વાર્તાનું શાસ્ત્ર/વાર્તા વિશે થોડુંએક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 63: Line 63:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = લોકવાર્તાનું સાહિત્ય
|previous = લોકવાર્તાનું સાહિત્ય
|next = વાર્તાના ભંડારો.
|next = વાર્તાના ભંડારો
}}
}}

Latest revision as of 16:52, 2 November 2024

પ્રકરણ બારમું
(૧) વાર્તા વિષે થોડુંએક

ધર્મનીતિ, સામાજિક આચારવ્યવહાર, રાજકારણના વિચારો, જાત જાતની જ્ઞાનસમૃદ્ધિ, વગેરે ઘણું ઘણું વાર્તા દ્વારા શીખવવા આપણે નીકળ્યા. પ્રત્યેક વાર્તા કીધા પછી તેનું નવનીત કાઢી બતાવી બાળકને તે આપ્યું. વાર્તાને નામે ઈતિહાસ અને ભૂગોળ આદિ વિષયોનો કડવો ઘૂંટડો વિદ્યાર્થીઓ પાયો, ને વાર્તાઓ મારફતે ભાષાશિક્ષણને પણ હાથ પર લીધું. ટૂંકમાં વાર્તાને કામધેનુ કે કલ્પવૃક્ષ બનાવી તેની નીચે બેસી જે મનમાં આવ્યું તે વાર્તા મારફતે કરવા લાગ્યા. સંગીત અને કળા જેવા વિષયોને પણ વાર્તા દ્વારા શીખવવાની હિમાયત ચાલી ને પ્રયોગ થવા લાગ્યા. આની સાથે જ વાર્તાનું સાહિત્ય વધ્યું. આજે જોઈશું તો કેટલા યે પ્રકારની વાર્તાઓ મળશે. નીતિનું શિક્ષણ આપવા માટે આનંદશંકરભાઈનું 'નીતિશિક્ષણ' તૈયાર જ છે. અંગ્રેજીમાં ગૂલ્ડની મોરલ ટેઈલ્સનો પાર જ નથી. પઢિયારે સામાજિક દૃષ્ટિથી એવી વાર્તાઓ લખી. ભોગીન્દ્રરાવે અને બીજાઓએ બાળકોને જાત જાતનું શિક્ષણ મળે એવું જેમાં આવે એવી એવી વાર્તાઓનાં ભાષાંતર કર્યાં અથવા તો રચી. છેવટે એવો વખત આવ્યો કે ઇતિહાસ વાર્તા દ્વારા શીખવવાનો લગભગ પ્રઘાત પડયો. નિબંધલેખનમાં વાર્તા અગત્યના પાયારૂપે મનાઈ ને વિજ્ઞાનના વિષયોને પણ વાર્તામાં લખ્યા. આમ જાણે કે આખું જગત વાર્તામય કે વાર્તાને આખા જગતમય કરી નાખી. જેમ વાર્તાના ઉપયોગમાં વિશાળતા ને વાર્તાના સાહિત્યમાં વિપુલતા આવી તેમ જ વાર્તાની કથનશૈલીમાં મોટા મોટા સુધારા થયા. વાર્તા, સાહિત્યની દૃષ્ટિએ ને કલાની દષ્ટિએ કહેવાનું મન થયું. 'ડોશીમા'ની શૈલી ફરવા લાગી; ડોશીમાનાં અકબંધ વાકયોવાળી વાર્તાને વીંખી નાખી તેમાં વિશેષણો અને ક્રિયાવિશેષણોનો રંગ પૂર્યો, કુદરતનાં વર્ણન ભર્યાં, મનુષ્ય- સ્વભાવનાં લક્ષણ નાખ્યાં ને વાર્તાને વધારે ને વધારે આકર્ષણ બનાવવાના પ્રયત્નો થયા. ભાષાની દૃષ્ટિ પાછળ ન રહી. વાર્તામાં કહેવતોએ અને ઉપમાઅલંકારોએ પેસારો કર્યો; વર્ણનો છલી વળ્યાં, વાર્તા શોભી ઊઠી. વાર્તાઓ કહેનારાઓ વાર્તામાં મૂકેલાં કલા અને સાહિત્યને બાળકો આગળ પ્રેમપૂર્વક પીરસવા લાગ્યા. વાર્તાકાર બોલ્યો : "એક હતું સુંદર સરોવર; જાત જાતનાં કમળો ઊઘડે : કોઈ ધોળા, કોઈ રાતાં, કોઈ ભૂરાં. એમાં ભમરા ઊડે. કોઈ કમળ સવારે સૂરજ સાથે ઊઘડે, કોઈ વળી સાંજે ચાંદા સાથે ઊઘડે.” અથવા "એક હતો ચકલો; બે એની પાંખો, એક એની ચાંચ, આમ ડોક કરે ને તેમ ડોક કરે. એક હતી ચકલી; નાના નાના પગ, નાનીશી ચાંચ, ચકચક કરે ને દાણા ચણે.” અથવા "એક રાજા હતો. રાજાનું કાંઈ રાજ મોટું ! કેટલા ય ગાઉ લાંબું ને કેટલા ય ગાઉ પહોળું! એમાં મોટાં મોટાં શહેરો ને ગામો, ડુંગરા ને નદીઓ.” અથવા "એક હતી ભલી છોડી. ભલપણનો ભંડાર; દયામાં તો રાજા જેવી; દાનમાં તો રાજા કર્ણ જેવી; ને તેનાં કાંઈ રૂપ ! ઈન્દ્રની અપ્સરા યે એની પાસે લાજે. ભગવાને જાણે નવરે દિવસે ઘડેલી." આની સાથે જ વાર્તાઓ નવી દૃષ્ટિએ લખાઈ. શૈલી એની મનમોહક; વર્ણન એનાં મનોરમ. જોઈએ તો ભાષાના સુંદર પ્રયોગોવાળી વાર્તા મળે, જોઈએ તો શૈલીની સુંદરતાભરી મળે; જોઈએ તો કાવ્ય જેવી, જોઈએ તો અપદ્યાગદ્ય જેવી, અને જોઈએ તો ટાગોરની કૃતિઓ જેવી વાર્તાઓ મળે. આજે આવી વાર્તાઓ પણ મળે છે. આમ બધું બની ગયું છે. એકવાર પાણીનાં પૂર આવી ગયાં છે. એમાં કેટલી યે વસ્તુઓ તણાઈ આવી. હવે ધીરે ધીરે નીર નીતરતાં જાય છે; હવે શૈલીનો ને વસ્તુ વગેરેનો વિચાર શાંતિથી કરી શકાશે. એક વાત તો લગભગ નક્કી થઈ ગયા જેવી છે. તે એ કે વાર્તાનું મુખ્ય પ્રયોજન આનંદ છે : શુદ્ધ, સ્વાભાવિક, તંદુરસ્ત અને પ્રેરક આનંદ છે. બાળકો વાર્તાના આનંદને સહજ શક્તિથી પકડી શકે છે. ઉપરના આનંદ તળે વાર્તામાં શું છુપાયેલું છે તે તેમને ઝટ હાથ આવે છે. આપણે વાર્તાને નામે કઈ વાત દાખલ કરવા માગીએ છીએ તે તેમનાથી લાંબો વખત છૂપું રહી શકતું નથી. એટલે જ તેઓ તરત જાણી જાય છે કે આ વાર્તા તો નામની છે; એમાં કામ તો ઇતિહાસ કે ભૂગોળ શીખવવાનું છે. એમને તરત જ ખબર પડે છે કે આખી વાર્તા કંઈ ધર્મનો સાર કઢાવવા માટે કહેવાય છે. વાર્તાને નામે સાંભળવા એકઠાં થયેલાં બાળકો જ્યારે તેમાં ખરી વાર્તા નથી હોતી ત્યારે ઊઠીને ઊભાં થાય છે. આથી આપણે એટલું સમજી ગયા છીએ કે વાર્તામાં ગમે તે ઘુસાડવા માગતા હોઈએ પણ તેની કસોટી તે બાળકોને આનંદ આપી શકે છે કે નહિ તે છે. નીતિનો સાર કઢાવવાનું હાલ બંધ પડવા લાગ્યું છે. એ વાત સારી છે. વાર્તા કીધા પછી તે કઢાવવી નહિ એ વિચારનો પણ હાલમાં સ્વીકાર થવા લાગ્યો છે. કારણકે બાળકને વાર્તા સાંભળવાનો રસ છે; તેને તે કહી જવામાં પણ રસ આવે છે; પણ સાંભળ્યા પછી ત્યાં ને ત્યાં જ તે કહી જવાનું તેને નિરર્થક લાગે છે. બાળકોને વાર્તા સાંભળવાનો શોખ હોવાથી તેઓ જેમ સાંભળે છે તેમ જ જ્યારે તેમને વાર્તા કહેવાનો શોખ આવશે ત્યારે તે કહેવા માંડશે. આ ખરી ને સ્વાભાવિક સ્થિતિ છે. એટલું પણ આપણને સમજાવા લાગ્યું છે કે ભલે વાર્તામાં ઇતિહાસ ભરો કે ભૂગોળ, ગણિત ભરો કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર ભરો કે આરોગ્ય વિજ્ઞાન, બાળક વાર્તાના આનંદની સાથે તેનામાં જઈ શકે છે. એટલે આ બાબતમાં પણ આપણે વાર્તાની વસ્તુને નવેસરથી જોવાનું આવ્યું છે, ને જોવા લાગ્યા છીએ. આ દૃષ્ટિએ કહેવાની અને લખવાની વાર્તાઓમાં ફેર પડવા લાગ્યો છે અને લાગશે. છેક નવી વાર્તાઓમાં બોધને બોધ તરીકે ન ધરતાં બોધની વાત તેના વાણાતાણામાં વણી દેવામાં આવે છે. સીધી રીતે વાર્તામાં આચારવિચારની ટીકા કે માન વિષેનું લખાણ કાઢી નાખી તે બધું વાર્તાના લોહી સાથે જ ભેળવી દેવાય છે. વાર્તાની ગૂંથણી જ એવા પ્રકારની થવા લાગી છે કે એમાં બધું આવે. બાળકને તેથી જ વાર્તા વધારે સુંદર અને આકર્ષક લાગે. આમ વાર્તાના વસ્તુ પરત્વે ઠીક વિચાર અને કાર્ય ચાલ્યું છે.


(૨) વાર્તા કહેનાર ખાસ શિક્ષક

આજનો યુગ Specialization નો છે, વ્યક્તિવિશેષતાનો છે. પ્રત્યેક વ્યક્તિમાં જે વિશેષતા હોય તે કેળવવામાં તેને અને સમાજને લાભ રહેલો છે. 'Jack of all and Master of non' એ કહેવત આજનો યુગ બરાબર માને છે. એવું પણ મનાય છે કે પોતાનું વ્યક્તિત્વ પૂરેપૂરું ખીલવવામાં જ સમાજનું ખરું વ્યક્તિત્વ, ખરું જીવન ખીલશે. જેમાં જે હોય તે બરાબર બહાર આવે તો એકંદરે સમાજને જે જોઈએ છે તે મળી જ રહેશે. (એથી જ તો આજનો યુગ વિનિમયનો નથી.) આજનું અર્થશાસ્ત્ર જૂનાથી નિરાળું છે. આજે એક જ માણસે તેના બધા વ્યવહારો માટે કુશળતા કેળવવી નથી પડતી તેમ શ્રમ ઉઠાવવો નથી પડતો. આજનો યુગ શ્રમવિભાગનો છે. આ નવા યુગની અસર સર્વત્ર વધતી જ જાય છે. શિક્ષણમાં પણ તે આવી છે. Subject teaching એ આ યુગનું ફળ છે. નિષ્ણાતના લાભો આ યુગ શિક્ષણમાં લે છે ને માગે છે. નિષ્ણાત વેદિયો ન રહેતાં ધીમે ધીમે તે પોતાના એકાંગી વિષયને તલસ્પર્શી કરવામાં જ સવંદેશી થાય છે, તેને થવું પડે છે. શિક્ષણમાં આ વિચાર વધારે ને વધારે ફેલાય તે ઈષ્ટ છે. સામાન્ય વાતાવરણનો પ્રશ્ન હોય ત્યાં એક જ વ્યક્તિની છાપ યોગ્ય છે; જ્યાં શિક્ષણમાં વ્યક્તિની શક્તિની અસાધારણ વિશેષતાની જરૂર નથી ત્યાં ભલે એક જ વ્યક્તિ એકથી વધારે વિષયો શીખવે; પરંતુ જે વિષયો એવા છે કે જેનું ખાસ જ્ઞાન શિક્ષકે મેળવવું જોઈએ, જેને રજૂ કરવામાં રહેલું કલાવિધાન કયાં છે ને કેવી રીતે થઈ શકે તે જાણવું અને આવડવું જોઈએ, જેમાં તલસ્પર્શીપણા વિના ચાલે નહિ ને જે માટે વિશેષ બુદ્ધિ અને શ્રમ જોઈએ, ત્યાં તો વિષયશિક્ષણ જ જોઈએ. દરેક મનુષ્યને વાર્તા આવડતી હોય છે. પણ તેથી તે કહી જાણે છે એમ નથી. દરેક બાળક વાર્તા સાંભળી રાજી થાય છે પણ રાજી થનાર બાળકને ખરેખર ઉત્તમ રીતે જ વાર્તા સાંભળવાનું મળ્યું છે એમ નથી. વાર્તા સાંભળવી ગમે છે માટે તે જેવી કહેવામાં આવે તેવી સાંભળે છે. ઊંચી રીતે કહેવાતી વાર્તા તેણે ન જ સાંભળી હોય તો સામાન્ય વાર્તાકારને શ્રેષ્ઠ તે ગણે છે, તેનાથી તે તૃપ્ત રહે છે. પરંતુ ખરી દષ્ટિએ તેને ખરો આનંદ અને તૃપ્તિ નથી જ મળ્યાં. તેનો એ અધૂરો આનંદ અને અતૃપ્તિ જો આપણે તેને પૂરો આનંદ અને તૃપ્તિ ન આપી શકતા હોઈએ તો વીંખીએ નહિ; પરંતુ વાર્તાકથનનો હેતુ બાળકને શિક્ષણ સાથે પૂરો લાભ, પૂરો આનંદ આપવાનો હોઈ શકે, હોવો જોઈએ. વાર્તાકથનને શાળામાં સ્થાન મળ્યું. બાળકોને તો સૂકો રોટલો પણ મીઠાઈ જેવો લાગે છે. ગાળો ને માર અથવા ઇતિહાસ, ભૂગોળ અને ગણિતની માથાકૂટ વચ્ચે વાર્તા સાંભળવાનું મળે તે તેમને મન કાંઈ જેવી તેવી વાત નથી. એથી તો ગમે તેવો બેદરકાર, બેકદર, અબૂજ, કલાનો દુશ્મન જેવો શિક્ષક પણ વાર્તા કહેવા બેસશે તો તેઓ તેને સાંભળશે, તેને તે પ્રિય લાગશે. ભૂખ્યાને મન સૂકો રોટલો બત્રીશ ભોજન ને તેત્રીશ શાક છે. પણ પાકશાસ્ત્રી પાસે તો કેટલી યે ખરેખર મીઠી વાનીઓ હોય છે. પણ આપણે જાણીબૂઝીને બાળકને સૂકો રોટલો કેમ ખવરાવીએ ? તેમને ભૂખ છે માટે તો તેમને ઉત્તમ ભોજન આપીએ. વાર્તાકથનમાં આપણે આ જ હેતુ લક્ષમાં રાખીએ. દરેક શિક્ષકમાં વાર્તા કહેવાની યોગ્યતા નથી, ન જ હોઈ શકે. કેટલાકોને વાર્તાઓ યાદ નથી રહેતી; તેવાઓ વાંચીને ભૂલતાંચૂકતાં વાર્તા કહે છે. કોઈ ગોખીને બોલી જવા બરાબર કહે છે; કોઈ વાર્તાનું રહસ્ય જાણતા નથી; કોઈમાં કહેવાની ઢબ નથી હોતી. વાર્તાનું ચિત્ર ખડું કરી શકે તેવા કુશળ શિક્ષકો તો થોડા જ જડે છે. ગણિતમાં ગમે તેવું થોડું વધારે જાણનારને ને ગમે તેમ શીખવનાર શિક્ષક ચાલે નહિ, તો વાર્તા કહેનાર શિક્ષક ગમે તેવો ન ચાલે. કોઈ શિક્ષક પોતાને વાર્તા કહેનાર તરીકે તૈયાર કરી શકે. તે પોતાનો વાર્તાભંડાર વધાર્યા જ કરે. તે વાર્તા કહેવાનું શાસ્ત્ર જાણી જ લે. તે વાર્તા કહેવાનું ખાસ કામ કરીને વાર્તાનો ક્રમ, વસ્તુ, રચના, શૈલી, વગેરેનું નિર્માણ કરવા શક્તિમાન થઈ શકે. વાર્તાકથન એક જ તેનો વિષય હોવાથી તેમાં તે ઊંડો ઊતરે. વાર્તાનું વસ્તુ આપોઆપ એકઠું થતાં તેનાં પુસ્તકો રચવાનું તેને સુલભ છે. વાર્તાના વિસ્તૃત અભ્યાસને બળે વાર્તાસૃષ્ટિની પાછળ રહેલ માનવબૃદ્ધિનાં અને લાગણીનાં સૂક્ષ્મ બળો અને પડોનો અભ્યાસ તેને રસિક થઈ પડે. વાર્તાના સાહિત્યમાં તે એકલો સાહિત્યકાર કે સાહિત્યવિવેચકનું સ્થાન મેળવી શકે. આમ જો તે આ એક જ વિષયની પાછળ પડે તો નાનાં બાળકોને પૂર્ણપણે રાજી કરવાના કામથી માંડીને વાર્તામાંથી નીકળતી જીવનફિલસૂફીની મીમાંસા સુધી પહોંચે. આ માટે જ આ કામ એક વિશેષ કામ થવું જોઈએ; ને એમ થાય તો જ તેનો શિક્ષક તેમાં ઉત્કૃષ્ટતા સાધી શકે. આર્થિક દૃષ્ટિએ પણ વાર્તાશિક્ષકની પદવી અને સ્થાન કોઈ અન્ય નિષ્ણાત શિક્ષકના જ ચડે. પ્રત્યેક શાળા વાર્તાનો શિક્ષક માગે જ છે. આ વિશિષ્ટ શિક્ષક દરેક શાળામાં સંગીતશિક્ષક કે ચિત્રશિક્ષક જેમ જાય ને વાર્તા કહે. ખાનગી ઘરોમાં પણ જ્યાં વાર્તા કહેવાની જૂની પ્રથા ચાલુ રાખનાર ડોશીઓ ન હોય અથવા નવી ડોશીને વાર્તાની કળા આવડતી ન હોય, ત્યાં વાર્તાકારને સ્થાન છે. સાંજની આ પ્રવૃત્તિ બાળકોને આનંદ અને શિક્ષકને યોગ્ય બદલો આપશે. કેટલાંએક શિક્ષકશિક્ષિકાઓએ જરૂર કુશળ વાર્તાકાર તરીકે તૈયાર થઈને બહાર પડવું જોઈએ. તેથી તેઓ સામાન્ય શિક્ષક વર્ગથી ઊંચાં આવશે; તેમને લાભ પણ વધારે જ થશે. વિશિષ્ટતાના આ યુગમાં વાર્તા કહેનારને અનેરું વિશિષ્ટ સ્થાન ચોક્કસ છે જ.


(૩) વાર્તાનો જલસો

સંગીતના જલસાના અભાવે એક રવિવારે વાર્તાનો જલસો કર્યો. આ જલસો સંગીતના જલસાથી જરા જુદી જાતનો હતો, એ રીતે કે સંગીતના જલસામાં બાળકોને ગાવાનું હોય, જ્યારે વાર્તાના જલસામાં બાળકોએ સાંભળવાનું અમે મોટાંઓએ વાર્તા કહેવાનું હતું. કુલીન, સતીશ, ભગવાનલાલ, મૂળજી, એ ચાર સિવાયનાં બધાંય બાળકોએ આ જલસામાં સારો ભાગ લીધો. જલસો ૧૨-૩૦ થી ૩-૪૫ સુધી ચાલ્યો. થાક તો કોઈને લાગ્યો નહિ; ઊલટું જલસો વહેલો બંધ કરવામાં આવ્યો તેથી સાંભળનારો વર્ગ કંઈક નારાજ થયો. જલસામાં વાર્તાની અને કહેનારની વિવિધતા હતી. આવા જલસાથી કેવો લાભ થઈ શકે ? અથવા એમાં શું જોઈ શકાય છે? બાળકોની વાર્તા સાંભળવાની ભૂખ વહેલી ટાળવાનો કે ખૂબ વધારવાનો આ એક માર્ગ છે. તેમાં સાચો કયો હશે ? બાળકોને કહેલી વાર્તામાંથી કઈ ગમે છે, કઈ નથી ગમતી, વગેરે ઉપરથી લોકપ્રિય વાર્તાઓ કઈ તે પણ જાણી લેવાનું છે. સમૂહગત બાળકો પરત્વે અથવા વ્યક્તિગત બાળકો પરત્વે આવા જલસામાંથી ઘણું વિચારવાનું મળી શકે છે. ટૂંકમાં જે બધું વાર્તાકથન સમયે બાળક સંબંધે અવલોકવાનું છે ને તેમાંથી લાભ ઉઠાવવાનો છે, તે બધું અહીં પણ મળી શકે તેમ છે. વાર્તાઓ કઈ કહેવી અને કઈ ન કહેવી, કેવી રીતે કહેવી ને કેવી રીતે ન કહેવી, એ પ્રશ્નોનો નિકાલ તો થવો જ જોઈએ; પરંતુ બાળકો વાર્તાઓ પાછળ ગાંડાં બનતાં હોય તો તેનું શું કારણ છે તે તપાસી આવા જલસાઓની પરંપરા ચલાવવામાં હરકત હોય ? આપણે વાર્તાકથનના પક્ષમાં છીએ ને તેની સામે વાંધા પણ છે. આ પ્રશ્નો વિચારવા જેવા છે. પણ વાર્તાના જલસામાંથી બીજી બાબતો મળી આવે છે. આપણે વાર્તાનો જલસો શા માટે રાખવો ? એને બદલે 'લોકસાહિત્ય'નો જલસો રાખીએ તો ઠીક. એમાં લોકવાર્તા, લોકગીતો, દુહા, સોરઠા, ભજનો, વરત, ઉખાણાં, વગેરે આવે ને જલસો આખો દહાડો ચાલે. આ કરવા જેવું લાગે છે. બીજું, અત્યારે તો મોટાં કહે ને બાળકો વાર્તા સાંભળે છે; પણ પછીથી બાળકો જ જલસામાં વાર્તાઓ કહેવા લાગે એ માર્ગે જલસાને લઈ જવામાં જલસાની ઉપયોગિતા છે. એથી બાળકની વાર્તા કહેવાની શક્તિ વ્યક્ત થશે. ખીલશે અને તેઓ આપણી પરાધીનતામાંથી છૂટશે. આપણે જોઈ પણ શકીશું કે આપણા કથનમાંથી તેમણે એકંદરે શું શું ઉપાડયું છે. આપણે વાર્તાઓ કહીને તેમની પાસેથી કઢાવતાં નથી, છતાં તેમનામાં વાર્તાની અને શૈલીની છાપ કેવી પડી છે તે સહેજે જાણી શકીશું. આમ વચ્ચે વચ્ચે લોકસાહિત્યના જલસાઓ ગોઠવાય તો સારું.


(૪) ઐતિહાસિક વાર્તાનું કથન

વાર્તાનું કથન એક મોહિની છે. એ સ્વાનુભવમાંથી સૂઝયું કે વાર્તા દ્વારા ઇતિહાસનું શિક્ષણ સુલભ છે. આવો વિચાર કેળવણીશાસ્ત્રીઓએ પ્રગટ તો કરેલો જ છે. બાળવાર્તાઓ અને લોકવાર્તાના પ્રદેશ ઉપર ચાલીને આવેલાં બાળકોને ઐતિહાસિક વાર્તાનું શ્રવણ સહેલું અને રસભર્યું લાગે છે. તલ્લીનતા એની એ જ છે. વાર્તાઓ સાચી ઘટના છે એમ કહેવામાં આવ્યું છે, તેથી બાળકો જાત જાતના પ્રશ્નો પૂછે છે અને વાર્તામાં આવી જતી અસ્વાભાવિકતા કે વિચિત્રતાને એમ ને એમ ગળી જતાં નથી. લશ્કરમાં બરાબર કેટલાં. માણસો હતાં તે બાબતમાં પણ ચોક્કસ થવા માગે છે. લાગણી પ્રદર્શિત કરવામાં ઘણી વાર હિંદુપણું કે રાષ્ટ્રપ્રેમ પક્ષપાત કરાવે છે. વાસ્તવિક વાર્તાના પડઘા લડાઈ અને નાટકમાં પણ પડે છે. બાળકો વાર્તાનાં પાત્રોનાં ચિત્રો જોઈને ઓર આનંદ લે છે. શિવાજીના સૈનિક થવાનો પાઠ સૌ પ્રેમપૂર્વક સાંભળે છે. વાર્તાનું વસ્તુ આમ ઐતિહાસિક વાર્તાનું કથન શરૂ થઈ ચૂકયું છે; પણ વસ્તુ માટે શું કર્યું છે ? વસ્તુની પસંદગીમાં શરૂઆતમાં નજીકનું અને ધીમે ધીમે દૂરનું એ શાસ્ત્રીય વિચારને તો છોડી દેવાયો છે. એટલે જ કાઠિયાવાડના બલકે ભાવનગરના ઇતિહાસથી ઇતિહાસનું શિક્ષણ શરૂ કરવામાં નથી આવ્યું. શરૂઆતમાં કાઠિયાવાડ, ગુજરાત, હિંદુસ્તાન એવા ભાગો પાડયા વિના સમગ્ર હિંદમાં થઈ ગયેલી આકર્ષક ઐતિહાસિક વ્યક્તિની વાર્તાઓ કહેવાનું રાખ્યું છે. આ રીતે જયશિખરી, વનરાજ, શિવાજી, દુર્ગાદાસ, હમીર વગેરેની વાર્તાઓ કહેવાઈ ગઈ છે, ને બાળકોએ વધતા જતા પ્રેમથી તે સાંભળી છે. વસ્તુની બાબતમાં આપણું દારિદ્ર જબરજસ્ત છે. છતાં વાર્તા કહેનાર ભાઈ રામનારાયણ, ઐતિહાસિક વસ્તુને જ્યાંત્યાંથી ખોળી કાઢવાનો ભારે શ્રમ ઉઠાવે છે.

ઇતિહાસશિક્ષણમાં પદ્ધતિ

ઇતિહાસ શીખવવા માટે વપરાતી કાલક્રમાનુસારી, વ્યુત્ક્રમ કે કેન્દ્રાનુસારી ત્રણેમાંથી એકે ય પદ્ધતિનો અહીં ખાસ સ્વીકારવામાં નથી આવ્યો; અહીં તો છૂટીછવાઈ વ્યક્તિઓની કથા કહેવાય છે. આને ચરિત્રકથનપદ્ધતિ એવું નામ આપી શકાય. આ વ્યક્તિની આસપાસ જેટલો ઇતિહાસ ગૂંથી શકાય તેટલો ગૂંથ્યા પછી એની સાંકળ તો આગળ ઉપર જોડવાની છે. ચરિત્રકથનપદ્ધતિની ખરી ખૂબી ચરિત્રોને કથવામાં છે. એ માટે વાર્તાકારમાં કથનની કળા ઉપરાંત ભાવાવિષ્ટ થવાની શક્તિ જોઈએ. જ્યારે ઐતિહાસિક વાર્તા કહેનાર વાર્તા કહેતાં કહેતાં ઇતિહાસનાં પાત્રોની સાથે તન્મય બની જાય, લડાઈના પ્રસંગે પોતાનું જ મોઢું લાલચોળ થાય ને લોહી ઊકળે, અને કરુણ પ્રસંગોની કરુણતા જ્યારે પોતે જાતે અનુભવે ત્યારે જ કથનની અદ્ભુત સફળતા થાય. ઇતિહાસકથનમાં આ સફળતા દેખાય છે. બાળકોની આ ઉંમરે ઐતિહાસિક વાર્તાઓ તેમનો સ્વાભાવિક ખોરાક છે. ખીલતી જતી સાહસિક વૃત્તિને ઇતિહાસની કથા પોષે છે, બહાદુરીનો પ્રાણ ભરે છે ને દેશાભિમાન તથા જાત્યાભિમાનનાં બીજો રોપે છે.

આવેલું પરિણામ

તપાસ કરતાં જણાયું છે કે લગભગ બધાં ય બાળકોને વાર્તાઓની ઘટના યાદ રહે છે; તેમને સ્થળો અને પાત્રોના સંબંધોનો પણ સારો એવો ખ્યાલ રહે છે. જે બધું આપણને ગોખી ગોખીને પણ ન આવડતું તે આપણાં બાળકોને સહેજે આવડે છે. હજી આ બાબતમાં ઘણું કરવાનું રહે છે.