નારીસંપદા : ટૂંકી વાર્તા/હું તો ચાલી: Difference between revisions
(+1) |
m (Meghdhanu moved page સવાસો વર્ષની વાર્તાઓ/હું તો ચાલી to નારીસંપદા : ટૂંકી વાર્તા/હું તો ચાલી without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 01:54, 20 September 2024
ઉષા ઉપાધ્યાય
ઘરનાં સૌ જમીને 'સુરભિ' જોવા બેઠાં ને મેં વાસણ ઉટકવા ફળિયાની ચોકડીમાં પગ મૂક્યો ત્યાં જ ધગધગતા અંગારા પર પગ દેવાઈ ગયો હોય એવી લ્હાય લાગી તળિયામાં. જોઉં તો વીંછી ! તરત એમને સાદ દેવાઈ ગયો – ‘જુઓ તો આ વીંછી છે કે શું?' ઉતાવળા આવી એમણે ચાલ્યો જતો લીલો કાચ પથ્થરિયો વીંછી જોયો ને તરત એને મારવા પડખે પડેલો ધોકો ઉપાડયો. ‘અરર ! મારશો મા એને, એની માથે પગ આવે તો ડંખે જ ને બિચારો ! ને, ડંખ તો દઈ જ દીધો છે એણે, હવે એને મારીનેય શું?’ ધોકાના ધડાધડ અવાજ વચ્ચે મારો અવાજ ક્યાંય ચગદાઈ ગયો. એમણે હાથ ઝાલીને મને ઓસરીના ખાટલે બેસાડી. એટલી વારમાં તો ઘરનાં ને અડખે પડખેનાં સૌ ભેગાં થઈ ગયાં. કલબલાટ મચી ગયો. જાતજાતના ઉપાયો ચીંધતાં હતાં સૌ. એમણે મારા પગની પીંડીએ કચકચાવીને દોરી બાંધી દીધી. દવાખાને લઈ જવાની વાત ચાલતી હતી ત્યાં ફૂઈ આવી ગયાં. સૌને દૂર ખસેડી એ મારા પગ પાસે બેસી ગયાં. લાગલો જ હુકમ દીધો – વાડકીમાં જરા મૂઠીક મીઠું પલાળીને લાવજે તો ભૈ. અને મારો પગ ખોળામાં લઈ વીંછીના ડંખ પર ભાર દઈને મીઠું ઘસવા લાગ્યાં. આ બધી ધમાલ વચ્ચે મારું મન તો કંઈક જુદું જ ચાલવા માંડ્યું'તું. શરીર ને મન સાવ નોખાં જ થઈ ગયાં હતાં. કોઈક જુદી જ લહેર ઉપડી'તી મારા મનમાં... ‘હાશ, કાલથી ઘડિયાળના કાંટે દોડવાનું બંધ. રોજ રોજ એમની ટક ટકની ચિંતા નહીં. દૂધ અને શાકભાજીના હિસાબની ચિંતા નહીં. પંદરમીના પગથિયે પહોંચતાં પહોંચતાં તો ખાલી થઈ જતા પાકીટની ચિંતા નહીં. મારુતિમાં સડસડાટ પસાર થઈ જતી કોઈ રૂપાળીને જોઈ હવે છાનો છાનો નિસાસો નાંખવાનો નહીં. હવે દાર્જિલિંગના પ્રવાસમાં જવાની જીદ લઈ બેઠેલા બકુલને મનાવતાં મનાવતાં બીજી બાજુ જોઈ આંખો નહીં લૂછવી પડે... આહા ! કેવી હળવાશ લાગે છે ! લાગે છે જાણે કોઈ હળવે હળવે મારે માથે હાથ ફેરવી રહ્યું છે. મનમાં હકડેઠઠ ભરાયેલી બધી ચિંતાઓ લૂછી નાંખી છે એ હથેળીએ. કેવી હવાથીયે હળવી થઈ ગઈ છું હું ! જાણે આંખમાં ધીરે ધીરે કોઈ મીઠું ઘેન અંજાતું જાય છે. કંઈક આછું આછું સમજાય છે હવે કે લોકો દારૂ કેમ પીતા હશે ! મનના દોડતા ઘોડાની લગામ કદાચ આમ જ દારૂની પ્યાલીથી ઢીલી થઈ જતી હશે, ને બિચારો દુનિયાથી બળેલોઝળેલો જણ શાત પામતો હશે ને?' ‘હેં? શું પૂછયું તમે? ખાલી ચડતી હોય એવું લાગે છે? પગમાં ઝણઝણાટી થાય છે?’ પગમાં બળતરા ચાલુ છે ને મને મશ્કરી સૂઝે છે. આહા ! તેડાગરનો હાથ અડક્યો છે કે કોઈ પીંછું જાણે ! મલકતા હોઠે જવાબ ચડે છે –
- હંઅ, થાય છે ને, પણ જમણા નહીં ડાબા પગે :
સાંભળીને બધાને લાગે છે કે નક્કી ભાન ઓછું થતું જાય છે, બાકી વીંછી કરડ્યો છે જમણે પગે ને કહે છે ડાબા પગે ઝણઝણાટી થાય છે ! રામ રામ. કાંઈ કહેવાય નહીં. એમના મોં પર ઘેઘૂર ચિંતા ડોકાય છે.
- સાચું કહે ને, હવે કેમ છે? :
હું એમની સામે નજર માંડું છું. આંખમાં આછા મલકાટ સાથે જવાબ આવે છે –
- કાં? શું કામ મારી આટલી બધી ચિંતા કરો છો? જાવા દ્યોને તમતમારે મને ! હું ક્યાં તમને સાચવું છું? રોજ તમને કાંઈને કાંઈ વાંધા પડતા'તા – : આજે કેમ મારી સાથે સરખું બોલી નહીં? નહીં ખાઉં ડુંગળીનું શાક, જમવું જ નથી જા. બકુલનું દૂધ બનાવ્યું તો સાથે મારું દૂધ ન બનાવી લેવાય? – : પણ અરે ! ભલા માણસ, ગરમ કરી રાખું ત્યારે તો તમે પૂજામાંથી પરવારતા નથી ને વાટકા પર માખી બણબણતી રે' છે, તે હવે નથી કરતી ગરમ એટલું તો સમજો ! ના, ના, હવે કશું સમજાવવું નહીં પડે, તમારે કોઈ ફરિયાદ જ નહીં કરવી પડે ને. આખેઆખી હું જ ચાલી જાઉં છું લ્યો. પછી તો તમને નિરાંત ને !:
આ ઘી ને સાકર શું કામ લીલાબેન? પેટમાં અગ્નિ ન ઉપડે એટલા માટે? અરે મારી બાઈ ! હવે તો અંદર ને બા'ર અગ્નિ જ અગ્નિ છે ને ! એનાથી હવે શું બચવાનું? હું તો આ તૈયાર જ ઊભી છું કોઈ છેડો ઝાલીને આકાશમાં ઓગળી જવા, પછી તમે શું કામ આમ ઢીલાં થાવ છો મારી બાઈ ! તમારી આંખમાં આ તગતગતું આંસુડું જોઈને મારી બા યાદ આવી જાય છે લીલાબેન ! માંડવા વચ્ચે એણે ચાંદીની થાળીમાં ઘી અને સાકર ચોળ્યાં ને મેં વરને કંસાર ધર્યો ત્યારે એની આંખને ખૂણે આવું જ મોતી બાઝયું’તું. મરો રે વાલામૂઈ ! માનું સંભારણું દઈને તમે ક્યાં કાળજે શેરડો પડાવ્યો લીલાબેન? હાશકારો કરીને હળવાંફૂલ થઈ હાલવા સારુ હવામાં તરી રહેલા જીવને ક્યાં પાછો વહાલના વતરણે બાંધવા માંડ્યાં? મળશું હવે તો આવતા ભવે મારી માવડી, આવતા ભવેય તારી કૂખે જ અવતરીશ, ગુલાબના ગોટા જેવી, જોજે ને. આ ભવે તો મારા બકુલને જ જાળવજે હવે મારી મા. બકુલ બોલતાં ફરી કાળજે શૂળ ભોંકાયું. પણ ના, જેની આડા હાથ દેવાય એમ નથી એનો વળી વલોપાત શો? આજ નૈં તો કાલ જવાનું તો હતું જ ને? કોઈએય ક્યાં અમરપટ્ટો લખાવીને આવ્યું છે અહીં? ફૂઈ, પગે મીઠું ઘસવાનું રે'વા દ્યો હવે. મીઠું ઘસ્યે કદાચને આ વીંછીનાં ઝેર ચુસાઈ જાય પણ આ મનમાં ઝેર, આ હાયવોય. એના કરતાં જાવા જ દ્યો મારા બાપલા. આ આંખ્યુંય હવે તો ઊંચી નથી થાતી. જાણે કેટલાય દિવસોથી સૂતી જ નો'તી તે આ આખા આયખાની ઊંઘ એક સાથે આંખે ચડી છે. કઉં છું રે'વા દ્યો આ પગે દોરા બાંધવાનું ને આ ઘી-સાકર ચટાડવાનું. આહા ! કેવી મીઠી ઊંઘ આવે છે, કેવી મીઠી, કેવી મી...ઠી, હા...શ ! મીંચાતી જતી આંખે ફૂઈના શબ્દો કાને અથડાય છે – સૂવા દો બાપડીને હવે નિરાંતે. કાંઈ ચિંતા કરવા જેવું નથી હવે. દાદીની સેવા આડી આવી, બીજું શું? સવાર થતાં તો એય તમારે રાતી રા'ણ જેવી જાણે કાંઈ થયું જ નથી એવી ધમકારા દેતી ઊઠી જશે... હળવું ફૂલ થયેલું મારું શરીર અધ્ધર ઊંચકાઈ રહ્યું છે, હું હવાની લહેરખી થઈ દૂર ને દૂર જતી જાઉં છું કે પાછી? ઊભાં થયેલાં ફૂઈની સાથે બધાં આઘાં-પાછાં થઈ રહ્યાં છે? - કંઈ સમજાતું નથી. ધીરે ધીરે બધું અદૃશ્ય થતું જાય છે, કંઈ દેખાતું નથી. ચારેબાજુ ચંદનના લેપ જેવો અંધકાર લીંપાતો જાય છે. લ્યો, આવજો ત્યારે, હું તો આ ચાલી. પણ... આ આટલું બધું બારણું કોણ ખખડાવે છે? હેં ! આવું છું હો, ઘડીક ખમો, આ ગેસ પર દૂધ ગરમ મૂક્યું છે ઈ ઊભરાઈ જશે પાછું, જરા ઉતારી લઉં એને. ને ફળિયામાં બે-ચાર ભાણાં છે ઈયે ઊટકી લઉં. કાલથી ક્યાં ઊટકવાં છે મારે? બિચારા એમણે જ કરવાનું છે ને પછી તો બધુંય...હા, હા, આવું છું ભૈ. કાંઈ બાકી નથી હવે. બસ, છુટ્ટી હવે. કોઈ હાયવોય ક્યાં કરવાની છે હવે ! પરણ્યાને પે'લે દી’ય હું આવી હળવીફૂલ તો નો'તી !.. અલ્યા ભૈ, પણ આટલું બધું બારણું કાં ખખડાવો? તમારી વાંહોવાંહ તો હાલી આવું છું. તોય? પણ... આ બૂમ કોણ પાડે છે? : વહુબેટા, જાગો છો કે? દૂધ આવ્યું છે : : હેં ! સવાર થઈ ગયું? : આંખો ચોળતી હું સફાળી બેઠી થઈ જાઉં છું. દોરી બાંધેલો જમણો પગ જમીન પર માંડી, ઝટપટ માથે ઓઢી, રસોડામાંથી દૂધની તપેલી લઈ ઉતાવળે પગલે હું બારણું ખોલું છું.
વાર્તા અને વાર્તાકાર : ઉષા ઉપાધ્યાય (07-06-1956)
‘હું તો ચાલી’ વાર્તા વિશે : ઘર આખાનાં દરેક પ્રકારનાં કામ ઊગતાથી આથમતા સુધી ઘસડતી સ્ત્રીને એ કામનો જશ મળવો તો એકબાજુ, મોટેભાગે તો એણે કચકચ જ સાંભળવાની થાય છે. સ્ત્રી પોતે પણ પોતાનાં ઘરકામને ઊંચો દરજ્જો ક્યાં આપી શકી છે? ‘શું કરો છો?’ના જવાબમાં એ ‘કંઈ નહીં’ કહેતી આવી છે. પુરુષને એકવિધતાથી કંટાળવાની ફરિયાદ કરવાની છૂટ છે, પણ સ્ત્રી એનાં રોજનાં એકનાં એક કામો ઉપરાંત માથા પર થતી ટકટકથી કદી નહીં કંટાળતી હોય? એને આ રોજિંદી ઘરેડમાંથી છૂટવાની ઇચ્છા નહીં થતી હોય? ઉષા ઉપાધ્યાયની ‘હું તો ચાલી’ વાર્તામાં વીંછીના ડંખ પછી દિવાસ્વપ્નમાં સરી પડતી નાયિકા થોડીકવાર માટે રોજિંદી ઘટમાળમાંથી છૂટી જવાની હાશ અનુભવે છે. આ સ્ત્રી સામાન્ય ગૃહિણી છે એટલે વિદ્રોહની કે એવી તેવી મોટી વાતો નથી, પણ પતિની કચકચ, રોજિંદી ઘરેડ વગેરેનો એટલો કંટાળો છે કે જો આ બધામાંથી મૃત્યુ દ્વારા છુટકારો મળતો હોય તો પણ એને સ્વીકાર્ય છે. શીર્ષકના ‘તો’માં છુટકારાની આવી હળવાશ અનુભવી શકાય છે.