નારીસંપદાઃ નાટક/અમે એકલાં એકલાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:02, 7 November 2024

૪. અમે એકલાં-એકલાં

પ્રજ્ઞા પટેલ


સંગ્રહ : ચાલ, સૂરજને પકડીએ
પ્ર. આ. ૧૯૯૫

પાત્રો :

કાકા
મોહનગીતા
રશ્મિનરેન


જગતની સ્વાર્થપરાયણતા છેક એક નિવૃત્ત પિતા પાસે માત્ર મિલકતની અપેક્ષા રાખતાં સંતાનો સુધી લંબાય છે. અત્યારના બદલાતા પ્રવાહના સંબંધો ને મા-બાપની વૃદ્ધાવસ્થાની ઉપેક્ષા કરતાં સંતાનોની કહાની એટલે.....

(પડદો ખૂલે છે. વૃદ્ધત્વના ઊંબરે ઊભેલ, બહુ વૃદ્ધ નહીં એવો મોહન રેડિયો સાંભળતો બેઠો છે. નોકર—જેને ‘કાકા’ તરીકે જ રજૂ કરવામાં આવેલ છે તે ત્યાં કંઈક આમ-તેમ કરતાં ફરે છે. થોડી વારે મોહન રેડિયો બંધ કરે છે.)

કાકા : સમાચાર પૂરા થયા, ભાઈ?
મોહન : હા, જેની શરૂઆત છે તેનો અંત પણ છે જ.
કાકા : આજે રેડિયો શું બોલ્યો?
મોહન : કાંઈ નહીં, એ જ કે, દુનિયામાં અશાંતિ વધતી જાય છે. દરેક દેશો એક-બીજાના દુશ્મન બનતા જાય છે. બસ એ જ યુદ્ધ, લડાઈ ને હુમલાની શરણાઈઓ સતત વાગતી જ રહે છે.
કાકા : તમે નાહક આ બધી ચિંતા કરો છો.
મોહન : સમય પસાર કરવા પણ કંઈક તો જોઈએ જ ને?
કાકા : તમારા માટે તો ઘણી પ્રવૃત્તિઓ છે. થોડી વાર લાઇબ્રેરીમાં જતા હો તો. ફરવા જવું. ભગવાનનું નામ લેવું અને ભાઈ, નરેશભાઈના ત્યાં પણ જતા હો તો! ત્યાં તો છોકરાં પણ હોય, એટલે તમને પણ ગમે ને એમને દાદા સાથે મજા પડે.
મોહન : તમારી વાત સાચી છે કાકા પણ......
કાકા : આ પણ..પણનો ક્યારેય પાર આવતો જ નથી. તમે છેલ્લા કેટલાક મહિનાથી રિટાયર્ડ થઈ ગયા છો, સ્વાભાવિક છે કે તમારો સમય જલ્દી પસાર ન થાય. આમ તો તમારું જીવન કેટલું દોડતું જીવન હતું !
મોહન : વધુ પડતા કામ પછીનો આ વધુ પડતો આરામ. આ વધુ પડતી શાંતિ જરાયે સહન નથી થતી. એક કાકા, તમારે સહારે જ આ જીવન બસ જીવ્યે જાઉં છું. બાકી જીવનમાં હવે કશું જ રહ્યું નથી.
કાકા : તમે તો નિવૃત્ત જીવનની રાહ જોઈને બેઠા હતા, ને હવે....
મોહન : હા, કાકા, નિવૃત્ત જીવનમાં મેં અનેક સપનાં સજાવ્યાં હતાં. ખરેખર, મેં ખૂબ જ સપનાં સજાવ્યાં હતાં. પણ જવા દો, કાકા...એ સપનાં આંખોમાં આકાર લે તે પહેલાં જ પંખી બનીને દૂર ઊડી ગયાં. હવે એમ થાય કે સાચે જ નોકરી હતી તે સારું હતું. આખો દિવસ જલ્દીથી પસાર થઈ જતો હતો, કોઈ ચિંતા કરવી હોય, કંઈક યાદ કરવું હોય તો તે માટે પણ સમય જ નહોતો.
કાકા : તે અત્યારે પણ શાની ચિંતા છે? નરેનભાઈ જેવો છોકરો છે, ગીતાબહેનને પરણાવી દીધાં છે. એ સાસરે સુખી છે અને રશ્મિ...એ પણ હવે ભણી રહેશે અને નોકરી કરશે. બધાં પોત-પોતાની જગ્યાએ છે અને સુખી છે. બોલો, તમે હવે શાની ચિંતા કરો છો?
મોહન : એ પોત-પોતાને ઠેકાણે છે એનું જ તો મને દુઃખ છે.
કાકા : છોકરાં મોટાં થાય એટલે પોતાના રસ્તે વળે તો ખરાં જ ને? તમને પેન્શન મળે છે, પ્રોવિડન્ટ ફંડ વગેરેના રૂપિયા મળ્યા છે. તમારે જરાયે ચિંતા કરવાની જરૂર નથી. આ ઘરમાં શું નથી? બધું જ છે.
મોહન : આ ઘરમાં બધું જ છે, બધું જ છે. એક માત્ર ‘ઘર’ નથી. જ્યારે ઘર હતું ત્યારે મારી પાસે સમય નહોતો. હવે જ્યારે આજે મારી પાસે સમય છે ત્યારે ઘર નથી રહ્યું. ખરેખર સમય ક્યારેય કોઈની જરાપણ રાહ જોતો નથી. બસ હવે તો એક મૃત્યુની પ્રતીક્ષા કરું છું. પણ એ પણ મોઘું થઈ ગયું છે.
કાકા : એવું ન બોલો.
મોહન : કાકા, આ જિંદગી મને ખૂબ ભારે-ભારે લાગે છે. એક દિવસ તો એક યુગ જેવો લાગે છે. હવે સમજાયું કે યુગ કોને કહેવાય? કાકા, દરેક વસ્તુની હદ હોય છે. સહનશક્તિ ખૂટતી જાય છે, કાકા, હવે વધુ નહીં જીવી શકાય. હું ખૂબ થાકી ગયો છું, કાકા, ખૂબ થાકી ગયો છું.
કાકા : તમે નાહક દુઃખી થાઓ છો. જુઓ એક-બે દિવસમાં તો નરેશભાઈ-ગીતાબહેન બધાં જ આવવાનાં છે. તમે આમ ઢીલા ન બનો.
મોહન : એ આવશે, જરૂર આવશે. તમને ખબર છે કાકા, એ શા માટે આવવાના છે? એ આવવાના છે પેલા પૈસા માટે. હા, એ પૈસા લેવા એ જરૂર આવશે.
કાકા : તમે આવું ના વિચારો.
મોહન : ન વિચારું તો શું કરું? છોકરો પોતાના ઘરે રહે કે પછી પારકે ઘેર ઘરજમાઈ બનીને? છોકરો વહુને ઘેર લાવે, આ તો વહુ જ છોકરાને એના ઘરે લઇ ગઈ. શું આ દિલને જરાયે દુઃખ નહીં થયું હોય?
કાકા : હોય, એ તો છોકરો છે, એનાથી ભૂલ થઈ જાય. આખરે એ પણ સંસાર લઈને બેઠો છે ને?
મોહન : કાકા, અમે પણ સંસાર લઈને બેઠાં છીએ, પણ હવે કોનો સંસાર? કેવો સંસાર? કાકા, પ્રેમ તો અમે પણ કર્યો હતો. પરણ્યાં પણ હતાં. ખેર...ઘડપણમાં દીકરો બાપને ટેકો આપે કે પછી...કોઈને મારી કશી જ પડી નથી. હું જીવું કે મરું. કોઈને શું?
કાકા : મન નાનું ન કરો ભાઈ.
મોહન : મન ખૂબ મોટું કરીને જીવ્યો એનું જ આ પરિણામ છે. તમે વર્ષોથી મને આ જ રીતે દિલાસા, આશ્વાસન આપતા આવ્યા છો. મને ભ્રમમાં જિવાડવા પ્રયત્ન કરો છો. મારું દિલ બહેલાવો છો. કાકા, પણ હું બધું જ સમજું છું. હા, હું બધું જ સમજું છું. આખરે એક દિવસ તમારા ને મારા બધા જ ભ્રમ ભાંગી પડવાના છે. સત્ય એ સત્ય જ રહે છે.
કાકા : ભાઈ, આ તો સંસાર છે. ચાલ્યા કરે.
મોહન : એ લોકોએ ક્યારેય મારી ચિંતા નથી કરી. ક્યારેય મારી સંભાળ નથી લીધી. એક સાવ એકલા પડેલા ઘડપણે જેનો શિકાર કર્યો છે તેવા બાપની તેમણે ક્યારેય કાળજી નથી લીધી....હું એમ નથી કહેતો કે તે રોજ આવે. અહીં જ રહે. બસ મારી સેવા જ કર્યા કરે. પણ ક્યારેક તો તેમણે પ્રેમથી-લાગણીથી વર્તવું જોઈએ ને? જાણે કે આ ઘર ને આ બાપ સાથે તેમને કોઈ સંબંધ છે જ નહીં ને હતો પણ નહીં....ખૂબ સ્વાર્થી છે. તેઓ મારી આખી જિંદગીની જે અમૂલ્ય મૂડી છે, મારી જિંદગીની મહેનતનું જે સરવૈયું છે, તે રકમ પર તે બધાંની નજર છે.
કાકા : પણ ગીતાબહેન...છોકરીને મા-બાપ માટે વધુ પ્રેમ હોય...
મોહન : કાકા, ક્યાં સુધી તમે એનો પક્ષ ખેંચ્યા કરશો? કયાં સુધી? એ ઘરમાં મોટી હતી. મારી ઇચ્છા એને ડૉકટર બનાવવાની હતી. છોકરીને કૉલેજમાં ભણવા મૂકી ને બહેન તો બસ ફરવા-રખડવા માંડ્યાં, ત્યાં સુધી કે જ્યારે પેપરમાં એ બંનેનો ફોટો મેં જોયો ને તેમનું લગ્ન-એકરારનામું વાંચ્યું ત્યારે જ મને ખબર પડી કે મારી છોકરી પરણી ગઈ છે. એક બાપ માટે આનાથી મોટો બીજો કયો આઘાત હોઈ શકે? મેં એક વાચકની રીતે જ છોકરીના લગ્નના સમાચાર પેપર દ્વારા જાણ્યા કાકા, છતાં હું ચૂપ રહ્યો... એક બાપ તરીકે એણે મારામાં આટલો વિશ્વાસ પણ ન મૂકયો?
કાકા : નસીબના ખેલ છે આ તો બધા. આ જીવનમાં જેટલું સહન કરવાનું લખાયું છ તેટલું કરવું જ પડે છે. કાંઈ નહીં, પાછળથી સુખ મળશે.
મોહન : સુખ? કેવું સુખ? (હસે છે.) સુખ એટલે શું? જન્મ્યો છું ત્યારથી આ સુખ નામની વસ્તુથી તદ્દન અપરિચિત જ રહ્યો છું. માટે કાકા, એની લાલચ તો બતાવશો જ નહીં. વળી સુખ જેવું આ દુનિયામાં કશું છે જ નહીં. જિંદગી એટલે જ દુઃખોનું ઘર.
કાકા : નહીં, એક સુખ નામનું ઘર પણ હોય છે. ત્યાં સુધી તમે જરૂર પહોંચી શકશો. જરૂર પહોંચી શકશો. એ ઘરની ચાવી તમને મળશે, જરૂર મળશે.
મોહન : હું તો બસ એક દર્દ, વેદના નામના રસ્તાને જ ઓળખું છું. અને એ રસ્તો મને લઈ જાય છે દુઃખ નામના નગરમાં. ઘરમાં. આખરે પછી એ રસ્તો મને રોજ મૃત્યુ પાસે થઈ જાય છે. રોજ-રોજ મૃત્યુ...કાકા એક કબર નામનું નગર હોય છે ત્યાં જીવનનું સાચું સુખ, સાચી શાંતિ સંપૂર્ણપણે મળે છે.
કાકા : ખરેખર જીવન તમે માનો છો તેટલું કરૂણ નથી.
મોહન : કાકા, આ આખી દુનિયા કરૂણ છે. અહીં બધું જ કરુણ છે. કરુણતા સિવાય અહીં બીજું કાંઈ જ નથી. બીજું કશું જ નથી. જન્મ કરુણ છે, જીવન કરુણ છે, ક્ષણો કરુણ છે, પ્રેમ કરૂણ છે, લાગણી કરુણ છે, પૈસો-ધન કરુણ છે ને મરણ પણ કરુણ છે.
કાકા : તમે જે જીવો છો તેના સિવાય પણ બીજી કોઈ દુનિયા છે. એક અનુભવ પરથી આખી સૃષ્ટિ વિષે મત ન બાંધી શકાય. તમે જરાક બીજી દુનિયામાં જીવવાનો પ્રયત્ન કરો.
મોહન : કાકા, તમારે ફિલોસોફર થવા જેવું હતું. વર્ષોથી તમારી આ જ ફિલસૂફીની વાતો હું સાંભળતો આવ્યો છું. તમે ખુદ તો આ ખંડિયેર છોડીને જઈ શકતા નથી તો પછી હું કેવી રીતે ક્યાંય જઈ શકું? બોલો, નરેન નાનો હતો ત્યારે કેટલો ડાહ્યો હતો! એના માટે મેં અનેક સપનાં જોયાં હતાં કે એ મોટો બનીને આમ કરશે. એની પાસે મેં કેટકેટલી આશાઓ-અપેક્ષાઓ રાખી હતી? ખેર, એણે તો મને એકલતા જ આપી, બસ એકલતા જ...
કાકા : બધાં જ દુઃખોનું મૂળ આ અપેક્ષા છે.
મોહન : કાકા, એ તો હું પણ સમજું છું. છતાં તેને તરછોડી શકતો નથી. અપેક્ષાઓ વિના જીવી શકતો નથી. દરેક વ્યક્તિની કોઈ ને કોઈ તો કોઈના પ્રતિ અપેક્ષા હોય છે જ.
કાકા : કાંઈ નહીં, હવે રશ્મિ મોટી થઈને...
મોહન : તેની બાબતમાં તો હવે વિચારતો જ નથી. સપનાનો માળો બાંધવામાં તો હું ભૂલી જ ગયો છું, એ પણ ઘરડા બાપ પર એકાદ આઘાત કરશે ને બસ, પછી સદા માટે આ બાપની ફરિયાદ હવામાં રજકણ બનીને ક્યાંય ઓગળી જશે. ( થોડી વાર શાંતિ )
કાકા : ભાઈ...
મોહન : હં.
કાકા : આ બધા પૈસા આવ્યા છે તેનું શું કરવા વિચાર્યું છે?
મોહન : આ વિચારવા જેવી વાત ખરી, લગભગ પચાસ હજાર જેટલા છે. આ પૈસા મને ત્યારે મળ્યા જ્યારે જિંદગી પૂરી થવા આવી છે. કાકા, એમ કરીશું? આપણે આખા ભારતની યાત્રાએ જઈ આવીએ ને એક વખત અમેરિકા પણ ફરી આવીશું.... જુઓ કાકા, જિંદગી આખી મેં પૈસો-પૈસો ને કામ કરવામાં જ ખર્ચી નાંખી છે. બસ નીચા માથે કામ જ કરતો રહ્યો. કરતો જ રહ્યો. જ્યારે માથું ઊંચું કર્યું ત્યારે બધું વીતી ચૂક્યું હતું. સૂરજ ડૂબી ગયો હતો. કરકસર કરી-કરીને એક-એક પૈસો બચાવીને છોકરાઓને મોટાં કર્યાં-ભણાવ્યાં ને હવે એ લોકો જ મને શીખવાડી રહ્યાં છે કે જિંદગી આનું નામ નથી. અમે જે જીવીએ છીએ તે જિંદગી છે. માટે કાકા, કોઈ જ ચિંતા કર્યા વગર આપણે ફરી આવીએ. જોઈએ તો ખરા દુનિયા કેવી છે? જીવન કેવું છે?
કાકા : તમારી વાત સાચી છે પણ….પણ...
મોહન : શું પણ ! પણ શું?
કાકા : બહેનની એક ઇચ્છા આપણા ગામમાં નાની હૉસ્પિટલ બનાવવાની હતી.
મોહન : જુઓ કાકા, જિંદગીમાં મને કોઈએ કશું જ આપ્યું નથી. કોઈ જ મદદ કરી નથી, માટે હવે..…
કાકા : પણ તમને યાદ છે. એ દિવસ….એ ક્ષણો. એ બીમાર હતાં. તેમને તાત્કાલિક લોહીની ઑપરેશનની જરૂર હતી. આપણા ગામમાં આવી કોઈ જ હૉસ્પિટલ નહોતી, કોઈ જ સગવડ નહોતી. તે આખરે સારવારના અભાવે તે મૃત્યુ પામ્યાં. જો તેમને સમયસર પૂરતી સારવાર મળી હોત તો... તો આજે તમે આટલા એકલા ન હોત.
મોહન : કાકા, સાચી વાત છે તમારી. જો એ મરી ગઈ ન હોત તો તે આજે જીવતી હોત. મારી સાથે હોત, તો…. તો... હું આટલો બધો એકલો, લાચાર તે દુ:ખી ન હોત. ને હા કાકા, એણે મને કહ્યું પણ હતું કે ગીતા ડૉકટર બનશે એટલે આપણે નાની, સુંદર હૉસ્પિટલ બનાવીશું. કાકા, આ પૈસા હૉસ્પિટલ બનાવવા માટે વાપરીશું ને બીજો ફાળો પણ ઉઘરાવીશું. બસ, પછી તો કોઈને એ રીતે મરવું નહીં પડે.
કાકા : લોકો પણ તમને યાદ કરશે. એમના આત્માને પણ શાંતિ મળશે. હું મારી બચત પણ તમને એ માટે આપીશ.
મોહન : કાકા, ખરેખર તમને શું કહેવું? (થોડી વાર પછી) ચાલો સૂઈ જઈશું હવે? (લાઈટ થોડી વાર બંધ કરી રાત્રિ છે તેમ બતાવી શકાય. ફરી લાઈટ ચાલુ. વચ્ચેના સમયમાં ધીમું સંગીત. કાકા ટેબલ વગેરે સાફ કરતા હોય છે ત્યાં જ નરેન આવે છે.)
કાકા : ઓહ, નરેનભાઈ તું? આવી ગયો કે? બેસ. બેસ. (બેસે છે.)
નરેન : પપ્પા નથી?
કાકા : બહાર ગયા છે. હવે આવતા જ હશે. તું તો બહુ દિવસે આવ્યો ભાઈ !
નરેન : સમય જ ક્યાં મળે છે? તે વળી કામ વગર શું કરવા આવવું?
કાકા : તો પછી આજે સમય મળ્યો તને?
નરેન : ના, ના, આ તો એમ થયું કે પપ્પાની ખબર કાઢતો આવું.
કાકા : પણ એ તો મજામાં જ છે. એમને કાંઈ જ થયું નથી. ઘેર બધાં શું કરે છે? મુન્નો અને બેબી શું કરે છે?
નરેન : ભણવા જાય છે. તે રમે છે. પેપર નથી આવ્યું કાકા?
કાકા : આવ્યું છે ને જો ત્યાં રેડિયા પર જ છે.
નરેન: ક્યાં છે રેડિયો?
કાકા : એ પણ ભૂલી ગયો દીકરા? આ જ ઘરમાં તમે સાવ નાનાં હતાં ત્યારથી આટલાં મોટાં થયાં ને આ જ ઘરને તમે ભૂલી ગયા? આ રેડિયો તો તેં જ વગાડી-વગાડીને બગાડી નાંખ્યો છે. લે આ પેપર.
નરેન : કાકા, બીજું શું ચાલે છે ઘરમાં?
કાકા : બીજું તો શું ચાલવાનું હોય? કેલેન્ડરમાં તારીખ બદલાય છે, વાર બદલાય છે, પત્તું ફાટે છે એટલે એક દિવસ પૂરો થાય છે ને એ જ રીતે બસ સમય વહેતો જ જાય છે. સમયના પ્રવાહમાં અમે પણ તણાઈએ છીએ. મરી શકતા નથી, માટે જીવીએ છીએ.
નરેન : કેમ કાકા, આવું બોલો છો?
કાકા : બોલે તો બીજું બાલે પણ શું? તારા પપ્પાની એકલતા જરાયે સહન થતી નથી. બસ, આખો દિવસ તમને યાદ કર્યા કરે છે...
નરેન : પપ્પા પણ ગાંડા જ છે ને? એમને...
કાકા : દીકરા મારા, પપ્પા ગાંડા નથી, તમે જ એમને એક દિવસ પાગલ બનાવી દેશો. તને શરમ આવવી જોઈએ આવું બોલતાં. (ગીતાનો પ્રવેશ ).
ગીતા : ઓહ નરેન તું? ભાભી શું કરે છે? પપ્પા નથી?
કાકા : બહુ દિવસે આવી બહેન! એ હવે આવતા જ હશે. બધાં મજામાં તો છે ને? બહુ દિવસે તને આ ઘર ને પપ્પા યાદ આવ્યા બહેન !
ગીતા : કાકા, સમય જ નથી મળતો. રોજ આવવા વિચારતી હતી પણ....
નરેન : જીવનની ગતિ કાકા ખૂબ વધી ગઈ છે. પહેલાં જેવી શાંતિ હવે ક્યાં છે?
કાકા : જીવનની ગતિની સાથે તમે પણ દોડતાં રહો, બીજું શું? બહેન, મોહન તો તમને બધાને ખૂબ જ યાદ કરે છે. તમે ક્યારેક બે-ચાર દિવસ માટે પણ રહેવા આવતાં હો તો....
નરેન : પણ કાકા, અહીં આવીને કરવાનું શું?
કાકા : કરવાનું શું? કેમ આ ઘર એ ઘર નથી ?
ગીતા : કાકા, નરેનની વાત સાચી છે. અહીં આવીને શું કરવાનું? હવે તો અહીં ફાવતું નથી.
કાકા : જે ઘરમાં તમે જન્મ્યાં, આટલાં મોટાં થયાં, હવે આ ઘરમાં તમને ફાવનું નથી?
ગીતા : કાકા, કેવી રીતે તમને સમજાવીએ? હવે અમે પણ ઘર લઈને બેઠાં છીએ. અમારી જવાબદારીઓ વધી છે.
નરેન : ને હા, પપ્પાને કંઈ તકલીફ હોય તો અમે ક્યાં નથી ? અમને તરત જ જણાવજો, દોડતાં આવીશું.
કાકા : જેવી રીતે દોડતા આ ઘર છોડી ગયા તે જ રીતે ને? તમે બીજી જવાબદારીઓ સમજો છો, તો એક સંતાન તરીકેની તમારી જવાબદારી કેમ ભૂલી જાઓ છો? હું તો આ ઘરમાં વર્ષોથી તમારા જન્મ પહેલાંથી રહું છું. આ ઘર એ જ મારું જીવન છે ને આ ઘર તમારી યાદોથી કેટલું ભર્યું-ભર્યું છે! તમારાં તોફાન-મસ્તી હજીયે મને યાદ છે. ને મોહન ને તમારી મમ્મી એમણે કેટલાં દુ:ખ વેઠીને તમને મોટાં કર્યાં છે તે એક હું જાણું છું.
ગીતા : કાકા તમે તો....
કાકા : હા, તમે નાનાં હતાં ત્યારે રાતભરના ઉજાગરા કરી એમણે તમારી સેવા કરી છે. પોતાનું સુખ, પોતાની જરૂરિયાતો બાજુ પર મૂકી હંમેશાં એમણે તમારા સુખને સંતોષ્યું છે. તમારા માટે શું શું નથી કર્યું એમણે?
નરેન : એ તો એમની ફરજ હતી.
કાકા : તો તમારી એમના વતી શું કોઈ જ ફરજ નથી? એમણે તમારી આંગળી પકડી તમને ચાલતાં શીખવાડયું, પાપા પગલી ભરાવી આ ધરતી પર પગ મૂકતાં શીખવાડ્યું. એ આશાએ કે જ્યારે એ ઘરડાં થાય ત્યારે એ જ રીતે તમે એમની આંગળી પકડો એમને સહારો આપો. પણ તમને પાંખ આવી ને તમે તો બસ ઊંચે ને ઊંચે ઊડવા જ લાગ્યાં. ક્યારેય નીચે તરફ નજર જ ન કરી.
(મોહન પ્રવશે છે.)
નરેન : પપ્પા, કેમ છો ?
ગીતા : કેવી રહે છે તબિયત?
મોહન : બસ, મજામાં છું. તમે ક્યારે આવ્યાં? કેમ એકલાં જ?
નરેન : છોકરાં સ્કૂલે ગયાં છે.
મોહન : સારું -સારું કાકા તમે શું કરો છો? જરા ચા...નહીં! તમે રહેવા દો. આજે તો ઘણા સમય પછી ગીતાના હાથની ચા પીવી છે.
ગીતા : હા, પપ્પા...હું ચા બનાવી લાવું છું. (અંદર જાય છે. તરત પાછી ફરે છે.) કાકા, ચા-ખાંડના ડબ્બા ક્યાં છે?
કાકા : બેટા, તું પણ એ ભૂલી ગઈ કે ચા-ખાંડના ડબ્બા ક્યાં રહે છે? જા, પેલી બાજુના કબાટમાં છે.
રશ્મિ : (પ્રવેશતાં) ગીતાબહેન એક કપ આપણા માટે પણ....
મોહન : કાકા, સમય બધું જ ભુલાવી દે છે. સમયે એમને બધું જ ભુલાવી દીધું છે.
નરેન : તારો સ્ટડી કેવો ચાલે છે?
રશ્મિ : બસ, હવે અમેરિકા જાઉં એટલી જ વાર છે. (થોડી વાર શાંતિ)
નરેન : પપ્પા, બીજું કંઈ વાંચવાનું નથી?
કાકા : કેમ બેટા...શું સમય પસાર નથી થતો આ ઘરમાં? બહુ દિવસે આવ્યો છતાં વાતો ખૂટી ગઈ છે કે શું ?
નરેન : ના, ના, આ તો જરા...
મોહન : કાકા, કંઈક એને આપો જરા...( કાકા મેગેઝિન કે કંઈક આપે છે. બધાં એમ જ ચૂપ છે. ભારે ક્ષણો પસાર થાય છે. રશ્મિ પોતાના નખ કાપવા બેસે છે. સમય પસાર કરવા, મોહન બહારની તરફ જોઈ રહ્યો છે.)
નરેન : પપ્પા, તમારી સાથે જરૂરી વાત કરવા આવ્યો છું.
મોહન : બોલ બેટા, શું કહેવું છે?
નરેન : પપ્પા, તમારી સાથે જરૂરી વાત કરવા આવ્યો છું.
મોહન : બોલ બેટા, શું કહેવું છે?
નરેન : પપ્પા...મારે સ્કૂટર લેવું છે અને દસ હજાર રૂપિયાની જરૂર છે.....
મોહન : બસ, દસ હજારની જ? એમાં શું? તું તારે સ્કૂટર લઈ લેજે.
નરેન : પણ. (ત્યાં ગીતા ચાના કપ સાથે પ્રવેશે છે. તે પણ બેસે છે. બધાં ચા પીવે છે) ચા ખૂબ મોળી બનાવી છે. ખાંડ નાંખી છે કે નહીં ?
કાકા : નરેન, તું હજુ પણ એવો ને એવો જ છે. રોજ તું તારી મમ્મીને આ જ વાક્ય કહેતો હતો. ખૂબ ગળી ચા પીવાની ટેવ તારી હજી ગઈ નથી ?
નરેન : હા, કાકા, મોળી ચા તો કેવી રીતે ભાવે? આજે જોકે ચાલશે.
ગીતા : પપ્પા, તમે હવે રિટાયર્ડ થયા એટલે પ્રોવિડન્ટ ફંડ વગેરે આવ્યું હશે.
કાકા : હા, ચાલીસ-પચાસ હજાર આવ્યા છે. એમની ઇચ્છા તો એક નાની હૉસ્પિટલ....
ગીતા : પપ્પા, એમની ઇચ્છા એવી છે કે... તે હવે બિઝનેસ શરૂ કરવા ઇચ્છે છે.
કાકા : બહુ સારી વાત કહેવાય.
રશ્મિ : પપ્પા, મારે ફોરેન જવું છે. પપ્પા, અમેરિકા જવાની ઇચ્છા છે.
કાકા : આ પણ બહુ સારી વાત કહેવાય. નરેન સ્કૂટર લાવશે, ગીતાબહેનના ત્યાં બિઝનેસ શરૂ થશે, ને રશ્મિ ફોરેન જશે.
નરેન : પણ કાકા તમે....
ગીતા : પણ પપ્પા....
પપ્પા : કેમ શું છે? હું ક્યાં ના પાડું છું? તમારું સુખ એ મારું જ સુખ છે ને? બેટા, મેં તો સ્કૂટરનું વ્હીલ પણ જિંદગીમાં જોયું નથી.
નરેન : પપ્પા, મારા ઘેર ફ્રીજ, ટી.વી. વગેરે નથી. મારા બધા મિત્રોના ત્યાં છે. કોઈના ઘેર ટી.વી. જોવા જવું પડે એ કેટલી શરમની વાત !
મોહન : તે તું પણ લાવી દે ને ! ક્યારેક અમને પણ જોવા મળશે.
નરેન : પણ પપ્પા...પપ્પા, પૈસા નથી.
કાકા : હં, આ બધી જ વાતો આટલે આવીને અટકે છે, પૈસા પાસે. તો એમ ચોખ્ખું જ કહી દો ને કે પપ્પા તમે પૈસા આપો તો હું સ્કૂટર, ટી.વી, ફીજ વગેરે લાવું ને ગીતાબહેન તમે પણ…
મોહન : જો, મારી પાસે તો પૈસા નથી. એટલે તમે મારી પાસેથી મદદની અપેક્ષા રાખતાં હો તો તે ખોટી છે.
ગીતા : કેમ પપ્પા...પેલા....
મોહન : હા, એ પચાસ હજાર તમારા માટે નથી આવ્યા. મને પણ મારી રીતે જીવવાનો અધિકાર છે. મારા પોતાનાં પણ કોઈક સ્વપ્ન છે. મને હવે મારી રીતે જીવવા દો.
રશિમ : પણ પપ્પા...
કાકા : એ કશું જ નહીં ચાલે. અમે જાણતા જ હતા કે તમે આવશો, જરૂર આવશો. અમને મળવા નહીં તો પૈસા માટે તો તમે જરૂર આવશો... નરેન, ગીતા, હવે તમે એ બધી ખોટી આશાઓ રાખો છો. અમે એ પૈસાનુ દાન કરવાના છીએ, સમજ્યાં? આખી જિંદગી પપ્પાના જોર પર જ જીવવાની? તમારા પગ પર ઊભા રહીને પૈસા કમાતાં ને પછી વાપરતાં શીખો.
મોહન : કાકા, તમે નાહક..
કાકા : તમે કશું બોલી શકતા જ નથી એટલે મારે બોલવું પડે છે. આમ પણ આ ઘરમાં તમારી ચિંતા કરનાર બીજું છે પણ કોણ?
નરેન : કાકા, તમે વચ્ચે ન બોલશો. આ અમારી અંગત બાબત છે. ને તમારા પૈસા તો હું નથી માગતો ને? તમે તો આ ઘરના એકમાત્ર નોકર છો, નોકર, એથી વિશેષ કશું જ નહીં. (કાકા એકદમ ગમ ખાઈ જાય છે.)
મોહન : નરેન (મોટેથી), હું અત્યાર સુધી જીવ્યો છું, તમારા બધાંની હૂંફથી નહીં, પણ આ, આ કાકાની હિંમતથી જીવ્યો છું. એમના પ્રેમથી, એમની લાગણીથી જીવ્યો છું. ખબરદાર, જો એમને કશું કહ્યું છે તો...
નરેન : અમારે પૈસા જોઈએ છે. બીજી વાત નહીં, હું મારો ભાગ લેવા આવ્યો છું. મને તમારા પુત્ર તરીકે તમારી મિલકતમાંથી ભાગ લેવાનો પૂરો અધિકાર છે.
મોહન : શું કહે છે નરેન તું?
નરેન : હા, હવે સ્પષ્ટ જ કહી દઉં, મને મારો ભાગ આપો.
ગીતા : પિતાની મિલકતમાં દીકરીઓ પણ ભાગીદાર હોય છે એ રીતે મને પણ.
રશ્મિ : ને મને પણ....
મોહન : પણ હજુ તો હું જીવું છું. મારા મૃત્યુ પછી બધું તમારું જ છે ને?
નરેન : પણ એટલી રાહ જોવાની અમારી શક્તિ નથી.
મોહન : નરેન....તો તો તમે રાહ જોઈને જ બેઠા હશો કે ક્યારે પપ્પા રિટાયર થાય ને ક્યારે... તો, તો તમે મારા મૃત્યુની પણ રાહ જોતાં હશો નહીં?
રશ્મિ : પપ્પા, મને પણ ૧૫-૨૦ હજાર આપો. હું અમેરિકા જઈ શકું, આમ પણ મારો પાસપોર્ટ તો તૈયાર જ છે. પછી તમને પણ લઈ જઈશ.
મોહન : એકને સ્કૂટર, ફ્રીજ, ટી.વી. લાવવું છે, એકને બિઝનેસ શરૂ કરવો છે, ને એકને અમેરિકા જવું છે. બેટા, મારે પણ જિંદગીનાં બધાં જ સુખ ભોગવવાં છે. મારે પણ સુખ જોઈએ છે, મારે પણ ફોરેન જવું છે. બધે ફરવું છે, મારી પણ ઘણી ઇચ્છાઓ છે.
નરેન : એ બધું અમે ન જાણીએ ! તમે તમારું વીલ લખી દો ને અમને અમારા ભાગે પડતું આપી દો. ગીતા, રશ્મિને તમે આપશો તો પણ મને વાંધો નથી. પણ મને...…
મોહન : હું કોઈને કશું જ આપવાનો નથી, કાકા, કાકા તમે ચૂપ છો? કંઈક તો કહો આ સ્વાર્થીઓને !
કાકા : ભાઈ હું શું કહું? મને શો અધિકાર છે કંઈ બોલવાનો? કૂતરો ગમે તેટલો વફાદાર હોય આખરે એ કૂતરો જ છે...
મોહન : એવું ન બોલો કાકા...એવું...
નરેન : પપ્પા, મારે ઑફિસમાં ઘણું કામ છે. જલ્દી કરો.
મોહન : મેં ના કહી ને?
ગીતા : પપ્પા, અમે તમારી પાસે કેટલી બધી આશા રાખી આવ્યાં હતાં? અમને ખબર હોત કે તમે આવું જ કરશો તો અમે અહીં આવ્યાં જ ન હોત.
મોહન : મેં પણ તમારી પાસે ઘણી ઘણી આશાઓ રાખી હતી.
નરેન : ગીતા, રશ્મિ... ચાલો, આ ઘરમાંથી કશું જ મળે તેમ નથી, એક સ્વકેન્દ્રીય પિતા આપણા માટે શું કરવાના હતા? ચાલો, આપણે ઘર ભૂલ્યાં (ત્રણે ઊભાં થઈ બારણાં સુધી જાય છે, ત્યાં જ...)
મોહન : ઊભાં રહો...હું સ્વકેન્દ્રી પિતા તો નથી જ, હંમેશાં તમારું સુખ જ મેં તો ઇચ્છ્યું છે. લો લેતાં જાઓ. જ્યાં સુધી છે ત્યાં સુધી તમે માંગશો ને? મારું જે બધું છે તે બધું જ તમે લેતાં જાઓ.... બધું જ... (હાથ પકડી ત્રણેને લાવીને બેસાડે છે.) કાકા, જાવ પાસબુક ને ચેકબુક લાવો તો.... (કાકા લાવે છે, જલ્દીથી સહી કરતાં) જુઓ, આ છે મારા જીવનનું બેલેન્સ, પાછું તમને એમ ન થાય કે પપ્પાએ બધું ખાનગી રાખ્યું.
લે, વીસ હજાર રૂપિયા નરેન તારા, પંદર હજાર ગીતા તારા અને પંદર હજાર રશ્મિના… હવે તમે તમારા બધાં જ સ્વપ્ન પૂરાં કરજો. રશ્મિ, તું પણ હવે અમેરિકા જજે. આમ પણ એકલો હતો ને એકલો જ રહ્યો.
નરેન : પપ્પા, તમારા માટે....
મોહન : મારે કશાની જરૂર નથી, આ કાકા છે એટલું બસ છે ને ઘરની વસ્તુઓ પણ તમે લઈ જજો. ઘર નરેન તારું, વાસણ પણ...બીજું કબાટને જે છે તે તમે
ગીતા : પપ્પા, અમારે તિજોરી નથી. તે હું લઈ જઈશ.
નરેન : પપ્પા સોફાસેટ, ડાઇનિંગ ટેબલ વગેરે...
ગીતા : પપ્પા, પેલો રેડિયો.....
નરેન : પપ્પા પેલું જર્મનીનું વૉલ કલોક....
મોહન : (હાથની ઘડિયાળ કાઢતાં) લો, આ કોણ લઈ જશે?
રશ્મિ : પપ્પા, આ ઘડિયાળ તો કેટલાં વર્ષો જૂની છે? અને શું કરવાની?
મોહન : બસ, હવે તો સંતોષ છે ને? જેની જે ઇચ્છા હોય તે લઇ જજો.
નરેન : બસ પપ્પા, હવે જઈએ. મોડું થાય છે, કંઈ જરૂર હોય તો કહેજો.
ગીતા : હા, પપ્પા.... અમને તરત જ ફોન કરજો.
રશ્મિ : પપ્પા, હું પણ જાઉં, ટિકિટ, વીસા વગેરે માટે (બધાં “પપ્પા આવજો, આવજો;” કહેતાં જાય છે.)
કાકા : ભાઈ મોહન, આ બધું....
મોહન : જેનું જે હતું તે લઈ ગયાં. (હાથમાં ઘડિયાળ અને ચેકબુક છે તે બતાવતાં....) કાકા, આ કોરી ચેકબુક બેલેન્સ વિનાની છે ને એના જેવા જ કોરા આપણે બે રહી ગયા. ને કાકા...આ ઘડિયાળ...બસ હવે એના કાંટાની જેમ આપણે શ્વાસ લીધા કરવાના, એકલા, એકલા....

(પડદો પડે છે.)