ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/ત્રિપદી — હેમેન શાહ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 11:21, 2 October 2024
હેમેન શાહ
કોયલો છેડે સૂરીલા દોરને,
આમ્રવૃક્ષો તો વધાવે ઠેરઠેર,
તુર્ત મારે મંજરીની મ્હોરને !
વેગળી અચરજની અલ્મારી થશે,
ઘર નવું સજશે હવા-ઉજાસથી,
પંખીનો પરિવાર વસ્તારી થશે.
વૃક્ષ ચાલ્યું સ્કંધ પર ચકલી લઈ,
પ્હાડ પણ દોડ્યા ઝરણ પડતાં મૂકી !
કોણ આવ્યું મહેક આછકલી લઈ ?
કેટલી લાચાર સૌરભ થઈ ગઈ,
બાગમાં તો સાવ હલ્કીફૂલ હતી,
કાચની શીશીમાં હતપ્રભ થઈ ગઈ!
દંડ એનો આજ મોંઘેરો ભરો,
ઊગવાની આપી’તી કોણે રજા ?
પાનખરમાં પર્ણનો વેરો ભરો.
સારા-નરસાના કશા પરદા નથી,
વિશ્વનું પ્રતિબિંબ પરપોટો ઝીલે,
સાફદિલ તત્ત્વોને આવરદા નથી.
દાવ એક જ છે તો ખેલી નાખીએ,
પૃથ્વીના ગોળાનો એક છેડો લઈ
ભેદ ઈશ્વરનો ઉકેલી નાખીએ.
– હેમેન શાહ
‘ત્રિપદી’ નામ વ્યાખ્યાત્મક છે : ત્રણ પંક્તિનું મુક્તક. કોયલના પંચમગાનથી આમકુંજ જેવો મીઠો શ્રોતા ડોલી ઊઠ્યો. આંબે મ્હોરેલાં મંજરી ને મોર સંગીત પર મંજૂરીની મ્હોર મારી બેઠાં. કવિએ શબ્દ પાસે કરાવેલો ‘ડબલ રોલ’ જુઓ. પંખીનું ઘર કેવું હોય ? ૧:૨:૪ના મિક્સ વડે પૂરેલા આર.સી.સી.સ્લેબ ઉપર નીરૂ પ્લાસ્ટર કરેલી ૯” ઇંટની ભીંતો ? ના રે ના, ઉજાસના છાપરા તળે, હવાની દીવાલો વચ્ચે વસે તે પંખી. પંખી પોતે જ અચરજનું ઘર. વૃક્ષ જો પૂર્ણવિરામ હોય તો પંખી ઉદ્ગારચિહ્ન ! વરસાદ પડ્યો, ડાળીએ ચકલી બેઠી, ડુંગર પરથી ઝરણાં વહ્યાં, ને માટીમાંથી સુગંધ આવી, એવા પત્રકારત્વના લખાણનો અનુવાદ કવિતામાં આમ થઈ શકે : ચંચળ મ્હેક લઈને ભલા એવું કોણ આવ્યું, જેને મળવા ખભે ચકલી બેસાડીને વૃક્ષ નીકળ્યું અને પર્વતના હાંફળા ફાંફળા હાથેથી ઝરણું છટકી ગયું ? પછીની ત્રિપદીમાં એક હળવોફૂલ શ્લેષ. કુદરતનો સમાજવાદ પ્રમાણો - ઝાઝાં પર્ણ રળે, તે ઝાઝાં પર્ણ ઝરે. ખરવું એ ઊગવાનો આખરી અંજામ. રોમિયો — જ્યુલિએટની કબર પાસે શેક્સપિયરનું એક પાત્ર બોલે છે : ધીઝ વાયોલન્ટ ડિલાઇટ્સ હેવ વાયોલન્ટ એંડ્સ. જાણે ક્રૂર ઈશ્વર ત્રિશૂળ ઝાલીને શિક્ષા કરવા બેઠો છે. લાઈક ફ્લાઈઝ ટુ વોન્ટન બોય્ઝ આર વી ટુ ગોડ્સ : ધે કિલ અસ ફોર ઘેર સ્પોર્ટ ! જેમ રખડુ છોકરાઓ મજાકમસ્તીમાં માખીને મારે, તેમ દેવતાઓ આપણને. છેલ્લી ત્રિપદીમાં પૃથ્વી ઊનના એક વિરાટ દડા જેવી દેખાડાઈ છે. કવિ કહે છે, બસ, એક છેડો ખેંચો. ઈશ્વરનું ઉખાણું ઊકલી જશે. કોઈ પણ એક છેડેથી વિશ્વને ઉકેલી શકાય. કૃષ્ણે ત્રણ તો બતાવ્યા : ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ. કેટલાક છેડા સાહિત્યિકોએ કલમવગા કર્યા: પ્રકૃતિપ્રેમ, સ્ત્રીપુરુષપ્રેમ, માનવસમસ્તપ્રેમ....
રહસ્યોના પર્દાને ફાડી તો જો
ખુદા છે કે નહિ, હાક મારી તો જો
(જલન માતરી)
ત્રિપગી દોડ સહેલી નથી. એટલે કોઈ સફળ ત્રિપદી લખે ત્યારે કહેવું પડે : થ્રી ચિયર્સ !
***