રમણીક સોમેશ્વરની કવિતા/ઘર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 16:52, 21 August 2024
૫૭. ઘર
ઘર
મેં બાંધ્યું
મારા માટે
પછી
બાંધતું રહ્યું ઘર
મને સતત
પહેલાં તો
ઘેરી લીધો એણે મને
ભીંતોથી
અને લટકાવી દીધું
મારું આકાશ
પોતાની છાતીએ
પછી
આપી દીધાં કાયમી
સવાર અને સાંજ
પંખી અને પહાડ
ઝરણાં ને ઝાડ
તરણાં ને તાડ
સારી દુનિયા
કમરે મેં કેદ
ભીંતે ભીંતે ભેજલ ભેદ
અને હું
શોધ્યા કરું છું
તાજી હવા માટે
કપડાં ટીંગાડવા
મેં
ખીંટીઓ ખોડી
તો
ખીંટીઓ જ બની ગઈ
મારી ઓળખ
ઘરવખરીને
સાચવતાં ને શણગારતાં
બની ગયો હું
ઘરવખરીની ચીજ
ઘરને
હૂંફાળું બનાવતાં બનાવતાં
ઘેરાતો રહ્યો
ધુમ્મસથી
હવે
ચૂપચાપ
ભીંતોની તિરાડોમાંથી
જોયા કરું છું
મારું
વિખૂટું પડેલું આકાશ