ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 11:47, 8 September 2024


ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટ

એમનો જન્મ સં. ૧૯૨૯માં થયો હતો. માતાનું નામ લલિતાગવરી હતું. જ્ઞાતિએ તેઓ ઉદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. માતૃપક્ષે શ્રી ચતુર્ભુજની માતાના પિતા જાની મોતીરામ જ્યોતિષશાસ્ત્રમાં અને કર્મકાંડમાં નિપૂણ હતા. એમના કુટુંબ વિષે નીચે મુજબ આખ્યાયિકા પ્રચલિત છેઃ

મૂળરાજ મહારાજ સ્થાપિત રૂદ્રમાળ પૂરો કરાવી સિદ્ધરાજે સિદ્ધપુરમાં મહારૂદ્ર કરાવ્યો, તેમાં ઔદિચ્ય બ્રાહ્મણો અધ્વર્યુ હતા; તેમને સિદ્ધપુરની દક્ષિણના ગામો અર્પણ કર્યા. તેમાંના જે માંડલમાં વસ્યા તે માંડલીઆ રાવળ કહેવાયા. માંડલ ઉપરાંત તેમાંના કેટલાક વિરમગામમાં તેમજ ઇડરવાડાના ગામેમાં જઈ વસ્યા. આ કર્મકાંડીઓ ભટ્ટની અટકથી ઓળખાયા. આ માંડલીઆ રાવળ કુટુંબના આંબોભટ નામના પુરુષ બારડોલીમાં આવી રહ્યા. શીતળા સપ્તમીને દિવસે મૃત્યુ પામી પુનર્જીવિત થઈ વંશવૃદ્ધિ તેમણે કરેલી એવી આખ્યાયિકા ચાલતી હોવાથી હજુ પણ બારડાલીના માંડલીઆ રાવળનાં દોઢસો ઘર શીળી સાતમને દિવસે તેમનું સ્મરણ કરે છે; એજ કુટુમ્બમાં અંબારામ ભટ્ટ થયા, જે ધાર સ્ટેટના દિવાન થયા. તે કુટુંબમાં કલોભટ થયા, જે ઈડર સ્ટેટમાં પ્રખ્યાત થયા.

શ્રી ચતુર્ભુજના પિતા માણકેશ્વરજી મુંબાઇમાં મોટા વરામાં રસોઈ કરવા જતા અને ફુરસદનો સઘળો સમય પ્રસિદ્ધ કથાકાર જયકૃષ્ણ મહારાજની કથામાં ગાળતા. તેમને ત્રણ પુત્રો હતા. આ ત્રણ પુત્રોને ઉછેરવા ઉપરાંત ખર્ચાળ જમાનામાં કેળવવા એ તેમની આર્થિક શક્તિ બહાર હતું. ચતુર્ભુજને તેમણે મુંબાઇ બોલાવી અંગ્રેજી ભણવા બેસાડ્યા; પણ ખર્ચ ભારે થઈ પડ્યું. જયકૃષ્ણ મહારાજના શ્રોતાભક્ત સુરતી શેઠ ચુનીલાલ ખાંડવાળાએ ચતુર્ભુજને મદદ કરવા માંડી, અને પાછળથી તેમના પુત્ર ડૉ. તુળજારામ ખાંડવાળાની સંપૂર્ણ સહાયતાથી ચતુર્ભુજે સન ૧૮૯૨માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. પછી સન ૧૮૯૯માં હાઇકોર્ટ વકીલની પરીક્ષા પાસ કરી.

વિદ્યાર્થી તરીકે તેઓ પંકાયેલા હતા. વર્ગમાં તેમનું સ્થાન ઉંચું રહેતું; એટલુંજ નહિ પણ ભવિષ્યના વક્તા અને લેખકની ઝાંખી તેમને કિશોરવયમાંજ કરાવેલી જણાય છે. અમદાવાદ મિશન હાઇસ્કુલના પ્રિન્સિપાલ મી. એન્ડરસને લખેલું “મારા વર્ગના ઉત્તમ વિદ્યાર્થીઓમાં શ્રી ચતુર્ભુજ એક છે.” વકતા તરીકે તે સારી છાપ પાડે છે. મેટ્રીકમાં પાસ થયેલા ત્યારે કવીશ્વર દલપતરામે લખેલું “તમે તીવ્ર બુદ્ધિવાળા છો, માટે કેળવણી પામીને ઇડર રાજ્યમાં એક રત્ન નિવડશો.” લૉ વર્ગના પ્રિન્સિપાલ મી. સંતોકે લખેલું “I have the highest opinion about Mr. Bhatt's intelligence –મી. ભટ્ટની બુદ્ધિ ઇ. બાબતમાં મારા અભિપ્રાય ઉંચો છે.”

તે પછી ઈડરના મહારાજાધિરાજ સર કેસરીસિંહજીએ તેમને સ્ટેટ મુન્સફની જગા આપી હતી. સન ૧૯૦૧ના માર્ચ માસના અરસામાં ઈડર સ્ટેટે તેમની નોકરી છ માસની મુદતને માટે નામદાર ઇંગ્રેજ સરકારને ઉછીની આપી, ત્યારે તેમને અમદાવાદ રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થયલો. તે રીચીરોડ પર સ્વ. ડાહ્યાભાઈ સેક્રેટરીના મકાન પાસે શા. ઉમેદરામ કાલિદાસના મકાનમાં તે વખતે રહેતા હતા. અહિં “ગુજરાતીપંચ”ના અધિપતિ અને માલિક શ્રીયુત સોમાલાલ મંગળદાસ શાહ સાથે પડોશમાં રહેતા હોવાથી મિત્રતા થયલી.

ઇડર સ્ટેટની દશ વર્ષની નોકરી દરમિયાન તેઓ સેશન્સ જડજ સુધીના હોદ્દે પહોંચેલા અને કાર્યદક્ષતા માટે પંકાયેલા, ત્યાર બાદ સાત વર્ષ તેમણે મહિકાંઠા એજન્સીમાં વકિલાત કરી. તંદુરસ્તી આદિ કારણો માટે કંઈક નિવૃત્તિ મેળવવાની સલાહ મળતાં તેઓ માણસા સ્ટેટના દિવાન નિમાયા. હાલ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી તેઓ દાંતા (ભવાનગઢ) રાજ્યના મુખ્ય દિવાનના પદે છે.

એમનાં પુસ્તકોની યાદી:

ઇંગ્રેજી ભણીને શું કરવું? ૧૮૮૯

શુરવીર રાયસિંહ ૧૮૯૧
પદ્માકુમારી વા આધુનિક નાટકોનો ઉદ્દેશ શો દેખાય છે તે
શો હોવો જોઈએ?
બાળગીત
સ્ત્રીગીતા અથવા વીજળી ગામડીયણ ૧૯૦૪
[‘ગુજરાતીપંચ’ની ભેટ]
રત્નગ્રંથી ૧૯૧૦
સુવર્ણકુમારી [‘ગુજરાતી પંચ’ની ભેટ.] ૧૯૧૪
નિર્મળા [ “ “ ] ૧૯૨૪