ગુજરાતી બાળવાર્તા સંપદા/જોડણી પ્રસાદની જે !: Difference between revisions
({{Heading| ડણી પ્રસાદની જે !| હરીશ નાયક}}) |
({{Heading| જોડણી પ્રસાદની જે !| હરીશ નાયક}}) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading| જોડણી પ્રસાદની જે !| હરીશ નાયક}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} |
Latest revision as of 15:17, 14 August 2024
હરીશ નાયક
અમે નાના હતા ત્યારે અમારા એક શિક્ષક હતા. જોડણી માટેનો તેમનો આગ્રહ ઘણો જાણીતો. ‘નદી’ શબ્દમાં ‘દી’ કદી હસ્વઈ ન કરવા દે. તેવી જ રીતે ‘દિન’ અને ‘દીન’નો અર્થ પણ અમને સમજાવે. દિ હસ્વ ઈ હોય તો દિવસ બની જાય અને દી દીર્ઘ ઈ હોય તો ગરીબ બની જાય. આવી ઘણી વાતો તેમણે કહેલી. તે વખતની એક વાત હજી મને યાદ છે. તેમણે આ પ્રકારની એટલી વાતો કહી હતી કે અમે બધાં તેમને જોડણી પ્રસાદ જ કહેવા લાગ્યા હતા. અમારા એક હેડમાસ્તર હતા. અમારા એ હેડમાસ્તરસાહેબ દરેક વાતની પૂરી ચોક્સાઈ રાખતા. એક વખત તેમણે ટિંગુને કહ્યું, ‘જા શાળાના પટાવાળાને બોલાવી લાવ !’ શાળામાં હોસ્ટેલ, પુસ્તકાલય, વિજ્ઞાનખંડ વગેરે પ્રકારના ઘણા પટાવાળા હતા, પણ સાહેબ શાળાના પટાવાળાનો આગ્રહ કરતા હતા. તેમાં આપણા ટિંગુભાઈની જોડણી કાચી અને ઉચ્ચાર તો ઘણા કાચા. મોટે ભાગે ટિંગુજી (શ) તો બોલી જ શકે નહિ. અભ્યાસ કાચો હોવાને લીધે શબ્દોના અર્થ પણ સમજે નહિ. ટિંગુ તો દોડ્યો ઘેર ગયો, ત્યાં જઈને કહેવા લાગ્યો કે, ‘મોટા સાહેબ સાળાના પટાવાળાને બોલાવે છે.’ લોકોએ ટિંગુને સાહેબના સાળાને ત્યાં મોકલી આપ્યો. સાળાસાહેબ એટલે કે હેડમાસ્તરની પત્નીના ભાઈ મોટા અધિકારી હતા ! ‘સાહેબ, તમારા જ પટાવાળાને બોલાવે છે.’ ટિંગુએ આવા સમાચાર હાફતાં હાફતાં આપ્યા હતા. એટલે જરૂર કોઈ ખાસ કામ હશે કે કોઈ દુર્ઘટના સર્જાઈ હશે, એમ સમજી સાહેબે પોતાના પટાવાળાને તો મોકલ્યો, સાથોસાથ પોતે પણ તૈયાર થઈને જવા લાગ્યા. તેઓ આ રીતે દોડતા ભાગતા જતા હતા ત્યારે તેમની બહેન મળી, એટલે કે હેડમાસ્તર સાહેબનાં પત્ની તેમને રસ્તામાં મળી ગયાં. તેમણે પૂછ્યું : ‘ભાઈ ! આમ ભાગ્યા ભાગ્યા ક્યાં જાવ છો ?’ ભાઈ કહે : ‘કોણ જાણે, હમણાં જ શાળાનો વિદ્યાર્થી આવીને કહી ગયો કે મારા બનેવી મારા જ પટાવાળાને બોલાવે છે. જે છોકરો કહેવા આવ્યો તે ગભરાયેલો હતો, જરૂર કંઈક નવાજૂની થયેલી હોવી જોઈએ.’ હજી આ વાત તેમનાં બહેન એટલે કે હેડમાસ્તર સાહેબનાં પત્ની સાંભળે તે પહેલાં તો તેમનાથી બોલી જવાયું : ‘ઓ મા ! એમ વાત છે ? ત્યારે તો ચાલો હું પણ આવું છું. કંઈક થયું હશે તો કામ લાગીશ.’ ભાઈ-બહેન દોડતાં ભાગતાં જતાં હતાં. રસ્તામાં ડૉક્ટર મળી ગયા. ભાઈ-બહેનને ચિંતામાં ભાગાભાગ કરતાં જોઈ ડૉક્ટરસાહેબે પૂછ્યું : ‘શું થયું ?’ હેડમાસ્તર સાહેબનાં પત્નીએ કહ્યું : ‘એમને કંઈ થયું લાગે છે.’ બસ ડૉક્ટરસાહેબ જાતે જ તૈયાર થઈ ગયા. ડૉક્ટરની હેન્ડબૅગ લઈને તેઓ કહે : ‘હું કામ લાગીશ.’ એ ત્રણ જણાં દોડતાં ભાગતાં જતાં હતાં. ત્યાં બંબાવાળા બમનશા મળી ગયા. ‘શું થયું છે ?’ તેમને પૂછ્યું. ત્રણે એકસાથ બોલી ઊઠ્યાં - ‘શાળામાં કઈ થયું છે. સાહેબનો હમણાં જ સંદેશો હતો.’ બમનશા કહે : ‘તો તો મારું જ કામ. કદાચ આગબાગ લાગી હશે, કોઈક ખાડામાં પડ્યું હશે કે પછી કોઈક મકાન પડી ગયું હશે તો હું જ કામ લાગીશ.’ ‘ટન ટન ટન ટન’ લ્હાયબંબો લઈ તેઓ નીકળી પડ્યા. આ બાજુ પેલી ચિંતા ત્રિપુટી સાથે કંઈક લોકો જોડાયા. રસ્તામાં નવા નવા લોકો સામેલ થતા જ ગયા. હવે જ્યારે બંબાવાળાને ટન ટન કરતો જતો જોયો, ત્યારે પોલીસોને થયું કે જરૂર કાંઈક નવાજૂની થઈ છે. તેમણે બંબાવાળાને પૂછ્યું. બંબાવાળો કહે : ‘જે કંઈ થયું છે તે શાળામાં થયું છે.’ પોલીસ બોલી ઊઠ્યા : ‘ત્યારે તો અમારું કામ. આજકાલ શાળામાં ઘણાં તોફાનો ચાલે છે. વિદ્યાર્થીઓનો પરીક્ષા આપવાનો ઇરાદો નથી. સાહેબોને પગાર ઓછો પડે છે. કેટલાક શિક્ષકોને નોટિસ પણ મળેલી છે.’ પોલીસવાન ધમધમતી દોડવા લાગી. આ બાજુ હેડમાસ્તર સાહેબને તરતમાં જ એક ફોન આવ્યો. જે શિક્ષકો ઘેર બેસાડવામાં આવ્યા હતા, તેમના યુનિયને સાહેબને જણાવ્યું હતું કે : ‘અમારા શિક્ષકોનો એક સંઘ શહેરની તમામ શાળાઓમાં હડતાળ પડાવવા માટે આવશે.’ હેડમાસ્તર સાહેબને લાગ્યું કે તે તોફાનીઓનો સંઘ જ હોવો જોઈએ. તેમણે તરત જ શાળાના માઈક પર જાહેરાત કરી કે, ‘કોઈએ બહાર જવાનું નથી. બહારના કોઈએ અંદર આવવાનું નથી.’ બહારના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. બહારથી સાહેબના સાળાસાહેબ, સાહેબનાં પત્ની, બંબાવાળા બમનશા, પોલીસ ઇન્સ્પેક્ટર પેસ્તનજી, બધાં એકસાથે બૂમો પાડતાં હતાં : ‘દરવાજા ખોલ દો.’ અંદરથી સાહેબે ઉચ્ચાર્યું : ‘દરવાજા નહિ ખૂલેગા.’ સામસામા શબ્દો ફેંકાવા લાગ્યા : ‘દરવાજા ખોલ દો.’ - ‘દરવાજા નહિ ખૂલેગા.’ છોકરાંઓને આમાં ગમ્મત પડી કે તેઓ ગભરાયા તેની ખબર નથી, પણ એકાદ પથરો આમતેમથી આવ્યો. પોલીસને ખાતરી થઈ ગઈ કે મામલો ખતરનાક છે. તેમણે બંબાવાળાના સહકારથી દરવાજો તોડી પાડ્યો. અને ત્યાં તો ખરેખર હુલ્લડ ફાટી નીકળ્યું. અંદરના છોકરાઓ બહારના તોફાનીઓથી શાળાને બચાવવા માટે પથ્થર ફેંકવા લાગ્યા. તેમનો ઇરાદો બહારના તોફાનીઓને બહાર જ રાખવાનો હતો. તોફાન કંઈ હતું જ નહિ, છતાં સામસામી મારામારી શરૂ થઈ. પોલીસોએ આકાશમાં બંદૂકો ફોડવા માંડી. બંબાવાળાઓએ પાણીનો શાંત મારો ચલાવ્યો. હેડમાસ્તર સાહેબ બહાર ધસી આવ્યા. તો બંબાવાળાની પાઇપમાંથી છૂટતો પાણીનો ધોધ સાહેબ ઉપર ફેંકાયો અને સાહેબ પાણીના મારાથી પાંચ ફૂટ દૂર જઈ પડ્યા. સાહેબને એવી ઈજા થયેલી જોઈને બીજા શિક્ષકો હાથમાં જે આવ્યું તે ફેંકવા લાગ્યા. આ મામલો કેવી રીતે પત્યો તે કહેવાની જરૂર નથી. પણ જ્યારે શાંતિ થઈ ત્યારે સાહેબની પત્નીએ પૂછ્યું કે, ‘શું થયું હતું ?’ બમનશાએ પૂછ્યું : ‘કેમ સંદેશો મોકલ્યો હતો ?’ પેસ્તનજી કહે : ‘વાટ શું હટી ?’ અને સાળાસાહેબે પૂછ્યું : ‘બનેવીજી ! આપે મારા પટાવાળાને જ કેમ બોલાવ્યો ?’ હેડમાસ્તર સાહેબ કપાળ કૂટીને કહે : ‘ક્યાં ગયો પેલો ટિંગુડો ? આ બધું તેનું જ કારસ્તાન. મેં તેને શાળાના પટાવાળાને બોલાવી લાવવા કહ્યું ને ગધેડો મારા સાળાના પટાવાળાને બોલાવવા દોડ્યો. તેમાં જ આ રામાયણ જામી. આ તોફાન શકોરાના ‘શ’ અને સસલાના ‘સ’નું હતું.’ અમારા જોડણીપ્રસાદે આ દૃષ્ટાંત આપ્યું, ત્યારે અમે બધાં ખૂબ હસ્યાં હતાં. પણ તમને લાગે છે કે નહિ, કે ‘શબ્દો’ શુદ્ધ બોલવા જોઈએ ? શુદ્ધ લખવા જોઈએ ?