નારીસંપદા : ટૂંકી વાર્તા/વિશ્રંભકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 02:08, 18 September 2024

વિશ્રંભકથા

ધીરુબહેન પટેલ

મણિકર્ણિકાના ઘાટ ઉપર એ લોકોનો ભેટો થઈ ગયો. વિશ્વાસની ચીડનો કંઈ પાર નહોતો. એક તો તેને શેમાંય શ્રદ્ધા નહીં, વળી પાછું પત્નીને મૂકીને આવવું પડ્યું તેથી તે બહુ નારાજ થઈ ગયો હતો. રસ્તે જાતજાતનો ખોરાક ખાઈને વેઠેલી શિક્ષા પૂરતી ન હોય તેમ અહીં આવ્યા પછી પણ ગોરને ત્યાં જમવાનું નક્કી થયું હતું. વિશ્વાસને એ જરાકે નહોતું ગમ્યું. ઍરોપ્લેનમાંથી હમણાં જ ઊતરતો અંગ્રેજ પણ ન અનુભવે એટલી ઘૃણાથી તે આસપાસની ભક્તિભાવભરી મેદનીને જોતો હતો અને ચિતાના ધુમાડાથી બળતી આંખો રૂમાલથી દાબ્યા કરતો હતો. આટલા લોકોના દેખતાં આવા ગંદા પાણીમાં નહાવું તે તેને શરમજનક લાગતું હતું. અને એવું કાર્ય કરનારાં જનકરાય અને મંગળા પોતાનાં માબાપ છે એ વાત બને તો ક્ષણભર ભૂલી જવાનો તેનો પ્રયત્ન હતો. ‘શી અંધશ્રદ્ધા ! શું અજ્ઞાન!' તે મનમાં જ કચવાયો. માથે સૂરજ ચડ્યો હતો, સવારનું કશું ખાવા મળ્યું નહોતું અને લોકોનો કોલાહલ ક્ષણે ક્ષણે વધતો જતો હતો. 'યજમાન રાજાકી જય હો!' એક બ્રાહ્મણે આવીને તેને ચાંલ્લો કરવા હાથ લંબાવ્યો. વિશ્વાસને ઇચ્છા થઈ કે એકાદ તમાચો ચોડી દેવો. જેમ તેમ હાથ વશમાં રાખીને તેણે ખૂબ કરડી આંખે બ્રાહ્મણ સામે જોયું. પેલો ધીટ હતો. તેણે પૂછ્યું, 'બાબુજી! કહાં ઠહરેંગે?' ‘જહન્નમમાં.” ધીરેથી બબડી વિશ્વાસે એકદમ પીઠ ફેરવી. મંગળા હજુ દેખાતી નહોતી. બ્રાહ્મણનો માખી જેવો બણબણાટ જાણે કાને પડતો જ નથી એમ રાખીને તે કેટલીક વાર ઊભો રહ્યો, પણ અંતે તેનાથી ન રહેવાયું. મંગળાને લઈને આવવાનું વિશ્વાસને સોંપીને જનકરાય તો ક્યારના ઉતારે ચાલી ગયા હતા; ભલું હશે તો તે જમવા પણ બેસી ગયા હશે. તે વિચારથી તેને વધારે ગુસ્સો આવ્યો. શી દુનિયા હતી? તે પોતે કામ બગાડીને આ લોકોને જાત્રા કરાવવા નીકળ્યો હતો. પણ કોઈના મનમાં તલભારેય અહેસાન નહોતો. બીજી કોઈ મા હોય તો બે દહાડાના પડાવમાં પણ ઊની રસોઈ કરીને જમાડે. આ તો દેવદર્શન ને નદીનાળાંમાંથી ઊંચી જ નહોતી આવતીને! બાપુ પણ એવા હતા. શા માટે તેઓ એને હુકમ નહોતા કરતા કે દિવસમાં બે વાર નહીં તો એક વખત રાંધવું જ જોઈએ? ખરું જોતાં એણે વિશ્વાસનાં કપડાં ધોઈ આપવાં જોઈએ. આવાં કરચલીવાળાં મેલાં કપડાં પહેરીને તે ફરાતું હશે ? વખત સ્થિર થઈ ગયો હતો, માત્ર ગરમી વધતી જતી હતી. ભૂખ અને તરસથી વિશ્વાસ ખૂબ જ અકળાઈ ગયો હતો. આ પળે મંગળા દેખાય તો તેને શું કહી નાખવું તે નક્કી કરીને પણ હવે તે થાકી ગયો હતો. કેટલાયે લોકો નહાઈ નહાઈને ચાલ્યા, કેટલાક બ્રાહ્મણો પણ ચાદર અને ચંદનની વાટકી લઈને ઊઠવા માંડયા પણ હજી મંગળાનો પત્તો નહોતો. ઓચિંતો તેને વિચાર આવ્યો. લાખ તોયે આ જાત્રાનું ધામ કહેવાય. મંગળા ક્યાંક ખોવાઈ ગઈ હશે તો!

લોકોની આ અપાર ગિરદી એ બિચારી આ પહેલી વાર જ ઘર છોડીને નીકળી હતી… વિશ્વાસને પેટમાં કંઈક થવા લાગ્યું. તેને પરસેવો વળી ગયો. હાંફળો ફાંફળો થઈને લોકોની ભીડમાંથી મારગ કાઢતો તે મંગળાને શોધવા લાગ્યો. ન તેને હિંદી બોલતાં આવડે, ન પૂરું નામ સરનામું આપતાં આવડે. કયા ગોરને ત્યાં જવાનું છે તેય તેને ક્યાં ખબર હતી? બેચાર પળમાં જ વિશ્વાસનો ગભરાટ વધી ગયો. ક્યાંય ભૂરા રંગની સાડીવાળી બાઈ દેખાય કે તરત વિશ્વાસ એ બાજુ વળતો, પણ કાં તો તે વધારે પડતી જાડી હોય, કાં ઊંચી હોય, કાં મોટે મોટેથી ઘાંટા પાડી બોલતી હોય. મંગળાનો તો ઊંચો સૂર જ કોઈએ સાંભળ્યો નહોતો. હંમેશ તે ઘરમાં કામ કર્યા કરતી, બધાંને મરજી મુજબ રસોઈ બનાવી આપતી, કોઈનું કંઈ ખોવાય તો શોધી દેતી, જે કોઈ વઢવા બેસે તેનું સાંભળી લેતી. હંમેશી તે બધાથી દબાતી આવી છે. પહેલાં સાસુ સસરાથી, પછી પતિથી, અને હવે વહુ-દીકરાથી. કોઈ દિવસ કોઈ ચીજ તેણે પોતાની મરજીથી કરી હોય કે કોઈના કહેવાનો વિરોધ કર્યો હોય એવું વિશ્વાસને યાદ નથી. તેને બહુ ઓછું બોલવાની આદત હતી. બોલે ત્યારે પણ નેણ નીચા નમેલાં હોય, મુખ પર કોઈ ભાવ ન હોય. વિશ્વાસ મોટો થયા પછી વિચારતો, માને વ્યક્તિત્વ જેવી કોઈ ચીજ જ નથી. સદાકાળ તે આવી જ રહેવાની. શું કરવું, કેમ કરવું તે કહેનાર ન હોય તો તેનું શું થાય? સહેજ ગર્વથી તે પોતાની પત્નીનો વિચાર કરતો, અને હરખાતો. નાનપણથી જ તે માને દબડાવતો આવ્યો છે, એમાં કોઈ દિવસ અજુગતું નથી લાગ્યું. આજે આ અજાણ્યા શહેરના ઘાટ ઉપર આવી મેદનીમાં માને શોધી રહ્યો છે ત્યારે પણ તેના મનમાં એક જ વિચાર છે. મા મળે ત્યારે તેને સારી પેઠે ધમકાવવી. સાચે જ, તેને કંઈ ભાન નથી. વેળા કવેળા તે કશું જ સમજતી નથી. અહીં બે ડૂબકી મારીને બહાર નીકળ્યા પછી માણસ આટલાં પગથિયાં ચડીને ઉપર આવતાં કરી કરીને પણ કેટલી વાર કરે? કદાચ તે બ્રાહ્મણ પાસે પૂજા કરાવતી હશે. આટલી વારમાં તો સત્તર પેઢીના પૂર્વજોનો ઉદ્ધાર થઈ જાય… ઓ રહી એ! એક બ્રાહ્મણની મોટી રંગીન છત્રીની પાસે ઊભી ઊભી બે સ્ત્રીઓ એકબીજીને ખભે હાથ મૂકીને ખૂબ રસપૂર્વક વાત કરી રહી હતી. ઘડીભર તો વિશ્વાસના પગ ખંચકાયા. ન હોય એ મંગળા! પણ હતી તો એ જ . ક્રોધથી આકળો થઈને વિશ્વાસ એ તરફ ધસ્યો. રસ્તામાં કોણ અથડાયું, કોણ પડ્યું. કોણે ગાળો દીધી તે કશું તેણે જોયું નહીં. મંગળાની છેક પાસે જઈને તેણે કહ્યું. ‘મા!' પણ બેમાંથી કોઈએ એની સામે જોયું નહીં. બન્ને વાતના રસમાં તલ્લીન હતાં. એક સમાધિ લાગી ગઈ હતી. ખુલ્લા પગ બળતા નહોતા, લોકોની ભીડનો કંટાળો નહોતો. માથે સૂરજનો તાપ નહોતો, મણિકર્ણિકાનું જીવનની નશ્વરતા વડે ગમગીની પ્રેરતું વાતાવરણ પણ ત્યાં નહોતું. બીજી સ્ત્રીએ તાળી આપતાં કહ્યું, 'મની, યાદ છે તે વખતે નાટકમાં તું રાજા થઈ હતી ને પેલી યશોદા બધું બોલવાનું જ ભૂલી ગઈ હતી તે?” 'નામદાર... જહાંપનાહ નામદાર.' કોઈકની નકલ કરતી, હસતાં હસતાં બેવડ વળી જતી આ સ્ત્રી શું પોતાની મા મંગળા હતી? ખૂબ આશ્ચર્યથી વિશ્વાસ એની સામે જોઈ રહ્યો. 'અને શાન્તિ, પેલું યાદ છે? દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે—' 'હા, એ તો મને બરાબર યાદ છે. તે વખતે તેં મને ખેંચી ન લીધી હોત તો હું બળી જ મરવાની હતી.” ‘હવે જા, અને...’ વાતનો કોઈ અંત નહોતો. બે અલ્લડ કિશોરીઓની સ્નેહભરી મૈત્રી કેટલાંય વર્ષોના ગાળા પછી ફરી પાછી પાનેપાને સજીવન થઈ ઊઠી હતી. બે આધેડ સ્ત્રીઓના ચહેરા પર ફરી પાછા એના એ કુમળા આનંદના, અનંત કુતૂહલના ભાવો રમવા લાગ્યા હતા, વિશ્વાસ સ્તબ્ધ થઈને બધું સાંભળ્યા કરતો હતો. કેટલીય વાર પછી મંગળાની નજર તેના પર પડી. તરત તેનું મોં વિલાઈ ગયું. ગભરાઈને તે બોલી ઊઠી. ‘ક્યારનો ઊભો છે ભાઈ?” 'આ —હમણાં જ.' વિશ્વાસ હળવેકથી બોલ્યો. ‘આ શાંતિ મળી ગઈને એટલે. ક્યાં ગયા તારા બાપુજી? “એ તો ગયા ઉતારે. ચાલ આપણે જઈશું? 'હંઅ, ચાલ ને !' અપરાધી ભાવે તે ઝટ ઝટ ભીનાં કપડાંની પોટલી ઊંચકવા લાગી. 'રહેવા દે, મા !' કહી વિશ્વાસે પોટલી લઈ લીધી અને સ્મિત સાથે તે પેલી અજાણી બાઈ તરફ ફર્યો. 'લાવો ને, તમારી પોટલી પણ લઈ લઉં.' 'લે ભાઈ, જીવતો રહે. તું તો શાનો ઓળખે માસીને? હું ને તારી બા તો નાનપણમાં સાથે રમેલાં.’ રમેલાં.... આ મા પણ એક દિવસ રમતી હતી! એ એક નાનકડી છોકરી હતી! વિશ્વાસના મનમાં કેટલાયે અજાણ્યા ભાવો મેઘધનુષ્યના રંગની પેઠે ઊમટી આવ્યા. ઉત્સાહભર્યો તે માને કંઈક કહેવા ગયો. પણ વળી પાછાં એ બન્ને વાત કરતાં હતાં. આ તારો છોકરો? શું નામ?' 'વિશ્વાસ.' ‘નામ તો સારું છે. છોકરો પણ સારો છે.” જરા વાર બધાંએ ચાલ્યા કર્યું. પછી એકાએક શાંતિ બોલી ઊઠી. ‘પણ એનું મોં વિનાયક જેવું તો સહેજે નથી!' વિશ્વાસ આઘાત પામી મંગળા સામે જોવા લાગ્યો. એના મોં પર શાહી ઢળી ગઈ હતી. માંડ કરીને થડકાતા અવાજે એ બોલી, ‘પણ શાંતિ, પછી મારો વિવાહ જ બીજી જગ્યાએ થયો હતો ને!” બધાં શાંત રહી ગયાં. દરેકના મનમાં બેચેની હતી. બાળકના હાથમાંનો મોટો સાબુનો પરપોટો એની ચમકતી સપાટી પરના બધા રંગ સાથે ઓચિંતાનો ફૂટી ગયો હોય એવું લાગવા માંડ્યું. ઘાટનાં પગથિયાંનો પાર જ નહોતો આવતો. માથે સૂર્યનો તાપ પણ અસહ્ય હતો. ઉપર જઈને મંગળાએ કહ્યું, ‘ભાઈ, માસીને તારા બાપુજીનું નામ કહે.’ નામસરનામાં લઈને બેય ગૃહિણીઓએ ઠાવકાઈથી એકબીજાની વિદાય લીધી. પણ મિલન તો ત્યાં ઘાટને નીચલે પગથિયે જ પૂરું થઈ ગયું હતું.

વાર્તા અને વાર્તાકાર :

ધીરુબહેન પટેલ (૨૯-૦૫-૧૯૨૬ થી ૧૦-૦૩-૨૦૨૩)
વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક, પટકથાલેખક, નાટ્યકાર.

પાંચ વાર્તાસંગ્રહ :

1. અધૂરો કોલ (1955) 17 વાર્તા
2. એક લહેર (1957) 23 વાર્તા
3. વિશ્રંભકથા (1966) 15 વાર્તા
4. ટાઢ (1987) ...વાર્તા
5. જાવલ (2001) 27 વાર્તા

‘વિશ્રંભકથા’ વાર્તા વિશે :

ધીરુબહેન પટેલની ‘વિશ્રંભકથા’ નારી હૃદયના ગોપિત ખૂણાનું દર્શન કરાવતી વાર્તા છે. હંમેશાં બધાથી દબાતી રહેલી મંગળાને અચાનક એની બાળપણની સખી સાથે અલ્લડ કિશોરીની જેમ વાતો કરતી જોઈને દીકરો નવાઈ પામે છે. વિશ્વાસ માનતો કે મા પાસે વ્યક્તિત્વ જેવી કોઈ ચીજ જ નથી. શું કરવું, કેમ કરવું તે કહેનાર ન હોય તો તેનું શું થાય? આ સ્ત્રી કેમ કદી મોકળાશથી બોલી કે વર્તી નથી એનું રહસ્ય એની વીતેલી જિંદગીમાં પડેલું છે. મનના માનેલાને પરણી ન શકેલી એ સ્ત્રીએ જિંદગી સાથે સમાધાન જ કર્યું હતું.

અન્ય સારી વાર્તાઓ :

દીકરીનું ધન, અરુંધતી, મયંકની મા, એકવખત, બુડથલ, રાઘવનના સહકાર્યકરો, મારા મનથી એમ કે, અરે સ્ત્રીઓ !, લાલબત્તી, એ વાત ખોટી છે, મંથન, ‘શતમ્ જીવમ્ શરદ’, અવબોધ વગેરે.