વાર્તાનું શાસ્ત્ર/વાર્તાના ભંડારો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 16:01, 2 November 2024

પ્રકરણ તેરમું
વાર્તાના ભંડારો

આ પુસ્તકનું આ છેલ્લું પ્રકરણ છે. એમાં વાર્તા કહેનારે પોતાને જોઈતી વાર્તાઓ કયાંથી મેળવી લેવી તેની દિશા બતાવવામાં આવી છે. વાર્તાના ક્રમમાં આપણે પાંચ શ્રેણીઓ મૂકી છે. પહેલી શ્રેણી જોડકણાંની અથવા જોડકણાંભરી વાર્તાઓની(Rhythmic period) બીજી શ્રેણી કલ્પિત વાર્તાઓની(Imaginative period) ત્રીજી શ્રેણી શૂરાની વાતોની (Heroic period)ચોથી શ્રેણી અદ્ભુત અને પ્રેમકથાઓની, (Romantic Period)અને પાંચમી શ્રેણી સામાન્ય વાર્તાઓની (General period) આ પ્રકરણને અંતે આપેલી વાર્તાઓમાંથી કઈ વાર્તા કઈ શ્રેણીની છે તે વાર્તા કહેનારે શ્રેણીના ગુણધર્મ પ્રમાણે નક્કી કરવાનું છે. વળી મોટે ભાગે બાળકો પાસે વાર્તાઓ વાર્તાઓ કહેવાથી કઈ વાર્તા કઈ શ્રેણીની છે તે આપણે સમજી શકીશું. ગુજરાતી ભાષા સિવાયની બીજી ભાષાઓની વાર્તાઓનું વાર્તા કહેનારે ભાષાંતર કરી લેવાનું છે. ભાષાંતરમાંથી કહેવા યોગ્ય વાર્તા બનાવી લેવી એ વળી બીજું કામ છે. ગુજરાતી ભાષાની વાર્તાઓમાં કહેવાં યોગ્ય વાર્તાઓ બહુ વધી નથી. આ પરિસ્થિતિ અસ્વાભાવિક નથી. કારણ કે આજ દિન સુધી આ દિશા તરફ વાર્તાલેખકોનું લક્ષ ગયું નથી. જે વાર્તાઓ માત્ર વાર્તાઓ જ છે, તેને તો કહેવા યોગ્ય કરવી જ પડશે. એ કાચા ખજાનાને ગાળીને, તપાવીને, ઓપીને એનો ઘાટ ઘડવો પડશે. પહેલ પાડયા વિનાના એ હીરામાણેકોને ધ્યાનપૂર્વક પહેલ પાડવા પડશે. આપણાં અત્યારનાં વાર્તાનાં પુસ્તકો અને સંગ્રહો બાળકોની દૃષ્ટિએ લખાયાં નથી. તેથી તેમને એમ ને એમ વાપરવાં સલાહકારક નથી. અત્યાર સુધીમાં વાર્તાનું સાહિત્ય જે જે ઉત્સાહી મનુષ્યોએ તૈયાર કરેલું છે તેમણે વાર્તાકથનમાં કિંમતી સાહિત્યો ઊભાં કરી મૂક્યાં છે એમાં તો કશો શક જ નથી. પણ એ બધો કાચો માલ છે. એને ભઠ્ઠીએ ચડાવી આપણે એનું સંશોધન કરવું પડશે જ. યાદીમાં આપેલી ચોપડીઓને વાર્તાની પસંદગીની દષ્ટિથી દરેક વાર્તા કહેનારે જાતે જ તપાસવી જોઈએ. ત્યાર પછી તેને કહેવા યોગ્ય બનાવવાની મહેનત ઉઠાવવી ઠીક છે. મેં જે સિદ્ધાંતો વાર્તાકથન સંબંધે જણાવ્યા છે તે સિદ્ધાંતોનો ભંગ કરનારી કોઈ વાર્તા આ યાદીમાં પેસી ગઈ હોય તો તે જરૂર ફેંકી દેવાની છે. આદર્શભેદે પણ કોઈ કોઈ વાર્તાઓને ધક્કો આપવામાં આવે તો તેનો ધોખો નહિ કરું. અંગ્રેજીમાં વાર્તાનું સાહિત્ય વિસ્તૃત છે. એ યાદી માટે બાઈ કેથરના પ્રયત્નોને ધન્યવાદ આપવો ઘટે છે. "Educating by Story-telling" નામના પુસ્તકમાં દરેક પ્રકરણ પાછળ યોગ્ય વાર્તાની યાદી છે. કેથરની યાદી પણ પૂર્ણ છે એમ સમજવાનું નથી. બધી યાદીઓ દિશાસૂચક જ સમજી લેવાની છે. ગુજરાતી પુસ્તકોની યાદી અપૂર્ણ છે. જે જે અનુભવી ભાઈઓ આ યાદીમાં યોગ્ય વધારો કરવા મદદ કરશે તેમની મદદ પ્રેમથી સ્વીકારવામાં આવશે. બીજી ભાષાઓનાં પુસ્તકોની યાદીનો વિચાર એક દિશારૂપે જ છે. અત્યારે તો એ યાદીઓમાં મીડું જ છે. યાદીઓમાં મૂકેલાં પુસ્તકોનાં નામો જોઈ વાર્તા કહેનારને એમ જ લાગી જશે કે વાહ, આ તો વાર્તાનો મોટો ભંડાર ઉઘડયો ! આ હકીકત સાચી છે, પણ એનો લાભ એકદમ ઉઠાવી શકાય તેમ નથી. વાર્તાના ભંડારમાંથી ઉપયોગી વાર્તા બનાવી લેવાનું કામ જ મુશ્કેલ છે અને તેથી વાર્તાને કહેવા યોગ્ય બનાવી લેવાની કળા ઉપર વધારે ભાર મૂકવાની મને ખૂબ જરૂર લાગે છે. કેટલાંએક પુસ્તકોનાં નામો વાંચીને વાંચનારને છેક હસવું આવશે. તેમને લાગશે કે આવી વાર્તાઓને વળી કયાં ગણાવી? યાદી બનાવવામાં મેં પક્ષપાત નથી કર્યો એમ મારે જણાવવું જોઈએ. જે વાર્તા સાધન તરીકે સારી લાગી છે તે મેં અવશ્ય મૂકી છે. 'સદેવંત સાવલિંગા'ની અને 'ગજરામારું'ની વાર્તાઓને હું ખરાબ ગણતો નથી. એ વાર્તાઓને પણ સ્થાન છે. વાર્તાના શાસ્ત્રને અનુસરીને એમાં ઘટતા ફેરફારો કરી લેવાની આપણને પૂરી છૂટ છે. મોટે ભાગે મેં નવી અને જૂની બંને વાર્તાઓને સ્થાન આપ્યું છે; છતાં જૂની વાર્તાઓ મને વધારે ગમે છે કારણકે તેમાં સ્વાભાવિકતા વધારે છે, તેની સાદાઈ આકર્ષક છે અને તેનો ઉદ્દેશ આનંદ આપવાનો પ્રધાનપણે છે. કેટલીએક વાર્તાઓ મેં મૂકી છે ખરી પણ મને લાગે છે કે તે નિષ્ફળ જશે. તેમને પણ એકવાર તક આપવી એ મને ઠીક લાગ્યું છે. વાર્તાની યાદીનો વિચાર કરતાં મને લાગે છે કે આપણી ભાષામાં વાર્તાના સાચા સંગ્રહો ઘણા જ થોડા છે. સ્વ.કાંટાવાળા જેવી થોડીએક વ્યક્તિઓનું ધ્યાન આવા સંગ્રહો કરવા તરફ ગયું છે, પરંતુ હજી એ સંગ્રાહકોની દિશા સ્પષ્ટ નથી થઈ. આથી જ એમની વાર્તાઓ ખાણમાંથી ખોદી કાઢેલા કાચા સોના જેવી છે. છતાં ખૂબ અશુદ્ધ છે. હજી એને ફરી વાર લખીને શુદ્ધ કરવાની જરૂર છે. અહીં શુદ્ધિનો અર્થ ભાષાશુદ્ધિના સંકેતમાં નથી. હું આશા રાખું છું કે થોડા જ વખતમાં જાત જાતના બાળકોપયોગી વાર્તાના યોગ્ય સંગ્રહો આપણી ભાષામાં પ્રસિદ્ધ થશે. ભાઈ ઝવેરચંદ મેઘાણીએ આ દિશામાં સુંદર કામની શરૂઆત કરી દીધી છે એ હર્ષની વાત છે. બીજા પણ ઉત્સાહી યુવકોએ કાર્યારંભ કરેલો છે એમ હું જાણું છું, તેથી મારી આશા વ્યર્થ નથી ધારતો. આ ક્ષેત્રમાં કામ કરનાર જે જે ભાઈબહેનોનાં નામ નોંધ્યા વિના રહી જાય છે એમાં મારા અજ્ઞાનનો દોષ છે, તેમ છતાં તેમને ધન્યવાદ તો ઘટે જ છે. અંગ્રેજી ભાષામાં આ વિષય ઉપર ખૂબ લખાયું છે. આપણી ભાષામાં આ પહેલવહેલો નમ્ર પ્રયત્ન છે. આ નમ્ર પ્રયત્ન સફળ થાય એવું પ્રભુ પાસે માગી હું આ પ્રકરણ પૂરું કરું છું.