નારીસંપદાઃ નાટક/કુમારદેવી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 638: Line 638:
|next = ઘર લખોટી
|next = ઘર લખોટી
}}
}}

Latest revision as of 02:35, 12 September 2024

2
કુમારદેવી

ભારતીય ઇતિહાસના સુવર્ણયુગનું
— : એક નાટક : —

લીલાવતી મુનશી


આ નાટકમાંનો કોઈ પણ ભાગ કે આખું નાટક ભજવતી વખતે કે
કોઈ અન્ય પ્રકારે એનો ઉપયોગ કરતી વખતે
કર્તાની પૂર્વસંમતિ
આવશ્યક છે.


આવૃત્તિ પહેલી : ૧૯૩૦
આવૃત્તિ બીજી : ૧૯૪૪


પ્રકાશક :
શંભુલાલ જગશીભાઈ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગાંધીરસ્તો : અમદાવાદ.


મુદ્રક :
પટેલ મગનભાઈ છોટાભાઈ દેસાઈ
શ્રી વીરવિજય પ્રિન્ટીંગ પ્રેસ.
સલાપોસ ક્રોસરોડ, : અમદાવાદ



પ્રગતિને પંથે જતી
ગુજરાતની સ્ત્રીશક્તિને –



પાત્રો

ચંદ્રગુપ્ત (પહેલો)...... પ્રથમ યુવરાજ ને પછી ગુપ્ત સમ્રાટ
શ્રીકંઠ ...... કવિ
સોમશર્મા ...... અમાત્ય
વિષ્ણુનંદન ...... અમાત્ય
માલ્યવાન ...... સામંત
સુમેરુ ........... સામંત
સુશ્રુત .......... સામંત
આનંદ ........ સેનાપતિ
મરીચિ ........ સૈનિક
કાત્યાયન....... સૈનિક
ઇંદ્રજિત ...... સંદેશવાહક
સુધન્વા..... કૌશલવાસી વટેમાર્ગુ
દેવદત્ત...... કૌશલવાસી વટેમાર્ગુ
વિલોચન ....... ગુપ્તમંડળીનો સભ્ય
કુમારદેવી ..... પ્રથમ લિચ્છવી કન્યા ને પછી ગુપ્ત મહારાણી
વિજયા ..... કુમારદેવીની દાસી
મધુમતી ..... ચંદ્રગુપ્તની રાણી
માધવી ...... મધુમતીની દાસી

આ ઉપરાંત ચારુદત્ત, હર્ષનંદી, દશાર્ણભદ્ર, નંદીવર્ધન, યશોવર્ધન, જયવર્ધન તથા યોદ્ધાઓ, શહેરીઓ, સ્ત્રીઓ, સૈનિકો, ગાયકો, સાદ પાડનાર, ચોર, બંદીજન, પ્રતિહારી, વારાંગના, રથિક, રાજ્યપુરુષ વગેરે.

આમુખ

ભારતના ઇતિહાસમાં ઘણી સ્ત્રીઓ અમર થઈ છે, પણ ચંદ્રગુપ્ત મૌર્ય પછી સાડીછસો વર્ષે થયેલા પ્રથમ ગુપ્તસમ્રાટ ચંદ્રગુપ્ત પહેલાની મહારાણી કુમારદેવીનું સ્થાન ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. ઇતિહાસ ગુપ્તસમયને સુવર્ણયુગનું નામ આપે છે અને આદર્શ રાજ્ય પરત્વે જેવી રામરાજ્યની આપણી કલ્પના છે, એ જ રીતે ઇતિહાસને જાણીતો હોય એવો સારામાં સારો પ્રાચીન સમય આ જ ગણાય છે. સિંધુથી બ્રહ્મપુત્રા અને નર્મદાથી હિમાલયની તળેટી સુધી આ મહારાજ્ય વિસ્તરેલું હતું, અને એક એકથી ચડે એવા પિતાપુત્રોને લીધે એ વંશમાં એ મહારાજ્ય કેટલાંયે વર્ષો સુધી ટક્યું હતું. કુમારદેવી,ચંદ્રગુપ્ત પહેલાની પત્ની અને ચક્રવર્તી સમુદ્રગુપ્તની માતા હતી અને લિચ્છવીકુલમાં જન્મેલી હતી. એ કેવી હતી, અને એણે શું શું કર્યું એ કોઈને જાણવામાં નથી; પણ એની સત્તા અને મહત્તાનો ખ્યાલ એક જ રીતે આ૫ણને આવી શકે છે : અને તે મહારાજા ચંદ્રગુપ્તના અને સમુદ્રગુપ્તના સિક્કાઓ ઉપરથી જ. મહારાજા ચંદ્રગુપ્તના સિક્કાઓમાં અર્ધસ્થાન એનું છે, જે માન બીજી કોઈ સામ્રાજ્ઞી હિંદમાં પામી નથી. અને ચક્રવર્તી સમુદ્રગુપ્ત પોતાના સિક્કાઓમાં પોતાની જાતને મહારાણી કુમારદેવીના પુત્ર તરીકે ઓળખાવે છે, તે પણ એ કેટલી શક્તિશાળી અને મહાન મનાતી હશે તેનો પુરાવો આપે છે. હિંદુસ્થાનના ચક્રવર્તી સમા આ બંને નરેશોના સમયમાં હિંદુસ્થાનના ઇતિહાસમાં બીજી કોઈ સ્ત્રીને ન મળેલું એવું એનું સ્થાન હશે તે આ ઉપરથી ચોક્કસ લાગે છે. મહારાણી અને રાજ્યમાતા તરીકે એ ઘણી જ પ્રબળ અને પ્રતાપી હોવી જોઈએ. બીજી એક નોંધવા જેવી બીના છે તે એ કે, હિંદુસ્થાનના ઇતિહાસમાં લિચ્છવીઓનું રાજ્ય, પ્રજાસત્તાક રાજ્ય હતું એમ માનવાને કારણો મળે છે અને કુમારદેવી લિચ્છવી જાતિની હતી અને લિચ્છવીઓની મદદથી ચંદ્રગુપ્ત રાજ્યો જીત્યો હતો એવો સ્પષ્ટ ઉલ્લેખ ઇતિહાસમાં છે. આ હકીકતોની મેળવણી પર આ નાટક રચાયું છે. સ્થળોની, નામોની કે બીજી કંઈ ભૂલો ઐતિહાસિક દૃષ્ટિએ તેમાં રહી ગઈ હશે, તો વાચકો દરગુજર કરશે એવી આશા રાખું છું.

લીલાવતી મુનશી— ૧૯૩૦

કુમારદેવી

[નાટક]

અનુક્રમ

અંક ૧ બે જણા
૨ અસંતોષ ૧૯
૩ પહેલી તક ૩૫
૪ પ્રભાવ ૪૮
૫ અમરતા ૬૦


અંક પહેલો
બે જણા

[વૈશાલીના દુર્ગ બહાર પચાસ શિબિરોની હાર એક મોટા મેદાનમાં પથરાયેલી છે. મગધનો યુવરાજ ચંદ્રગુપ્ત વૈશાલીના આતિથ્યનો લાભ ત્યાં લઈ રહ્યો છે. પ્રહર રાત્રિ વીતી ગઈ છે. વદી પંચમીને લીધે ચંદ્રમાનો પ્રકાશ હજી ઓળા પાડતો નથી, પણ શિબિરો પરના સુવર્ણકળશો અંધકારને વીંધવાના પ્રયત્નમાં તારકગણ સાથે સ્પર્ધા કરી રહ્યા છે. ગંડકી નદીનાં નીર થોડે દૂર નાના સાંકડા પટમાં વહે છે, અને તેની બંને પાસ વિસ્તીર્ણ રેતીના પટો આવી રહ્યા છે. અંધકારમાં લપાતાં હોય તેમ કોઈકોઈ વૃક્ષો દૂરની કિનારી પર દેખાય છે. તંબૂઓની આસપાસ બે પહેરેગીરો ખુલ્લી કૃપાણો સાથે આંટા મારે છે. તંબૂઓમાંથી દીપકોનો પ્રકાશ ઝરે છે, ને માનવોનો સ્વર સંભળાય છે. યુવરાજ ચંદ્રગુપ્ત વચલા તંબૂમાં પોતાની નાનીશી સભા ભરી આખા દિવસના બનાવોની ચર્ચા કરવામાં મશગૂલ છે. એનું વય લગભગ ત્રીસની આસપાસનું છે. એની કાઠી પહોળી અને કદાવર છે. એની આંખો મીઠી, લુચ્ચી અને પ્રતાપી છે] સુશ્રુત : યુવરાજ ! વૈશાલીનો વૈભવ જોઈ હું તો છક્ક થઈ ગયો. આનંદ : ને એમનું રાજ્યતંત્ર ? આપણે તો ધારતા હતા કે જ્યાં રાજા નહીં ત્યાં રાજ્ય શું ? પણ આ પ્રજાનું રાજ્ય રાજાના રાજ્યથીયે સુંદર ચાલે છે. શ્રીકંઠ : કુમારશ્રી ! મારી મતિ તો અહીંની સ્ત્રીઓ જોઈને કુંઠિત થઈ ગઈ છે. નહીં અંતઃપુર, નહીં લજ્જા, નહીં ભય; જ્યાં જવું હોય ત્યાં જાય. જે ધારે તે કરે, જેમ ફાવે તેમ રહે. આ તે સ્ત્રીઓ કે પુરુષો ? આનંદ : ખરે, અદ્ભુત દેશ છે. શ્રીકંઠ : કે ગાંડો ? [ચંદ્રગુપ્ત કોઈને ઉત્તર આપ્યા વિના તકિયા પર આમતેમ આળોટે છે] સુમેરુ : કુમાર ! આ સૌ તો ઠીક પણ અહીંની ધનુર્વિદ્યા જોઈને તો ચકિત થવાય એવું છે. શ્રીકંઠ : ને તેમાંયે સ્ત્રીઓ ખરી. પુરુષો હવે કંકણ કાં નથી વસાવતા ? આનંદ : (મજાકમાં) કવિ ! બેચાર કાવ્યો એના પર લખી નાંખો. તમારી કલ્પનાને ઉત્તેજે એવું આ બધું છે. શ્રીકંઠ :કાવ્યો ? ને તે આ સ્ત્રીઓ પર ? તાપમાં રખડવાથી શ્યામ થયાં છે મુખ જેનાં; ધનુરની દોરીથી કઠણ થયા છે હસ્ત જેના, ભમી ભમીને કૃશ થઈ છે જંઘા જેની... એવું એવું ? ના, ના, મારી કલ્પના તો મગધની સુંદરીઓથી જ ઉત્તેજાય છે. ચંદ્રગુપ્ત : (અત્યાર સુધી વગર બોલે સાંભળે છે તે ધીરે રહીને) કવિરાજ, રૂપ કંઈ માત્ર વર્ણમાં જ વસે છે ?અને લાલિત્ય, છટા, પ્રમાણ, ગૌરવ અહીંની સ્ત્રીઓ જેવાં બીજે ક્યાં જોયાં છે ? આનંદ :(ધૃષ્ટતાથી) યુવરાજ ! સંભાળજો. હૃદય વીંધાવાની તૈયારી થાય છે. સુશ્રુત : તું શું જાણે ?એ તો ક્યારનુંયે વીંધાઈ ગયું. આનંદ :(આશ્ચર્ય બતાવી) ક્યારે ? સુશ્રુત : (યુવરાજ તરફ અર્થભરી દૃષ્ટિ નાંખતો) ધનુર્વિદ્યાના અખાડામાં પેલી સુંદરીએ પક્ષી વીંધ્યું ત્યારથી. [ચંદ્રગુપ્ત માત્ર સ્મિત કરે છે] શ્રીકંઠ : છી ! પેલી શ્યામસુંદરા પુરુષવેશી સ્ત્રી હતી તે ? તેને જોઈને કુમાર મોહ્યા ! સુમેરુ :(તેનું કહેવું ન ગમ્યું હોય તેમ) અહીંના મુખ્ય મહાનાયકની પુત્રી છે. શ્રીકંઠ : (ઉદ્ધતાઈથી) તે ગમે તે હોય; પણ ચંદ્રમુખી, બિંબૌષ્ઠી સુંદરીઓ શું જગતમાંથી ખૂટી ગઈ કે કુમાર તેને.... ચંદ્રગુપ્ત : (તેને બોલતો અટકાવે છે) કવિશ્રેષ્ઠ ! તમારી કલ્પના જરા ખાટી થઈ ગઈ છે ! મારું હૃદય વીંધાયું કે નહીં એ જુદી વાત છે; પણ એનામાં જે છે તે તમારી હજાર ચંદ્રમુખી બિંબૌષ્ઠિ સ્ત્રીઓમાં નહીં જડે. [ચંદ્રગુપ્ત ખરેખર વીંધાયો છે એમ સમજીને શ્રીકંઠ પીઠ બદલે છે] શ્રીકંઠ :યુવરાજ ! એનામાં જે નથી તે નથી, પણ એનામાં જે છે તેનું વર્ણન મેં હજી નથી કર્યું. ચંદ્રગુપ્ત :(જરા કટાક્ષથી) મગધની સુંદરીઓ પાસે પ્રેરણા લેવા ગયેલી તમારી કલ્પના પાછી આવે ત્યાં સુધી હમણાં તમે રહેવા દો. માલ્યવાન : (અત્યાર સુધી છેક ખૂણામાં મૂંગો બેઠો હોય છે તે) કુમાર ! બીજા ગમે તે કહે, પણ આ સંબંધ બંધાય તો મગધનાં ભાગ્ય તો ઊઘડી જાય. [બધાં મનમાં એ જ વિચાર કરે છે. વિચાર કરતો હોય તેમ તે શબ્દો છૂટા પાડીને બોલે છે] લિચ્છવીઓમાં અત્યારે વ્યવસ્થા છે; બળ છે; પૈસો છે. ને મગધમાં અત્યારે એમાંનું એકે નથી. આનંદ : (જાણી જોઈને) પણ તે આપણે શા કામનું ? માલ્યવાન : આપણે તેનો ઉપયોગ કરવાનો. શ્રીકંઠ :(મૂર્ખાઈથી) તેઓ જાતે જ નહીં કરે ? માલ્યવાન : (તેના તરફ તિરસ્કારથી જુએ છે, પણ બીજા બધાંને ખાતર જવાબ દે છે:) ના, તેમનામાં બધું છે, પણ જીતવાની આકાંક્ષા નથી. એમનો ઉદ્દેશ સ્વરક્ષણનો છે. આપણો ઉદ્દેશ દિગ્વિજયો કરવાનો છે. [આ કથનનું સત્ય બધાં સમજે છે એટલે કોઈ બોલતું નથી] ને બીજું. એમનું બળ જોઈને શત્રુઓ દબાઈ ગયા છે. આપણી નિર્બળતા જોઈ શત્રુઓ કૂદી રહ્યા છે. આપણે તેમને જીતીશું નહીં તો તેઓ આપણને કચડશે. [પોતે છાપ પાડી છે એમ તે સમજે છે અને આગળ ચલાવે છે] ત્રીજું, એમને કોઈ રાજા નથી ને તેથી રાજ્યાકાંક્ષા નથી. આપણે રાજાના રાજ્યમાં વસીએ છીએ; આપણા રાજાને કપાળે પૃથ્વી જીતવાનો આદેશ પરાપૂર્વથી લખાયેલો છે. [હજુ બધાં સ્તબ્ધ છે. માલ્યવાનના એકેક શબ્દમાં સત્ય રહેલું છે એમ આખી મંડળીને લાગે છે. ચંદ્રગુપ્ત એ શાંતિ તોડે છે] ચંદ્રગુપ્ત :(ગંભીરતાથી) માલ્યવાન ! તારું કહેવું સર્વ સત્ય છે પણ તું ધારે છે એટલી એ વાત સહેલીનથી. માલ્યવાન : (વિશ્વાસથી) કુમારશ્રી ધારે તો શું અશક્ય છે ? ચંદ્રગુપ્ત :(તેને તે જ સ્વરમાં) એમાં એકલું ધારવાનું નથી. અહીં માગાં કરે સુંદરી નથી મળતી, અહીં તો સુંદરીને પોતાને જીતવાની હોય છે. આનંદ : (પ્રશંસાના ધ્વનિ સાથે) ત્યારે તો કુમાર ! એના જેવી સહેલી વાત એકે નથી. કુમાર ચંદ્રગુપ્તથી ન જિતાય એવી એકે સ્ત્રી પૃથ્વી પર જન્મી છે ? ચંદ્રગુપ્ત : (અનિશ્ચિત સ્વરે) તું ભૂલે છે. સ્ત્રીના ચંચળ હૃદયને જીતવા જેવું મુશ્કેલ કામ એકે નથી. ને તેમાંયે આ વૈશાલીની સ્ત્રીઓ ? જાતે રક્ષણ કરી શકે એટલે તેમને બળવાન નરની ખાસ કીમત નહીં; જાતે પોતાનું પોષણ કરી શકે એટલે એમને વૈભવ આકર્ષતો નથી ને સ્વતંત્ર રીતે નિર્ભય થઈને ફરતી સ્ત્રીઓને અંત:પુરમાં આવીને વસવાનું કાર્ય બંદીવાન બનવા જેવું લાગે. શા સારુ કોઈ લિચ્છવી મગધમાં આવે ? [આશ્ચર્ય પામ્યા હોય તેમ યુવરાજની શંકાઓ બધાં સાંભળી રહે છે. આનંદ, આ શંકાનું વાદળ વિખેરવાનું બીડું ઝડપે છે] આનંદ : યુવરાજ ! આ બધાંથી જે સ્ત્રી વશ થઈ ન જાય તેનું હૃદય એક વસ્તુથી વશ તો થાય જ. ચંદ્રગુપ્ત : (અડધી આંખ મીંચી) તે શું ? આનંદ : પુરુષત્વ, માણસના મૂળ સ્વભાવમાં રહેલું, નમાવતું, વિજય પામતું પુરુષત્વ. ને તે વૈશાલીના કોઈ પુરુષમાં ક્યાંય દેખાય છે ? ચંદ્રગુપ્ત : (નવું સત્ય સાંભળ્યું હોય તેમ વિસ્મયપૂર્વક આંખો વિકસાવી ટટાર થઈ) કેમ ? આનંદ : અહીંના પુરુષો સ્ત્રીઓને પોતાના જેવી જોઈ જોઈને, પોતાનું પુરુષત્વ ભૂલી, અડધા સ્ત્રીમય થઈ ગયા છે. તેમનાથી, સ્ત્રીના હૃદયની ખરા પુરુષને મેળવવાની અનાદિ ભાવના સંતોષાય તેમ નથી. [બહાર ઘોડાના ડાબલાનો અવાજ દૂરથી સંભળાય છે. એટલે વાત અધૂરી રહે છે. સૌ એકચિત્તે સાંભળે છે] સુમેરુ : (અટકળથી) વૈશાલીથી આપણા સંદેશાનો જવાબ આવતો લાગે છે. [ઊઠીને દીવાના મોગરા પાડી વાટો સંકોરે છે. આખા તંબૂમાં વધારે પ્રકાશ ફેલાય છે. અશ્વોનાં પગલાં છેક તંબૂ પાસે સંભળાય છે. જરા વારે પ્રતિહારી સંદેશ લઈ આવે છે] પ્રતિહારી : (યુવરાજને નમન કરી) યુવરાજશ્રીનો જય ! વૈશાલીથી મહાનાયક યશોવર્ધનનો સંદેશો લઈ આવેલા નાયક કુમારદેવ આ૫ની સમીપમાં આવવાની અનુજ્ઞા માગે છે. ચંદ્રગુપ્ત : આવવા દે. [તંબૂમાંના સૌ તીવ્ર જિજ્ઞાસાથી એકબીજા સામે જુએ છે. કુમારદેવી, પુરુષવેશે ધીમે પણ દૃઢ પગલે સાથીઓને બહાર રાખી તંબૂમાં એકલી પ્રવેશે છે. અને ચંદ્રગુપ્તને રાજનિયમ અનુસાર રાજનમન કરે છે. એણે આખે અંગે લિચ્છવી યોદ્ધાનો સ્વાંગ સજ્યો છે. માથા પરનું શિરસ્ત્રાણ તેને — તે છે તેના કરતાં ઊંચી દેખાડે છે. માત્ર તેના હાથના પહોંચા અને મુખનો થોડો ભાગ બહાર દેખાય છે. એની કાળી આંખો અસાધારણ તેજથી ચમકે છે. એના મુખનો જેટલો ભાગ બહાર દેખાય છે તે ઉપરથી એનું વય કળવું મુશ્કેલ છે. એ એમ ધારે છે કે એ સ્ત્રી છે એની કોઈને ખબર નથી અને તેથી આત્મવિશ્વાસથી પુરુષસુલભ છૂટ તેના હલનચલનમાં દેખાય છે. સૌની દૃષ્ટિ અજાયબીથી, જિજ્ઞાસાથી, કુતૂહલથી તેના તરફ ટંકાયેલી છે. ચંદ્રગુપ્તની આંખમાં એને જોતાંને વાર અપૂર્વ દીપ્તિ પ્રગટે છે પણ મનનો ભાવ છુપાવી તેને આદર આપવા એ ઊઠે છે અને હાથથી આસન પર બેસવાની સંજ્ઞા કરે છે] કુમારદેવી : (નમન કરી) પરમ ભાગવત યુવરાજનો જય ! લિચ્છવીઓને અધિરાજ અને વૈશાલીના મહાનાયક આપના સંદેશાનો ઉત્તર મારી સાથે મોકલે છે તે સાંભળવા આપ કૃપાવંત થાઓ ! ચંદ્રગુપ્ત : (ગૌરવથી) મહાભાગ, હું તત્પર છું. [કુમારદેવીની દૃષ્ટિ એક પળ વાર તંબૂમાં બેઠેલા જનો તરફ, એ બધાંના દેખતાં વાત કરવી કે કેમ એમ વિચારતી હોય તેમ ફરી વળે છે. ચંદ્રગુપ્ત તે જોઈ આંખોના અણસારે સર્વને ઊઠી જવા સંજ્ઞા કરે છે. આનંદ, ક્ષણભર “હું પણ ?” એમ પૂછતો હોય તેમ ચંદ્રગુપ્ત તરફ જુએ છે અને બેસવાની સંજ્ઞા નથી મળતી એટલે જાય છે. ચંદ્રગુપ્તના મુખ પર અકથ્ય ભાવો રમે છે. કુમારદેવીનું મુખ અંધકારમાં હોવાથી તેના પર પ્રગટેલો ગૂંચવાડો ચંદ્રગુપ્તથી દેખાતો નથી] સામંતરાજ ! અત્રે હવે એકાંત છે. આ સ્થળે થયેલી મંત્રણા શત્રુ કે મિત્ર કોઈ જાણી શકે એમ નથી. તમારો સંદેશો વિનાસંકોચે હવે તમે કહી શકો છો. કુમારદેવી :(સ્વસ્થતા મેળવી) વૈશાલીનું રાજ્યતંત્ર જેમના હાથમાં મુકાયેલું છે એવા મહાનાયક યશોવર્ધન આપના સંદેશાના ઉત્તરમાં કહાવે છે કે આપે કરેલી ત્રણ માગણીઓમાંથી માત્ર એક જ માગણી એ સ્વીકારી શકે તેમ છે. ચંદ્રગુપ્ત : (આતુરતા ઢાંકવાનો મિથ્યા પ્રયત્ન કરતાં) અને તે કઈ ? કુમારદેવી : (માત્ર વ્યાવહારિક રીતે) પહેલી, મગધની સાથે સંધિમાં ઊતરવાની. મગધ તરફ વૈશાલીએ કોઈ ૫ણ પ્રકારનું વૈમનસ્ય કેળવવું નહીં અને તેના પર કોઈ શત્રુ ચડી આવે ત્યારે તેને સહાય આપવી એ શરત એમને કબૂલ છે. (જરા અટકીને) અને બદલામાં વૈશાલી મગધ સાથે એ જ શરતો પોતાને માટે પાછી માગે છે. ચંદ્રગુપ્ત :(ગાઢા અવાજે) કબૂલ છે. કુમારદેવી :મગધની બીજી શરત — પરરાજ્યોને સાથે જીતવા નીકળવાની– તેમને કબૂલ નથી. વૈશાલીનું બળ એની પોતાની શાંતિ ને સ્વરક્ષણ માટે છે. બીજાં રાજ્યોની શાંતિને તોડવા માટે નથી. ચંદ્રગુપ્ત :(જાણી જોઈને) તમારું વૈશાલી આવું કાયર હશે એવું મેં નહોતું જાણ્યું. કુમારદેવી :(એની આંખો ચળકી ઊઠે છે.) વૈશાલી કાયર ! [કમ્મરે લટકતી તલવાર પર એક પળ વાર એનો હાથ જાય છે] ચંદ્રગુપ્ત : (તે જુએ છે પણ ન જોયું હોય તેમ) હા, કાયર. રખેને કોઈને કંઈ ઈજા કરીએ તો આપણને ઈજા થશે એ લક્ષણ કાયરતાનાં છે. અહિંસાનો ધર્મ ક્ષત્રીઓ માટે નથી. કુમારદેવી :(આંખમાંથી તેજ ખેરવતાં) યુવરાજ ! કાયરતા એક નહીં પણ બે પ્રકારની હોય છે. (ચંદ્રગુપ્ત અવાક રહે છે તે જોઈ) તેનું એક લક્ષણ જેમ બળ આગળ નિર્બલતા દાખવવાનું છે તેમ બીજું લક્ષણ નિર્બલતા જુએ ત્યાં પશુતા દાખવવાનું છે. [ચંદ્રગુપ્ત રસથી સાંભળે છે; કુમારદેવી જોશમાં ને જોશમાં આગળ ચલાવે છે] નિર્બળોને દબાવ્યા વિના ને બળવાનો આગળ નમી પડ્યા વિના એ બધાંની વચ્ચે અડગ અને સ્વતંત્ર ઊભા રહેવામાં પરરાજ્યો જીતવા કરતાં ઓછું બળ નથી જોઈતું. એવી સ્થિતિમાં બળની માત્રા જરા પણ ખસે તો નિર્બલો તમને તોડવાને અને બળવાનો તમને ખાઈ જવાને સદા તત્પર હોય છે જ. કુમાર ! લિચ્છવીઓને કાયર કહેનારાઓ લિચ્છવીઓ સાથે હાથ અજમાવી જોશે તો ખબર પડશે. [ચંદ્રગુપ્ત પ્રશંસામુગ્ધ બની બોલનારના શબ્દો કરતાં બોલનારના તરફ વધારે લક્ષ આપે છે] ચંદ્રગુપ્ત : (તોફાનથી) સામંત ! ક્યા નામાભિધાનથી મારે આવાં વાક્યોના ઉચ્ચારનારને અત્યારે ઓળખવા ? કુમારદેવી: (આ પ્રશ્નથી તેને પોતાની જાતનું ભાન થાય છે. અને પોતાના ગગનવિહારી શિખર પરથી તે નીચે પડે છે. તેની આંખમાં શરમનો સંચાર થાય છે) કુમારદેવ—એવી સંજ્ઞાથી સૌ મને ઓળખે છે. (એકબે પળ પછી સ્વાસ્થ્ય મેળવી) યુવરાજ ! મહાસામંત યશોવર્ધનનો સંદેશો મેં આપને કહ્યો છે. ધૃષ્ટતા માટે ક્ષમા કરશો. [કાર્ય પૂરું થયું હોય તેમ જવાને ઊઠે છે] ચંદ્રગુપ્ત :(વધારે તોફાનથી) નાયક કુમારદેવ ! હજુ મારા એક સંદેશાનો જવાબ રહી ગયો છે. કુમારદેવી :(એક પળ ગૂંચવાય છે, પણ નીડરતાથી) યુવરાજ ! અમારા મહાનાયક તેનો જવાબ આપવા સમર્થ નથી. અમારે ત્યાં પુત્રીઓ પરણાવાતી નથી; જાતે પરણે છે. અને સામંતનંદિની કુમારદેવી એ વિષયમાં જે ધારે તે કરવા સ્વતંત્ર છે. ચંદ્રગુપ્ત : (આતુરતાથી) પણ મને તે ક્યાં મળે ?એ કેમ જાણે કે હું તેને મગધના રાજ્યાસનના અર્ધસ્થાનની અધિકારિણી બનાવવા માગું છું ! કુમારદેવી :(ધૃષ્ટતાથી) કુમાર ! આપને ત્યાં રૂપવતી સ્ત્રીઓની શી ખોટ છે ? આપ શાને સારુ કુમારદેવી જેવી સાધારણ સ્ત્રીને પરણવા માંગો છો ? ચંદ્રગુપ્ત :(તક જુએ છે અને તેને ઝડપે છે) નાયક ! તમે શું જાણો ? વૈશાલી સાથે સંધિ કરવા હું કુમારદેવીને પરણવા માંગું છું એમ ધારો છો ? બધાંને મન એ એક ઉદ્દેશ હશે પણ મારે મન એ એકલો જ ઉદ્દેશ નથી. [કુમારદેવીના વચ્ચે બોલવાની રાહ જુએ છે અને નથી બોલતી એટલે] કુમારદેવ ! તમે કહો છો કે મારા અંતઃપુરમાં રૂપવતી સ્ત્રીઓની ખોટ નથી; હું શાને કાજે કુમારદેવીને પરણવા માંગુ છું ? (જરા અટકે છે.) એનું કારણ તમને એક શબ્દમાં સમજાવાય એમ નથી. મારી, મગધની અત્યારની સ્થિતિ જોતાં તમે સમજી શકો તેમ પણ નથી. તમારા લિચ્છવીઓના મનમાં એ વસ્તુને માટે સ્થાન જ નથી. [કુમારદેવી ઊંચે શ્વાસે સાંભળે છે. તેની આંખોમાં આતુરતા સ્પષ્ટ રીતે દેખાય છે] કુમારદેવી મારી ઇચ્છા અને આકાંક્ષા માત્ર પાટલીપુત્ર નગરનું રાજ્ય કરી સંતોષથી જીવન પૂરું થાય એટલામાં સમાપ્ત થતાં નથી. તમારા વૈશાલીમાં મહત્ત્વાકાંક્ષાને ભલે પાપ લેખવામાં આવતું હોય પણ મારા હૃદયમાં તો એ ધર્મને સ્થાને છે. રાજ્યો ઉથલાવવાનાં અને વિસ્તારવાનાં સ્વપ્નો જાગતાં અને ઊંઘતાં મારી આંખ આગળ ભમે છે– [તેની દૃષ્ટિ અસાધારણ તેજથી પ્રકાશે છે. તેના મુખ પર અવનવા ભાવો દેખાય છે] અને સત્તા ! કોણ કહે છે સત્તા તુચ્છ વસ્તુ છે ? પ્રેમની સાથે સરખામણીમાં મૂકી શકાય એવી એક પણ વસ્તુ હોય તો તે સત્તા છે. તે સત્તા મારે વિસ્તારવી છે. કુમારદેવી: (કડવાશથી) ને વૈશાલીની કુમારિકા દ્વારા વૈશાલીનો ઉપયોગ તમારે એ સત્તા મેળવવા કરવો છે એમ કોઈ ધારે તો ? ચંદ્રગુપ્ત : (શાંતિથી અદબ વાળી) તમે ભૂલો છો. વૈશાલીનાં સાધનો કરતાં મારે વૈશાલીની કુમારિકાનો વધારે ખપ છે. [કુમારદેવી માત્ર આંખથી જ સાંભળવાની આતુરતા બતાવે છે] તમે કહો છો કે મારે ત્યાં ઘણી રૂપવતી સ્ત્રીઓ છે. ખરી વાત છે. એ સૌમાં રૂપ છે અને રૂપાળી પૂતળીઓ તરીકે હું તેમને જોઈ આનંદ માનું છું, પણ એ રૂપાળી પૂતળીઓમાંથી કોઈ એકે મારા રાજ્યાસનને શેભાવે એવી નથી. [કુમારદેવી અજાયબીથી આંખો વિકાસે છે, ચંદ્રગુપ્ત તે જોઈ ઉત્તેજાય છે] (મુખ પર સ્મિતના આભાસ સાથે) કુમારદેવ ! તું—તમે પણ પુરુષ છો. તમે કદી મોટાં સ્વપ્નાં સેવ્યાં છે ? અને એવાં સ્વપ્નાં સેવતા હો ત્યારે તેમાં ભાગ લે એવી સહચરી શોધવાની જિજ્ઞાસા કદી તમને ઉદ્ભવી છે ? [કુમારદેવીની દૃષ્ટિ, જોઈએ તે કરતાં વધુ, આ અચિંત્યા સવાલના જવાબમાં કહી દે છે] કુમારદેવ ! તારી—તમારી આંખો જ કહે છે કે થઈ છે. અનેક રૂપવતી સ્ત્રીઓનાં આલિંગનોની હૂંફ અંગમાંથી શમી ન હોય ત્યારે પણ એક એવી સ્ત્રી જે મારા હૃદયખંડોના ખૂણેખૂણા જાણે ને તેમાં રાજ્ય કરે; મારી મહત્ત્વાકાંક્ષાના ઊભરા શમવા માંડે ત્યારે અગ્નિની ગરજ સારે; સત્તાના ભારથી મારું મગજ અને હૃદય થાક્યાં હોય ત્યારે તેને વિશ્રાંતિ અને આનંદની સુંવાળી ગાદીએ સુવડાવે, રણક્ષેત્રમાં મારી સાથે ઘૂમે અને મારા રાજ્યનું અર્ધાસન મારા જેટલા જ પ્રતાપથી દબાવે અને... કોને ખબર છે ? પરાક્રમવંતા, ને પૃથ્વીને ડોલાવે એવા મારા ભાવિ ચક્રવર્તી પુત્રની માતા થાય એવી એક સ્ત્રીને મારું હૃદય સદાયે શોધતું ફર્યું છે અને નિરાશ થયું છે. આવી સ્ત્રી મળે તો રૂપની — જેને લોકો રૂપ કહે છે તેની — શી વિસાત છે ? [એની આંખોમાં અપૂર્વ ભાવ છે, અને વદન પર કોઈક મહાન ભાવથી પ્રેરાયેલી નમ્રતા છે] કુમારદેવી : (છેક કાનમાં સંભળાય એવા સ્વરે) યુવરાજ ! કેમ જાણ્યું કે કુમારદેવી તમારી આ બધી અદ્ભુત વાંચ્છનાઓ પૂરી પાડશે ? ચંદ્રગુપ્ત : (અભિનય કરતાં કરતાં એનો આત્મા પણ ક્ષણભર પ્રેરણા પામ્યો હોય છે તે પાછો નીચે આવે છે. પ્રેરણા અને વધારે અભિનયથી) કુમારદેવ ! કેટલીક વસ્તુઓ એવી હોય કે માણસથી કહી નથી શકાતી પણ અનુભવનારાનો આત્મા જ જાણી શકે છે. તે દિવસે વૈશાલીમાં કુમારિકાઓની ધનુર્વિદ્યાની હરીફાઈમાં મેં એને જોઈ અને હું શોધું છું તે એ જ સ્ત્રી છે એમ મારા આત્માએ મને કહ્યું. જોકે ત્યારે તો મને ખબર પણ નહોતી કે એ મહાનાયક યશોવર્ધનની પુત્રી કુમારદેવી છે. કુમારદેવી : યુવરાજ ! ચંદ્રગુપ્ત :(તેને બોલતી અટકાવીને સ્ત્રીને જીતવાની ખરેખરી કળા હવે અજમાવતાં) અને કોણ કહે છે કે એનામાં રૂપ નથી ?રૂપનું લક્ષણ માત્ર ઉજ્જ્વલ વર્ણ જ નથી; પણ છટા, લાલિત્ય પ્રમાણ, ગૌરવ આદિ છે. ને ઘઉંવર્ણી સ્ત્રીઓમાં એનાથી વધારે રૂપાળી સ્ત્રી મેં કદી જોઈ નથી. મેં જોયેલી સુંદરમાં સુંદર સ્ત્રીઓની હારમાં તે બેસી શકે તેમ છે. [કુમારદેવીનું મુખ લાલચોળ થઈ જાય છે. એ બાળાનો બિનઅનુભવી આત્મા ચંદ્રગુપ્તના સુંદર શબ્દોથી પૂરેપૂરો જિતાઈ ગયો છે. ચંદ્રગુપ્ત યોગ્ય પળની રાહ જુએ છે. અતિશય મીઠાશથી સલાહ પૂછતો હોય તેમ] કુમારદેવ ! મારી દેવીને મેળવવાનો બીજો, કોઈ જ ઉપાય નથી ? વૈશાલીની ખાતર હું એને મેળવવા માગું છું એમ નહીં, પણ એની ખાતર હું વૈશાલીનો મિત્ર થવા માગું છું એવું એને કોણ કહે ? તું—તમે—મારો સંદેશો લઈ જશો ? [એના ખભા પર હાથ મૂકે છે. કુમારદેવી જરા ગભરાઈ પાછી ખસે છે] કુમારદેવી : યુવરાજ ! [એની જીભ થોથરાય છે. અજાણ્યા સ્પર્શથી એનું અંગ ધ્રૂજે છે. એની આંખો નીચી ઢળે છે] ચંદ્રગુપ્ત : (કંઈ જાણતો જ ન હોય તેમ ફરી એના ખભા ઉપર હાથ મૂકે છે અને એની આંખોને પોતાની આંખો સાથે સાંધવા ચિબુક પકડી મુખ ઊંચકે છે.) કુમારદેવ ! કુમાર ! (જાણે પહેલી જ વાર જણાયું હોય તેમ) કોણ દેવી ! કુમારી ! [પળ વાર આંખો વિકાસી એના માથા પરનું શિરસ્ત્રાણ કાઢી લે છે અને બળથી તેને પોતાના હાથમાં પકડે છે. વધારે ખેંચતાણ કર્યા વિના કુમારદેવી પોતાનું મુખ ચંદ્રગુપ્તના વિશાળ વક્ષસ્થળમાં છુપાવે છે. ચંદ્રગુપ્ત અનુકૂળ નાયકનું સ્વરૂપ ધારણ કરે છે; મળવાનો પહેલો ઊભરો શમ્યા પછી કુમારદેવીનું મુખ ઊંચું કરતાં—] કુમારી ! દેવી ! તું અહીંયાં અત્યારે એકલી ક્યાંથી આવી ? તને ભય ન લાગ્યો ? કુમારદેવી :(અત્યંત સુખથી એનું મુખ દીપે છે. મસ્તીખોર રીતે તે જરા લાડે છે) તમને જોવા ! ને તમે ખરેખરા કેવા છો તે જાણવા. અને પિતાજીની ઇચ્છા નહોતી છતાં મારી ઇચ્છા થાય તો તમારી સાથે લગ્ન કરવાની પિતાજીએ સંમતિ આપી છે. અહીં આવવા માટે મારો આજનો દુર્ગરક્ષાનો વારો પણ પિતાજીએ માફ કર્યો. ચંદ્રગુપ્ત :(સંતોષથી) તોફાની છોકરી ! તું આજે ન આવી હોત તો મારે બીજા કેટલા યુગો વાટ જોવી પડત ! કુમારદેવી :(ગંભીરતાથી ઊંચું જોતાં) કુમાર ! ને મેં શું શું ખોયું હોત ! વૈશાલીમાં બધાં વીરનરો છે પણ કોઈ ભવ્ય સ્વપ્નો જોનાર નથી. મેં તમને જોયા ત્યારથી જ શરણ આવવા મારું હૃદય તત્પર થઈ રહ્યું હતું; પણ વૈશાલીની આરાધના કરવા માટે તમે મને સ્વીકારો એ મને ગમતું નહોતું. સ્ત્રીના હૃદયની જિજ્ઞાસાને વશ થઈ આજે તમને હું છેલ્લી વાર જોવા આવી હતી. ચંદ્રગુપ્ત :(પ્રસંગને સુંદર બનાવતાં) કુમારી ! વિધિએ મારે જ માટે તને નિર્મી છે, અને મારી જ સાથે તારે મગધનું મહારાજ્ય સિદ્ધ કરવાનું અને શોભાવવાનું છે. [તેની આંખમાં ઊંડું જોતાં તેને ચૂમે છે. તેને છોડી દઈને પોતાને હાથે શિરસ્ત્રાણ પહેરાવી સ્વસ્થતાથી પ્રતિહારીને બોલાવે છે] પ્રતિહારી ! સર્વ સામંતોને અત્રે આવવાની આજ્ઞા કર ! [બહાર આતુરતાથી વાટ જોતા સામંત અને સેવકગણથી નિમિષમાત્રમાં તંબૂ ભરાઈ જાય છે. યુવરાજ કુમારદેવીનો હાથ હાથમાં લઈ ગંભીરતાથી ઊભા રહે છે] મિત્રો ! વૈશાલીના મહાનાયક યશોવર્ધનની પુત્રી કુમારદેવીએ મગધને શોભાવવાની અનુમતિ આપી છે. તમારી યુવરાજ્ઞી—મગધની ભાવિ સામ્રાજ્ઞી—કુમારદેવીને નમન કરો ! [સૌ આશ્ચર્ય પામે છે. પણ વગર બોલે નમે છે.]

[ પડદો પડે છે ]

અંક બીજો
અસંતોષ

  [ સમય : દસ વર્ષ પછી ચન્દ્રગુપ્તના રાજ્ય—કાળની શરૂઆત.]
સ્થળ : પાટલીપુત્ર.

રાજ્યમહાલયમાં અસંખ્ય સ્તંભોની હારવાળો અંતઃપુરનો એક ભાગ. દરેક સ્તંભ પર કાચ જડેલા છે તેથી દરેક પદાર્થનાં અગણિત પ્રતિબિંબોની અનંતમાળ રચાય છે. છત પર સુગંધી તૈલના દીપક વચ્ચે વચ્ચે બળે છે. તેનો પ્રકાશ કાચને લીધે અનેકગણો થઈ પ્રકાશે છે. ખંડના મધ્ય ભાગમાં કિનખાબના ગાદીતકિયા નાખેલા છે અને તેના પર એક ત્રીસેક વર્ષની યુવતી હાથમાં ભરતકામ લઈ બેઠી છે. તેનું ઉત્તરીય અર્ધું સરી ગયું છે. પાસે બેઠેલી દાસી તેને વાયુ ઢોળે છે. યુવતીનો વર્ણ શામળો અને રૂઆબ સખતાઈ દર્શાવનારો છે. એની દૃષ્ટિમાં સામાને નમાવવાની શક્તિ છે. થાકી ગઈ હોય તેમ હાથમાંનું ભરત બાજુ પર મૂકી તકિયા પર અઢેલે છે અને આંખો ચોળી મોં પર હાથ રાખી બગાસું ખાય છે] કુમારદેવી :હાશ, હવે બે દહાડામાં પૂરું થશે. વિજયા ! ગઈ વખતે મારા ભરતના તેં પાંચસો દિનાર ઉપજાવ્યા હતા. આ વખતે આનું શું આવશે ? તને શું લાગે છે ? વિજયા :(પંખો બાજુ પર મૂકી ભરત હાથમાં લેતાં) હજારથી ઓછા નહીં. પણ મહાદેવી ! તમને આ શું સૂઝે છે ? કોઈ જાણશે તો શું કહેશે ? કુમારદેવી :(વાંસો દુઃખતો હોય તેમ જરા બાજુ પર આળોટે છે) તેની તને પંચાત. લિચ્છવીઓને ત્યાં વગર માગે અભિપ્રાય આપનારી દાસીઓ વસતી નથી, તેની તને ખબર લાગતી નથી. વિજયા:(વર્તનમાં શબ્દોની કડકાઈ બિલકુલ દેખાતી નથી એટલે) મહાદેવી ! આ તો મગધ છેને ! કુમારદેવી :(જરાક આંખો ફેરવીને) એટલે ? વિજયા :(બીતાં બીતાં) રોષ ન કરો તો કહું, મહાદેવી ! મગધની રાણીઓ કામ નથી કરતી. [બોલતાં બોલાઈ જાય છે. પણ પછી ગભરાય છે એટલે ચુપ રહે છે.] કુમારદેવી :(એક ક્ષણ ભ્રૂભંગ થાય છે. પણ તે બીજી ક્ષણમાં જતો રહે છે.) વિજયા ! આજે તને બોલવાની છૂટ છે. કહે, હું તને બહુ વિચિત્ર લાગું છું ? વિજયા: (એક ક્ષણ તેના સામે જોઈ રહી તે ગુસ્સે નથી થઈ એમ ખાતરી થતાં) મને એકલીને નહીં, આખા રાજ્યને. કુમારદેવી :(જરા આંખો ઝીણી કરી, લાડતા સ્વરે) મારામાં તને શું ખોડખાંપણ લાગે છે ? હું સૌંદર્યવતી નથી તે ? વિજયા :(ગભરાઈને) બા, બા ! એવું શું બોલો છો ?તમારા પ્રતાપની બરોબરી કોણ કરી શકે તેમ છે ? કુમારદેવી :ત્યારે શું ? વિજયા : (અચકાતી અચકાતી) કહું ? કુમારદેવી :હા કહે, હું રોષ નહીં આણું. વિજયા :પહેલું તો તમે આમ છડેચોક બધાંને દર્શન દો છો અને વાતો કરો છો તે. કુમારદેવી :અમારા વૈશાલીમાં તો માણસો બધાં સરખાં ગણાય છે. ત્યાં મોટાનાનાનો ભેદ યોગ્યતા ઉપરરચાય છે. અહીંના કૃત્રિમ ભેદો મને બહુ રુચતા નથી. વિજયા :પણ બા ! તમે તો મગધનાં મહારાણીને ? કુમારદેવી : તેમાં શું ! મહારાણી પણ માણસ તો ખરીને ? વારુ, પણ બીજું શું ? વિજયા : તમે આ ભરતકામ કરી પૈસા મેળવો છો એ હવે છાનું નથી રહ્યું. લોકો શું કહે છે તે ખબર છે ? કુમારદેવી :શું ? વિજયા :(હિંમત રાખી) લિચ્છવીઓને મહારાજ્યપદ શોભાવતાં કદી આવડ્યાં છે ? એ તો મહેનત મજૂરી કરી જાણે. કુમારદેવી :(આંખો લાલ થઈ જાય છે) કોણ મગધના નવરાઓ એમ બોલે છે ? મહેનતમજૂરી કરતાં આવડતું હોત તો આમ રાંકડાઓથી મગધનું મહારાજ્ય ઊભરાત નહીં અને મહારાજને લિચ્છવીસેનાના જોર પર દિગ્વિજયો રચવા પડત નહીં. વિજયા:(ગભરાઈને) ક્ષમા કરો મહાદેવી ! પણ…પણ તમારે આવી મહેનત શું કામ કરવી પડે ? પૃથ્વીની દશે દિશાઓ મહારાજના પ્રતાપથી કંપે છે અને આપનાં યશોગાનથી ઊભરાય છે. અને તમે આમ રાતદિવસ સો ને પાંચસો અને હજાર દિનાર માટે મહેનત કરો ? કુમારદેવી :(જરા નરમ પડતાં) વિજયા, તને ખબર નથી કે મારા અંતરમાં શું થાય છે ! એવી ખોટી ખ્યાલી કીર્તિ, જે મેળવવા મેં કશી મહેનત કરી નથી – તેવીને હું શું કરું ?મહારાજ ચંદ્રગુપ્તની હું રાણી તેથી મને એમ ને એમ કશુંયે લેવાનો હક્ક ખરો ? વિજયા :(સમજણ ન પડતી હોય તેમ) તમને નહીં ત્યારે કોને ? કુમારદેવી: (જરાક સખતાઈથી) હું મહારાજની સેનાપતિ હોત તો એ બધાં વિજયોમાં મને પણ ગર્વ આવત, પણ જેમાં મારો ભાગ નહીં તેમાં મને ગર્વ શો ? (દૂર દૂર જુએ છે. થોડી વારે) એવા ગર્વથી મારે રાચવું જોઈએ એમ તને લાગે છે ખરું, વિજયા ? વિજયા :બોલવા દો છો ત્યારે કહું છું. તમે આખા સામ્રાજ્યનાં મહારાણી. તમે ના રાચો ત્યારે કોણ રાચે ? કુમારદેવી :(થોડી વાર અંતરમાં ઊંડું નિહાળતી હોય તેમ) મને પણ એમ લાગે છે તો ખરું. પણ મારાથી તેમ નથી થતું. (થોડી વારે બરોબર ન કહેવાયું હોય તેમ) ના, વિજયા ! એમ નહીં. મહારાજનાં પરાક્રમોથી મને ગર્વ થાય છે અને એમના વિજયોથી મને હર્ષ પણ થાય છે, પણ છતાં તેનાથી મને તૃપ્તિ નથી થતી. વિજયા : (જિજ્ઞાસાને લીધે શિષ્ટાચાર ભૂલી જાય છે.) કેમ વારુ ? સ્વજન જીત્યાનો સંતોષ તમને તૃપ્તિ નથી આપતો ? કુમારદેવી :(ન સાંભળ્યું હોય તેમ) વિજયા ! તેં લિચ્છવી સ્ત્રીઓને જોઈ છે ? વિજયા :તમને જોયાં છેને ! કુમારદેવી :પણ તેથી તને શો ખ્યાલ આવે ? અમારામાં સ્ત્રીઓ અંત:પુરમાં વસતી નથી, અમારે ત્યાંસુત અને દુહિતા વચ્ચે ભેદ ગણવામાં આવતો નથી. અમારે ત્યાં કોઈ રાજા પણ નથી. વિજયા :હાય ! હાય ! ત્યારે તમારું રાજ્ય શી રીતે ચાલે છે ? કુમારદેવી :(હસીને) રાજ્ય ચાલે છે અને અમારા યોદ્ધાઓ લડે છે પણ ખરા. ભૂલી ગઈ, મહારાજ લચ્છવીઓને લઈ વિજયયાત્રા કરી આવ્યા તે ? [વિજયા નિરુત્તર રહે છે એટલે થોડી વારે] અને તેથી હું મથું છું તોયે મારો સ્વભાવ મગધની સ્ત્રીઓ જેવો નથી થતો. મને પ્રભુએ પુરુષ બનાવી હોત તો કેવું સારું થાત ! વિજયા :હાય હાય મા ! તમને અહીં દુ:ખ છે ? કુમારદેવીઃ(તિરસ્કારથી) દુઃખ ! તું દુઃખ કોને કહે છે ? તું કે મગધની સ્ત્રીઓ જે અર્થમાં દુઃખ શબ્દ વાપરો છો તેની વ્યાખ્યા મેં હજી વિચારી નથી. મારું દુઃખ જુદી જાતનું છે. માણસમાં નિર્જીવતા આવતી જાય તેના જેવું બીજું દુઃખ એને કયું હોઈ શકે ! વિજયા :(ગૂંચવાઈને) તમે તો જીવતાં છો. કુમારદેવી :(કંટાળીને) છું, પણ શા અર્થમાં ? હું અહીંયાં છેક નિર્બલ સ્ત્રી થઈ ગઈ છું. મહારાજના અંતઃપુરમાં પચાસ રાણીઓ અને તેમાં હું મહારાણી અને તે પણ મહારાજની પ્રસન્નતાને લીધે. એ પ્રસન્નતા જતી રહે તો કાલે મારી સામે પણ કોઈ જુએ નહીં. આવડા મોટા મહારાજ્યમાં મારાથી એક સળી સરખી પણ હાલે તેમ છે ? વિજયા :કેમ નહીં ? તમે ધારો તે અત્યારે કરી શકો તેમ છો. કુમારદેવી : ખરું, ખરું, પાંડ્ય દેશની નર્તિકાને મહારાજ સપ્તગ્રામ સુવર્ણપત્રક પર લખી આપી શકે; ભિખ્ખુ દેવદત્તને રાજ્યવાડીમાં ચાતુર્માસ ગાળવાની આજ્ઞા એ મહારાજની મહારાણીથી ન આપી શકાય. વિજયા :(અતિશય હિંમતથી) તમે ગમે તેટલાં મોટાં પણ મહારાજની સાથે તમારી જાતને સરખાવાય ? કુમારદેવી :નહીંસ્તો. પણ એમ મોટા ગણાવવા કરતાં એક નાનીશી વસ્તુ મારાથી થઈ શકે તેવી હોય,તે કરવી મને ગમે. [વિજયા જવાબ આપવા જાય છે પણ મૂંગી રહે છે. અચાનક] વિજયા ! તને ખબર છે કે મને પણ થોડો ઘણો સત્તાનો શોખ છે. [વિજયા આંખો વિકાસીને જોઈ રહે છે.] મહારાજની સાથે હું સિંહાસને ચડું છું ત્યારે મારી જાત મને શણગારેલી કાષ્ઠની પૂતળી જેવી લાગે છે. અનર્ગલ સત્તા ત્યાં વહે છે પણ મારે તે શા ખપની ? હું ત્યાં હોઉં કે ન હોઉં તો તેથી કંઈ થોડો જ ફેર પડવાનો છે ? હું નહીં હોઉં તો ત્યાં બીજી કોઈ પૂતળી બેસશે. વિજયા :(આભી બનીને) તમારે શું કરવું છે ? કુમારદેવી :કંઈ નહીં. તું ગભરા નહીં. હું ભરત ભર્યા કરીશ. બીજું કંઈ કરવાની નથી. વિજયા :રાણીબા ! ભરો તેની ના નહીં, પણ તેના પૈસા કરો છો તે ખોટું. કુમારદેવી :ના, પૈસા ન મળતા હોય તો આમ ભરત ભરી આંખો ફોડું એવી હું નથી. આખી પ્રજા મહેનત કરે અને હું રાણી થઈ તેથી મજા કર્યા કરું ?(સ્વર ધીરો કરીને) તને ખબર છે આ પૈસાનું મારે શું કરવું છે ! પેલા દેવદત્ત ભિખ્ખુને માટે મારે એક વિહાર બંધાવવો છે. (હસીને) મહારાજ મહેનત કરી દિશાઓ જીતે ત્યારે મારી મહેનતે એક વિહાર નહીં બંધાય ? વિજયા :(વિસ્મયથી) તમે મહારાજની સાથે યુદ્ધે કેમ નથી ચડતાં ? કુમારદેવી : (નાક ચડાવી) મગધના મહારાજ યુદ્ધમાં સ્ત્રીની મદદ લે ! તેમના પરાક્રમને લાંછન ન લાગે ? આ દેશમાં અબળાઓ પાકે છે. અહીં વળી સ્ત્રીથી કશું થાય ખરું ? વિજયા :(અકળાઈને ઘણી હિંમતથી) રાણીબા ! તમારા જેવી સ્ત્રી તો મેં કોઈ જોઈ નથી. તમને અહીંનું કશું જ પસંદ પડતું નથી. કુમારદેવી :(વિચાર કરતાં કરતાં) ના, નથી કેમ પડતું ? નહીં તો હું અહીંયાં રહેત શું કરવા ? વિજયા :(આતુરતાથી) તે શું ? કુમારદેવી :(હસીને) ખબર નથી ? મહારાજા જ્યારે અમારા રાજ્યમાં મૃગયા રમવા આવ્યા હતા ત્યારે મેં જાતે મોહીને તેમને વરમાળા પહેરાવી હતી. વિજયા :પણ હમણાં તો તમે કંઈ જુદું જ કહેતાં હતાં ! કુમારદેવી :(ખોટી ગંભીરતામાં આંખો ચડાવી) શું ? વિજયા :(ડરતાં ડરતાં) કે મહારાજાની રીત તમને પસંદ નથી. તેમની વિજયયાત્રાઓમાં તમને તૃપ્તિ નથી. તેમની સત્તા તમને સાલે છે. તેમની અનેક રાણીઓ પરણવાની રીત તમને ગમતી નથી. એક નર્તકીને તેમણે ઇનામ આપ્યું તેથી તમે ગુસ્સે થયાં છો. ને બીજું બધું તમે કહ્યું તે તો મને યાદ નથી. કુમારદેવી :(તકિયા પર ખૂબ આળોટે છે, અને ગુસ્સે થયા વિના) મૂરખ છે મૂરખ. એ બધી ફરિયાદો તો ખરીસ્તો અને છતાંયે હું મહારાજાને ખાતર અહીંયાં રહું છું. એમનું આકર્ષણ ન હોત, એમણે જે સ્વપ્નાં મને તે સમયે દેખાડ્યાં તેને સિદ્ધ કરવાની તીવ્ર ઇચ્છા ન હોત તો આ મગધ જેવો અસંસ્કારી દેશ બીજો કોઈ નથી. મહારાજ તો બધું ભૂલી ગયા, પણ મને તો રાત્રિદિવસ તેનાં સ્વપ્નાં આવે છે. તું શું જાણે અમારા લિચ્છવીઓની વાત ? પણ ચાલ, બહુ વખત ગુમાવ્યો.ને મારું ભરત તો એમ ને એમ રહ્યું. (ઊઠીને ટટાર બેસે છે. અને ભરત આમ તેમ ફેરવી જુએ છે.) વિજયા ! કહે, આ વેલબુટ્ટી ખરેખર સુંદર નથી ? તમારા મગધમાં કોઈ આવું કરી શકે છે ? વિજયા: (દાબી રાખેલો બધો કચવાટ બહાર કાઢે છે.) રાણીબા, ખરું કહું ? આજે તમે મને બોલવા દીધી છે ત્યારે પૂરું જ બોલી લેવા દો. બા ! તમે મગધની સ્ત્રીઓને નિંદો છો; તેમને અબળાઓ–બળ વિનાની ગણો છો પણ જે ભાવ અને ભક્તિથી તે પોતાના સંસાર રચે છે તે તમારા લિચ્છવીદેશની સ્ત્રીઓમાં ક્યાંય હશે ખરાં ? હા, તેમને રૂપાળાં ભરત ભરતાં નથી આવડતું, પણ અસંતોષ વગર એમને જાતનું સમર્પણ કરતાં તો આવડે છે. કુમારદેવી :(આંખો લાલ કરી) શું કહે છે ? વગર અધિકારે બોલવા દીધી તેથી આવડ્યું એટલું બધું જ બોલી દેખાડે છે શું ?જા, આજે તો માફ કરું છું પણ ફરી વાર આવું બોલશે તો આ મહાલયમાં આવવાનું ટળી જશે. જા. [એક તીખી દૃષ્ટિ તેના તરફ કરે છે અને વિજ્યા નીચી નજરે ધીમે પગલે જાય છે એટલે ભરત ભરવાનું શરૂ કરે છે. થોડી વાર સુધી મૂંગી મૂંગી ભરત ભર્યા જ કરે છે. અસંખ્ય દીપમાળના અજવાળામાં એ એક પ્રાણવાન ચિત્ર જેવી લાગે છે. એના મનમાં ધીરે ધીરે વિચારની કળાઓ ખીલતી જાય છે.] આ વિજયા શું બકી ગઈ ? હું શું અસંતોષી સ્ત્રી છું એમ ?મારી વૃત્તિઓ ને દુ:ખો બધાંકાલ્પનિક છે ? આ દેશનો નાનાંમોટાંનો કાયદો બધો જુદો છે એટલે કેમ ખબર પડે ? અહીં તો સ્ત્રીઓ જ બધી નિર્માલ્ય છે. મારા લિચ્છવીદેશની સશક્ત અને સ્વતંત્ર સ્ત્રીઓનો દાખલો અહીં કેમ લાગુ પડે ? અહીંઆ તો સ્ત્રીની સેવા જોઈએ છે, સહચાર નહીં. આ લોકોને મારું વર્તન વિચિત્ર લાગે એમાં કંઈ નવાઈ ? (ભરત આઘું મૂકી ફરી તકિયા પર અઢેલી બેસે છે.) પણ ત્યારે હું શું કરું ? મહારાજે મને સાથે મહારાજ્ય સ્થાપવાનાં સ્વપ્નાં દેખાડ્યાં ને હું અહીંયાં આવી.પણ પછી હું એમના રાજ્યકાર્યમાં માથું મારું એ એમને પસંદ ન પડ્યું ને મારું હૃદય ઘવાયું. એટલે આ પાંચ વર્ષથી રાજ્યકારભારમાં એક શબ્દ ન બોલવાની મેં પ્રતિજ્ઞા લીધી છે. મારે અહીં બીજું તો કશું કરવાનું છે નહીં. હું લિચ્છવી દેશની કન્યા ! હું શું મારી સપત્નીઓની ઈર્ષ્યા કરવામાં સમય પૂરો કરું ? [આંખો મીંચી, સ્થિર થઈ થોડી વાર પડી રહે છે] ઘણી વાર મહારાજાય એવી એવી વસ્તુઓ કરે છે કે ચીડ ચડ્યા વિના રહે નહીં. એ વિજયપ્રયાણો આદરે ત્યારે તો મને ગર્વ થાય પણ બિચારા પ્રયાગ પર એમણે ખોટો કોપ કરી, ચડાઈ કરી ત્યારે મારાથી અપ્રસન્ન થઈ જવાયું તેમાં હું શું કરું ! વૈશાલીમાં કોઈ કદી એવું કરતે ! [એક પતંગિયું દીવા આગળથી ઊતરી તેના મોં આગળ આમ તેમ ઊડે છે તેથી અકળાઈ ઊભી થાય છે અને આંટા મારે છે] ૫ણ એક મોટો ભય છે ખરો. હું આમ જુદી રહીશ તો આજે તો મહારાજા મારા તરફ ભાવ છે એટલે કંઈ નથી બોલતા પણ પછી એમને પ્રસન્ન કરવાને આટલી બધી આતુર સ્ત્રીઓ વચ્ચે મારી અપ્રસન્નતાથી એ કંટાળ્યા વિના રહેવાના નથી. અત્યારથી જ એનાં ચિહ્નો જણાવા માંડ્યાં છે, ને પછી આ કેવળ અજાણ્યાઓથી ભરેલા દેશમાં મારું કોણ ? [ઊઠીને એક ગોખની જાળી આગળ જઈ દૂર દૂર સુધી વિસ્તરતાં ક્ષેત્રો અને તેના પર પથરાતી ચંદ્રિકા તરફ બેધ્યાનપણે જોઈ રહે છે] પણ ત્યારે, હું લિચ્છવી તે શું નિર્માલ્ય ગુલામ બનું ? મારા અંતરને ન ગમે તેની પણ હું દાસત્વભાવથી હા કહું ? મહારાજાનો પ્રેમ હશે ત્યાં સુધી તો મારા અધિકારને કશાની આંચ આવે તેમ નથી; અને નહીં હશે ત્યારે માત્ર કૃપાનો અધિકાર મારે જોઈતો નથી. [એક કોયલ દૂરથી બોલે છે. વિચારમાંથી જાગી તેનો ટહુકો સાંભળે છે] અરરર ! ઘટિકા રાત્રિ તો વહી ગઈ. ને મહારાજ તો હજુ પધાર્યા નહીં. (સાદ પાડી) અરે, બહાર કોઈ છે કે ? [એક પ્રતિહારિણી અંદર આવે છે] આર્યપુત્ર હજુ કેમ પધાર્યા નથી ? જા, સત્વર જઈને તપાસ કર અને તેમને વિદિત કર કે પ્રહર રાત્રિ વીતી ગઈ છે ને હું તેમના પધારવાની રાહ જોઈ રહી છું. [પ્રતિહારિણી જાય છે ને તે ફરી પાછી વિચારમાં પડે છે. ચંદ્રિકા જોઈ તેની કલ્પના જાગે છે] અહા ! મહારાજા વૈશાલી પધાર્યા ત્યારે શો સુંદર સમય હતો ? અને મૃગયા રમતાં અને અરણ્યમાં ફરતાં આવી કેટલી અજવાળી સુંદર રાત્રિઓ તેમની સાથે ગાળી હતી ? આ મગધમાં આવ્યા પછી તે દિવસો તો ગયા જ. અહીંયાં તો માત્ર અંતઃપુરની ઈર્ષ્યા અને યુદ્ધની તૈયારીઓ સિવાય બીજું કંઈ સંભળાતું જ નથી. [પ્રતિહારિણી પાછી આવે છે અને નમન કરી બોલવાની આજ્ઞાની વાટ જુએ છે] શું ? મહારાજ પધારે છે કે ? પ્રતિહારિણી :ના, એમણે દેવીને કહાવ્યું છે કે અત્યારે અગત્યની મંત્રીસભા હોવાથી એમનાથી વાયદા પ્રમાણે આવી શકાશે નહીં, માટે દેવીએ રાહ જોઈ જાગૃત રહેવાની કંઈ જરૂર નથી. મધુમતીદેવીનો આવાસ પાસે હોવાથી મહારાજ કાર્યમાંથી નિવૃત્ત થશે ત્યારે ત્યાં જ રાત્રિ ગાળશે. [પ્રતિહારિણી નમન કરીને જાય છે. કુમારદેવી કોપથી પ્રજ્વળે છે. આ ત્રીજી વાર મહારાજે એનો આપેલો વાયદો પાળેલો ન હોવાથી એને પોતાની શંકાઓ ખરી પડતી લાગે છે. પોતાના બળતા મગજને શાંત કરવા તે બાજુના ખંડમાં થઈ ઉદ્યાનમાં ઊતરે છે. એક લિચ્છવી ચર એને મહાલય તરફ છુપાતો આવતો મળે છે. કુમારદેવીને જોઈને તે થોભે છે] ચર : (ઉતાવળમાં) બા ! બા ! સારું થયું કે તમે મળ્યાં. મને આજે ખબર મળ્યા છે કે અમાત્ય નંદિવર્ધન અને મહારાજાથી અસંતુષ્ટ થયેલા કેટલાક રાજ્યપુરુષો મળી મહારાજાનો પ્રાણ લેવાનું કાવતરું કરે છે. કદાચ અંગદેશનો પણ આમાં હાથ હોય. બા ! બહુ સાવચેત રહેવા જેવું છે. કુમારદેવી :(વિચારમાં મુખ સખત કરતાં) બીજું કંઈ ? ચર: હજુ મને ખબર નથી પડી પણ ચારુદત્ત એક અર્ધી ઘડીમાં બધી ખબર લઈ આવી પહોંચશે. કુમારદેવી :(આજ્ઞાદર્શક સ્વરે) તમારા બંનેના આવતા સુધી હું જાગ્રત રહીશ. મારે આજે ને આજે બધી ખબર જોઈએ. જાઓ. [ચર નમન કરીને જાય છે. વિચારમાં ને વિચારમાં કુમારદેવી થોડે દૂર જાય છે. પાસેના લતામંડપમાંથી કોઈ પુરુષ અને સ્ત્રીના સ્વર આવતા સાંભળી તેનો વિચારભંગ થાય છે. બાજુમાં જઈ શું છે તે જાણવા કાન માંડે છે] પહેલો સ્વર : (ક્રોધિત સ્વરે) માધવી ! આજે મારું આટલું કામ નહીં કરે તો ફરી કદી મને મળવાની આશા રાખતી નહીં. બીજો સ્વર : (કરગરતા સ્વરે) વિલોચન ! વિલોચન ! તું મારી પાસે શું કરાવે છે ? કોઈ જાણશે તો મારો જીવ જશે. કુમારદેવી : (સ્વગત) આ તો મધુમતીની પરિચારિકા માધવીનો સ્વર ! અને વિલોચન ? વિલોચન કોણ ? મહારાજાનો અશ્વપાલ જેને તેમણે દેશપારની સજા કરી હતી, તે તો નહીં ? [ખૂબ ધ્યાનથી સાંભળે છે] વિલોચન: (અત્યંત ક્રૂર રીતે) નહીં કરે તો તારો જીવ લઈશ. (એકેએક શબ્દ પર ભાર મૂકીને આજે રાત્રે મહારાજ મધુમતીદેવીને આવાસે આવે ત્યારે આ પડીકી તેમની સુરામાં ભેળવવાની છે. કાલના સૂર્યોદયે પેલા રાજકેદીઓનો ન્યાય થાય તે વખતે મહારાજ આ પૃથ્વી પર ન હોય એે આપણા મંડળનો મને આદેશ છે. શું કહ્યું — યાદ રહ્યું ? માધવી : (અત્યંત ધ્રૂજતા સ્વરે) અને પકડાઉં તો ? વિલોચન : તો કહેવું કે મધુમતીદેવીએ મને આજ્ઞા કરી હતી. મધુમતીદેવી હમણાં મહાદેવીની મહારાજા પરની સત્તાની ખૂબ ઈર્ષ્યા રાખે છે, એટલે અદેખાઈથી તેણે આમ કર્યું, એમ સૌ માનશે. [મંડપમાંના સ્વરો ધીમા થાય છે ને છેવટે છેક બંધ થાય છે. પોતાને કોઈ ન જોવેએટલા ખાતર કુમારદેવી બાજુ પર સરકી જાય છે. થોડી વાર પછી વિલોચન ને માધવી છાનાંમાનાં એક પછી એક ચોર જેવાં નાસી જાય છે. કુમારદેવી ઝડપથી મહાલયમાં પાછી ફરે છે. તેને ચારુદત્ત પગથિયાં પાસે મળે છે ને કંઈ બોલવા જાય છે પણ મહાદેવી “હું જાણું છું" એટલું ઉતાવળમાં કહી ખંડમાં દોડી જાય છે અને પળવારમાં માથાથી તે પગ સુધી શ્યામ વસ્ત્ર ઓઢી મધુમતીના આવાસની દિશામાં અદૃશ્ય થાય છે]

[પડદો પડે છે]

અંક ત્રીજો
પહેલી તક

[સ્થળ: મધુમતીદેવીનો આવાસ.]

રાત્રિનો દોઢ પ્રહર જેટલો સમય વીતી ગયો છે. રાજ્ઞી મધુમતી અંગે શણગાર સજીને વિલાસી સ્ત્રીની છટાથી પર્યંક પર બેસી મહારાજા ચંદ્રગુપ્તની રાહ જુએ છે. એનો વર્ણ ઉજ્જ્વલ છે. એની અંજન આંજેલી આંખો મદમાતી ઘેરાતી છે. એના ઓષ્ઠ ભરેલા અને તાંબૂલથી લાલચોળ થયેલા છે. એની દેહકલા પુષ્ટ છતાં આકર્ષક છે. પચીસથી પાંત્રીસ વચ્ચે ગમે તે વય એની ધારી શકાય એવી એ છે. પુરુષને પહેલી નજરે પ્રસન્ન કરે એવી એ સુંદરી છે. એનો આવાસ પુષ્પોથી શણગારેલો છે. પર્યંક પર પણ પુષ્પો પાથર્યાં છે અને પુષ્પોની જાળીઓ અને તોરણોથી તેને ઘેરી લીધેલો છે. મધુમતીદેવીની વેણીમાંયે પુષ્પો મઘમઘાટ કરી રહ્યાં છે. ઇન્દ્રિયોને વિવશ કરે એવું સૌરભનું માદક સામ્રાજ્ય આખા ખંડમાં વ્યાપી રહ્યું છે. એક બાજઠ પર અવનવી કારીગરીનાં સુવર્ણનાં સુરાપાત્રો મનને લલચાવે તેમ પડ્યાં છે. સુગંધી તૈલદીપકોનો ઝગઝગાટ બધે પ્રસરેલો છે. ભીંતો પરનાં મોટાં દર્પણો અનેક મધુમતીઓને સામગ્રી સાથે સજ્જ થયેલી દેખાડે છે અને તે જોઈ જોઈ દેવી મધુમતી મંદ મંદ હસે છે. મનને ઉત્તેજે એવાં ભીંત પર ચિતરાયેલાં ચિત્રોની પણ ખોટ નથી. આજનો એનો ઘાટ ચંદ્રગુપ્તને વશ કરવાનો છે. એના સુંદર પણ ઓછી બુદ્ધિવાળા કપાળમાં કુમારદેવીને ઉથલાવવાનો દૃઢ સંકલ્પ દેખાય છે. મહારાજ ચંદ્રગુપ્ત દ્વારમાં આવી ઘડીભર મુગ્ધચિત્તે પોતાના આનંદને સારુ થયેલી આ સર્વ તૈયારી નીરખે છે અને પ્રિયાઓની આંખો દાબવાનો પ્રિયતમોનો સર્જનજૂનો લહાવો લેવા તે દબાતે પગલે મધુમતીદેવીની પાછળ જાય છે. મઘુમતી તેમનું પ્રતિબિંબ અરીસામાંથી જોવે છે છતાં ન જોયું હોય તેમ કરે છે. મહારાજ ચંદ્રગુપ્ત પાછળથી આવી તેની આંખો દાબે છે] મધુમતી :(ખોટો ગભરાવાનો ડોળ કરતાં) છોડો, છોડો; કોણ છે એ ? (પોતાનો હાથ તેના હાથ પર ફેરવી નક્કી કરે છે.) મહારાજ ! મોડા આવી આવું તોફાન શાને કરો છો ? મારે તો આજે તમારાથી રિસાવું હતું. ચંદ્રગુપ્ત:(હાથ લઈ લઈ તેને હાથમાં લઈ ચૂમે છે.) દેવી ! એટલી બધી અવકૃપા ! [આ જ વખતે કુમારદેવીની ડોકનો સહેજ આભાસ બારણામાંથી દેખાય છે અને તરત બારણાં પાછળ ભરાઈ જાય છે. બેમાંથી કોઈનું એ તરફ લક્ષ દોરાતું નથી] આજે તો મહારાણીનો વાયદો જતો કરીને અહીંયાં આવ્યો છું તોયે ? મધુમતી : (જરા રોષ દેખાડતાં) મહારાજ ! એ કાળીની તમને આટલી શાને બીક લાગે છે ? ચંદ્રગુપ્ત : (એને આ ટીકા રુચતી નથી પણ આવો સુંદર પ્રસંગ બગાડવાનું ગમતું નથી એટલે માત્ર સહેજ જ સખત સ્વરે) મધુરાણી ! મહાદેવીનું માન ન સચવાય તે મને ગમતું નથી. મધુમતી: (હજુ પોતાનો વખત નથી આવ્યો એ સમજે છે.) મહારાજ ! ક્ષમા કરો. તમારાં દર્શન એટલાં દુર્લભ થઈ પડે છે કે તેથી કોઈવાર કંઈનું કંઈ બોલી જવાય છે. (બાજઠ પરથી શિરાઈ હાથમાં લઈ પાત્રમાં સુરા કાઢે છે.) આપને પ્રિય એવા વૈશાલીથી ખાસ આ મધુ મંગાવ્યો છે. એની સુગંધ તો જુઓ ! પણ આપ તો મહાદેવીને ત્યાં રોજ એવો મધુ પીતા હશો એટલે એની નવાઈ શી ? ચંદ્રગુપ્ત : (વાત ઉડાવે છે.) મધુથીયે મધુર મધુરાણીના સુગંધી શ્વાસથી જ મારું મન તો તૃપ્ત થઈ ગયું છે. મધુરાણી: (હસીને) આપની કૃપા છે એટલે બસ છે. પણ મહારાજ ! જરા ચાખો તો ખરા. (પાત્ર ધરે છે. ચંદ્રગુપ્ત ધીરે ધીરે પીએ છે એટલે મૂળ વાત પર આવતાં) મહારાજ ! મને ખરેખરું કહો. (તેના શરીરને અઠિંગે છે અને આંખમાં ઊંચું જુએ છે.) મહારાજ ! તમે મહાદેવીમાં શું જોઈ મોહ્યા ? ચંદ્રગુપ્ત :મધુરાણી ! માત્ર મોહ પામવાની પળ ન હોય, ત્યારે એ સ્ત્રીમાં કેટલુંક એવું છે જે બીજી સ્ત્રીઓમાં નથી જડતું. મધુમતી :(લાડથી) મહારાજ ! મારામાં પણ નહીં ? ચંદ્રગુપ્ત :(એનું મુખ હાથમાં લઈને મોહથી જોતાં) ના, દેવી ! તારામાં પણ નહીં. મધુમતી :(ગુસ્સે થાય છે પણ એ કહે તેનાથી જુદું કહેવામાં કંઈ અર્થ નથી તે તે સમજે છે.) મહારાજ ! મને કહો. હુંયે એના જેવી થાઉં તો તમને ગમશે ? ચંદ્રગુપ્ત :ના, દેવી ! મને તું છે તેવી જ વધારે ગમે છે. મહાદેવીથી થાક ચડે ત્યારે ઉતારવા તો તારી પાસે આવું છું. મધુમતી : (પાત્રમાં બીજી સુરા રેડતી) મહાદેવીથી તમને થાક ચડે ? [સુરા ધરે છે] ચંદ્રગુપ્ત :(હાથમાં લઈ તેનો એકેક ઘૂંટડો લેતાં) મધુરાણી ! પુરુષો પણ માણસો છે ને ? એ આખો દિવસ ડાહ્યાડમરા બની દુનિયા ચલાવે ત્યારે એમને કોઈક વાર તો એ બધો ભાર ફેંકી દઈ આનંદ કરવાનું મન થાયને ! પણ મહાદેવી તો અડધી પુરુષ છે. ને તેની સાથે આનંદ કરતાંયે જવાબદારીનું ભાન માથેથી ઊતરતું નથી. [સુરાની અસરથી વાત કરતાં તેનાથી ગંભીર થઈ જવાય છે, તે પાત્ર મૂકી માથાના વાળમાં આંગળાં પરોવે છે] મધુરાણી ! મધુરાણી ! તને એની અદેખાઈ આવે છે અને મારે એના પાશમાંથી છૂટવું છે પણ છુટાતું નથી. અમારા મેળાપને પ્રથમ દિવસે એનું અંતર મેં જીત્યું ત્યારે મને એને આખી જીતવાનો સંતોષ થયો હતો; પણ આજ દશદશ વર્ષ થયાં દરરોજ એના હૃદયના કંઈ ને કંઈ અણજિતાએલા ખૂણા જડે છે. ને રોજ જીતવાની બાકી રહે છે. [જરા વાર મૂંગો રહે છે] મધુમતી ! દેવી ! મને કહે, સ્ત્રીને શું જોઈએ ? પ્રેમ, વૈભવ, મોટાઈ, રક્ષણ, શાંતિ ? શા માટે આ મહાદેવી તેનાથી સંતોષાતી નથી ? મધુરાણી : (ચંદ્રગુપ્તની વધારે પાસે ખસે છે.) મહારાજ ! તમે જ એ કાળીને અમસ્થી અમસ્થી મોટી બનાવો છો. એને પડતી મૂકો પછી જુઓ, ઠેકાણે આવે છે કે નહીં. [દ્વાર પાછળ કંઈ હાલે છે પણ પાછું સ્થિર થઈ જાય છે] ચંદ્રગુપ્ત : (હસે છે.) બહુ સહેલી વાત. આવતી કાલે વૈશાલીની સેના બળવો કરે અને પરમ દિવસે બધાં લિચ્છવીઓ રાણીને લઈ મગધ છોડી ચાલી જાય ! [મધુમતીથી આ વાતનો જવાબ અપાતો નથી એટલે ચૂપ રહે છે] જવા દે, તને મહાદેવી વિના બીજું કંઈ સૂઝતું જ નથી. લાવ, બીજી સુરા લાવ ને તારા ઓષ્ઠનું મધુ પીવા દે. [જરા ચિડાયેલો દેખાય છે ને મધુમતીથી જરા દૂર ખસી બેસે છે. મધુમતી પ્રસંગ સુધારવા મથે છે] મધુમતી :(એના ગળામાં હાથ નાખી) મહારાજ ! નાથ ! એ તમારી મહાદેવીનું નામ જવા દો. એના આવાસમાં બેઠીબેઠી પણ એ આપણી આનંદરાત્રિને બગાડે છે. (હાક મારે છે) માધવી ! માધવી ! બીજી સુરા લાવ ! મહારાજ, આનાથીયે ઉત્તમ મધુ — આજના પ્રસંગને માટે મેં રાખી મૂક્યો છે, તે તો તમે ચાખશો ત્યારે ખબર પડશે. [મધુમતી છેક બારણા સુધી જાય છે. કુમારદેવી વધારે ને વધારે ખૂણામાં ભરાય છે. એ સહેજ જ આગળ જાત તો તેને શંકા પડવાનો સંભવ હતો] માધવી ! માધવી ! માધવી ! [માધવી રત્નખચિત સુવર્ણનું સુરાપાત્ર લઈ આવે છે. એ ગભરાયેલી હોવાથી કુમારદેવીને જોતી નથી. એનું આખું અંગ થરથર ધ્રૂજે છે અને એનું મુખ છેક ફિક્કું પડી ગયેલું દેખાય છે] માધવી ! માધવી ! ક્યાં મરી ગઈ હતી ? (તેની સ્થિતિ નિહાળે છે) શું થયું ? ભૂત જોઈ આવી ?આમ ધ્રૂજે છે કેમ ? (તેના હાથમાંથી સુરાપાત્ર લઈ લે છે.) માધવી : (નીચી નજરે) બા ! મને જ્વર આવ્યો છે. મધુમતી : જા મર, અહીંથી. (સુરા લઈ ચંદ્રગુપ્ત આગળ ધરે છે.) મહારાજ ! આવો મધુ તો દેવોને પણ દુર્લભ છે. [ચંદ્રગુપ્ત તે હાથમાં લે છે અને ઓષ્ઠે અડાડે તે પહેલાં કુમારદેવી આવી તેના હાથમાંથી તે ઝૂંટવી લે છે] કુમારદેવી :(અતિ સ્વસ્થ છતાં વક્રોક્તિથી) મહારાજ ! દેવોને દુર્લભ મધુ માનવોએ પીવા યોગ્ય નથી. [તેને જોઈ મધુમતીદેવી ને ચંદ્રગુપ્ત અવાક અને અસ્થિર બને છે. માધવી ભયથી આંખો ફાડી જોઈ રહે છે. થોડીક ક્ષણો સુધી કુમારદેવી વારાફરતી બધાં તરફ જુવે છે અને પછી માધવીને ખૂબ સખતાઈથી કહે છે] દાસી ! જા, મધુમતી રાણીના માનીતા શુકને અહીં લઈ આવ. [માધવી ગૂંચવાય છે પણ એક શબ્દ બોલ્યા વિના જાય છે] ચંદ્રગુપ્ત: (નાખુશી દર્શાવી) મહાદેવી ! જોઈએ તે કરતાં વધારે અધિકાર માણસ વાપરે તેનાં સારાં પરિણામ આવતાં નથી. કુમારદેવી : (હજુ તેટલી જ વક્રોક્તિથી) મહારાજ ! કોણ કેટલો અધિકાર વાપરે છે તે હમણાં જ ખબર પડશે. જરા ધીરા થાઓ. મધુરાણીને મહેલે થાક ઉતારવો સહેલો નથી. [દાસી એક સુવર્ણપિંજરમાં મીઠું બોલતો એક શુક લઈ આવે છે. કુમારદેવી તે લઈને પિંજર ખોલી, શુકને બહાર ખેંચી કાઢે છે] મધુમતી :(આવેશમાં) મહાદેવી ! આ તે શું કહેવાય ? આ કંઈ વૈશાલી નથી કે વગર અધિકારે આમ ગમે ત્યાં ઘૂસી જવાય ! છોડો મારા શુકને ! [એક પગલું કુમારદેવી તરફ ભરી તેને છોડાવવા જાય છે; કુમારદેવી ઝડપથી બાજુએ ખસે છે] મહારાજ ! તમારા દેખતાં મહાદેવી આવું કરે ત્યારે તો કંઈ બોલો. કુમારદેવી : (તીખી રીતે) હમણાં બોલશે મધુરાણી; ઉતાવળાં ના થશો. [શુકની ચાંચ ખોલે છે ને તેમાં માધવીએ આણેલી સુરા રેડે છે. તેમ કરતાં તેની અંગુલી સખત રીતે કરડાય છે. પણ મુખ પર વેદનાનાં ચિહ્નો સિવાય એક શબ્દ તેના મુખમાંથી નીકળતો નથી. થોડી વારમાં શુક તરફડવા માંડે છે અને તેના પ્રાણ ઘડીમાં ઊડી જાય છે. આ બધો વખત કોઈ કંઈ બોલતું નથી. મધુરાણી શુક પર થતી ક્રિયા જોઈ પહેલાં આવેશ પછી આશ્ચર્ય પછી ભય એમ વારાફરતી અનુભવે છે. ચંદ્રગુપ્ત પણ પહેલાં ક્રોધ, પછી આશ્ચર્ય અને પછી મધુરાણી તરફ ભયંકર તિરસ્કારથી જુવે છે. કુમારદેવી માત્ર નિશ્ચલ નયને બધું જોયા કરે છે] ચંદ્રગુપ્ત :(ક્રોધથી લાલચોળ થઈ કંપે છે.) મધુરાણી ! માધવી ! કુલટાઓ, મારો પ્રાણ લેવાનો આવો પ્રપંચ ! મધુમતી :(ભયથી એની જીભ તાળવે ચોંટી જાય છે. છતાં મુશ્કેલીએ બોલવાનો પ્રયત્ન કરે છે.) મહારાજ ! હું આમાંનું કશું જ જાણતી નથી. હું હું... આપનો પ્રાણ લેવાનો પ્રયત્ન કરું ? મારા જીવનનો એક માત્ર આધાર તેને જ હું ઉચ્છેદું ! (તેના પગે વળગે છે.) મહારાજ !મને ન્યાય આપો ને બચાવો [ચંદ્રગુપ્ત એક પળ પીગળે છે પણ એને શંકાને લીધે ખસેડી મૂકે છે. કુમારદેવી થોડી વાર પહેલાં પોતાની વિરુદ્ધ ઉચ્ચારાયેલાં વાક્યો સંભારે છે અને મધુરાણીને કચડવાના આ સુંદર પ્રસંગનો લાભ લેવા એક પળ લલચાય છે, પણ એનાં સ્વભાવનાં સત્ તત્ત્વો એને એમ કરવા દેતાં નથી] કુમારદેવી :(ગૌરવ, તીખાશ અને દયાના મિશ્રણથી) મહારાજ ! મધુરાણી નિર્દોષ છે ને માધવીને પૂછશો તો આ ગુનાનું મૂળ ક્યાં છે તે જડશે. (ગૌરવથી પીઠ ફેરવે છે પણ સાંભરી આવ્યું હેાય તેમ ફરીને) મહારાજ ! આપને મારો થાક ચડ્યો હોય તો સંદેશો કહાવજો. વૈશાલીની સેના આપ ભલે અહીંયાં રાખો. મને એકલાં વૈશાલીનો રસ્તો જડશે. [ઝડપથી તે ચાલી જવા જાય છે પણ ચંદ્રગુપ્ત તેને કાંડું પકડી અટકાવે છે. ચંદ્રગુપ્ત થોડી વાર સ્તબ્ધ થઈ ઊભો રહે છે. મધુરાણી કરગરતી રડતી તેના પગમાં પડે છે. માધવીથરથર ધ્રૂજતી અર્ધમૃત્યુની સ્થિતિ અનુભવતી ઊભી છે.] ચંદ્રગુપ્ત :(ગૌરવથી) મહારાણી ! ઊભાં રહો. અત્યારે હિસાબ ચૂકતે કરવાનો વખત નથી. મને કહો, આ બધો શો ભેદ છે ? કુમારદેવી :મહારાજ ! ક્ષમા કરો. રાજકાર્યમાં માથું ન મારવાની આપની આજ્ઞાનો ભંગ, આપનું જીવન ભયમાં છે એમ જાણતાં મારાથી થઈ ગયો ને અહીં દોડતાં આવીને આપનીઆનંદરાત્રિ બગાડી. મહારાજ ! આ ભેદને માટે આ માધવીને પૂછો. એ કદાચ કંઈ જાણતી હશે. ચંદ્રગુપ્ત : (ખૂબ કઠોર સ્વરે) માધવી ! સાચું બોલજે કોણે તને આ કૃત્ય કરાવ્યું ? માધવી :(છેક ધીમા ત્રૂટક સ્વરે) મધુમતીદેવીએ. મધુમતી : (ચીસ પાડી ઊઠે છે.) મેં ? મેં તને આ કૃત્ય કરાવ્યું ? તું દાસી, મારું જ ખાઈ મને મારવા બેઠી ? (તેના વાળ ને વેણી વીખરાઈ ગયાં છે. અશ્રુએ પાડેલા અંજનના ડાઘ તેના કપાળ પર લીટા જેવા પડી ગયા છે. આક્રંદ કરતાં) મહારાજ ! મહારાજ ! તમે આ દાસી જેવી હલકી જાતનું કહેવું માનશો ? મહારાજ ! મને ન્યાય આપો, મને બચાવો. ચંદ્રગુપ્ત : (વહેમથી) મધુરાણી ! જૂઠું ઘણું દહાડા બોલ્યાં. હજુ સાચું બોલશો તો સુખી થશો. કુમારદેવી : (ઉપકારના ડોળથી) મહારાજ ! એક ઘડી વાર પહેલાંની આપની પ્રિય રાણીને આટલો ઉતાવળો અન્યાય ન કરો. આ કૃત્ય કરનાર મધુમતીદેવી નથી પણ તમારાથી અસંતોષ પામેલા કેટલાક રાજપુરુષોની છૂપી મંડળી છે, જેમના વિશે આપ થોડી વારમાં વધુ જાણશો. (મધુમતીને) મધુમતીદેવી ! હું કાળી છું પણ કાળા હૃદયની નથી એટલે હાથમાં આવેલી તક જતી કરું છું ને તમને ફરી વાર મહાદેવીપદ મેળવવાનાં વલખાં મારવાની તક આપું છું. મધુમતી :(મૂર્ખાઈભર્યા આવેશથી) હા, કાળી, કાળી, સાત વાર કાળી. જા, તને કોણે મારી રાત બગાડવા આવવા કહ્યું હતું ? તારા જોતજોતામાં હું મહાદેવી ના થઉં ને તને વૈશાલી ના વિદાય કરું તો મારું નામ મધુમતી નહીં. [ચંદ્રગુપ્ત ખૂબ ગુસ્સે થાય છે. કુમારદેવી માત્ર ગૌરવભર્યા તિરસ્કારથી તેને જોઈ રહે છે] કુમારદેવી: (ગૌરવથી) કહી બતાવવાની જરૂર નથી, કરી બતાવજો. (ચંદ્રગુપ્ત) મહારાજ ! આ માધવીની એના સાથીઓ ન જાણે એવી કંઈ વ્યવસ્થા કરો અને આપ આરામ કરો. પ્રાતઃકાળે બીજું બધું થઈ રહેશે. [જવા માંડે છે] ચંદ્રગુપ્ત :(પ્રસંગ ઓળખે છે) દેવી ! ઊભા રહો. (હાંક મારે છે) બહાર કોણ છે ? [એક દાસી આવે છે અને કંઈ અણધાર્યું બન્યું હોય એમ લાગવાથી આમ તેમ જુએ છે] જા, સેનાનાયક હર્ષનંદી આજે આવાસની રક્ષા કરે છે, તેમને દરવાજેથી બેલાવી લાવ. [દાસી જાય છે. માધવી અત્યંત ભયથી ધ્રૂજતી આવી, રડતી મહારાણીને પાયે પડે છે.] માધવી : બા ! મને બચાવો. પેલા વિલોચને મને ફસાવી. [મહારાજ ન જુવે તેમ કુમારદેવી તેને બચાવવાની સંજ્ઞા કરે છે. હર્ષનંદી સૈનિકો સાથે આવી પહોંચે છે, અને બધી સ્થિતિ જેઈ વિસ્મયથી આજ્ઞાની વાટ જુવે છે] ચંદ્રગુપ્ત : નાયક, આ દાસીને કોઈ ગુપ્ત સ્થળે કેદ કરો અને એ વિશે એક શબ્દ પણ બહાર ન જાય તે ધ્યાન રાખજો. વિશેષમાં કોઈ બહારથી અંદર કે અંદરથી બહાર આવે જાય તે વિશેની જોખમદારી તમારી છે. (હુકમ આપી આસપાસ બિલકુલ જોયા વિના, કુમારદેવીને) દેવી ! ચાલો ![કુમારદેવી જતાં જતાં મધુમતી તરફ પોતાની જીતનું એક વિજયી સ્મિત ફેંક્યા વિના રહી શકતી નથી. મધુમતીની ઝેરીલી નજરમાંથી ખૂન ઝરે છે]

[ પડદો પડે છે.]

અંક ચોથો
પ્રભાવ
[સ્થળ : પાટલીપુત્ર નગરનો રાજમાર્ગ.]
સમય : બીજાં બે વર્ષ પછી.

કોશલ દેશના સુધન્વા અને દેવદત્ત નામના બે મુસાફરો પાટલીપુત્રની શેરીઓમાં ભમીભમી રાજમાર્ગ પર આવીને ફરે છે. દિવસનો બીજો પ્રહર શરૂ થઈ ગયો છે અને રાજમાર્ગ પર આજે ઘણા પ્રકારની ગરબડ મચી રહી છે. ઘણા અગત્યના કામે જતા હોય એવા અશ્વ પર બેઠેલા લિચ્છવીયોદ્ધાઓ કોઈ છુંદાઈ જશે તેની પરવા કર્યા વિના વારંવાર આમથી તેમ દોડે છે. પગલે પગલે કંઈ અવનવું બન્યું હોય તેમ જનવૃંદ ટોળે વળી વાતે વળેલું દેખાય છે. સાધારણ પ્રસંગે હોય તેના કરતાં ઘણા વધારે હસ્તીઓ પાટલીપુત્રના ગૌરવને મૂર્તિમાન કરતા હોય તેવા રાજ્યમાર્ગને શોભાવતા આમ તેમ ડોલતા આવે જાય છે] સુધન્વા : દેવદત્ત ! આ શહેરનો ઠાઠ તો કંઈ ઓર છે. દેવદત્ત : પણ આ બધું શું ચાલી રહ્યું છે ? આજે કંઈ ખાસ પ્રસંગ દેખાય છે. શહેરી : (ઉતાવળો ચાલતાં ચાલતાં ઊભો રહે છે.) જાણતા નથી ? આજે વિજયાદશમી છે, ને મહાદેવી કુમારદેવી અંગદેશને નમાવવા મહારાજ સાથે આજે યુદ્ધનું વિજયપ્રયાણ આદરવાનાં છે. દેવદત્ત :ભાઈ ! શું કહ્યું ? સ્ત્રી યુદ્ધે ચડે ? તમારે ત્યાં યોદ્ધાઓ બધાં મરી પરવાર્યા શું ? શહેરી :(તેના સામી એક તીખી દૃષ્ટિ નાખે છે.) ભાઈ ! તું વટેમાર્ગુ છે. તેથી મહાદેવીના પ્રતાપને જાણતો નથી. જીવતા રહેવું હોય તો ફરી કોઈ આગળ એવું બોલીશ નહીં. [દેવદત્ત ખસિયાણો પડી. સુધન્વા તરફ જુએ છે. બંને એક સાદ પાડનારની આસપાસ ટોળું ઊભું હોય છે ત્યાં જાય છે) સાદ પાડનારો :આથી સૌ નગરજનોને મહારાજ ચંદ્રગુપ્ત અને મહાદેવી કુમારદેવી તરફથી વિદિત કરવામાં આવે છે કે પચીસ વર્ષથી ઉપરની વયનો કોઈ પુરુષ અંગદેશ સાથે યુદ્ધ કરવામાં સૈનિક તરીકે આવશે તેને સપ્તમાસા સુવર્ણનું પારિતોષિક પ્રથમ દિવસે વેતન ઉપરાંત આપવામાં આવશે અને યુદ્ધ જીત્યે વિજેતા સૈનિકોને યોગ્ય ‘મગધભૂષણ' એવું પદ ‘યાવચ્ચંદ્રદિવાકરૌ’ એના કીર્તિનામને અમર કરશે. [થાળી વગાડતો વગાડતો તે આગળ જાય છે. લોકોનું ટોળું વિખેરાય છે. કેટલાક તેની પાછળ જાય છે] એક પુરુષ : (બીજા સાથીને) વયસ્ય ! મગધના કેટલા નવરાઓ આનાથી આકર્ષાઈ અંગદેશની સવારીમાં સાથે જશે ? બીજો પુરુષ :ખરે, વયસ્ય ! આવું તો કદી જાણ્યું નહોતું. કહે ન કહે પણ આ બધું મહાદેવીના વિચારનું પરિણામ છે. એ આવી ત્યારની મગધને યુદ્ધોમાંથી જંપવા નથી દેતી. [સુધન્વા ને દેવદત્ત આ ટીકાઓ સાંભળતા આગળ જાય છે. રાજમાર્ગ પર સામસામા બે રથ મળે છે. તેમાં બંને રથિકો પરસ્પરને જોઈ કંઈ અગત્યની વાત કરવાની હોય તેમ રથને થોભાવે છે] પહેલો રથિક :અરે ભાઈ મયણપાલ ! મહાદેવી અત્યારે તને ન જોવાથી ઘણાં ક્રુદ્ધ થયાં છે. બીજો રથિક : અરે મિત્ર ! કહે તો ખરો શું થયું ? પહેલો રથિક :બીજું તો કંઈ નહીં પણ હું ગયો ત્યારે મને પૂછ્યું : 'મયણપાલ કેમ દેખાયો નથી ?' મેં કહ્યું: ‘આપની સેવામાં એ હમણાં જ આવી પહોંચશે’ ને એમણે ભમ્મરો સંકોચી બીજી ગમ જોયું. બીજો રથિક : (ઘોડાને ચાબૂક મારતાં) અરે મિત્ર ! હું આ ચાલ્યો ! [ઉતાવળથી ગભરાટમાં જાય છે] દેવદત્ત :ઓત્તારીની ! આ મહાદેવી ! જ્યાં હોય ત્યાં તેના વગર કશું સંભળાતું જ નથી. [એક ચિત્રકાર એક ચિત્રફલકને વસ્ત્રથી આચ્છાદી ઉતાવળો ઉતાવળો જાય છે. એના કંઠમાંની માલાઓ કરમાઈ ગઈ છે. વાળ અસ્તવ્યસ્ત થઈ ગરદન પર ઝૂલે છે. સુધન્વા તેને અટકાવે છે] સુધન્વા : ભાઈ ! અમે પરદેશી પંથી છીએ. અમારે મહાદેવી કુમારદેવીનાં દર્શન કરવાં છે. એ ક્યાં મળશે ? ચિત્રકાર : (અટકાવ્યો તે ગમ્યું ન હોય તેમ) અરે પરદેશીઓ ! આજે મહાદેવી યુદ્ધે ચડે છે અને મારા ચિત્રનું મૂલ્ય એના વિના કોઈ કરે એમ નથી, માટે મને જવા દો. [ઉતાવળો જતો રહે છે] દેવદત્ત :મિત્ર,આપણે ત્રિયારાજ્યમાં તો નથી આવ્યા શું ? સુધન્વા :એમ જ લાગે છે. [એક સુભટ દોડતો દોડતો બૂમો પાડતો જાય છે, તે સાંભળે છે] સુભટ: (બૂમ પાડતો) હે નગરજનો ! દિવસના તૃતીય પ્રહરના અંતભાગમાં મહારાજ ચંદ્રગુપ્ત અને મહાદેવી કુમારદેવી શતસહસ્ત્ર યોદ્ધાઓના સાથમાં આ માર્ગેથી સવારીએ નીકળી નગર બહાર પુરદેવીના મંદિરમાં નગરદેવતાનો ઉત્સવ કરવા જશે. સૌ પુરજનો ત્યાં આવે એવી આજ્ઞા છે ... એ....એ.....એ. [સવારીનો આ ચોક્કસ સમય જાણી ઘણા લોકો પોતપોતાના ગૃહ પ્રતિ આજ્ઞાપાલન કરવા ઉતાવળા ઉતાવળા જાય છે. ધીરે ધીરે પ્રાસાદો અને દુકાનોને પુષ્પનાં તોરણો ચડે છે. સુગંધી જળનો છંટકાવ કરનારા લોકો માર્ગ વાળી, જળ છાંટે છે] સુધન્વા :મિત્ર ! મહાદેવીને જોવાનો આ ઠીક લાગ મળ્યો. (હાથમાં ચંદનકચોળાં લઈ ચારપાંચ સ્ત્રીઓ ઉતાવળી જાય છે તે જોઈ) અહા ! નગરની સ્ત્રીઓ પણ આજે તો ઉત્સવઘેલી થયેલી છે (સ્ત્રીઓને) હે વિશાલાક્ષી ચારુવેશી સુંદરીઓ ! અમે દૂર દેશથી આવેલા પ્રવાસી જનો છીએ. અમને ઉત્તર દો. આવાં સુગંધી ચંદનને લઈને તમે ઉતાવળી ઉતાવળી ક્યાં જાઓ છો ? [સ્ત્રીઓ આ વિચિત્ર વેશધારી પરદેશીઓને જોઈ માંહોમાંહ્ય તાળી લઈ હસે છે. તેમાંની એક વધારે હિંમતવાન સ્ત્રી આગળ આવે છે] સ્ત્રી : હે પંથીજનો ! તમે ખરેખર આ નગરમાં અજાણ્યા લાગો છો. આજે આ નગરમાં મહાન ઉત્સવ છે. સર્વ પ્રજાજનોને પુત્રવત્ પાળનારાં મહાદેવી આજે મહારાજ સાથે યુદ્ધે ચડે છે. અમે આ ચંદન લઈ તેમનાં દર્શનાર્થે જઈએ છીએ. સકળ ત્રિલોકમાં અમારી મહાદેવી સમી સ્ત્રી થઈ નથી ને થવાની નથી. [પંથીઓને આશ્ચર્ય પામતા મૂકી ઉતાવળમાં તેઓ હસતી હસતી ચાલી જાય છે. રાજપુરુષો હાથમાં હાથ ભેરવી ધીરે ધીરે રાજમહાલય તરફથી વાતો કરતા આવે છે. તેમની પાછળ આ બંને જણા વગર બોલે જઈ પાછળ પાછળ ચાલે છે] પહેલો રાજપુરુષ :અંગદેશના રાજા દશાર્ણભદ્રનો દૂત સંદેશો લઈને આવ્યો, તે સાંભળ્યો ? બીજો રાજપુરુષ :મિત્ર ! તારી માફક આખો દિવસ મારે રાજમહેલમાં કાર્ય કરવાનું નથી હોતું તે બધી બાબતની મને ખબર પડે. પહેલો રા. :(એની અદેખાઈનો ટાણો ગળી જઈને) મિત્ર ! મહારાજ તો તે વાંચીને લાલપીળા થઈ ગયા. બીજો રા. : (આતુરતાથી) એવું તે શું હતું ? પહેલો રા.:(આસપાસ જોઈને ધીરે સ્વરે) શ્વસુરપક્ષની કુમક પર રાજ્યો જીતવાનો લોભ રાખ્યા કરતાં પહેલાં અંતઃપુર જીતો તો ઘર સુધરશે. સ્ત્રીને પડખે ભરાઈને મહારાજ્ય સ્થાપવા નીકળેલા......માફક હાંસીને પાત્ર થાય છે પહેલો રા. :(આંખો ચગાવી વચમાં) હેં વયસ્ય ! ખરેખર ? હવે મહાદેવી શું કરશે ? બીજો રા.  :(છેક ધીરે સ્વરે સંતોષથી) કંઈ ખોટું નથી થયું. જરા મહારાજા પણ જાણશે કે લોકો શું ધારે છે. આ લિચ્છવીયોદ્ધાઓ તો એવા ફાટી ગયા છે કે મગધના લોકોને તરણા બરાબરે ગણતા નથી. (ચિંતાથી) પણ અંગદેશની સાથેની વિષ્ટિ તો હવે પડી ભાંગી જ. મહાદેવી એટલાં ગુસ્સે થયાં છે કે હવે યુદ્ધ વિના આરો નથી. એમને, સ્ત્રી રાજ્ય કેમ જીતે છે તે બતાવવું છે ને મહારાજ પણ હવે આ મહેણાં પછી બેસી રહે એ માનવું અશક્ય છે. [એકદમ તેને પોતાની પાછળ ચાલતા બે માણસો વાતો સાંભળે છે એવું ભાન થાય છે. તેના મનમાં તેઓ પરદેશી ગુપ્તચર હોય એવો સંભ્રમ થાય છે. પોતાના સાથીને કોણી મારીને ચેતાવે છે ને બંને ઉતાવળા આગળ ચાલી જાય છે] સુધન્વા : દેવદત્ત ! હવે તો હું કંટાળી ગયો છું. આ મહાદેવી વગર બીજું કંઈ સંભળાય એમ જ નથી ? દેવદત્ત : (લુચ્ચાઈથી) હા મિત્ર ! પણ જરા રસ પડે એવુંયે છે. પણ મિત્ર ! હવે કંઈ ક્ષુધાશાંતિ કરવાનું નહિ મળે તો એક ડગલું પણ ચલાય એમ નથી. [સુધન્વા આમતેમ નજર ફેરવે છે. એને રાજમાર્ગ પરથી ખસવું નથી એટલે એક ગોરસ વેચવા જતી સ્ત્રીને બોલાવે છે અને બમણાં દામ આપી તેનાં ગોરસ બંને યથેચ્છ પીએ છે. એક રાયણવાળાની પાસેથી થોડીક સુવર્ણરંગી આકર્ષક રાયણોનાં ઝૂમખાં લે છે અને માર્ગમાં બાજુએ આવેલા એક વૃક્ષ તળે બેસી બંને ખાય છે. આવતાં જતાં લોકો આશ્ચર્યથી આ બંને પ્રવાસીઓ તરફ જોતાં જોતાં જાય છે. થોડી વારે બંનેની આસપાસ ટોળું જામે છે] એક ચીબાવલો : બાપડા કોઈ દુર્ભિક્ષવાળા દેશમાંથી આવતા લાગે છે. એક દોઢડાહ્યો : એમનાં મેલાં શરીરો તો મરુદેશનો ભાસ આપે છે. એક અળવીતરો : અલ્યાઓ ! મુંડ લોકના પંથના છો શું ? એક મિજાજી :આમ રસ્તે બેસીને ખાતાં શરમ નથી આવતી ! એક પાજી :કોઈ જંગલી જાતના લાગે છે. એક ડોસી :(આગળ આવીને) દીકરા ! રસ્તે આવી સોના સરખી રાયણો ને ઊજળાં દૂધ જેવાં ગોરસ ખાતાં નજર લાગશે તો ફાટી પડશો. એક માલણ : પરદેશી ! ઉતારા જોઈએ છે ? મારી ફૂલવાડીમાં દેશદેશના ભમરા વસી ગયા છે. એક અટકચાળો : (મોટેથી) પરદેશીજોડી, બાવા જેવી દાઢી; રાયણ ખાય રસ્તે, તેનું થાય ખરાબ ખસ્તે. એક સજ્જન : અલ્યાઓ ! તમે બધાંએ આ શું માંડ્યું છે ?બિચારા પરદેશી મહાભાગોને હેરાન કરો છો ? હમણાં સવારીનો વખત થશે ને તમે તો બધાં આમ ટોળે વળીને ઊભા છો. [એક રાજપુરુષ આ પળે આવે છે. સજ્જનના શબ્દોથી તૈયાર થયેલું ટોળું વિખેરાય છે. રાજમાર્ગ સવારી જોવા આવેલા માણસોથી ભરાવા માંડે છે. સ્ત્રીઓ, બાળકો, શ્રેષ્ઠીઓ, વૃદ્ધો, કામગરાઓ, નવરાઓ વગેરેથી મકાનો, દુકાનો, છજાં, જાળિયાં, ઝાડો વગેરેમાં મળી શકે એવી સૌ જગા માણસોથી ભરાયેલી છે અને વાતાવરણમાં એક જાતનો સતત ગણગણાટ સાધારણ અવાજને એટલો ડુબાવી દે છે કે ઘાંટો પાડ્યા સિવાય કોઈનું કંઈ સાંભળી શકાતું નથી. દેવદત્ત અને સુધન્વા પાટલવૃક્ષ પર ચડી એક ડાળી પર નિરાંતે ગોઠવાઈને બેસે છે.] કેટલાક જણ :(સામટા) નિશાનડંકા આવ્યા, નિશાનડંકા આવ્યા. [સૌની આંખો તે તરફ મંડાય છે. અશ્વ પર બેઠેલો એક યોદ્ધો હાથમાં રાજધ્વજ ફરકાવતો ઘોડાને થનગનાવે છે. નિશાનડંકા આગળ વધે છે, ઝાડ પર ચડેલો એક છોકરો એના બાપને કંઈક કહે છે.] છોકરો : બાપા ! છ—છની ટુકડીમાં આવતી આ ઘોડેસવારની હાર જોઈને ! કેવાં ચળકતાં બખતરો સજ્યાં છે ? બાપા ! હું મોટો થાઉં, ત્યારે મને આવાં બખતર ને શસ્ત્રો અપાવશો ? ડોસો : હા, બેટા, પણ હમણાં તું જોયા કર. (પ્રશંસાથી) શાં ગર્વીલાં મુખ અને શરીરની છટા છે ? છોકરો : બાપા, હું મોટો થઈશ ત્યારે આવો જ થઈશ હોં. સુધન્વા : ભાઈ ! આ મગધના યોદ્ધાઓ તો ભારે છે હોં. આની સામે બાથ ભીડીને અંગ મરી ગયું સમજજો. દેવદત્ત : અરે ભાઈ ! આને મગધનું સૈન્ય રખે માનતા. આ તો લિચ્છવીઓ ઘોડે ચડ્યા છે. [ઝાડ પરના કેટલાક માણસો આ વાક્યના બોલનાર તરફ આશ્ચર્યથી જુએ છે અને પરદેશી જણાવાથી કંઈ બોલતા નથી. લશ્કરના દરજ્જા પ્રમાણેની જુદી જુદી ઘોડેસવારોની ટુકડીઓ આવે છે. ઘોડા નચાવતા, ભાલા ચમકાવતા સૈનિકોને જોઈ અંગદેશ પરનો વિજય હમણાં જ સિદ્ધ કર્યો હોય એટલી હોંશ લોકોમાં પ્રસરે છે. પાછળ અસીમ દેખાતું પાયદળ ઉઘાડા ઉત્તર અંગ સંગાથે હાથમાં ઢાલતલવારને ચમકાવતું ચાલે છે. દૂરથી ધીરે ધીરે ચાલતા રાજ્યહસ્તી પરનું સુવર્ણ છત્ર ચળકતું દેખાય છે અને તે દૃષ્ટિપથમાં આવે છે. લોકો તેને જોઈને વિજયઘોષ કરવા મંડી પડે છે. અને વાતાવરણ મહારાજા ચંદ્રગુપ્ત અને મહાદેવી કુમારદેવીના જયજયકારથી ગાજી રહે છે. એક ડોલતો હસ્તી ચોગાનમાં આવે છે. તેની સૂંઢ અને ગંડસ્થળ પર ચિતરામણ પાડેલાં છે અને કિનખાબનાં વસ્ત્રો, સોનેરી અંબાડી અને મોતીની ઝાલરોથી તેને શણગારેલો છે. તેમને જોતાં “મહારાજા ચંદ્રગુપ્તનો જય” એવા જયનાદો કાન ફાડી નાંખે એમ વાતાવરણમાં પ્રસરે છે. સ્મિતમય મુખે સૌના નમસ્કારો ને જયનાદોને ઝીલતાં, વિજયઘોષ કરનારાં ટોળાં તરફ પ્રસન્નમુખે જોતાં, રાજારાણી મૂર્તિમાન સત્તાના અવતારસમાં લાગતાં બેઠાં છે. પાછળ બેઠેલી બે પ્રતિહારિણીઓ ચામર ઢોળે છે ને વાયુ વાય છે. વચમાં એક વારાંગના અદ્ભુત રીતે સમતુલા સાચવી છત્ર લઈ ઊભી છે. હસ્તીની આગળ પાછળ શરણાઈમાં ઉત્તેજક સંગીત વગાડતા ગાયકોની હાર ચાલે છે. પુષ્પોનો વરસાદ વરસે છે. અને રાજ્ય તરફથી દ્રવ્ય વેરાય છે.] ડોસો : બેટા, જો જો, રાજારાણી હસે છે. જો આ૫ણી તરફ જોઈને પણ સ્મિત કર્યું. બોલ, બેટા ! ‘રાજારાણીનો જય ! રાજારાણીનો જય !’ છોકરો : (ઘાંટો પાડી) રાજારાણીનો જય ! રાજારાણીનો જય ! બાપા ! બાપા ! જુઓ એમણે મારા તરફ જોયું ને હસ્યાં. રાજારાણીનો જય ! રાજારાણીનો જય ! (આનંદથી નાચે છે) [કોશલ દેશના પંથીઓ આ અદ્ભુત દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ જાય છે અને ભાન ભૂલી વૃક્ષ પરથી નીચે કૂદી 'રાજારાણીનો જય’ ખૂબ મોટા અવાજે પોકારે છે. સૈનિકો તેમને દૂર ખસેડવા જાય છે. પહેલાં વિસ્મયથી, પછી કુતૂહલથી મહારાજ ચંદ્રગુપ્ત અને મહારાણી કુમારદેવી તેમને જુએ છે અને પરદેશીઓ છે એમ જાણતાં શત સુવર્ણદિનાર તેમને સંજ્ઞાથી આપવાનું સૂચવે છે. સુવર્ણદિનારથી પ્રસન્ન થયેલા પંથીઓ વધારે ને વધારે જયનાદો પોકારે છે. લોકો પણ આ ઉદારતા જેઈ ઉત્સાહમાં આવે છે અને પ્રશંસા કરે છે. બંદીજનો ગાય છે. રાજારાણી સ્મિત કરે છે. હસ્તી આગળ ચાલે છે]

[પડદો પડે છે.]

અંક પાંચમો
અમરતા

[સ્થળ : અંગદેશની રાજધાની મહેન્દ્રનગરના કોટની બહાર મગધની છાવણી.]
સમય : દિવસનો દોઢેક પ્રહર.

નગરના કોટની આસપાસ ખાઈ છે અને તેમાં ગંદું પાણી ભરેલું છે. ખાઈની બીજી પાસે મગધનું સૈન્ય શહેરની આસપાસ ઘેરો નાખીને પડેલું છે. એક પક્ષી સરખું પણ મગધનું સૈન્ય ભેદ્યા વિના પેલે પાર જઈ શકે તેમ નથી. છાવણીમાં કેટલાક સૈનિકો કંઈ કામ સૂઝતું ન હોય તેમ આમતેમ ફરે છે. કેટલાક ટોળે વળી “મહારાજા આજે મહાદેવી સાથે, મગધના સામંતોને પાછળ મૂકી યુદ્ધે ચડ્યા છે” એવી છાનીછાની વાતો કરે છે. કેટલાક તંબૂઓ પછવાડે ભરાઈ દ્યુત રમે છે. કેટલાક વાંસળી વગાડે છે. અને કેટલાક પોતાનાં ફાટ્યાંતૂટ્યાં કપડાંને બાજુએ બેસીને સાંધે છે. આ બધાંમાંનો ઘણો મોટો ભાગ દુર્બળ અને નિસ્તેજ દેખાય છે. બધાંના મુખ પર અસંતોષ સ્પષ્ટ જણાયા વગર રહેતો નથી. સામેના દુર્ગ પરથી છૂટોછવાયો તીરોનો મારો બધી દિશાએથી થાય છે પણ તેમાંનું કોઈક જ તીર મગધની છાવણીમાં પહોંચે છે. આ પાસથી પણ કેટલાકો દુર્ગ ઉપર તીરો છોડવાના વ્યર્થ પ્રયત્નો કરે છે. શહેરની પશ્ચિમ દિશાના દરવાજાની બરાબર સામે ખાઈની આ પાર મહારાજ ચંદ્રગુપ્તનો ભવ્ય શિબિર અને તેનાથી થોડે છેટે સભાગૃહનો તંબૂ, ફાટ્યોતૂટ્યો છતાં જૂના ઠાઠનો ખ્યાલ આપતો ઊભો છે. સભાગૃહના તંબૂની આસપાસ બે સૈનિકો ખુલ્લી કૃપાણ સાથે ફરે છે. આજુબાજુ જોતા મંત્રી સોમશર્મા ને અમાત્ય વિષ્ણુનંદન બંને તેમાં પ્રવેશે છે. સોમશર્માની અક્કડ ચાલ, વિશાળ અને ઊભું કપાળ, ખૂબ વળેલી પોપટિયા નાસા અને બાજ પક્ષી જેવી આંખોથી જોનાર પહેલેથી જ ભય પામે છે. વિષ્ણુનંદનની ચાલમાં અસ્થિરતા અને મુખ પર લુચ્ચાઈ છે] સોમ : (સ્વગત) હવે આને પાર ઉતારવો પડશે. (ચારે પાસ પોતાની આંખો ફેરવીને ખૂબ ધીરેથી કોઈ નથી એવી ખાતરી કર્યા પછી) અમાત્ય વિષ્ણુનંદન ! આપણી યોજના ફળી. મહારાજ ચંદ્રગુપ્ત કેદ પકડાયાના સમાચાર અબઘડી મને મળ્યા ને મેં તમને બોલાવ્યા. વિષ્ણુ : (ચિંતાતુર સ્વરે) હું ક્યારનો એની જ વાટ જોતો હતો, પણ કશી વાત ઉઘાડી તો નથી પડીને ? સોમ : (વિજયદર્શક ભાવથી) ના, ના, કોઈને વહેમ સરખોય નથી આવ્યો. એ તો જાણે અંગના જ સૈનિકો પકડી ગયા તેમ થયું. (આંખો મિચકારીને) યુદ્ધ કરતાં કરતાં મહારાજનો અશ્વ લંગડો થયો ને એ શું થયું તે જોવા જરા બાજુએ થયા એટલામાં અંગદેશના પચીસ સૈનિકો આપણા જ જેવા સૈનિકોનાં કપડાં પહેરી ક્યાંકથી આવ્યા ને મહારાજને ઉપાડી મારતે ઘોડે ચાલી ગયા. સારું થયું કે સેનાપતિ આનંદ, માલ્યવાન ને સુમેરુ કોઈ કારણસર છાવણીમાં રોકાઈ ગયા હતા. [બંને મૂંગા રહે છે ને એક જ વાત પર જુદાજુદા વિચારો કરે છે] વિષ્ણુ  : (ખેદથી) મંત્રીવર્ય ! આપણે કર્યું તો ખરું પણ આ ઠીક નથી થયું. સોમ : (એકદમ ચમકે છે.) શું કહ્યું ? અમાત્ય ! કંઈ ગાંડા થયા ? તમારી સંમતિથી બધું કર્યું ને આજે તમને આવો વૈરાગ્ય ક્યાંથી આવ્યો ? વિષ્ણુ : ખરું, પણ મંત્રીવર્ય ! કોણ જાણે કેમ મને ખટકો થયા જ કરે છે. જેનું લૂણ આપણે આટલાં વર્ષ ખાધું એ મહારાજને દુશ્મનના હાથમાં સોંપવાનો દગો ? કોઈ જાણે તો શું કહેશે ? આપણી સેનાનું શું થશે ? સોમ : (હસીને, વિષ્ણુનંદનનો વાંસો થાબડતાં) અમાત્ય ! શાંતિ રાખો, કોઈ જાણવાનુંયે નથી, ને કોઈ કંઈ કહેવાનુંયે નથી. ને સેનાની ફિકર કરશો નહીં. તેમાંથી તો ઘણો મોટો ભાગ મગધ પાછા ફરવાને એવો અધીરો થયો છે કે તે માટે તો આપણે જેમ કહીશું તેમ કરશે (સ્વર બદલીને, ગંભીરતાથી) ને અમાત્ય ! આપણા દેશનું તો આપણે ભલું કર્યું છે. મહારાજા સિંહાસને ચડ્યા ને લિચ્છવીઓનું જ્યારથી ચડી વાગ્યું, ત્યારથી લડાઈઓ લડતાં મગધનો પાર આવ્યો નથી. હવે તો લિચ્છવી મહારાણીના પડશે નીચા, ને બાળક સમુદ્રગુપ્તને આપણે ધારીશું તેવો બનાવીશું, ને આપણી આગળ એ ચૂં કે ચાં નહીં કરી શકે. કોઈ કહી કહીને શું કહેવાનું છે ? મારે તમારે તો રાજ્ય જોઈતું જ નથી કે કોઈ કંઈ કહે. (થોડીક વાર થોભીને) ઘણાખરા સામંતો પણ આપણા પક્ષમાં ભળ્યા છે પછી બીહો છો શાને ? વિષ્ણુ.: (આંખો નીચી ઢાળીને સતા થતાં) પણ તોયે મંત્રીવર્ય ! ખોટું તે તો ખોટું જ ને ! સોમ : (મિજાજ ગુમાવતાં) તે તમને રહી રહીને અત્યારે સૂઝયું ! આટલા દિવસ તમારું અંતઃકરણ કોને વેચી આપ્યું હતું ? (સ્વર બદલી) પેલા અશ્વપાળને શિક્ષા કરી ત્યારે મહારાજને તમારા પર એ ટોળીમાં સામેલ હોવાનો ને અંગદેશવાળાઓનાં કાવતરાંઓમાં ભળવાનો શક હતો તે શું તમે ભૂલી ગયા ? ને લિચ્છવી રાણીએ તે વખતે તમારું કેવું અપમાન કર્યું હતું ? તમે એમ માનશો કે મહારાજાના મનમાંથી તમારા વિશેનો એ શક જતો રહ્યો છે ને હવે તમે કંઈ ગરબડ કરશો તો કોઈ તમને સંઘરવાનું નથી ને બંને બાજુએથી માર્યા જશો. માટે નકામા મિત્રો ખોવામાં કંઈ મુદ્દો નથી એ સારી પેઠે ધ્યાનમાં રાખજો. વિષ્ણુ. : (ખૂબ ગભરાય છે) ના, ના. મંત્રીવર્ય ! હું એમ ક્યાં કહું છું ? એ તો માત્ર મારા મનમાં સહેજ સમવિષમ થયું તે તમને ન કહું તો બીજા કોને કહું ? પણ તમે મનમાં જરાયે અંદેશો આણશો નહીં. આપણે કર્યું એ તો કર્યું જ. હવે પાછા ફરવાની વાત કેવી ? હા, પણ... [બોલતાં અચકાય છે] સોમ : (હસે છે) જરાયે ગભરાશો નહીં. તમારા પાંચ હજાર સુવર્ણદિનાર મારા શિબિરમાં સલામત પડ્યા છે. હા, પણ કહો, હવે શું કરીશું ? આ વાત કંઈ બહાર પાડ્યા વગર છૂટકો છે ? વિષ્ણુ.: (ચિંતાથી) તે શી રીતે કરાશે ? સોમ : જરા ધીરજ રાખો. આમ અત્યારથી પોચકાં શું મૂકો છો ? આ યુદ્ધથી બધાં એટલા કંટાળી ગયા છે કે ગમે તે બહાને લડાઈ ક્યારે પૂરી થાય તેની જ સૌ વાટ જુએ છે. માત્ર સેનાપતિ આનંદ જેવા થોડા ઘણા આપણામાં નથી ભળ્યા, પણ તેને તો આપણે પૂરા પડીશું. તમે જોયા તો કરો. હું બધું બરાબર પાર ઉતારીશ. (મોટેથી) બહાર કોણ છે ? (પહેરો ભરતો એક સૈનિક હાથમાં તીરકામઠા સાથે પ્રવેશ કરે છે.) કોણ મરીચિ ? આખી છાવણીમાં બધાં સરદારોને, હું ને અમાત્ય વિષ્ણુનંદન કંઈ અગત્યના કારણસર મળવા માગીએ છીએ, એવી ખબર પહોંચાડવાની વ્યવસ્થા કર. [સૈનિક અક્ષર પણ બોલ્યા વગર આશ્ચર્ય પામતો જાય છે] અમાત્ય વિષ્ણુનંદન ! હવે તમે જરા સ્વાસ્થ્ય મેળવવાનો પ્રયત્ન કરો. આ બધાં બોકડાઓને સમજાવવા એ કંઈ સહેલી વાત નથી. ને હવે એ રાણીને પણ ખબર પડશે કે કેટલે વીસે સો થાય છે. (કંઈક વિચાર આવવાથી હસીને) ચાલો, આ બધાં એકઠા થાય તે પહેલાં મારા તંબૂમાંથી તમારા સુવર્ણદિનાર લઈ જાઓ કે મારે એટલું જોખમ સાચવવું મટે. [હાક મારે છે] કાત્યાયન ! કાત્યાયન ! [કાત્યાયન અને મરીચિ આવે છે] આ સભાગૃહમાં હમણાં સામંતસભા મળવાની છે. માટે આસનોની યોગ્ય વ્યવસ્થા કર. (મરીચિને) બધે ખબર કહાવ્યા ? [મરીચિ ડોકું ધુણાવી હા પાડે છે] (સ્વગત) જો આજની રમત પાર પડે તો તો એક બાજુ મગધનું મહારાજ્ય કે બીજી બાજુ અંગદેશનું મંત્રીપદ. જોઈએ શું મળે છે ? (વિષ્ણુનંદનને) ચાલો, [બંને જાય છે. બંને સૈનિકો આસનો ગોઠવે છે. કાત્યાયનના મુખ પર અત્યંત ગ્લાનિ છે] મરીચિ : કાત્યાયન ! આજ આ બધું શું છે ? યુદ્ધક્ષેત્રમાંથી એક સૈનિક આવી મંત્રીવર્યને કંઈ કહી ગયો ત્યારથી વાત ઊડી છે કે મહારાજા પકડાયા. એ ખરી વાત ? [આસનો પર ઝાપટ મારે છે] કાત્યાયન: (અત્યંત ગ્લાનિથી) એમ કંઈ લાગે છે ખરું. (ન રહેવાયાથી) છેવટે પેટના બળેલાએ ગામ બાળ્યું ખરું ? મરીચિ : (ઊભો રહી જાય છે) શું કહે છે ? કાત્યાયન : (ભાન આવે છે એટલે વાત ઉડાવતાં) કંઈ નહીં. તારી વાત ખરી લાગે છે. નહીં તો આ સભા અત્યારે ને અત્યારે મળે નહીં (વક્રોક્તિથી) ચાલો કંઈ નહીં. હવે ઘેર જવાનું મળશે. મરીચિ: હેં ખરેખર ! ત્યારે તો મજા ! (બોલતાં બોલાઈ જાય છે પણ પછી પસ્તાય છે.) પણ તારી વાત ખરી હોય તો મહારાજાને મૂકીને મહાદેવી બધાંને જવા કેમ દેશે ? કાત્યાયન : (વધારે વક્રોક્તિથી) તે જ પીડા છે ને ! નહીં તો તારા જેવા બધાં ક્યારનાયે મગધમાં મજા કરવા ચાલી જાય. મરીચિ : પણ મિત્ર ! ખરું કહે, આજ બબ્બે વર્ષ થયાં આમ આપણે અહીં ટાઢતડકો વેઠી પડી રહ્યા, પણ ન અંગદેશ જિતાયો કે ન દ્રવ્ય મળ્યું. હવે તો આસપાસ એટલું ઉજજડ થઈ ગયું છે કે નથી પૂરું ખાવાનું મળતું ને લૂગડાંને બદલે હવે તો ચીંથરાં જ રહ્યાં છે; ને રાજારાણી આમ જીદ કરી કરી આપણને સૌને મારી નાંખવા બેઠાં છે, એ કંઈ સારું કહેવાય ? અત્યારે મગધ પાછા જઈએ તો વળી ફરી વાર આવીને અંગદેશ જીતીશું. (જરાક વારે) લોકો તો કહે છે કે કિલ્લામાં તો બાર વર્ષ ચાલે એટલાં અનાજપાણી ને શસ્ત્રો ભરી મૂક્યાં છે, તે આપણાથી કંઈ બાર વર્ષ સુધી અહીં બેસી રહેવાય ? (નિરાંતે એક આસન પર બેસે છે.) ભાઈ ! આપણે તો હવે આ રણભૂમિથી કાયર કાયર થઈ ગયા. એક આ લિચ્છવીઓની શરમ નડતી ન હોત તો તો આપણે મગધ પાછા ક્યારનાયે પહોંચી ગયા હોત ! [કાત્યાયન ડોળા કકડાવે છે તે જોઈને, અકળામણ થતાં ઊઠીને આસનો ઝાપટવા મંડી પડે છે] કાત્યાયન : (એક સૂક્ષ્મ જંતુની તરફ જોતો હોય તેમ મરીચિ તરફ જોઈ રહે છે અને ખભા ચડાવે છે.) તારા જેવા જંતુઓ જે દેશમાં વસે તે તો પારકાએ આપેલી કીર્તિ પણ શોભાવી નથી શકતા. [આડો ફરીને પોતાનું કામ કરે છે. મરીચિ કંઈ બોલવા જાય છે પણ એક પછી એક સામંતો આવવા માંડે છે એટલે મૂંગો રહે છે. અને બંને જણ જાય છે. આવનાર સૌનાં મુખ પર ગભરાટ અને ઉત્કંઠા છે. મૂંગામૂંગા સૌ પોતપોતાના આસન ઉપર જઈ બેસે છે. સેનાપતિ આનંદ લંગડાતો લંગડાતો આવે છે. માલ્યવાન, સુમેરુ પણ આવીને બેસે છે. શ્રીકંઠ ફિક્કા દેહ પર આભરણો પહેરીને આવે છે] શ્રીકંઠ :કેમ સેનાપતિજી ! હજી ઘા નથી રુઝાયો ? આનંદ :ના, ના, હવે તો બહુ નજીવો રહ્યો છે. જરૂર પડે તો આજે ઘોડે ચડીને જાઉં. કેમ કવિ ! તમે કંઈ પાંડુરંગી શોભાને ધારણ કરતા લાગો છો ? શ્રીકંઠ : (મોં ચડાવીને) શું કરીએ ? કોઈ સુખે રોટલો ખાવા દે તો ને ! આ તો એક દહાડો મારો—કાપો ને એક દહાડો દોડો દોડો. ન જંપીને બેસવાનું કે નહીં પૂરું ઊંઘવાનું. હવે તો ભાઈ ! મગધ જઈએ એટલે છૂટયા. [સોમશર્મા ને વિષ્ણુનંદન પ્રવેશ કરે છે સૌ સભાજનો ચુપચાપ થઈ જાય છે. બંને પોતપોતાનાં આસનો પર જઈને બેસે છે] સોમ. : (કવિના છેલ્લા શબ્દો સાંભળ્યા છે. એટલે બેસતાં ઠાવકે મુખે) શું, કવિ ! શું કહ્યું ? મગધ જવાની હોંશ થઈ આવી છે ? તમારી હોંશ પૂરી પડે એવાં ચિહ્નો થવા માંડ્યાં છે ખરાં. (કોઈ જવાબ દેતું નથી એટલે એકદમ ગંભીર સ્વર ધારણ કરીને) સામંતગણ અને સભાજનો ! તમને વધારે વાર શંકામાં ન રાખતાં જે વાતને માટે તમને બોલાવ્યા છે તે વાત હું તમને હમણાં જ નિવેદન કરું છું. એક ઘટિકા પહેલાં ખબર આવ્યા છે કે મારી અને અમાત્ય વિષ્ણુનંદનની ના છતાં, મહારાજાએ જે સાહસ આજે આદર્યું હતું તેનું બહુ માઠું પરિણામ આવ્યું છે. પરમ ભાગવત મહારાજ ચંદ્રગુપ્ત શત્રુઓને હાથે કેદ પકડાયા છે. ['હેં ! હેં !' કરતા સૌ સભાજનો ઊભા થઈ જાય છે. અહીંયાં આવતી વખતે સૌના મનમાં આવી જ કંઈ શંકા હતી. એવું એમના વર્તન પરથી દેખાય છે] આનંદ: (ખૂબ ઉશ્કેરાટથી) પણ મંત્રીવર્ય ! એ શી રીતે બન્યું ? સોમ. : (પહેલા જેટલા જ ગાંભીર્યથી) ગઈ કાલે રાત્રે જ મહારાજા ને હું વાત કરતા હતા, કે આ બે વર્ષના સતત વિગ્રહથી હવે મગધસેના છેક કંટાળી ગઈ છે. આપણા કેટલા યોદ્ધા ઘવાયા, કેટલાયે માંદા પડ્યા. આપણી સાધનસામગ્રી પણ ઓછી થતી જાય છે. આપણા સૈન્યસમુદાય પાસે પૂરાં અન્નવસ્ત્ર પણ નથી. મને લાગે છે કે એ વાત ઉપરથી મહારાજાને એકદમ આ સાહસ કરવાનું સૂઝી આવ્યું લાગે છે… શહેરનો પૂર્વ દિશાનો કોટ નિર્બલ છે અને ત્યાં ઓછામાં ઓછું રક્ષણ છે એવી કોઈકે ખબર આપવાથી તેના પર ભરોસો મૂકીને મહારાજ એક હજાર લિચ્છવી યોદ્ધાઓને લઈને મગધના કોઈ સામંતોને ખબર આપ્યા વિના આજે છાનામાના મળસ્કે ઊપડ્યા. સાથે મહાદેવી પણ ગયાં છે. મને લાગે છે કે એમની જ પ્રેરણાનું પરિણામ આ સાહસ કરવામાં છે. [આનંદ, માલ્યવાન, સુમેરુ વગેરે કેટલાક વિશ્વાસુ જનોનું અભિમાન આથી ઘવાય છે. બીજા સૌ ઉશ્કેરાઈને માંહોમાંહ્ય વાતો કરે છે. કોઈને શું કરવું તે કંઈ સૂઝતું નથી] માલ્યવાન : (ન રહેવાયાથી) પણ શું થયું મહાદેવીનું ? સોમ. : એ તો પ્રતિજ્ઞા કરીને બેઠાં છે કે કાં તો એ આજે મહારાજાને પાછાં લાવે, કાં તો આજે એ યુદ્ધમાં ખપી જાય. એમણે જ એક સંદેશવાહક મોકલ્યો છે. [“એને અત્રે બોલાવો, અત્રે બોલાવો”ના પોકારો ચારે પાસ ગાજી રહે છે. સોમશર્મા પ્રતિહારીને ઇશારત કરે છે. એક પળમાં બહાર ઊભેલો સંદેશવાહક યોદ્ધો અંદર આવે છે. એણે શિરસ્ત્રાણ ને લોહજાલિકા પહેરેલાં છે. એને ખભે કામઠી અને હાથમાં બાણભાથાં અને કૃપાણ છે. એના મુખ પર અધીરાઈ સ્પષ્ટ દેખાય છે] ઈંદ્રજિત :મંત્રીશ્વર ! મહાદેવીનો સંદેશો લાવ્યે મને પ્રહર સમય વીતી ગયો અને હજી આપે નથી કુમક મોકલી કે નથી સેના તૈયાર કરી ! સોમ. :(શાંતિ જાળવી) ઇંદ્રજિત ! આ બધી તેની જ ખટપટ ચાલે છે. પણ તે પહેલાં આ સભાજનો અને સામંતગણ યુદ્ધભૂમિના સમાચાર જાણવાને આતુર થઈ રહ્યા છે, તે તેમને વિદીત કર. ઈંદ્રજિત : (આ ઠંડા જવાબથી ખૂબ ઉશ્કેરાઈને) સામંતગણ ! સભાજનો ! મગધના યોદ્ધાઓ ! હું જ્યારે રણભૂમિ પર એકલાં લિચ્છવી મહાદેવીને લડતાં મૂકીને અત્રે મહારાજાને પકડાવાની દુઃખદાયક ખબર આપવા આવ્યો ત્યારે મને ખાતરી હતી કે વાત સાંભળતાંની વાર અબઘડીમાં મગધનું સૈન્ય તૈયાર થઈ જશે અને જેવું પરાક્રમ એકલે હાથે મહાદેવી કરી રહ્યાં છે, તેને સહસ્ત્રગણું વધારી આજના સૂર્યાસ્ત પહેલાં મહેન્દ્રનગરનો દુર્ગ ભેદશે અને મહારાજાને છોડવી લાવશે. પણ હું અહીંયાં શું જોઉં છું ? મારા આવ્યાને પ્રહર સમય વીતી ગયો છતાં હજુ તો શું થયું ને શું નહીં તેની પણ કોઈને ખબર પડી નથી. (પોતાનું કાર્ય સાંભરી આવ્યાથી સહેજ શાંતિ પકડીને:) સામંતગણ ! મગધના યોદ્ધાઓ ! આજે યુદ્ધભૂમિ પર શું થયું તેની હકીકત ટૂંકામાં કહું છું તે શ્રવણ કરો. અતિશય નિરર્થક કાળક્ષેપ અને સૈનિકોના અસંતોષથી અકળાયેલા મહારાજા આજે મહાદેવી સાથે એક હજાર ચુનંદા સૈનિકોના સાથમાં પોતે જ યુદ્ધભૂમિ પર જવાને છેક મળસકે નીકળ્યા હતા. એ વાત ખાસ ખાનગી રાખવાની ન હતી અને પાછળથી દશ હજાર સૈનિકો સાથે મગધના વીરો મોકલવાની આજ્ઞા છતાં મહારાજા મહાદેવી સાથે યુદ્ધે ચડ્યા છે એ વાત જાણે આપ સર્વ નવી જ સાંભળતા હો તે જાણી મને આશ્ચર્ય થાય છે. શત્રુઓ અમારી હિલચાલ ન જુએ માટે અમે છેક બ્રાહ્મમુહૂર્તે નીકળ્યા હતા. તે વખતે શત્રુપક્ષનો એક પણ માણસ અમને મળ્યો નહીં ને અમે સહીસલામતીથી ખાઈનો પૂલ ઓળંગી ગયા અને પૂર્વદિશા તરફથી હલ્લો કરવાના વિચારે તે તરફ રવાના થયા. માર્ગમાં શત્રુની જાગૃતિનાં કંઈ ચિહ્ન ન જણાવાથી ખુશ થતા અમે આગળ વધ્યા અને પૂર્વદિશાના દ્વાર પાસે જઈ તે તરફની નીચી દીવાલ પરથી ઉપર ચડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ આ વખતે સૂર્યોદય થવાની તૈયારીમાં હતો અને અમે દ્વારથી થોડે દૂર ઉપર ચડવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં અચાનક કોટ પરથી તીરોનો વરસાદ વરસ્યો અને આવા અચિંત્યા હુમલાથી ગભરાયેલા અમે જરા પાછળ હઠયા. એવામાં એકદમ કોટનું બારણું ઊઘડ્યું અને થોડાક મગધના સૈનિકોની વચ્ચે મહારાજા ઊભા હતા ત્યાં થોડા અંગ સૈનિકોનું ટોળું આવ્યું અને અમે એ શું કરે છે તે જોઈએ અને આંખ મીંચીને ઉઘાડીએ એટલામાં તો જોતજોતાંમાં મહારાજને લઈ જેવી ઝડપથી તે બહાર નીકળ્યું હતું તેટલી જ ઝડપથી અંદર પેઠું અને બારણાં દઈ દીધાં. (જરા શ્વાસ ખાવા થોભે છે. સૌ ઊંચે શ્વાસે સાંભળે છે.) એક નિમિષ માત્રમાં દગો થયો હતો અને તે પણ આપણા માણસોના સહકારથી, એવું મહાદેવીએ જોઈ લીધું અને મહારાજાની આસપાસ ઊભેલા સૈનિકોને તેમણે ત્યાંના ત્યાં જ વીંધી નાખ્યા અને જોરથી એમણે કિલ્લા પર મારો ચલાવવાનો હુકમ આપ્યો. એક વાર તો બાણો ફેંકતાં પણછ તૂટી ત્યારે એમણે પોતાનો લાંબો કેશકલાપ કાપી તેનાથી તેને તરત સાંધી કામ ચલાવ્યું. શત્રુઓ પણ પોતાની યુક્તિ સફળ થવાથી આનંદમાં આવી ત્યાં જ કોટ પર એટલામાં જમા થઈ ગયા. અને બંને પક્ષ તરફથી તુમુલ યુદ્ધ જામ્યું. આ જ અરસામાં મને મહાદેવીએ સંદેશો લઈ અત્રે મોકલ્યો છે. એમણે તો નિશ્ચય કર્યો છે કે આજ સૂર્યાસ્ત સુધીમાં કાં તો દુર્ગ તોડી મહારાજાને એ પાછા લાવે, કાં તો એ રણભૂમિ પરપ્રાણત્યાગ કરે. એમણે મંત્રીશ્વરને કહાવ્યું છે કે બીજા દશ હજાર યોદ્ધાઓને એમનો સંદેશો સાંભળતાં વાર જ તેમણે રવાના કરવા. [મૌન રહી બધાં તરફ વારાફરતી નજર નાખે છે. તલવારો કાઢી એકસામટા કેટલાક યોદ્ધાઓ ઊઠે છે અને પુકારે છે, “મંત્રીશ્વર, આજ્ઞા આપો ! આજ્ઞા આપો !” મંત્રી સૌમશર્મા કંઈક વિચિત્ર રીતે આ ઉત્સાહ તરફ જુએ છે. એને ઠંડો પાડવા અને વખત મેળવવાની બાજી તે મનમાં રચે છે] સોમ. : (જુએ છે કે વધારે વાર ઉઘાડા ન પડવામાં માલ નથી.) ભાઈઓ ! વાત સાંભળી ઉશ્કેરાઈ જવા કરતાં આ સ્થળે ડહાપણ વાપરવાની વધારે જરૂર છે. હું આજ્ઞા આપું તે પહેલાં પળ વાર થોભો, અને મારા એક સવાલનો ઉત્તર આપો. તમે સૌ મગધસમ્રાટના વિજયી સામંતો છો કે લિચ્છવી રાણીની આજ્ઞાને અનુસરનારા સેવકો છો ? [આ અણધાર્યા સવાલથી સૌ આશ્ચર્યથી એકમેક સામું જુએ છે અને ઠંડા પડે છે] આનંદ : (મંત્રીની યુક્તિ કંઈક સમજતાં) મંત્રીશ્વર ! મહારાજા પકડાયાની આ ક્ષણે તમે આવું બોલો તે શોભે ? સોમ. : (આંખમાં બને એટલી વીજળીઓ આણીને ઉઘાડું બંડ જાહેર કરે છે.) શું કહો છો,સેનાપતિ આનંદ ? મહારાજ પકડાયાનું તમને કે લિચ્છવી રાણીને લાગે છે તેના કરતાં મને વધારે લાગે છે. પણ એ બૈરકબુદ્ધિના શબ્દો ને સોગનો સાંભળી તમે રખે ભૂલતા કે મહારાજાને આજે ને આજે એ લિચ્છવી રાણી છોડાવી લાવવાનાં છે. કોઈ દહાડોય એમને છોડવીશું તો હું કે તમે; નહીં કે એ લિચ્છવી રાણી. આનંદ : (લંગડાતો લંગડાતો આગળ વધે છે) પણ મંત્રીવર્ય, અત્યારે શું ? લિચ્છવી રાણી સાથે હિસાબ ચૂકવવાનો કંઈ આ વખત છે ? સોમ. : (ઉદ્ધતાઈથી) ના. સ્ત્રીબુદ્ધિથી ખુવાર ન થવાય એટલું જોવાનો અત્યારે વખત છે. (ઠંડકથી) મારી સલાહ આ સભા માને તો અત્યારે ને અત્યારે લશ્કર મોકલવાથી કંઈ અર્થ સરવાનો નથી. મહારાજાને આમ ઉઘાડે છોગે પકડી જવાની હિંમત કરી તે ઉપરથી જ લાગે છે કે અંગવાસીઓ હજુ ખૂબ જોરમાં છે ને આપણા યોદ્ધાઓ તો બધાં લડીલડીને થાકી ગયેલા છે. મહાદેવીને સંદેશો કહાવીએ કે આજે યુદ્ધ બંધ કરીને એ પાછાં આવે, પછી આપણે શું કરવું તેનો નિર્ણય કરીશું. [કેટલાએક આશ્ચર્ય પામેલા એકસામટા અવાજે બોલી ઊઠે છે : ‘મંત્રીશ્વર !'] આનંદ :(માંદો માંદો, લંગડાતો, બારણા તરફ જોતાં) મંત્રીશ્વર, તમારો આ નિર્ણય હું માન્ય કરી શકતો નથી. હું મારા સૈનિકોને લઈને હમણાં જ જાઉં છું. સોમ. : (સખત અવાજે) સેનાપતિ આનંદ ! તમારી નબળી તબિયત જોતાં તમને હું સલાહ આપું છું કે તમારે બહુ ઉશ્કેરાઈ જવું નહીં. બાકી એક વાત ભૂલી જશો નહીં કે મહારાજાની ગેરહાજરીમાં મારો હુકમ સર્વમાન્ય ગણાય છે. અને તમે જે પળથી તેને ઉલ્લંઘવા પ્રયત્ન કરશો તે પળથી જ તમે રાજ્યના કેદી છો. [સૌ સ્તબ્ધ થઈ જાય છે. આનંદ ધીરેધીરે ચાલી તિરસ્કારથી બારણા તરફ જવા જાય છે તેટલામાં મંત્રીની ઇશારતથી તેનો બે સૈનિકો કબજો લે છે] આનંદ:(ક્રોધથી) મંત્રીશ્વર, આનો હિસાબ ચૂકતે કરવો પડશે. સોમ. :(હસીને) તે અત્યારે છે ? તમારો વારો આવે ત્યારે થાય તે કરજો. [આનંદ ક્રોધથી દાંત કચકચાવે છે. ઈંદ્રજિત જે અત્યાર સુધી બધો ખેલ જોયા કરે છે તે અટ્ટહાસ્ય કરે છે] ઇન્દ્રજિત : મંત્રીશ્વર ! આપની સુજનતા પર કેટલો વિશ્વાસ મૂકવો તેનું મહાદેવીએ યોગ્ય જ માપ કાઢ્યું હતું અને તેથી એમણે લિચ્છવી સેનાપતિ જયવર્ધનને પણ જુદો સંદેશો કહાવ્યો હતો. એ ક્યારનાય બે હજાર યોદ્ધાઓના સાથમાં રણસંગ્રામ તરફ સિધાવ્યા છે. એટલે આપ મહાદેવીનો કાંટો સહેલાઈથી કાઢી નાખવાની આશા રાખતા હો તો તે આશા હજુ બહુ ઉતાવળી છે. [સભામાં ગરબડાટ થઈ રહે છે. મંત્રી સોમશર્મા એક વિપળ નિસ્તેજ દેખાય છે. દૂરથી રણશિંગાનો અવાજ સંભળાય છે. પ્રતિહારી પ્રવેશે છે] પ્રતિહારી :રણભૂમિ તરફથી એક બીજો સંદેશવાહક આવ્યો છે, તે પ્રવેશવાની આજ્ઞા માંગે છે. સોમ.  : આવવા દે. [એક સંદેશવાહક યોદ્ધો લોહીથી ખરડાયેલાં વસ્ત્રો સાથે પ્રવેશ કરે છે] સંદેશવાહક: મંત્રીવર્યની સેવામાં નિવેદન કરવાનું કે મહાદેવી કુમારદેવી રણભૂમિમાં અત્યારે અદ્ભુત પરાક્રમ કરી રહ્યાં છે, અને કોઈ સ્ત્રીએ ન દાખવેલું અપૂર્વ શૌર્ય દાખવી દુર્ગ પરના ઘણાખરા અંગસેનાનીઓનો એમણે નાશ કર્યો છે. યુદ્ધની દેવીઓ જો એમને આવી ને આવી જ મદદ આપે તો એક ઘડીવારમાં એ દુર્ગનો કબજો લેશે. પણ આપણા સૈનિકોનો પણ આ યુદ્ધમાં ખૂબ નાશ થઈ ગયો છે. અને મહાદેવીના વામ સ્કંધમાં તીરનો એક સજજડ ઘા લાગ્યો છે છતાંયે લડે છે. માટે આપને વિજ્ઞપ્તિ કરવાની કે બને તેટલી જલદી, સૈન્યની મદદ રણભૂમિ પર મોકલો. [સૌ એકબીજાના સામું જુએ છે. સોમશર્માએ પણ હવે છેલ્લે પાટલે જ બેસવાનો નિશ્ચય કર્યો છે] સોમ. : (કડકાઈથી) આ સંદેશો કોણે—મહાદેવીએ કહાવ્યો ? સંદેશવાહક: ના, મહારાજ ! એ તો યુદ્ધમાં એટલાં મશગૂલ છે કે બીજી વાતનું એમને કંઈ ધ્યાન જ નથી. આ પરિસ્થિતિ તો હું મારી પોતાની મેળે જોઈને કહેવા આવ્યો. સોમ. :(વધારે સખતાઈથી) યુદ્ધભૂમિ પરથી આજ્ઞા વગર નાસી આવનાર સૈનિક શિક્ષાને પાત્ર છે એ વાતની તને ખબર છે ? સૈનિકો ! આને કેદ કરો. [સંદેશવાહક ફિક્કો પડી જાય છે. સમજણ ન પડતી હોય તેમ ગૂંચવાયેલો ઊભો રહે છે. સભામાં પણ એકદમ શાંતિ પ્રસરે છે. હુકમ અન્યાયી છે એમ લાગવા છતાં બંડ કેમ ઉઠાવવું તેની કોઈને સમજણ પડતી નથી] ઇન્દ્રજિત: (ઉશ્કેરાઈને, સંદેશવાહકને ઉત્સાહ આપતાં) ભાઈ, મંત્રીશ્વરને તો મહાદેવી સામેનાં જૂનાં વેર નડે છે એટલે ધારે તોયે કંઈ કરી શકે તેમ નથી. પણ તું ગભરા નહીં. મદદ ક્યારનીનીકળી ગઈ છે અને તે અબઘડી પહોંચી ગઈ હશે. સેનાપતિ જયવર્ધન બે હજાર યોદ્ધાઓના સાથમાં નીકળી પડ્યા છે. દુશ્મનોનું ધ્યાન ખેંચવા તેઓ જુદે રસ્તે ગયા એટલે તને મળ્યા નહીં હોય. આનંદ: (દાંત કચકચાવી) મંત્રીવર્ય ! મગધનું મહારાજ્ય આમ નહીં મળે ને કૂતરાંને મોતે મરશો. સોમ.: (ઊઠે છે ને એક ઝેરભરી દૃષ્ટિ આનંદ પર નાખે છે ને આંખ ફેરવી નાખે છે.) સૈનિકો, કેદીને સલામત સ્થળે લઈ જાઓ. એ નાસી ન જાય તે માટે તમે જીવ સાટે જોખમદાર છો. [સૈનિકો આનંદને લઈ જાય છે. સોમશર્મા ચારેગમ શક્તિશાળી નજરે બધાં તરફ જોઈ તેમને માપવા મથે છે અને પોતાનો છેલ્લો પાસો ફેંકે છે] સામંતગણ ! મગધના યોદ્ધાઓ ! આજે આપણા ઉપર એક અવનવીન પ્રસંગ આવી પડ્યો છે. જે સ્વપ્ને પણ કલ્પી ન શકાય એવી વાત બની છે. પરમ ભાગવત મહારાજા આજે દુશ્મન દળમાં કેદ પકડાયેલા છે. [મંત્રી શું કહેવા માગે છે તે સાંભળવા સૌ આતુરતાથી ઊંચું જુએ છે] મગધના યોદ્ધાઓ ! આપણું કર્તવ્ય આ વખતે શું છે ? તમે કહેશો કે મહારાજાને છોડાવી લાવવાનું ને શત્રુગણને વિદારવાનું. હું પણ કહું છું કે હા, આપણું એ જ કર્તવ્ય અત્યારે હોઈ શકે. મહાભાગો ! શૂરવીરો ! હું પણ તમારા શુભનિશ્ચય પ્રમાણે મહારાજાને પાછા લઈ આવવાની જ સલાહ તમને આપું છું. પણ મારી રીત તમે ધારો છો, તેનાથી સહેજ જુદી છે. હું સ્ત્રીબુદ્ધિથી દોરવાઈ, મહારાજા જેનાથી છૂટે નહીં એવાં તમારાં નિષ્ફળ બલિદાનો આપવામાં કંઈ અર્થ જોતો નથી. [વાતાવરણમાં ગણગણાટ વધે છે. તેમજ સૌની સાંભળવાની આતુરતા પણ વધે છે.] મગધવાસીઓ ! મારી નસોમાં પણ મગધનું લોહી વહે છે અને મગધની ભક્તિ પાછળ મેં પણ તમારી માફક આખો અવતાર ગાળ્યો છે. પણ તેથી આંધળિયાં કરી વિનાશને સામે નોતરવો એવો જો તેનો અર્થ થતો હોય તો તે મારે કબૂલ નથી. [બહારથી ઉશ્કેરાયેલા સૈન્યના અવાજો આવવા માંડે છે. સોમશર્મા પોતાની વાણીને વધારે ધારદાર કરવા મથે છે. તેનું પ્રૌઢ મુખ ઘરડું થતું દેખાય છે] મિત્રો ! રાજકારણમાં વર્ષોથી સંગાથ આપનારા સાથીઓ ! મગધના શૂરાઓ કઈ રીતે લડવા જાય ? તેમના દેહ પૂરું અન્ન પણ ન પામ્યાથી દુર્બળ થઈ ગયા છે. તેમનાં શસ્ત્રો ખાંડાં બન્યાં છે. તેમને પહેરવા પૂરાં વસ્ત્રો નથી, તેઓ શી રીતે લડે ? મહાદેવીની, એક પરદેશી સ્ત્રીની જીદે તેમને મગધથી સેંકડો યોજન દૂર એવી આ પરદેશી રણભૂમિ પર ખોટી આશાઓથી ઝંખવી મારવાને માટે આણવામાં આવ્યા છે. એ પરદેશી સ્ત્રીની મૂર્ખ આજ્ઞાએ તેઓ લડવા જાય ? [કેટલાકો મંત્રી તરફ દોરવાય છે. દૂરથી રણશિંગાં વાગે છે, બહાર ગરબડાટ વધે છે. સભાજનોનાં ચિત્ત મંત્રી તરફ વળે છે, છતાં અસ્થિર બને છે] માલ્યવાન : (વચ્ચે) મંત્રીશ્વર ! દિશાઓ જીતવાનો લોભ મહાદેવીએ લગાડેલો નથી, પણ દિશાઓ જીતવાના લોભે મહાદેવીને આણવામાં આવ્યાં છે, તે ભૂલશો નહીં. સોમ. : (એક તીખી દૃષ્ટિ કરી તેને ડારતાં) માલ્યવાન ! મગધવાસી થઈ પરદેશીના દૃષ્ટિબિન્દુથી જોતાં તને શરમ નથી લાગતી ? (બહુ વાર કરવામાં હવે ઠીક નથી એમ જણાતાં.) શૂરા સામંતો ! મગધવાસીઓ ! બહાર સૈન્ય અધીરું થયેલું દેખાય છે. પણ હું પૂરું કરું તે પહેલાં મારી એક વાત સાંભળો અને આ વાત હું ખરેખરી જાણીને કહું છું એમ માનજો, રાજા દશાર્ણભદ્રનું જોર હજી તૂટયું નથી અને બબ્બે વર્ષે એના કિલ્લાનો કાંકરો આપણે ખેરવી શક્યા નથી. આપણું સૈન્ય અત્યારે સાધન વિનાનું અને દુર્બળ બનેલું છે; માટે મારી સલાહ એવી છે કે હાલ તરત વિષ્ટિ કરી મગધ જવું અને આવતે વર્ષે બમણું લશ્કરી બળ લઈ આવી અચાનક રાજા દશાર્ણભદ્ર પર છાપો મારવો.અથવા નકામું બળ ન વેડફવું હોય તો કળથી મહારાજાને છોડાવી લાવવા. મારી આ યોજના આપને પસંદ પડતી હોય તો હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે હું મહારાજાને આવતી વિજયાદશમી પહેલાં ગમે તેમ કરી છોડાવી લાવીશ, નહીં તો કાષ્ઠભક્ષણ કરી દેહપાત કરીશ. [સભામાં ઘોંઘાટ થઈ રહે છે. “મંત્રીશ્વરની વાત ખરી છે. !” “સાંભળો,સાંભળો,” “યુદ્ધ બંધ કરો", "મહારાજાને છોડાવી લાવો.” તથા બેચાર નબળા નાના અવાજો “વિશ્વાસધાતી," "મગધના દ્રોહી,” “મહારાજાને છોડાવ્યા વિના પાછું જવાય નહીં,” વગેરે વગેરે ચારે બાજુથી સંભળાય છે; પણ સભાનો મોટો ભાગ મંત્રીની તરફેણમાં લાગે છે. વિષ્ણુનંદન બે ચાર જણને કંઈક સમજાવે છે] એક અવાજ : પણ મહાદેવી રણે ચડ્યાં છે તેનું શું ? આટઆટલા મગધના યોદ્ધાઓ છતાં એ એકલાં લડે અને હારે કે જીતે તોયે મગધનું નામ નહીં લજવાય ? સોમ. : (હસીને) એક કૈકેયીની સ્ત્રીહઠે રામે વનવાસ વેઠ્યો ને રધુકુળ દુઃખી દુઃખી થઈ ગયું. ને એક સીતાની સ્ત્રીહઠે રામ રાવણ લડ્યા ને કરોડો માણસનો સંહાર થઈ ગયો. સામંત ! હવે એ સત્યુગ ન હોય કે સ્ત્રીહઠે રાજ્યો જિતાય કે ખોવાય. સૌથી સારો રસ્તો એજ છે કે આપણે સૌએ એકમતે મહાદેવીને પાછાં ફરવાનો સંદેશો મોકલવો અને ન આવે તો એમને માત્ર થોડા કાળને માટે રાજ્યકેદી ગણી પાછાં આણવા માટે હજાર સૈનિકો મોકલવા. [માલ્યવાન, સુમેરુ વગેરે સોમશર્માની આવી હિકમત અને હિમ્મત જોઈ ચમકે છે. પણ સમય વર્તીને કંઈ બોલતા નથી. સૌ ઢચુપચુ મને ઊભા રહે છે અને સંમતિ આપવાનું સાહસ કોઈથી કરાતું નથી. બહાર રણભૂમિના ભેરી નાદો સંભળાય છે] સોમ.:(જતી પળ તેને સોનાની લાગે છે.) ભાઈઓ ! હું મગધના હિતની દૃષ્ટિએ જે કંઈ કરું તેમાં તમારી સંમતિ છે એમ મારે માની લેવું ? [પ્રતિહારી બહારથી એક સંદેશવાહક લઈને પ્રવેશે છે] સંદેશવાહક :પરમ ભાગવત મહારાજાધિરાજ ચંદ્રગુપ્તનો જય ! મંત્રીશ્વર ! મહાદેવી વિજયી થયાં છે. અને દુર્ગં તોડી શહેરમાં પેસી મહારાજાને છોડાવવા શક્તિમાન થયાં છે. શત્રુસેના અંદર ગયા પછી તો એટલી નિર્બલ થયેલી દેખાઈ કે આપણા સૈન્યને પેસતું જોઈ કોઈ સામે લડવા પણ ઊભું રહ્યું નહીં. ઘડી બે ઘડીમાં મહાદેવી મહારાજાને લઈને અહીંયાં આવશે. [પળ પહેલાં મંત્રી તરફ દોરવાતાં મન આ વિજયી સંદેશાથી સૂર્યોદયથી ધુમ્મસ જેમ ઓગળે તેમ શંકારહિત બને છે. “મહારાજાધિરાજ ચંદ્રગુપ્તનો જય”, “મહાદેવી કુમારદેવીનો જય” એવા ગગનભેદી ઉચ્ચારો સભામાં થઈ રહે છે. થોડી વાર પહેલાં મંત્રીશ્વરના પક્ષના દેખાતા માણસો પણ તેમાં ભળે છે. સોમશર્મા અને વિષ્ણુનંદન પોતાની તક ગઈ એ જુએ છે અને બંને નાસી જવાનો લાગ શોધે છે. ગરબડનો લાભ લઈ તેઓ બારણા તરફ જાય છે ત્યાં માલ્યવાન અને સુમેરુ હિમ્મત કરી તેમને પકડે છે] માલ્યવાન :(ક્રૂરતાથી) મંત્રીશ્વરો ! આવે અણીને વખતે આપ જાઓ તે બને ? તમારા વિના મગધનો વિજય કેમ ઉજવાશે ? [સૌનું ધ્યાન દોરવાય છે અને સોમશર્મા ને વિષ્ણુનંદન નાસી ન શકે તેમ તેમની આસપાસ બધાં ટોળું થઈને ફરી વળે છે. દૂરથી વિજયી સૈન્ય આવતું હોય તેમ જયનાદો, ઘોડાની પડઘીઓ અને રથનાં પૈડાંના ઘરેરાટ પાસે ને પાસે આવતાં સંભળાય છે. તંબૂ બહારનું સૈન્ય પરમ ભાગવત "મહારાજા ચંદ્રગુપ્તનો જય”, “મહાદેવીનો જય'ના ઉચ્ચારો ગગનભેદી સ્વરે ગજાવે છે, અને તંબૂમાંથીયે સૌ આવતા સૈન્યને જોવા બહાર નીકળે છે. એક ઘડીવારમાં રથમાં બેઠેલા રાજારાણી સહિત આખું સૈન્ય આવી પહોંચે છે. બધો વખત જયનાદના ઉચ્ચારો ચાલુ જ રહે છે. રથ પાસે આવીને થોભે છે. મહાદેવીના ઘવાયેલા શરીરને ખોળામાં રાખી મહારાજા બેઠેલા દેખાય છે. સૌને જોઈને ડોકું બહાર કાઢે છે. સૌ શરમિંદે મુખે પ્રણામ કરે છે] ચંદ્રગુપ્ત: (બધાં પર ઉતાવળી નજર ફેરવી) અહો ! અહો ! સામંતગણ ! મંત્રીવર્ય ! સુમેરુ ! માલ્યવાન ! બધાં અહીંયાં જ છો શું ? મને તો આશા જ નહોતી કે ફરી આજે ને આજે જ તમને સૌને મળવાનું સુભાગ્ય પાછું મળશે. (કુમારદેવી પર હેતની એક નજર નાખી) સામંતગણ ! આજે તો મહાદેવીએ જેવું મગધનું નાક રાખ્યું છે તેવું બીજા કોઈથી રખાત નહીં. [બધાં એટલા શરમાયેલા છે કે કોઈને કંઈ ઉત્તર આપવાનું સૂઝતું નથી. મહારાજ ફરી પ્રેમપૂર્વક કુમારદેવીના ઘા પર એક નજર નાખે છે. અને ધીરેથી તેનું માથું તકિયા પર મૂકી રથની બહાર નીકળે છે] મગધના યોદ્ધાઓ ! આજે મારું વર્ષોનું સેવેલું સ્વપ્ન સફળ થયું. મગધના મહાન સિંહાસનને શોભાવે અને સાચવવામાં મદદ કરે અને મગધની મહત્તાને વિસ્તારે એવું સ્ત્રીરત્ન મને સાંપડ્યું તેથી મારી જાતને હું અપૂર્વ ભાગ્યશાળી માનું છું. ચંદ્ર કે સૂર્યવંશમાં કોઈ સ્ત્રીએ આવી વીરતા અને કુશળતા હજી સુધી બતાવ્યાં નથી. (વક્રોક્તિથી)તમે સામંતો, મંત્રીશ્વરો અને યોદ્ધાઓ અહીંયાં વાદવિવાદ કરવામાં મશગૂલ હતા ત્યારે એણે એકલે હાથે આ મહાન કાર્ય કર્યું અને જે આપણા સૈાથી બબ્બે વર્ષ સુધી ન થઈ શક્યું તે એણે એક દહાડામાં કરી બતાવ્યું. મહેન્દ્ર નગરનો અભેદ્ય ગણાતો કિલ્લો એણે તોડ્યો અને મને રાજ્યકેદી તરીકેની દુર્દશામાંથી અને જન્મભરની શરમિંદગીમાંથી બચાવ્યો. સામંતો ! યોદ્ધાઓ ! આજથી મહાદેવી મગધમાં મારા જેટલી જ સત્તા અને માનનાં અધિકારી છે એમ ગણશો. અને કોશાધ્યક્ષ ! આજથી મગધરાજ્યના જે સિક્કાઓ પડે તેમાં મહારાજ ચંદ્રગુપ્ત સાથે મહાદેવી કુમારદેવીનું અર્ધસ્થાન છે એ વાત વીસરશો નહીં. (રથ તરફ ફરે છે.) પ્રિયે ! મહાદેવી ! મગધનો મહારાજ અને તમારો પતિ એની કૃતજ્ઞતાનું ઋણ દેવોની સાક્ષીએ અને મગધની સેના સમક્ષ કંઈક અંશે ચૂકવવા પ્રયત્ન કરે છે તે સ્વીકારો. [મહાદેવી તરફ વાંકા વળે છે પણ અતિશ્રમ અને ઘામાંથી પુષ્કળ લોહી જવાથી નિર્બળ થયેલી મહાદેવીની બેભાન જેવી અવસ્થા જોઈ ગભરાય છે. થોડાક જણ “રાજ્યવૈધ” “રાજ્યવૈદ્ય”ના પોકાર કરે છે અને તેની શોધમાં આમતેમ દોડે છે. મહારાજાના શબ્દો કાનમાં ગયા હોય તેમ મહાદેવી આંખો ઉઘાડે છે અને પ્રસન્નતાથી સહેજ હસે છે] કુમારદેવી:મારા રાજ ! ફિકર કરશો નહીં. મને માત્ર સહેજ નબળાઈ આવેલી છે. પણ આ ગરબડમાં આ સર્વ દુઃખનું મૂળ સોમશર્મા ને વિષ્ણુનંદન નાસી જાય નહીં એટલું જોજો. [સૌની નજર એ બંને તરફ વળે છે. તેઓ બંને ખરેખર આ તકનો લાભ લેવા માગતા હતા એવું જણાય છે. એ બંને જણને સૈનિકો મજબૂત પકડે છે] ચંદ્રગુપ્ત:(સરોષ) સોમશર્મા ! વિષ્ણુનંદન ! તમારા બંનેના વિશ્વાસદ્રોહની વાત મેં શત્રુસૈન્યમાં રહીને પૂરેપૂરી જાણી છે; પણ એનો ન્યાય આ મંગળ પ્રસંગે અત્યારે નહીં. સૈનિકો ! એ બંનેને લોહબંધમાં પૂરતા જાપ્તા સાથે રાખો. [પડતીમાંયે ટટાર રહેલા સોમશર્મા અને નમી ગયેલા વિષ્ણુનંદનનો કબજો થોડાક સૈનિકો લે છે.] માલ્યવાન: (આગળ આવી) મહારાજ ! આ દુષ્ટોની આજ્ઞાથી બંધન ભોગવતા સેનાપતિ આનંદને આ પ્રસંગે બંધનમુક્ત કરી બોલાવો. મહાદેવીની સહાયે આવવાની વાત કરવાથી એ એ શિક્ષાને પાત્ર થયા છે. [મહારાજા આજ્ઞા આપે તે પહેલાં કેટલાક ઉત્સાહીઓ દોડે છે. અને સેનાપતિ આનંદને લઈ આવે છે] આનંદ : (હર્ષાશ્રુ સાથે પ્રણમે છે.) મહારાજ ! [આગળ બોલતાં ગળું રૂંધાય છે.] ચંદ્રગુપ્ત :(તેને ભેટીને) મિત્ર આનંદ ! તું જો સાથે હોત તો તો મને ઉપાડી જવાનો પ્રપંચ કોઈ કદી કરત નહીં. મહાદેવીએ— આનંદ : મહારાજ ! હું જાણું છું. મને એ મગધની અજોડ વિધાત્રીને મળવા દો. [આગળ વધે છે અને કુમારદેવીની સ્થિતિ જોઈ ગભરાય છે] ચંદ્રગુપ્ત : (સ્મરણ આવે છે એટલે) રાજ્યવૈદ્ય ! રાજ્યવૈદ્ય ક્યાં ? [રાજ્યવૈધ આગળ આવે છે અને મહાદેવીની નાડી હાથમાં લે છે અને થોડી પળ ઘાને ધ્યાનથી તપાસે છે. સૌ આતુર અંતરે વાટ જુએ છે) રાજ્યવૈદ્ય : મહારાજ ! નબળાઈ બહુ છે, પણ સ્થિતિ ભયંકર નથી. [આ શબ્દો સાથે “ઘણું જીવો મહાદેવી કુમારદેવી" “પરમ ભાગવત મહારાજ ચંદ્રગુપ્તનો જય !” વગેરે જયનાદો લશ્કરમાંથી સંભળાય છે]

[પડદો પડે છે.]