ગુજરાતી અંગત નિબંધો/પાંચે ઈન્દ્રિયોથી મેં પીપળો પૂજ્યો છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 04:14, 20 August 2024

૨૫
‘પાંચેય ઇન્દ્રિયથી મેં પીપળો પૂજ્યો છે – યજ્ઞેશ દવે

‘વૃક્ષાણામ્‌ અશ્વત્થોહમ્‌’ એવું ગીતાકાર કૃષ્ણે ગીતામાં કહી પીપળા પર પોતાનો પક્ષપાત બતાવ્યો છે તે ખબર પડી, તેનાથી પણ પહેલાં મને પીપળો ગમવા લાગેલો. સદર બજારની વૈદ્ય શેરીનો અમારા ઘર સામેનો પીપળો અમે રહેવા ગયા ત્યારે પહેલે દિવસથી જ ગમી ગયેલો. એ પીપળા સાથે પછીથી પંદરેક વરસ જીવંત સંબંધ થયો. સંબંધ શબ્દ એટલે વાપર્યો કે તેનું સ્થાન એક વ્યક્તિ જેવું થતું ગયેલું અને દરેક વૃક્ષને એક વ્યક્તિત્વ હોય છે. તે વ્યક્તિત્વને આગવી મહોર મારતાં નામ આપણે ન આપીએ તેથી શું? એકસરખી લાગતી ગાયોને રંભા, કપિલા, ગવરી નામો મળે, તો છોકરાઓની ટોળીની સાથે ફરતો કૂતરો નામ પામે લાલિયો, મોતિયો, કાળિયો, રાજુ, ડાઘિયો કે રાભો. પણ આગવાં વ્યક્તિત્વ ધરાવતાં વૃક્ષોને કોઈ નામ નહીં. તેમને ડાળ, થડ, પાંદડાં, ફૂલો થકી જે અનન્ય રૂપ મળ્યાં છે તેનાથી જ ખુશ. આમ તેમને નામ તો મળ્યાં છે. પીપળો, પાઈન, બર્ચ, જમરૂખ, દાડમ કે વડ. પણ તે તો જાતિગત નામો. કોઈ વૃક્ષને પોતાનાં આગવાં વિશેષ નામ નહીં. સ્વર્ગમાંય ઈચ્છાપૂર્તિ કરતું કલ્પવૃક્ષ, કે જે વૃક્ષ નીચે બુદ્ધને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું તે બોધિવૃક્ષ. આ નામો ખરાં પણ તેમાં ઝાડની વિશેષતા ડોકાય તેવું ક્યાં? કાદમ્બરીમાં બાણભટ્ટે વેલીઓથી વીંટળાયેલા આકાશને આંબતા અનેક કોતરોવાળા વિશાળ ઘટાવાળા શુકશાવકના, અનેક પક્ષીઓના, આશ્રય સમા શાલ્મલી વૃક્ષરાજનું ડીટેઈલ વર્ણન કર્યું પણ નામ ન પાડ્યું. બાણભટ્ટ સામે જ ફરિયાદ શા માટે? આ હું જેની વાત કરું છું તે પીપળાના ઝાડનું નામ પણ મેં ક્યાં પાડ્યું છે. વૃક્ષો એ તો રૂપની સૃષ્ટિ, વિપિન વન કાંતારમાં એકએક વૃક્ષ એટલે એક એક શિલ્પ અને એ પણ સ્થિર છતાં ચલિત ડોલતાં — વિશ્વવિખ્યાત શિલ્પી કેડલરના Mobile શિલ્પ જેવાં. પળેપળ એની આસપાસના અવકાશને અવનવી ભાતોથી ભરતાં. રૂપની આ સૃષ્ટિમાં નામને ક્યાં જોડવું? સ્થવિર આ વૃક્ષોએ નામને લોપાતાંલોપાતાં જોયું છે તેથી તેમને તેના અનામી હોવાનો કોઈ રંજ નથી. આ ગામ ખેતર હતું ત્યારનો તે ત્યાં ઊભો હશે. મારે કેટલાં બધાં Associations - સ્મૃતિ-સાહચર્યો છે તેની સાથે. બત્રીસ વરસ પહેલાં નાનો ભાઈ ભરત જન્મ્યો ત્યારે તેની છઠ્ઠીના દિવસે તેનાં પાન તોડવાનું બહેને કહેલું. સામે રફિકને બોલાવ્યો’તો તે ઝાડના થડ પર ઠોકેલા બેત્રણ ખીલાને આધારે ફટફટ ઉપર ચડી ગયો હતો ને એક ડાળખી જ ખેરવી આપી હતી. આ જ પાન પર વિધાતા ભરતનો હિસાબ લખી ગઈ છે. એ પછી ચાર વરસ પોરબંદર રહી આવ્યા. ત્યાં પણ ક્વાર્ટર પાછળના કૂવાના થાળે પીપળાનું એક ઝાડ હતું. એ ઝાડને જોઈને રાજકોટના અમારા એ અશ્વત્થરાજને યાદ કરતો. ફરી રાજકોટ બદલી થઈને આવ્યા પછી ૧૯૬૭માં એ જ શેરીમાં એ જ ઘરમાં રહેવાનો યોગ થયો અને ત્યારે જ મારા એ પીપળા સાથે નિકટનો સંબંધ બંધાયો. તેનું થડ સીધું ન હતું, સ્હેજ નમેલું તેનું મુખ્ય થડ ત્રણ શાખાઓમાં વહેંચાયેલું. એક ડાળ મુખ્ય થડની જ દિશામાં અનેક શાખા-પ્રશાખાના લયવિન્યાસો રચતી ઉપર ચડેલી અને બીજી બે મુખ્ય શાખાઓ ક્ષિતિજને સમાંતર અલગ અલગ દિશામાં વિકસેલી. આખા વૃક્ષની મુદ્રા એક પગનો નમનીય કાટખૂણો બનાવી બે હાથની ભંગિમામાં સ્થિર થયેલા ભરતનાટ્યમ્‌ના નર્તક જેવી લાગતી. પવનની એક લ્હેરખી આવતાં તો આખો પીપળો ખળખળવા લાગતો. ખળખળતો શબ્દ વાપરવો પડે તેવો જ અવાજ પવનમાં તેનાં લાંબી દાંડીવાળાં પાન ફરફરતાં ત્યારે આવતો. ક્યારેક ઘરમાં બેઠાંબેઠાં એવો ભ્રમ થતો કે ઓચિંતાનું ઝરણું ક્યાંથી સંભળાયું! આ પીપળો છેક મારા રવેશ સુધી ઝૂકેલો. પરીક્ષા વખતે વાંચતાંવાંચતાં લાંબા રવેશમાં લટાર મારતાંમારતાં થાંભલીને અઢેલીને કઠેડાથી ઝૂકીને રાત્રિની સ્તબ્ધતા પીતોપીતો, પીપળાના પાન વચ્ચેથી મૌન ઝબકતા તારાઓનો જોતો, પડી ગયેલા પવનમાં એકાદ કંપતા પાનનું કંપન અનુભવતો ઊભો રહેતો. મારા એકાંતના કેટલાય કલાકોનો તે સાથી સાક્ષી છે. સવારે સૂર્ય તેના પ્રકાશનો કુંભ વિખેરતો હોય તેનાં કિરણો ભાવિક સ્રીઓની જલઅભિષેકની ધારમાં સોનાની ધાર બની દડતાં હોય. રોજ-બ-રોજના એ કંતાઈ ગયેલા થાકેલા સામાન્ય ચહેરાઓ શ્રદ્ધાના અને સૂર્યના પ્રકાશમાં કશુંક એવું અનન્ય અપૂર્વ રૂપ ધારણ કરતા કે શરીરની ઉપર કોઈ સૌંદર્ય છે તેનો પહેલો અહેસાસ - પ્રતીતિ એ પીપળા નીચે થઈ છે. જમીનથી થોડે ઉપરનું થડ રોજરોજ પાણી રેડાવાથી લીલને લીધે લીલાશપડતું કાળું થઈ ગયું છે. એની ઉપર અબીલ ચંદન કંકુનાં રંગટપકાં, પીળી લાલ કરેણનાં ફૂલો, થડની બખોલમાં પીળા પ્રકાશથી ટમટમતી પાંદડાંના પડિયામાં રાખેલી ઘીની વાટો, તળિયેથી ફૂટતી નાની કુમળી લીલી રતુંમડી ડાળીઓ એ બધું ચિત્તમાં તે વખતની ભાવસ્થિતિ સાથે પડ્યું છે. કેટલાય સઘન ઈન્દ્રિયસંવેદ્ય અનુભવો આ પીપળાએ મને કરાવ્યા છે. ચોમાસું જામ્યું છે. રમેશ પારેખ કહે છે ‘ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ખીલ્યું’ તેવું ચોમાસું. આખીય સાંજ વરસાદ વરસ્યો છે. ટાઢોડું થઈ ગયું છે. આકાશ હજી લથબથ છે. અનરાધાર વરસતું નથી પણ કોક કોક ટીપાંએ ચુવે છે. ટીપાંનો પીપળાના કડક પાન પર પડતો ટપ અવાજ સંભળાય તેટલી શાંતિ છે. શેરીમાં કૂતરુંય ક્યાંથી રખડતું હોય? તે તો ભરાઈ ગયાં છે ઓટલા નીચે કે હૂંફાળા કોથળા નીચે. આકાશમાં ભયાનક રસને પુટ આપતી કાળાશ છે અને ઠંડી હવાના સુસવાટા. ઓચિંતું જ વડવાગોળનું એક ઝૂંડ તેમના બિહામણા ફડફડ અવાજથી ઊતરી આવ્યું છે. એક પછી એક ડાળ પર ઊંધી લટકતી જાય છે. અંધારામાં ક્યારેકક્યારેક તેમના ઝઘડવાની તીણી ચિચિયારીઓ સંભળાય છે. બેચાર ખીજકણી વડવાગોળ તેમની ડાળીએ કોઈને ઢૂંકવા નથી દેતી અને આખીય રાત તેમની ચહલપહલ ચાલ્યા કરે છે. રાતે જ ઊંધી લટકતી લટકતી પાકી પેપડીઓ ખાધા કરે છે. સવાર પહેલાં તો આખું ટોળું ક્યાં ઊડી જાય છે તેની ખબર નથી પડતી. કોઈ અણઘડ ઉતાવળી વડવાગોળ વીજળીના તાર વચ્ચે ચોંટી જાય છે અને તેનું તપખીરિયું કાળું શબ લટકતું રહે છે દિવસો સુધી. આ પીપળા નીચે બપોરે ગાડું છોડી થડે બળદ બાંધી કોઈએ બપોરવાસો કર્યો છે. બળદને પગમાં ખરી જડતાં પણ આ જ પીપળા નીચે જોયેલું. ખેડૂત મારી-ફોસલાવીને બળદને સુવરાવે છે અને પટ્ટાવાળો લેંઘો પહેરીને આવેલા હાથમાંની લાકડાની પેટીમાંથી લોખંડની નાળ કાઢતા ગફૂરમિયાં બળદને હળવેથી પંપાળી પગની ખરીમાં ખીલા ઠોકે છે. અહીંયાં સવારના ટાઢા પહોરમાં કે ગમતી સાંજે મદારી તેની અવનવી જબાન બોલતો, કરંડિયામાંથી જનાવર કાઢતો, દેરાણી જેઠાણીના દાબડામાંથી લખોટી ગુમ કરતાં ‘ચલો બચ્ચાં તાલિયાં બજાવ’ કહેતો તેની લુંગી સમેટી ગાલ ફુલાવી બીન વગાડે છે. કોઈ વાર અજવાળિયાના દિવસોમાં લાઈટ જતાં પીપળા નીચે તેજ છાયાની રમ્ય ભાત ઊપસી આવી છે. પક્ષીઓ સાથે મારી મૈત્રી કરાવનાર પણ આ પીપળો જ. બપોરે પીપળાની કોઈ પાતળી ડાળે હોલો બેસીને એટલું એકલું ઘૂઘવે છે કે આ શેરી સહારાનો અફાટ વિસ્તાર થઈ જાય છે. કાગડાઓ તો કાયમ માળો બાંધે છે. કોયલ ઉનાળાના દિવસોમાં ડોકાય છે. આમ તો આટલામાં જ ક્યાંક અથવા તો આ પીપળા પર જ રહેતી હશે પણ ઉનાળામાં તેના કંઠથી છતી થાય છે. શહેરમાં પહેલ વહેલું પીળક (Golden Auriole) અહીં જ જોયેલું. ખરેખર નામ તેવો જ રંગ. ચળકતા સોનેરી પીળા એ સુંદર પક્ષીનો અવાજ પણ રેશમ જેવો સુંવાળો. આ જ રવેશમાંથી સુરેશ જોષી રાજકોટ મારે ઘેર આવ્યા ત્યારે અમે કંસારો જોયેલો. એ નાનકડા પક્ષીના પ્રાણમાંથી નીકળતો હૂક-હૂક અવાજ સાંભળેલો. વડોદરાથી સુરેશભાઈનો કાગળ આવ્યો તેમાં પણ તે કંસારાને યાદ કરેલો. સરકસ ગામમાં આવે ત્યારે તેના ચારા માટે સરકસનો મહાવત હાથી લઈને પીપળાની ડાળીઓ તોડવા આવતો ત્યારે આંગણે હાથી આવ્યાનો આનંદ થતો અને પીપળાંનાં પાંદડાં તૂટવાનો રંજ પણ થતો. આવો સદાબહાર અમારો ભેરુ ભાઈબંદ વૃદ્ધ વડીલ પીપળો અચાનક જ કરમાવા લાગેલો. બેચાર મહિનામાં તો સુક્કી શાખો વચ્ચે મૃત્યુફળ લઈ બેઠેલું વિશાળ વૃક્ષ કંકાલ થઈ ગયેલું. આસપાસનાં મકાનો પર સુક્કી ડાળીઓ પડવાના ભયથી ધીમે ધીમે લાકડું બની કપાવા લાગેલો. પીપળો ગયા પછી શેરી શેરી ન રહી. આસપાસના ભાવિક ભક્તજનોએ વૃક્ષપ્રેમીઓએ એ જ જગ્યાએ નવો પીપળો વાવી ઇંટોના કુંડાળાથી રક્ષણ આપ્યું. આજે એ પીપળો પણ ઊંચો વધતો ભાવિકોના અભિષેક ઝીલતો થયો છે પણ પેલા પીપળાની તો વાત જ ન્યારી છે.

[‘અરૂપસાગરે રૂપરતન’, ૧૯૯૮]