અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વિવિધ મંતવ્યો: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:35, 25 October 2024
વિવિધ મંતવ્યો
અખાની ‘લખવાની છટા’ને ‘એની કવિ દાખલ ખૂબી’ ગણાવીને કવિ નર્મદ લખે છે કે “મુર્ખાઈનું હાસ્ય કરી શિખામણ આપવામાં અને ગુજરાતી ભાષામાં વેદાંતનો શાસ્ત્રીય ગ્રંથ લખવામાં અખા જેવો હજી સુધી કોઈ થયો નથી... એનાં પુસ્તકોમાંથી બ્રહ્મજ્ઞાન થાય છે, પણ બ્રહ્માનંદનો અનુભવ થતો નથી. અખાએ જે વેદાંત લખ્યો છે તે કવિને લખવાના વિષયને યોગ્ય નથી. તેમાં કવિતારસ થોડોક છે... અખાને જ્ઞાની દાખલ ઘણું માન છે, પણ કવિ દાખલ તો એ બીજા વર્ગમાં આવે છે...” કૃ. મો. ઝવેરીને મતે “વેદાંતમાં પ્રવેશ ન હોય તેવાઓને અખો સમઝવો મુશ્કેલ છે. એની શૈલી ઉપરથી જણાય છે કે એણે સાધારણ લોકોને સંબોધીને જ આ ગ્રંથો રચ્યા છે... કટાક્ષ, કટુ ટીકા કરવામાં અને સહેજ પણ ભીતિ સિવાય કોઈ દુર્ગુણીની ફજેતી કરવામાં એ એક્કો છે. એ વિષયમાં ગુજરાતી ભાષામાં એના પેંગડામાં કોઈ પગ મૂકી શકે એમ નથી. એની શૈલીનાં લક્ષમાં લેવા યોગ્ય બે લક્ષણ છે. એક તો એણે વાપરેલાં અપ્રચલિત વાક્યો અને શબ્દો અને બીજું પ્રાકૃત જનસમાજને ન સમઝાય એવી વેદાંતમાંથી લીધેલી ઉપમાઓ... એની કવિતામાં રસિક ઉક્તિ નથી. દુનિયામાં પ્રસરેલા દંભ, અનીતિ વગેરે દુર્ગુણો પર ક્રોધે ભરાયલા કરડા સ્વભાવના મનુષ્યની કલમથી લખાયલી હોય એવી એની કવિતા લાગે છે... એના લેખ મંડન કરતાં ખંડન કરનાર વિશેષ છે... ભક્તિમાર્ગ ઉપર કવિતા રચવાનું છોડી દેનારાઓમાં મુખ્ય એ જ છે... હવેથી કવિતાનો વિષય ધાર્મિક બદલાઈને સાંસારિક થઈ જાય છે... અખાથી માંડીને ગુજરાતનું સાહિત્ય તદ્દન નવીન અને આદરણીય માર્ગે પ્રવર્તે છે.” ગોવર્ધનરામ ત્રિપાઠીએ અખા માટે કહ્યું છે : “...his work as a poet was more destructive than constructive... He was goldsmith by caste, and his mind was unfettered by any hereditary predilections for the traditions of the Brahmans or the moral imbecilities of mercantile calculators... A practical philosophy is his method; and to find out the purest gold for the human soul is the all-absorbing aspiration of this goldsmith... He has a powerful wit for pithy and epigrammatic satire... he coins new sayings and adages which, while they are entirely original, wonderfully appeal to latent but powerful sentiments of native life and... have acquired a popular currency in the vernacular. The constructive part of Akho is drawn from the vedanta philosophy...” નરસિંહરાવ દિવેટિયાને મતે અખો તત્ત્વજ્ઞાની કવિ ‘Philosopher- poet’ છે. અખાની કવિતામાં રહેલ ભક્તિનું તત્ત્વ તે ઊર્મિનો ભાગ છે અને એની તત્ત્વદૃષ્ટિ, એનો અધ્યાત્મવાદ તે અદ્ભુતરસિક કલ્પનાની ગરજ સારે છે. પોતાના જમાનામાં પ્રવર્તતી આભડછેટની, ઊંચનીચના ભેદની માન્યતા, મૂર્તિપૂજા વગેરેની સામે અખાએ વિરોધ જાહેર કર્યો એની ના નહિ ,પણ નરસિંહરાવને મતે “...his protest, incidentally, was against literary effiminacy as evidenced in the inordinate indulgence in the kind of poetry which dealt with Krishna-lila, the amours and dalliance of the gay hero with his shepherd girls on the banks of Yamuna. He rose in revolt against this erotic verse and, on his part, poetized philosophy. He went to the extreme of despising the poetઃ ‘જ્ઞાનીને કવિતા ના ગણીશ’ —exclaims Akho by way of protest. Well, we take him at his word.” આમ નરસિંહરાવ અખાના જ શબ્દો પકડી લે છે એટલે અખાએ જ્ઞાનીને કવિ ગણવાની શા માટે ના કહી તે જોઈ લેવાની આવશ્યકતા છે. કવિ માટે અખો ‘કવિતા’ (કવયિતા) શબ્દ પણ વાપરે છે. છપ્પામાં એ લખે છે :
“કવિતા ઘણા કવિ કવી ગયા, અદ્યાપિ કવે છે પ્રત્યક્ષ રહ્યા.
વળી આગળ કવશે બહુ કવિ, સર્વે મનની વૃત્ય જોજ્યો અનુભવી.
અખા મનાતીત ત્યમનું ત્યમ, એ તો મનની વૃત્યમાંહાં મનની ગમ. ૨૧
જ્ઞાતાને કવિતા ન ગણેશ; કિરણ સુરજનાં ક્યમ વણેશ?
શબદ કેરો સઢ નવ થાય; આકાશ તે ક્યમ તોળ્યું જાય?
એહેવાં વચંન જ્ઞાની તણાં, અખા નહીં કો પર-આપણાં.” ૨૨
“વસ્તુ અનુપમ છે તે પ્રાય, તો તે કહીએ ક્યમ ઉપમાય?
ઉપમા સર્વ છે માયા વડે, તે તાં કૈવલ્યને નવ અડે.
અખા વસ્તુ ગૂંગાનો ગોળ, ત્યાંહાં ઉપમા તે માયાની ટોળ. ૫૫
સગુણને ઉપમા સહુ ઘટે; જે ઉપમા ને ગુણ બેહુયે વટે.
જ્યાંહાં થાવા ને જાવા નથી, ત્યાંહાં વાણી શું કાઢે કથી?
અખા તેહ વડે સર્વ જાણ, તો તેહેને કથી શકે ક્યમ વાણ? ૫૬
નિર્ગુણ બ્રહ્મ એવું અનુપમ છે કે જ્યાં મન અને વાણી કુંઠિત થઈ જાય છે. “યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ |” શબ્દો દ્વારા કે મન દ્વારા બ્રહ્મનો પાર પામી શકાય તેમ નથી. આત્માના સત્ય સ્વરૂપના જ્ઞાન દ્વારા માણસ બ્રહ્મદશાનો અનુભવ કરી શકે તે જ. એટલે ઉપમા દ્વારા, અલંકારપ્રચુર વાણી દ્વારા, કવિ એનું વર્ણન કરવા અસમર્થ. જગતની–સંસારની મીઠીમોળી વાતોથી શું વળે? એ સઘળું તો આળપંપાળ છે. જે જાણવાનું છે તે તો અણચવ્યું બ્રહ્મ. રાગદ્વેષમૂલક સાંસારિક વાતોના આલેખનરૂપ કવિવ્યાપારથી શો લાભ? એથી આત્મજ્ઞાન નહીં થાય. ભણીગણીને પંડિત બની ધર્મકર્મનો પોકળ ઉપદેશ કરવાથી આત્માનું સ્વરૂપ સમજાતું નથી. એટલે “અખો શું કવિતાપણું કરે, જો વાત કશી જ ન પહોંચે સરે?
કે લેવું કે મૂકવું કહે, તે તાં સર્વે અહરેરું રહે.
એવું કવતાં આવે લાજ, કાંઈ સમજ્યા સરખો છે મહારાજ. ૩૪૩
ઉકેલ પડે તે જોડ્યું ખરું, જેણે જીવપણું જાયે પરું.
બાકી સઘળો મોહ જોડાય, મનનું ગમતું સહુ કો ગાય. ૩૪૪
અખાએ અન્યત્ર કહ્યું છે કે “અખો નહીં તો કવિ કિશો?” દેહભાવે જો એ અસત્ કે મિથ્યા છે તો એ મિથ્યા દેહમાં ‘કવિ’ હોવાનો અધ્યારોપ શા કામનો? પોતે કૈવલ્ય-બ્રહ્મથી અભિન્ન છે, એટલે –
“કૈવલ્યને કો ક્યમ કરી કવે? પોતે પોતાને શું સૂચવે?
દ્વૈત વિના ન બેસે ઘાટ, અને એકલો તાં ન બોલે નાટ.
અખા લક્ષ સહિત જે દ્વૈત, તે કહેતે કવતે છે અદ્વૈત.” ૩૪૭
“અખો જોતાં તાં વસ્તુ વડે, બીજું આપોપું નવ જડે.
એમ જોતાં કોણ કહે ને ભજે, જ્યાં પામણહાર ન લાધે રજે.
અદબદ સ્વામી અટળ અનાદ્ય, એમ સમન્યા વિના સઘળોવાદ.” ૩૫૧
આમ, જેણે બ્રહ્મને જાણ્યું છે, જે હરિ સાથે એકરૂપ બની રહ્યો છે, જેની સકલ પ્રવૃત્તિ હરિ-પ્રેરિત છે, પોતે તો કેવળ નિમિત્ત, નામમાત્ર છે, કલ્પિત મિથ્યા આરોપણ છે, તે અખો પોતાને કોઈ રખેને ‘કવિ’ કહે એવી દહેશત સેવી સંત જ્ઞાનેશ્વરની માફક કહે છે :
“હું તો જ્યમ દારુક કેરી પૂતળી, ચાળા કરે તે અપાર;
તે કાષ્ટમાંહે કાંઇયે નથી, એ તો કળ ચાંપે સૂત્રધાર.”
– અખેગીતા-૨, ૧૦
માણસ પોતે જ જે આગ્રહપૂર્વક નાની ના જ પાડતો હોય તો એની ઇચ્છાવિરુદ્ધ એને અમુક સંજ્ઞાથી બિરદાવવો તે એને પીડવા જેવું છે; પણ અખો આજે આપણી વચ્ચે નથી. એને કવિ કે મહાકવિ કહેતી વખતે એના કવનને લક્ષમાં રાખવાનું રહેશે. નર્મદાશંકર દેવશંકર મહેતા લખે છે : “અખાને કવિ ગણવો, ભક્ત ગણુવો, તત્ત્વવિચારક ગણવો, કે તત્ત્વજ્ઞ ગણવો એ સંબંધમાં ઘણું મતભેદ પરીક્ષકની વૃત્તિના ભેદથી હોવા સંભવે છે. જેઓ શબ્દ અને અર્થના અલંકારમાં જ કાવ્યનો આત્મા આવી ઠર્યો એમ માને છે તેમને અખો કવિરૂપે લાગવાને નહીં; પણ નિર્દોષ શબ્દ વડે કોઈ પણ અંગી રસની નિષ્પત્તિ કરવામાં કાવ્યનું રહસ્ય રહ્યું છે એવું જેઓ માને છે તેને તો અખો નિઃસંશય કવિરૂપે ભાસવાનો. જે રસની નિષ્પત્તિ કરવાનો આશય હોય તે રસની નિષ્પત્તિ થવા સારુ જે શબ્દનું, અર્થનું, વર્ણનું, ભાવનું ઔચિત્ય જેમાં સ્ફુરે છે તે શબ્દરચના જ કાવ્ય છે અને તેવા ઔચિત્યવાળી જ અખાની રચના છે એમ પ્રત્યેક વિચારકને જણાશે. ઔચિત્યને કાવ્યનો આત્મા ગણી વેદકાલીન મંત્રદૃષ્ટાને પણ કવિ કહેવાની પ્રથા સંસ્કૃત ભાષામાં ચાલે છે; કેમકે તેઓ ‘ક્રાંતદર્શી’ એટલે વિશ્વદૃષ્ટિવાળા હતા. “ગેરુ વગર ભગવાં ધરાવનાર” ‘અખાસ્વામી’ને માટે કે. હ. ધ્રુવ લખે છે કે તે “નાતે સોની, કુળધર્મે વૈષ્ણવ, વિદ્યાવ્યાસંગે વેદાંતી અને નૈસર્ગિક રસિકતાએ કવિ” હતો. અખો “પંડિત કે કવિ હોવાનો દાવો કરતો નથી તે ભલે; પણ તેની કૃતિઓ કહે છે કે તે પંડિત છે અને કવિ યે છે – બહુશ્રુત પંડિત છે અને બહુશ્રુત કવિ છે. અલબત્ત, તેણે પ્રસ્થાનત્રયીનો પંડિતાઈ ભરેલો અભ્યાસ કર્યો નથી; તેમ જ તેણે રસ અલંકાર અને છંદના ગ્રંથ પણ જોયા નથી, પરંતુ ઉભય પ્રકારના સાહિત્યમાં જરૂર પૂરતી કુશળતા તેણે શ્રવણ અને મનનથી મેળવી લીધી જણાય છે.” અનુભવબિન્દુમાં યમક સાંકળી “એ શબ્દાલંકારની યોજના કીર્તિના ભૂખ્યા શીખાઉની રીતની બળાત્કારે સાધેલી નથી. પણ નિઃસ્પૃહ જન્મસિદ્વ કવિને અનાયાસે પ્રાપ્ત થયેલી જણાય છે.” સ્વામી સ્વયંજ્યોતિ અખાને ‘વેદાંત કવિ શિરામણિ’ કહે છે, તે કે. કા. શાસ્ત્રી “અખો જ્ઞાનમાર્ગનો સ્વાનુભવી કવિ છે!” એમ લખે છે. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી લખે છે : “અખાના કાવ્ય-વિસ્તારમાં ભાવઉદ્રેકની કવિતા ઓછી છે, એમ છતાં અખાની મઝા અખાની જ છે. એક તો એની વાણીનું આખાબોલાપણું, અણિયાળાપણું, પ્રગલ્ભતા અને પૌરુષ આપણને મૂઢ કરી દે છે. એની વાણીનું વૈચિત્ર્ય છક કરે છે. અખાની કવિતામાં આવતા જગત અને સંસારના વિચારો, કટાક્ષો, તત્ત્વનો આમજ અને મિથ્યાત્વની નિર્વ્યાજ ભર્ત્સના સંસ્કારી તેમજ ગામઠી ભાષામાં તે વહાવે છે. ઉપમાઓ, દૃષ્ટાન્તો, અર્થક્ષમતાથી અને સંક્ષિપ્તતાથી જાણે રૂપાસોનાની ઢાળેલી લગડીઓ લાગે છે. એનાં વચનો ઘણી વાર સામસામાં તોળાતાં ઝૂલતાં હોય એમ જણાય છે. વૈચિત્ર્યનિરૂપણનું આકર્ષણ જેવું તેવું નથી. સન્ધ્યાએ પશ્ચિમમાં આકાશની રંગબેરંગી ચિત્રવિચિત્ર છટાઓ દેખાય, એમ સૃષ્ટિ અને સંસારનાં પાર વિનાનાં દૃશ્યો ચમકાવતો ચમકાવતો અખો કવિતા રેલાવતો જાય છે. એનો પ્રધાન હેતુ તત્ત્વપ્રતિબોધનો છે, પણ એ સાધતાં પોતાના વિપુલ અનુભવની ચિત્રમય સામગ્રી કુશળ બાજીગરની જેમ વાંચકની આંખ આગળ એ ધરતો જાય છે...” ... “નીર ફિટાવીને નભ કરવાનો અખા જેવો સમર્થ પ્રપંચ ગુજરાતના કેઈ મધ્યકાલીન કવિએ કર્યો નથી. એના વિચારો, એનાં અવલોકનો, એની દલીલો, એનું જ્ઞાન, એના કટાક્ષ, એની ઊર્મિ, સૌ ઉચિત પ્રતિરૂપો દ્વારા ચિત્રાત્મક, મૂર્ત, ગતિશીલ ને ધ્વનિશાલી બને છે. સર્વદા આકર્ષક અને વારંવાર રમણીય એવાં પ્રતિરૂપોથી બુટ્ટાદાર બનેલી આ કવિતામાં (અખેગીતા અને અનુભવ બિંદુમાં) શૂર અખાએ અણદીઠું ખરે જ વીધ્યું છે...પ્રતિરૂપ-નિબન્ધનની આ રીતિનું અનુકરણ અખાના અનુગામી પ્રીતમદાસ જેવા જ્ઞાની કવિઓમાં જણાઈ આવે છે, અને એ રીતે જ્ઞાનની કવિતાની એ શિષ્ટ પદ્ધતિ બને છે.” રવિશંકર મ. જોષી લખે છે : “પહેલી દૃષ્ટિએ તો અખો કવિ કરતાં જ્ઞાની વધારે જણાય એ ખરું; પરંતુ તેની એકાગ્ર અખંડિત કાવ્યધારા, દૃષ્ટાંતોની કલ્પનોત્તેજક પરંપરા, ગહન વિષયને કાવ્યત્વને તાંતણે વણી નાખવાની વિરલ શક્તિ; જ્ઞાનના આનંદની ઊર્મિનાં પદે પદે અનુભવાતાં સ્પંદનો, તેની હૃદયસ્પર્શિતા, તેનું પ્રબળ વેધક જોમ–આ બધાં તત્ત્વો અખાની કવિતામાં ઉચ્ચ કોટિનું કાવ્યત્વ સિદ્ધ કરે છે. બ્રહ્મજ્ઞાનના વિરલ રસથી અખો ડોલી ઊઠે છે-વાચકને ડોલાવે છે. ભાષાનો પ્રયોગ અનોખો હોવા છતાં છેવટ તો અખો કવિતાના રણમાં જીતે જ છે. કવિતામાં બ્રહ્મજ્ઞાનનો આવો વિરલ રસ રેલાવનાર અખો જ્ઞાની પણ છે અને કવિ પણ છે.” અનંતરાય મ. રાવળ લખે છે : “એનું માત્રામેળ છંદો અને રાગ-રાગનાં પદો પરનું પ્રભુત્વ, એનાં હૃદ્ગતને નિમિષમાં અજવાળી આપતાં સચોટ અને સમુચિત ઉપમા, દૃષ્ટાંત, રૂપક આદિ અલંકારો અને ચિત્રો, ‘અનુભવબિંદુ’ જેવી કૃતિઓમાંના અંતર્યમક, ‘અનુભવબિંદુ’ તથા ‘અખેગીતા’માં કેટલેક સ્થળે આવી ગયેલો અનાયાસસિદ્ધ વાણીપ્રસાદ, પ્રેમલક્ષણા ભક્તિનાં એનાં પદો તેમ જ બ્રહ્માનુભૂતિના આનંદસંવેદનને ગાતાં એનાં ગુજરાતી-હિંદી પદોમાંનો ભાવોદ્રેક તથા તેને તાલ આપતી કાવ્યોચિત વાણી, આ સર્વ અખાને એક સમર્થ કવિ ઠરાવે તેમ છે. નરસિંહ, મીરાં ને દયારામનું માધુર્ય કે પ્રેમાનંદનો પ્રસાદ તેના કાવ્યગુણો નથી. તેનો કાવ્યગુણ છે ઓજસ્ અને તેની કવિતાનો પાક છે નારિકેલપાક, જે બંને તેને મધ્યકાલીન કવિઓમાં અનન્ય ઠરાવે છે. ગુજરાતી ભાષાનું સામર્થ્ય બતાવનારાઓમાં તો એનું નિશ્ચિત સ્થાન છે જ, પણ મધ્યકાલીન કવિઓમાં પણ છે.” રણજિતભાઈ મ. પટેલ લખે છે : “પ્રેમાનંદ ને શામળનો પુરોગામી ‘અખો સોનારો,’ ‘જ્ઞાની કવિ અખો,’ ‘વેદાન્તી કવિ અખો, ‘અખો ભગત,’ એ વિશેષે તો ‘આતમસૂઝ’નો કવિ છે. નર્મદને મતે ભલે એનામાં ‘શુદ્ધ કવિતા થોડીક’ જ હોય પણ એનું કેટલુંક સર્જન તો ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ જેવું છે. વહેતામાં એ વહેતો નથી અને વણદીઠું એ વીંધે છે એ એની વિશેષતા. એની કવિતામાં ‘અક્ષયરસની નદી’ ચાલે છે... વિશ્વના અનેક પદાર્થોને પોતાની પ્રિય વિચારણાના ઉપમાન તરીકે યોજતી અખાની કવિતા આધ્યાત્મિક અનુભૂતિને દર્શન કોટિએ ઉડ્ડયન કરાવવા મથતી દાર્શનિક કવિની કવિતા છે.” ઉમાશંકર જોશીની ‘અખો-એક અધ્યયન’માંની વિસ્તૃત અને સંગીન વિચારણામાંથી થોડુંક જોઈએ. એઓ લખે છે : ‘જીવનસમગ્રનો એ ગાયક નથી, તેના ધાર્મિક અંશ એ કવિ છે... અખાની ખૂબી એ છે કે એણે આમુષ્મિક જીવન માટેનો તલસાટ ઇહજીવનની ઉપમાવલિની નીકોમાં વહાવ્યો છે... ઉપરાંત ધર્મદંભો સામેની ઝુંબેશના એના છપ્પા સામાજિક જીવનને અનેક બિંદુએ સ્પર્શ્યા વગર રહી શક્યા નથી... ‘અચવ્યો રસ’ એણે આસ્વાદ્યો છે અને કાંઈક એના બે છાંટા કાવ્યમાં વેરવાની ભલાઈ અને વળી સૂઝી છે. આ ‘અચવ્યો રસ’ તે ‘શબ્દાતીત’ છે, ‘બાવન બાહેરો’ છે એમ એ સારી રીતે જાણે છે અને વારંવાર એનો એકરાર પણ કરે છે. આ અચવ્યા રસની કવિતાને ચાલુ કવિતાથી નોખી ગણાવવાનો એનો આગ્રહ પણ છે. જ્ઞાનીને કવિ કહીને બિરદાવશો નહિ એમ એ કહે છે... એનું રસાત્મક વિશ્વ સંકુચિત હોવા છતાં જે કાંઈ એ છે તેને એણે સ્વાનુભવથી એવું આત્મસાત્ કરેલું છે કે શબ્દમાં એ ઠીક રીતે પ્રતિબિંબિત થાય તો એને કવિ ગણવામાં કોઈ બાધ રહે નહિ... અખાનો અનુભવ તે આત્માનુભવ અને અખાનો વર્ણ્ય વિષય તે આત્મજ્ઞાન, તત્ત્વજ્ઞાન છે... અખો આત્મજ્ઞાનને મનાતીત કે શબ્દાતીત કહીને જ બેસી રહ્યો નથી; એણે એને ‘બ્રહ્મમય વાચા’થી કાંઈક નિરૂપવા પણ મથામણ કરી છે. માનવવાણીએ પ્રગટ્યા પછી અત્યાર સુધીમાં જે ગૂઢતમ રહસ્યને પામવા ને પ્રગટ કરવા મહત્ત્વાકાંક્ષા સેવી છે તે ‘નિહિતં ગુહાયામ્’ તત્ત્વને પકડવા અખાની કવિપ્રતિભાએ બીડું ઝડપ્યું છે... ‘તત્ત્વજ્ઞ કવિ’ (કે જ્ઞાની કવિ) એ એકમેકને સામસામો છેદ ઉડાડી દેતા શબ્દો નથી. પણ તેથી ઊલટું જ, માનવવાણીને ઉચ્ચોચ્ચ ઉપયોગમાં યોજતા કવિની જે કોઈ મહત્ત્વાકાંક્ષા હોય તે તે આવા તત્ત્વજ્ઞ કે જ્ઞાની કવિ થવાની જ છે. પોતે જે આત્મસાત્ કર્યું છે, પોતાની રગેરગમાં જે નાચી રહ્યું છે, પોતાને જે સત્યરૂપે સમજાયું છે તેનો પ્રકાશ આપણા મનોમય જીવનમાં પહોંચાડવાની એની પ્રવૃત્તિ છે... કવિસહજ સૂઝ’થી એણે રચના કરી છે. એનું આત્મતંત્ર જાગરૂકતાની પરાકોટિએ પહોંચીને પોતાની સમગ્ર શક્તિને શબ્દ દ્વારા એક પછી એક સજીવ અને સુસંવાદી ચિત્રો ઉઠાવવામાં યોજે છે અને એ રીતે એવી એક સૃષ્ટિ રચે છે જેના કેન્દ્રસ્થાને કવિના આત્માનુભવની ભઠ્ઠીમાં તવાઈને રસાયણ બની ચૂકેલું તત્ત્વચિંતન રસરૂપે બિરાજે છે... અખાએ બુદ્ધિશક્તિની પરિપક્વતા, અટપટા મનોજાતને સુંદર શબ્દમાં મૂર્ત કરવાની અસાધારણ આવડત અને શિષ્ટ તેમજ તળપદી બંને પ્રકારની ભાષા ઉપરનું અપૂર્વ પ્રભુત્વ દાખવ્યાં છે... દૃષ્ટાંત અને ઉપમાઓ અખાને શ્વાસોચ્છ્વાસ જેટલી સહજ છે... અખો એની કાવ્યરચનામાં આ કે તે ચોક્કસ દર્શનને સાચું ઠેરવવા બેઠો નથી... આ અનુભવાર્થી કવિ અનુક્રમે શુદ્ધાદ્વૈત અને કેવલાદ્વૈતમાં પસાર થયો છે અને એમાંની ઉત્તમોત્તમ સમજણને સ્વીકારે છે છતાં તે કે બીજા કોઈપણ એક દર્શનની મર્યાદામાં બંધાઈ રહે એવો નથી. દરેકમાંથી એ સાર ગ્રહણ કરે છે, પણ બધાં દર્શન વટાવીને અખો બધાથી ‘ઊફરો’ ચાલ્યો ગયો છે... આ જ એની વિચારક તેમ જ કવિ દાખલ મહત્તા છે. આથી એ તત્ત્વજ્ઞ કવિ, જ્ઞાની કવિ કે ગૂઢવાદી કે મરમી કવિના પદ માટે અધિકારી ઠરે છે... ગુજરાતી ભાષામાં, સત્તરમા સૈકા પૂર્વે અનેક શતકોમાં આર્યોએ કરેલી તત્ત્વસાધનાના રહસ્ય ભાગનું સરળ, સચોટ અને સુંદર વાણીમાં વર્ણન કરવાનો જેવો પ્રયત્ન અખાએ કર્યો છે તેવો તે કે અગાઉ કે પાછળથી ક્વચિત જ થયો છે. અખો આ ભાષાનો એક અને અજોડ તત્ત્વજ્ઞ કવિ છે અને ભાષાના ઉત્તમ કવિઓની જોડાજોડ આસનનો અધિકારી છે. ઊર્મિકવિતાનાં શૃંગો જેમ નરસિંહ, મીરાં, દયારામે સર કર્યાં છે, જનસ્વભાવ-નિરૂપણની ટોચ જેમ પ્રેમાનંદે પોતાની કરી છે, તેમ અખાએ તત્ત્વવિચાર કવિતાને શિખરે પલાંઠી લગાવી છે.” સુપ્રસિદ્ધ વિદ્વાનોનાં અખા અંગેનાં આ બધાં મંતવ્યો અખાને આપણી ભાષાના એક સમર્થ કવિ તરીકે પ્રસ્થાપિત કરતાં હોઈ હવે આ બાબતમાં વિવાદને સ્થાન નથી. નર્મદ જેવાએ જે લખેલું તે એના અખાની કૃતિઓના અધકચરા અભ્યાસનું પરિણામ હતું, પણ એને ચીલે અન્ય કેટલાક વિદ્વાનોએ પણ એનાં વચનો પકડી રાખેલાં તે આપણી ગતાનુગતિકતાનો દાખલો પૂરો પાડે છે. બાકી અખો ગુજરાતનો એક સમર્થ કવિ છે એ બાબતમાં હવે શંકા કે વિરોધને સ્થાન જ રહ્યું નથી.