નારીસંપદા : ટૂંકી વાર્તા/ઢીલ કે પેચ: Difference between revisions
(+૧) |
(No difference)
|
Revision as of 02:48, 21 September 2024
મલયા પાઠક
રૂપા ઘરના ઓટલા પર બેસીને લીલી તુવેર છોલી રહી હતી. મનમાં વિચાર કર્યો, હમણાં યેશા આવશે, પૂછશે ‘કંઈ કામ છે, મમ્મી?’ એને આ તુવેર છોલવામાં મદદ કરવાનું કહેવું જ નથી, ભલે ને મોડી છોલાશે, આજને બદલે કાલે કચોરી ખવાશે એટલું જ ને? એ બિચારી કલાક કલાકના પાંચ પિરીયડ મોટે મોટેથી બોલીને ઊભા ઊભા ભણાવે છે. એને પણ તો થાક લાગે જ ને? બીજું કોઈ નહીં સમજે, મારે તો સમજવાનુંને? સાસુ થઈ તો શું થયું? એની મમ્મીએ એને રાંધતા શીખવાડ્યું છે એ જ બસ છે. આજકાલ કરતાં લગ્નને નવ મહિના થઈ ગયા. ભલેને પીએચ.ડી. કરે છે, હવે ધીમે ધીમે એને ઘરની બીજી જવાબદારીઓ લેતાં શીખવવું પડશે. કાલ ઉઠીને હું નહીં હોઉં તો? દૂરથી યેશા આવતી દેખાતાં રૂપાની વિચારયાત્રા આગળ વધી. ‘કોઈ કહે એને કે કૉલેજમાં લેક્ચરર છે? આજકાલના છોકરાંઓ ખાવામાં જ ક્યાં સમજે છે? કેટલીવાર કહેવાનું કે તમે ખાશો તો તમારું શરીર ચાલશે. ખાખરા અને મમરા કંઈ સવારનો નાસ્તો હોય? અરે, સવારે રાતની વધી હોય એ બે ભાખરી સાથે જે ભાવે એ ખાઈ લીધું હોય તો શરીરને આધાર નહીં રહે? ગણી ગણીને ભાખરી બનાવે છે. ‘પપ્પા, તમારી કેટલી ભાખરી? દાદા તમારી કેટલી ગણું?’ શાક હોય એના પર આધાર હોય કે નહીં? એ લોકોની તબિયત પણ વધી જાય... લગ્ન થાય એટલે શરીરનો બાંધો બદલાય, સાયન્સ ભણેલાં તમને એટલી તો સમજણ પડતી જ હોય ને? સારું છે કે શાક-રોટલી ડબ્બામાં લઈ જાય છે, નહીં તો? પણ, હવે એને કહેવું પડશે કે થોડી વહેલી ઉઠીને વહેલી રસોડામાં આવી જજે. જો, કહેવત તો એવી છે કે નવું નવું નવ દ̖હાડા, મેં તને નવ મહિના આપ્યા, મારી સાસુએ તો હું પરણીને આવી ને બીજા જ દિવસથી આ હીંચકો પકડી લીધો હતો.’ યેશા કમ્પાઉન્ડ ગેટ ખોલી અંદર આવી ગઈ. રૂપાને વિચારમાં ડૂબેલી જોઈને એણે પૂછ્યું, “ક્યાં ખોવાઈ ગયાં, મમ્મી? હું આવી ગઈ છું.” અજાણતા જ રૂપાથી બોલાઈ ગયું, “હા આવો, તે રોજ જ આવો છો ને?” યેશા ચોંકી ગઈ. હજુ આજે જ સ્ટાફરૂમમાં મિતાલીમે’મ બોલ્યાં હતાં, “બેટા, નવ મહિના પૂરા... ચાલો, હવે જોતરાઈ જાવ ઘરસંસારની ધૂંસરી ઉઠાવી અમારી જેમ લેફ્ટરાઈટ કરવા.” ત્યારે પોતે પૂછ્યું હતું, “કેમ એવું બોલ્યાં મે’મ? નવ મહિનાને આટલું મહત્ત્વ કેમ આપો છો?” મિતાલીમે’મનો જવાબ હતો, “હવેની સાસુઓ જરા અમારા જેવી સમજુ હોય, એટલે તમારું નવું નવું નવ મહિના ચાલે... અમારું તો નવ દ̖હાડામાં જ પૂરું થઈ જતું હતું.” યેશાના સ્ટાફમાં બધાને ખબર હતી કે એની સાસુનો સ્વભાવ બહુ ધીરજવાળો છે, રોજ યેશાએ સવારે સાત વાગ્યે તો નીકળી જવું પડે છે એટલે લગ્ન પહેલાં એની મમ્મી કરી આપતી હતી એમ હવે એની સાસુ ટીફીન તૈયાર કરી આપે છે. મિતાલીમે’મને જવાબ આપતાં યેશાએ કહ્યું હતું, “અમારા મમ્મીએ એમના સાસુનો એટલો ત્રાસ વેઠ્યો છે ને કે એ મારી સાથે એવું નહીં જ કરે. એમને તો લગ્નના બીજા જ દિવસે કિલો તુવેરના ઘૂઘરા ભરવા બેસાડી દીધાં હતાં. મમ્મીને એલર્જીની શરદીની પ્રકૃતિ, તો પણ ઘરઘંટીમાં લોટ તો મમ્મીએ જ દળવાનો, પાછી એ જ દિવસે ઘંટી સાફ થઈ જવી જોઈએ એવી જિદ. બાપ રે... મમ્મીએ જ સહન કર્યું આ બધું. મારા જેવી હોય તો... ના રે ભાઈ... એવી કલ્પના પણ નહીં કરવાની. લૉ ઑફ એટ્રેક્શન કામ કરે. આપણે એવું વિચારવાનું જ શું કામ?” યેશાએ તરત જ રૂપાના મૂડને પારખીને કહ્યું, “મમ્મી, તમે ક્યારના તુવેર છોલતાં હોવ એવું લાગે છે. મારી મમ્મીને તો ટ્યુશન કરાવે એટલે ટાઈમ નહીં મળે. એ તો શાકભાજી વેચવા આવે એ લતાની પાસે જ છોલાવી લે છે, થોડા વધારે રૂપિયા જાય પણ આ શું કે આપણો બધો સમય એક જ કામમાં જાય ! એક કિલો તુવેર છોલીએ એટલા સમયમાં તો કેટલું કામ થઈ જાય. હા, વટાણા હોય તો ફોલી કાઢીએ પણ તુવેર... ના રે... તમે પણ આપણે ત્યાં બહાર આવે છે એ કલામાસીને પૂછી જોજો ને... એ છોલી આપતાં હોય તો તમને નિરાંત ને.” રૂપાએ બોલવું તો ઘણું હતું, “કેમ? તમને નિરાંત એટલે? કચોરી કે ઘૂઘરા ખાલી હું જ ખાવાની છું? એ તો મમ્મીએ બહુ મસ્ત બનાવ્યા છે કહીને ડબ્બામાં ભરીને કોલેજ લઈ જવાય છે અને ગામમાં જ પિયર છે તે ત્યાં પણ નથી લઈ જતી?” પરંતુ એ ગમ ખાઈ ગઈ. ક્યારનો મગજમાં ધૂંધવાટ છે, એ ખોટા સમયે ખોટી રીતે ન નીકળે એ સાચવી લેવાય એટલી સભાનતા જાળવવાની સમજદારી રૂપાના સ્વભાવમાં હતી. રૂપાને બપોરની ઘટના યાદ આવી ગઈ. શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવાથી એ વધારાની રજાઈ લેવા માટે માળ પર ગઈ. નીચેનો એક બેડરૂમ સાસુસસરા શશીકલાબેન અને જનકભાઈનો અને એક રૂપા રીતેશનો. રૂપારીતેશને બે દીકરા નીલ ને રવિ. જનકભાઈએ દૂરંદેશી વાપરીને માળ પર ત્રણ બેડરૂમ કરાવી દીધાં હતાં. એમનાં દીકરી જમાઈ પણ હતાં ને, એટલે વારતહેવારે બધાં ભેગાં થાય તો તકલીફ ન પડે. રૂપાનાં મોટાં દીકરાવહુ હૈદરાબાદ રહેતાં હતાં. એમનો રૂમ આમ તો ખાલી જ રહેતો હતો. ગેસ્ટ રૂમમાંથી રજાઈ લઈને નીચે જતાં પહેલાં નાના દીકરાના રૂમમાં દાખલ થવાની રૂપાને જરા પણ ઇચ્છા ન હતી. પરંતુ અધખુલ્લાં બારણાંમાંથી ચાડી ખાતી અવ્યવસ્થાએ એના ચોક્સાઈભર્યા સ્વભાવને મજબૂર કરી દીધો. હાથમાંની રજાઈ મૂકવા માટે મોટા દીકરાનો રૂમ ખોલ્યો. બાપ રે... આ રૂમની હાલત પણ... આખા પલંગ પર ફેલાયેલાં ચોપડાં જોઈને એનું મગજ ફરી ગયું. ‘માન્યું કે પીએચ.ડી. કરે છે, પણ, ઠીક છે કે હું આવી છું માળ પર, કાલ ઉઠીને કોઈ ઓચિંતુ આવે તો? મારી ઈજ્જત જ જાય ને? ઉપર બેઠાં બેઠાં શશીકલાબેન પણ હસતાં હશે કે જોયું ને, વહુને દીકરીની જેમ રાખવાના અભરખાંથી શું હાલત થાય છે ઘરની એ?’ યેશાના ચોપડાંને જેમના તેમ રહેવા દઈ રૂપા યેશારવિનાં રૂમમાં દાખલ થઈ. એક તરફ રવિનો નાઈટ ડ્રેસ, બીજી તરફ યેશાનો, રૂમમાંની ખીંટી પર કપડાંના ઢગલા એક પર એક વધતા જ રહેતા હોય એમ લાગ્યું. રૂપાએ બબડાટ કર્યો હતો, ‘ફરી વાર પહેરવાનાં હોય તો હેંગરમાં ગોઠવી વ્યવસ્થિત મૂકી ન દેવાય? અને નહીં પહેરવાનાં હોય તો નીચે ધોવા લઈ આવવાનાં હોયને? ક્યાં મારી જેમ જાત ઘસવાની છે? મેં તો પ્રેગનન્સીમાં ડૉક્ટરે ના કહી હતી તો પણ રોજ ઘરના સાત સાત માણસોના કપડાં ધોયાં છે.’ જોકે, પછી તરત જ ચોથે મહિને ગર્ભપાત થઈ ગયાની પીડા પણ યાદ આવી ગઈ હતી અને આંખમાં પાણી સાથે યેશા-રવિનો રૂમ જાતે સાફ કરીને આવી હતી. યેશા માળ પર ગઈ. રોજ એ આવે પછી રૂપાબેન ચ્હા મૂકતાં, સાસુવહુ નિરાંતે ચ્હા પીતાં પીતાં આખા દિવસની વાતો કરી ફ્રેશ થઈ જતાં અને હળીમળીને રાતની રસોઈ કરતાં. રવિ ઑફિસેથી આવે એટલે યેશા અને રવિ સાથે જમવા બેસતાં. રિતેશ, રૂપા અને જનકભાઈને વહેલાં જમી લેવાની ટેવ હતી. સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા મળે એ માટે જમીને રવિ અને યેશા આંટો મારવા માટે નીકળી જતાં. ક્યારેક સોસાયટીના સરખે સરખા દોસ્તારો અને એમની પત્નીઓ સાથે બાઈક પર બહાર આમતેમ રખડવા જવાનો, ફિલ્મ જોવાનો, ડીનર માટે રેસ્ટોરન્ટમાં જવાનો પ્લાન ગોઠવાઈ જતો હતો. ઘરે આવીને બીજા દિવસે સ્ટુડન્ટ્સને શું ભણાવવાનું છે એની તૈયારીઓ કરવાની હોય, આટલા મહિનામાં યેશાને બીજા દિવસના સવારે શું શાક કરવાનું છે એમ પૂછવાનું હોય એનો ખ્યાલ જ આવ્યો નહીં. પોતાના રૂમની સફાઈ થઈ ગઈ છે, હવે કદાચ એની સારી સરખી સફાઈ થશે એમ ડરતાં ડરતાં યેશા નીચે આવી. રૂપા હજુ પણ હીંચકા પર બેસીને તુવેર છોલતાં છોલતાં એના વિચારોમાં ખોવાયેલી હતી. આજથી તૈયાર ચ્હા નહીં મળે એ યેશાને સમજાઈ ગયું. એણે રૂપાને પૂછ્યું, “મમ્મી, હું ચ્હા મૂકું છું, તમે પીશો ને?” રૂપાએ ન તો ‘હા’ કહી, ન તો ‘ના’ કહી. “તારે મૂકવી હોય તો મૂક.” આવા જવાબની યેશાને અપેક્ષા ન હતી. ‘કોઈ દિવસ મેં એને પૂછ્યું કે યેશા, તારી ચ્હા મૂકું? રોજ પીતા હોય તો એમાં પૂછવાનું શું?’ બસ, આવા નકારાત્મક વિચારો રૂપાના મગજ પર હાવી બની ગયા. એક મહિનાની અંદર યેશાએ મિતાલીમે’મને કહ્યું, “અમારાં મમ્મી બહુ બદલાઈ ગયાં છે. બોલતાં કંઈ નથી. ફરિયાદ પણ નથી કરતાં, પણ ફ્રી થાય એટલે હાથમાં ચોપડીઓ લઈને એમની રૂમમાં બેસીને વાંચ્યાં કરે છે. બોલો, એમણે ચ્હા છોડી દીધી ! હું ઘરે પહોંચું ત્યારે રાતનું શાક થઈ ગયું હોય અને ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો હોય. મમ્મીએ યોગાના ક્લાસ શરૂ કર્યા. એ સારું જ છે, પણ ખબર નહીં મનમાં એક મુંઝારો થાય છે.” “તને આજ સુધી દીકરીની જેમ ગણી ને?” “એ તો આજે પણ કંઈ નથી કહેતાં.” “ના, એવું નહીં, હવે જ તારે દીકરી બનવાનું છે ને, પૂછ કે શું તકલીફ થાય છે? મેનોપોઝ હશે કે તારી સામે કોઈ ફરિયાદ હોય તો પણ... એમ ન થાય કે કોઈ વાત એમના મનમાં ઘર કરી જાય અને એમને અંદર ને અંદર કોરી ખાય. આ ઉંમરે જ બૈરાઓને સુગર પ્રેશર ઘર કરી જાય છે. કંઈ નહીં હોય અને ફક્ત ગેરસમજ જ હોય તો એની ગાંઠ જલ્દી નીકળી જાય એ સારું.” મિતાલી મે’મ યેશાના ખભા પર હાથ મૂકીને બોલ્યાં હતાં. આજે રાતે વાત કરું એમ નક્કી કરીને યેશા ઘરે આવી, રાતની રસોઈની તૈયારીઓ થઈ ગઈ હતી. રવિના ફ્રેન્ડની બર્થ ડે હોવાથી ડિનર માટે જવાનું હતું. યેશાએ રૂપાને કહ્યું, “હું કાલે આજ શાક લઈ જઈશ, મારા માટે કાલે શાક નહીં બનાવતાં.” “ચાલો, આજે આપણે કાલ માટે આપણા શાકની જ ચિંતા કરવાની છે.” કહેતા રિતેશભાઈએ પાણિયારા પર દીવો મૂક્યો. યેશા સમસમી ગઈ. આ શું? ‘મમ્મીએ જે કહેવું હોય એ મને કહે, પપ્પાએ આમ તો જ કહ્યું હશે જો મમ્મીએ મારા વિશે એમના કાન ભર્યા હોય. રોજ દાદા લઈ આવે છે એ જ શાક કરવાનું હોય છે ને?’ બીજા દિવસે વળી આ સમસ્યાનો મિતાલીમે’મે ઉપાય સૂચવ્યો. “રોજ રાતે રવિ સાથે ફરવા જાય છે તો ઘરમાં કંઈ લાવવાનું હોય તો પૂછી લેવાય ને?” “પણ દર મહિનાના પહેલા વીકમાં આખા મહિનાનું કરિયાણું ને બીજું બધું ડી માર્ટમાંથી સસ્તુ પડે એટલે પપ્પા મમ્મી લઈ જ આવે છે. શાકભાજી દાદા લઈ આવે અને સોસાયટીમાં રોજ જ તો શાકભાજી વેચવાવાળા આવે છે.” યેશા એની વાત પર અડગ હતી. “એમાં કહેવાનું શું હોય? એના ઘરમાં એની મમ્મીની જવાબદારી એને ખબર ન હતી? જે એની મમ્મીએ કર્યું, એ મેં કર્યું અને હવે એ જ એણે પણ કરવાનું હોય એટલી સમજણ કેમ ન પડે? હું સામેથી એક પણ કામ સોંપવાની નથી, મારું ઘર છે એટલે મારાથી થાય ત્યાં સુધી કરીશ.” રૂપા એની વાત પર અડગ રહીને રિતેશની કોઈ વાત સમજવા તૈયાર ન હતી. ‘મારું ઘર’ બોલતી વખતે એના સાસુ આખી જિંદગી ‘મારા ઘરમાં હું કહું એમ થવું જોઈએ, જેને નહીં ફાવે એ નીકળી જાઓ મારા ઘરમાંથી...’, એમ કકળાટ કરતાં રહ્યાં એ યાદ આવતાં એની આંખમાં પાણી આવી ગયાં. હવે નજીક આવ્યો ઉત્તરાયણનો તહેવાર. દર વર્ષે રવિની અગાસી પર જ બધાએ પતંગ ચગાવવા માટે ભેગાં થવું એવો વણલખ્યો નિયમ. સવારે રિતેશભાઈ બધા છોકરાઓ માટે ખમણ, ફાફડા, પેટિશ, જલેબી જેવો નાસ્તો લઈ આવતા હતા, ધરાઈ ધરાઈને નાસ્તો કર્યો હોવાથી કોઈ બપોરે જમવા માટે પણ નીચે આવતું નહીં. બધા છોકરાઓ પોતપોતાનાં ઘરેથી બોર, મમરાના અને તલના લાડુ, શીંગની ચીકી, સુખડી જેવું લાવતા હતા અને આખો દિવસ એવું આચરકુચર ખાવામાં પસાર થઈ ગયા પછી સાંજે વાડામાં ઈંટ ગોઠવી ચૂલો બનાવી લાકડાં સળગાવી મોટાં તપેલામાં ઘણાં બધાં શાકભાજી નાખીને ખીચડી બનાવવામાં આવતી. રિતેશભાઈ મસાલાવાળી છાસ પણ બહુ સરસ બનાવતા હતા. રિતેશભાઈએ મહિનાના સામાનની ખરીદીમાં પાણીના અને છાસના ગ્લાસ, સવારના નાસ્તા માટે અને જમવા માટે ડીસ્પોઝેબલ ડીશ, ચમચી, ગાર્બેજ બેગ બધું યાદ રાખીને લઈ લીધું હતું. રૂપા ઉત્તરાયણના બે દિવસ પહેલા કામવાળા સવિતાબેન સાથે ધાબુ ધોઈને ચોખ્ખું કરવામાં મદદ કરવા ગઈ ત્યારે ઉત્તરાયણના દિવસે અગાશી પર સ્પીકર મૂકવા જરૂરી એક્સટેન્શન વાયરની ગોઠવણ કરવા માટે રિતેશભાઈ પણ સાથે ગયા હતા. કામવાળા સવિતાબેન અગાશી સાફ કરતી વખતે રૂપા સાથે જે વાત કરતાં હતાં એ એમણે સાંભળી હતી. એ સાંજે દીવાબત્તી કરતી વખતે પોતાને ઘર અને પરિવારનું આટલું સુખ આપવા બદલ એમણે ભગવાનનો પાડ માન્યો હતો. ઉત્તરાયણની આગલી રાતે છોકરાઓ મોડે સુધી પતંગની ખરીદી કરતા, કોઈ એક મિત્રની કારમાં બધો સામાન મૂકીને રાત્રિબજારમાં ખાવાપીવા જતા હતા. એ મુજબ જ આ વર્ષે પણ થયું. રોજ સવારે વહેલા ઉઠવા ટેવાયેલાં રૂપા અને રિતેશભાઈ સવારે ઘરમાં ધમધમાટ શરૂ થઈ જશે એ ગણતરીએ પરવારીને બેઠાં હતાં. રિતેશભાઈ નાસ્તો લેવા જવા માટે સ્કુટરને કીક મારતા હતા ત્યારે યેશા નાઈટ ડ્રેસમાં જ દોડતી દોડતી માળ પરથી નીચે આવી. રોજ કૉલેજનો યુનિફોર્મ પહેરીને જ નીચે આવતી યેશાને આજે પહેલીવાર રિતેશભાઈએ કેપ્રી અને સ્પગેટી ટોપ પહેરેલી જોઈ. “પપ્પા, પપ્પા, આજે કોઈ આપણા ઘરે ભેગા નથી થવાના. રવિનો ફ્રેન્ડ આદિત્ય છેને, એણે ફાર્મહાઉસ લીધું છે. બધા ત્યાં ભેગા થવાના છે. મને પણ કાલે રાતે જ ખબર પડી. તારા ઘરેથી આપણે ડીશ, ગ્લાસ બધું લઈ જઈશું એમ એ લોકો રવિને કહેતા હતા એ સાંભળીને મેં સામેથી એમને પૂછ્યું તો...” બે ક્ષણ રિતેશભાઈની જાણે કે બુદ્ધિ જ બ્હેર મારી ગઈ. છેલ્લાં લગભગ ચૌદ-પંદર વરસથી ચાલી આવતી પ્રથા આજે આમ આ રીતે તૂટવાની હતી? શું ઉત્તરાયણ ફક્ત તમારો જુવાનિયાઓનો જ તહેવાર છે? અમે ઘરડા થઈ ગયા? અમારે તમારી સાથે તહેવારો ઉજવવા હોય તો શું કરવાનું, બોલો? અમારી મરજીનું તો જાણે કોઈ મહત્ત્વ જ નહીં? સાલું, આપણા વખતમાં માબાપ પાસે પરવાનગી લેતા હતા, મારા બેટા આપણા જ છોકરાઓ છે એની શંકા કરાવે છે ! “કંઈ વાંધો નહીં. તમે તમારી રીતે ફાર્મહાઉસ પર જઈને નાસ્તો કરજો. અમારા ત્રણ પૂરતો નાસ્તો તો લઈ આવીએ ને?” રિતેશભાઈએ સ્કુટરને હંકારી મૂક્યું. રસ્તેથી જ એમણે એમના કામવાળા સવિતાબેનને ફોન કરીને કહી દીધું, “સવિતાબેન, તમારી ગૃહઉદ્યોગની બહેનોને ખીચ્યા, પાપડી અને ઘઉંની સેવ સૂકવવા માટે બહુ તકલીફ પડે છે એવું તમે રૂપાને કહેતાં હતાંને? બધું સૂકવવા માટે લઈ આવો આપણા ધાબા પર.” “કેમ ભાઈ? આપણા ધાબા પર રવિના દોસ્તારો...?” “ના. એ લોકો હવે બીજી જગ્યાએ પતંગ ઉડાડી પેચ લડાવશે, આપણે પણ ઢીલ મૂકી દેવાની.” રિતેશભાઈના સ્કુટર પર પાછળની સીટ ઉપર બેઠેલાં રૂપાબેન મરક મરક હસતાં રહ્યાં.
❖