કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/પહેલાં જેમ રહ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 14:04, 14 October 2024

૬. પહેલાં જેમ રહ્યો

ઘસારા લાખ થયા તોય પહેલાં જેમ રહ્યો,
હવે કહો કે હું પથ્થર રહ્યો કે હેમ રહ્યો?
હતી સરસ બહુ સંગત, બૂરો એ કેમ રહ્યો?
તમારા રૂપની સાથે જ મારો પ્રેમ રહ્યો.
મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
તમે જે હસતાં હતાં, મારા ચીંથરેહાલ ઉપર,
જુઓ કફનનો આ અકબંધ લિબાસ કેમ રહ્યો?
ઘણા વરસ પછી આવો સવાલ પૂછું છું,
કે હું શિકાર તમારો રહ્યો કે નેમ રહ્યો?
મેં તેથી સારા થવાની જરા કીધી કોશિશ,
મને એ જોઈ રહ્યાં છે, મને એ વહેમ રહ્યો.
સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા?
જુઓ ‘મરીઝ’ને જેવો હતો એ એમ રહ્યો.
(આગમન, પૃ. ૧૩)