કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/કવિ અને કવિતાઃ ‘મરીઝ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:47, 16 October 2024

કવિ અને કવિતાઃ ‘મરીઝ’

ગુજરાતના ગાલિબ તરીકે ખ્યાત એવા ‘મરીઝ’નો જન્મ તા. ૨૨મી ફેબ્રુઆરી, ૧૯૧૭ના રોજ સુરતના પઠાણવાડામાં થયો હતો. એમનું મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી. એમના પિતા શિક્ષક હતા. નાની ઉંમરમાં એમણે માતાની છત્રછાયા ગુમાવી હતી. અભ્યાસ બે ધોરણ સુધી. ‘મરીઝ’માં દીવાનગીનો નશો કદાચ જન્મજાત. નાનપણથી જ શાયરીનો શોખ, વાચનનો શોખ; તેઓ બે ચોપડી સુધી ભણેલા પણ ઘેર રહીને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરેલો. ઉર્દૂ ભાષા અને લિપિ પ્રત્યે પ્રેમાદર. ગાલિબ, અનીસ, મીર અને મોમિન એમના પ્રિય શાયરો. અમીન આઝાદ એમના મિત્ર અને ગુરુ. તરુણ વયથી જ તેઓ ઉર્દૂ શાયરીના દીવાના. અમીન આઝાદ અને અબ્બાસ વાસી બંને મિત્રોએ સહજ, સરળ ગુજરાતીમાં ગઝલો લખવાની શરૂઆત કરી. ‘મરીઝ’ તખલ્લુસ રાખવાનું સૂચન અમીન આઝાદે કરેલું. અમીન આઝાદ ‘મરીઝ’ની શરૂઆતની ગઝલોમાં સુધારા-વધારાય સૂચવતા; આમ અમીન આઝાદ ‘મરીઝ’ના ગુરુ. ગઝલની એક મિજલસમાં ‘મરીઝ’ને સોનાબહેન સાથે પરિચય થયો ને લગ્નમાં પરિણમ્યો. એમણે ‘મરીઝ’ને સુખ-દુઃખમાં સતત સાથ આપ્યો. તેઓ શાયર પતિની દીવાનગી સમજી શકતાં. ‘મરીઝ’ને બે સંતાનો. દીકરો મોહસીન અને દીકરી લૂલૂઆ. સત્તરેક વર્ષની વયે તેમણે મુંબઈમાં રબરના બૂટ બનાવતા કારખાનામાં નોકરી કરેલી. મુંબઈમાં પુસ્તક વિક્રેતા શરફઅલી અૅન્ડ સન્સને ત્યાં પણ કામ કર્યું હતું. પણ પછીથી આજીવન પત્રકાર બની રહ્યા. ‘ચિત્રપટ’, ‘જન્મભૂમિ’, ‘માતૃભૂમિ’, ‘પયગામ’ અને ‘વતન’ જેવા દૈનિકો, સાપ્તાહિકોમાં એમણે કામ કર્યું હતું. દાઉદી વ્હોરાઓ માટેના મુખપત્ર ‘ઇન્સાફ’ના તંત્રી તરીકે પણ કામ કર્યું હતું. મુશાયરાઓમાં તેમની રજૂઆત નબળી રહેતી, પણ ગઝલો ઉત્તમ હોવાના કારણે એમને મુશાયરાઓમાં આમંત્રણ મળતા. ગઝલમાં ‘મરીઝ’નું નોંધપાત્ર પ્રદાન તથા એમની લોકપ્રિયતાને અનુલક્ષીને ૧૯૮૧માં ‘મરીઝ’ સન્માન સમિતિ મુંબઈ દ્વારા એમનો સન્માન સમારંભ યોજાયેલો ને રૂપિયા એક હજારની થેલી એમને અર્પણ થઈ હતી. બે વાર તેઓ ક્ષયની બિમારીમાં સપડાયા હતા. ૧૯૮૩માં ઘર બહાર રસ્તો ઓળંગવા જતા દોડી આવતી રિક્ષાએ એમને અડફેટમાં લીધા અને પગમાં ફ્રેક્ચર થયું. સફળ ઓપરેશન થયું, પણ ત્યારબાદ હૃદયરોગનો હુમલો થયો ને તા. ૧૯-૧૦-૧૯૮૩ના રોજ એમનું અવસાન થયું. ‘મરીઝ’ના બે સંગ્રહો પ્રગટ થયા છે – ‘આગમન’ (૧૯૭૫) અને ‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪); આ ઉપરાંત એમની કૃતિઓ ‘દિશા’ (અન્ય સાથે, ૧૯૮૦)માં સંપાદિત થઈ છે. આ ઉપરાંત મરીઝે કરબલાના અમર શહીદ ઈમામહુસેનને અંજલિરૂપ પુસ્તકો ‘મઝલૂમે કરબલા’ અને ‘હૂર’નું લેખન કર્યું હતું.

‘મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
...
જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.’

— આવી ચિરંજીવ ગઝલો ‘મરીઝ’ પાસેથી મળી છે. ઉર્દૂનો ઊંડો અભ્યાસ, ઉર્દૂ માટે અઢળક પ્રેમ છતાં એમની ગઝલો સહજ, સરળ, બોલચાલની સાદી ગુજરાતી બાનીમાં. જીવન જેવી જ સાદગી ગઝલબાનીમાં પણ. જીવનમાંય ક્યાંય આક્રોશ નહિ, બળાપો નહિ, દુઃખનાં રોદણાં નહિ તેમ એમની ગઝલોમાંય. જે કહેવું છે એ નર્મ-મર્મથી, વ્યંગ-વિનોદથી, કટાક્ષના વેધક તીરથી. એમના જીવનમાં એક પ્રકારની દીવાનગી હતી, ફકીરી હતી. એ દીવાનગી, ફકીરી એમની ગઝલોમાં ધૂપની જેમ મહેકે છે, દીપની જેમ પ્રગટે છે. ગમે તેવા દુઃખમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં ‘મરીઝ’ હસતા રહી શકતા, ફકીરની જેમ. આપણા કવિ સિતાંશુ યશશ્ચન્દ્રે ‘મરીઝ’ વિશે નોંધ્યું છેઃ ‘મરીઝ જીવનના અંત સુધી બાળક જેવું હસી શકતા. ...છેક સુધી એમાં મસ્તશરારતી શિશુ અને દુઃખડાહ્યા સજ્જનની મુખરેખાઓ સોહામણી અને એકમેકમાં ભળી જતી. વિલાપ અને સ્મિતની આવી અનોખી મિલાવટ ગુજરાતના કોઈ કવિના ચહેરા પર થયેલી જોઈ નથી.’ એમની ગઝલો, નઝમોમાંય દુઃખ-દર્દ, પીડા અને ફકીરી સ્મિતની અનોખી મિલાવટ જોઈ શકાય છે. ‘મરીઝ’નું જીવન એ જ જાણે એમની ગઝલ-વાણી. સિતાંશુ યશશ્ચન્દ્રે યથાર્થ નોંધ્યું છેઃ ‘મરીઝ દુઃખને લીધે હસતો એક અનોખો કવિ હતો. મરીઝની કવિલેખે વિશેષતા તે એમનું કરુણ હાસ્ય.’ આ ‘કરુણહાસ્ય’ એ સૌથી અઘરી બાબત છે, જીવનમાં ને કવિતામાંય. આ કવિની ફકીરી દીવાનગી જેમાં પ્રગટ થાય છે તેવા કેટલાક શેર જોઈએઃ

‘મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.’

‘કેવી મજાની પ્રેમની દીવાનગી હશે!
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.’

‘ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે!’
ખુદા પાસે આ કવિ ‘ફકીરી’ અને ‘ખુદાઈ’ માગે છે. શા માટે? –
‘અલ્લાહ મને આપ ફકીરીની એ હાલત,
કે કોઈ ન સમજે, આ સુખી છે કે દુઃખી છે.’

‘ખુદાની પાસે અગર માંગવું જ છે તો ‘મરીઝ’,
જરાક જેટલી એની કને ખુદાઈ માંગ.’
ખુદા પાસે આ કવિ શું શું ઝંખે છે? કેવો ખુદા મળ્યો છે આ કવિને? નર્મ-મર્મ-નજાકત તથા જીવનના અનુભવોના નિચોડ સમા આ શે’ર જોઈએ, સમજીએ –
‘કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’?
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.’

‘બસ એટલી સમજ મને પરવરદિગાર દે;
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.’

‘દુનિયામાં કંઈકનો હું કરજદાર છું `મરીઝ',
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.’

કરુણ હસતાં હસતાં આ ગઝલકાર કેવો ‘ભરમ’ ઇચ્છે છે ખુદા પાસે? તો કે – ‘મારી દુઆ કબૂલ થઈ, સો વખત થઈ, કંઈ એવું કર કે એવો હંમેશાં ભરમ રહે.’

કરુણ હાસ્ય કરતાં કરતાં આ ગઝલકાર ક્યાં રહેવા ઇચ્છે છે અને શા માટે? કવિના કરુણ હાસ્ય જેવો આ શેર –

‘જાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.’

આ શેરમાં ઘૂંટાયેલા કરુણની ઉપર હાસ્ય કેવું નિખરે છે! –

‘હું પણ કશું કરું નહીં, એ પણ ન કંઈ કરે,
મારા જ જેવો આળસુ પરવરદિગાર છે.’

ખુદા, અલ્લાહ, પરવરદિગાર ઉપરાંત આ ગઝલકાર કૃષ્ણ પાસેથીય કઈ ખબર ઇચ્છે છે? આ માર્મિક શેર જુઓ –

‘હે કૃષ્ણ, દે ખબર કે જઈ બેસું છાંયમાં,
જે ઝાડની શાખામાંથી તે વાંસળી લીધી.’

દીવાનગીનો પ્રેમ સાથે જેટલો સંબંધ છે એટલો જ સંબંધ સત્ય સાથેય છે.

‘દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે,
જાણી ગયા બધા કે મને તુજથી પ્યાર છે.’

‘એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’,
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.’

‘મરીઝ’ના જીવનમાં અને ગઝલમાંય ક્યાંય બનાવટ નથી, ચતુરાઈ નથી, કૃતકતા નથી; પણ જીવનનું સત્ય ધબકે છે, પ્રેમનું સત્ય ધબકે છે. પ્રેમ ઉપરાંત જીવનની સમજદારી અને દુનિયાદારીનું સત્ય પ્રગટે છે. કેટલાક શેર જોઈએ –

‘બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.’

‘જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.’

‘દર્દ એવું કે કોઈ ના જાણે,
હાલ એવો કે જે બધા જાણે!’

‘બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી!’

‘એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.’

‘પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.’

આ કવિની પીડા કેવી વેધકતાથી, વ્યંગ થકી ચોટદાર રીતે પ્રગટ થાય છે એ કેટલાક શેર થકી જોઈએઃ

‘ ‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.’

‘સૂતો છું આડે પડખે કબરમાં હું ઓ ‘મરીઝ’,
મૃત્યુની બાદ પણ ન કશી કળ વળી મને.’

પોતાની પીડા તો આ કવિ હસતાં હસતાં સ્વીકારી લે છે પણ પરિવારજનો કે મનુષ્યનું દુઃખ તેઓ નથી ઇચ્છતા –

‘મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.’

‘મરીઝ’ને આ જે ઐયાશી નથી ગમતી એ ઐયાશી આપણને સહુનેય ન જ ગમે, સહુના હૈયે વસી જાય એવા સંવેદનસભર અનેક શેર મળે છે મરીઝમાં. આ કવિ આ શેરમાં પોતાના જીવનનું અને મરણનું કેવું સત્ય ઉજાગર કરે છે, કેવી સરળ લયબદ્ધ ગઝલબાનીમાં, એ જોઈએઃ

‘મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.’

‘મરીઝ’માં છંદ તો બોલચાલની સાદી ભાષામાં સહજ ચાલતો હોય છે, પણ એમની ગઝલોમાં લયકારી પણ જાણે શિલ્પ રચે છે. ‘કાંધે કાંધે’, ‘સહારે, સહારે’, ‘ઇશારે ઇશારે’, ‘કિનારે કિનારે’ વગેરે પુનરાવર્તનથી લયનું ઝરણ કેવું વહે છે! એમની ગઝલોમાં ભાષાની સાદગી, નર્મ-મર્મ-ચોટ તથા લયકારી એવી છે કે સ્વર-રચના તથા ગઝલ-ગાયકીની સૂક્ષ્મતાઓ ઉઘાડ પામે એની શક્યતાઓ રહી છે. આથી બેગમ અખ્તર, મનહર ઉધાસ, પંકજ ઉધાસથી માંડીને અનેક ગાયકોની ગાયકીનો લાભ એમની ગઝલોને મળ્યો છે. એમની કેટલીક ગઝલો ઠુમરીના અંદાજમાંય ગવાઈ છે. ‘ઇશારે ઇશારે’ ગઝલના સ્વરૂપ બાબતે ડૉ. એસ. એસ. રાહીએ નોંધ્યું છેઃ ‘ક્યારેક રદીફ-કાફિયાનો અલગ અલગ પ્રયોગ નહિ કરતાં તેનો મિશ્રિત ઉપયોગ પણ મરીઝે કરી બતાવ્યો છે. અહીં ‘ઇશારે ઇશારે’ તેમ જ ‘કિનારે કિનારે’ શબ્દો નથી રદીફ કે નથી કાફિયા, પણ એને હમરદીફ કે હમકાફિયા કહેવામાં આવે છે. આ શબ્દોને બેવડાવીને મરીઝે માત્ર વ્યવસ્થા જ નથી સાધી બતાવી, પરંતુ એક અસર પણ ઊભી કરી છે.’ ‘મરીઝ’માં પ્રેમ માનવીય ભૂમિકાએ ગઝલરૂપ, કાવ્યરૂપ પામીને એનું ગગન વિસ્તારે છે. જીવનની કલા ‘મરીઝ’ની કોઠાસૂઝમાં વસેલી છે, જિંદગીની ફિલસૂફીય ‘મરીઝ’ને આમ વરી છેઃ

‘જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.’

‘મરીઝ’ને મન જીવન અને કલા અલગ નથી; ‘મરીઝ’ અને એમની ગઝલનો શબ્દ અલગ નથી. કલા વિશેનો એમનો આ શેર જોઈએઃ

‘જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે.
મારું કવન જગતનું નિવેદન બની જશે.’

આ શેર ટાંકીને હરીન્દ્ર દવેએ નોંધ્યું છેઃ ‘કલાને ચતુરાઈ તરીકે, કવિતાથી કંઈક અલગ તત્ત્વ તરીકે જોવામાં આવે છે ત્યાં સુધી કવિતા ગમે તેટલી આકર્ષક બને તો પણ સર્વવ્યાપી નથી થઈ શકતી. પરંતુ કલા એ કવિતાના આત્મરૂપે, કવિતાના જીવનરૂપે વણાઈ જાય ત્યારે કવિતામાં શબ્દો નથી વંચાતા. સૌ કોઈને પોતાના જ હૃદયના ભાવ વંચાય છે, પોતાની જ હૃદયની લાગણી વંચાય છે.’ કલા વિશેનો અન્ય એક શેરઃ

‘જ્યારે જગતના દુઃખમાં કલા લઈ ગઈ મને,
વસ્તુ નજર ન આવી કોઈ પારકી મને.’

જીવનના અંત સુધી બાળક જેવું હસી શકતા ‘મરીઝ’ની દીવાનગી અને ફકીરી એ જ એમની અમીરી છે.

૧૮-૫-૨૦૨૪

– યોગેશ જોષી</poem>