અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/ઘણ રે બોલે ને —: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઘણ રે બોલે ને એરણ સાંભળે હો…જી : બંધુડો બોલે ને બેનડ સાંભળે હો…જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઘણ રે બોલે ને —|ઝવેરચંદ મેઘાણી}} | |||
<poem> | <poem> | ||
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો…જી : | ઘણ રે બોલે ને એરણ સાંભળે હો…જી : |
Revision as of 11:22, 9 July 2021
ઝવેરચંદ મેઘાણી
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો…જી :
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો…જી.
એ જી સાંભળે વેદનાની વાત —
વેણે રે વેણે હો સત-ફૂલડાં ઝરે હો…જી.
બહુ દિન ઘડી રે તલવાર,
ઘડી કાંઈ તોપું ને મનવાર;
પાંચ-સાત શૂરાના જયકાર
કાજ ખૂબ ખેલાણા સંહાર :
હો એરણ બેની! — ઘણ રે બોલે ને.
પોકારે પૃથ્વીનાં કણ કણ કારમાં હો…જી :
પોકારે પાણીડાં પારાવારનાં હો…જી.
જળ-થળ પોકારે થરથરી :
કબરુંની જગ્યા રહી નવ જરી;
ભીંસોભીંસ ખાંભીયું ખૂબ ભરી
હાય, તોય તોપું રહી નવ ચરી :
હો એરણ બેની! — ઘણ રે બોલે ને.
ભઠ્ઠીયું જલે રે બળતા પ્હોરની હો…જી :
ધમણ્યું ધમે રે ધખતા પ્હોરની હો…જી.
ખન ખન અંગારે ઓરાણા,
કસબી ને કારીગર ભરખાણા;
ક્રોડ નર જીવંતા બફાણા —
તોય પૂરા રોટા નવ શેકાણા :
હો એરણ બેની! — ઘણ રે બોલે ને.
હથોડા પડે રે આજ જેના હાથના હો…જી.
તનડાં તૂટે રે આજ જેની કાયનાં હો…જી.
સોઈ નર હાંફીને આજ ઊભો,
ઘટડામાં ઘડે એક મનસૂબો :
બાળ મારાં માગે અન્ન કેરી દેગ;
દેવે કોણ — દાતરડું કે તેગ?
હો એરણ બેની! — ઘણ રે બોલે ને.
આજુથી નવેલાં ઘડતર માંડવાં હો…જી :
ખડગખાંડાંને કણ કણ ખાંડવાં હો…જી.
ખાંડી ખાંડી ઘડો હળ કેરાં સાજ!
ઝીણી રૂડી દાતરડીનાં રાજ
આજ ખંડખંડમાં મંડાય,
એણી પેરે આપણ તેડાં થાય :
હો એરણ બેની! — ઘણ રે બોલે ને.
ઘડો હો બાળક કેરા ઘોડિયાં હો…જી :
ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો…જી.
ભાઈ મારા! ગાળીને તોપગોળા,
ઘડો સુઈ-મોચીના સંચ બ્હોળા;
ઘડો રાંક રેંટુડાની આરો,
ઘડો દેવ-તંબૂરાના તારો :
હો એરણ બેની! — ઘણ રે બોલે ને.
ભાંગો, હો ભાંગો, હો રથ રણજોધના હો…જી :
પાવળડાં ઘડો, હો છોરુડાંનાં દૂધનાં હો…જી.
ભાઈ મારા લુવારી! ભડ ર્હેજે,
આજ છેલ્લી વેળાના ઘાવ દેજે;
ઘાયે ઘાયે સંભાર્યે ઘટડામાં,
ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં :
હો એરણ બેની! — ઘણ રે બોલે ને.
(સોના-નાવડી, પૃ. ૧૧૮-૧૧૯)