ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજજર: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 13:40, 18 October 2024
ગુજરાતના સુપ્રસિદ્ધ રસાયનશાસ્ત્રી સ્વ. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરનો જન્મ સુરતની સુતાર જ્ઞાતિમાં અગ્રેસર લેખાતા ગજ્જર કુટુમ્બમાં ઈ.સ.૧૮૬૩ના ઑગસ્ટ માસમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પૂરો કરીને તે ૧૬ વર્ષની વયે મેટ્રિક પાસ થયા હતા અને મુંબઈની એલ્ફીન્સ્ટન કૉલેજમાંથી રસાયનશાસ્ત્રના પ્રશ્નપત્રમાં ૩૦૦ માંથી ૨૨૫ માર્ક મેળવી બી. એસ સી.ની પરીક્ષામાં પહેલા વર્ગમાં પાસ થઈ કૉલેજના ફેલો નીમાયા હતા. એ દરમિયાન એમ. એ. થઇને કાયદાનો પણ થોડો અભ્યાસ તેમણે કર્યો હતો. તેમનું ધ્યેય હિંદમાં લોકહિતાર્થે વિજ્ઞાનનો અને ખાસ કરીને રસાયનશાસ્ત્રનો વિકાસ કરવાનું હોવાથી તેમણે આગળ અભ્યાસ મૂકી દીધો હતો, અને કરાંચીની સિંધ કૉલેજમાં રૂ.૩૦૦ના પગારથી પ્રાધ્યાપક તરીકેની નીમણુક જતી કરીને શ્રી. સયાજીરાવ ગાયકવાડને આશ્રયે રાસાયનિક ઉદ્યોગો ખીલવવાની તક મળે તેમ હોવાથી વડોદરા કૉલેજમાં રસાયનશાસ્ત્રના પ્રાધ્યાપકની રૂ.૨૦૦ની નોકરી તેમણે સ્વીકારી હતી. વડોદરા રાજ્યમાં તેમણે રાજ્યના રંગાટી ઉદ્યોગનો અહેવાલ તૈયાર કર્યો, તેના અમલ માટે છાપકામ ને રંગાટી કામની પ્રયોગશાળા કાઢી અને મોટા પાયા પર હુન્નર ઉદ્યોગની સંસ્થાની યોજના ઘડી કાઢી, જે પરથી શ્રી. ગાયકવાડે ઈ.સ.૧૮૯૦ના જૂન માસમાં 'કલાભવન'ની સ્થાપના કરી. પ્રો. ગજ્જર એ સંસ્થાના આચાર્ય નીમાયા અને ૧૮૯૬ સુધી તે સંસ્થાને આગળ વધારવાને તેમણે પુષ્કળ શ્રમ ઉઠાવ્યો. એ ઉપરાંત રંગાટની વિદ્યામાં પારંગત થવા માટે તે જર્મન ભાષા શીખ્યા અને એ જ્ઞાનના બળે ‘રંગહસ્ય' નામનું ત્રૈમાસિક પત્ર પણ કાઢવા માંડ્યું. કલાભવન વિકાસ પામી ઉદ્યોગ-ધંધાની એક વિદ્યાપીઠ બને એ હેતુ બર લાવવા તે રાત દિવસ પ્રવૃત્તિશીલ રહેતા; પણ બીજાં ખાતાંઓની ડખલને લીધે એ સ્વમાની પ્રાધ્યાપકે સને ૧૮૯૬માં કળાભવન છોડ્યું. વડોદરાથી મુંબઈ આવીને તે વિલ્સન કૉલેજમાં કૅમિસ્ટ્રીના પ્રોફેસર નીમાયા. ત્યાં 'યુનિવર્સિટી રિફૉર્મ'ની ચળવળ કરીને રસાયનશાસ્ત્રનો જુદો અભ્યાસવિષય બનાવ્યો જેને પરિણામે એ શાસ્ત્રના નિષ્ણાત સ્નાતકો યુનિવર્સિટીમાંથી નીકળવા લાગ્યા. એવામાં મુંબઈમાં મરકી ફાટી નીકળી તેના ઉપચાર માટે પ્રો. ગજ્જરે ‘આયોડિન ટરક્લોરાઈડ' નામની દવાની શોધ કરી, અને પરદેશી કંપનીઓએ એ દવાના પેટન્ટ માટે મોટી કીંમત આપવા છતાં તેમણે પોતે પેટન્ટ લીધુ નહિ, કોઈને વેચ્યું નહિ અને જનતા માટે તેની બનાવટ ખુલ્લી રાખી. ૧૮૯૮માં મુંબઈમાં મહારાણી વિક્ટોરિયાના બાવલાનું મુખ કોઈએ સજ્જડ કાળા રંગે રંગેલું, તે ડાઘ ભલભલાથી પણ ન નીકળ્યા, તે પ્રો. ગજ્જરે કાઢી નાંખીને સૌને છક્ક કરી નાંખેલા. દેશમાં વિજ્ઞાનશાસ્ત્રીઓ તૈયાર કરવાની જરૂર લાગવાથી તેમણે ૧૮૯૯માં 'ટેકનો-કેમિકલ લૅબોરેટરી' નામની સ્વતંત્ર પ્રયોગશાળા મુંબઈમાં ઊભી કરી. પોતાની અંગત આવક આ પ્રયોગશાળામાં નાંખીને તેમણે તેને સમૃદ્ધ કરી, યુનિવર્સિટી અને મેડિકલ કૉલેજ પોતાના વિદ્યાર્થીઓને ત્યાં જ કામ કરવા મોકલતાં એવી એની ખ્યાતિ હતી. તે પછી ઝાંખા પડી ગએલાં ખરાં મોતીને ધોવાનો નુસખો તેમણે શોધી કાઢ્યો. આથી દુનિયાભરને રસાયનશાસ્ત્રીઓ હેરત પામી ગયા. એ ધંધામાં તે લાખો રૂપિયા કમાયા, જે તેમણે રસાયનશાસ્ત્રના પ્રચાર માટે વાપર્યાં. ૧૯૦૨ પછી તેમની જ પ્રેરણા, યોજના અને અવિશ્રાંત શ્રમથી વડોદરાનું 'એલેંબિક કૅમિકલ વકર્સ' સ્થાપવામાં આવેલું. ૧૯૦૨ની સાલમાં શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે તેમણે સુવ્યવસ્થિત સમાજ, કારખાનાં અને વૈજ્ઞાનિક પરબ રૂપી શાળાઓવાળા એક આદર્શ સંસ્થાન ‘કલ્યાણગ્રામ’ નામની યોજના ઘડેલી, પણ પાછળથી આર્થિક સ્થિતિ નબળી થતાં એમની એ મુરાદ બર ન આવી. ૧૯૧૦માં તેમનાં પત્ની કાશીબહેન ગુજરી ગયાં, આંતરિક જીવન ક્લેશમય તથા દુ:ખી બની ગયું અને અશાન્ત ચિત્તને લીધે તેમને અનિદ્રાનું દર્દ લાગુ પડેલું. પ્રો. ગજ્જરના અંતિમ દિવસો ખૂબ કરુણ, એકાકી અને આર્થિક સંકડામણવાળા નીવડ્યા હતા. ૧૯૨૦ના જુલાઈ માસની ૧૬મી તારીખે એમણે સ્વર્ગવાસ કર્યો.
***