વાર્તાનું શાસ્ત્ર/રહસ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
ગિજુભાઈની લગભગ દરેક કૃતિની મેં પ્રસ્તાવના લખી છે. તે ઉપરથી ગિજુભાઈ પ્રત્યેનો મારો પક્ષપાત તો સિદ્ધ છે જ. પક્ષપાતના ટા બાદ કર્યા પછી પણ હું નિઃશંકપણે કહી શકું કે 'વાર્તાનું શાસ્ત્ર’ રચવામાં ગિજુભાઈ સફળ નીવડ્યા છે અને શિક્ષણશાસ્ત્રના સાહિત્યમાં તેમણે કીમતી ઉમેરો કર્યો છે. માણસ શિક્ષક થયો એટલે કેટલી દૃષ્ટિએ તેણે વિચાર કરવો જોઈએ એનો પણ સરસ ખ્યાલ આ ચોપડીમાંથી અધ્યાપકોને મળશે.
ગિજુભાઈની લગભગ દરેક કૃતિની મેં પ્રસ્તાવના લખી છે. તે ઉપરથી ગિજુભાઈ પ્રત્યેનો મારો પક્ષપાત તો સિદ્ધ છે જ. પક્ષપાતના ટા બાદ કર્યા પછી પણ હું નિઃશંકપણે કહી શકું કે 'વાર્તાનું શાસ્ત્ર’ રચવામાં ગિજુભાઈ સફળ નીવડ્યા છે અને શિક્ષણશાસ્ત્રના સાહિત્યમાં તેમણે કીમતી ઉમેરો કર્યો છે. માણસ શિક્ષક થયો એટલે કેટલી દૃષ્ટિએ તેણે વિચાર કરવો જોઈએ એનો પણ સરસ ખ્યાલ આ ચોપડીમાંથી અધ્યાપકોને મળશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|-દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર}}
{{right|'''-દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર'''}}<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 01:35, 1 November 2024

રહસ્ય

ઋષિઓ અને સાધુઓ જનસંપર્કથી દૂર જંગલમાં જઈને વસે છે. ભક્તો એમની પાસે પહોંચી ત્યાં વસ્તી કરે છે. ધીમે ધીમે ત્યાં બજાર જામે છે અને તે સ્થાન યાત્રાળુઓને સુલભ થઈ જાય છે. નિસર્ગપ્રેમી સાધુઓ તે સ્થાન છોડી ફરી આગળ જાય છે અને નવું જંગલ શોધી ત્યાં વાંસ કરે છે. જંગલનો પ્રદેશ આવી રીતે ધીમેધીમે માણસને કબજે આવતો જાય છે. જ્ઞાનના ક્ષેત્રનું પણ એમ જ છે. પ્રતિભાવાન, ક્રાન્તદર્શી અથવા અગમબુદ્ધિ જ્ઞાનવીરો, અનુભવના, વિચારના અને કલ્પનાના નવા નવા પ્રદેશો અથવા સાધનો શોધી કાઢે છે અને માનવી બુદ્ધિને દિંગ કરી નાખે છે. ધીમે ધીમે એમનો શિષ્યસમુદાય प्रणिपातेन, परिप्रश्नेन અને सेवया તેમનું જ્ઞાન શીખી લે છે અને ધીમેધીમે તેમાં ચીલા પડે છે, તેના વિભાગ થાય છે અને ધીમેધીમે જે વસ્તુ એક કાળે પ્રતિભા અથવા ઈશ્વરી પ્રસાદ મનાતી હતી તેનું સુવ્યવસ્થિત શાસ્ત્ર બની જાય છે. તેની અપૂર્વતા અને અદ્ભુતતા નષ્ટ થાય છે, નિયમનું સામ્રાજ્ય તેના પર વિસ્તરે છે અને છેવટે સાર્વત્રિક અધ્યયનનું તે એક આવશ્યક અંગ બને છે. આટલું થયા પછી માણસની વિજયલોલુપ પ્રતિભા એથીયે આગળનું ક્ષેત્ર શોધી કાઢે છે અને થોડા દિવસ સુધી આ નવું જ્ઞાન પ્રતિભા geniusનું ક્ષેત્ર મનાય છે. આવો ક્રમ અનાદિકાળથી ચાલતો જ આવેલો દેખાય છે. કવિતાનું શાસ્ત્ર થાય જ નહિ એમ એક કાળે મનાતું. સૌંદર્યશાસ્ત્ર અને કલાની ખૂબીઓ સહૃદય માણસ આપોઆપ સમજી શકે છે, એમાં બીજાને કંઈ શીખવવાનું હોય જ નહિ, એમ પણ મનાતું. અરે, રસોઈનું પણ શાસ્ત્ર થાય નહિ! નાનપણમાં એક વાર્તાના મંગલાચરણ તરીકે મેં નીચેનું વચન સાંભળ્યું હતું :

“रागी बागी पागी पारखी और न्याव ।
 इन पंचनको गुरु है पर उपजत अंगस्वभाव ॥”

વાર્તાકારનો ભાવ એ હતો કે ગાયન, બાગાયત, ઘોડઉછેર, રત્નની પારખ અને ન્યાય એ પાંચ ધંધામાં ગુરુ પાસેથી કંઈક શીખી તો શકાય છે, પણ આખરે તો માણસની અંદર જ એવું કંઈક હોય છે જે અપાય પણ નહિ અને લેવાય પણ નહિ. બિચારા વાર્તાકારને આમ બોલતી વખતે ખ્યાલ સરખો પણ નહિ આવ્યો હોય કે સરસ્વતીનું વરદાન ગણાતા એના વાર્તાકથનના ધંધાનું પણ એક કાઠિયાવાડી અધ્યાપક શાસ્ત્ર બનાવી દેવાના હશે! શિક્ષકની કળા સાચું જોતાં ‘उपजत अङ्गस्वभाव' છે ખરી, છતાં તેના એક એક અંગનું કરતાં આખી શિક્ષણકળાનું શાસ્ત્ર થઈ ગયું છે. સ્વછંદ- વિહારિણી વાર્તા એક વિચિત્ર મુહૂર્તે કેળવણીની મદદમાં ગઈ એટલે શિક્ષકના હાથમાં સપડાઈ, અને તેનું પણ શાસ્ત્ર બની ગયું. આ 'વાર્તાનું શાસ્ત્ર' એકલા શિક્ષકોને જ ઉપયોગી નથી. ગ્રંથકારો, સાહિત્યચાર્યો, ભાટચારણો, હરિદાસપુરાણીઓ અને નાટકકારો સૌને હવે પછી આ ‘વાર્તાનું શાસ્ત્ર' વાંચ્યા વગર છૂટકો નથી. વાર્તાકથનપટુ માણભટો અને બારોટો, શિક્ષકો અને ઉપદેશકો, મુસાફરો અને બાવાઓ બધા જ એમાં પોતાની ખૂબીઓ સ્પષ્ટ શબ્દોમાં, સૌ સમજી શકે એવા રૂપમાં વર્ણવેલી જોઈ રહસ્યસ્ફોટ (Trade-secret) ઉઘાડું પાડ્યા માટે શાસ્ત્રકાર પર ચિડાશે. પણ સાથે સાથે નવી નવી કીમતી સૂચનાઓ આપવા માટે મનમાં તેમનો પાડ પણ માનશે. વાર્તાના શાસ્ત્ર ઉપર અંગ્રેજીમાં કેટલીક સારી ચોપડીઓ છે. ગિજુભાઈ જો તેનો ખાલી તરજૂમો કરત તો મને નથી લાગતું કે ગુજરાતી ભાષા અથવા તેમના પ્રિય શાસ્ત્રની કાંઈ પણ સેવા થાત. ‘उपजत अङ्गस्वभाव'ને ઓપ ચઢાવી તેઓ પોતે વાર્તાપ્રવીણ થયા; અનેક સાહિત્યોનું અવગાહન કરી પોતે વાર્તાવારિધિ બન્યા, અને પછી જ તેઓ આ વાર્તાનું શાસ્ત્રો લખવા બેઠા છે. આ સ્વતંત્ર પ્રયત્ન હોઈ સ્વતંત્રતાનાં સર્વ લક્ષણો એમાં દેખા દે છે. શરૂઆતનાં પ્રકરણોમાં શાસ્ત્રીય પદ્ધતિની કંઈક જડતા જડી આવે છે. પણ વિવરણ જેમ આગળ જાય છે તેમ તેમ પ્રપાતની પેઠે તેનો વેગ વધતો જાય છે. વાર્તાશાસ્ત્રનાં બધાં અંગઉપાંગોનાં પ્રદેશોમાંથી પસાર થતાં લેખકની ભાષાશૈલી એવી તો ખીલે છે કે આપણે ખરેખાત વ્યાખ્યાન જ સાંભળતા હોઈએ એવું લાગે છે. આ ગ્રંથની મુખ્ય ખૂબી તો તેના ઉત્સાહમાં છે. ગુજરાતી સાહિત્યના સુંદર નમૂના તરીકે શોભે એવી કેટલીયે કંડિકાઓ (પેરેગ્રાફ) આમાં જડે છે. તે બધાનો અહીં ઉલ્લેખ કરવા જતાં દ્વિરુક્તિ થાય એ બીકથી જ તેમ કરતાં અટકવું પડે છે. વાર્તાનું શાસ્ત્ર શીખવાની ઇચ્છા ન હોય એવા સામાન્ય વાચકને પણ આ ગ્રંથ વાંચતાં ખૂબ રસ પડે એમ છે. શાસ્ત્ર શબ્દથી જ ભડકી ઊઠીને, આમાં તો નીરસ ડાચાકૂટ હશે એમ જો કોઈ ધારે તો તેનું દુર્દેવ જ ગણાવું જોઈએ. ગિજુભાઈની લગભગ દરેક કૃતિની મેં પ્રસ્તાવના લખી છે. તે ઉપરથી ગિજુભાઈ પ્રત્યેનો મારો પક્ષપાત તો સિદ્ધ છે જ. પક્ષપાતના ટા બાદ કર્યા પછી પણ હું નિઃશંકપણે કહી શકું કે 'વાર્તાનું શાસ્ત્ર’ રચવામાં ગિજુભાઈ સફળ નીવડ્યા છે અને શિક્ષણશાસ્ત્રના સાહિત્યમાં તેમણે કીમતી ઉમેરો કર્યો છે. માણસ શિક્ષક થયો એટલે કેટલી દૃષ્ટિએ તેણે વિચાર કરવો જોઈએ એનો પણ સરસ ખ્યાલ આ ચોપડીમાંથી અધ્યાપકોને મળશે.

-દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર