ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/બુરી તો છે છતાં — મરીઝ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:13, 4 October 2024
મરીઝ
ગઝલ
બુરી તો છે છતાં સંગત મળી સારી શરાબોને,
સુરાલયમાં મેં જોયા છે શ્રીમાનોને, જનાબોને.
ગગનમાં આ જગા ખાલી નથી એમાં લપાયા છે,
ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને.
બનાવટ રૂપની પણ રૂપનો આધાર માગે છે,
સુઘડ ને સ્વચ્છ કાગળ જોઈએ નકલી ગુલાબોને.
હસીનોને મેં જોયાં છે સદા એવી ઉદાસીથી,
રસિક જે રીતથી જોયા કરે મોંઘી કિતાબોને.
બરાબર એની સામે નામ પણ એનું ન લેવાયું,
કર્યા'તા યાદ મેં કંઈ કેટલા સુંદર ખિતાબોને.
'મરીઝ' હું પ્રશ્ન પૂછું તો નિખાલસ દિલથી પૂછું છું,
કે ચૂપ કરવાનો રસ્તો એ જ છે હાજરજવાબોને.
{{right|-મરીઝ}]
કાળા સૂર્યો
આ સાદ્યંત સુંદર ગઝલ છે.
બુરી તો છે છતાં સંગત મળી સારી શરાબોને,
સુરાલયમાં મેં જોયા છે શ્રીમાનોને, જનાબોને.
શાયર ખરેખર તો શરાબના હિમાયતી છે.ફૂટબોલને જમણા પગે લાત મારવાનો દેખાવ કરીને કુશળ ખેલાડી ડાબા પગે ગોલ ઝીંકી દે. એ પ્રમાણે શરાબની ટીકા કરવાનો ચાળો કરીને શાયર કુશળતાથી એનો બચાવ કરી લે છે. જાહેરમાં શરાબને બુરી કહેતા, પણ ખાનગીમાં પી લેતા શ્રેષ્ઠીઓ પર શાયરે હસી લીધું છે. 'શ્રીમાનોને, જનાબોને' કહી શાયર વ્યાજસ્તુતિ કરી લે છે. શાયર દંભી નથી, છડેચોક પીએ છે,અને એકરાર કરે છે કે આ સૌને મેં (સુરાલયમાં બેઠા બેઠા) જોયા છે. શ્રેષ્ઠીઓમાં હિંદુ છે (શ્રીમાનો), તો મુસલમાન ય છે (જનાબો.) ઇસ્લામમાં તો શરાબ હરામ ગણાય છે. આવો વ્યંગ ગાલિબે પણ કર્યો હતો: (વાઇઝ એટલે ધર્મોપદેશક.)
કહાં મયખાને કા દરવાજા ગાલિબ, ઔર કહાં વાઇઝ?
પર ઇતના જાનતે હૈં, કલ વો જાતા થા, કે હમ નિકલે
ગગનમાં આ જગા ખાલી નથી એમાં લપાયા છે,
ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને.
આવડા મોટા ગગનમાં એક જ સૂર્ય? બાકીની જગા ખાલી? ના, એવું નથી. ગગન સૂર્યોથી ખીચોખીચ ભરેલું છે, પણ તે આપણને દેખાતા નથી. પરવરદિગારે તે સૂર્યોને કાળા રાખ્યા છે.મરીઝ ધાર્મિક હતા, ખુદાના ઉલ્લેખ સાથેના તેમના ઘણા શેર મળી આવે. ખુદાની રજા વગર કોડિયું પણ ના ટમટમી શકે. પ્રકાશવા માટે બે વાનાં જોઈએ: સત્વ અને સંજોગ. ઉર્જા વગર અજવાળું ન થાય.પરંતુ ઉર્જાવાન સૂર્યોને પ્રકાશવાની તક ન મળે તો? પહેલાં વૈજ્ઞાનિક કારણો તપાસીએ. આપણા સૂર્ય કરતાં વધારે તેજસ્વી કરોડો સૂર્યો છે, જે દૂર હોવાને લીધે દેખાતા નથી. સૂર્ય તો રૂપક છે.કવિ શેને તાકે છે? કેટલાય સત્વશીલ લોકોને તક મળતી નથી. કેટલાંક તેમના સમય પહેલાં જન્મ્યા હતા.(મહમદ તઘલખના ચલણ બાબતના વિચારો આજે અમલમાં છે જ.) કેટલાંક ખોટે સ્થળે જન્મ્યા હતા. (જ્યોતીન્દ્ર દવે યુરોપમાં પેદા થયા હતે તો ઘણું માનપાન પામતે.) કેટલાંક અલ્પ આયુષ્ય પામ્યા હતા. .(કલાપી પચીસને બદલે પોણો સો વર્ષ જીવતે તો કેટલું લખી શકતે.) 'ગગન' અને 'આફતાબ' શબ્દો ભિન્ન ભાષાકુળના હોવા છતાં શેરમાં સહજતાથી ગોઠવાયા છે: મરીઝ વોરા હતા, આવા શબ્દો તેમની ભાષામાં આવવાના.
બનાવટ રૂપની પણ રૂપનો આધાર માગે છે,
સુઘડ ને સ્વચ્છ કાગળ જોઈએ નકલી ગુલાબોને.
બાણ ભટ્ટની નવલકથા કાદંબરી, અને કાલિદાસનું નાટક શાકુંતલ સાહિત્યકૃતિઓ છે, તેના પરથી રાજા રવિ વર્માએ કરેલાં ચિત્રો સુપ્રસિદ્ધ છે. મહાકવિઓનું અનુસર્જન કરનાર ચિત્રકાર પણ મહાન હોવો જોઈએ. માલકૌંસ, ભૈરવી જેવા રાગનું વર્ણન કરતાં કાવ્યો સુંદરમ્ અને રાજેન્દ્ર શાહે રચ્યાં છે. કોઈ જોડકણાકાર આ ન કરી શકે. પીટર બ્રુએગલ સીનિયરના ચિત્ર પરથી ડબલ્યુ એચ ઓડને કાવ્ય રચ્યું છે.મહાભારતથી પ્રેરાઈને ભાસ, ધર્મવીર ભારતી, પ્રતિભા રાય, દિનકર, દુર્ગા ભાગવત ઇત્યાદિએ સાહિત્ય સરજ્યું છે.બનાવટ રૂપની પણ રૂપનો આધાર માગે છે.
હસીનોને મેં જોયાં છે સદા એવી ઉદાસીથી,
રસિક જે રીતથી જોયા કરે મોંઘી કિતાબોને.
સુંદરીઓ શાયરની પહોંચની બહાર છે, એમને પ્રાપ્ત કરવા માટે જોઈતું મોહક મુખડું નથી શાયર પાસે કે નથી માન-મરતબો-દોલત. આ લાચારી વ્યક્ત કરવા શોધેલી ઉપમા તેમની સંસ્કારિતા દર્શાવે છે. કોઈ ઐરાગૈરા શાયરે સુંદરીની સરખામણી ખાદ્યપદાર્થ સાથે કરી હતે- 'તું ગરમ મસાલેદાર,ખાટીમીઠી વાનગી.' કોઈએ તેનું રૂપ ઝવેરાતને ત્રાજવે તોલ્યું હતે- 'ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ.' પરંતુ શાયર કલારસિક છે, તેમને માટે સૌથી મૂલ્યવાન છે કિતાબ. કિતાબ ખરીદવાની ત્રેવડ ન હોવાથી તે વાંચી શકતા નથી, માત્ર જોઈ રહે છે. 'ગાહે ગાહે ઉસે પઢા કીજે/ દિલસે બઢ કર કોઈ કિતાબ નહીં.'
બરાબર એની સામે નામ પણ એનું ન લેવાયું,
કર્યા'તા યાદ મેં કંઈ કેટલા સુંદર ખિતાબોને.
પ્રેયસી સાથેનું મિલન કેવું હશે એની વિગતવાર કલ્પના કરી રાખી હતી શાયરે: કયું સંબોધન કરવું, કેમ ખુશામદ કરવી, કેવા ટુચકા કહેવા...પણ કશું ન થઈ શક્યું. જબાન જ ન ઊપડી. હૈયે હતું તે હોઠે ન આવ્યું. નામ પણ ન લેવાયું.શાયરના દિલમાં કેવી ઉથલપાથલ મચી હશે, તે ભાવકની કલ્પના પર છોડી દેવાયું છે. બે જ પંક્તિમાં કાવ્ય પૂરું થઈ જાય એ શેરની શક્તિ છે, અને મર્યાદા પણ. સુન્દરમ્ નું કાવ્ય જુઓ, વિષય એ જ, અભિવ્યક્તિ નિરાળી:
મળ્યાં વિરહના અનેક કપરા દિનોની પછી
મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદીસીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.
બે યતિને કારણે પંક્તિના ત્રણ ખંડ પડે છે. નાયક અને નાયિકાની મંથર ગતિ પૃથ્વી છંદ વડે દર્શાવાઈ છે. સંમોહન અને સંકોચનું આવું સંમિશ્રણ બે પંક્તિના શેરમાં વ્યક્ત ન થઈ શકે.
***