ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/લાખા સરખી વારતા — રમેશ પારેખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 01:48, 5 October 2024

લાખા સરખી વારતા

રમેશ પારેખ

'લાખા સરખી વારતા' (૧૯૭૨) રમેશ પારેખનું વિવિધ લયમાં રચાયેલું દીર્ઘ કાવ્ય છે.કવિ પોતાને ગામ અમરેલી બેઠા બોલી ઊઠે છે:

કોઈ કોઈ વાર
હજી કોઈ કોઈ વાર
ઓ રે લાખા વણઝારા...ભાળું તારી વણઝાર...

'હજી' શબ્દ સૂચવે છે કે ભૂતકાળમાં પણ કવિએ લાખાની વણઝાર ભાળી હતી.આ કદાચ કવિના જન્મ-જન્માંતરોનું કાવ્ય છે. કવિ વસે છે તે જગા કેવી છે?

કોઈ ઓછું ઓછું થઈ બોલી ઊઠ્યું હોય,'આવ'...
-એવું રૂપલું તળાવ
અને વ્હાલથી વશેકું જળ લળક લળક
કને જટાજૂટ ઝાડ
તળે ઘંટડીથી હીચોહીચ પોઠના પડાવ
(લે...અવાવરુ નગારે પડ્યા દાંડીઓના ઘાવ)
...અરે,હું ને મારા ભેરુ
આહા...શંકરનું દેરું
અને ધજા
અને આંબો
અને કુંજડીની હાર

અછાંદસ લાગતો આ પરિચ્છેદ 'વનવેલી'ના મુક્ત પદ્યમાં રચાયો છે.વર્ણસગાઈ,અંત્યાનુપ્રાસ અને નાદવાચક શબ્દોથી (જેમ કે લળક લળક) તે કર્ણપ્રિય બન્યો છે. વર્ણવાયેલો પ્રાકૃતિક પરિવેશ આપણે જોઈ,સાંભળી અને સ્પર્શી શકીએ છીએ.કવિ આગળ કહે છે:

ને ગામ સીમ કેડા
બધી વાત બધા છેડા
જાદુમંતરથી છૂ...લાખો વણઝારો બની ગયા

કવિ કલ્પના કરે છે કે તેમના ગામની સીમમાં વણઝારાની પોઠના પડાવ લાગ્યા છે,બકરીઓ દોડી રહી છે,ઊંટ ગાંગરી રહ્યાં છે:

મ્હોરે ખરીઓની ગંધ
મ્હોરે શિંગડીની ગંધ
મ્હોરે ઘંટડીની ગંધ

ઘંટડી સંભળાય,પણ કવિ કલ્પે છે કે ઘંટડી સુંઘાય.આ તરકીબને ઇન્દ્રિયવ્યત્યય ('સિનેસ્થેસીયા') કહે છે, જેના વડે એક નહિ પણ બે ઇન્દ્રિયબોધ થાય છે.હવે કવિ વણઝારની રાવટીઓનું સેન્સ્યુઅસ વર્ણન કરે છે:

...અલ્લલલ વાગે કોડી-શંખલાની માળા
વણઝારીઓનું ઝુંડ ઘૂમે ઘમ્મર ઘમ્મર
અરે,ખોબે ખોબે અબીલગુલાલ જેવી
સરરર ઓઢણીઓ ઊડે

વણઝારીઓનું વૃંદ હોય,ઝુંડ તો રાની પ્રાણીઓનું હોય. કવિએ 'ઝુંડ' શબ્દ પસંદ કરીને વણઝારીઓના જોબનની આક્રમકતા ઉજાગર કરી છે.કોડી-શંખલાના નાદને સંભળાવવા 'અલ્લલલ' શબ્દ ખપમાં લીધો છે.'ઘમ્મર ઘમ્મર' વડે નર્તતી વણઝારીઓ દેખાય છે.ઓઢણીઓ હવામાં ઊડતા ગુલાલનું ગતિચિત્ર દોરતી જાય છે.પવનમાં 'ઝાંઝરીનું ઝીણું તળાવ' રચાય છે, જેને કાંઠે કવિ લપસે છે. લપસતાંવેંત તેમનો કલ્પનાવિહાર શરૂ થાય છે.અબરખમ્હેલને સાતમે ઝરૂખે કાગને ઉડાડતી 'રૂપરૂપબ્હાવરી પદમણીને' કવિ જુએ છે.(બ્હાવરા બનાવી મૂકે એવું તેનું રૂપ છે,અથવા રૂપથી તે પોતે જ બ્હાવરી બની ગઈ છે.) તેને જોઈને કવિની આંખે 'લાલઘૂમ દોરો ફૂટે છે',મરદાઈ ફૂટે છે. પુંસક આક્રમકતાથી કવિ બોલી ઊઠે છે:

આખ્ખા સૂરજનો તાપ મને એકલાને લાગે

તેવામાં એક સમળી ડાળીએ બેસે છે.પદમણી લલચાઈને બોલી પડે છે:

સોનેરી-મોતેરી રૂડો સમળીનો વાન
એની કાંચળી પ્હેર્યાના મને ભાવ હો રે લોલ

જેમ સોના પરથી સોનેરી, તેમ મોતી પરથી મોતેરી.સીતાએ રામને સુવર્ણમૃગ પાછળ ધકેલ્યા હતા, તેમ પદમણી કવિને (ખરેખર તો આ કાવ્યના નાયકને) સમળી વિદારવાને ઉશ્કેરે છે. સમળી જીવનમાં પડતી આપદાનું પ્રતીક છે.હવે દ્વંદ્વયુદ્ધ થાય છે.

'સમળીની સાત લાખ પાંખ હો પદમણી
સમળી તો બાંધી ન બંધાય હો પદમણી'
'વીર,સમળી વિદારવાને જાવ,હો રે લોલ'
'હાથના ઉગામ્યે હાથ બટકે પદમણી'
'તમે સમળી મારીને વીર થાવ હો રે લોલ'

વીરરસ જગાવવા કવિ ચારણી છંદ પ્રયોજે છે:

હાકલ પડતા
મૂછવળ ચડતા
જુદ્ધઝપાટા ગડગડતા
ભૂંગળ ગાજી
સાવઝબાજી
તીરકંદાજી ખડખડતા

કાવ્ય પરાકાષ્ઠા તરફ આગળ વધે છે:

કરે કેસરિયાં વીર
ઊડી લૂગડાંની લીર
ઊડી આંગળીની લીર
ઊડી બાવડાંની લીર...
લોહીબંબોળો બંબોળો
લોહીબંબોળો બંબોળો

આમ કાવ્ય વીરરસથી બિભત્સરસ ભણી ગતિ કરતું મરશિયાને મુકામે આવે છે:

વીર કાચી રે કરચથી કપાણો,હાયહાય
વીર ઊભી રે બજારમાં મરાણો,હાયહાય
વીર વંશ રે પુરુષ કેરો બેટો,હાયહાય
વીર હાથપગધડનો ત્રિભેટો,હાયહાય

એક વક્તવ્યમાં રમેશ પારેખે કહ્યું હતું કે કશાકથી વિખૂટા પડ્યાનો અભાવ મને પીડ્યા કરે છે.(એ પરમેશ્વર હશે? પદમણી હશે?) અંતે ફરી સમ પર આવતાં કવિ કહે છે:

કોઈ કોઈ વાર
હજી કોઈ કોઈ વાર
ઓ રે લાખા વણઝારા...

***