ભારતીય કાવ્યસિદ્ધાંત/વ્યંજનાના પ્રકારો: Difference between revisions
(+૧) |
(No difference)
|
Revision as of 13:36, 26 August 2024
શાબ્દી અને આર્થી વ્યંજના
વ્યંજનાના મુખ્ય બે પ્રકારો છે : શાબ્દી અને આર્થી. શબ્દમાંથી જ્યારે વ્યંગ્યાર્થનો બોધ થાય છે, ત્યારે વ્યંજનાને શાબ્દી કહે છે અને અર્થમાંથી વ્યંગ્યાર્થનો બોધ થાય, ત્યારે તેને આર્થી કહે છે. પણ અહીં એક પ્રશ્ન ઊભો થાય તેમ છે : શબ્દ અને અર્થ તો એકબીજા સાથે જોડાયેલા જ હોય છે. કાવ્યમાં શબ્દ વિનાનો અર્થ કે અર્થ વિનાનો શબ્દ તો સંભવી જ ન શકે. કાવ્યમાંના શબ્દને એનો કોઈ એક નિશ્ચિત અર્થ હોય છે, અને અર્થ શબ્દ દ્વારા જ વ્યક્ત થતો હોય છે. તો પછી વ્યંજનાના શાબ્દી અને આર્થી એવા વિભાગો પાડવા યોગ્ય છે? હા, ‘प्राधान्येन व्यपदेशा भवन्ति ।’ એ સૂત્ર પ્રમાણે મુખ્યત્વે શબ્દ કે અર્થ જેનાથી વ્યંગ્યાર્થનો બોધ થતો હોય તેનું નામ વ્યંજનાને આપી શકાય અને બીજું તત્ત્વ તેમાં સહકારીરૂપે રહેલું ગણી શકાય. મમ્મટ શાબ્દી વ્યંજનામાં અર્થને અને આર્થી વ્યંજનામાં શબ્દને સહકારીરૂપે વ્યંજક ગણાવે છે. શાબ્દી વ્યંજનામાં શબ્દ વ્યંજક હોય છે એ ખરું, પણ એ શબ્દને વ્યંગ્યાર્થ સિવાયનો વાચ્યાર્થ કે લક્ષ્યાર્થ હોય છે જ અને એને પ્રગટ કર્યા પછી જ એ વ્યંગ્યાર્થ પ્રગટ કરી શકે છે. આમ, શાબ્દી વ્યંજનામાં અર્થ સહકારીરૂપે રહે છે. આર્થી વ્યંજનામાં અર્થ વ્યંજક હોય છે, પણ એ અર્થ હોય છે તો શબ્દપ્રમાણવેદ્ય. એ તે દેખીતું જ છે કે જો કોઈ વસ્તુને આપણે પ્રગટ રૂપે જોઈએ તો આપણને એનું ખરું સ્વરૂપ દેખાઈ આવે અને કોઈ વિશિષ્ટ અર્થના બોધને સ્થાન રહે નહિ. પણ કાવ્યમાં શબ્દ દ્વારા અર્થ રજૂ કરવામાં આવે છે અને તેથી જ વિશેષ અર્થને અવકાશ રહે છે. આમ, અર્થના વ્યંજકત્વમાં શબ્દની સહકારિતા હોય છે. તો પછી, શાબ્દી (શબ્દપ્રધાન) અને આર્થી (અર્થપ્રધાન) વ્યંજનાનો ભેદ કેવી રીતે પાડવો? ‘ઉદ્યોત’કાર શાબ્દી વ્યંજનાનું લક્ષણ આ પ્રમાણે દર્શાવે છે: शब्दस्य परिवृत्त्यसहत्वात् शब्दमूलकत्वेन व्यपदेशः । અર્થાત્ શબ્દને જ્યારે ફેરવી ન શકાય, એનો પર્યાય મૂકવાથી વ્યંજના ન રહે, ત્યારે શબ્દમૂલા-શાબ્દી વ્યંજના કહેવાય. ઉદાહરણ તરીકે, કોઈ રાજાની પત્નીનું નામ ઉમા હોય અને એને ‘ઉમાપતિનો જય હો!’ એમ કહીને બિરદાવવામાં આવે તો એમાંથી ‘શંકરનો જય હો!’ એવો વ્યંગ્યાર્થ પણ નીકળે છે. પણ ‘ઉમાપતિ’ શબ્દને બદલે રાજાનું નામ જ મૂકવામાં આવે, તો તેમાંથી ‘શંકરનો જય હો!’ જેવો કોઈ વ્યંગ્યાર્થ પ્રાપ્ત થતો નથી. આ અભિધામૂલ શાબ્દી વ્યંજનાનું ઉદાહરણ છે અને તેમાં શબ્દ ‘પર્યાયપરિવૃત્ત્યસહ’ છે. પણ લક્ષણામૂલ વ્યંજનામાં પર્યાયપરિવૃત્ત્યસહત્વ જુદી રીતે રહેલું કલ્પવું પડશે. ‘गङ्गायां घोषः’ ને બદલે ‘भागीरथ्यां घोषः’ કહીએ, તોપણ એમાં લક્ષણા તેમજ વ્યંજના બંને પ્રવર્તે જ છે. એટલે અહીં પર્યાયપરિવૃત્તિ એટલે ‘સમાનાર્થ શબ્દની પરિવૃત્તિ’ નહિ, પણ ‘લક્ષક ને વાચક શબ્દની પરિવૃત્તિ’ એમ કલ્પવું પડશે. આ રીતે ઉપરના ઉદાહરણમાં ‘गङ्गायां घोषः ને બદલે ‘गङ्गातटे घोषः’ કહેવાથી વ્યંજના રહેશે નહિ. આથી ઊલટી રીતે, આર્થી વ્યંજનામાં શબ્દો પર્યાયપરિવૃત્તિસહ હોય છે, એટલે કે શબ્દો બદલવા છતાં તેમાંથી વ્યંગ્યાર્થ પ્રાપ્ત થાય છે. ‘एवं वादिनि देवर्षौ पार्श्वे पितुरधोमुखी..’,જેવાં ઉદાહરણોમાં પર્યાય યોજવા છતાં તેમાંથી વ્યંગ્યાર્થ પ્રાપ્ત થાય જ છે.
અભિધામૂલ વ્યંજના
શાબ્દી વ્યંજનાના બે પ્રભેદો પડે છે : અભિધામૂલ અને લક્ષણામૂલ. અભિધામૂલ શાબ્દી વ્યંજનાની વ્યાખ્યા મમ્મટ નીચે પ્રમાણે આપે છે :
अनेकार्थस्य शब्दस्य वाचकत्वे नियन्त्रिते ।
संयोगाद्यैरवाच्यार्थधीकृद् व्यापृतिरञ्जनम् ।।
કોઈ શબ્દ અનેકાર્થ હોય, પણ કોઈક વસ્તુના સંયોગ, સંદર્ભ આદિને કારણે એનું વાચકત્વ અમુક એક અર્થમાં જ નિયંત્રિત થઈ જાય, પછી જે બીજો અર્થ (જે સંકેતિત હોવા છતાં અવાચ્ય છે તે) સ્ફુરી રહે, ત્યારે અભિધામૂલ વ્યંજના કહેવાય. અનેકાર્થ શબ્દોના વાચકત્વને એક અર્થમાં નિયંત્રિત કરનારાં ઘણાં તત્ત્વો કાવ્યશાસ્ત્રીઓ ગણાવે છે. દા.ત. ‘રામ’ શબ્દના દશરથપુત્ર રામ અને પરશુરામ એમ બે અર્થ થાય. પણ ‘રામલક્ષ્મણ’ કહીએ ત્યારે ‘રામ’નું વાચકત્વ ‘દશરથપુત્રરામ’ એવા અર્થમાં નિયંત્રિત થઈ જાય છે. (આ તત્ત્વને ‘સાહચર્ય’ કહે છે.) ‘મકરધ્વજ’ એટલે કામદેવ, સાગર અને મગરના ચિહ્નવાળી ધજા એમ ત્રણ અર્થ થાય છે, પણ ‘कुपितः मकरध्वजः’ માં એ શબ્દનું વાચકત્વ ‘કામદેવ’ ના અર્થમાં નિયંત્રિત થાય છે, કેમ કે ગુસ્સે થવાનું લક્ષણ કામદેવનું જ હોઈ શકે. (આ તત્ત્વને ‘લિંગ’ કહે છે.) આ ઉપરાંત અનેકાર્થ શબ્દોના વાચકત્વને નિયંત્રિત કરનારાં ‘દેશ’, ‘કાલ’, ‘ઔચિત્ય’, ‘પ્રકરણ’, ‘અન્ય શબ્દનું સાન્નિધ્ય’ વગેરે અનેક તત્ત્વો છે. આ રીતે વાચકત્વ નિયંત્રિત થયા પછી બીજો અર્થ (દા.ત. પરશુરામ, સાગર) સ્ફુરી રહે, તો તે વાચ્યાર્થ ન કહેવાય, પણ વ્યંગ્યાર્થ કહેવાય અને એ અભિધામૂલ શાબ્દી વ્યંજનાનું ઉદાહરણ બને. મમ્મટ અભિધામૂલ વ્યંજના માટે નીચેનું ઉદાહરણ આપે છે :
भद्रात्मनो दुरधिरोहतनोर्विशाल-
वंशोन्नतेः कृतशिलीमुखसंग्रहस्य ।
यस्यानुपप्लुतगतेः परवारणस्य
दानाम्बुसेकसुभगः सततं करोऽभूत।।
અહીં ‘कर’ નું વર્ણન કરવામાં આવ્યું છે. ‘कर’ના બે અર્થ છે : હાથ અને સૂંઢ. હવે, આ શ્લોક રાજાને ઉદ્દેશીને કહેવામાં આવ્યો છે એવો સંદર્ભ નજરમાં રાખીએ, ત્યારે ‘कर’ શબ્દનો અર્થ ‘હાથ’માં નિયંત્રિત થઈ જાય છે. ‘कर’ સિવાયના શબ્દોના પણ બે અર્થ થાય છે, જેમાંથી એક રાજાને લગતો છે અને બીજો હાથીને લગતો છે. भद्रात्मन्=૧. ભદ્ર આત્માવાળો; ૨. ભદ્ર જાતિનો. दुरधिरोह= ૧. આક્રમણ ન કરી શકાય એવો; ૨. જેના પર ચડી ન શકાય એવો. विशालवंशोन्न्ति=૧. જેના કુળની પ્રતિષ્ઠા ખૂબ છે; ૨. જેની ઊંચાઈ મોટા વાંસ જેટલી છે. शिलीमुखसंग्रह= ૧. બાણોનો સંગ્રહ; ૨. ભ્રમરોનું આકર્ષણ. अनुपप्लुतगति= ૧. જેની પ્રગતિ કે જ્ઞાન અણસરખું નથી તે; ૨. જેની ગતિ ઉદ્ધત નથી તે. परवारण= ૧. દુશ્મનોને વારનાર; ૨. મહાન હાથી. दानाम्बुसेकसुभग=૧. દાન આ૫તી વખતે પાણીથી સિંચાવાને કારણે સુભગ; ૨. મદજળના સિંચનથી સુભગ. આ શ્લોક રાજાને અનુલક્ષતો છે, પણ એમાંથી બીજો અર્થ સ્ફુરે તો છે જ, કારણ કે એથી રાજાની હાથી સાથે સરખામણી સૂચવાય છે. પણ આ બીજો અર્થ સંકેતિત હોવા છતાં વાચ્યાર્થ નથી, કારણ કે અભિધા તો પહેલો અર્થ આપીને વિરમી જાય છે. આ બીજો અર્થ વ્યંગ્યાર્થ છે અને એને બોધ કરાવનાર શક્તિ તે વ્યંજનાશક્તિ છે. આમ, આ અભિધામૂલ શાબ્દી વ્યંજનાનું ઉદાહરણ થયું.[૮] એક બીજું ઉદાહરણ લઈએ :
अनुरागवती सन्ध्या दिवसस्तत्पुरःसरः ।
अहो दैवगतिः कीदृक तथापि न समागमः।।
અહીં ‘अनुराग’ શબ્દ અનેકાર્થ છે. ‘अनुराग’ના ‘રતાશ’ અને ‘પ્રેમ’ એ બંને અર્થ થાય. ‘સંધ્યા’ શબ્દના સાન્નિધ્યના કારણે ‘રતાશ’ એ અર્થમાં એનું વાચકત્વ નિયંત્રિત થાય છે; અને જે બીજો અર્થ ‘પ્રેમ’ સ્ફુરી રહે છે તે તથા એના વડે દિવસ અને સંધ્યાનો જે નાયક- નાયિકા-વ્યવહાર સૂચિત થાય છે તે વ્યંગ્યાર્થ છે. આમ, આ પણ અભિધામૂલ શાબ્દી વ્યંજનાનું ઉદાહરણ છે.
લક્ષણામૂલ વ્યંજના
લક્ષણામાં એનું પ્રયોજન વ્યંગ્ય હોય છે. આથી પ્રયોજનવતી લક્ષણાનાં બધાં ઉદાહરણો લક્ષણામૂલ વ્યંજનાનાં પણ ઉદાહરણો ગણાય. દા.ત. ‘એને માટે દવા જીવન છે’ એ વાક્યમાં ‘જીવન’ શબ્દનો મુખ્યાર્થ બાધિત છે, કારણ કે સમાનાધિકરણથી એક જ વસ્તુ સૂચવાય છે, એટલે દવા એ દવા જ છે, જીવન નથી. આમ, ‘જીવન’નો લક્ષ્યાર્થ ‘દવા’ થાય. પણ ‘દવા’ને ‘જીવન’ કેમ કહ્યું એનો વિચાર કરતાં એનું પ્રયોજન સમજાય છે કે દવા એને માટે જીવન ટકાવનાર અનિવાર્ય વસ્તુ છે. દવા નહિ તો જીવન નહિ એવી સ્થિતિ છે. આ જે સૂચવાય છે તે વ્યંગ્યાર્થ છે. આમ આ વાક્યલક્ષણા મૂલ શાબ્દી વ્યંજનાનું ઉદાહરણ થયું, કારણ કે ‘એને માટે દવા જીવન છે’ એવો લાક્ષણિક પ્રયોગ કરવાને બદલે ‘એને માટે દવા જીવનધારક છે’ એમ કહ્યું હોત તો વ્યંજના રહેત જ નહિ.
આર્થી વ્યંજનાનાં નિમિત્તો
કેટલાક વિશિષ્ટ સંજોગોને કારણે વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય અર્થમાંથી પણ સહૃદયોને બીજા અર્થનો બોધ થતો હોય છે. આ અન્ય અર્થના બોધના કારણરૂપ વ્યાપારને આર્થી વ્યંજના કહે છે. આ પ્રકારના વ્યંગ્યાર્થના બોધમાં નિમિત્તરૂપ તત્ત્વો તરીકે મમ્મટ બોલનાર વ્યકિત, ઉદ્દિષ્ટ વ્યક્તિ, કાકુ (એટલે કે ધ્વનિવિકાર), દેશ, કાળ, સંદર્ભ, વાક્ય, વાચ્યાર્થનું વૈશિષ્ટ્ય, વગેરેને ગણાવે છે૧ અને આમાંનાં ભિન્ન ભિન્ન તત્ત્વો કેટલીક વાર એકસાથે કામ કરી રહ્યાં હોય એવું પણ બને એમ મમ્મટ કહે છે. એ તો દેખીતું છે કે આમાંનાં ઘણાંખરાં તત્ત્વોને આપણે ‘સંદર્ભ’ની વ્યાપક સંજ્ઞા નીચે મૂકી શકીએ, છતાં મમ્મટને અનુસરીને આપણે કેટલાંક ઉદાહરણો જોઈએ. બોલનારના વૈશિષ્ટ્યને કારણે વ્યંગ્યાર્થ સ્ફુરતો હોય તેના ઉદાહરણ તરીકે નીચેનો શ્લોક આપી શકાય :
अत्ता अत्र तु मज्जति, अत्राहं दिवसकं प्रलोकस्व ।
मा पथिक रात्र्यन्धक शय्यायां मम नु मज्जिष्यसि ।।
અહીં એક સ્ત્રી રતાંધળા પથિકને પોતે ક્યાં સૂએ છે અને સાસુ ક્યાં સૂએ છે તે દિવસે જોઈ લેવાનું સૂચવે છે અને કહે છે—’મારી પથારીમાં આવી પડત નહિ.’ આ નિષેધરૂપ વાચ્યાર્થ છે. પરંતુ જ્યારે આપણે આ એક શિથિલ ચારિત્ર્યની સ્ત્રી બોલી રહી છે એવો સંદર્ભ ખ્યાલમાં રાખીએ ત્યારે એમાંથી ‘રાત્રે મારી પથારીમાં આવી પડજે’ એવો વ્યંગ્યાર્થ સ્ફુરી રહે છે. કાકુના વૈશિષ્ટ્યના કારણે વ્યંગ્યાર્થ સ્ફુરે છે તેના ઉદાહરણ તરીકે મમ્મટ ‘वेणीसंहार’ નાટકમાંથી ભીમની યુદ્ધિષ્ટિર પ્રત્યેની આ ઉક્તિ આપે છે :
वक्तृवोद्धव्यकाकूनां वाक्यवाच्यान्यसंनिधेः ॥
प्रस्तावदेशकालाद्यैवैशिष्ट्यात् प्रतिभाजुषाम् ।
योऽर्थस्यान्यार्थधीहेतुर्व्यापारो व्यक्तिरेव सा ।।
तयाभूतां दृष्ट्वा नृपसदसि पाञ्चालतनयां
वने व्याधैः सार्ध सुचिरमुपितं वल्कलधरैः ।
विराटस्यावासे स्थितमनुचितारम्भनिभृतं
गुरुःखेदं खिन्ने मयि भजति नाद्यापि कुरुषु।।
આનો વાચ્યાર્થ એ છે કે રાજસભામાં દ્રૌપદીની અવહેલના, બાર વર્ષનો વનવાસ અને વિરાટની ચાકરી - આવું આવું વેઠ્યા છતાં વડીલ (યુધિષ્ઠિર) કૃપિત એવા મારા પર ગુસ્સે થાય છે, પણ કૌરવો પર નહિ. પણ પ્રશ્નના કાકુથી — ધ્વનિવિકારથી-આ શ્લોક ઉચ્ચારતાં તેની છેલ્લી પંક્તિ આવી થાય : ‘યુધિષ્ઠિર કૃપિત એવા મારા પર ગુસ્સે થાય છે કેમ? પણ કૌરવો પર હજુ નહિ?” અલબત્ત, આ પણ વાચ્યાર્થ છે, પણ એ કાકુને કારણે એવો વ્યંગ્યાર્થ સ્ફુરે છે કે યુધિષ્ઠિર મારા પર ક્રોધ કરે છે અને કૌરવો પર નથી કરતા તે અનુચિત છે. ‘પાટણની પ્રભુતા’માં ત્રિભુવન પ્રસન્નને ગુપ્ત રીતે મળવા જાય છે અને મેડી પર ચડવા માટે પ્રસન્નને દોરડું બાંધવા કહે છે, ત્યારે પ્રસન્ન જવાબ આપે છે : ‘દોરડું તો ત્રણ દહાડા પર તૂટી ગયું.’ અહીં ‘ત્રણ દહાડા’ એ શબ્દોના વૈશિષ્ટ્યના કારણે ‘ત્રણ દહાડા પહેલાં તેં મળવા આવવાનો સંકેત પાળ્યો નહિ, માટે હવે હું તને ઉપર નહિ આવવા દઉં’ એવો અર્થ વ્યંજિત થાય છે. આમ અહીં વાક્ય- વૈશિષ્ટ્ય છે. વાક્યવૈશિષ્ટ્યને કારણે વ્યંગ્યાર્થ પ્રાપ્ત થતો હોય તેનું ઉદાહરણ મમ્મટ આ પ્રમાણે આપે છે :
तदा मम गण्डस्थलनिमग्नां दृष्टिं न नयस्यन्यत्र ।
इदानीं सैवाहं तौ च कपोलौ न सा द्रष्टिः।।
પ્રિયતમાના કપોલમાં પાસે બેઠેલી પ્રિયતમાની સખીનું પ્રતિબિંબ પડી રહ્યું હતું તેથી તે પ્રિયતમાના કપોલ સામે જોઈ રહ્યો હતો; પણ સખી ગયા પછી એણે ત્યાં જોવાનું બંધ કર્યું, આથી પ્રિયતમા તેના પ્રિયતમને આ પ્રમાણે ટોણો મારે છે. અહીં વાચ્યાર્થ તો એવો છે કે ‘ત્યારે તમે મારા ગાલ પરથી નજર દૂર કરતા નહોતા. અત્યારે હું એની એ છું, ગાલ એના એ છે છતાં તમે નજર નથી કરતા.’ પણ ‘तदा, इदानी, सा’ વગેરે શબ્દોથી એવું સૂચવાય છે કે ત્યારે તમારી નજર જુદી જ હતી-મારી સખી પ્રત્યે છૂપી કામુકતા ભરી હતી, જે અત્યારે નથી. ‘સરસ્વતીચંદ્ર’ ભા.૧માં બુદ્ધિધન ચૈત્રી પડવાના દરબારમાં જતાં પહેલાં સરસ્વતીચંદ્રને પોતાના કુટુંબની સોંપણી કરે છે અને કહે છે : ‘શઠરાય દ્રવ્યવાન છે.’ અહીં વાચ્યાર્થ તો હકીકતતું નિવેદન માત્ર છે. પણ સમગ્ર સંદર્ભને લક્ષમાં લેતાં તેમાંથી એવો અર્થ સૂચિત થાય છે કે ‘શઠરાય તમને દ્રવ્યની લાલચમાં ફસાવવાને, પ્રયત્ન કરશે.’ આમ, અહીં સંદર્ભને કારણે વ્યંગ્યાર્થ સ્ફુરે છે એમ કહી શકાય. વાચ્યાર્થના વૈશિષ્ટ્યથી વ્યંગ્યાર્થનો બોધ થાય એનો અર્થ તો એ જ કે એમાં બહારના કોઈ નિમિત્તની જરૂર પડતી નથી, વાચ્યાર્થ જ આપમેળે વ્યંગ્યાર્થ પ્રગટાવે છે. એટલે જ્યાં બીજું કોઈ નિમિત્ત ન દેખાય, ત્યાં વાચ્યાર્થને જ નિમિત્તભૂત ગણવો એવું આમાંથી ફલિત થાય. મમ્મટ જે ઉદાહરણ આપે છે તેમાં એક પુરુષ પોતાની પ્રિયતમા સમક્ષ નર્મદા નદીના પ્રદેશનું વર્ણન કરે છે કે ‘કુંજના ઉત્કર્ષને કારણે જ્યાં સ્ત્રીઓના વિભ્રમ પ્રગટી ઊઠે છે, તે આ નર્મદાનો પ્રદેશ સુંદર કદલીવૃક્ષોની હારોને કારણે અતિશય શોભાવાળો બને છે; તથા સખી ! અહીં સુરતવ્યાપારમાં સહાયક એવા પવન વાય છે, જેમની આગળ એકાએક ક્રોધ કરી ઊઠેલા કામદેવ સરે છે.’ અહીં વાચ્યાર્થ તો માત્ર વાતાવરણનું વર્ણન છે, પણ એ એવી જાતનું છે કે એમાંથી પુરુષની કામવિહારની અભિલાષા વ્યંજિત થાય છે. રસવ્યંજનાનાં ઘણાં ઉદાહરણોમાં કદાચ વાચ્યાર્થના વૈશિષ્ટ્યને જ કારણભૂત માનવું પડે. ‘ભણેલાએ પરણ્યા પહેલાં છોડી–વગર ભણ્યાએ પરણીને છોડી’ એ કુમુદની ઉક્તિમાંથી એના જીવનની જે અપાર કરુણતા વ્યંજિત થાય છે, તે વાચ્યાર્થની વિશિષ્ટતાના બળે જ. એમાં સંદર્ભ જરૂરનો છે ખરો, પણ તે વાચ્યાર્થ સમજવા માટે, વ્યંગ્યાર્થ સમજવા માટે નહિ. વિભાવાદિ અને રસ વચ્ચે અવિનાભાવી સંબંધ છે. અને વિભાવાદિ છે વાચ્ય, એટલે રસવ્યંજનામાં વાચ્યની વિશિષ્ટતાને કારણે જ વ્યંગ્યાર્થ સ્ફુરે છે એમ કહેવું સયુક્તિક છે.
અર્થોની વ્યંજકતા :
વાચ્ય જ નહિ, પણ બધા અર્થો વ્યંજક છે, એટલે કે માત્ર વાચ્યમાંથી જ નહિ, પણ લક્ષ્ય અને વ્યંગ્ય અર્થમાંથી પણ વ્યંગ્યાર્થ પ્રાપ્ત થઈ શકે છે. આની પહેલાં જોયાં તે બધાં ઉદાહરણો વાચ્યાર્થમાંથી વ્યંગ્યાર્થની પ્રાપ્તિનાં હતાં. લક્ષ્યાર્થમાંથી વ્યંગ્યાર્થ પ્રાપ્ત થતો હોય તેનું ઉદાહરણ મમ્મટ નીચે પ્રમાણે આપે છે
:
साधयन्तीं सखि सुभगं क्षणे क्षणे दूनासि मत्कृते ।
सद्भावस्नेहकरणीयसदृशं तावद् विरचितं त्वया।।
પોતાના પ્રિયતમ પાસે પોતા માટે વારંવાર જતી દૂતીને નાયિકા આ પ્રમાણે કહે છે. એનો વાચ્યાર્થ એ છે કે : તું મારે ખાતર હેરાન થાય છે અને સદ્ભાવ તથા સ્નેહને છાજે તેવું આચરણ કરે છે. પણ ‘બોદ્ધવ્યવૈશિષ્ટ્ય’ને કારણે, દૂતી નાયક સાથે સંભોગ કરીને આવી છે અને એના શરીર પર એનાં ચિહનો છે એમ સમજતાં, આ વાચ્યાર્થ બાધિત થાય છે. વિપરીતલક્ષણા લેતાં સમજાય છે કે : ‘વૈરિણી, પોતાને ખાતર પ્રિયતમ પાસે જતી તું હર્ષિત થાય છે અને સદ્ભાવ અને સ્નેહને ન છાજે એવું તું કરે છે.’ આ લક્ષ્યાર્થ પણ વ્યંજક બને છે અને પોતાનો પ્રિયતમ આ દૂતી સાથે વિહાર કરીને અપરાધી બન્યો છે, એ વ્યંગ્યાર્થ સ્ફુરે છે. વ્યંગ્યાર્થમાંથી પણ વ્યંગ્યાર્થ સ્ફુરતો હોય તેનું ઉદાહરણ મમ્મટ નીચે પ્રમાણે આપે છે :
पश्य निश्चलनिष्पन्दा बिसिनीपत्रे राजते बलाका ।
निर्मलमरकतभाजनपरिस्थिता शङ्खशुक्तिरिव ।।
[જો, નિર્મલ નીલમના પાત્ર ઉપર મૂકેલી છીપની કટોરીની જેમ, પદ્મિનીની પાંદડી પર સ્થિર અને નિષ્પન્દ બગલી શોભે છે.] આનો વાચ્યાર્થ છે બગલીની સ્થિર અને નિષ્પન્દ અવસ્થા. એ વાચ્યાર્થની વિશિષ્ટતાને લીધે એવો વ્યંગ્યાર્થ પ્રાપ્ત થાય છે કે બગલી સલામતીથી, વિશ્વાસથી બેઠી છે. આ વ્યંગ્યાર્થ પણ પુન: વ્યંજક બને છે અને ‘સ્થાન જનરહિત છે’ એવો અર્થ વ્યંજિત થાય છે. આ બીજા વ્યંગ્યાર્થને પણ વ્યંજક બનતો કલ્પી શકાય, કારણ કે આ કોઈક વ્યક્તિની બીજી વ્યક્તિ પ્રત્યેની ઉક્તિ છે, એથી એનો ઉદ્દેશ ‘સંકેતસ્થાન તરીકે આ ઠીક છે’ એવું અથવા ‘તું અહીં આવ્યો જણાતો નથી’ એવું સૂચવવાનો હોય. ‘ગુજરાતનો નાથ’માં મંજરીએ કાકની પાસે પોતાને પરણ્યા પછી જૂનાગઢ મૂકી આવવાનું વચન લીધું હોય છે. બંન્ને પરણે છે, પણ એવામાં મંજરી ઉદાના હાથમાં સપડાઈ જાય છે. તેને તથા કીર્તિદેવને છોડાવવા અને કીર્તિદેવનું કુળ જાણવા કાક જે અનન્ય, અદ્ભુત પરાક્રમો કરે છે તેથી મંજરી પ્રભાવિત બને છે. આથી એ પાતાલનિવાસમાંથી છૂટ્યા પછી રાજગઢની મેડીમાં આવતાં મંજરી કાકને પૂછે છે : ‘તમે જૂનાગઢ જવાના છો?’ આનો વાચ્યાર્થ સ્પષ્ટ છે, પણ સંદર્ભ અને ‘તમે’ એ શબ્દના વૈશિષ્ટ્યને કારણે એમાંથી એવો વ્યંગ્યાર્થ સ્ફુરે છે કે ‘મારી જૂનાગઢ આવવાની હવે ઇચ્છા નથી.’ આ વ્યંગ્યાર્થ પણ પુન: વ્યંજક બની, મંજરીનો કાક પ્રત્યેનો બદલાયેલો ભાવ સૂચિત કરે છે. આમ, બધા જ અર્થો વ્યંજક બની શકે છે.