નારીસંપદા : ટૂંકી વાર્તા/દુષ્ચક્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દુશ્ચક્ર|સરોજ પાઠક }} {{Poem2Open}} અવન્તીનાં લગ્ન થવાનાં છે. દરજી ઘેર બેસાડવાનો છે. ‘ઍક્સ્પર્ટ લેડીઝ ડ્રેસ મેકર'ની દુકાનમાં આજે એ જ વાત પર ઠઠ્ઠા ચાલી રહી હતી. ખાસ તો વીરજીને આનંદમાં...")
(No difference)

Revision as of 02:32, 18 September 2024

દુશ્ચક્ર

સરોજ પાઠક

અવન્તીનાં લગ્ન થવાનાં છે. દરજી ઘેર બેસાડવાનો છે. ‘ઍક્સ્પર્ટ લેડીઝ ડ્રેસ મેકર'ની દુકાનમાં આજે એ જ વાત પર ઠઠ્ઠા ચાલી રહી હતી. ખાસ તો વીરજીને આનંદમાં લાવવા, તેની રમૂજ ઉડાવવા જ આ વાત ઉચ્ચારાતી હતી. બધા જ દરજીઓમાં સૌથી જૂનો ભીમજી વીરજીને કોણી મારતાં બોલ્યો, ‘જો એવાં તો ફક્કડ કપડાં સીવજે કે તારી અવન્તીને જોતાં જ એનો વર બેભાન થઈ જાય. હવે છેલવેલી તારી બધીય કરામત રેડી દેજે. પછી એ તને જોવાય નહીં મળે.' “ના રે, હું તો ત્યાં જવાનો જ નથી, પછી મૂકોને માથાકૂટ !' વીરજી કંટાળીને બોલ્યો. ‘ન શું જાય ? માસ્તર કહે ને તું ન જાય એ વાતમાં શું માલ ?' બીજો દરજી બોલ્યો. “અરે, રે'વા દોને ભાઈસાબ! એ તો એ..ઈ ને બે ટાણાં લગનના ઘરના થાળ આરોગશે ને એના ઘેર બેઠાં છ યે કલાક પેટ ભરીને હરતીફરતી અવન્તીને જોયા કરશે. ને ભલું હશે તો વારે વારે એના શરીરનું માપ…' અડધી મૂકેલી બાકીની વાત ભીમજીએ આંખ મીંચકારીને પૂરી કરી. ‘લેડીઝ' દરજીઓ માટે આવી વાત બહુ સહજ હતી. બધા જ દરજીઓની કોઈ ને કોઈ સ્ત્રી માનીતી હતી જ. ‘તારી પેલી હેડંબા, તારી પેલી મહારાણી, તારી ઢીમચા જેવી બટાકી, તારી પેલી માતાજી, તારી રૂપાળી ફૂલછડી' એમ કહી કહીને અંદરઅંદર મજાક કરીને, પોતાના કંટાળાજનક સમયને તેઓ રસપ્રદ બનાવી દેતા હતા. દુકાનને થડે ઊભા રહેતા 'માસ્તર’ બધી જ સ્ત્રીઓનાં શરીરનાં માપ લેવાનું અને કોઈ વાર કપડાં વેતરવાનું કામ કરતા, એથી આ બધા જ દરજીઓ એ માસ્તર પર એક સરખી રીતે ખારે બળતા. તેમને ફાળે તો ફક્ત માપનું કાગળિયું જ ઉપલે માળ આવતું. પણ તેમાંય તે બધા દરજીઓ ‘માપ વધ્યું કે ઘટ્યું' તેની રસપ્રદ ચર્ચા કરીને આનંદ મેળવતા. જેમ જેમ તેમની દુકાન પર ઘરાકી વધતી ગઈ તેમ તેમ માસ્તર વેતરવાનું કામ જૂના દરજીને ભીમજીને સોંપતા થઈ ગયા હતા. ભીમજી તો માસ્તરની ગેરહાજરીમાં દુકાનનો ચાર્જ પણ સંભાળી લેતો હતો. વિચારોમાં સિગારેટ ફૂંકી રહેલા વીરજીને યાદ આવ્યું. એક વાર માસ્તરની ગેરહાજરીમાં ભીમજીએ જાણીબૂઝીને ‘માપ ખોવાઈ ગયું છે’ કહીને યુવાન અવન્તીનું ફરી માપ લીધું હતું. પુષ્ટ છાતી પરનો છેડો ખસેડી ભીમજી સામે ઊભી રહેલી અવન્તીને જોતાં જ વીરજીનો પિત્તો હઠી ગયો હતો. ત્યારથી વીરજી મનમાં ને મનમાં ભીમજી પર ખાર રાખતો થઈ ગયો હતો. તેમાં એક વાર અવન્તીએ કહેલું, ‘મંદાના સ્કર્ટમાં જમણી બાજુ બટનની હાર કરી હતી તેવું અને ત્રાંસા-કટે પાઈપીનવાળું ભીમજીભાઈએ બનાવેલું બરાબર તેવું જ તમે બનાવજો હોં !' વીરજી ત્યારે પણ ઈર્ષાથી બળી ઊઠ્યો હતો. જ્યારે નવો નવો વીરજી આ દુકાનમાં દાખલ થયેલો ત્યારે તો એને ભાગે ફક્ત બટનપટ્ટી પર ઓટણ કરવાનું, ગાજ કરવાનું, બટન ટાંકવાનું અને તૈયાર થયેલાં કપડાં પર ઈસ્ત્રી ફેરવવાનું જ કામ આવતું અને એવા નાના કારીગરોની હરોળમાં તેય નીચલા માળે માસ્તરના ટેબલથી જરા દૂર સાદડી પર બેસી કામ કરતો. નીચે બેઠાં બેઠાં તે માપ લેતા અને વેતરતા માસ્તરના કામને જોયા કરતો. વળી સ્ત્રીના અંગેઅંગને પણ તે ધ્યાનથી જોઈ રહેતો. વળી ઉપર બેઠેલા દરજીઓ ખાસ કરીને ભીમજી —કોઈ સ્ત્રીનું બ્લાઉઝ લાંબું—ટૂંકું બનાવી દેતા ત્યારે માસ્તર તે દરજીને નીચે બોલાવી કહેતા, ‘જુઓ તો ક્યાં સળ આવે છે? જુઓ તો ક્યાંથી મોટું પડે છે?' ફેશનને જ નજર સમક્ષ રાખીને આ દુકાનમાં આવતી તે બધી સ્ત્રીઓ તો જાણે પોતાનો દેહ નિર્જીવ અરીસા સામે મોકળે મન ધરી દે તે રીતે દરજીઓ સામે ઊભી રહેતી. આડાંઅવળાં અંગો કરીને, હાથ ઊંચાનીચા કરીને, કમર પરની પહોળાઈ કે છાતી પરની ચુસ્તતા બતાવીને પોતાના સાચવીને ઢાંકેલા બધા જ ભાગ જાણે પોતાના હાથે જ ઉઘાડા કરી કરીને દરજીને બતાવી દેતી. દરજી એવો લહાવો લેવા થોડે થોડે દિવસે એ યુક્તિ અજમાવી પણ લેતો, પણ તેવે વખતેય સામે માસ્તરની ચોકી રહેતી, પણ લગ્નસરામાં કોઈ દરજીને જો ઘેર બેસવાનું આમંત્રણ મળતું તો તેના સૌભાગ્યને બધા મશ્કરીઓના અતિરેકથી વધાવવા માંડતા અને ત્યારપછી એ દરજીનાં પરાક્રમો સાંભળતાં એ નાનકડી આલમમાં, ખુશાલીનાં ચા-પાણી અને સિગારેટોની લહાણ પણ થતી. ઉપરના દરજીઓનાં જાતજાતનાં પરાક્રમો અને ઠઠ્ઠા સાંભળ્યા કરતો વીરજી પણ એ લહાવાની પ્રતીક્ષા કર્યા કરતો હતો. જ્યારે તેને ઉપલે માળ બેસવા મળ્યું ત્યારે એને પહેલવહેલું કામ અવન્તીનું યુનિફૉર્મ સીવવાનું મળેલું. રૂપાળી નાનકડી અવન્તી તેને ખૂબ જ ગમી ગઈ હતી. બાર વર્ષની અવન્તી તેની મા સાથે દુકાનમાં આવી ત્યારે તે પણ માની સલાહસૂચનામાં વચ્ચે વચ્ચે વીરજીને સૂચનો આપતી હતી, “જુઓ વીરજીભાઈ, બે ખિસ્સાં કરવાનાં હોં ! ના ના, ફેશનનાં નહીં, મારે પેન્સિલ મૂકવા માટે જોઈએ.' વીરજીએ અવન્તીનું યુનિફોર્મ ખૂબ ચીવટપૂર્વક સીવેલું. એક તો એ એનું પહેલું કામ હતું અને તેમાં રૂપાળી અવન્તીને ખુશ કરી દેવામાં તેને મજા લાગતી હતી. દસ વાગ્યે અવન્તી સ્કૂલ જવા તે જ દુકાન પાસેથી નીકળતી. કામની એ શરૂઆત હતી એટલે વીરજી કોઈપણ બહાને પોતે રચેલી અને અવન્તીના બદન પર શોભી ઊઠેલી પોતાની કૃતિને જોવા તે દુકાનના ઓટલે આવી ઊભો રહેતો. અવન્તી ત્યારપછી તો જાતજાતનાં ફ્રૉક અને સ્કર્ટ આ દુકાનમાં જ સિવડાવવા નાખી જતી. દર વખતે તે માસ્તરને ભલામણ કરતી: ‘મારું ફરાક વીરજીભાઈ જ સીવે હોં!” અને તે બૂમ પાડી વીરજીને જાતે જ નીચે બોલાવતી ને પછી લાંબી લાંબી સૂચનાઓ આપવા માંડતી. ‘વીરજીભાઈ ! આ વખતે નીચી કમરની ફેશન પ્રમાણે કરજો, ને જુઓ પટ્ટો જરા વધુ લાંબો રાખજો. પટ્ટા નીચે પેટ સુધી બકરમ નાખશો તો જરા કડક રહેશે. અને હા, ગળા ફરતી ઝૂલ બહુ પહોળી નહીં રાખવાની. જોજો બગડે નહીં ! યાદ રહ્યું ને? નહિ તો લખી લો. આ મારું ફરાક ખૂબ જ ફક્કડ સીવવાનું હોં !” તે જ અવન્તી જ્યારે બ્લાઉઝ સિવડાવતી થઈ ત્યારે વીરજીને કંઈ ન સમજાય એવી લાગણી ઘુમરાતી હોય તેમ લાગ્યું. તેને લાગ્યું કે તે ક્યારનોય એ સમયની રાહ જોઈ રહ્યો હતો. તેણે જાણે પોતાના હાથે જ કાળજીપૂર્વક પાણી પાઈ પાઈને એક નાજુક છોડ ઉછેર્યો હતો. હવે તો એનાં ફૂલોમાંથી પમરાટ ફેલાવા માંડયો હતો. એની સુગંધી વીરજીને રોમેરોમ થનગનાવી મૂકતી હતી. અવન્તીનું કોઈ ને કોઈ એકાદ કપડું તો તે સીવ્યા વગર પાસે રાખી જ મૂકતો. અવન્તી કોઈવાર ગુસ્સે થઈ તેને ધમકાવી પણ જતી, ‘ન સીવવું હોય તો ના પાડી દો. કપડું પાછું આપી દો. આમ આંટા શું ખવડાવો છો ? દુકાનમાં અવન્તી હવે નવે સ્વરૂપે આવતી થઈ ગઈ હતી. એનાં અંગો પર વીરજીની કરામતવાળાં જ બ્લાઉઝ તેને જોવા મળતાં. ફ્રૉક પહેરતી અવન્તીનાં અંગો પર હાથ પસવારતાં પસવારતાં આજે તેના યુવાન દેહ પર પણ પોતાનો - પોતાનો એકલાનો જ હાથ ફરી રહ્યો છે એ વિચારે વીરજી આનંદથી ઊભરાઈ જતો. નવી નવી ફૅશનની સમજ આપતી, જાતજાતનાં સૂચનો કરતી, ઉત્સાહથી પોતાની લગોલગ ઊભી રહેલી અવન્તીની વાતોનું એ નિરાંતથી પાન કરતો. ‘જુઓ, ગળું એકદમ નીચું—એક જ બટન ભિડાય એટલું અને બાકીના કપડાની ગાંઠ વાળવાની, એટલે લાલ બ્લાઉઝ ગાંઠવાળું બનાવજો. અને આ ચીકનના બ્લાઉઝમાં પાછળ બટન કરો ત્યારે ઉપર અને નીચે બબ્બે બટન જેટલી જગ્યામાં ફૂમતાં કરવાનાં છે એટલે એટલી જગ્યા ત્રિકોણાકારે ખુલ્લી રાખવાની. જુઓ, પછી બહુ કાપ ન કરતા, નહીં તો બૉડીસનો પટ્ટો દેખાવા માંડશે. એટલું બધું ખુલ્લું ન થઈ જાય, જરા જોજો હોં !' તે વખતે વીરજીને લાગતું કે જાણે તે પોતે અવન્તીના સાવ ખુલ્લા શરીર સામે ઊભો હતો અને તેનાં ઊભરાયેલાં અંગો પોતાના હાથમાં પસવારી રહ્યો હતો. આમ અવન્તી સાથેની તેની એકપક્ષી આત્મીયતા— ઘેલછા એટલી બધી વધી પડી કે તેનાં કપડાં સીવતાં તે મનમાં ને મનમાં અવન્તી સાથે વાતોએ ચડી જતો. પગથી ધડધડાટ મશીન ચલાવતાં તેને લાગતું કે તે જાણે અવન્તીને પૂરપાટ વેગે ચાલતી મોટરમાં ફેરવી રહ્યો છે. બ્લાઉઝ ઉપરનું મશીનનું કામ પૂરું થતાં તે મશીન પરથી ઊઠતાં બોલતો, ‘લે થાકી ગઈ ને ? હવે આરામ કર મારા ખોળામાં. ચાલ જોઉં, હું તારી પીઠ પર હાથ ફેરવું જરા.' આમ કહી પોતાના ખોળામાં બ્લાઉઝ ગોઠવી પાછળ બટનવાળા તે બ્લાઉઝની બટનપટ્ટીનું ઓટણકામ કરવા તે બેસતો. આમ તો હાથનું કામ, ઓટણ, ગાજ, બટન બધું જ નાના—નીચે બેસતા દરજીઓને જ સોંપી દેવાનું હતું. પણ વીરજીનો જીવ ચાલતો નહીં. તે બબડતો, 'એ તો હું રાતપાળીમાં મારું 'અરજન્ટ' કામ કરવા બેસીશ ત્યારે આટલું પતાવી લઈશ. એ લોકો પાછા બેવડો દોરો નહીં લે ને તું પાછી આવશે ફરિયાદ કરતી, ‘વીરજીભાઈ, જુઓને, તમારું કામ કેવું કાચું! બે જ દિવસમાં હૂકના ગાજ તૂટી ગયા! લો, કરી આપો ફરી !” વીરજીને હસવું આવતું. આમ અનેક વાર અવન્તીનાં પહેરેલાં — ન ધોયેલાં બ્લાઉઝ તે પોતાના ખોળામાં રમાડતો. તેમાંથી આવતી અવન્તીના બદનની પાવડર અને પરસેવાની માદક સુગંધ તેને મદહોશ બનાવી જતી. તેની રાતપાળીનો લાંબો સમય ટૂંકો બની જતો અને તે છેવટે બબડતો, “છાની રે'જે થોડી વાર ! હું આટલું કામ એક ધડાકામાં પતાવી લઉં, નહીં તો સવારે પેલો તારો કાકો માસ્તર…' માસ્તર યાદ આવતાં એક દિવસની વાત તે વારંવાર યાદ કરી લેતો. બગલમાં બ્લાઉઝ ખેંચાતું હતું ત્યારે તે જોવા માટે માસ્તર નીચા વળી વળી છેક અવન્તીની છાતી પાસે પોતાનું માથું લઈ જતા તે વીરજીએ ઉપરથી જોયેલું. તેનાથી ન રહેવાતાં તે નીચે ઊતરી પડેલો. આમેય બ્લાઉઝની સિલાઈ તો વીરજીની હતી, એમાં માસ્તર શા માટે માથાં મારે ? તેને નીચે આવેલો જોતાં જ અવન્તી તેની પાસે દોડી આવી હતી. ‘લો, વીરજીભાઈ, ફરી માપ લઈ લો. જુઓ, આ બદલાયેલા માપ પ્રમાણે નથી સીવ્યું લાગતું.’ મેઝરપટ્ટી હાથમાં લેતાં વીરજીભાઈનો હાથ ધ્રૂજી રહ્યો હતો. ઉપરથી બધા જ દરજીઓના ખોંખારા અને નીચલા દાદર પરની અવરજવર વધી ગયાં હતાં. કામ પતાવી તે ઉપર ગયો ત્યારે બધાએ તેની પાસેથી ખુશાલીમાં એક એક સિગારેટ અને તેય ઊંચી જાતની પિવડાવવાની માગણી કરી હતી. અને એટલે જ તે મનમાં બોલતો, ‘અરે ઘેલી મારી અવન્તી, રોજરોજ આમ તું ફાલ્યા કરે ને પછી વાંક કાઢે આ બિચારા વીરજીનો! તને ક્યાં ખબર છે કે આ વીરજી તારા કામની કેટલી બધી કાળજી રાખે છે તે ?' અવન્તીને ખુશ કરવા એકવાર તેણે આખી રાત જાગી, આંખો ખેંચી ખેંચી બ્લાઉઝના ગળા પર તેમ જ ખભા ઉપર ઝીણાં મોતીની કાંગરી ભરી આપેલી અને ફૂમતાંમાં મોતીની માળામાં હોય એવાં ઝૂમખાં મૂકી આપેલાં. એ દરેક વખતે અવન્તીની ખુશાલી જોઈ તે ધન્ય બની જતો. વીરજી ઊંડો ને ઊંડો ઊતરતો ગયો. અવન્તીનાં કપડાં માટે તેણે નવી ફેશનોની શોધ કરી હતી તેથી જ તે દુકાનમાં ઘરાકોની, સ્ત્રીઓની ઠઠ જામતી હતી. માસ્તરનીય તેના પર કંઈક મીઠી નજર ઊતરી હતી. બીજા દરજીઓનાં પણ વીરજી પ્રત્યેનાં માન—પ્રેમ કંઈક વધી ગયાં હતાં. વીરજીનો હાથ એટલો બધો બેસી ગયો હતો કે લગ્નસરામાં દરજી ઘેર બેસાડવા માટે કે દુકાનમાં અરજન્ટ કામ માટે તેનું જ નામ બોલાતું અને બહારના ઘરાકો પણ હંમેશ વીરજીની માગણી પહેલી કરતા. આમ વીરજીના વધી ગયેલા મહત્વનો ખરો જશ તો અવન્તીને ફાળે જ જતો હતો. અવન્તીનાં હવે લગ્ન થવાનાં હતાં. તેને ઘેર દરજી બેસાડવાનો હતો. શરૂશરૂમાં તો તે અજાણ્યે જ જાણે અવન્તીની એ ઉંમરની રાહ જોતો હતો, પણ ત્યારે એને ક્યાં ખબર હતી કે એ જ ઉંમર બહુ જલદી એની અવન્તીને પારકે ઘેર મોકલવામાં મુખ્ય ભાગ ભજવશે! અને વારે વારે તે માથું ધુણાવી બબડી ઊઠતો, ‘ના, ના, એનાં લગ્નનાં કપડાં હું નહીં સીવું! મારે હાથે એનાં અંગો સજાવી કોઈ અજાણ્યાના હાથમાં એને નહીં મૂકું !” માસ્તર અવન્તીને ઘેર કપડાં સીવવાની વાત મૂકે ત્યારે પોતે શાં શાં બહાનાં કાઢી શકે એ વિચારમાં જ તે મશગૂલ રહેતો અને તે વખતે તેના મશીનની ગતિ ડચકાં ખાતી હોય તેમ ધીમી બની જતી, સોયમાં દોરો પરોવતાં તેને ખૂબ વાર લાગી જતી, કપડાં પર કાતર ચલાવતાં તેનો હાથ રોકાઈ જતો, રાતપાળીનાં અરજન્ટ કામો રખડી જતાં, જાગરણો ભારે પડી જતાં, માસ્તરની ટકોર વધી જતી, બોબિન ભરતી વખતે થતા મશીનના ઠાલા અવાજ જેવા સૂસવાટા તેની છાતીમાં ઊઠ્યા કરતા. તે કપડાં સીવતો, પણ તેને લાગતું કે તેની સોય ચાલતી નથી. માત્ર બોબિન જ ભરાય છે શુષ્ક બૉબિન ! પગ ચાલે છે યંત્રવત્ એ જ રીતે, પણ તેમાંથી હવે રંગબેરંગી, પાઈપીનવાળાં, ફૂમતાંવાળાં, ઊભરાયલી છાતીવાળાં, કમર પર પહોળી બૉર્ડરવાળાં, નાજુક—મુલાયમ બ્લાઉઝ ઊતરી ઊતરીને તેના ખોળામાં નથી પડતાં, પણ લૂખીસૂકી બોબિન ભરવા માટે ઠાલા પગ જ ચાલ્યા કરે છે. તેનું મન કણસી ઊઠતું અને તે વિચારતો. “આ પડેલાં છે તે બે—ચાર બ્લાઉઝ, પછી તો લગ્નનાં ભારે બ્લાઉઝ.… કે જે મારી આંખે એનાં અંગો પર નહીં જોવા મળે. ના, હું તો તેનાં લગ્ન માટે નહીં સીવું. મારી તો છેલવેલી આ જ સિલાઈ રહેશે. પેલાં બાકી રહેલાં બ્લાઉઝ સામે તે તાકી રહેતો. ગરીબ ઘરના હાંડલામાં તળિયું દેખાવા માંડતાં જે ચિંતા પ્રવર્તે અને જેટલી કરકસર કરવાનું સૂઝે તેટલી સાવધાની જાણે તે રાખવા માંડ્યો. હવે તો બ્લાઉઝ પર ઘોંચાતી સોય જોઈનેય તેને વેદના થઈ આવતી ને તેનો પગ ધીમો પડી જતો, ‘બિચારીને વાગી જશે.' ગરમ ઈસ્ત્રી તેના બ્લાઉઝ પર ફેરવતાં તેનું મન ટકોર કરતું, જોજે ક્યાંક બહુ ગરમ ન હોય, દાઝી ન જાય.' 'ના, ના, બાંયમાં બહુ ટાંકા નથી ભરવા, ચસોચસ થઈ જશે તો ક્યાંક કાપા પડી આવશે.' છાતી પરના ભાગ પર બેને બદલે ત્રણ ચીપટી લેતાં તે દલીલ કરતો, જરા ખુલ્લી રીતે શ્વાસ તો લઈ શકે. બહુ ફિટિંગ નહિ સારું.' ત્યાંના બધા જ મોજીલા અને અલગારી દરજીઓને વીરજીના આવા વિચિત્ર વર્તનથી ખૂબ નવાઈ લાગતી, તેની કથળેલી તબિયતની દવા પણ આવતી અને તેથી જ તેને આનંદમાં લાવવાના અનેક પ્રયાસો પણ એ મંડળીમાં થતા, પણ મજનુ જેવો વીરજી તો ઉદાસ હૈયે નિસાસા નાખતો અને રાતપાળીને બહાને દુકાનમાં જ પડી રહેતો. તેની અનિયમિતતાને લીધે તેના ભાગનું બાકીનું કામ પણ બીજા દરજીઓ વહેંચી લેતા. માસ્તરને કાને એવી વાત ન જાય તેની બધાએ ખૂબ કાળજી રાખી હતી. તેઓ પોતાના એ અચ્છા સાગરીતને બરતરફીનો શહીદ બનાવવા નહોતા માગતા. એટલે જ વીરજીની જીદ પ્રમાણે અવન્તીને ઘેર કપડાં ન સીવવાની તેની વાતનો ભાર ભીમજીએ જ માથે ઉપાડી લીધો હતો. અવન્તી ધમાલ કરતી નીચે આવી પડી હતી. તે વખતે ભીમજી નીચે જ હતો. ઉપર વાત સંભળાતી હતી. વીરજી એક ખૂણામાં અડધાં સીવેલાં કપડાંના ઢગ ઉપર સિગારેટ પીતો સૂતો હતો. *માસ્તર, તમારું અરજન્ટ કામ થાય કે ન થાય, પણ કાલે તો તમારે વીરજીભાઈને મોકલવા જ પડશે. હવે કેટલા ઓછા દા'ડા રહ્યા છે ? મેં તો ‘ઈવ્ઝ વીકલી’નાં પાનાંય ભેગાં કરી રાખ્યાં છે. આ વખતે બધી જ નવી ડિઝાઇન… ક્યાં છે વીરજીભાઈ ? ‘જુઓ, વીરજી માંદો છે એટલે જ અમે જરા હાના કરેલી. પણ તમે કહો તો આ ભીમજીભાઈ આવી જાય.' ઉપર વીરજી સફાળો બેઠો થઈ ગયો. તેના બદનમાં રોષની ધ્રુજારી ઊઠી આવી. આંખોમાં લોહી ધસી આવ્યું. 'ભીમજી ?' “ના બસ, એવું હોય કંઈ? બોલાવો એમને ! વીરજીભાઈ !” અવન્તીએ જાતે જ ઉપર જોઈ બૂમ પાડી. તેની બૂમ સાંભળી ગરમગરમ શ્વાસ દબાવતો, લાલ લાલ આંખો ઘુમરાવતો વીરજી નીચે ઊતર્યો. સંધ્યાકાળનાં અંધારાં ઊતરી આવ્યાં હતાં. દુકાનમાં બત્તીઓ થઈ ગઈ હતી. કઠેડો પકડી માંડ માંડ વીરજી માસ્તરના ટેબલ સુધી આવી પહોંચ્યો. તેની આંખો ફરી રહી હતી… ભીમજી… અવન્તી…. માસ્તર ! અને તેની આંખમાં બત્તીનો પ્રકાશ રોષની જેમ તગતગતો હતો. ‘બાપ રે…… વીરજીભાઈ તો બહુ માંદા લાગે છે. કંઈ નહિ હોં, વીરજીભાઈએય ખરો મોકો શોધ્યો માંદા પડવાનો! ચાલો તમે ત્યારે આરામ કરો.' અવન્તીએ જરા હસવાનો ડોળ કર્યો અને વળી નિરાશ અવાજે બોલી, વારુ ત્યારે ભીમજીભાઈ, કાલ સવારે તો બુધવાર એટલે તમે પરમ દિવસે — ગુરુવારે બરાબર આઠ વાગ્યે આવી રહેજો. ને જુઓ, આ સેલું છે તેમાંથી પોણો વાર નાખો જોઉં. હા, ને વીરજીભાઈ પાસેથી પેલાં કાંગરી માટેનાં ઝીણાં સરસ મોતી લેતા આવજો. ને મારું માપ ખબર છે ને? નહિ તો વીરજીભાઈ પાસેથી માપનું કાગળિયુંય લઈ લેજો.' અવન્તી અદૃશ્ય થઈ, રાત પડી ગઈ, રાતપાળી શરૂ થઈ ગઈ. કપડાંના ઢગ પર આળોટી રહેલા વીરજીના આખાય શરીરમાં ત્યાં પડેલા એકેએક મશીનની સોય ઘોંચાતી હોય તેમ મોંમાંથી સિસકારા નીકળી જતા હતા. સડસડાટ ભરાતા બૉબિનના દોરા જાણે તેના ગળા આસપાસ જ ભરડો લઈ, તેના શ્વાસને ગૂંગળાવતા હતા. તેણે પસંદ કરેલી મોંઘી રીલોના દોરાય સાવ કાચા હોય તેમ કટ કટ કટ કરતા તૂટી જતા હતા. બટન ટાંકતાં ટાંકતાં તેના ઘૂંટણ પરનું ખમીસ પણ સાથે સિવાઈ જતું હતું. ગુસ્સામાં તે પોતે જ પોતાની એ બેદરકારી પર ભભૂકી ઊઠી, કચ કચ કાતર ચલાવી, બગડેલા કામને કાપી નાખતો હતો, પણ ભીમજી? તેને લાગ્યું કે તેની પોતાની જ બેદરકારીને લીધે ભીમજી અવન્તીના દરવાજા સુધી જઈ પહોંચ્યો હતો. શા માટે પોતે નન્નો પકડી રાખેલો? હવે? હવે શું? ભૂલથી થયેલી સિલાઈ તો કાતરથી દોરા કાપી નાખી સુધારી શકાય, પણ આ? તેની નજર સામે વિચારોનાં ચિત્રો ઊઠવા માંડ્યાં, ‘અવન્તીને એકેએક બ્લાઉઝ તે પહેરાવશે, તેનું ફિટિંગ જોવા તે કમર પર, બગલ પર, ખભા પર હાથ મૂકશે. ગળાનું ફિટિંગ જોવા તેનો છેડો પડાવશે અને… અને માપ લેવા...?' વીરજીની મુઠ્ઠીઓ સખત રીતે ભિડાઈ ગઈ, ‘આ દરજીની આખી જમાત લફંગી છે. અવન્તીનાં અંગો સાથે પેલો ભીમજી ક્રૂર રમત કરશે. ના, ના, એના હાથમાંથી વીરજીએ એને બચાવવી જ જોઈએ. આ લફંગાના હાથમાં તે તેને નહિ જ જવા દે. કોઈ હરીફ તે સાંખી શકતો નહોતો… તો આ ભીમજી તો સાવ લફંગો હતો. પોતે બીજું તો કશું જ કરવાને અસમર્થ હતો, પણ એક મામૂલી ભીમજીના હાથમાં જતી તો તેને બચાવી જ લેશે. વીરજીને લાગ્યું કે જાણે આસપાસ બધા જ દરજીઓ જોરશોરથી એકની એક વાત તેને સંભળાવી રહ્યા છે : 'જોયું ને ? તારી અવન્તીને ભીમજી કેવો ઉઠાવી ગયો ? 'અરે મૂરખા, એને વિદાય આપવાય ન ગયો ? જો હવે, વિદાય વેળાએ તારે બદલે અવન્તીનાં અંગોને તારા નહીં, ભીમજીના હાથો ભેટીને વળાવશે એનાં સીવેલાં...' 'જોજે તો ખરો, એ કેવાં કેવાં બ્લાઉઝ સીવશે ને તારી અવન્તીને માપ લઈ લઈ, ફિટિંગ જોઈ જોઈ કેવીક હંફાવશે તે! અહીં બેઠો બેઠો એને મોઢેથી એનાં રોજેરોજનાં પરાક્રમો સાંભળ્યા કરજે હવે !” વીરજીના આળા હૈયા પર ચમચમાટ થવા લાગ્યો. તેને સમજાયું કે ભીમજીનો અવાજ જ તેના પર મીઠું ભભરાવતો હતો : 'ક્યાંથી, કમરથી પહોળું છે ? જોઉં ?' એમ કહેતાં મેં તો યાર, એના ગોરા નરમ પેટમાં મારાં આંગળાં ભરાય એ રીતે કમર પર હાથ નાખ્યો... પછી એકવાર તો ગળું જોવાને બહાને એને સાવ પાસેથી...” ભીમજીનાં આંગળાં અવન્તીની છાતી તરફ લંબાતાં વીરજી જાણે જોઈ રહ્યો. તેને લાગ્યું કે ગળું ફાડીને ભીમજી તેનાં પરાક્રમો કહ્યે જાય છે. તેનો અવાજ વીરજીની આસપાસ ઘુમરાઈ રહ્યો છે. દરજીઓના અટ્ટહાસ્યો વધી રહ્યાં છે, બધા જ આંખ મીંચકારી તેને ખીજવી રહ્યા છે, બધા જ ત્યાં તમાશો જોવા ટોળે વળીને બેઠા છે. અને એ સૌની વચ્ચે અસહાય દ્રૌપદી જેવી અવન્તી ઊભી છે, દુષ્ટ દુઃશાસનની જેમ પેલો ભીમજી એક પછી એક જાણે એનાં અંગો ઉઘાડાં કરી રહ્યો છે. અવન્તી બે હાથ વડે પોતાનાં અંગો ઢાંકવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી છે, ભીમજી ખંધું, લુચ્ચું હસી રહ્યો છે… વીર રજપૂત મરણિયા યુદ્ધ માટે મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢે તેમ વીરજીએ મશીનના ખાનામાંથી મોટી કાતર બહાર કાઢી અને ભીમજીની ખાલી ખુરશી તરફ તાકીને છૂટી ફેંકી. ધારદાર કાતર ભીમજીના મશીનના લાકડાના પાટિયા પર અધ્ધર ખૂંપી રહી. બત્તીના પ્રકાશમાં તેમાંથી નીકળતા તાતા તીર જેવા પ્રકાશે વીરજીના અંતરમાં પણ પ્રકાશ પાડયો. અને તે બબડયો : “હા, કાતરથી બગડેલી સિલાઈ તેમજ બગડેલું કામ સુધારી શકાય..… ટાંકા કાપી નાખું તેમ જ તેને કાપી નાખીશ… અને બાકીની રાત ભીમજીને આવતીકાલે રાતપાળી માટે કયા બહાને રોકી રાખવો તેની યોજના ઘડવામાં જ તેણે વિતાવી. બુધવારની રાત… ભીમજી માટે ગુરુવારની સવાર કદી નહિ પડે ! ક્યારે સવાર પડી, ક્યારે દરજીઓ કામ પર ચડ્યા, ક્યારે નીચે ઘરાકી વધવા માંડી તે કશાનું વીરજીને ભાન નહોતું. તે તો પડ્યો પડ્યો લાગ મળે ત્યારે ભીમજીને ખુન્નસભરી નજરે છાનોમાનો તાકી લેતો. કપડાંના ઢગ નીચે છુપાવેલી કાતર પર હાથ ફેરવી લેતો હતો. કદીક ઊંચો થતો ને પાછો આંખ મીંચી દિવસના અજવાળાને આઘું ઠેલવા મથતો પડી રહેતો. બત્તી તરફ જોતાં તે વારંવાર બબડતો, 'હજી રાત ન પડી ? નીચેથી કોઈ સ્ત્રીનો અવાજ આવતો ને તે જરા વિહ્વળ બની જઈ, ઊંચો થઈ કાન સરવા કરી દેતો હતો. એટલામાં નીચેના શબ્દો તેને કાને પડ્યા, અરજન્ટ છે ભાઈ, એટલે જ કહું છું ને ? ના, ના… ચાલે તેમ નથી.' માસ્તર કંઈક રકઝક કરતા હતા. કંઈપણ સમજ્યા વગર ઊંચા જીવે વીરજી નીચે જ દોડી ગયો. પણ નીચે તો કોઈ અજાણી સ્ત્રી તેની બાળકી સાથે ઊભી હતી. તેને નીચે આવેલો જોતાં જ માસ્તરે છેલ્લું વાક્ય ઉચ્ચાર્યું, ‘ત્યારે વીરજીભાઈ, આ કામ તમે કરી આપો તો બને. તમારી તબિયત એવી છે એટલે આ એકાદ ફરાક… બાકી બહેન, હમણાં લગ્નસરામાં અમે આવાં આડાઅવળાં કામ હાથમાં જ ન લઈએ.' પેલું ફ્રૉક હાથમાં લેતાં જ વીરજીની નજર આગળથી વીતેલાં થોડાંક વર્ષો પસાર થઈ ગયાં. એની સામે ઊભેલી પેલી નાની અજાણી છોકરીમાં તેને અવન્તી દેખાઈ અને તે સાથે જ એ નાની છોકરી જોતજોતામાં યુવાન બની જતી ને સાસરે જતી પણ તે જોઈ રહ્યો. અને એ જ રીતે એક દિવસ ‘અરજન્ટ છે, દરજી ઘેર બેસાડવો છે…' આસપાસ નજર કરતાં તેને બધી જ સ્ત્રીઓમાં અવન્તી જ દેખાવા માંડી. તેણે ઉપર નજર કરી. તેને એકાએક નીચે દોડી ગયેલો જોતાં જ બધા દરજીઓ ઉપરથી ડોકાં કાઢીને નીચે જોઈ રહ્યા હતા. વીરજીને એ બધા જ દરજીઓ ભીમજી બની ગયેલા લાગ્યા : 'આ બધી અવન્તીઓ… અને આ બધાં ભીમજીઓ……’ પેલી છોકરીનું નાનું ફ્રૉક વીરજીના હાથમાં હતું. તેના મગજમાં મશીનની ગતિ શરૂ થઈ ગઈ. સામે ચાલીને પોતાનો દેહ વીરજીના હાથમાં ધરી દેવા આવેલી આ નિર્દોષ છોકરી… એને ઉછેરતાં જાણે પોતાના પ્રાણ રેડવાના, એનાં અંગો વિકસતાં એને બીજાઓના હાથમાં ધરવા ટાણે માથે હાથ દઈ રોવાનું… ને ઉપર ઊભા રહેલા પેલા બધા જ ભીમજીઓને એક પછી એક કાતર વડે ખતમ કરવાના…! ના, ના, આમ ક્યાં સુધી ચાલે આ ચરખો? ફૅશનની આગળ વધતી દુનિયા અને આ દરજી જગત… કોઈને પોતે અટકાવી શકવાનો નથી. આ બધું તો મશીનના ચક્રની જેમ આ જ પ્રમાણે અવિરત ચાલ્યા કરવાનું. તે કોને બચાવશે? ને કેટલાકને ખતમ કરશે? અને એ બચાવે કે ન બચાવે એની શી પડી છે જગતને? તેના હાથની પકડ ઢીલી થઈ. ધ્રૂજતે હાથે તેણે હાથમાંનું કપડું માસ્તરના ટેબલ પર મૂકી દીધું. તેણે ખૂબ વાર સુધી માથું હલાવ્યા કર્યું અને નિઃશ્વાસ સાથે આખરે બોલી નાખ્યું. ‘માફ કરજો, મારાથી હવે અહીં કામ નહીં થાય.' નાનકડી દરજી આલમમાં સન્નાટો છવાઈ ગયો. ઉપલે માળ રડ્યાંખયાં ચાલતાં મશીનો પણ બંધ થઈ ગયાં. ઉપરથી ડોકાઈ રહેલાં માથાની કતાર વધુ લાંબી થઈ. તે તરફ એક ઠાલી નજર નાખી, માસ્તર તરફ માથું નમાવી લથડતે પગલે તે દુકાનનાં પગથિયાં ઊતરી ગયો. ઉપર ઊભા રહેલા સૌ દરજીઓ, જાણે પોતાનાં કાંડાં ઉતારી ચાલી નીકળેલા પેલા વીરજીની ચાલી જતી જીવતી લાશ બદલ પાંચેક મિનિટ શોક પાળતા હોય તેમ તાકી રહ્યા અને પછી નિષ્પ્રાણ બનેલાં મશીનોમાં પુનઃ ગણગણાટ વ્યાપી ગયો. બીજે દિવસે આ ગણગણાટમાં એક નવા ગણગણાટનો વિષય પણ ઉમેરાયો. અવન્તીને ત્યાંથી પાછો ફરેલો ભીમજી ખબર લાવ્યો કે વીરજી ‘પરફેક્શન જેન્ટ્સ ટેલર્સ’ની દુકાને રહી ગયો છે.

વાર્તા અને વાર્તાકાર :

સરોજ પાઠક (૦૧-૦૬-૧૯૨૯ – ૧૬-૦૪-૧૯૮૯)

સાત વાર્તાસંગ્રહ :

1. પ્રેમ ઘટા ઝુક આઈ (1959) 13 વાર્તા
2. પ્રીત બંધાણી (રમણ પાઠક સાથે) (1961) 9 વાર્તા
3. મારો અસબાબ મારો રાગ (1966) 12 વાર્તા
4. વિરાટ ટપકું (1966) 22 વાર્તા
5. તથાસ્તુ (1972) 23 વાર્તા
6. હુકમનો એક્કો (1987) 20 વાર્તા
7. હું જીવું છું (1990) 22 વાર્તા

‘દુશ્ચક્ર’ વાર્તા વિશે :

ભાગ્યે જ કોઈની નજરે ચડે એવું અનોખું વિષયવસ્તુ સરોજ પાઠકને ‘દુશ્ચક્ર’ વાર્તામાં હાથ લાગ્યું છે. આયના સામે ઊભી રહેતી હોય એમ દરજી સામે ઊભી રહેતી સ્ત્રીઓનું તથા સ્ત્રીનાં અંગોને સ્પર્શવાના દરજીનાં બહાનાઓનું કદાચ એક સ્ત્રી જ કરી શકે એવું બારીક નિરીક્ષણ ‘દુશ્ચક્ર’ વાર્તામાં આલેખાયું છે. નજર સામે નાનેથી મોટી થયેલી અવન્તી પ્રત્યે વીરજી એક પ્રકારનો માલિકીભાવ અનુભવતો થઈ ગયો છે. બીજા કોઈ એના અંગને સ્પર્શે એની એ કલ્પના પણ નથી કરી શકતો. બીજા દરજી તો ઠીક પણ એમાં અવન્તીના ભાવિ પતિનો પણ સમાવેશ થઈ જાય છે ! એટલે જ અવન્તીના લગ્નની વાતે તે બેચેન થઈ ઊઠે છે : ‘ના, ના, એના લગ્નનાં કપડાં હું નહીં સીવું ! મારે હાથે એનાં અંગો સજાવીને કોઈ અજાણ્યાના હાથમાં એને નહીં મૂકું !’ એનું વર્તન વધુ ને વધુ વિચિત્ર થતું જાય છે. એની માનસિક પીડા નજરે કળી શકાય એવી થતી જાય છે. પોતે ના પાડી એટલે અવન્તીનાં કપડાં સીવવા ભીમજી જશે એ જાણીને વીરજી ભડકી ઊઠે છે. એ જાણે અવન્તીનો રખેવાળ હોય એમ બબડે છે : ‘આ દરજીની આખી જમાત લફંગી છે. અવન્તીનાં અંગો સાથે પેલો ભીમજી ક્રૂર રમત કરશે...’ પોતે બીજું તો કશું જ કરવાને અસમર્થ હતો, પણ એક મામૂલી ભીમજીના હાથમાં જતી તો એને બચાવી જ લેશે. વીરજીના ખળભળી ઉઠેલા ચિત્તતંત્રમાં દરજીઓની વિધવિધ પ્રકારની મશ્કરી પડઘાય છે. બધા દરજીઓ જાણે એને ઉપાલંભ દેતા હોય એવો એને ભ્રમ થાય છે. ‘જોયું ને? તારી અવન્તીને ભીમજી કેવો ઉઠાવી ગયો?... જો હવે, વિદાયવેળાએ તારે બદલે અવન્તીનાં અંગોને, ભીમજીના હાથો ભેટીને વળાવશે...’ ને ચકરાવે ચડેલા વીરજીના કલ્પનાલોકમાં ભીમજીનાં વધુ ને વધુ પરાક્રમો અંકાતાં જાય છે. અવન્તીને દ્રૌપદી અને ભીમજીને દુઃશાસન તરીકે કલ્પવાની હદે તે જઈ ચડે છે. આવેશ, ગુસ્સો, હતાશા બધું ભેળું થાય છે ત્યારે તે ભીમજીની ખાલી ખુરશી પર કાતરનો છુટ્ટો ઘા કરી બેસે છે. ભીમજીને મારવાની મનોમન યોજના ઘડતા વીરજીના કાને એક નાનકડી છોકરીનું ફ્રોક સીવવાની વાત આવતાં એ ભૂતકાળમાં સરી જાય છે. બધી જ સ્ત્રીઓમાં એને અવન્તી દેખાય છે અને બધા જ દરજીમાં ભીમજી. દુઃસ્વપ્ન જેવું ચક્ર એની આંખ સામે તરી વળે છે. ફરી એકવાર લાલનપાલનથી મનગમતાં કપડાં પહેરાવી, મોટી કરી છોકરીને બીજાના હાથમાં સોંપી દેવાની ! આ ચક્ર એને ક્યાંય અટકતું ન દેખાયું. ચિત્તની ખળભળેલી હાલતમાં પણ વીરજી સમજી જાય છે કે એનાથી હવે આવું થઈ શકવાનું નથી. એ કામ છોડીને નીકળી જાય છે. વીરજીની વિકૃતિઓનો સાક્ષી થતો ભાવક એના પ્રત્યે ગુસ્સો અનુભવવાને બદલે સહાનુભૂતિ અનુભવે એ સરોજ પાઠકની નિરૂપણશૈલીની કમાલ છે. જોકે, ‘માફ કરજો, મારાથી હવે અહીં કામ નહીં થાય’ એવા વીરજીના જવાબ પાસે વાર્તા પૂરી થવી જોઈતી હતી. ટૂંકી વાર્તાનો સર્જક સમસ્યાનો ઉકેલ આપવા માટે જરાય બંધાયેલો નથી. વીરજી એકપક્ષી પ્રેમની ઘેલછાની સીમામાં પ્રવેશી ગયો છે. કામ છોડવા સિવાય એની પાસે કોઈ રસ્તો જ નથી. પછી એને ‘જેન્ટ્સ ટેલર્સ’ની દુકાને પહોંચાડવાની જવાબદારી સરોજ પાઠકે લેવા જેવી નહોતી. ‘આ બધી અવન્તીઓ... ને પેલા બધા ભીમજીઓ’વાળા વિચારક્રમમાં ‘દુશ્ચક્ર’ વ્યંજિત થાય જ છે. પછીથી ફોડ પાડીને કહેવા બેસતાં લેખિકા વાર્તાનો પ્રભાવ જરાક પાંખો પાડી દે છે.

નોંધપાત્ર વાર્તાઓ :

મારો અસબાબ, ન કૌંસમાં ન કૌંસ બહાર, સારિકા પિંજરસ્થા, ચકિત : વ્યથિત : ભયભીત, નિયતિકૃત નિયમરહિતા