નારીસંપદા : ટૂંકી વાર્તા/ચણીબોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
 
(No difference)

Latest revision as of 01:50, 20 September 2024

ચણીબોર

ચંદ્રા શ્રીમાળી

ચાલુ વર્ગે, ચાલુ નિશાળમાં છાનામાના છાનામાના ચણીબોર ખાવાની મજા કાંઈ ઓર જ હોય છે. કોઈની નજરે ન પડી જવાય તેમ, ખાસ કરીને વર્ગશિક્ષકથી બચીને હળવેકથી ફ્રોકના ખિસ્સામાં હાથ સેરવીને માત્ર એક ચણીબોરને હળવેથી હથેળીમાં છુપાવી જાણે બગાસું આવતું રોકવાનું હોય એમ સાવ સહજતાથી હાથને મોં સુધી લઈ જઈને બંધ મુઠ્ઠીમાં છુપાવી મોંમાં સરકાવી દેવાનું, પછી ધીમે ધીમે ચગળતાં ચગળતાં ખાઈ જવાનું અને એનો એકદમ સાફ સૂથરો થઈ ગયેલો ઠળિયો કોઈને ખ્યાલ ન આવે તેમ, કોઈ ના જુએ તેમ, અરે બાજુમાં બેઠેલી બહેનપણીનેય શક ન પડે તેમ, ધીમે રહીને પાછલી બેંચ તરફ અવળા હાથે છુટ્ટો સરકાવી દેવાનો. આવી રીતે ચોરીછૂપીથી ચારે ચાર બોર ખાઈ શકાય પણ એની તૃપ્તિનો ઓડકાર અનેરો હોય છે. આહા! કેવી મજા પડે, ખરેખર આવી રીતે ચોરી છૂપીથી ચાલુ નિશાળે ચણીબોર ચગળવાની મજા નિરાળી હોય છે. વળી, નિશાળમાં રિસેસ પડે ત્યારે ઝટપટ ભાગવાનું ચણીબોર વેચનારાની લારી તરફ; રીતસર દોટ જ મૂકવાની. પછી દસ પૈસાનાં ચણીબોર ખરીદવાનાં. ઇચ્છા તો એવી થાય કે એકસામટો બેપાંચ રૂપિયાનાં દફતર હાઉસફૂલ થઈ જાય એટલાં બધાં બોર ખરીદવાનાં મળે તો કેવું સારું, પણ રે નસીબ! નિશાળમાં વાપરવા માટે તો માંડ દશિયું જ મળે અને દસ પૈસાનાં બોરનું તો નાનકડું પડીકું જ વળાય એમાં શું ભલીવાર આવે? એટલે પડીકું ફરીથી ખોલવાનું એમાં મીઠું મરચું ભભરાવવાનું. આટલી ક્રિયા કરતાં-કરાવતાં જેટલો સમય જાય તેટલામાં આઠ-દસ બોર ચાખવા ચાખવામાં મફત ખાઈ જવાનાં. આવાં મફતનાં બોર તો વળી ઓર મીઠાં લાગે, અરે! ખાટાં હોય તોય મીઠાં જ લાગે. એ વખતે સાત આઠ વર્ષની ઉંમરે એવી બુદ્ધિ ન હતી કે મફતનું ના ખવાય. કોઈની વસ્તુ ચોરીને ના ખવાય એટલી જાણકારી બસ હતી. બાકી લારીવાળાની નજરની સામે જ ઊભા રહીને વટથી, ચાખવા-ચાખવામાં દસબાર બોર ખાઈ જવામાં વળી કોઈની બીક કેવી? ચણીબોર તો ચાખીને જ ખવાય ને! ચણીબોર ચાખવાનો અધિકાર તો જાણે જન્મસિદ્ધ અધિકાર હોય એમ માનીને બોરની પાછળ પાછળ ઘેલી થઈ જતી. એ નાનકડી દૂબળી—પાતળી ‘બાળા' આજે તો 'બા' થઈ ગઈ છે. નાનપણમાં એનું નામ હતું દેવયાની. લાડમાં સૌ એને ‘દેવી' કહેતાં. એના અટકચાળા, અવળચંડાઈ અને અંચઈથી કંટાળતાં ત્યારે ઘરનાં અને બહારનાં સર્વ એને 'દેવલી ચિબાવલી' કહીને નવાજતાં. એ 'વીર બાળા' દેવયાની આજે 'દેવુબા’ તરીકે ભલે ઓળખાતાં પણ આજે પિસ્તાળીશ વર્ષેય દેવુબા ચણીબોરનાં ચાહક છે. દેવુબાને ઘેર ગાડી, બંગલા ને નોકર—ચાકર છે. સુખસાહ્યબીની કોઈ કમી નથી. અથાગ સંઘર્ષ કરીને સ્વબળે તેમણે આ બધું મેળવ્યું છે, વસાવ્યું છે. એટલે કોઈની તમા રાખ્યા વગર મોજથી જિંદગી જીવે છે દેવુબા. કહ્યાગરા કંથ નરેશકુમાર પણ હવે તો ‘સસરાજી’ના હોદ્દા સુધી પહોંચી ગયા છે. બબ્બે દીકરાઓ અને બબ્બે વહુઓથી ઘર ભર્યું ભર્યું છે. પણ હવે તો સાસુ – સસરાની પદવીઓ મળ્યા પછી આ બંનેને ભારમાં રહેવું પડે છે. અંદરોઅંદર હસીમજાકમાંય અદબ જાળવવી પડે છે. નરેશકુમાર તો પ્રથમથી જ ઓછાબોલા છે. પણ દેવુબા? ખૂલીને વાતો કરવાનું ન મળે ત્યારે ખોવાઈ જાય છે બાળપણની ગલીઓમાં. એમની બાવરી આંખો શૈશવની સાંકડી શેરીમાં ખોળે છે ચણીબોર.ક્યાં ખોળવા પ્રિય ચણીબોર? ક્યાં ખોવાય ગયાં મીઠડાં ચણીબોર? આજે સહકુટુંબ ફરવા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. નિસર્ગ દર્શનના શોખીન દેવુંબાએ. સૌ ગોઠવાઈ ગયાં છે ગાડીમાં, સૌનાં મન હળવાંફૂલ જેવાં છે. દેવુબાના પતિ સેલ્ફ ડ્રાઈવિંગ કરી રહ્યા છે. નરેશકુમારને સ્પીડમાં ગાડી હંકારવાની કુટેવ છે જ્યારે દેવુબાને પ્રકૃતિના નયનરમ્ય રંગોને આંખોમાં ભરી લેવાની ટેવ છે. એટલે સ્પીડમાં ચાલી જતી ગાડી પર કાબૂ રખાવવાના હેતુસર દેવુબા પતિની બાજુમાં જ ગોઠવાઈ જાય છે. પાછળની બાજુએ ખાસ બનાવવામાં આવેલી સામસામેની સીટો પર બંને છોકરા અને વહુઓ આમનેસામને ગોઠવાઈ ગયાં છે. કારટેપમાં કોઈક ઇંગ્લિશ મ્યુઝિકની ધૂન જોરશોરથી વાગી રહી છે. એ સાંભળવામાં પાછળ બેઠેલી ચોકડી તન્મય છે. અમદાવાદ છોડીને મારુતીવાન મહેસાણા હાઈ-વે પરથી પસાર થઈ રહી છે. વાયા પાલનપુર થઈને માઉન્ટઆબુ જવાનો કાર્યક્રમ ઘડીને નીકળ્યાં છે બધાં. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ દેવુબાના ચહેરાના હાવભાવ બદલાય છે. ઇંગ્લિશ મ્યુઝિકની ધૂનને અર્થ વગરની વાહિયાત અને નકામી સમજે છે દેવુબા. એમના ચહેરા પર હળવાશની જગ્યાએ સ્પષ્ટ કંટાળો જણાય છે. દેવુબાએ હળવેકથી પતિને ટકોર્યા ‘કોઈ જૂની ફિલ્મનાં ગીતોની કેસેટ સંભળાવો ને. 'કહ્યાગરા કંથે કેસેટ બદલી કાઢી અને દેવુબાના કર્ણપટ ઉપર લહેરાઈ ઊઠે છે જૂની ફિલ્મનાં ગીતોના શબ્દો... બચપન કે દિન ભી ક્યા દિન થે? ઉડતે ફિરતે તિતલી બન… બચપન કે દિન' દેવુબા ઝૂમી ઊઠ્યાં. એમના ચહેરા પર હળવે હળવે શૈશવના ગુલાબની ઝાંય ફરી વળી. એ ગણગણવા લાગ્યાં, ‘બચપન કે દિન!” છોકરાઓએ મમ્મીનો અવાજ સાંભળીને અંદરોઅંદર ગણગણાટ શરૂ કર્યો અને મમ્મીની મજાક શરૂ કરી, 'અરે પપ્પા! જુઓ તો ખરા, અમારી મમ્મી તો સાવ જુનવાણી જ રહી. ગ્રેજ્યુએટ થઈ છે તોયે સુધરી નહીં. આ તે કાંઈ ગીત કહેવાય ને પ્લીઝ પપ્પા! જૂના જમાનાના રાગડા સાંભળીને અમે તો બોર થઈ ગયાં. પ્લીઝ કેસેટ બદલો ને. દેવુબાએ જોયું કે છોકરાઓ એના પપ્પાને તંગ કરે છે અને છોકરાઓને નારાજ કરવાનું દેવુબાને ગમતું નહીં. દેવુબાએ જ ચુપચાપ કેસેટ બદલી નાખી અને છોકરાઓને પ્રિય એવી કોઈક કેસેટના બેસૂરા સૂર ફરીથી હવામાં રેલાઈ રહ્યા. છોકરાઓ તાનમાં આવી ગયા. ધૂનના તાલે તાલે પગના હળવા ઠેકા આપીને રંગત જમાવવા લાગ્યા. બંને વહુઓએ પણ ખુશીમાં સંગત આપી. દેવુબાએ બહાર નજર ફેરવી અને રસ્તાની બંને તરફથી પસાર થઈ રહેલી જંગલી ઝાડીઓના નિરીક્ષણમાં મન પરોવ્યું. હવે તો મહેસાણા પસાર થઈ ગયું. હાઈ-વે પર નિશ્ચિત ગતિએ ચાલી જતી ગાડી એક પછી એક માઈલસ્ટોન વટાવતી ચાલી જાય છે, દેવુબા વિચારે છે; જેમ આ રસ્તો કપાતો જાય છે તેમ મારી જિંદગીનાં વર્ષો પણ કપાતાં જ જાય છે ને ! ચાલી જતી ગાડીની જેમ દેવુબાની ઉંમર પણ સડસડાટ કપાતી જ જાય છે ને! પણ રે મન ! દેવુબાનું મન! દેવુબાનું મન તો પાછળ ને પાછળ જ ધકેલાતું જાય છે, શૈશવની સ્મરણગર્તામાં, જ્યાં બટકબોલી દેવયાની બે હાથ ફેલાવીને દેવુબાને બોલાવી રહી છે. દેવુબા મનોમન દેવયાની સાથે વાતે વળગે છે. રે દેવી! બોલ ને! ક્યાં ગયા મારાં બાળપણના દિવસો? શું ફરી કદીયે એ દિવસો પાછા ન આવે? ક્યાં ગઈ એ કાંકરિયા તળાવને કિનારે આવેલી નિશાળ? એ વર્ગ? ચોરીછૂપીથી ખાધેલાં ચણીબોરની મજા? ટચુકડી સખીઓ સાથેની ઠઠ્ઠામજાક? બોરના ઠળિયાની ફેંકાફેંકી અને લાતાલાતી? બોરના ઠળિયાની છૂટા હાથે કરેલી લ્હાણી? બોર ખાધા પછીયે ધરવ ન વળે ત્યારે પથ્થર વડે ઠળિયા ભાંગીભાંગીને એકઠા કરેલા ઠળિયાની અંદરનાં મિજની મિજબાની હવે ક્યાં? શું એ બધું જ ગરક થઈ ગયું અતીતના પેટાળમાં? રે દેવી! કેટલી જલ્દીથી પસાર થઈ ગયાં વર્ષો. હજુ ગઈકાલ સુધી તો બધું જ હતું નાનકડી બંધ મુઠ્ઠીની ભીતરમાં અને આજે બેઉ હાથ સાવ ખાલીખમ્મ છે. મુઠ્ઠી ખૂલી ગઈ છે. પલકભરમાં જાણે આખો જન્મારો જતો રહ્યો. વેદનાની શૂળો ભોંકાઈ રહી દેવુબાના કાળજામાં. શું હવે આમ જ જીવ્યે જવાનું? શું વર્તમાન એ જ જીવન? દેવુબાનાં સ્મરણોની વણજાર જાણે વર્તમાનનાં ધગધગતા સહરાના રણમાં અટવાઈ પડી.

ક્યાં ગઈ દેવયાની? ક્યાં ગઈ દેવલી ચિબાવલી? રે દેવી! જરી જો તો ખરી? હવે તો દેવયાનીની જગાએ ગોઠવાઈ ગયાં છે ભારે ઠસ્સાવાળાં જાજરમાન દેવુબા. હા ભાઈ હા... હવે તો દેવુબાને ભારમાં જ રહેવું પડે ને! મોટા મોભા પ્રમાણે મોટાઈ પણ દેખાડવી પડે છે દેવુબાને. અને એટલે જ તો ગાંભીર્યનો મુખવટો ચઢાવીને દેવુબાએ હવે દેવયાનીની સાવ બાળસહજ હરકતોને ફાવટ નથી તોય તોળીતોળીને જ બોલવું પડે છે. જે ક્ષુલ્લક બાબતો મનને સ્પર્શી શકતી નથી તેના વિષે બોલવાનું ઓછું કરી નાખ્યું છે દેવુબાએ. પણ રે મન! મનની મહેલાતોને તાળા મરાય? દેવુબાની મનની મહેલાતો તો આજેય અકબંધ અને અડીખમ છે. જેની ઉપર એકચક્રી શાસન ચાલે છે, માત્ર દેવયાનીનું. દુન્યવી વાતો અને ઉપરછલ્લા દંભી વ્યવહારોથી દેવુબા અકળાઈ જાય છે ત્યારે તેઓ દેવયાનીનાં દ્વાર ખટખટાવે છે. આ દેવયાની પણ ખરી છે, બહુ જબરી છે. પ્રથમ તો મેઈન ડોરનાં ‘કી હોલ’માંથી બહાર જુએ છે અને દેવુબાને જોતાંવેંત દેવયાની ફટાફટ રીમોટ કંટ્રોલથી એના મહેલના બારેય દરવાજા અને ચોવીસેય ઝરૂખા એકીસાથે ખોલી નાખે છે. અને પછી બંને સહિયરો અલકમલકની બાળપણના ફલકની વાતોએ ચડી જાય છે. ચણીબોર ચાખે છે, ચોરે છે. ફેંકે છે. વહેંચે છે. આમ દેવયાની સાથેનાં બહેનપણાં દેવુબાએ બરોબર જાળવી રાખ્યાં છે. આજે પણ બહાર છોકરાઓનો કોલાહલ હતો. બાકી અંદરથી સાચે જ એકલાં પડી ગયાં હતાં દેવુબા. અકારણ અકળાઈ ઊઠ્યાં'તાં દેવુબા. દેવુબાને દેવયાનીની યાદ આવી ગઈ. ગાડીની ગતિની સાથોસાથ દેવયાનીને મળવા જવા માટે મનોમન હોડ બકી દેવુબાએ. માઈલસ્ટોન પર આંકવામાં આવેલા કિલોમીટરના અંતરના આંકડાની સંખ્યા ઘટતી જતી'તી તેમ તેમ દેવુબાની ઉંમરેય જાણે ઘટતી જતી હોય તેમ એમના ચહેરા પર નરી માસૂમિયત ડોકાવા લાગી. આંખોમાં જાણે નિર્દોષતાનું અંજન અંજાયું નિરભ્ર આસમાન જેવી આંખો જાણે પતંગિયાની પાંખો શિશુસહજ ઇન્તેજારીથી રસ્તાની બંને તરફથી પસાર થઈ રહેલાં વૃક્ષો અને જંગલી ગીચ ઝાડીઓ તરફ ભરીભરી નજરે જોઈ રહેલાં દેવુબાની આંખોમાં એકાએક અનોખી ચમક આવી ગઈ. કાંટાળી વનરાજીની ડાળખીઓ પર હવામાંથી ખેંચાઈને આવેલી કોઈકનાં જીર્ણશીર્ણ વસ્ત્રોની ફાટેલી રંગીન ચીંદરડીઓને ટીંગાઈ રહેલી જોઈને દેવુબાને યાદ આવી ગયો એમની માનીતી ઢીંગલીઓનાં વસ્ત્રોનો વૉર્ડરોબ અને અનાયાસે જ ખૂલી ગઈ શૈશવની સ્મરણમંજૂષા. એ ખજાનામાં હતાં અમૂલ્ય રત્નો સમાં પાંચીકાના કાળાધોળા ગોળમટોળ પથ્થરો, કૂકા, કોડીઓ, ચોપાટ, તૂટેલી માળાના મણકા, લાલ-પીળી લીલી બંગડીઓના વિણેલા કાચના રંગીન ટુકડા અને ઢીંગલા-ઢીંગલીનાં ઢગલોએક વસ્ત્રો. દેવુબાએ બે હાથે આંખો મસળીને બરાબર જોયું. કાંટાળી ઝાડીઓ પર લાલપીળાં ચળકતાં મોતી કોણે ટીંગાડ્યાં? ચાલુ ગાડીએ બરાબર ભળાયું નહીં હોય એટલે દેવુબાએ દૂરનું જોવાનાં ચશ્માં કાઢ્યાં. રેશમી પાલવ વડે ચશ્માંના કાચ બરાબર સાફ કર્યા પછી ચશ્માં આંખે ચઢાવીને બરાબર ધ્યાનથી જોયું તો ખબર પડી કે, આ તો બોરડીનાં જાળાં છે. ઓત્તારીની! આ તો ચણીબોરનું ચરું છે. અરે બોરડીનું આખું વન છે. દેવુબા હરખાઈ ઊઠયાં, તેમણે જોયું કે પતિ ભલે ગાડી ચલાવતા'તા તોપણ દેવુબાના ગમા—અણગમાનું ધ્યાન રાખતા'તા. એટલે દેવુબાએ પતિની સામે લમણો વાળીને જોયું કે તરત જ નરેશકુમારે બ્રેક મારી. ચરરચટ કરતીકને ગાડી ચોંટી ગઈ, ચારે પગે રસ્તાને ચીપકીને. દેવુબા બોલ્યાં, 'અલ્યા છોકરાઓ! જુઓ તો ખરા કેવાં લાલચટાક ચણીબોર ઝૂલી રહ્યાં છે અહીં. ચાલો! ચાલો! ઊતરો બધાં ચણીબોર ચૂંટવા.' એટલું કહેતાંક ને દેવુબાએ ગાડીમાંથી કૂદકો માર્યો, નાનાં બાળકોની જેમ. છોકરાઓ તો ઘડીકમાં માડી તરફ ઉત્સુકતાથી જોઈ રહ્યા પોતાની ‘મમ્મા'ને. જમ્પિંગજેટ સ્ટાઈલથી ગાડીમાંથી કૂદકો મારીને ઊતરતી જોઈને છોકરાઓ ગેલમાં આવી ગયા. અચંબો પામીને જોઈ રહ્યા. બંને વહુઓને પણ નવાઈ લાગી કે આ શું? અને દેવુબા? દેવુબા તો કોઈ ગીચ ઝાડીમાં સસલું સરકી જાય તેમ ઝડપથી દોડીને વહેલાં પહેલાં પહોંચી ગયાં બોરડીનાં જાળાં તરફ અને કોઈ હોંશિયાર મદારી ઝટ દઈને સાપને પકડવા માટે દરમાં હાથ નાંખે તેમ નર્યા કાંટાથી ભરપૂર બોરડીનાં જાળાંમાં હાથ નાંખીને મંડ્યાં ચણીબોર ચૂંટવાં, બોરડીના કાંટાઓથી ઉઝરડા પડ્યા દેવુબાના ગોરા ગોરા હાથ ઉપર, લાંબી લાંબી ચોળાની સિંગો જેવી આંગળીઓ અને લીસી લીસી ગુલાબી હથેળીઓમાં લોહીની ટશરો ફૂટી. કાળી બળતરા ઊપડી પણ આ તો હતાં દેવુબા! કેટલાંય વર્ષે આજે જાતે બોર ચૂંટવાનો લ્હાવો મળેલો તે ચૂકે ખરાં? સામે ચાલીને મળેલી તક ગુમાવે એવાં નાદાન ન હતાં દેવુબા. ચણીબોર લક્ષ્મી ચાંલ્લો કરવા આવી ત્યારે મોં ધોવા જવાય? દેવુબાનો હરખ સમાતો ન હતો. દેવુબાને હૈયે હોંશ હતી છોકરા અને વહુઓને ચણીબોર ચખાડવાની. દેવુબાએ જોયું કે કાંટાળી ડાળીઓમાં ટીંગાઈ, કાચાંપાકાં ચણીબોર દેવુબાની સામે જોઈને મલકાઈ રહ્યાં છે. જાણે વર્ષોથી ઓળખતાં હોય. દેવુબાને ચણીબોરની લાલચોળ ચમકમાં મધમીઠું ઇજન જણાયું. દેવુબા ખુશમિજાજમાં આવી ગયા. ખુશાલીની આભાએ દેવુબાના ચહેરાને નવીન તાજગી બક્ષી. હવે કાંટા વાગ્યાની ચિંતા કોણ કરે? જાતે ચૂંટીને ચણીબોર ખાવા મળતાં હોય તો કાંટા તો શું ચિતા પર ચડવાય દેવુબા તો તૈયાર થઈ જાય, પછી કાંટાની કાળી બળતરાની તો ઐસી-તૈસી. આ તો દેવુબાનાં દિલપ્રિય ચણીબોર ! ચણીબોરની લાલચમાં તો પોતાના લગ્નને આડા ચાર જ દિવસ હતા ને દેવુબાને માતાના હાથની થપ્પડ ખાવી પડી'તી એ દિવસ કેમ ભુલાય? જાન આવવાને ચાર જ દિવસ બાકી હતા. કામના ભારણને પહોંચી વળવા કેટલાંક સગાંસંબંધીઓએ અઠવાડિયાથી ઘેર ધામા નાખ્યા'તા. લગ્ન વધાવી લેવાયા'તા. ગણેશ બેસાડી દીધા'તા, માણેકથંભ રોપાઈ ગયો'તો, એ વખતે પાંચ પીઠી કરવાનો રિવાજ, ચાર દિવસની ચાર પીઠી, પાંચમી પીઠી ચોરીમાં બેસાડયા અગાઉ ચડાવવામાં આવતી. ગણેશ બેસાડ્યા પછીની પ્રથમ પીઠીની વિધિ પૂર્ણ થઈ ગઈ હતી. લગ્ન વખતે દેવયાની માંડ પંદર સોળની હતી. નિશાળની બેન્ચ ઉપરથી ઊંચકીને લગ્નના બાજઠ પર બેસાડી દેવામાં આવી'તી, દેવયાની પણ આંખોમાં નર્યું આશ્ચર્ય ભરીને આરામથી સાકરના ગાંગડા ચાવતી ચાવતી પગ લાંબા કરીને બેઠી'તી. અડોશપડોશની તથા સંબંધી મહિલાઓથી ઘર ભરાઈ ગયું'તું. એવામાં ક્યાંકથી દેવયાનીની ફોઈનો દીકરો હાથમાં ચણીબોરનું પડીકું લઈને પ્રવેશ્યો અને આવીને દેવયાનીની પડખે બેસી ગયો. ચણીબોરનું પડીકું જોઈને દેવયાનીની આંખોમાં અજબની ચમક આવી ગઈ. એણે તો ફટાક દઈને પડીકું પડાવી લીધું અને બુકડો ભરીને લાલચટક ચણીબોર ઓરી દીધાં મોઢાની ઘંટીમાં અને ભચડભચડ ચાવવા લાગી. આજુબાજુ બેઠેલી મહિલાઓનું ધ્યાન ખેંચાયું. બસ પછી તો આવી બન્યું દેવયાનીનું. જોઈ લો મજા કેવી થઈ તે! ચારે તરફથી આખુંય બૈરાંમંડળ તૂટી પડ્યું દેવયાની ઉપર, 'હાય! હાય! આ છોડી તો સાવેય ડફોળશંખ નીકળી. અલી! કાંઈ ભાનબાન છે કે નહીં? ચોરીના ચાર ફેરા ફરવાને આડે ચાર જ દા'ડા બાકી છે અને બેનબાને બોરાં ખાવાના સ્વાદ ઊપડ્યા છે? અલી ઘેલી! અત્યારે તો બોરાંને અડાય જ નહીં, ખાટાં ટઈડ બોરાં ખાવાથી તો લગન ખટાઈ જાય. ખટાશથી અપશુકન થાય. અત્યારે તો કંસારલાપસી ખાવાનાં હોય, ખાટાં ટઈડ બોરાં નહીં. ક્યાં ગઈ આ છોડીની મા?' બસ, વાતનો તંત વધી ગયો. બૈરાંઓને નવો ટોપિક્ મળી ગયો. વાતનું વતેસર થઈ ગયું. પણ દેવયાની જેનું નામ. એ તો નિરાંતે બોર ભચડતી જાય ને બેવડ વળીને હસતી જાય. હોબાળો સાંભળીને એની માતા દોડતી આવી. બધાય બૈરાં મંડ્યા ફરિયાદ કરવા, તમેય મારી બઈ! છોડીને કાંઈ શિખવાડ્યું જ નથી. જુઓ તો ખરાં, કેવી નિરાંતે બોર ભચડે છે!.... અંતે માતાના વજનદાર હાથની રસીદ સટાક્ દઈને પડી ગઈ દેવયાનીના ચહેરા ઉપર. અને બૈરાંની કાગારોળ સાંભળવી પડી તે તો નફામાં... બોર ચૂંટતાં ચૂંટતાં આખો પ્રસંગ દેવુબાની આંખો સામે તરી રહ્યો. અનાયારો દેવુબાનો એક હાથ ગાલ પર ફરી વળ્યો. દેવુબા મનોમન મલકાઈ રહ્યાં હસી પડ્યાં પોતાની જાત ઉપર. ખાસ્સા બે ખોબા ભરાય એટલાં બોર ચૂંટીને દેવુબાએ હાથરૂમાલમાં બાંધી લીધાં અને ફટાફટ આવીને બેસી ગયાં ગાડીમાં. નરેશકુમાર તરફ જોઈને દેવુબા બોલી ઊઠ્યાં. ‘હાશ! હવે જખ મારે છે બોરડીના રખેવાળો. તમતમારે ગાડી મારી મૂકો, કે વહેલું આવે આબુ.’ દેવુબાએ નિરાંતનો શ્વાસ લીધો ત્યારે કોઈ અજબ સંતોષની આભા ફરી વળી એમના ચહેરા ઉપર. એમણે વિશ્વયુદ્ધ જીતીને આવેલા મહાવિજેતાની અદાથી પાછળ ફરીને છોકરાઓ તરફ જોયું અને કોહિનૂર હીરાઓનો ખજાનો લૂંટી લાવ્યાં હોય તેમ વટથી પોતાના મોટા છોકરાની સામે બોરથી ભરેલો રૂમાલ ધર્યો અને દમામભરી નજરે નરેશકુમાર તરફ જોયું. દેવુબાએ મનોમન નોંધ્યું કે, પતિદેવ તો ખુશખુશ દેખાય છે. હવે દેવુબાએ પતિ તરફ નજર ખસેડીને બોરની ચકાસણીમાં ધ્યાન પરોવ્યું. મોટા છોકરાએ હાથરૂમાલમાં છુપાયેલાં બોરની સામે બેપરવાઈથી નજર નાખી - ન નાખી કરીને સિફતપૂર્વક બોર ચાખવાની વાત જ ટાળી દીધી. એણે દેવુબાને કહ્યું, ‘મમ્મી! તને તો ખબર છે ને કે મને ઍસિડિટી થઈ જાય છે એટલે ડૉક્ટરે ખટાશ ખાવાની ચોખ્ખી ના પાડી છે.” દેવુબાને લાગ્યું કે, મોટાની વાત તો સાચી જ છે ને! કાંઈ વાંધો નહીં. ભલે એ બોર ન ખાય. વળી પાછું દેવુબાએ ચણીબોરની સામે આંખોમાં હેત ભરીને જોયું. બરાબર હાથ ફેરવીને બોર પર વળગેલી ધૂળ સાફ કરી, કેટલાંક બોર પર હજીયે વળગી રહેલી ધૂળને ફૂંક મારીને ઉડાડી મેલી, લાલચટાક, રાતીચોળ ચણોઠી જેવાં ચણીબોર બરાબર ધરાઈને આંખમાં ભરી લીધાં દેવુબાએ. ને એકેય ચણીબોર પોતાના મોંમાં નાંખ્યું નહીં. પોતાને જે વસ્તુ પ્રિય હોય એ વસ્તુ પેટના જણ્યાઓને અને પુત્રોથીય વધુ પ્રિય પુત્રવધૂઓને ખવડાવવાનું દેવુબાને ખૂબ ગમતું. પણ પરાણે તો ન જ ખવડાવાય ને! સારું ત્યારે ભલે મોટાથી બોર ન ખવાય પણ લાવ ત્યારે એના પપ્પાને ખવડાવું. એકાએક દેવુબાને યાદ આવ્યું કે, એમને તો બિચારાને કાયમથી શરદી-ખાંસીનો કોઠો છે, બોર ખાય અને ખાંસી—બાંસી થઈ જાય તોય પાછી ઉપાધિ, માટે તો એમને માગે તોય બોર આપવાં જ નથી. પણ મારી બેઉ વહુઓ કેમ કાંઈ બોલતી નથી? શરમાતી લાગે છે. પણ બોર ખાવામાં વળી શરમ કેવી? દેવુબાએ ફરીથી પાછળ વળીને બંને વહુઓના હાથમાં એકએક મુઠી ભરીને બોર આપ્યાં, બોર આપતી વખતે લંબાયેલા હાથ ઉપર મોટાનું માથું અફળાયું. આમેય કાંટા વાગવાથી ઉઝરડા પડ્યા'તા લોહીના ટશિયા ફૂટ્યા'તા, એની ઉપર જ માથું અથડાયું એટલે દેવુબાને લાહ્ય ઊઠી પણ ગણકારે કોણ? બોરનો સ્વાદ લેવો હોય તો કાંટાની વેદના વેઠવી જ રહી. દેવુબાએ દર્દને ગણકાર્યા વિના બંને વહુઓના હાવભાવ નીરખવા મીટ માંડી. બંને વહુઓએ સાસુમાને સારું લગાડવાના ઇરાદે બબ્બે બોર મોંમાં નાખ્યાં તો ખરાં, પણ પછી એકબીજાની સામે આંખ મિંચકારીને બાકીનાં બોર બારીની બહાર ફેંકી દીધાં. દેવુબાએ આ જોયું પણ ન જોયું કરીને આડું જોઈ ગયાં. અને ગાડીનાં ટાયરની નીચે ચણીબોર નથી ચગદાયાં પણ પોતાના અસ્તિત્વનો એક અંશ ચગદાઈ ગયો હોય એવી વેદના અનુભવી રહ્યાં દેવુબા... દેવુબાને થયું: હું ગમે તેટલો આગ્રહ કરું તોય વહુઓ મને ‘સાસુ’ તરીકે જ કેમ જુએ છે? માતા તરીકે કેમ નહીં? હશે ત્યારે જેની જેવી ભાવના, વળી આંગળીથી નખ વેગળા જ રહેને! આમને ક્યાંથી સમજાય મારાં ચણીબોર માટેની મમતા! વળી પાછું મનમાં શું સૂઝ્યું કે ચણીબોર માટેની પોતાની ચાહત સમજાવવા દેવુબાએ ‘ચણીબોર પારાયણ' શરૂ કર્યું. ‘અલ્યા છોકરાઓ! જુઓ તો ખરા, જરી ચાખો તો ખરા, કેવાં સરસ છે આ ચણીબોર ! આને ખાવા માટે અમે નાનાં હતાં ત્યારે રાડારાડી અને પડાપડી કરી મૂકતાં. ચાલુ વર્ગે ચણીબોર ખાતાં પકડાઈએ તો માર પણ ખાતાં અને તોયે બોર પણ ખાતાં, અને તમે? મહામહેનતે કંઈ કેટલાય કાંટા વગાડીને તમારા સારું મેં બોરાં તોડ્યાં અને તમે તો ચાખતાય નથી. આ તે તમારું કેવું બાળપણ? ચણીબોરની માયામાં દેવુબા એ પણ ભૂલી ગયાં કે એમના છોકરા હવે નાના કીકલા નથી રહ્યા યુવાનો થઈ ગયા છે બેઉ. વહુઓના વર છે બેઉ. પણ આ તો દેવુબા! એમને કોણ સમજાવે? એ પોતે બાળપણમાં જીવતાં'તાં એમ પોતાનાં બાળકોનેય બાળપણની મોજ કરાવવા માંગતાં'તાં. નરેશકુમારે જોયું કે ઍસિડિટીનું બહાનું આગળ ધરીને મોટાએ એની મમ્મીનો હાથ હડસેલ્યો છે અને બંને વહુઓએ પણ બારીની બહાર બોરનો ઘા કર્યો એ પણ એમણે મિરરમાંથી જોઈ લીધું હતું. એટલે બોર ખવડાવવા માટેની બાલિશ ચેષ્ટા કરતાં જોઈને દેવુબા તરફ જોતાં એમણે ટકોર કરી. આખા ગામને બોર ખવડાવવાનું બાજુએ મૂકીને તારે ખાવાં હોય એટલાં ધરાઈને ખાઈ લે ને! બેઉ હાથે મોટા ઉપાડે કાંટા વગાડીને બેઠી છો તે પહેલાં તું જ ખાઈ લે ને! પતિ કેટલી બધી કાળજી રાખે છે દેવુબા ગોળ-ગોળ થઈ ગયાં. મમતનાં ભૂખ્યાં હતાં દેવુબા. એમણે ચણીબોરનું રીચેકિંગ શરૂ કર્યું. કાચાંપાકાં બોરમાંથી શોધી શોધીને પાકાંપાકાં લાલચટક ચણીબોર અલગ તારવ્યાં. ફરી ફરીને ફેરવી જોયાં, હળવા હાથે રમાડ્યાં, એક રાતાચોળ ચણીબોરને વળગી રહેલી નાનકડી ડાંડલી હળવે રહીને નખ વડે જુદી કરી. બોર પર ઋજુતાથી આંગળી ફેરવી અને હળવેક રહીને બોર ખાવા માટે હાથ ઊંચો કરે છે ત્યાં જ મોટી વહુનો સત્તાવાહી અવાજ સંભળાયો, 'બા, આ શું કરો છો? આમ તો તમે રાતદિવસ દાંતના દુખાવાની ફરિયાદ કરો છો અને હવે બોર ખાશો તો દાંત કળશે નહીં? હજી બે દી’ પહેલાં દાઢમાં સણકા ઊપડ્યા'તા તે ભૂલી ગયાં? અમે તો તમારાં સારા માટે કહીએ છીએ, વળી પાછું ખટાશ ખાવાથી દાંત કળશે તો તમે તો હેરાન થશો, સાથોસાથ બધાનેય હેરાનગતી થઈ પડશે.’ અત્યાર સુધી ચૂપ બેઠેલા નાના દીકરાએ પણ ટાપશી પુરાવી ‘હા, હા, મમ્મી! ભાભી સાચું જ કહે છે ને! ગયા વીકએન્ડમાં અમારે ફ્રેન્ડ સર્કલ સાથે ભાજીપાંઉ ખાવા જવાનો પ્રોગ્રામ ફિક્સ થયેલો, પણ તને દાઢમાં દુખાવો ઊપડયો અને તારા કારણે અમારું જવાનું કેન્સલ થયેલું, મિત્રો વચ્ચે અમારે ભોંઠા પડવું પડેલું અને હવે અહીંયાં રસ્તા વચ્ચે આવાં ખાટાંચેડ બોરાં ખાવાનું તને ક્યાંથી સૂઝ્યું?' દેવુબા શું બોલે? તેઓ મનોમન વિચારવા લાગ્યાં, મોટી વહુની વાત સાચી છે, મારી દાઢમાં સણકા ઊપડ્યા ત્યારે એણે જ બચ્ચારીએ લવિંગના તેલનું પોતું મૂકી આપ્યું’તું, હું યે ખરી છું ને! હવે પિસ્તાળીશે પહોંચી છું ત્યારે શરીરનોય ખ્યાલ તો રાખવો પડશેને! સાજામાંદા થઈ જવાય તો છોકરા-વહુઓને જ ઉપાધિ ને! હજી તો હરવાફરવાની ઉંમર છે એમની-મારા કારણે બધાયનો મૂડ બગડે એવું કરવાની શું જરૂર? બસ હવે તો એમને ગમે એ જ કરવાનું અરે ખાવા-પીવાની બાબતોમાં ઘરમાં પણ મેં ક્યારેય દખલગીરી કરી નથી તો બોર ખાવામાં શું કામ બળજબરી કરૂ? એમને ગમે તો ખાય, ન ગમે તો ન ખાય પણ... સાલું હુંયે મૂરખની સરદાર તો ખરી જ…… હું તો ભૂલી જ ગઈ કે, દાઢમાં દુખાવાના કારણે મારાથી બોર ખાઈ શકાશે નહીં તો પછી શું કામ કૂદી પડી ચણીબોર ચૂંટવા? નાહકના કાંટા વગાડી બેઠી ને! મનોમન અફસોસ કરવા લાગ્યાં દેવુબા. હરખથી ચૂંટેલાં ચણીબોર ફેંકી દેવાનો જીવ કેમ ચાલે? દેવુબાને થયું, લાવ ને બે ચાર બોર છાનાંમાનાં મોંમાં સેરવી દઉં પણ ના રે ના બાળપણના એ વર્ગશિક્ષકની બે આંખોથી બચવું સહેલું હતું પણ આ આઠઆઠ આંખોનો ચોકીપહેરાથી છટકીને બોર ખાવાનું સાહસ હવે નથી કરવું. પણ આ છોકરાવના પપ્પાય ખરા માણસ છે ને? એમણે શું કામ ગાડીને બ્રેક મારી? જિંદગીની ગાડી જેમ આગળ ધપતી જાય છે તેમ આ ગાડીનેય ચાલવા જ દેવી'તી ને! દેવુબાએ અકારણ ગુસ્સાથી અકળાઈને પતિની સામે જોયું. એ તો મંદમંદ હસી રહ્યા હતા. દેવુબા સમસમી ગયાં. આખરે કહી જ નાખ્યું, ‘તમે શું કામ ગાડી રોકી દીધી’તી? તમે ગાડી ઊભી રાખી એટલે મારે ઊતરવું જ પડે ને!' હવે નરેશકુમાર મોકળા મને હસી પડ્યા. 'લે કર વાત. તને બોર ખૂબ ભાવે છે એની મને ક્યાં ખબર નથી? બોર જોઈને તારા મોંમાં પાણી આવ્યું'તું એટલે તો મેં ગાડી ઊભી રાખી. મને બરાબર યાદ છે એ દિવસો. આપણો મોટો દીકરો તને પેટ હતો, ત્યારે એકવાર તેં ચણીબોર ખાવાની હઠ પકડી'તી અને આપણી માએ ના... ના... તારાં સાસુમાએ તને બોર ખાવાની મનાઈ ફરમાવી'તી યાદ છે ને? મા કહેતાં'તાં કે બાળક પેટ હોય ત્યારે કદી બોરાંફોરાં કે ખાટુંખારું ખવાય જ નહીં, નહીંતર છોકરું જન્મે ત્યારથી ખાંસી ખાતુંખાતું જ બહાર આવે અને કાયમી ખાંસી ઘર કરી જાય તે તો નફામાં.' દેવુબાએ પતિને બોલતા અટકાવવા ડોળા કાઢ્યા અને ઇશારાથી સમજાવ્યું કે, પાછળ છોકરા અને વહુઓ બેઠાં છે એટલે ઇજ્જતના ધજાગરા ઉડાડ્યા વિના હળવેકથી બોલો. નરેશકુમાર સાનમાં સમજી ગયા. એટલે દેવુબાના કાનમાં કહેતા હોય એમ હળવેકથી બોલવાનું ચાલુ રાખ્યું... યાદ છે? તારી જીદ પૂરી કરવા મેં બોર લાવી આપેલાં અને તેં અડધી રાત્રે ઊઠીને બોર ખાધાં'તાં... દેવુબા નવોઢાની જેમ શરમાઈ ગયાં. ચહેરા ઉપર ચણીબોરની રતાશ ફરી વળી. એમની જીદ પતિએ કેવી હોંશથી પૂરી કરી'તી એ યાદ આવી ગયું, બીજા દિવસે સવારે ખાટલા નીચેથી ચણીબોરના ઠળિયા પકડાઈ ગયા'તા અને સાસુમાએ ઠપકો આપેલો. સાસુમાનો સખત ઠપકો યાદ આવતાં દેવુબા ખામોશ થઈ ગયાં.. સાચી વાત છે, મારી સાસુએ મને બોર ખાવા દીધાં નથી પણ હું તો મારી વહુઓને સામેથી બોર ખાવા આપું છું ને! હું ક્યાં અભણ છું? હું તો ભણેલી-ગણેલી સાસુ છું બાકી અમારાં વખતમાં તો તોબા... પાણી પીવું હોય તોય સાસુને પૂછવું પડતું, પગની પાનીયે ન દેખાય તેમ સાડલામાં ગોટમોટ ઢબૂરાઈને રહેવું પડતું, તેય પાછું છાતી સમાણી લાજ કાઢીને. જમાનો સમૂળગો બદલાય ગયો છે આજે તો હું મારી બંને વહુઓને અદ્યતન પોશાકોમાં સજ્જ રાખીને હરખાઉં છું. રૂપકડી ઢીંગલીની જેમ શણગારીને સાચવું છું. મને 'સાસુપણું' દાખવતાં નથી આવડતું. મારે તો મા બનીને વરસાવવી છે નરી મમતા. હું મારી જાતને સાસુ તરીકેના હોદ્દા ઉપર સ્વીકારી શકતી નથી. વહુઓને જે પહેરવું હોય તે પહેરે, ઓઢે, ડ્રેસ પહેરે કે સાડી, મેક્સી પહેરે કે ઘરારા, બસ આપણે તો એમને ખુશ જોઈને ખુશ રહેવાનું. એમની સ્વતંત્રતા પર તરાપ મારવાથી આ સમાજ મને કયો એવોર્ડ કે ચાંદ આપી દેવાનો છે? દેવુબાની વિચારધારા અસ્ખલિતપણે વહેતી રહેત પણ પતિએ એમની તંદ્રા ઉડાડી, ઢંઢોળીને પૂછ્યું, ‘ક્યારનીયે શું વિચારે ચઢી છો? પાલનપુર આવવા થયું. ચા પીવાનું મન થયું છે?' દેવુબાએ હકારમાં માથું હલાવ્યું અને ચૂપચાપ ખોળામાં લપાઈને બેસી રહેલાં ચણીબોરની સામે અહોભાવથી જોયું, અરેરે! મને કેમ ચણીબોર ભુલાતાં નથી? એને જોતાં જ મોંમાં પાણી કેમ છૂટે છે? એને મેળવવાની ચટપટી કેમ ઊપડે છે? પ્રશ્નનો ઉત્તર પણ તરત જ જડી ગયો. જેને જે કહેવું હોય તે કહે, માનવું હોય તે માને, ધારવું હોય તે ધારે, ખાવું હોય તો ખાય. ના ખાવું હોય તો ના ખાય, બાકી કોઈ મારું સાહેબ નથી. હું કોઈની ગુલામ નથી. મને ચણીબોર ભાવે છે. ગમે છે માટે મેં ચૂટ્યાં. હેત કર્યું, વહાલ કર્યાં ચણીબોરને. જો ને કેવાં તરોતાજાં અને રાતાંચોળ છે! ખાટાંમીઠાં અને લાલચટક... દેવુબા મનોમન ગાઈ રહ્યાં ‘હું આશિક છું ચણીબોરની ચણીબોરની ચણીબોરની. અંતે દેવુબાએ એક મરણિયો પ્રયાસ કર્યો. છોકરાઓને રીઝવવાનો. મોટાને અને બંને વહુઓને જોઈ લીધી દેવુબાએ. બાકી રહ્યો તો નાનકો છોકરો, દેવુબાએ નાનાને આગ્રહ કરવા માંડ્યો. 'અલ્યા શંખ! જરા ચાખી તો જો તને તો આમેય ખાટું- ખારું બહુ ભાવે છે!' દેવુબાએ એની સામે જોયું કે નાનો તો કારટેપમાં વાગતી ધૂનના તાલે ઝૂમવામાં મસ્ત હતો. દેવુબાએ એની સામે બોર ધર્યાં. નાનકાએ મમ્મીની સામે મોં ખોલીને ઇશારાથી સમજાવ્યું કે એના મોંમાં પાનપરાગ દબાવેલું છે એટલે પછીથી ખાશે. એમ બતાવીને દેવુબાના હાથમાં રહેલા રૂમાલમાંનાં બધાં બોર પોતાના બેઉ ખોબામાં ભરી લીધાં અને પછી ફટાક દઈને ફેંકી દીધાં બારીની બહાર. પછી ફડક દઈને હસી પડ્યો નાનકો. એની સાથોસાથ બંને વહુઓ અને મોટોય હસી પડ્યાં. નાનકાની નફટાઈ જોઈને દેવુબા તો સ્તબ્ધ થઈ ગયાં. અવાચક થઈ ગયાં. જાણે કાપો તોય લોહી પણ ના નીકળે. ઘડીભર મગજ બહેર મારી ગયું, ગુસ્સો તો જાણે સાતમે આસમાને, મારાં વીણેલાં, મારાં ચૂંટેલાં ચણીબોરનું આવું ઘોર હડહડતું અપમાન? ગુસ્સાથી દેવુબા તમતમી ગયાં. ચણીબોરનો લાલચોળ રંગ દેવુબાના ચહેરા ઉપર થઈને આંખોમાં ઊતરી આવ્યો, મમ્મીની નારાજગી અને ગુસ્સો જોઈને નાનકો સડક થઈ ગયો. પાનપરાગ થૂંકી નાંખીને એણે મમ્મીને મનાવી લેવા માટે ધાપલાવેડા શરૂ કર્યા. પોતાની સીટમાંથી ઊંચા થઈને એણે પાછળથી મમ્મીના ગળે બેઉ હાથ વીંટાળ્યા અને લાડથી બોલ્યો પ્લીઝ મમ્મા! તમે નાહકનાં ગુસ્સે થાવ છો અને તમારી એનર્જી વેસ્ટ કરો છો ભલાં! ચણીબોરમાં શું ખાવાનું? તમને ખબર તો છે કે મને બટરચીઝની સેન્ડવિચ અને પીઝા જ વધારે ભાવે છે. આબુ પહોંચીએ ત્યારે જોજો ને! કેવી મજા આવશે. જાતજાતની ભાતભાતની વાનગીઓ ખાઈશું, ને મજા કરીશું. તમે ખાતાં કંટાળશો એવી એવી વેરાઈટીઝ હવે તો મળે છે. ચીઝ, સેન્ડવિચ ને પીઝા, બર્ગર અને ભાજીપાઉં, ચાઈનીઝ ફુડ અને મદ્રાસી ઢોંસા—-ઇડલી, પંજાબી ડિશ ને મોગલાઈ ખાણું જે માંગો તે હાજર. પછી આવી ચણીબોરની શી વિસાત? મમ્મા ! આપણે ફરવા નીકળ્યાં છીએ અને તમે મૂડ ઓફ કરીને બેસી રહી તો કેમ ચાલે? નાનકડા ચણીબોર માટે વર્લ્ડવોર જાહેર કરવાનું છે? ચાલો હવે હસો... તમને મારી કસમ છે મમ્મા! પ્લીઝ.' દેવુબાએ સો મણનો નિસાસો નાખ્યો અને મહાપરાણે જરીક હસીને બોલ્યાં, 'હા બેટા હા, હવે તો બજારમાં બધુંયે તૈયાર મળે જ છે ને! ખાજો તમતમારે ધરાઈને પીઝા ને સેન્ડવિચ, વળી ખાજો પંજાબી ને ચાઇનીઝ. આ તો મારાથી ચણીબોર જોઈને ન રહેવાયું. બસ મારે જાતે જ ચણીબોર ચૂંટવાં'તાં તે ચૂંટ્યાં વીણવાં'તાં તે વીણ્યાં. જોવાં'તાં તે ધરાઈને જોયાં. આંખોથી જ ચાખ્યાં બસ. 'ચણીબોર એટલે ચણીબોર' અને પછી કોઈની નજરે ન પડે તેમ આંખોમાં ધસી આવેલાં ચણીબોર જેવજેવડાં આંસુઓને હળવેકથી ઝીલી લીધાં હાથરૂમાલમાં અને છુપાવી દીધાં રેશમી પાલવમાં દેવુબાએ ભારે હૈયે, નીચી નજરે...