નારીસંપદા : ટૂંકી વાર્તા/ઘાબાજરિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:58, 21 September 2024

ઘાબાજરિયું

છાયા ત્રિવેદી


સવારનો ઠંડો પવન થોડી શાતા આપતો હતો. બગીચાના બાંકડે બેસીને અનુજાએ માસ્ક બાજુ પર મૂક્યો. શ્વાસ ઉતારીને મૂકી દીધા હોય તેમ માસ્ક તેને તાકી રહ્યો. તેણે ઝડપથી નજર ફેરવી લીધી. સેન્ડલ કાઢીને ખુલ્લા પગ લીલાંછમ્મ ઘાસમાં લંબાવી દીધા. આગ બુઝાવવા મથતી હોય તેમ ભીનાં ઘાસમાં પગની પાની ક્યાંય સુધી ઘસતી રહી. સૂરજનો તાપ વધતો જતો હતો. લોકોની ચહલપહલ વધવા લાગી. સાયરનનો અવાજ આવ્યો અને બગીચાની રેલિંગ બહાર સ્ટાફ ફટાફટ હાજર થયો. ઍમ્બ્યુલન્સમાંથી એક ભાઈને સ્ટ્રેચર પર લીધા. સાથેનું ઑક્સિજન સિલિન્ડર વોર્ડબોયે સ્ટ્રેચર નીચેનાં સ્ટેન્ડમાં રાખ્યું. સવારથી જ હૉસ્પિટલનો પૅસેજ ધમધમી ઊઠ્યો. જ્યાં નજર પડે ત્યાં પેશન્ટના સ્વજનો ઊંચક જીવે દોડધામ કરે છે. વારંવાર આવતો સાયરનનો અવાજ શ્વાસ અધ્ધર કરી જતો. અનુજા તપતાં આકાશ સામે એકીટશે જોઈ રહી. હજુ બે મહિના પહેલાં, આવી જ એક ઍમ્બ્યુલન્સમાં આ હૉસ્પિટલના દરવાજે આવેલી... એ વિચારોમાં ડૂબી ગઈ... --------------------- અનુજા ઘરમાં ઑક્સિમીટર લઈને મમ્મી પાસે બેઠી હતી. 95-94... ઑક્સિજન લેવલ નીચે જઈ રહ્યું હતું. તેની નજર ઑક્સિમીટર પરથી ખસતી જ નહોતી. ‘અરે, ક્યાંય ઑક્સિજન રૂમ ખાલી નથી. ઍમ્બ્યુલન્સ ય આવતી નથી. બે કલાકથી રાહ જોઈએ છીએ.’ પપ્પા ફોન પર બોલતા હતા. અનુજાના પપ્પા ધીરજભાઈ સતત ફોન કર્યે જતા હતા. કેટલી બધી હૉસ્પિટલમાં તપાસ કરી જોઈ. જે યાદ આવે તેની ઓળખાણ માટે પ્રયાસ કરવામાં એમણે બાકી રાખ્યું નહોતું. અનુજાનાં મમ્મીની અવિરત ગતિથી ઘર જીવંત રહેતું. આજે એમના જ ધબકારા કોરોનાના સકંજામાં હતા. ‘મમ્મી, સારું થઈ જશે, ચિંતા ન કર. ઍમ્બ્યુલન્સ આવે એટલે દવાખાને જઈએ.’ ‘બેટા, તું મારી સાથે રહેજે.’ ‘હા મમ્મી. હું પાસે જ છું.’ પછી મમ્મીનો ક્ષીણ અવાજ દબાઈ ગયો. ધીરજભાઈ દોડતા આવ્યા – 'ચાલો, ચલો ઍમ્બ્યુલન્સ આવી ગઈ છે. અનુ, જલદી કર.' પૂરપાટ દોડતી ઍમ્બ્યુલન્સમાં બધાં હોસ્પિટલે પહોંચ્યાં. જરૂરી વિધિ પૂરી કરી. ડૉક્ટરની સૂચના મુજબ વોર્ડબોય અને નર્સ અનુજાનાં મમ્મીને ઑક્સિજન બેડના વોર્ડમાં લઈ ગયાં. ‘અનુ, બેટા ચાલ ને... મારાથી એકલાં નહીં જવાય... તારા પપ્પાને કહે આવે...' સ્ટ્રેચર પસાર થયું ત્યાં સુધી ધીમો થતો અવાજ અનુજાને કાને પડતો રહ્યો. તે મમ્મીનો લંબાયેલો હાથ સજલ આંખે જોઈ રહી. ઘરે પહોંચીને ધીરજભાઈ બેસી પડયા. 'લો, પાણી પીવો... ચિંતા ન કરો. સમયસર સારવાર શરૂ થઈ ગઈ એટલે જલ્દી સાજી થઈને આવી જશે. બસ, પંદરેક દિવસ કાઢવાના છે. થઈ જશે. રોજ ફોન પર કલાકે કલાકે વાત કરીશું એટલે એને ય એકલું નહીં લાગે.’ 'તારી વાત સાચી છે... આટલાં વર્ષોમાં તારી મમ્મી કદી એકલી રહી જ નથી.’ 'હા, હું 20 વર્ષની થઈ જઈશ... હજુ સુધી ક્યારેય મમ્મીને એકલી જોઈ જ નથી!’ 'તું સાવ નાની હતી ને, લગભગ બે વર્ષની હોઈશ. મારે નોકરીમાંથી બહારગામ જવાનું થયેલું. તારી મમ્મીને કહ્યું કે એણે તો ઘર માથે લીધું હતું. હું એ દિવસ ભૂલ્યો જ નથી.’ --------------------- 'ના હો. મને એકલી મૂકીને ક્યાંય જતા નહીં તમે.’ ‘અરે, કાલે પાછો આવી જઈશ. બીજો મેનેજર રજા પર છે એટલે મારે જવું પડે છે. કામ સાચવી લેવું પડે ને !’ ‘અનુ સાવ નાની છે અને હું એકલી કેવી રીતે રહીશ? ના ભઈ ના, તમે બૉસને ના પાડી દો.’ ‘શું કહું? મારી પત્ની ના પાડે છે, એમ?' ધીરજભાઈ ખડખડાટ હસી પડયા. 'તમે ય શું? મારી મશ્કરી જ કરવાની કાયમ ! હું સાચ્ચે જ કહું છું.' ‘અરે ગાંડી, એક દિવસમાં શું થઈ જવાનું છે?’ 'ભલે કાંઈ ન થાય, પણ હું એકલી રહું ને તો મને બહુ બીક લાગે. બધા નકામા વિચારો જ આવે !' 'તારી સાથે અનુ તો છે... એકલી કેવી રીતે?’ ‘એ તો હજુ નાની છે. તમને નહીં જવા દઉં બસ. તમે તમારા સાહેબને ના પાડી દો.’ --------------------- 'અનુ, તું નહીં માને, તારી મમ્મી રીતસરની રડવા જ બેઠી. મને જવા ન જ દીધો.’ એક બાજુ અનુજા હસી પડી અને બીજી બાજુ મમ્મીને એકલી દવાખાનામાં મૂકવી પડી છે તેની ચિંતા થવા લાગી. 'મમ્મીને વિડિયો કૉલ કરવો છે, પણ એ તો શીખી જ નહીં. પપ્પા, મેં એને કેટલીવાર સ્માર્ટ ફોન રાખવાનું કહ્યું હતું ... હવે વિડિયો કૉલ કેવી રીતે થશે?’ 'હા બેટા, તારી મમ્મીનું એવું જ છે. આપણે બેય આસપાસ હોઈએ ને એટલે એને બીજું કાંઈ ના જોઈએ.' ‘અમારાં લગ્નની 25મી ઍનિવર્સરી પર મેં એને સ્માર્ટ ફોન ગિફ્ટ આપવાની વાત કરી હતી. તો તારી મમ્મી શું કહે ખબર છે?’ ‘એમાં ગિફ્ટ બિફ્ટ શું આપવાની? આપણે કેવું ભર્યું ભર્યું જીવન જીવ્યાં ! 25 વર્ષ પસાર થઈ ગયાં પરંતુ કાલની જ વાત હોય એવું લાગે છે. એ જ લગ્નજીવનની સફળતા કહેવાય ને ! તમે મને પરી જેવી દીકરી આપી છે, તેનાથી મોટી ગિફ્ટ કઈ હોય?’ મેં એને સમજાવ્યું, ‘જો હવે સમય બદલાયો છે. નવાં નવાં સાધનો આવ્યાં છે. તારા માટે સ્માર્ટ ફોન લાવીશ. તું મને ઑફિસે ફોન કરીને 'જમ્યા કે નહીં?' એમ પૂછ્યા કરે છે ને? પછી તને વિડિયો કૉલ કરીને જ જમવા બેસીશ.' તો કહે, 'ના ભાઈસા'બ, એવું બધું મને ન ફાવે. એવડો મોટો ફોન સાચવવો જ અઘરો... તૂટે ફૂટે ને તો તમારા હજારો રૂપિયા પાણીમાં જાય. એના કરતાં મારો જૂનો ફોન સારો છે. કેટલીયવાર પડે છે, પણ તૂટયો નથી... આપણી જેમ જ !' --------------------- ‘પપ્પા, તમે તો પાછા ખોવાઈ ગયા... ચાલો ને મમ્મીને ફોન કરીએ. એકલી મૂંઝાતી હશે.' ‘હેં... હા... હા... કર... ફોન કર, સ્પીકર પર રાખ !’ ‘અનુ, મને જરાય સારું નથી લાગતું. બોલું ને હાંફી જઉં છું. તું ને તારા પપ્પા અહીંયાં આવો ને.' ‘મમ્મી, કોરોના પ્રોટોકૉલ મુજબ કોઈને આવવા ના દે. ચેપી રોગ છે ને એટલે. જો, એક બે દિવસની જ વાત છે. તને સારું થાય એટલે લેવા આવીશું.' ‘આ કોરોનાએ તો કેવા લાચાર કરી દીધા છે ! એકલા રહેવાનું. તને ને પપ્પાને બોલાવાય નહીં. એક દિવસમાં જ એકલા રહીને મને કેવા કેવા વિચારો આવે છે, બેટા.' ‘તું ચિંતા કર્યા વિના જલદી સાજી થઈને ઘરે આવવાના જ વિચારો કર. અમે ફોન કરતાં રહેશું.' ધીરજભાઈ બોલ્યા. 'ભલે. ઑક્સિજન માટે મોઢા પર બધું એવું લગાવ્યું છે ને કે બહુ બોલવાનું ફાવતું નથી. સ્માર્ટ ફોન શીખી ગઈ હોત તો તમને બંનેને જોઈ લેવાત... તમને કહી દઉં છું, હવે પછી ક્યારેય એકલી નહીં રહું.’ અને એમ પહેલી ને છેલ્લીવાર જ એકલા રહેવાનું બન્યું. --------------------- ફોન આવ્યો... ‘ધીરજભાઈ બોલો છો?’ 'હા, તમે કોણ?' ‘હું કોરોના વોર્ડમાંથી બોલું છું. તમારા પત્નીનું અવસાન થઈ ગયું છે. તમે આવીને બધી પ્રોસિજર પૂરી કરીને લાશ લઈ જાવ.' ‘લા...શ !'... ધીરજભાઈના હાથમાંથી મોબાઇલ પડી ગયો. અનુજાએ પપ્પાને પહેલીવાર સૂનમૂન જોયા. ‘પપ્પા, પપ્પા... શું થયું?’ 'તારી મમ્મી ચાલી ગઈ – એકલી...!’ અનુજા પપ્પાને વળગીને રડવા લાગી. --------------------- વાતાવરણ બદલાયું હતું. કમોસમી પવન ફૂંકાતો હતો. અનુજા ઘરમાં આ રીતે કદી એકલી રહી નહોતી. બારણું બંધ કરીને તે મમ્મીના પલંગ પર ટૂંટિયું વાળીને બેસી ગઈ. મોબાઇલની રિંગ વાગી... કાકાનો ફોન હતો. ‘કાકા, કાકા... મમ્મી જતી રહી... સ્મશાને પપ્પા એકલા ગયા છે... તમે આવો છો?’ 'તારા પપ્પાનો ફોન હતો કે તું ઘરે એકલી છે. મને ડાયાબિટિસ અને તારી કાકીને બીપી વધારે રહે છે. કોરોનાને લીધે ડૉક્ટરે બહાર જવાની ના પાડી છે. નહીં તો આવીએ જ ને !' 'કાકા, ભાઈને તો મોકલો...’ અનુજાથી ડૂસકું રોકાયું નહીં. ‘તેને ઑનલાઇન પરીક્ષા ચાલે છે. આખો દિવસ એના રૂમમાં હોય છે. મેં એને વાત કરી. આવતા અઠવાડિયે તારી પાસે આવી જશે. ...જો બેટા, થવાનું થઈ ગયું... કામકાજ હોય તો કહેજે...’ અનુજાનાં ડૂસકાંમાં કાકાના છેલ્લા શબ્દો દબાઈ ગયા. બારી બહાર તોફાની પવનમાં એક વૃક્ષ આખેઆખું ડોલતું હતું...! અનુજાએ બારી બંધ કરી દીધી. --------------------- ફરી ફોન આવ્યો... માસી બોલ્યાં, ‘બેટા મમ્મીને કેમ કરતા આવું થઈ ગયું? તારી પાસે દોડી આવવાનું મન થાય છે, પણ અહીં મુંબઈમાં તો બધું બંધ છે. કેવી રીતે આવું? તારી બહુ ચિંતા થાય છે. ધીરજકુમારને ફોન કર્યો પણ વાત ન થઈ.’ ‘માસી, એ તો અંતિમવિધિમાં ગયા છે. મને મળવા કોઈ આવતું નથી. મારે પપ્પા સાથે જવું હતું પણ કોરોના પ્રોટોકૉલને લીધે ન જઈ શકી.' --------------------- અનુજા રડી રડીને સૂજી ગયેલી આંખે શૂન્યાવકાશમાં ઝાંવા મારતી રહી... એને મમ્મી સાથે વાતો કરવી છે, ભેટીને રડવું છે, હજુ કેટલીય ફરિયાદો ને જીદ કરવી છે... સ્ટ્રેચરમાંથી લંબાતા હાથ એને બોલાવે છે...! જીવનનો એક હિસ્સો ચૂપચાપ અંધકારમાં ગરક થઈ ગયો હતો.


અનુજા મમ્મીનો ફોટો મોબાઇલમાં જોતી રડતી બેઠી હતી. એકદમ ખાંસવાનો અવાજ આવ્યો. ઘરે આવીને ભાંગી પડેલા ધીરજભાઈ દરવાજે બેસી પડ્યા હતા. એમને ઉધરસ આવતી હતી. એ દોડી ગઈ. ‘પપ્પા બાથરૂમમાં ગરમ પાણી રાખ્યું છે. તમે નહાઈ લો.' 'તું એકલી જ છે? કોઈ આવ્યું નહીં? મેં હસુને ફોન કર્યો હતો.’ 'હા, કાકાનો ફોન આવેલો, બધાંને ઇન્ફેક્શનનો ડર લાગે છે. મારા ફ્રેન્ડ્સ પણ એવું જ કહે છે કે, કોરોનામાં કેવી રીતે આવીએ?’ 'ઓહ, બેટા કેવો ખરાબ સમય આવ્યો છે? કોરોનાએ માણસને માણસથી દૂર કરી દીધા છે. લોકો તો ટપોટપ મરે છે, સાથોસાથ માનવતા મરી પરવારી છે. ચહેરા પરથી દંભના મહોરાં ઉતારી દીધાં છે, કોરોનાએ ! કોઈને એમ ના થયું કે આ છોકરી એકલી છે !’ ‘પપ્પા હવે મમ્મી વિના કેવી રીતે રહેવાશે? પપ્પા, હવે આપણે બંને સાવ એકલા ! મિત્રો અને સ્વજનો દૂર રહેવા માગે છે. આપણાં જેવા લોકોએ એક પછી એક ઘા જ સહન કરવાના, પપ્પા?’ ‘અનુ, દરેક ઘા માટે એક ઇલાજ હોય છે – ઘાબાજરિયું હોય છે.’ ‘ઘાબાજરિયું ! પપ્પા ઘાબાજરિયું એટલે શું?’ ‘બેટા, કશું વાગી જાય, ઘા થાય તેના પર એ વનસ્પતિ લગાવવાથી ઘા મટી જાય એટલે તેને ઘાબાજરિયું કહેવાય. એક પ્રકારની ઔષધિ.' ‘પપ્પા... દરેક ઘા માટે એવું ઘાબાજરિયું હોય તો કેવું સારું !’ ‘દરેક ઘા માટે એનું એક ઘાબાજરિયું હોય જ છે. બસ તેને શોધવાની તૈયારી હોવી જોઈએ. ...હું નહાઈ લઉં.' કહીને ધીરજભાઈ આંખના ખૂણા લૂછતાં બાથરૂમ તરફ ચાલ્યા. અનુજા ઘાબાજરિયું કેવું હશે તેની કલ્પનામાં ખોવાઈ ગઈ. તૈયાર થઈને ધીરજભાઈ રૂમની બહાર આવ્યા. એમને ઉધરસ આવતી હતી. ‘બેટા, મને જરા તાવ જેવું લાગે છે અને ખાંસી આવે છે. કદાચ મને તો કોરોના...’ 'ના પપ્પા, ના... તમને નહીં...’ અનુજા એમને જોઈ રહી. --------------------- ફરી ઍમ્બ્યુલન્સ, સ્ટ્રેચર, વૉર્ડ બોય, નર્સ, ડૉક્ટર... અને ધીરજભાઈ હૉસ્પિટલમાં ! --------------------- ‘પપ્પા તમે જલદી સાજા થઈ જાવ. મને એકલા જરાય ગમતું નથી. જુઓ છો ને બધું એમ જ પડયું છે.’ 'તારી મમ્મી મને બોલાવે છે, પણ તને એકલી મૂકીને નહીં જાઉં હો ! તારાં આંસુ મારાથી નથી જોવાતાં, બેટા !' ‘તમે જલદી આવો ને.’ ‘આજે ડૉક્ટર આવે એટલે પૂછી લઉં. હવે તો ઑકિસજન લેવલ બરોબર થઈ ગયું છે. જો તને દેખાડું ઑક્સિમીટરમાં... છે ને... 97... હમણાં 98 થઈ જશે.’ ‘પપ્પા મીસ યુ સો મચ. પ્લીઝ જલ્દી ઘરે આવી જાવ.' --------------------- હવે પપ્પાને જોવાનો અને સાંભળવાનો એકમાત્ર સાથી મોબાઇલ જ હતો. અનુજા રાતે પણ હાથમાં જ ફોન રાખીને ઝોકાં ખાતી રહેતી. ...અને ફોન આવ્યો... 'હૉસ્પિટલમાંથી બોલું છું. ધીરજભાઈના સગા છો? ...ઓહ, એમની દીકરી બોલો છો. તમારા ફાધરને સારું હતું પણ રાતે એકાએક ઑક્સિજન લેવલ ડાઉન ગયું અને ડેથ થઈ ગયું છે. પ્રોસિજર પૂરી કરવા કોઈને મોકલો. એક જ વ્યક્તિ અંતિમવિધિ માટે આવી શકશે.. હલ્લો... હલ્લો...!’ અનુજાના હાથમાંથી મોબાઇલ પડી ગયો... તેને ચક્કર આવી ગયા અને બેસી પડી. --------------------- અનુજા, મમ્મીના તો અંતિમ દર્શન પણ કરી શકી નહોતી. પીપીઈ કિટમાંથી પપ્પાની ઝલકમાત્ર જોઈને તેણે વિધિ પૂરી કરી. મિત્રો અને સગાવહાલાંના ખાલી ફોન ને મેસેજ જ આવ્યા. અનુજા ઉદાસીમાં ગરકાવ થતી રહી. બંધ ઘરના અંધકારમાં ડૂબતી રહી. દિવસો પસાર થતાં રહ્યા. --------------------- એક દિવસ સવારમાં કોઈ ઉપરાઉપરી ડોર બેલ વગાડતું હતું. દરવાજો ખોલતાં જ બાજુમાં રહેતાં આન્ટી ગભરાયેલાં ઊભાં હતાં. હાંફતા અવાજે માંડ બોલ્યાં, ‘અનુજા, મારા દીકરાને કોરોના થયો છે. ઇસ્પતાલમાં છે... મારે એને જોવો છે. તારા મોબાઇલમાંથી વિડિયો ફોન કરી આલીશ? મને મુંઇને કાંઈ નો આવડ્યું...’ મા-દીકરાની ભીની આંખમાં દૂરથી એકબીજાને જોયાનો સંતોષ છલકાતો હતો. એ દૃશ્ય અનુજાનાં હ્રદયમાં કોતરાઈ ગયું. તે મનોમન બોલી ઊઠી, 'હા પપ્પા, ઘાબાજરિયું... હોય જ છે, ઘાબાજરિયું...!’ સજલ આંખ લૂછીને અનુજા ઊભી થઈ અને બારી-બારણાં ખોલી નાંખ્યાં. મમ્મી-પપ્પા બંનેને ગુમાવ્યાં હતાં તે હૉસ્પિટલે જઈને ઊભી રહી... --------------------- સાયરનના એકધારા અવાજથી બગીચાના બાંકડે બેઠેલી અનુજા વર્તમાનમાં આવી ગઈ. મોબાઇલ વાઇબ્રેટ થતો હતો... 'હલ્લો માસી !’ 'તને કેમ છે, અનુ? તારી બહુ ચિંતા રહે છે.’ 'નથિંગ ટુ વરી, માસી ! આઈ ઍમ ઓકે... પપ્પાએ કહ્યું હતું કે દરેક ઘા માટે એનું એક ઘાબાજરિયું હોય જ છે – બસ, શોધવું પડે... મેં મારાં માટે એક ઘાબાજરિયું શોધી લીધું છે... દર્દી, હું અને મોબાઇલ – મારું ઘાબાજરિયું ! માસી, કૉલ વેઇટિંગ છે... પછી વાત કરું.' એક કોરોના પેશન્ટના ઘરેથી જ ફોન હતો. 'હલ્લો, આન્ટી તમે ચિંતા ન કરો. હું હૉસ્પિટલમાં જ છું. રવિ પાસે જઈને વિડિયો કૉલ કરું છું.’ અનુજા સેન્ડલ અને માસ્ક પહેરી, બાંકડા પરથી ઊભી થઈને સડસડાટ હૉસ્પિટલની અંદર ગઈ. તેનો મોબાઇલ ધબકતો હતો અને એ પીપીઈ કીટ પહેરીને કોવિડ વૉર્ડ તરફ ચાલવા લાગી.

વાર્તા અને વાર્તાકાર :

છાયા ત્રિવેદી (૩૧-૦૩-૧૯૭૪)

‘ઘાબાજરિયું’ વાર્તા વિશે :

કોરોનાકાળે ડરના માર્યા માનવીય સંબંધો લગભગ ખતમ થઈ ગયા હતા. જીવનમાં કદી એકલા રહ્યા જ ન હોય એવા લોકો રોગથી મર્યા કે એકલતાથી? જે લોકો ઘરે રહ્યા એમની માનસિક હાલત કેવી હતી? જેમણે ઘરના તમામ સભ્યો ગુમાવ્યા હોય એવા લોકોએ પછી શું કર્યું? કેટલા સવાલો કોરોનાએ ઊભા કરેલા? સગા-સંબંધી, મિત્રો... તમામ સંબંધોને કોરોનાએ પોકળ સાબિત કરેલા. સંબંધો જેવું રહ્યું જ ક્યાં હતું? દરેક વ્યક્તિ માત્ર પોતાની જાતને બચાવવા ઇચ્છતી હતી. આ વાર્તાની નાયિકા અનુજાએ મા-બાપ બંનેને એક પછી એક ગુમાવ્યાં કોરોનામાં. મા-બાપ બંને સાવ એકલાં ગયાં. કોઈ સગાની અંતિમયાત્રા માટે નહોતી જરૂર પડતી પણ સાવ એકલી રહી ગયેલી અનુજાને આશ્વાસન આપવા માટે પણ કોઈ નથી આવતું. સૌ ડરે છે. અચાનક અનુજાને સમજાય છે કે આ સમયે કોઈની મદદ, હુંફ કેટલી જરૂરી છે. એણે હવે આ જ કામને મિશન બનાવી લીધું. જે કોઈને દવાખાને દાખલ કરે તેની વાત એના ઘરના લોકો સાથે વિડિયોકોલ દ્વારા કરાવતી અનુજા પોતાના મા-બાપ સાથે છેલ્લે વાત નહોતી કરી શકી. એમના ચહેરા નહોતી જોઈ શકી. બીજાને વાત કરાવતી અનુજા એ રીતે પોતાની પીડાનો ઉકેલ શોધે છે. આ મિશન એનું ઘાબાજરિયું બની ગયું.

નોંધપાત્ર વાર્તાઓ :

રૂપિયા બસો પંચાવન, બબલ્સ