વાર્તાનું શાસ્ત્ર/વાર્તા કેવી રીતે કહેવી?: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|❋}} | {{center|❋}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 03:01, 1 November 2024
વાર્તા કેવી રીતે કહેવી?
બધી પૂર્વતૈયારી થઈ રહ્યા પછી વાર્તા કહેનાર વાર્તા સાંભળનાર સમક્ષ રજૂ થાય છે. આ વખતે વાર્તા કેવી રીતે કહેવી એ પ્રશ્ન ખડો થાય છે. આ પ્રશ્ન અતિ મહત્ત્વનો છે. વાર્તાની પસંદગીમાં થોડીઘણી ભૂલ થઈ હોય, વાર્તાના ક્રમમાં સહેજસાજ ફેર રહ્યો હોય, વાર્તાને કહેવા યોગ્ય બનાવવામાં પૂરી ફતેહ ન મળી હોય, તે બધું થોડેઘણે અંશે ચાલી શકે. પરંતુ માણસને વાર્તા કહેતાં જ ન આવડતી હોય તો તો વાર્તાકથનનું કામ પહેલે જ પગલે અટકી પડે. કુશળ વાર્તા કહેનારાઓની બીજી બાબતની નાની નાની ભૂલો સાંભળનારના લક્ષમાં ભાગ્યે જ આવે છે, જ્યારે અકુશળ વાર્તા કહેનારની કોઈ પણ ખામી અસહ્ય થઈ પડે છે. વાર્તાકથનની ફતેહનો મોટો આધાર કથનની ખૂબીમાં છે. આ ખૂબી શામાં રહેલી છે તે વાર્તા કહેનારે અવશ્ય જાણવું જોઈએ. ઘણા માણસોનું એવું ધારવું છે કે વાર્તા કહેવી એ એક સહેલી વાત છે. પરંતુ મારો પોતાનો જ એવો અનુભવ છે કે સારા સારા શિક્ષકોને પણ વાર્તા કહેતાં આવડતી નથી. એકાદ વાર્તા વાંચી લેવી ને પછી તે વિદ્યાર્થીઓને કહી સંભળાવવી-બોલી બતાવવી એટલે વાર્તા કહેવાઈ ચૂકી અને વાર્તાકથનનો હેતુ સફળ થયો એમ શિક્ષકો માને છે. આથી જ જ્યાં જ્યાં મેં વાર્તાઓનું કથન સાંભળ્યું છે, ત્યાં ત્યાં મને અસંતોષ થયો છે. કેટલાએક શિક્ષકોએ વાર્તાને પૂરેપૂરી વાંચેલી પણ નથી હોતી, તેથી તેઓ વાર્તા કહેતાં કહેતાં જ વચ્ચે ભૂલી જાય છે. કેટલાએક શિક્ષકોએ પસંદ કરેલી વાર્તા નીરસ તથા સાંભળનારના સ્વભાવને કેવળ પ્રતિકૂળ હોય છે. કેટલાએક શિક્ષકોનું વાર્તાનું કથન કેવળ શુષ્ક અને ભાવરહિત હોય છે. તો કોઈ શિક્ષક વધારે પડતા ભાવો પ્રગટ કરીને કહે છે તો કોઈ શિક્ષકના મોં ઉપર વાર્તાનો એક પણ ભાવ ઊગતો નથી; કોઈ શિક્ષક વાર્તાને અનુલેખન લખાવવાની રીતે કહે છે તો કોઈ શિક્ષક વાર્તાને ભાષણનો વિષય લેખી વાર્તાને બોલી બતાવે છે; વળી કેટલાએક શિક્ષકો વાર્તાને વધારે રસિક બનાવવા ચિત્રદર્શન અને વસ્તુદર્શનનો પ્રયોગ કરે છે. આ અને આવાં કારણોને લીધે વાર્તાના કથનમાં અને શ્રવણમાં મંદતા જોવામાં આવે છે; વર્ગનું વાતાવરણ લૂખુંસૂકું ભાસે છે; ઘણી વાર વ્યવસ્થા અને શાંતિને ઉત્તેજન મળવાને બદલે અવ્યવસ્થા અને અશાંતિને જન્મ મળે છે. આવી સ્થિતિમાં વાર્તાની જમાવટ થતી નથી, વાર્તાનો કલાપ્રદેશ સાંભળનાર સમક્ષ ઊઘડતો નથી ને વાર્તા દ્વારા કલ્પના, સર્જનશક્તિ અને ભાષાસંસ્કાર વગેરે જે ખીલવવાનો ઉદ્દેશ છે તે નિષ્ફળ જાય છે. વાર્તા કહેનારે પોતાનું કથન સફળ કરવા માટે ઉપર લખ્યા બધા દોષોમાંથી મુક્તિ મેળવી લેવાની છે. વાર્તા કહેનારે કેટલી કેટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ તેનો ઉલ્લેખ હું આ સ્થળે કરીશ. શિક્ષકે પહેલી વાત એ સમજવાની છે કે વાર્તા એક કલા છે ને વાર્તાનું કથન પણ એક કલા છે. કોઈ પણ કલાને તેના સંપૂર્ણ સ્વરૂપમાં બીજા સમક્ષ રજૂ કરવી અને તેને તેના અનંદનો ભોક્તા કરવો એ કામ ઘણું જ મુશ્કેલ છે. દરેક વાર્તા કંઈ ને કંઈ વિશિષ્ટતા ભરેલી હોય છે. કોઈ વાર્તા હાસ્યરસપૂર્ણ હોય છે, તો કોઈ વાર્તા શોકરસપ્રધાન હોય છે; કોઈ વાર્તામાં ઊંડો વિનોદ રહેલો હોય છે, તો કોઈ વાર્તામાં ગૂઢ નિરાશા હોય છે; કેટલીએક વાર્તાઓ એવી છે કે જેમાં કેવળ બોધ સિવાય બીજું કશું હોતું જ નથી, ત્યારે કેટલીએક વાર્તાઓ એવી છે કે જે કેવળ દેખીતી રીતે અર્થ વિનાની હોય છે; કેટલીએક વાર્તાઓ અદ્ભુત ચમત્કારોની ખાણરૂપ હોય છે, તો કેટલીએક વાર્તાઓ હકીકતપ્રધાન જ હોય છે; કેટલીએક વાર્તા પરીઓની ભભકભરી કલ્પનાથી રંગાયેલી હોય છે, જ્યારે કેટલીએક કલ્પના વિનાની કેવળ લૂખીસુકી હોય છે. બધીય વાર્તાઓ વિવિધ રંગી, વિવિધ વેશવાળી, વિવિધ ભાવો અને રસવાળી હોય છે. વાર્તાઓમાં રહેલું આ બધું વાર્તા સાંભળનારમાં રેડી દેવાનું કામ વાર્તા કહેનારનું છે. વાર્તાનો કોઈ પણ ભાવ જાણે તે વસ્તુ હોય તેમ જ વાર્તા કહેનારે શ્રોતાને આપી દેવાનો છે. જે ભાવ વાર્તાની પાછળ હોય તે ભાવને આબેહૂબ કથનમાં ખડો કરી શ્રોતાના હૃદયમાં ગાળી દેવાનું કામ વાર્તા કહેનારનું છે. આવું કામ કરનારની તૈયારી સુંદર જ હોવી જોઈએ. આવું કામ એક કલાનું કામ છે. આ કલાનો આત્મા વાર્તા કહેનારમાં સ્ફૂરેલો હોવો જોઈએ. વળી કોઈ પણ કલાની કૃતિના જેમ બબ્બે ભાગ પાડી શકીએ તેમ વાર્તાના પણ બે ભાગ પાડી શકાય. રંગ, માપ, સમતોલપણું વગેરે ચિત્રોનો કારીગરી-વિભાગ છે પણ ભાવપ્રદર્શન, વિચારપ્રસ્ફોટન એ ચિત્રનો કલાવિભાગ છે. સૂર, તાલ વગેરે સંગીતનો કારીગરી-વિભાગ છે પણ ગાન એ સંગીતનો કલાવિભાગ છે. એવી જ રીતે વાર્તામાં અમુક વિચારને, અમુક ભાગને આગળ ધરવો, એમાં શ્રોતાગણને તલ્લીન કરવો, એ કલાવિભાગ છે અને એ ભાવ-એ વિચાર સમતોલ રહે, એ પોતાના પૂર્ણ સ્વરૂપમાં અને યથાકાળે વિકસે એ માટેની આજુબાજુની તૈયારી એ કારીગરી-વિભાગ છે. કલા પ્રમુખ છે ને કારીગરી ગૌણ છે; છતાં કારીગરીની અવગણના કરવામાં જોખમ રહેલું છે કારણકે કારીગરીના દેહ દ્વારા કલાનો આત્મા આપણે દેખાડવાનો છે. વાર્તાના કથનમાં શબ્દોની પસંદગી, શબ્દોનું તોલન, શબ્દોની યથાર્થતા જેમ વાર્તાનો કારીગરી-વિભાગ છે તેમ જ કઈ વસ્તુને કઈ જગ્યાએ મૂકવી, કયા રસને કેટલો ખીલવવો, વિષયાન્તરનું સ્થાન કેટલું, વગેરે બાબતો કલાનો વિષય છે. જેમ કલાપૂર્ણ ચિત્ર સામાન્ય નજરમાં સુંદર લાગે છે છતાં તેમાં કારીગરીની ન્યૂતાધિકતા લાગે તો ચિત્રકારને તેમાં ઊણપ લાગે છે, તેમ વાર્તાકલા હોય તો વાર્તા સાંભળવી ગમે ખરી પણ કારીગરીની ન્યૂનાધિકતાને લીધે તેમાં કંઈક અધૂરું છે, કંઈક રહી ગયું છે, એમ વાર્તાના ભોક્તાને લાગ્યા વિના રહે જ નહિ. વાર્તા કહેનારે હંમેશાં વાર્તાને એવી રીતે કહેવી જોઈએ કે વાર્તાના મૂળ વિચારને વિકસાવવા માટે તેણે બીજી હકીકતો ઉપયોગ પૂરતી અને વખતસર વાપરવી જોઈએ. વિષયાન્તરો અથવા ગૌણ વસ્તુનો વિશેષ વિકાસ વાર્તાને બસૂરી બનાવી દે છે. ઘણા વાર્તાકારોને બધા રસો જમાવતાં આવડે છે. તેથી એક જ વાર્તામાં તેઓ પ્રમુખ અને ગૌણપણે આવતા બધા રસોને જમાવવા લલચાઈ જાય છે. આથી વાર્તાનું શરીર બેડોળ બની જાય છે; તેનો જમણો હાથ પાતળો રહી જાય છે, જ્યારે ડાબો હાથ સૂણી જાય છે. વાર્તા કહેનારે વાર્તાનું શરીર સુધધટત અને સમતોલ રાખવાની જરૂર છે. જે વાર્તા કહેનાર વાર્તાનું કેન્દ્ર સમજે છે તેને ગમે ત્યાંથી વાર્તા શરૂ કરતાં આવડે છે કારણકે કેન્દ્રમાં ઊભો ઊભો તે વાર્તાની બધી ત્રિજ્યાઓ જોઈ શકે છે. એમ જ વાર્તાનો કેન્દ્રાત્મા જાણનાર માણસ વાર્તાના કથનમાં વાર્તાની ત્રિજ્યા કઈ છે તે સમજે છે. વાર્તાની ભરતીને છેલ્લે પગથિયે વાર્તાને લઈ ગયા પછી જેને વાર્તાનો ઓટ કરતાં નથી આવડતો તે માણસની વાર્તા નિષ્ફળ જાય છે. વાર્તા કહેનારની ખરી ખૂબી વાર્તાની ભરતી ને છેલ્લે પગથિયે માણસને ઊભો રાખી થોડી વાર તેને ત્યાં થંભાવી ભરતી કેવી ચડેલ છે તેનું તેને દર્શન કરાવવામાં છે. પછી વાર્તાનો ઓટ માણસને સ્વાભાવિક લાગે છે. પથારી પાથરતાં સવાર પડી જાય એવી સ્થિતિ ઘણા વાર્તાકારોની બને છે. તેઓ વાર્તા કીધે જ જાય છે; તેમને વાર્તાની પરાકાષ્ટાએ પહોંચવાનું હોતું જ નથી, આથી વાર્તાની પરાકાષ્ટાનો . ખ્યાલ તે આપી શકતા નથી અને શ્રોતાઓ તે પકડી શકતા નથી. પરિણામ એ આવે છે કે વાર્તા સાંભળનાર અને કહેનાર બંનેને એમ જ લાગે છે કે વાર્તા હજી અધૂરી જ છે, અને જાણે વાર્તામાં જે કહેવાનું હતું તે તો રહી ગયું છે. જે કંઈ કરવાનું છે તે વાર્તાકારે એ કરવાનું છે કે તેણે ધારેલ નિશાનને આબાદ ગોળી મારવાની છે. આ કામ કલાનું છે. વાર્તા કથન ફતેહમંદ થાય એટલા માટે વાર્તાકારે વાર્તાના આત્માને પોતાનામાં ઉતારવો જોઈએ. જેને પોતાને વાર્તામાં આનંદ નથી પડતો, જે પોતે વાર્તામાં તલ્લીનતા અનુભવતો નથી, જે પોતે વાર્તાના રસોમાં તરબોળ થતો નથી, તે બીજાઓને વાર્તામાં ગરકાવ કરી શકતો નથી. વાર્તા વાંચતાં વાંચતાં જેની સામે વાર્તાનું ચિત્ર ખડું થાય છે, જેના અંગોમાં વાર્તાનો તરવરાટ તનમનાટ કરી મૂકે છે, જેના મોં ઉપર વાર્તાના રસો ખુલ્લેખુલ્લા પ્રગટ થાય છે, ટૂંકમાં જેને વાર્તા જીવંત ભાસે છે, તે માણસ વાર્તાના આત્માને ઓળખી શકયો છે એમ કહી શકાય. વાર્તા ગમી જવી અને વાર્તાના આત્મા સાથે એકતાર થઈ જવું એમાં ભેદ છે. સારી વાર્તા હોવાથી તે ગમવી જ જોઈએ એવું કંઈ નથી. બધી વાર્તાઓનો આત્મા પિછાની શકવો પણ કઠિન છે; એમાં પણ મનુષ્ય-સ્વભાવની ભિન્ન ભિન્ન રુચિને સ્થાન છે. કેટલાએક માણસોને ભયંકર-રસ ગમે છે તો કેટલાએક એવા રસવાળી વાર્તાઓ છેક નાપસંદ કરે છે; કેટલાએક ઠંડા અને ક્રિયારહિત સ્વભાવવાળા મનુષ્યોને જેમાં દોડધામ અને ધમાધમ આવતાં હોય એવી વાર્તાઓ ગમતી જ નથી તો કેટલાએક ક્રિયાઓથી ભરપૂર વાર્તાઓના રસિયા હોય છે; કેટલાએક વિનોદી આત્માને વિનોદની વાર્તાઓનો શોખ હોય છે તો કેટલાએક સોગિયા જીવોને એમના જેવી જ વાર્તા ગમે છે. દરેક વાર્તા કહેનારે જાણવું જોઈએ કે પોતાને કયા રસવાળી વાર્તા ગમે છે. બહાદુર વાર્તાકારને વણિકબુદ્ધિની કે ચતુરાઈની વાર્તાઓ ગમતી નથી; વિનોદી માણસો ભયંકર કે શોકરસપ્રધાનવાળી વાર્તામાં વિનોદ જમાવવાની ભૂલ કરી બેસે છે; વ્યવહારકુશળ માણસો તાત્ત્વિક વાર્તાઓને વ્યાવહારિક વાર્તાઓ બનાવી તેના તત્ત્વને બેડોળ કરી નાખે છે. ઘણી વાર વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર બન્ને વાર્તાનો આનંદ માણી શકતા નથી એનું કારણ એ છે કે વાર્તા કહેનારે પોતાના સ્વભાવાનુકૂળ વાર્તા કહેલી હોતી નથી. સ્ત્રીઓ સામાન્ય રીતે અમુક વાર્તાઓ જ કહી શકે. પુરુષો અમુક વાર્તાઓને જ જમાવી શકે; ભાટચારણોના મોઢામાં અમુક વાર્તાઓ જ દીપી નીકળે, તો બાવાઓની વાર્તાઓ વળી બીજી જ જાતની હોય. ગામડાની વાર્તાઓ અને શહેરની વાર્તાઓમાં ફેર પડે છે. જુદી જુદી ઉંમરના માણસોના મોઢમાં જુદી જુદી જાતની વાર્તાઓ ખીલે છે. વાર્તા કહેનારે આ બધું લક્ષમાં રાખવાનું છે. કોઈ પણ માણસને સંપૂર્ણ વાર્તાકાર થવું અતિ મુશ્કેલ છે, છતાં દરેક માણસ પોતાની મર્યાદામાં વાર્તાકાર થઈ શકે છે. જે માણસ પોતે વાર્તાનો સાચો આસ્વાદ લઈ શકે છે તે માણસ બીજાને તેનો આસ્વાદ આપી શકે છે. ઘણી વાર એવું બને છે કે જેમ માણસ ચિત્રને માત્ર જોઈને જ તેની પાસેથી પસાર થઈ જાય તો તે તેનાં મર્મ, સૌન્દર્ય ને ખૂબી સમજી શકતો નથી, તેમ જ ઉપલક નજરે વાર્તા જોઈ જવાથી વાર્તાનો આત્મા અનુભવાતો નથી. બધી વાર્તાઓનો આત્મા એના મોઢા ઉપર ચોડેલો હોતો નથી. કેટલીએક વાર્તાઓ નાળિયેર જેવી હોય છે ને એનું ટોપરું ખાવાને માટે આપણે છાલાં અને કાચલી દૂર કરવી પડે છે, તો કેટલીએક વાર્તાઓનો ઉપલક ઢંગ સુંદર હોવા છતાં તેની આન્તરઘટના અને આત્મા નિસ્તેજ હોય છે – ક્ષુદ્ર હોય છે. વાર્તા કહેનારને કેટલીક વાર્તાઓની દોસ્તી કરવી પડે છે, ને કેટલીક વાર્તાઓને પોતાની કરી હૃદયમાં સ્થાન આપવાનું હોય છે; કેટલીએકને તેણે જતી કરવાની હોય છે અને કેટલીએકને જૂના હથિયાર જેમ તોશાગારમાં રાખવાની હોય છે. વળી કેટલીએક વાર્તાઓને ખૂબ મમત્વથી રમાડવાની પણ હોય છે. આ વાર્તાના કથનમાં જ વાર્તાકાર સાચો કલાધર થઈ શકે છે. આવી જાતની વાર્તાઓ કહેવામાં તેની પોતાની સફળતા રહેલી છે. વારંવાર ચિત્ર જોવાથી જેમ ચિત્રના ભાવો આપણી સમક્ષ આપોઆપ પ્રગટ થાય છે, તેમ વારંવાર કહેવાથી વાર્તાનો ગૂઢાર્થ આપણને સમજાય છે. દરેક ચિત્રકાર પોતાના ચિત્રમાં એક વિચારને કેન્દ્રસ્થાને મૂકે છે, ને તે વિચારની આસપાસ પોતાનું ચિત્ર દોરે છે. પ્રત્યેક ચિત્ર પાછળ એક ભાવ - એક કલ્પના પ્રમુખપણે હોય છે જ. એવી જ રીતે પ્રત્યેક વાર્તામાં એક પ્રમુખ વિચાર, એક ખાસ કલ્પનાની જમાવટ હોય છે. એ વિચાર - એ કલ્પના શોધી કાઢવામાં ખરી ખૂબી રહેલી છે. એ વિચાર હાથ લાગ્યા પછી આખી વાર્તા વાર્તાકારના હાથમાં એક રમકડું બની જાય છે, અથવા વાર્તાકારની દાસી બની રહે છે. વાર્તા કહેનારે પોતાની વાર્તા બરાબર જાણવી જોઈએ. આ વાત ઉઘાડી રીતે સાચી છે છતાં તે જાણી લેવા જેવી છે. ઘણા વાર્તા કહેનારા અરધે રસ્તે વાર્તામાં અટકી પડે છે અને પછી શું થયું તેનો વિચાર કરવા બેસી જાય છે; કેટલાયે વાર્તા કહેનારાઓ શરૂઆતનું ભૂલી જઈ પાછળનું કહી નાખી પાછળથી શરૂઆતનું ભેળવી દે છે; ઘણાઓ નામનો ગોટાળો કરે છે; ઘણાઓ વાર્તાના બંધારણમાં કંઈ ને કંઈ ભૂલી જાય છે એટલે પાછળથી કંઈક જોડી કાઢી મેળ મેળવી દે છે; અને ઘણાઓ વાર્તા ભૂલી જવાથી અથવા ઘણી વાર્તાઓના એકીસાથે સ્મરણથી એક વાર્તામાં બીજી વાર્તા ઘુસાડી દઈ આગળ જતાં કોકડું ગૂંચવાઈ જવાથી મૂંઝાઈ જાય છે. આવાં કારણોને લીધે વાર્તાનું કથન એકદમ નીરસ થાય છે અને શ્રોતાજન વાર્તાના કહેનારમાં શ્રદ્ધા ખોઈ નાખી નિરુત્સાહી બની જાય છે. હરેક વાર્તા કહેનારે પોતાની વાર્તા જાણવી જ જોઈએ. પોતાની વાર્તા તેણે એટલે સુધી જાણી લેવી જોઈએ કે જાણે દરેક બનાવ પોતાના અનુભવનો જ હોય. વાર્તાનું ખોખું અને પ્રાણ તેના ધ્યાનમાં એટલી સુંદર રીતે હોવાં જોઈએ કે વાર્તા કહેનારને વાર્તા કહેતી વખતે વાર્તાનો, તેના બંધારણનો, તેની વાણીનો, અને તેમાં આવતા હાવભાવનો વિચાર સરખો પણ કરવો ન પડે. આમ કરવા માટે વાર્તાને શબ્દશઃ મોઢે કરવાની નથી પણ વાર્તાનું કેન્દ્ર પકડી લેવાનું છે. આ વાર્તા શાની છે, આ વાર્તામાં શું છે, એ જો બરાબર ગળે ઊતરી જાય તો વાર્તા સહેજે મુખપાઠ થઈ જાય. બેશક વાર્તાની શોભારૂપ અને પ્રાણરૂપ શબ્દો, તેના પ્રાસાનુપ્રાસ, તેના ઘરગથ્થુ વાણીના ખાસ પ્રયોગો, જોડકણાં, કવિતા ને વાર્તામાં આવતાં પુનરાવર્તનો તો વાર્તા કહેનારને મોઢે જ હોવાં જોઈએ, અને તે અક્ષરશ: જ. જે લોકો અભ્યાસ કરીને વાર્તાકથનનું શાસ્ત્ર શીખે છે તે લોકોમાં એકાદ-બે દોષો પેસી જવા સંભવ છે. વાર્તા રસિક કેમ બનાવવી એ વિચાર તેમના મનમાંથી દૂર જતો નથી. આથી તેઓ ઘણી વાર વાર્તામાં અસ્વાભાવિકતા અને અતિશયોક્તિ જાણે અજાણે દાખલ કરી દે છે. નાટકનો વિદૂષક કૃત્રિમતાને લીધે આપણને હસાવે છે પણ ખરો આનંદ આપતો નથી. હાસ્ય અને આનંદ હંમેશાં એક જ ચીજ નથી. વાર્તાકાર જેટલો કૃત્રિમ થાય તેટલો તે શ્રોતાજન પાસે વિદૂષક જેવો દેખાય છે. વધારે પડતો અભિનય વાર્તાને રસિક બનાવવાને બદલે નીરસ બનાવે છે. રંગના છાંટા હોય કૂંડાં ન હોય, એમ ભાવનું અભિનયથી સૂચન હોય કૂંડાં ન હોય. એ જ પ્રમાણે ભાવનું અભિનયથી સૂચન હોય પણ અભિનયે ભાવ ઉપર ચડી બેસવું ન જોઈએ. માત્ર અવાજથી ભાવ વ્યક્ત કરી શકીએ ત્યાં સુધી હાથ, પગ કે બીજી ઇન્દ્રિયોની મદદ વિના ભાવ વ્યક્ત કરવાની ખૂબી સિદ્ધ કરવામાં વાર્તાકારની કુશળતા છે. ગદ્ગદ કંઠે દુઃખનો વિચાર દર્શાવી શકતા હોઈએ તો મોટેથી ડૂસકાં લેવામાં કે રડી બતાવવામાં કૃત્રિમતા સિવાય બીજુ કશું જ નથી. વાર્તાકારમાં ભાવનું સૂચન કરવાની અજબ કળા જોઈએ. એ પોતે નટ નથી પણ નટરાજ છે; એ પોતે નાટકનું પાત્ર નથી પણ સૂત્રધાર છે. એટલે જ વાર્તાનાં પૂતળાંને બરાબર નચાવવાની કળા તેનામાં આવશ્યક છે. વાર્તાના પાત્રનું હાસ્ય જાતે ખડખડાટ હસીને બતાવવામાં ખૂબી નથી. વાર્તાકારની ખરી ખૂબી તો વાર્તાના હાસ્યવિનોદ પ્રત્યે ઇંગિત માત્રથી - એક સૂચનાત્મક સ્મિત માત્રથી અંગુલિનિર્દેશ કરવામાં રહેલી છે. એવી જ રીતે વાર્તાનો વિનોદ જાતે ભજવી બતાવવાથી અવિનોદને પામે છે. અભિનય કરવામાં ખૂબ કૃપણતા રાખવાની જરૂર છે. દવા માંદગી મટાડે છે પણ તંદુરસ્તીની ખામી બતાવે છે, એમ જ અભિનય માણસનો ભાવ પ્રત્યક્ષ કરાવી શકે છે તેની સાથે જ માણસની કલ્પનાનું દારિદ્રય પ્રગટ કરે છે. જેમ જેમ નાટકનું વસ્તુ સામાન્ય અને નાટકોની અને શ્રોતાજનોની કલ્પના દરિદ્ર તેમ તેમ અભિનયનું પ્રમાણ વધે છે. જે શ્રોતાગણ આંખના પલકારાથી કે ગળાના અવાજથી કે શરીરના સહેજ હલનચલનથી કથાકારનો અંતર્ગત મર્મ સમજવામાં નિષ્ફળ જાય છે તે આપણે ઓછા કલ્પક કહીએ છીએ. જેમ જેમ સમાજ અશિષ્ટ તેમ તેમ તેને ભવાઈમાં વધારે રસ પડે છે; અને જેમ જેમ સમાજ વધારે શિષ્ટ તેમ તેમ તેને દપ્ય નાટકો કરતાં પણ શ્રાવ્ય નાટકોમાં વધારે રસ આવે છે. આથી જ રામલીલામાં હનુમાનનું અને તાબૂતમાં દીપડાનું પૂંછડં બહુ વધારે પ્રમાણમાં મોટું કરવું પડે છે. વાર્તા એ એક શબ્દચિત્ર છે, અને તેથી વાર્તાશ્રવણ એ કલ્પનાનો વિષય છે. સાહિત્યશિક્ષણનો ઉદ્દેશ માણસને ઊંચામાં ઊંચી કલ્પનાને ને ઊંચામાં ઊંચી કારીગરીને શબ્દચિત્રોથી સમજતો કરવાનો છે. વાર્તાનું કથન એ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે સાધન છે, અને સાધ્ય પણ છે. ચિત્રો અનેક પ્રકારનાં છે; આંખનો વિષય થઈ શકે તેવાં ચિત્રો રૂપચિત્રો છે, શ્રવણગોચર ચિત્રો ધ્વનિચિત્રો છે, ઘ્રાણગોચર ચિત્રો ઘ્રાણચિત્રો છે, તેમ જ કાન દ્વારા સ્મરણપટ ઉપર પડનારાં અને તે દ્વારા કલ્પનાને સ્પર્શનારાં ચિત્રો તે શબ્દચિત્રો છે. વાર્તા આવી જાતનું ચિત્ર છે. કલાકારનો ઉદ્દેશ માણસની સામે ચિત્ર આબેહૂબ ખડુ કરવાનો છે. એક ચિત્ર ખડુ કરતાં બીજા ચિત્રની મદદ કેટલી આવશ્યક છે કે વ્યવહારુ છે તેનો નિર્ણય કલાકાર કરી શકે છે. વાર્તાના કથન સાથે વાર્તાનાં રૂપચિત્રો વિદ્યાર્થીઓને બતાવતાં જવાં કે કેમ એ એક પ્રશ્ન છે. વાર્તાનો એક ઉદ્દેશ વિદ્યાર્થીઓના મગજ ઉપર શબ્દચિત્રોની અને તે વડે સાહિત્યની શક્તિનું દર્શન કરવાનો હોય તો શબ્દચિત્રોમાં બીજાં ચિત્રોને અવકાશ નથી. વાર્તાના કથન દ્વારા ખડાં થતાં શબ્દચિત્રોમાં ચિત્રની ગતિને રોધક હોય એવો કોઈ પણ જાતનો વિક્ષેપ ત્યાજ્ય છે. વિષયાંતર જેટલું નિંદ્ય છે તેટલું જ વાર્તાના કથન સામે રૂપચિત્રો અથવા સ્થૂળ ચિત્રોનું દર્શન પણ નિંદ્ય છે. ઘણા લોકો માને છે કે વાર્તાના કથન સાથે ચિત્રના દર્શનથી વાર્તામાં વધારે રસ જામે છે અને વાર્તાનું જ્ઞાન દૃઢ થાય છે. શબ્દચિત્ર જો વિદ્યાર્થી ઉપર અસર કરી શકતું ન હોય તો રંગ કે રૂપચિત્રોથી વાર્તાને સફળ કરવાનો પ્રયત્ન વાર્તાના ખરા ઉદ્દેશને નિષ્ફળ કર્યા બરાબર છે. ચિત્રદર્શનથી વાર્તાને કે કોઈ પણ વસ્તુને સમજી તેનો આનંદ લેવો તે અલગ વાત છે. ઊલટું જેમ એક સુંદર ચિત્રને જોવામાં વાર્તાચિત્ર આડે આવે છે તેમ જ એક સુંદર શબ્દચિત્રની આડે રંગચિત્ર જરૂર આવે છે જ. જ્યાં જ્યાં વાર્તાની સાથે ચિત્ર બતાવાય છે ત્યાં ત્યાં વિદ્યાર્થીઓમાં રસનો કેવો ભંગ થાય છે, વર્ગમાં કેટલી બધી અવ્યવસ્થા જામે છે, અને શબ્દચિત્રનું કેટલું બધું દારિદ્રય નજરે પડે છે તેનો ખ્યાલ તો આવા પ્રયત્નો નજરે જોનારને જ આવી શકે છે. શબ્દચિત્રને રંગ કે રૂપચિત્રરૂપે આલેખેલું વાર્તાનું કથન પછી કોઈ બીજે સમયે જોવામાં બાળકોને જરૂર આનંદ આવે છે જ. વાર્તાનો એક બીજો ઉદ્દેશ વિદ્યાર્થીની કલ્પના ખીલવવાનો છે. જો વાર્તા કહ્યા પહેલાં કે વાર્તાના કથનની સાથે ચિત્રો બતાવતા જઈએ તો કલ્પનાના ઉડ્ડયનને અવકાશ રહેતો જ નથી. રાજા કેવો હશે તેની કલ્પના બાળક કરે અને તેમ કરતાં પોતાની કાવ્યશક્તિને ખીલવે તે પહેલાં તો માથે મુગટ અને હાથમાં તલવારવાળો રાજા આવીને ઊભો રહે તેથી બાળકોનો રસ ઊડી જાય છે, અને કલ્પનાશક્તિના વિકાસને પોષણ મળતું નથી. એક બીજી વાત પણ વિચારવા જેવી છે. વાર્તાના કથનથી વિદ્યાર્થીને આનંદ આપવાનો ઉદ્દેશ આપણને કબૂલ છે. પણ તે અનેક રીતે વાર્તાને રસિક બનાવીને આપવા કરતાં વાર્તારૂપી કલાને સંપૂર્ણપણે વિદ્યાર્થી આગળ ધરીને આપવાનો છે. વિદ્યાર્થીઓને વાર્તામાં રસ લેતા કરવા કરતાં વાર્તાનો રસ વિદ્યાર્થી પાસે ધરવાની વાત છે. વાર્તાકારનો ઉદ્દેશ વાર્તામાં બાળકને રસ લેતું કરવાનો છે. હરેક માણસ આપોઆપ વાર્તાના કથનમાં રસ લેતું થઈ જાય એમાં વાર્તાના કથનની ખૂબી છે. એ વિચારને ધ્યાનમાં રાખવામાં આવે તો વાર્તાના કથન સાથે રંગચિત્રોને અવકાશ ન જ રહે. સારામાં સારા વાર્તાકારનો પ્રયત્ન પણ જ્યાં બાળકો પાસેથી 'વાર્તા કઢવવાની' રીત ચાલે છે ત્યાં નિષ્ફળ જાય છે. 'વાર્તા કઢાવવી' એટલે કહેલી વાર્તા બાળક પાસે કહેવરાવવી. વાર્તા આસ્વાદની વસ્તુ છે. બાળક જો વાર્તાથી રંજિત થાય તો વાર્તાનું કામ પૂરેપૂરું સર્યું છે એમ સમજવાનું છે. સાંભળેલી વાર્તા તુરત જ કઢાવવાનું કામ વાર્તા નિશાળમાં આવી ત્યારથી જ શરૂ થયું છે. માણભટની વાતો સાંભળનારાઓ મોટા થઈને પોતાનાં બાળકોને સાંભળેલી વાતો કહે છે ત્યાં સુધી તેમની પાસેથી તે કોઈ 'કઢાવતું' નથી. ડોશીમાને ખોળે નાનપણમાં સાંભળેલી વાતો ફરી વાર ડોશીમા થઈએ છીએ ત્યારે વગર કઢાવ્યે આપોઆપ મગજનાં જૂનાં પડોમાંથી સ્ફૂરી આવે છે. વહાણમાં ફરતાં કે કોઈ સરાઈમાં વટેમાર્ગુઓની સાથે રાત ગાળતાં કે કોઈ મિત્રમંડળીમાં ઘણાં ય વર્ષો પહેલાં સાંભળેલી વાતો એવી ને એવી તાજી અકબંધ વગર કઢાવ્યે નીકળી આવે છે. વાર્તાનું શિક્ષણમાં સ્થાન છે, પરંતુ વાર્તા કહીને કઢાવવાની રીતિથી વિદ્યાર્થીને તેમ જ વાર્તાને ઘણું નુકસાન થાય છે. બેશક વાર્તાના કથનથી વિદ્યાર્થીની ભાષા ઘડાય છે અથવા વાર્તાકથનનો એ ઉદ્દેશ પણ છે કે તે વડે વિદ્યાર્થીની ભાષા ઘડવી. પણ વાર્તા કઢાવીને ભાષા ઘડવાનો મોહ શિક્ષકે છોડી દેવો જોઈએ. આ તરફથી ખીચડીને તપેલીમાં ઓરીએ અને બીજી તરફથી કડછીએ કડછીએ કાઢીને તેને ખાવા બેસીએ ત્યારે જેમ કાચી ખીચડી આપણને ખાવા મળે, તેમ જ આજે આપેલી ભાષાશક્તિ પાછી કઢાવીએ તો કાચી ખીચડી જેવી ભાષાશક્તિ મળે. બીજારોપણ અને ફલાગમનની ક્રિયા એકીસાથે સંભવી શક્તિ હોય તો જ વાર્તાક્થન અને પ્રતિકથનની ક્રિયાઓ એકીસાથે સંભવી શકે. પ્રત્યેક વાર્તા કહેનારે પોતાની વાર્તા આડંબર વિનાની અને વિષયાંતરથી કેવળ મુક્ત રાખવી જોઈએ. ઘણા માણસો વાર્તા દ્વારા જ્ઞાન આપવાના આયોગ્ય હેતુથી એક વાર્તામાં ઘણી વાતો ગૂંથી દે છે. આથી વાર્તાના બંધારણમાં શિથિલતા આવી જાય છે અને ઘણી વાતોનો ખીચડો થઈ જવાથી વાર્તાનો આનંદ જામતો નથી તેમ જ્ઞાન પણ મળતું નથી. વાર્તાનો પ્રવાહ અસ્ખલિત એકધારો હોવો જોઈએ. એક પણ આડીઅવળી વાત પર ચડી જવું ન જોઈએ; વાર્તાનાં પાત્રોના મનોભાવને જેટલો અવકાશ હોય તેટલા જ પ્રમાણમાં તેને વ્યક્ત કરવો જોઈએ. લાંબા વર્ણનો, બીજી બાબતોનાં દષ્ટાંતો વગેરેનો ત્યાગ કરવો જોઈએ. વાર્તાના શબ્દો એટલા બધા ચોક્કસ અને અર્થસૂચક વાપરવા જોઈએ કે તેનો અર્થ સમજાવવા ખોટી થવું ન પડે. તેમ વાર્તામાં એવું અર્થગાંભીર્ય ન આવી જવું જોઈએ કે તે સ્પષ્ટ કરવા વાર્તાના પ્રવાહને મંદ કરવો પડે. જ્યારે વાર્તામાં વિષયાન્તર થાય છે ત્યારે વાર્તાનો વેગ અટકી જાય છે, વહન સુકાઈ જાય છે અને સાંભળનારનો રસ ઊડી જાય છે. વાર્તાને ડાળીડાળાં વિનાના સીધા સોટા જેવા ફક્ત માથે પાંદડાંવાળા એક તાડના ઝાડ જેવી કલ્પી લેવી જોઈએ. તેના કથન વખતે સાંભળનારને પ્રશ્ન પુછાય નહિ, તેમ જ તેનું કોઈ પણ વખતે અનુમોદન પણ લેવાય નહિ. વળી વાર્તા છેક આડંબર વિના જ કહેવી જોઈએ. મોટા બરાડા પાડવાથી કે વધારે પડતા હાવભાવ કરવાથી વધારે સારી રીતે કહેવાતી નથી. ઊલટું જ્યાં મોટા બરાડા પાડવામાં આવે છે ત્યાં વાર્તા સંભળાતી જ નથી, અને જ્યાં વધારે પડતા હાવભાવ હોય છે ત્યાં વાર્તા હાવભાવમાં જ ડૂબી જાય છે. વાર્તા કહેનારે વાર્તાનાં પાત્રોનો બધોય સોંગ કરવાનો નથી પરંતુ જ્યાં શબ્દ કરતાં સોંગથી વાર્તાનો પ્રાણ વધારે બળથી દેખાડી શકાતો હોય ત્યાં સોંગ કરવો જ જોઈએ. કેટલીએક વાર તો જે વાત શબ્દથી કહી શકાતી નથી તે શરીરના હાવભાવથી આબાદ રીતે દેખાડી શકાય છે. આમ છતાં સોંગથી વાર્તા કહેનારે ચેતતા રહેવાનું છે. જેમ સોંગ હદ બહાર જાય તેમ વાર્તાની કળા કૃત્રિમ થાય ને વાર્તાનો હેતુ અફળ જાય. સોંગ પણ તે જ માણસો કરી શકે કે જેઓ તેના સ્વાભાવિકપણે અને વિના આયાસે કરી શકતા હોય. જેઓને પરાણે સોંગ કરવો પડતો હોય, જેઓમાં સોંગ અસ્વાભાવિક હોય, જેઓને સોંગ માટે સીધો પ્રયત્ન કરવો પડે, તેમણે તો કદી સોંગ કરવો જ નહિ. એવાઓ સોંગ ન કરે તેમાં જ વાર્તાના સાંભળનારાંઓને લાભ છે. વાર્તા કહેનારની વાણીમાં સ્પષ્ટતા જોઈએ. તેના અવાજમાં વાર્તાનો વિનોદ, વાર્તાનો શોક, વાર્તાની સઘળી લાગણીઓ અને ભાવો ધ્વનિત થવા જોઈએ. વાર્તા ન અતિ ઉતાવળથી થવી જોઈએ કે ન અત્યન્ત ધીમેથી. સાધારણ રીતે વાર્તાના કથનનો વેગ વાર્તા પોતે જ નક્કી કરી આપે છે; છતાં ય મધ્યમ ગતિથી વાર્તા કહેવાય તો જ સારું. અવાજથી આપણે વાર્તામાં રહેલ ભાવો જેવી સુંદર રીતે પ્રગટ કરી શકીએ છીએ તેવી સુંદર રીતે બીજાં સાધનો વડે વાર્તાના ભાવો પ્રગટ થઈ શકતા નથી. અવાજમાં આપણે હાસ્ય દર્શાવી શકીએ છીએ, આવજમાં આપણે શોક પ્રદર્શિત કરી શકીએ છીએ, અને અવાજમાં આપણે વાર્તાના પ્રાણને વહેવડાવી શકીએ છીએ. અવાજ કાઢવાની, ફેરવવાની ને બદલવાની કળા વાર્તા કહેનારામાં ઘણી જ આવશ્યક અને ઉપયોગી છે. શરૂઆત જેમ બને તેમ ધીમા અવાજથી કરવી. કદી પણ ઘાંટો પાડીને વાર્તા કહી શકાય જ નહી. ઘાંટો પાડીને વાર્તા કહેવાથી વાર્તા બાળકના મગજમાં જતી નથી પણ માત્ર કર્કશ અવાજ જ જાય છે, અને તેથી બાળકના કાનની શક્તિ ઘટે છે. બાળકને માત્ર સંભળાય તેટલો જ અવાજ બસ છે. વાર્તા કહેનારે હંમેશાં એક કરતાં વધારે વાત કહેવા માટે તૈયાર રહેવું જોઈએ. જો એકાદ વાર્તા બાળકોના સાંભળવામાં પૂર્વે આવી ગઈ હોય અને તેથી કે વાર્તાની પસંદગીમાં ભૂલ થવાથી નિષ્ફળ જાય તો તુરત જ બીજી વાર્તા વાપરવામાં આવે. જે મનુષ્ય એકાદ બે કે પાંચ વાર્તા વાંચીને કે સાંભળીને કહેવા નીકળે છે તે હંમેશાં તેના કામમાં નિષ્ફળ જ જવાનો. વાર્તા કહેવાનું કામ કરનારે તો સંખ્યાબંધ વાર્તાઓ જાણવાની જરૂર છે, ને હરેક વખતે તેણે વાર્તા કહેવાને તત્પર જ રહેવું જોઈએ. વાર્તા કહેનારે વાર્તા કહેતી વખતે એક બાળક તરીકે એ વાર્તાનો આનંદ લેવાનો છે, તેમ જ પોતાની વાર્તા બીજો કોઈ કહેતો હોય અને તે પોતે સાંભળતો હોય એવી તટસ્થતા વાર્તા પ્રત્યે રાખવાની છે. આમ કરવાથી જ પોતે બાળકની દૃષ્ટિને સમજી શકે છે અને પોતે પોતાનો જ ટીકાકાર બની જઈ પોતાની ભૂલો શોધી કાઢી સુધારી શકે છે. આ બન્ને કામ કરવા ઉપરાંત પોતાને પણ તલ્લીન થઈ જવાનું છે. વાર્તાના ભાવો અને લાગણીઓ જગાડવાની સાથે પોતે પણ તે અનુભવવાનાં છે તે ભૂલી જવાનું નથી.
❋