નારીસંપદા : ટૂંકી વાર્તા/શમણાનું સાતત્ય: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 04:39, 22 September 2024
ગીતા ત્રિવેદી
"અરે રે..... આ દૂધ ઊભરાઈ ગયું” સાસુના બરાડાથી નીલમ દોડતી આવી. દૂધનો રેલો ચાલ્યો જતો હતો. સાસુજીનો બબડાટ ચાલુ હતો. “નીલમ મારી ચા.” પતિદેવની બૂમ સાંભળતા ફટાફટ બધું સાફ કરી તેમની ચા બનાવી રૂમમાં આપવા ગઈ. ચાનો પહેલો ઘૂંટડો ભરતા અવિનાશે મોઢું બગાડ્યું. “આ ચા છે કે શરબત? સાવ ગમાર જેવી છે. એક ચા પણ સરખી નથી બનાવી શકતી.” “લાવો, બીજી બનાવી લાવું.” નીલમ ક્ષોભથી તેની સામે જોઈ રહી. “રહેવા દે. બીજી ચા બનાવવા જઈશ તો ઑફિસમાં મોડું થશે. દુનિયામાં જો સ્ત્રીઓ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. અમારી ઑફિસમાં જ કેટલીય મહિલાઓ મારી સાથે કામ કરે છે, જ્યારે તું ફક્ત સવારના બે કલાકમાં ઘરના સામાન્ય કામ પણ વ્યવસ્થિત રીતે કરી શકતી નથી.” અવિનાશે નાનકડું ભાષણ આપી દીધું. સવાર-સવારમાં આવા સંવાદો અમારા ઘરમાં અવારનવાર સંભળાતા. અંગ્રેજી સાથે એમ.એ. થયેલી મને થતું, શું હું ખરેખર ગમાર છું? અવિનાશ તૈયાર થઈ ઑફિસ જવા નીકળ્યા. સાસુજી પૂજા ખંડમાં પૂજા કરી રહ્યાં. સવારના થોડાં કામ આટોપી ડ્રોઇંગ રૂમમાં આવી ટીપોઈ પર સવારના છાપા પર નજર પડતા ઊંચકીને સોફા પર બેઠી. “સવારના પહોરમાં છાપું વાંચવા નવરી થઈ ગઈ?” સાસુજીની વક્રોક્તિથી હાથમાંનું અખબાર પડી ગયું. છાપાને પાછું ટીપોઈ પર યથાવત્ ગોઠવી સવારની રસોઈની તૈયારીમાં પરોવાઈ. મૂંઝવણ અને ડરને લીધે રોજ કોઈ ને કોઈ કામમાં ભૂલ અવશ્ય થતી. બીજે દિવસે અવિનાશને ચા બરાબર મળી. સાસુજીની પૂજાની તૈયારી યથાસમયે થઈ. સસરાજીને ચા-નાસ્તો તેમના ટાઈમે મળ્યો. નીલમને હાશ થઈ. “મમ્મી જાઉં છું...” “એક મિનિટ ઊભો રહે અવિ.” મમ્મીએ પૂજાના ખંડમાંથી બૂમ પાડી : “નીલમ આવતા અઠવાડિયે માસીને ત્યાં કાનપુર જાય છે.” અવિનાશ આગળ કંઈ બોલે તે પહેલા મનોરમાબહેને દીકરાને જણાવી દીધું. “ગૌરી માસીનું મોતિયાનું ઓપરેશન છે માટે તે એક મહિનો ત્યાં જ રોકાશે.” એક મહિનો ! અવિનાશ મમ્મીને તાકી રહ્યો. ઑફિસ જવાનું મોડું થતું હોવાથી વધારે રકઝક કર્યા વગર ‘સારું’ એટલું કહી તે રવાના થઈ ગયો. “નીલમ, તારી જવાની તૈયારી કરી લેજે.” મમ્મીજીએ હુકમ છોડ્યો. હા-ના કરવાનો તો પ્રશ્ન જ ન હતો. પપ્પાજી દરરોજ સવારે ચાલવા જતા. પાછા ફર્યા ત્યારે મમ્મીએ તેમને નીલમના જવા વિશે જણાવ્યું. પપ્પાજીએ પૂછ્યું : “અવિનાશને ટિકિટ રિઝર્વ કરાવવાનું કહ્યું?” “અરે ! એ તો ભૂલી ગઈ. જુઓ, નીલમને મૂકવા જઈશ અને ગૌરીને મળતી આવીશ.” ગૌરીમાસી પર મમ્મીજીને અનહદ હેત છતાં પોતે ન રોકાતાં મને શા માટે મોકલે છે? નીલમના મનમાં પ્રશ્ન ઉઠ્યો. મૂંઝવણ અને આશંકાભરી પરિસ્થિતિમાં નીલમે તૈયારી કરી. અઠવાડિયા પછી જવા નીકળ્યાં. પપ્પાજીએ કહ્યું, “સાચવીને જજો.” મમ્મી ઘરમાં કામ કરતાં કંઈક ગણગણી રહી હતી. તેનું મનગમતું ગીત હશે. એકદમ ખુશખુશાલ મમ્મીને જોઈ અવિનાશને થતું, મમ્મીને નીલમ સાથે વાંધો કેમ છે? તે તેને કેમ સમજી શકતી નહીં હોય? “મમ્મી, ગૌરીમાસીને કેમ છે?” અવિનાશે સહજ પ્રશ્ન પૂછ્યો : “મજામાં છે.” સ્વાભાવિક ઉત્તર તેમણે આપ્યો. અવિનાશનો નવો પ્રોજેક્ટ ચાલુ હોવાથી ભાગ્યે જ તેને સમય મળતો. સવારથી રાતના મોડે સુધી કામ રહેતું. મોડી રાતે માસીને ત્યાં ફોન કરવાનું ઉચિત ન લાગતું. નીલમ દૂર થતાં જ અવિનાશને તેની ગેરહાજરીનું ભાન થયું. વિદેશી કંપનીમાં ઊંચા હોદ્દા પર સંશોધન વિભાગમાં જોડાયેલ અવિનાશને રજા મળવાની કોઈ શક્યતા ન હતી. આમ ને આમ મહિનો પૂરો થવા આવ્યો. અવિનાશની અધીરાઈ વધી ગઈ. “મમ્મી, કાનપુર જઈ નીલમને લઈ આવું. સાથે સાથે ગૌરીમાસીની ખબર પણ જોતો આવીશ.” “બેટા, તને રજા મળે તેમ નથી. વળી આવતે અઠવાડિયે તો તે આવી જશે.” “અવિ, હું અને તારા પપ્પા શોભામાસીની ભૈરવીના ‘મિસિસ મુંબઈ’ સ્પર્ધાના પ્રોગ્રામમાં જઈએ છીએ.” અવિનાશે મમ્મીની મજાક ઉડાવતાં કહ્યું : “તારે વળી ત્યાં જઈને શું કરવું છે? આ કંઈ ભાગવત્ કથા નથી. એમાં તને શું સમજ પડશે?” “અમારા દરેક નિર્ણયની તમે પુરુષોએ એક હદ બાંધી દીધી છે, કેમ ખરું ને?” અવિનાશ થીજી ગયો. પાઠપૂજા, ભજનકીર્તન, કથાવાર્તામાં રસ લેનાર મમ્મીને બીજી વાત પણ ગમે છે, તે આજે જ સમજાયું. “સૉરી મમ્મી.” અવિનાશની આંખોમાં અફસોસ હતો. “સોરી કહીને છટકી નહીં શકાય. તારે પણ આ પ્રોગ્રામમાં આવવાનું છે. તો સમયસર પહોંચી જજે.” પાસ આપતાં મમ્મીએ આદેશ આપ્યો. કારમાં ઑફિલ પહોંચતાં સુધી પ્રોજેક્ટની સફળતાની સાથે પોતાને મળનાર પ્રમોશનનું દીવાસ્વપ્ન અવિનાશે જોઈ લીધું. સાંજે ઑફિસમાં તેના ટેબલ પરના ઇન્ટકોમ પર મારીયા ફર્નાન્ડીસનો મીઠો અવાજ રણક્યો. “ગુડ ઇવનિંગ, મિ. અવિનાશ. મિ. નારંગ વોન્ટ્સ ટુ સી યુ ઈમિજીયટલી” અવિનાશના હૃદયના ધબકારા વધી ગયા. “કોન્ગ્રેચ્યુલેશન મિ. અવિનાશ. યુ હેવ ડન અ ગુડ જોબ.” કહેતા મિ. નારંગે એક કવર તેને આપ્યું. પોતાને મળેલ ખુશી પોતાની અંગત વ્યક્તિ સાથે વહેંચવા અવિનાશ અધીરો થઈ ગયો. તેણે માસીને ત્યાં ફોન લગાવ્યો. તેમનો ફોન સતત એંગેજ્ડ આવતો હતો. મમ્મીપપ્પા પણ પ્રોગ્રામ જોવા નીકળી ગયાં હશે. હવે તો પ્રોગ્રામમાં જયે જ છૂટકો. ટ્રાફિકને કારણે પ્રોગ્રામ શરૂ થઈ ગયો હતો. અવિનાશ પહોંચ્યો. જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયો. સ્ટેજ પર નજર પડતાં જ તેની આંખો પહોળી થઈ ગઈ. સ્ટેજ પર ઊભેલી ફાઈનલ દસ સ્પર્ધકોમાં નીલમ પણ હતી. આખા કાર્યક્રમ દરમિયાન નીલમનું પરફોમન્સ તે જોતો જ રહી ગયો. આખરે નીલમને 'મિસિસ મુંબઈ'નો તાજ પહેરાવવામાં આવ્યો. આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગુંજવા માંડ્યો. એમાં એક અવાજ એની તાળીનો પણ હતો જેની નીલમને ખબર પણ નહતી. ત્યારબાદ તે ઘરે જતો રહ્યો. ઘરે આવી કપડાં બદલ્યાં વગર અવિનાશ ઘરમાં આંટા મારવા લાગ્યો. આ ચમત્કાર કેવી રીતે થયો. તે જાણવા તે બેચેન હતો. મોડીરાતે મમ્મી, પપ્પા અને નીલમ પાછાં ફર્યાં. "આવો મિસિસ મુંબઈ” કંઈક આશ્ચર્ય અને નારાજગી સાથે તે નીલમને જોઈ રહ્યો. ડિઝાઈનર સાડી, મેકઅપ અને મેચિંગ જ્વેલરીથી નીલમનું સૌંદર્ય નીખરી ઊઠયું હતું. તેના મુખ પર આત્મવિશ્વાસ ચમકી રહ્યો હતો. “તો તું આવ્યો હતો એમ ને?" મનોરમાબહેન મલકી પડ્યાં. “કેમ, તાળીઓના અવાજમાં મારી તાળીનો અવાજ ઓળખાયો નહીં?" આ સાંભળી નીલમને આજે જાણે સૌથી કિંમતી ભેટ મળી હોય તેવું લાગ્યું. “મારી આજની કામયાબીમાં સૌથી મોટો ફાળો મમ્મીજીનો છે.” નીલમનો અહોભાવ તેના શબ્દોમાં ડોકાયો. કેવી રીતે મમ્મીએ તેને મદદ કરી તે તેણે જણાવ્યું. મનોરમાબહેન ગર્વથી તેને જોઈ રહ્યાં. "બેટા ! તારી પ્રતિભાને જગત સમક્ષ લાવવા મેં તને માત્ર તક પૂરી પાડી છે. જાણે છે સ્ત્રીની ખાસ ઓળખ દુનિયાને થાય તે પછી જ ઘરમાં તેનું અલગ અસ્તિત્વ સ્વીકારાય છે.” અવિનાશ મમ્મીનાં વ્યક્તિત્વનાં અનોખા પાસાંને નીરખી રહ્યો. તે વિચારી રહ્યો, આટલાં વર્ષોમાં તેણે મમ્મીને ખરેખર ઓળખી જ ન હતી. એક સ્ત્રી તરીકે મમ્મી નીલમની ભાવનાઓને કેટલી સહેલાઈથી સમજી શકી. “મમ્મી આજે તો બેવડી ખુશીનો દિવસ છે. મને પણ પ્રમોશન મળ્યું છે.” બહાર કોઈના લગ્ન નિમિત્તે ફૂટતાં ફટાકડાંએ ઉલ્લાસ વ્યક્ત કર્યો.
❖