ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ચન્દ્રશંકર નર્મદાશંકર પંડ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:41, 9 September 2024


ચન્દ્રશંકર નર્મદાશંકર પંડ્યા,

બી. એ., એલએલ. બી., ઍડવોકેટ, હાઈકોર્ટ.

એઓ નડિઆદના વતની છે અને જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ છે. ત્હેમનો જન્મ નડિઆદમાં વડનગરા નાગર બ્રાહ્મણ કુટુમ્બમાં વિ. સં. ૧૯૪૦ના જ્યેષ્ઠ કૃષ્ણ ૮મી, ઈ. સ. ૧૮૮૪ના જ્યૂનની ૧૬મી ને, સોમવારે થયો હતો. ત્હેમનું કુટુમ્બબી. એ., એલએલ. બી., ઍડવોકેટ, હાઈકોર્ટ. નડિયાદની નાગરી નાતમાં એક પ્રતિષ્ટિત અને શ્રીમંત કુટુમ્બ ગણાય છે. ત્હેમના દાદા મણિશંકર ગિરિજાશંકર પંડ્યાની તથા ત્હેમના પિતા નર્મદાશંકર મણિશંકર પંડ્યાની ગામમાં તથા નાતમાં સારી પ્રતિષ્ઠા હતી અને તેઓ બન્ને અનેકને સલાહનું સ્થાન હતા. ત્હેમનાં માતુશ્રી જતનલક્ષ્મી સાક્ષરશ્રી દોલતરામ કૃપારામ પંડ્યાના શબ્દોમાં “વ્હાલની વેલ” સમ હતાં અને ગામમાશી તરીકે સેવામય જીવન ગાળતાં. રા. ચન્દ્રશંકરને એમના પિતા તરફથી વારસામાં શાણપણ અને કાર્યકુશલતા મળ્યાં છે તો એમનાં માતા તરફથી વ્હાલસોયો સ્વભાવ અને સેવાપરાયણતા મળ્યાં છે.

બાળપણથી જ તેઓ જ્યાં જાય ત્યાં ભાત પાડે એવા પાણીદાર હતા. તેઓ નવું નવું જાણવામાં તેમ રમવામાં બન્નેમાં એક્કો હતા. તેથી “ફૂલીયા જમાદાર” નામે ઓળખાતા. ન્હાનપણમાં બહુ તોફાની અને રમતીયાળ હતા. ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસ નડિઆદમાં જ કર્યો હતો.

એઓ મૅટ્રિક્યુલેશન ક્લાસમાં સુપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી શ્રીયુત કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીના પ્રિય પટ્ટશિષ્ય હતા તેમજ ત્હેમના શિક્ષકો અને સહાધ્યાયીઓનો પ્રેમ પણ સંપાદન કરેલો.

એમનું લગ્ન ઇ. સ. ૧૮૯૬માં કાદંબરીના અનુવાદક સાક્ષર શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાનાં જ્યેષ્ટ પુત્રી શ્રીમતી વસન્તબા સાથે થયું હતું. માતુલપક્ષમાં શ્રીયુત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી શ્રીમતી વસન્તબાના મામા થાય. ગોવર્ધનરામભાઈએ “સરસ્વતીચન્દ્ર”ના તૃતીય ભાગનું અર્પણ પોતાનાં દ્વિતીય ભગિની સૌ. સમર્થલક્ષ્મીની સ્મૃતિને કરેલું છે. આ સંયોગોમાં આશ્ચર્ય નથી કે શ્રીમતી વસન્તબા સંસ્કારી હોય. રા. ચન્દ્રશંકરનો અને શ્રીમતી વસન્તબાનો વિવાહ બન્ને પોતપોતાની માતાના ઉદરમાં ગર્ભ રૂપે હતાં ત્યારે તાત્કાલીન પદ્ધતિ પ્રમાણે થયો હતો. બન્નેય બાલપણથી એકબીજા સાથે રમતાં અને તેથી ન્હાનપણથી જ એકબીજામાં પ્રેમબીજ રોપાયલાં અને પોષાયલાં.

એમનામાં સાહિત્યપ્રીતિના અંકુર બાળપણથી હતા. “બુદ્ધિપ્રકાશ”ની જૂની ફાઈલો વાંચતાં વાંચતાં ત્હેમને તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં હતા ત્યારે નિબંધ લખવાની પ્રથમ વૃત્તિ થયેલી અને તેથી પોતાના ગામ નડિઆદમાં તાબૂતનું સરઘસ જોઈ “તાબૂત” વિષે પહેલો નિબંધ લખ્યો હતો. તેઓ અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારે ત્હેમણે નાટક લખવા ને કવિતાઓ રચવા માંડેલી. ત્હેમનું પહેલું ભાષણ પણ તેજ અરસામાં “શ્રી નડિઆદ વડનગરા નાગર યુવક મંડલ”માં કરેલું અને પોતાના વક્તત્વની છટાથી શ્રોતાઓને ચકિત કરી નાંખેલા. હાઇસ્કૂલના ત્હેમના એક મુખપાઠનું શ્રવણ કરીને સાક્ષર શ્રી કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ પ્રસન્ન થઈને ભવિષ્ય ભાખેલું કે “ચન્દ્રશંકર આગળ જતાં જરૂર મ્હોટા વક્તા થશે.”

ઇ. સ. ૧૮૯૮માં ગોવર્ધનરામભાઈ હાઇકોર્ટની વકીલાત છોડી નડિઆદ રહેવા આવ્યા ત્યારથી તે ત્હેમના નિકટ સંસર્ગમાં આવતા થયા અને ત્હેમનો તે સંબંધ ઇ. સ. ૧૯૦૭ના જાન્યુઆરીમાં ગોવર્ધનરામભાઈના અવસાન સુધી રહ્યો. ગોવર્ધનરામભાઈને ચન્દ્રશંકર ઉપર અત્યંત પક્ષપાત હતો અને ત્હેમને ઘણુંખરું પોતાની પાસે જ રાખતા અને સાથેજ ફેરવતા. ચન્દ્રશંકરના આત્મવિકાસમાં ગોવર્ધનરામનું અર્પણ જેવું તેવું નથી. એમની સાત્ત્વિક ઉચ્ચાભિલાષિતા અને વિચારોની પરિપક્વતા મહદંશે ગોવર્ધનરામભાઈ સાથેના નિકટ સંસર્ગને આભારી છે.

શ્રીયુત ગોવર્ધનરામ ઉપરાંત શ્રીયુત મનઃસુખરામના નિકટ સંસર્ગમાં પણ તેઓ પુષ્કળ આવેલા–ખાસ કરીને કૉલેજના અરસામાં વધારે, ત્હેમની અસર પણ ચન્દ્રશંકરની મનોરચનામાં ઘણી થયેલી.

એકંદરે, ચન્દ્રશંકર ઇ. સ. ૧૯૦૦માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં પહેલે પ્રયાસે પાસ થયા ત્યાં સુધીમાં અનેક દેશીય સંસ્કારી જીવનનાં બીજ ત્હેમનામાં રોપાયલાં દૃષ્ટિગોચર થવા માંડ્યાં હતાં. રમતગમતોમાં તેમ જ વિવાદમંડલોમાં તેઓ અગ્રેસરપદ ભોગવતા–જેમ વર્ગમાં અભ્યાસમાં ભોગવતા તેમ.

ત્હેમનું કૉલેજ–જીવન પણ ઉજ્જવલ અને સફલ હતું. તેઓએ મુંબાઇની એલ્ફિન્સ્ટન કૉલેજ તથા જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. જેવી ત્હેમની સજ્જનતાની તેવી જ ત્હેમની સ્વતંત્રતાની છાપ ત્હેમના પ્રોફેસરો અને સહાધ્યાયીઓ ઉપર તેઓએ પાડી હતી. મૅથેમૅટિક્સ વિના ત્હેમના બીજા વિષયો પાકા હતા અને ત્હેમાં પણ ત્હેમનું અંગ્રેજી અને સંસ્કૃતનું જ્ઞાન ખાસ સારું ગણાતું. કૉલેજમાં ત્હેમનું નિબન્ધલેખન ખાસ પ્રશંસાપાત્ર ગણાતું અને ત્હેમાં તેઓ ઉંચે નંબરે આવતા. ક્રીકેટ, ટેનિસ, ફૂટબોલ વગેરેનો તેમ જ દેશી રમતોનો ત્હેમને ખૂબ શોખ હતો. તેઓ “નૉર્થકોટ શીલ્ડ”માં પોતાની કૉલેજ તરફથી રમતા. બી. એ.માં ત્હેમનો ઐચ્છિક વિષય ન્યાય અને તત્ત્વજ્ઞાન હતો. તેઓ ઇ. સ. ૧૯૦૬માં બી. એ.માં સેકન્ડ ક્લાસમાં ઉંચે નંબરે પાસ થયા હતા.

એમ. એ. માં કેમિસ્ટ્રી લઈ પ્રો. ગજ્જરની ટેકનોકેમિકલ લૅબોરેટરીમાં અભ્યાસ કરેલો, પરન્તુ નાદુરસ્ત તબિયતે ત્હેમને પરીક્ષામાં બેસવા દીધેલા નહિ. એમ. એ.નો અભ્યાસ કરતે કરતે તેઓ સાથે સાથે એલએલ. બી.ની ટર્મ્સ રાખતા. ઇ. સ. ૧૯૧૩માં તેઓ એલએલ. બી. થયા.

એમના જીવનમાં તેઓ બી. એ. થયા ત્યારથી હોમરૂલ લીગની ચળવળમાં અતિશ્રમ યુક્ત અગ્રેસર ભાગ લેવા જતાં દમની બીમારીના કાયમી ભોગ થઈ પડ્યા ત્યાં સુધીનો સમય–દસકો–વધારેમાં વધારે અગત્યનો છે. ઇ. સ. ૧૯૦૭થી ઇ. સ. ૧૯૧૭નો દસકો ત્હેમાં ઇ. સ. ૧૯૦૭થી ઇ. સ. ૧૯૧૩ સુધીનો પૂર્વાર્ધ અને ઇ. સ. ૧૯૧૪થી ઇ. સ. ૧૯૧૭ સુધીનો ઉત્તરાર્ધ, હાઇસ્કૂલ અને કૉલેજમાં અભ્યાસ કરતે કરતે ત્હેમણે જે અનેક દેશીય શક્તિઓ બીજરૂપે દર્શાવેલી તે ઇ. સ. ૧૯૦૭થી ઇ. સ. ૧૯૧૭માં સર્વનું લક્ષ ખેંચે એમ પ્રકટ અને પ્રફુલિત થઈ.

તેઓ સિનિયર બી. એ.નો અભ્યાસ એલ્ફિન્સ્ટન કૉલેજમાં ૧૯૦૫માં કરતા હતા ત્યારથી ત્હેમણે “સમાલોચક” ત્રૈમાસિકનું તંત્ર પોતાના હાથમાં લીધું હતું. “સુમન–સંચય” નામની લેખમાલા તેઓ “તન્મય” ઉપનામથી લખતા. તે ઉપરાંત ચરિત્રકો, નોંધો, લેખો વગેરે લખતા. તે અરસામાં ત્હેમણે કાવ્યો પણ રચવા ને પ્રકટ કરવા માંડ્યાં હતાં. ટૂંકામાં, તેઓ કૉલેજમાં હતા ત્યારથી જ બી. એ; થતા પૂર્વે લેખક તરીકે અને વક્તા તરીકે ક્રમે ક્રમે જાણીતા થતા હતા.

બી. એ. થયા પછી ત્હેમના લેખો અને ત્હેમનાં કાવ્યો “સમાલોચક”, “વસન્ત”, “સુન્દરી સુબોધ” વગેરે તે વખતનાં શિષ્ટ માસિકોમાં તેમ જ “ગુજરાતી”, “પ્રજાબન્ધુ”, “ગુજરાતી પંચ”, “સાંજવર્તમાન”, “મુંબાઇસમાચાર”, “હિન્દુસ્તાન” વગેરેના ખાસ અંકોમાં પ્રકટ થતાં અને રસથી વંચાતાં. ત્હેમના લેખોના વિચારોની પરિપક્વતા અને વ્યાવહારિકતા જેટલું લક્ષ ખેંચતાં તેટલી જ ત્હેમની શૈલીની સંસ્કારિતા અને ઓજસ્વિતા ધ્યાન ખેંચતાં.

તેઓ માત્ર લેખક અને વક્તા જ ન હતા, પરંતુ અનેકદેશીય સાર્વજનિક કાર્યકર્તા હતા. તે દસ વર્ષમાં એવી સાર્વજનિક પ્રવૃત્તિ મહાગુજરાતમાં ભાગ્યે હશે, જેમાં તેઓએ અગ્ર ભાગ નહિ લીધો હોય. કૉંગ્રેસમાં ખરા, કૉન્ફરન્સોમાં ખરા, પરિષદોમાં ખરા, સંમેલનોમાં ખરા, સભાઓમાં ખરા. તેઓની સાહિત્ય ભક્તિ જેવી ઉચ્ચ ભૂમિકાની અને જ્વલંત છે તેવી જ ત્હેમની રાષ્ટ્રભક્તિ છે. ઇ. સ. ૧૯૦૭થી ઇ. સ. ૧૯૧૭ સુધી મુંબાઇમાં “ધી યુનિઅન” અને “શ્રી ગુર્જર સભા” સ્થાપી ત્હેમણે ગુજરાતી યુવાનોને એકત્ર કરી તૈયાર કરવા માંડ્યા હતા. ગાંધીજી પધાર્યા પૂર્વે મુંબાઇમાં અને ગુજરાતમાં “ગુર્જરસભા” એક પ્રેરકસંસ્થા હતી અને ત્હેના મુખ્ય સંયોજક ચન્દ્રશંકર હતા.

અનેક દેશીય પ્રવૃત્તિઓએ, ત્હેમનાં પત્નીના અને ત્હેમના પોતાના મંદવાડોએ, ચન્દ્રશંકરને પોતાની શક્તિઓના પ્રમાણમાં પુસ્તકોના સ્થાયી રૂપમાં ઝાઝું લખવા દીધું નથી. તેમનાં પ્રિયપત્ની સૌ. વસન્તબા ઇ. સ. ૧૯૧૬ના ઑગસ્ટમાં ગુજરી ગયા. ત્હેમની સ્નેહમય સારવારમાં ચન્દ્રશંકરે પોતાના વકીલાતના ધંધાનો ભોગ આપ્યો હતો. પોતાની પ્રવૃત્તિઓનો ભોગ આપ્યો હતો, પોતાની તંદુરસ્તીનો ભોગ આપ્યો હતો. પોતાનાં પ્રિય પત્નીના અકાલ અવસાને ત્હેમના જીવનમાં જે શૂન્યતા ઉત્પન્ન કરી છે તે એમના જેવા સ્નેહોપજીવી આત્મા માટે અણપૂરાયલી જ રહેશે. ઇ. સ. ૧૯૧૭ના એપ્રિલમાં ત્હેમના પૂજ્ય પિતાજી સ્વર્ગસ્થ થયા તેથી પણ ત્હેમને તીવ્ર હૃદયાઘાત થવા ઉપરાંત તેમના ઉપર ગૃહવ્યવહારનો ભાર આવ્યો. ઇ. સ. ૧૯૧૭માં હોમરૂલની ચળવળ પ્રસંગના અતિશ્રમથી ત્હેમને ઇ. સ. ૧૯૧૮ના જાન્યુઆરીથી દમનું દર્દ લાગુ પડ્યું છે; જેમાંથી છેલ્લાં બાર વર્ષ થયા તેઓ છૂટા થઈ શક્યા નથી. ત્હેમના લાંબા અને અશક્તિકારક મંદવાડે અને ત્હેમની કૌટુમ્બિક વિપત્તિએઓ ત્હેમના જીવનને ચૂંથી નાંખ્યું છે અને તેથી ત્હેમને માટે રાખવામાં આવેલી આશાઓ હજી સિદ્ધ થઈ શકી નથી.

ઇ. સ. ૧૯૧૪માં ત્હેમનાં ટૂંકાં ટૂંકાં ને મીઠાં મીઠાં કાવ્યોનો સંગ્રહ સયુચિત નામથી “સ્નેહાંકુર” રૂપે પ્રકટ થયો. રા. ચન્દ્રશંકરમાં દલપતરામની સરલતા અને દલપતરામની પ્રવાહિતા છે, કલાપીની ભાવમયતા છે. જો તેઓ વધારે અને વારંવાર લખી શકતા હોત તો ત્હેમનાં કાવ્યોની સરલતા, પ્રવાહિતા, મનોરંજકતા, હૃદય સ્પર્શશિતા ત્હેમને તેઓ છે ત્હેમના કરતાં વધારે લોકપ્રિય બનાવત.

હાલમાં ત્હેમનાં પચીસેક કાવ્યોની સુન્દર એકાવલિ “કાવ્ય કુસુમાંજલિ” નામે આપ્ત મંડલમાં વહેંચાઈ હતી અને તે અનેક અનુકૂલ અભિપ્રાયો માટે નિમિત્ત થઈ હતી.

જેમ “રા. ચન્દ્રશંકર લેખક તરીકે વધારે સફલ કે વક્તા તરીકે” એ એક એમના સંબંધમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે તેમ એ પણ વારંવાર પૂછાતો બીજો પ્રશ્ન છે કે “તેઓ કવિ તરીકે વધારે સફલ કે ગદ્ય લેખક તરીકે” એવા પ્રશ્નો પૂછાયાં જ કરવાના અને યથારૂચિ એના જવાબો અપાયે જવાના. રા. ચન્દ્રશંકરે (૧) નિબંધ, (૨) વિવેચન, (૩) ચરિત્ર, (૪) કથા એ ચારે પ્રદેશોમાં ગદ્યલેખન કરેલું છે, ત્હેમની ગદ્યશૈલિ અનેકરંગી છે. તેઓને ભાષા વશવર્તિની છે. જેમ ભાષણમાં તેમ લેખનમાં તેઓ પ્રસંગ પરીક્ષક હોઈ પ્રસંગ રક્ષક છે. જેવો પ્રસંગ તેવું ભાષણ; જેવો પ્રસંગ તેવો લેખ. શું બોલતાં કે શું લખતાં ત્હેમને ખાસ તૈયારી કરવી પડતી નથી. તેમના સામયિક પત્રોમાં વેરાયેલા ગદ્ય લેખો એકત્ર થાય તો તે એક ઉપયોગી સંગ્રહ થઈ પડે. હાલ તો માત્ર તેમની “પાંચ પ્રેમકથા” અને “પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર તથા તેમના લેખો” પુસ્તકરૂપે પ્રકટ થયેલ છે.

એમનાં નવાં પત્ની શ્રીમતી સુધાદેવીએ પણ એમની સાથે સંસ્કાર–સહકાર કરી લોકસેવા આદરી છે.

એમનાં પુસ્તકોની યાદી:

સ્નેહાંકુર સન ૧૯૧૫
પાંચ પ્રેમકથાઓ ”  ૧૯૧૬
પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવન ચરિત્ર. ”  ૧૯૧૭
કાવ્ય કુસુમાંજલિ ”  ૧૯૩૦