે. સત્તા પેટલીકરના સ્વભાવમાં જ નથી. એમના ઘડતરકાળ અને લેખનકાળનાં પ્રારંભિક વર્ષો દરમ્યાન જ આપણે ત્યાં આઝાદીનાં આંદોલનો ચાલેલાં. ઘણા સાહિત્યકારો એમાં સક્રિય થયેલા. પણ પેટલીકર પોતાનાં કાર્યોમાં મશગૂલ રહ્યા અને પોતાની જવાબદારીને નિભાવતા રહેલા. આઝાદી પછીય એમણે સત્તા કે રાજકારણને ધ્યાનમાં રાખ્યાં નથી. એ કામ કરવામાં માનનારા રહ્યા હતા. ગાંધીજીનો પ્રભાવ અનેક વ્યક્તિઓ ઉપર પડ્યો હતો ને સમાજનાં બધાં ક્ષેત્રો એ આબોહવાથી પ્રભાવિત હતા. પેટલીકર પણ એ પ્રભાવને ઝીલ્યા વિના કેવી રીતે રહે? વળી એમનું કાર્ય પોતાની રીતે સમાજ, ગામ અને વ્યક્તિના કલ્યાણ અર્થેનું જ રહ્યું હતું. ગાંધીવિચારધારાના પ્રભાવે એમનામાં બળ પૂર્યું હતું એમ કહેવમાં ખોટું નથી, પણ પેટલીકરે ક્યારેય દેખાવ ખાતર એવો માર્ગ લીધો નથી, એમની પોતીકી કાર્યરીતિમાં જ એ તો રમમાણ રહ્યા. પોતે જે માનતા હતા તે જ આચરતા હતા. પોતાનાં વાણી અને વર્તનમાં સમાનતા રાખતા. કોઈને સારું લગાડવા માટે થઈને વખાણ કરવાનું કે અસત્ય ઉચ્ચારવાનું એમને કદી પાલવ્યું નથી. સમારંભોના આયોજકોની, જેતે વિચારધારાની મર્યાદાઓની કે પ્રપંચી વ્યક્તિઓની એમણે એમના જ સમારંભોમાં કે મંચો ઉપરથી સહજ ભાષામાં ટીકા કર્યાનાં ઘણાં ઉદાહરણો મળે છે. ઈર્ષાદ્વેષ કે પૂર્વગ્રહ સંદર્ભેય એ ભાગ્યે જ સક્રિય થતા. માનવતા એમનો ગુણ હતો, વિસ્તરવું એમનો સ્વભાવ ને વિકસવું એમની નેમ રહ્યાં છે. પક્ષાપક્ષીના રાજકારણથી ખરડાવાનું સમાજિતચિતકને પાલવે નહિ, પેટલીકર ક્યારેય સક્રિય રાજકારણમાં એ રીતે જોડાયા નથી. નવનિર્માણ કાળ દરમ્યાન (૧૯૭૪થી ’૭૫ સુધી) એ લોકસંઘર્ષ સમિતિમાં જોડાયેલા, આપદ્ધર્મ સમજીને. પણ પછી સંદર્ભ બદલાતાં એમણે પોતાની જાતને પોતાના મૂળ માર્ગે લાવી દીધી હતી. એ તો સ્નેહ, સદ્ભાવ અને સાચના સાથી રહ્યા છે, એવાં જ ઉપકરણોથી એમણે સંવાદ શોધ્યા કર્યો છે. પોતાની જાતને વિવાદોથી એ પર રાખી શક્યા હતા, પણ વિવાદોને સુલઝાવવામાં એમણે પોતાની શક્તિને ક્રિયાશીલ રાખી છે. મૂલ્યો વિના કોઈ પણ સમાજ ટકતો નથી. પેટલીકરે પોતે મૂલ્યો સાચવીને મૂલ્યો માટે મોરચો આદર્યો હતો. એ પછી કુટુંબજીવનનો પ્રશ્ન હોય કે સમાજ, જ્ઞાતિ, શિક્ષણ, ધર્મ ઇત્યાદિ ગમે તે ક્ષેત્રનો પ્રશ્ન હોય. મૂલ્યહ્રાસના જમાનામાં પેટલીકર મૂલ્યોના પ્રહરી હતા, સંયમિત અને સાદગીથી જીવતા હોવાથી એમણે સંતની જેમ જે મળ્યું એનાથી ચલાવ્યું છે, પૈસા માટે થઈને એમણે કશા પ્રપંચ કર્યા નહોતા. પેટલીકર આજે હોત તોય એમના વિશે આ જ લખવાનું હોય, એટલે આ અંજલિગત અતિશયોક્તિ નથી પણ વાસ્તવિકતાનું કથનમાત્ર છે. અને એટલે એમ કહેવાનું મન થાય છે કે ચારે બાજુ, આજે જ્યારે માનવમૂલ્યોની પતનલીલા દેખાય છે, બર્બરતા અને અંધાધૂધીના અંધકાર ભણી પ્રજા ધકલાઈ રહી છે, રાજકારણને છૂટો દોર મળ્યો છે ત્યારે પેટલીકર જેવા પ્રહરીની જરૂર હતી. પેટલીકર માણસાઈનો દીવો હતા, ખરા વખતે આપણી વચ્ચેથી એ ચાલ્યા ગયા એ વાત માની ન શકાય એવી અને મર્માઘાતક છે. શિક્ષણના ક્ષેત્રના પ્રહરીઓમાં ઉમાશંકર, યશવંત શુક્લ આદિનાં નામો અને કામો ગાજતાં રહ્યાં છે એવું સમાજક્ષેત્રે પેટલીકરનું એકમાત્ર નામ હતું એમ કહેવામાં પૂરું ઔચિત્ય છે. પેટલીકરની ભાષાનો ચરોતરી લહેજો કાનમાં ગુંજ્યા કરે છે. ‘ળ’નો ‘ર’ બોલવાની એમની ખ્યાત મર્યાદા, ‘એ રીતે’ તકિયા-કલામથી સભર એમનું વ્યાખ્યાન, ન ભુલાય એવા સમસામયિક મુદ્દાઓના કારણે યાદગાર બની રહે એ સ્વાભાવિક છે. પેટલીકરનું શબ્દચિત્ર આલેખતાં વિનોદ ભટ્ટે (‘વિનોદની નજરે’) લખ્યું છે એ નોંધવા જેવું છેઃ "બેઠી દડીનું શરીર, કાળી ઘેરી ભ્રમર, એવી જ કાળી ફ્રેમનાં ચશ્માં, ચાસ પાડેલા ખેતર જેવું રેખાઓવાળુ મોટું કપાળ, મોટા ભાગે ખુલ્લું રહેતું મોં, બાળક જેવા અવાજવાળું દંતપંક્તિ દર્શાવતું નિર્દોષ હાસ્ય એટલે પેટલીકર. તે ચરોતરના પાટીદાર છે એવું એમની પાસેથી બે, ને વધુમાં વધુ પાંચેક વાક્યો સાંભળો એટલામાં તમને ખબર પડી જ જાય." પોતાના લેખનની દિશા સમાજલક્ષી રહી છે એનાથી એ અનભિજ્ઞ તો કેવી રીતે હોય? કળા અને સાહિત્ય વિશેના એમના ખ્યાલો મર્યાદિત છતાં સ્પષ્ટ છે. સમાજહિતની પ્રવૃત્તિઓ કરતાં કરતાં લખવાનું ને એ દિશાનું લખવાનું હોય ત્યારે સર્જનપ્રવૃત્તિએ અને સર્જને (કળાત્મકતાએ?) સહન કરવું પડે તો અંગત મર્યાદા ગણાય એમ પેટલીકર સ્વીકારતા. દુનિયાના ઉત્તમ નવલકથાકારોએ જીવનને જ સામગ્રી રૂપે લઈને કળાકૃતિઓ સરજી છે. સવાલ માત્ર સામગ્રીના કળારૂપાંતરનો છે રૂપાયનની પ્રક્રિયા પેટલીકર કે પન્નાલાલ જેવા લેખકોએ સભાનપણે કદીય મહત્ત્વની ગણી હશે એમ માનવાને આધાર નથી. પણ સાહિત્યકાળમાં જીવન કે સામગ્રીનું રૂપ જરા જુદી રીતે (સર્જકતાના સંસ્પર્શથી યુક્ત સંરચનામાં ઢળાઈને) બંધાય છે. વાસ્તવ કળામાં આવે ત્યારે એ કલવાઈને, બદલાઈને નવા રૂપેરંગે આવવું જોઈએ એવી પેટલીકરમાં સમજણ નહીં હોય એમ માનવું ભૂલભરેલું ગણાય. પણ એમની કૃતિઓમાં ઉત્તરોત્તર કળા ઓછી અને આછી થતી આવે છે ને જીવન વ્યાપક અને વિચારણાઓ મૂળગામી થતી આવતી હોવાની પ્રતીતિ થાય છે. શહેરી જીવનની કૃતિઓના લેખન દરમ્યાન તો પેટલીકર ઓછા સર્જક ને સમાજસુધારક વધારે લાગે છે. એમની મૂંઝવણ કે મથામણ કલાત્મક રહીને જીવનવાદી રહેવાની રહી હોય એમ લાગે છે. જીવનના, સમાજવર્ણનના ભોગે એમણે ક્યારેય કળાનો પક્ષ લીધો હોય એવું તો એમની સફળ કૃતિઓમાં પણ નહીં લાગે. બલ્કે કળાના ભોગેય એમણે ઘણી વાર જીવનવર્ણનનો વિસ્તાર કર્યા કર્યો છે, એમની ઉત્તરકાલીન નવલકથાઓ આનું દૃષ્ટાંત છે. પેટલીકરની કથાસૃષ્ટિને આ ધરી ઉપરથી મૂલવવાનું યોગ્ય ગણાશે. ચિંતનસભર સાહિત્યકૃતિ પેટલીકરને મતે ઉત્તમ ગણાય. એમની મહત્ત્વાકાંક્ષા પણ આવી કૃતિ રચી આપવાની હતી, જે અધૂરી રહી છે. સમાજ હિતચિંતક લેખક અને શુદ્ધ સાહિત્યકાર વિશેના પોતાના વિચારો વ્યક્ત કરતાં પેટલીકરે (પેટલીકરઃ શીલ અને શબ્દ : પૃ. ૧૮) જે કહ્યું છે એ નોંધવા જેવું છેઃ ‘જે સાહિત્યમાં ચિંતન ન હોય તે ચિરંતન બનતું નથિ, એવું મારું મંતવ્ય છે. તત્કાળની લોકરુચિને સ્પર્શતું સાહિત્ય લોકપ્રિય થાય છે. પરંતુ તેમાં ચિંતનનું સનાતનપણું ન હોવાથિ સમય જતાં તે ભુલાઈ જાય છે. ચિંતનના હાર્દ વિના સર્જન છીછરું છે તેમ નિબધાત્મક ચિંતન ભારે અને વ્યાપક વાચકવર્ગને માટે રોચક બનતું નથી. ચિંતનસભર સર્જનાત્મક સાહિત્ય તેની ઊંડી અસર મૂકી જાય છે આથી શુદ્ધ સાહિત્ય એટલે ચિંતનસભર સાહિત્ય તેમ હું સમજું છું." અહીં પેટલીકરે આ બધાને બાજુ પર રાખીને ચિંતનને મહત્ત્વ આપીને કળાનું નામ ખાસ લીધું નથી. એમનો ઉદ્દેશ ‘શુદ્ધ કળા’નો છે ખરો? એવોય પ્રશ્ન થાય. એમની કૃતિઓના આધારે આપણે આ વિચારોની ચકાસણી કરવાની રહેશે. ઉત્તરકાળમાં પેટલીકર ‘સર્જક’ નહીં પણ જાણે ‘લેખક’ જ રહ્યા હતા. સમાજ માટે સાહિત્યને એમણે માધ્યમ ગણી લીધું હતું. પણ આદર થાય એવી વાત એ હતી એ એમણે સ્વ-અર્થે થઈને, કે આર્થિક લોભોને લક્ષીને લહિયાની જેમ લખ્યું નથી. એમણે અનિવાર્ય લાગ્યું, કહેવાનું છે એમ લાગ્યું ત્યારે જ લખ્યું નથી. પન્નાલાલ જેવા લેખકોએ પોતાની પૂર્વકાલીન કીર્તિન exploit કરીને નગરજીવન અને પુરાણોની કથાઓને અર્વાચીન ગદ્યમાં મૂકી આપવાનું કાર્ય કર્યું, એ કાર્ય જેટલું સ્વ-અર્થે રહ્યું એટલું સમાજ અર્થેય પ્રસ્તુત નહોતું ને સાહિત્ય સાથે તો એને ઘણું છેટું પડી ગયું હતું. સર્જકે ઉત્તમ ન લખાય ત્યારે અટલી જવું ઘટે, પોતાના પુરોકાલીન અને નીવડેલા સર્જનનો એણે પણ વિદગ્ધોની જેમ આદર જ કરવો ઘટે છે. પેટલીકરમાં જેમ રૂઢિદાસત્વ નથી તેમ કારણ વગરનું રૂઢિભંજકત્વ પણ નથી. છતાં જમાનો પલટાય, જીવનની તાસીર પલટાય એમ એમણે વિચારોને વાળ્યા છે. અનુકૂલન સાધવામાં પેટલીકર નાનમ નથી જોતા. મૂળ વાત સંવાદ અને સ્નેહની છે. માનવીય ભૂમિકાએ રહીને જીવનને વધુ ને વધુ કલ્યાણકારી અને મંગલમય બનાવવાની એમની અને એમનાં પાત્રોની નેમ લાગે. એમના સાહિત્યની આ પણ એક ભૂમિકા છે. સંઘર્ષ વિના સંવાદ શક્ય નથી, એમનાં પાત્રો એ સંઘર્ષસ્પર્શ પામીને પાર પડેલાં છે. સમાજ અને સમાજનું રોજિંદુ જીવન, એના પલટાઓ અને પ્રશ્નોને સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારા સર્જક તરીકે પેટલીકરનું મૂલ્ય છે એટલું કળાની સૂક્ષ્મતા કે કળાના અન્ય પ્રશ્નોને સૂક્ષ્મતાથી સમજનારા સર્જક તરીકે નથી. એમણે પોતે કબૂલ્યું છે (પેટલીકરઃ શીલ અને શબ્દઃ પ્રશ્નોત્તરીમાં) એમ એ પોતે સારા અભ્યાસી નથી, સાહિત્યકળાના કે વિવેચનના સિદ્ધાંતો વિશે એમની જાણકારી નહીંવત્ છે, એ વિદ્વાન નથિ. ઉચ્ચ શિક્ષણનો અભાવ હતો માટે એમ થયું છે એવું નથી. પરંતુ એમણે એ દિશામાં જવાનું ટાળ્યું હશે. કેમ કે એમને માટે કળા કરતાં જીવનના પ્રશ્નો જ મહત્ત્વના રહ્યા. વળી એમનું કામ પણ એવા પ્રશ્નોથી સભર જીવન સાથે રહ્યું છે. એ જ્ઞાન અને કળાજ્ઞાનની ઉપલબ્ધિ માટે યુનિવર્સિટી શિક્ષણ પામ્યા નથી, એવો એમને વિચાર પણ આવ્યો નથી, એની એમને કશી ખોટ સલી નથી, દેખીતી રીતે, પણ આપણે જાણીએ છીએ કે પેલું કળાજ્ઞાન કે એને માટેનો એમનો આગ્રહ હોત તો પરિણામ આવ્યું એનાથી જુદું અને વધારે આસ્વાદ્ય તથા કંઈક ચિરંતન હોત. પણ પેટલીકરને માટે સમાજ જ યુનિવર્સિટી બની ગયો હતો. એમણે સમાજનો, માનવનો, મૂલ્યોનો અને જીવનની અભ્યાસ કર્યો, એમાં જ એ રચ્યાપચ્યા રહ્યા ને જે કંઈ લખ્યું કે આચર્યું એ ઉક્ત વાનાંઓ માટે જ કર્યું છે. એમણે કદીય કશાનો અફસોસ કર્યો નથી. સાહિત્યકાર તરીકેની કારકિર્દીના પ્રારંભથી જ એ સંતુષ્ટ રહ્યા. એમને માર્ગ સાહિત્યનાં મેદાનો કે પહાડોમાં થઈનેય જતો હતો તો જીવન ભણી જ! ધોતિયું-ઝભ્ભો પહેરનાર પેટલીકર ઝભ્ભા-લેંઘામાં કે બુશર્ટ-પાટલૂનમાંય જોવા મળતા. એમને કશાં વળગણો નહોતાં, જડ હઠાગ્રહો નહોતા. પણ એથી એમ નહીં કહેવાય કે જીવન કે સાહિત્ય વિશે એમને પોતાનો ખ્યાલો નહોતા. બલકે ખાસ પોતે જ નિપજાવેલ માર્ગે જઈને એમણે કલ્યાણર્થે લખ્યું ને જીવન પણ એવી જ રીતરસમથી જીવ્યા છે. એમની સાહિત્યિક કૃતિઓમાં કટોકટીની પળો જોતાં સમજાશે કે આવે વખતેય એ જીવન ભણી પીઠ કરીને કળાને ઉગારી લેવા પ્રવૃત્ત થતા નથી. એમને જીવનનો મહિમા કરવો હતો કળાના માધ્યમથી. એટલે પેટલીકરને સાહિત્યકાર તરીકે મૂલવતી વખતે ઘણી સાવધાની રાખવી પડે એમ છે પેટલીકરનું વાચન આમ મર્યાદિત ગણાય, પણ અનુભવોની સમૃદ્ધિ ઝાઝી. જીવન અને એને અસર કરનારાં. દાયકે દાયકે બદલાનારાં પરિબળોના એ પારખુ રહ્યા છે. આ બાબતે એમની દૃષ્ટિ તીક્ષ્ણ ગણાય. એમની પ્રકૃતિ વિચારપ્રધાન બની એનું કારણ જ આ. પેટલીકરને કશુંય કહેવાનું ના હોય ત્યારે કશુંય નથી લખ્યું ને અનિવાર્ય હોય એ કહેવા માટે થઈને લખ્યુંય છે નહિ તો એમનો વ્યવસાય જ લેખનનો હતોને! પણ એમણે કલમનેય જાણે આંખકાન હતાં, ને સમય પારખવાની શક્તિ એમને ભગતદાદા પાસેથી મળી હશે. પટલાઈ કરીને પાકા થયેલા માણસમાં કોઠાસૂઝ હોય છે. પેટલીકરમાં આવી કોઠાસૂઝ ઘણી. આ કોઠાસુઝે એમના લેખનમાં પણ ઘણો ભાગ ભજવ્યો છે. એમના લેખનની સહજતા અને સરળતા એ કોઠાસૂઝને આભારી છે એમ હું માનું છું. જીવનના છેલ્લા દોઢ-બે દાયકામાં તો એ નર્યા સમાજસુધારક, લોકહિતચિંતક જ બની ગયા હતા. આ કાળનું એમનું લેખન એટલા માટે ‘નિદર્શન’ જેવું લાગે છે. પરિવર્તન પામતા સમાજજીવનનો દસ્તાવેજ લાગે છે. દામ્પત્યજીવનના પ્રશ્નો ઉકેલવામાં, સમકાલીન જીવનનાં પરિવર્તનોને પરખી એ વિશે માર્ગદર્શન આપવામાં અને પત્રકારત્વને સંસિદ્ધ કરતા લેખો લખવામાં પેટલીકરે જીવનના ઉત્તરકાળને ઉજાળ્યો છે. સાહિત્યકાર પેટલીકરની ગતિ આમ સાહિત્યથી જીવન ભણીની રહી છે.
.............................................................
૦
............................................................