નારીસંપદા : ટૂંકી વાર્તા/અતિતરાગના અરણ્યે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:43, 19 September 2024

અતિરાગના અરણ્યે

દેવયાની દવે

એ વિજયભાઈ શાહ એન્ડ સંઘવીના ડાયરેક્ટર. એમના ચહેરા પર ધૂપછાંવ રમતા અતીતરાગના ભાવો હડિયાદોટ કરતા, આવનજાવન કરતા હતા. એ જંગલમાં એ ભૂલા પડયા. એમને જરાય ખબર નહોતી કે આ જંગલ અડાબીડ હશે. ફૂલ પાંખરુંઓને પકડવા દોડ્યા ત્યાં એક આંબાના ઝાડ પર કેરીઓ હળીમળીને ઝોલાં ખાતી હતી. એમની ઝાડ નીચે આરામ કરવાની તીવ્ર ઈચ્છાને ઝાંખરાં ઉપર ફેંકી દીધી. ઝાંખરાંએ તેમના અણીદાર નહોરોથી નખોરિયાં ભર્યાં. પૂછ્યું, 'કેમ આટલો સતપતિયો થયો છે?’ ‘માફ કરજો ઝાંખરા ભાઈ, મને અહીંથી બહાર વર્તમાન તરફ જવાનો રસ્તો બતાવશો?' 'ના, ભાઈ! અહીં આવેલા ઘડીભર બહાર નીકળે છે પણ પછી, અહીં આવી, ભ્રમિત મને ગાંડાઘેલાં કાઢે છે. પાછા ત્યાં જ અતીતરાગના અરણ્યમાં જ ઠરે છે.’ ત્યાં ચિરપરિચિત અવાજ કાનના દરવાજે ટકોરા મારવા લાગ્યો. 'હાશ! હવે મને આ ટકોરા રસ્તો બતાવશે.' ‘દોડો, દોડો. પાછા હટો આ તો ધમકીની જાસાચિઠ્ઠી!! - જાતે બહાર નીકળ, ફાંફાં મારવાનું છોડી દે. તારા આગળના નાટકિયા રોલ ખેરવી નાંખ, પછી જ અહીં ઘૂસવાનો માર્ગ મળશે. એ તો એમના અવાજનો પડઘો હતો. એ પોતે જ સંશય થયા જાત માટે, કદાચ સરુની ચેતવણી હોઈ શકે. 'હડિયા-દોટો છોડો, પગવાળીને બેસો. હવે અતીતરાગના ગાજરને દોરડે લટકશો નહીં. નહીંતર પનારો મારી સાથે પડયો છે.’ ‘મને ધમકી આપ નહીં હું પાછલે પગલે જઈ મારા આસન પર બેસી જઈશ. એ રમ્ય દિવસોની ચોકલેટી મીઠાશ મમળાવીશ. મને નિવૃત્તિની અળસિયા ગતિ નથી ગમતી. મારે પગ તળે રગદાવા રેત નથી બનવું.’ અને વિજયભાઈનો કાયાપ્રવેશ ‘શાહ એન્ડ સંઘવી' ડાયરેક્ટરના રોલમાં. એમના વિચારોનાં તોરણો લટકવા લાગ્યા. કોરી પાટી પર નવા પ્લાન- પ્રોડેક્ટ સજાવા લાગ્યા અને શહેનશાહની અદાથી તલવારની મૂઠ ઉપર હાથ મૂકીને બેઠા. જખ મારે છે દુનિયા. ...એમની પત્ની સરુ જોઈ જશે તો એમનું આસન ડોલાવી દેશે. તલવારને બુઠ્ઠી બનાવશે. ઘરમાંથી મહાભિનિષ્કરણ કરાવશે. “મારે સ્થિતપ્રજ્ઞ બુધ્ધ નથી બનવું. હું ઘરમાં રહીને 'શાહ અને સંઘવી'નો ડાયરેક્ટર બનીશ. સર્વેસર્વા હાં!” એ રોલનો એમણે કોટ પહેરી લીધો. પ્રોજેક્ટનાં સાધનો હાજર. ત્યાં કોઈકે સીન કટ કર્યો. પાણી બહાર માછલી તરફડે એમ ગૂંગળામણ અનુભવવા લાગ્યા. આ તો ઘરકામમાં નિપુણતા અને સરુને મદદ કરવાનો પ્રોજેક્ટ છે. આકાશના તારા પણ સ્ટૂલ પર ચડાવીને એમની પાસે ઉતરાવે. અધૂરા કામે એ ઉતરી જાય માળિયેથી તો 'હૈયું બાળવું એનાં કરતાં હાથ બાળવા સારા' કહી ફટાફટ ફૂટતી લૂમથી ઘરનું વાતાવરણ પ્રદુષિત થતું. એમના બહેરા કાને 'સાંભળો છો!' સંભળાતું. ડ્રૉઇંગરૂમમાં બેસીને પ્રોજેક્ટ ઉગાડો છો તો ઉપર ટોપલો ઢાંકો. મરઘીનાં બચ્ચાંની જેમ. બજારમાંથી શાક લઈ આવો. એમનો નિવૃત્તિમાં એકડો ઘૂંટવાનું શરૂ! સ્ટાફને શિખામણના પોટલાં ઉપાડાવતા હતા તે પોટલું એમના માથે આવી પડયું. એમનો ડાયરેક્ટરનો રોલ ઉતરાવી સરુએ બજારમાં શાકભાજી માટે ધકેલ્યા. આ દુનિયા એમના માટે અજાણી હતી. 'સાંભળો! કોથમીર, મરચાં, મેથી, ફુદીનો જરા તાજા જોઈને લાવજો.’ ઉપડ્યા એ તો. શાકમાર્કેટમાં જથ્થાબંધ ભાજી વેચનારા આગળ હતા. લીલીછમ સાડી પહેરી બેઠેલી બાઈ સૂકી ભાજીને પાણી છાંટી બેઠેલ હતી. આ નમૂનાને ઓળખી ગઈ. 'સા'બ ગેહૂન જાઓ, સ્વસ્ત આહે' કહી થોકબંધ લીલીછમ ભાજીથી એ બાઈએ થેલીઓ ભરી દીધી. કામ પૂરું કરવાના આનંદને ઘડીભર પ્રોજેક્ટ પૂરો થયાના આનંદ સાથે સરખાવી જોયો. સંતોષ પામી એમની જાતને પાસ કરી દીધી. ત્યાં રસ્તામાં જૂના મિત્ર મળ્યા. અડધો કલાક થેલીઓ પકડીને ઊભા- ઊભા વાતો કરતા રહ્યા. પછી સામેવાળો કંટાળ્યો લાગતા, રેસ્ટોરન્ટમાં લઈ ગયા. વાતોનો ધોધમાર પ્રવાહ પેલા મિત્રભાઈની ઉપરથી વહી ચાલ્યો. એમને પણ આશ્ચર્ય થયું- આટલી બધી વાતો આવે છે ક્યાંથી? ઘેર તો મૂંગા થઈ જવાય છે. એમને કોઈ પસ્તાવો નથી. કંઈ પામ્યાનો આત્મસંતોષ છે. મોં પર ખુશીની ઝલક સાથે ઝોળી હલાવતા હલાવતા ઘરમાં પ્રવેશ્યા. બારણું ખોલતાં જ સરિતાબહેન તાડુક્યાં, 'વખતનું કંઈ ભાનબાન છે કે નહીં! મને ઘડિયાળને કાંટે નચાવવી છે! મારાં ક્યાં ભોગ લાગ્યા કે તમને કામ સોંપ્યું,' સરિતાબહેનની જીભ કાતરની જેમ ચાલવા માંડી. બજારમાંથી મિત્ર પાસેથી ટાઢકનો એક છાંટો લઈને આવ્યા હતા તે પણ સરિતાના તાપમાં બાષ્પીભવન થઈ ઊડી ગયો. સરિતાબહેનની સામે જ થેલી ઠાલવી. તેમાંથી મેથીની બે, પાલખની બે અને ફૂદીનાની ત્રણ ઝૂડી નીકળી. 'નાત જમાડવાની છે?' સરિતાબેન તાડુક્યાં. 'લાવ બદલી આવું!’ ‘જમી લો જલદી નહીંતર કામવાળી ઠોબરાં મૂકીને જતી રહેશે’ - જમવાનું પીરસતાં પીરસતાં સરુબહેને પતિને પોતાની આત્મકથની સાથે કાર્યકુશળતા પર વ્યાખ્યાન આપ્યું. 'હું પણ શાળામાં પ્રાચાર્યા હતી. મેં કદી મારું કામ વાગોળ્યા કર્યું નથી. મને એમ કે નિવૃત્તિમાં હરીશું-ફરીશું.' અવાજમાં ગળગળાપણું આવ્યું અને એ ડાયરેક્ટરનો કોટ ઉતારી ઢીલાઢસ થઈ ગયા. સમાધાનનાં એંધાણ વર્તાયાં, પણ સરુબહેનને હીરાની ખાણમાં હીરો શોધતાં શોધતાં કોલસો હાથમાં આવે તેમ એમની ભૂલો મળે તો આંખમાં ચમક આવતી. આ વખતે એમનો દીકરો અભય સપરિવાર આવે છે. એમના અને સરુના સ્વભાવ પર મોરપીચ્છનું રંગબેરંગી પીછું ફરવા માંડયું. બંનેએ મળીને કેટકેટલા પ્લાન બનાવ્યાં. ઘરના રંગરોગાનથી માંડી ટેરેસગાર્ડન પર પાર્ટી સુધીના કલરવની દુનિયા ઊભી થઈ. વાંકા બોલ વિસરાયા. એ પરદેશી પંખીડાં એકાદ દિવસ રોકાઈ, ઓલ ઇન્ડિયા ટૂરમાં ઊડી ગયાં. પછી બિસ્તરા પોટલા બંધાયા, ઘરમાં સુનકાર એમને હાર સ્વીકારવી પડી. જે કંઈ ખરાબ થયું હોય, માહોલ બગડયો હોય તે એમના નામે જમા થયો ! આલબેલ, સબ સલામતના સૂર, અનિયમિત રીતે, નિયમિત જીવનપ્રવાહ વહેતો રહ્યો. એક વખતે એમની ઑફિસના એચ.આર. ડિપાર્ટમેન્ટના નિલેશ દત્તાણીના દીકરાના લગ્નસમારંભમાં જવાનું આમંત્રણ આવ્યું. સવારથી ઉત્સાહમાં હતા. જેમની સાથે ‘શાહ અને સંઘવી'ની વાતો કરી શકું એવા માણસો મળશે. ઝીણું ઝીણું ગાતા કામ કરતા હતા. સરુની નજરમાં આવ્યું. ‘જો, જો હાં ! ત્યાં તમારું મિત્રમંડળ મળશે. મને એકલી ન પાડી દેતા! થાય છે કે તમારી સાથે ન આવું.' આ સરુની લાલબત્તી હતી. થયું એવું કે પેસતાં જ રાજકોટમાં મોટી ઑફિસ જમાવી બેઠેલા અને શરૂઆતમાં એમની સાથે કામ કરતાં પુરુષોત્તમભાઈ મળી ગયા. પછી તો પૂછવું જ શું? પુરુષોત્તમભાઈએ સરુબહેન આગળ વિજુભાઈ, ધ ડાયરેક્ટરની કાર્યદક્ષતા વિશે વાત કરી. વિષયમાં ઊંડા ઊતરી તર્કબદ્ધ ચર્ચા કરી, એક પછી એક પડ ઉખેળી છણાવટ કરતા ‘વિજુભાઈ સાહેબ જેવો માણસ જોયો નથી. આજે હું જે કંઈ છું તે તેમના કારણે જ.’ ત્યાં સુધી આ વાર્તા ધ્યાનથી સાંભળતાં સરુબહેનના મોં ઉપર સારા ભાવ પતિ માટે જાગ્યા. ત્યાં એમણે એમના ક્ષેત્રની ખામીઓ અને ખૂબીઓ બતાવવા માંડી. ‘- ત્યારે બંધ, બ્રીજ, મોટા ઉદ્યોગોનો પરિસર કે એરોડ્રામનું હેન્ગર બનાવવાનું હોય ત્યારે અમે જાતે જુનીઅર એન્જિનિયરની સાથે રહી કામ કરતા. પ્રોજેક્ટની જગ્યા પરનાં જંગલો સાફ કરવાથી માંડી બધું. ત્યાં રહેવાનું, કાચુંપાકું ખાવાનું, મચ્છરોનો ત્રાસ સહેવાનો તે પણ કોઈ સુવિધા વગર. અત્યારે તો સાહેબ લોકો એરકન્ડીશન રૂમમાં બેસી, પ્રોજેક્ટ કરે, તે પણ તકલાદી.' ત્યારે ત્યાં આવેલા નવલોહિયા આર્કિટેક્ટ, એન્જિનિયર તેમાં જોડાયા. પોતાની તરફ ખેંચવા લાગ્યા હવામાનમાં ગરમાટો આવે તે પહેલાં નીલેશભાઈએ ડીનર માટે નોતર્યા. બાકી એમણે તો જાણે બાજી જીતી હોય તેમ ક્ષણોને મમળાવતા રહ્યા. ઘરે જતાં સરિતાબહેન ઉકળી ઊઠયાં, ‘જ્યાં જાઓ ત્યાં તમાશા કરો છો! હાલની પઢીને તમારા જ્ઞાનની કિંમત કોડીની પણ નથી અને મારે નીચું જોઈને બેસી રહેવું પડયું.' ‘નીચું શા માટે જોવાનું? એ જૂઠાણું હતું? તને આમેય મારી કદર નથી.' રાતે સૂતેલા એમને જરા તાવ જેવું લાગ્યું. સરિતાબહેને ક્રોસીન આપી. ઓઢાડીને સુવાડયા. સવારે વાત. ડૉક્ટરને બોલાવીશ. પછી અતીતરાગમાં છુપાઈને ડોકિયું કરતાં ‘ધ ડાયરેક્ટર'નો સુલેહનો સફેદ વાવટો ફરકતો રહ્યો.

***