ભારતીય કાવ્યસિદ્ધાંત/ગુણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:52, 29 August 2024

ગુણ

મમ્મટ કાવ્યગુણની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે :

ये रसस्याङ्गिनो धर्माः शौर्यादय इवात्मनः ।
उत्कर्षहेतवस्ते स्युरचलस्थितयो गुणाः ।।

એટલે કે શૌર્યાદિ જેમ આત્માના ધર્મ છે, તેમ ગુણ કાવ્યના આત્મા રસના ધર્મ છે. એ રસોનો ઉત્કર્ષ કરે છે અને રસ સાથે નિયત સંબંધ જોડાયેલા રહે છે. શૌર્યાદિ ધર્મો જેમ આત્માના છે, બાહ્ય આકૃતિના નથી, તેમ માધુર્યાદિ ગુણો રસના છે, વર્ણના નહિ. સમુચિત વર્ણરચનાથી એ વ્યક્ત થાય છે એ ખરું, પણ એથી એને કેવળ વર્ણ ઉપર અવલંબતા ગણી શકાય નહિ. એટલે ગુણનું સાચું સ્થાન રસની સાથે જ, રસને અનુકૂળ થવામાં જ રહેલું છે. મમ્મટ ગુણના ત્રણ પ્રકારો આપે છે : માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ. મમ્મટના આ ગુણપ્રકારો એણે આપેલી ગુણની વ્યાખ્યાને અનુરૂપ છે; કારણ કે ગુણ રસના ધર્મો છે અને રસાસ્વાદમાં સામાજિકના હૃદયની જે ત્રણ પ્રકારની અવસ્થા થાય છે – દ્રુતિ, દીપ્તિ, અને પ્રસન્નતા – તેના પર એ આધારિત છે. દ્રુતિ એટલે गलितत्वम् – હૃદય આર્દ્ર થવું. ચિત્તને દ્રુવીભૂત કરનાર આહ્લાદકત્વને મમ્મટ માધુર્ય ગુણ કહે છે અને એને સંભોગશૃંગાર, કરુણ, વિપ્રલંભશૃંગાર અને શાન્તમાં ઉત્તરોઉત્તર વિશેષ પ્રમાણમાં રહેલ ગણે છે.૧[1] ચિત્તને વિસ્તારનાર દીપ્તિમય સ્થિતિને મમ્મટ ઓજસ કહે છે. દીપ્તિ એટલે આત્મવિસ્તૃતિ – ચિત્તનું પ્રજ્વલન. એમના મતે ઓજસ્ ગુણ વીર, બીભત્સ અને રૌદ્રમાં ક્રમશઃ વિશેષ પ્રમાણમાં રહેલ હોય છે.૨[2] સૂકા લાકડામાં જેમ અગ્નિ ફેલાઈ જાય, કે સ્વચ્છ જલ સહસા સર્વત્ર પ્રસરી રહે, તેમ ચિત્તને વ્યાપી દેતા ગુણને મમ્મટ પ્રસાદ કહે છે અને એને બધા રસોમાં રહેલો ગણે છે.૩[3] આ રીતે મમ્મટ ભિન્ન ભિન્ન રસોના ધર્મરૂપે ગુણોને કલ્પે છે. રસમાત્રનો ધર્મ ચિત્તને પ્રસન્નતા અર્પવાનો છે, પણ શૃંગારાદિ કેટલાક રસો તે સાથે ચિત્તને દ્રવીભૂત પણ કરે છે; જ્યારે વીરાદિ કેટલાક રસો ચિત્તને પ્રજ્વલિત કરે છે. અલબત્ત, આ જાતના વર્ગીકરણને જડ રીતે વળગી ન રહેવાય. મમ્મટ પોતે જ એમના પુરોગામી આનન્દવર્ધનથી ઝીણી વિગતોમાં જુદા પડે છે. ઉદાહરણ તરીકે, આનંદવર્ધને માધુર્ય ગુણને સંભોગશૃંગાર, વિપ્રલંભશૃંગાર અને કરુણમાં ઉત્તરોત્તર વધુ પ્રમાણમાં અને ઓજસને રૌદ્ર અને વીરમાં ઉત્તરોત્તર વધુ પ્રમાણમાં રહેલો કલ્પ્યો છે. વળી, ભયાનક અને અદ્ભુતરસમાંય ચિત્તની સ્થિતિ સર્વ રસોને સામાન્ય એવી પ્રસન્નતાની જ માત્ર છે એમ કહેવું એ કદાચ એ રસોના અનુભવનું અધૂરું વર્ણન છે. ગુણને રસના ધર્મો તરીકે વર્ણવવામાં આવે છે, પણ એ વ્યંજિત તો થાય છે વર્ણ, વર્ણવિન્યાસ અને સમાસથી. આથી ગૌણભાવે શબ્દગુણ, અર્થગુણ એવા શબ્દપ્રયોગ કરી શકાય એમ મમ્મટ કહે છે. ભિન્ન ભિન્ન ગુણોના વ્યંજક વર્ણાદિ મમ્મટ નીચે પ્રમાણે દર્શાવે છે : પોતાના વર્ગના અનુનાસિક સાથે સંયોગ પામેલા ‘ટ’ વર્ગ સિવાયના સ્પર્શ વ્યંજનો (જેમ કે अनङ्ग, कुञ्ज, शान्त વગેરે), હ્રસ્વસ્વરયુક્ત રકાર અને ણકાર, સમાસરહિતતા કે મધ્યમ સમાસ તથા સુકુમાર પદરચના માધુર્ય ગુણનાં વ્યંજક છે. વર્ગીય પ્રથમ અને તૃતીય વ્યંજનનો અનુક્રમે દ્વિતીય અને ચતુર્થ વ્યંજન સાથે સંયોગ (જેમ કે पुच्छ, बद्ध વગેરે), ‘ર’ની સાથે કોઈ પણ વર્ણનો સંયોગ, સમાન વર્ણનો સંયોગ અથવા દ્વિર્ભાવ (જેમ કે, वित्त વગેરે), ણકાર સિવાયના ‘ટ’ વર્ગના વ્યંજનો, શ-ષ, દીર્ઘ સમાસ તથા ઉદ્ધત-વિકટ પદરચના ઓજસ્ ગુણનાં વ્યંજક છે. સાંભળતાં વેંત અર્થબોધ કરાવનાર શબ્દો અને સમાસરચના પ્રસાદ ગુણનાં વ્યંજક છે. આમ, મમ્મટ માત્ર ત્રણ ગુણો સ્વીકારે છે અને તેના પુરોગામી વામન વગેરેએ ગણાવેલા શબ્દ અને અર્થ ઉભયના દસ ગુણ૧[4]ની સમીક્ષા કરતાં બતાવે છે કે એમાંના કેટલાક પોતે ગણાવેલા ગુણોમાં સમાવિષ્ટ થઈ જાય છે (જેમ કે, શ્લેષ, સમાધિ, ઉદારતા અને પ્રસાદ મમ્મટના ઓજસ્ ગુણમાં અને અર્થવ્યક્તિ મમ્મટના પ્રસાદ ગુણમાં), કેટલાક માત્ર દોષના અભાવરૂપ છે (જેમ કે, સૌકુમાર્ય, કાન્તિ તથા ઘણા બધા અર્થગુણો), તો કેટલાક ક્યારેક દોષરૂપ બને છે (જેમ કે, સમતા). ભામહ અને આનંદવર્ધનને અનુસરતા મમ્મટનું આ ગુણપ્રકારોનું વિવેચન પણ સંપૂર્ણપણે તાર્કિક છે એમ નહિ કહી શકાય. શ્રી રામનારાયણ પાઠક આ અંગે કહે છે કે : ‘પ્રસાદને માધુર્ય અને ઓજસની કોટિમાં ન મૂકી શકાય. માધુર્ય અને ઓજસને ઉચ્ચાર સાથે વધુ સંબંધ છે. પ્રસાદને અર્થ સાથે વિશેષ સંબંધ છે. આ ત્રણેયને એક વર્ગમાં મૂકવાનું ખાસ કારણ નથી.’ વળી, ‘કાવ્યપ્રકાશ’કારે પ્રાચીનોના ઘણા ગુણોને રદ કરીને તેના અભાવને દોષ ગણાવ્યા છે. તેવી રીતે પ્રસાદ ન હોય ત્યારે અર્થની દુર્બોધતા એને એક દોષ ગણી કાઢવો જોઈએ.’૨[5] મમ્મટે એક બાજુથી ગુણોનો સંબંધ ભિન્ન ભિન્ન રસોમાં થતી આપણા ચિત્તની સ્થિતિ સાથે કલ્પ્યો છે અને બીજી બાજુથી એને વર્ણાદિથી વ્યંજિત થતા બતાવ્યા છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ચિત્તની દ્રુતિ, દીપ્તિ આદિ જે સ્થિતિ થાય છે તે રસનિરૂપણ કે ભાવનિરૂપણને કારણે કે વર્ણ, સમાસ આદિને કારણે? એક બાજુથી ગુણને રસની સાથે ‘અચલસ્થિતિ’ માનવા અને બીજી બાજુથી એ જ ગુણોને, મમ્મટે પોતે જ જેને રસનાં અનિવાર્ય તત્ત્વો નથી ગણ્યા તેવા વર્ણો, સમાસોથી વ્યંજિત થતા માનવા, એમાં અસંગતિ પણ રહેલી છે.

કાવ્યમાં ગુણનું સ્થાન :

તો પછી કાવ્યમાં ગુણનું સ્થાન શું? – એ પ્રશ્ન ઊઠે. કાવ્યની વ્યાખ્યામાં કાવ્યને ‘शब्दार्थौ सगुणौ’ કહીને મમ્મટ ગુણને કાવ્યમાં અનિવાર્ય માનતા જણાય છે. બીજી બાજુથી ગુણની વ્યાખ્યામાં પણ રસને કાવ્યનો આત્મા કહી ગુણને એની સાથે ‘અચલસ્થિતિ’વાળા ગણાવી એને કાવ્યમાં ઠીક ઠીક મહત્ત્વનું સ્થાન એ આપે છે. પણ અમુક ગુણને વ્યક્ત કરતા વર્ણો કે સમાસો હોય, તેથી કાવ્યત્વ સિદ્ધ થાય એમ મમ્મટનું માનવું નથી. એ એક ઉદાહરણ આપે છે :

अद्रावत्र प्रज्वलत्यग्निरुच्चैः
प्राज्यः प्रोधन्नुल्लसत्येष धूमः ।1

અને કહે છે કે અહીં ઓજસ ગુણને વ્યક્ત કરતી વર્ણ, સમાસ આદિ રચના છે, પણ કાવ્યત્વ છે એમ ભાગ્યે જ કહી શકાશે; એટલું જ નહિ, મમ્મટ એક ઉદાહરણ આપે છે તેમાં ગુણ નથી, છતાં કાવ્યત્વ છે : ૧. અહીં પર્વત ઉપર અગ્નિ પ્રચંડરૂપે પ્રજ્વળે છે અને આ ધુમાડાના ગોટા ઊંચે ચડે છે.

स्वर्गप्राप्तिरनेनैव देहेन वरवर्णिनी ।
अस्या रदच्छदरसो न्यक्करोतितरां सुधाम् ।।1[6]

અહીં કાવ્યત્વ ગુણનિરપેક્ષ છે એમ મમ્મટ કબૂલે છે. એ એમાં રહેલા વિશેષોક્તિ અને વ્યક્તિરેક અલંકારને કારણે કાવ્યત્વ રહેલું ગણે છે, પણ આપણે જોઈ શકીએ છીએ કે એમાં શૃંગારરસ છે, છતાં શૃંગારરસ પોષક માધુર્ય ગુણ નથી એટલે અમુક રસ હોય ત્યાં અમુક ગુણ હોવો જોઈએ એવો આગ્રહ ઉચિત નથી. મમ્મટ પોતે પણ વક્તા, વાચ્ય અને પ્રબન્ધના ઔચિત્યને લક્ષમાં લેતાં રસને પરિપોષક ગણાવેલા વર્ણ, સમાસ આદિને બદલે બીજા પ્રકારના વર્ણ, સમાસ આદિ યોજાય એમ કહે છે. આ રીતે જોતાં ગુણને કાવ્યનું અનિવાર્ય તત્ત્વ નહિ કહી શકાય. શ્રી રા. વિ. પાઠક કહે છે તેમ ‘છંદ કરતાં તેનું વિશેષ મહાત્મ્ય નથી. વધારેમાં વધારે એટલું જ કહી શકાય કે અમુક અમુક છન્દોની જેમ અમુક અમુક ગુણો અમુક અમુક રસને વધારે અનુકૂળ છે અને કાવ્યમાં રસ મુખ્ય ન હોય ત્યારે અનુપ્રાસ જેવા શબ્દાલંકારની પેઠે તે માત્ર ઉચ્ચારનો ચમત્કાર કરે છે અને પંક્તિમાં દૃઢબંધ એટલે શ્લેષ આણે છે.’૨[7]


  1. 1. आह्लादकत्वं माधुयं शृङ्गारे द्रुतिकारणम् ।
    करुणे विप्रलंभे तच्छान्ते चातिशयान्वितम् ।।
  2. 2. दीप्त्यात्मविस्तृतेर्हेतुरोजो वीररसस्थिति ।
    वीभत्सरौद्ररसयोस्तस्याधिक्यं क्रमेण च ।
  3. 3. शुष्केन्धनाग्निवत् स्वच्छजलवत् सहसैव यः ।
    व्याप्नोत्यन्यत्प्रसाददोऽसौ सर्वत्र विहितस्थितिः ।।
  4. ૧. શ્લેષ, સમાધિ, ઉદારતા, પ્રસાદ, અર્થવ્યક્તિ, માધુર્ય, સમતા, સૌકુમાર્ય, કાન્તિ અને ઓજસ્
  5. ૨. ’કાવ્યશાસ્ત્ર’ એ લેખ : ‘બુદ્ધિપ્રકાશ’ : એપ્રિલ, ૧૯૫૬.
  6. ૧. સુંદર સ્ત્રી તો આ દેહે સ્વર્ગની પ્રાપ્તિ સમાન છે. એનો અધરરસ સુધારસને પણ તુચ્છ બનાવે છે.
  7. ૨. ’કાવ્યશાસ્ત્ર’ એ લેખ : ‘બુદ્ધિપ્રકાશ’ : એપ્રિલ, ૧૯૫૬