નારીસંપદાઃ નાટક/ધ કેસ ઈઝ સોલ્વ્ડ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:13, 7 November 2024

૯. "ધ કેસ ઇઝ સોલ્વ્ડ”

યામિની પટેલ

પાત્રો:

૧) ચંદીરામાની : ૫૦વર્ષ
૨) મિસિસ ચંદીરામાની : ૪૮ વર્ષ
૩) ચૌલા : ૪૦ વર્ષ
૪) શીતલ : ૩૫ વર્ષ
૫) ગંગુ : ૨૮ વર્ષ
૬) આદિ બાવા : ૭૨ વર્ષ
૭) લેડી ઇન્સ્પેક્ટર ખેડેકર : ૪૦ વર્ષ
૮) સાઠે હવાલદાર : ૨૯ વર્ષ
૯) જેરુ : ૬૫ વર્ષ
૧૦) સલીમ : ૩૦ વર્ષ

દૃશ્ય ૧

સ્થળ: રસ્તો
સમય: રાતનો બારેક વાગ્યાનો.
(પડદો ખૂલે છે. મંચ પર અંધકાર છે. જોરથી ગાડી તેમજ ટ્રકના બ્રેક મારવાના અવાજો આવે છે. ગાડી ધડાકા સાથે અથડાય છે એનો અવાજ આવે છે. ધીમે ધીમે અજવાળું થાય છે. ડાબી બાજુથી અચાનક ચૌલા અને શીતલ દોડતા આ તરફ આવે છે.)
શીતલ : કેટલો ખરાબ ઍક્સિડન્ટ! અરર! મારાથી તો જોવાતું નથી. માથામાંથી તો જો કેટલું લોહી નીકળે છે!
ચૌલા : પાછો ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતો હતો. જરા જઈને જો તો.
શીતલ : હું નહિ. તમે જુઓ ને. સારું. હું જ જાઉં છું. (અંદર વીંગમાં જઈ) હલ્લો, તમે ઠીક છો? જવાબ આપો. કંઈ તો બોલો? (ચૌલા પાસે આવી) ઓહ! આ તો કંઈ બોલતો નથી. મરી ગયો લાગે છે.
(એટલામાં જેનો ઍક્સિડન્ટ હમણાં જ થયો છે એ માણસ લોહીલુહાણ હાલતમાં શીતલની પાછળથી હેલ્પ હેલ્પ એમ બોલતો સ્ટેજ પર લથડતો આવે છે. એને જોઈને ચૌલા અને શીતલ બંને ગભરાઈને ડઘાઈ જાય છે. ત્યાં તો પેલો શીતલ સામે જોતો જોતો જમીન પર પડી જાય છે. એટલામાં ટ્રક સ્કીડ થવાનો અવાજ અને એક ટ્રકડ્રાઈવર સલીમ સ્ટેજ પર પેલા માણસ સાઈડથી જ આવે.)
સલીમ : શું થયું? (પાછળ ઍક્સિડન્ટ સામે જોયા બાદ) ઓ બાપ રે! ઍક્સિડન્ટ?
ચૌલા: ( ચૌલા પેલાને બતાવતા) હા. જુઓને આનું કેટલું લોહી જાય છે.
(સલીમ પેલા જમીન પર પડેલા માણસ સામે. એના મોઢા સામે જુએ.)
શીતલ: પ્લીઝ, આને મદદ કરો ને.
સલીમ: હું મદદ કરત પણ મારે માલ પહોંચાડવાનો છે.
ચૌલા: અરે આ માણસ મરી રહ્યો છે.
સલીમ : હું નીકળું ત્યારે? મારે મોડું થાય છે.
(સલીમ જાય )
ચૌલા : શીતલ એના હાથમાં મોબાઈલ હતો ને? ક્યાં ગયો?
(શીતલ આમતેમ ફાંફાં મારે છે. પછી બાજુમાં પડેલો મોબાઈલ મળતાં હાથમાં લે છે.)
ચૌલા: એમાં કોના કોના નંબર છે જો તો.
શીતલ: (ફોન બૂક ખોલી આશ્ચર્યથી) આમાં તો કોઈ નંબર સેવ થયેલા નથી. હવે?
ચૌલા: એણે છેલ્લે કોની કોની સાથે વાત કરી હતી? એ જ જોડ.
શીતલ: હા એમ જ કરું. પણ ડાયલ્ડ હિસ્ટ્રીમાં તો બે જ નંબર છે. નામ નથી લખેલા એટલે અજાણ્યા જ નંબર હશે. આ છેલ્લો જોડું.
(મંચ પર લાઈટ ઓછી થાય છે. જમણી બાજુ સ્પોટ લાઈટ આવે છે. કસાયેલા શરીરવાળો ગંગુ ઊભો છે. ફોનની ત્રણ રીંગ પછી)
ગંગુ: બોલો.
શીતલ- આ નંબર કોનો છે તમને ખબર છે? હમણાં તમે કોની સાથે વાત કરી રહ્યા હતાં?
(બે ચાર ક્ષણની ચુપકીદી)
શીતલ: હલ્લો હલ્લો કેમ બોલતા નથી? હલ્લો.
ગંગુ: તમે કોણ બોલો છો? હજી હમણાં તો મેં કહ્યું ને કે રોંગ નંબર છે? પાછો પાછો ફોન કરી કેમ હેરાન કરો છો?
(સ્પોટ લાઈટ બંધ. ગંગુ જાય છે.)
શીતલ: પણ.... અરે ફોન તો કપાઈ ગયો. કહે છે રોંગ નંબર છે. હવે?
ચૌલા: આ પહેલાં જ્યાં વાત થઈ હતી ત્યાં ફોન કર. કોઈ ઓળખીતું હોય તો સારું.
(શીતલ ફોન જોડે)
શીતલ: ઉપાડો કોઈ, જલ્દી ફોન ઉપાડો.
(સ્પોટ લાઈટ જમણી બાજુ ચાલુ થાય છે. મોટી ઉંમરના આદિ બાવા ઊભા છે. ત્રણ રીંગ પછી)
આદિ બાવા: હલ્લો?
શીતલ: હલ્લો, તમે કોણ બોલો છો? આ મેં જે નંબર પરથી તમને ફોન જોડ્યો છે એમને તમે ઓળખો છો?
આદિ બાવા: કેમ?
શીતલ: એમણે તમને હમણાં જ ફોન કર્યો હતો ને? એમનો ઍક્સિડન્ટ થઈ ગયો છે. બહુ લોહી વહી જાય છે. જલ્દી હોસ્પિટલ લઈ જવા પડશે. હું શું કરું? હલ્લો, હલ્લો, તમે સાંભળો છો? હલ્લો?
આદિ બાવા: હા. હા. ક્યાં આગળ ઍક્સિડન્ટ થયો છે? મને એડ્રેસ આપો. હું હમણાં, હમણાં જ એમના ઘરે ફોન કરું છું.
(આદિ બાવા પાછળના ટેબલ પરથી કાગળ અને પેન લે છે.)
શીતલ: હબ મોલ પાસે
આદિ બાવા: હં હં.
શીતલ: વેસ્ટર્ન એમ્પ્રેસ હાઈવે
આદિ બાવા: હં હં.
શીતલ: ગોરેગાંવ ઈસ્ટ.
આદિ બાવા: ઓકે.
શીતલ: તમે એમના ઘરે કહીદેશો ને?
આદિ બાવા: હા હું કહી દઈશ.
(આદિ બાવા ફોન કાપી નાંખે છે. થોડી વાર કાગળ પરના એડ્રેસ સામે જોઈ રહે છે. પછી કાગળ ફાડીને ફેંકી દે છે.)
આદિ બાવા: ખોદાઈજી એવનના આત્માને શાંતિ આપે.
(આદિ બાવા જાય છે. સ્પોટ લાઈટ બંધ થાય છે.)
(બ્લેકઆઉટ. અહીં અનાઉન્સમેન્ટ થાય.)

દૃશ્ય ર

સ્થળ: પોલીસ સ્ટેશન.
સમય: રાતના એકાદ વાગ્યાનો.
(ફોનની રીંગ સાથે અજવાળું થાય છે. પોલીસ સ્ટેશનમાં ખેડેકર ટેબલ પાસે ખુરશી પર બેઠા છે. ફાઈલ જોઈ રહ્યા છે. પાછળ દીવાલ પર ગાંધીજીનો ફોટો છે. ખેડેકર ટેબલ પરની લેન્ડ લાઈન ઉપાડે.)
ખેડેકર: ગોરેગાંવ પોલીસ સ્ટેશન. ઍક્સિડન્ટ? ક્યાં? ઓકે. તમારું નામ? શું કહ્યું? સલીમ? ઓકે. (ફોન કાપે.) સાઠે..હબ મોલ પાસે ઍક્સિડન્ટ રિપોર્ટ થયો છે. વાયરલેસ વાન મોકલાવ તો.
(ચૌલા અને શીતલ આવે છે.)
ચૌલા: મેડમ, અમારે એક ઍક્સિડન્ટ રિપોર્ટ કરવો છે.
ખેડેકર ક્યાં આગળ થયો છે ઍક્સિડન્ટ?
ચૌલા: ત્યાં હાઈવે પર હબ મોલ પાસે. અમે જોયો. ગાડી ચલાવનારનું મૃત્યુ થયું છે.
ખેડેકર: ખબર છે.
ચૌલા: હેં? કેવી રીતે? અમે તો હમણાં જ એ જોયો.
ખેડેકર: કોઈ સલીમનો ફોન હતો. એણે ફોન કરીને ઍક્સિડન્ટ રિપોર્ટ કર્યો. વાયરલેસ વાન ત્યાં પહોંચતી જ હશે. તે તમે જોયો ઍક્સિડન્ટ? જલ્દી કહો શું થયેલું?
ચૌલા: મેડમ મેં મારી આંખે જોયું. આ માણસ ચાલુ ગાડીએ ફોન પર વાત કરતો હતો. અચાનક એક ટ્રક સામેથી આવી. આણે ગાડી ડાબી બાજુ વાળી. ગાડી ઝાડ સાથે અથડાઈ.
શીતલ : અને અમને એમ કે એ મરી ગયો છે પણ ત્યાં તો એ બહાર આવીને આમ લોહીલુહાણ હાલતમાં અમારી સામે જ રસ્તા પર પડ્યો.
ખેડેકર: ટ્રક?
ચૌલા: ટ્રક તો ઊભી પણ ના રહી.
ખેડેકર: ટ્રકનો નંબર?
શીતલ: ના દેખાયો. પણ મેં એમના મોબાઈલમાંથી ફોન જોડી કહ્યું છે કે આના ઘરે જણાવે.
ખેડેકર : એમનો મોબાઇલ?
(શીતલ ખેડેકરને મોબાઇલ આપે.)
ખેડેકર: તે ઘરેથી કોઈ આવ્યું નહી હોય હજી. નહિ?
ચૌલા: ના મેડમ. અમે નીકળ્યા ત્યાં સુધી તો નહિ.
ખેડેકર: વેરી ગૂડ. બધા જ જો આમ પોલીસને મદદ કરે તો સારું.
શીતલ: અમે જઈએ?
(ચૌલા અને શીતલ જવા નીકળે)
ખેડેકર: અરે એક મિનિટ, તમારું નામ સરનામું અને નંબર ત્યાં હવાલદારને લખાવતા જજો. જરૂર પડશે તો તમને બોલાવશું.
(ફેડ ઇન ફેડઆઉટ)
સ્થળ : પોલીસ સ્ટેશન
સમય: સવારના ૯ -૧૦ વાગે
(સાઠે જમણી બાજુથી આવે.)
સાઠે: ગૂડ મોર્નિંગ મેડમ.
ખેડેકર: શું થયું પેલા ઍક્સિડન્ટ કેસનું? ખબર પડી પેલો કોણ હતો?
સાઠે: મેડમ મને લાગે છે કે કેસ ઇઝ સોલ્વ્ડ. મેં ગાડીના નંબર પરથી એડ્રેસ શોધી કાઢ્યું છે. કોઈ ચંદીરામાની કરીને બિલ્ડર છે.
ખેડેકર: ચંદીરામાની? પેલો મોટો બિલ્ડર? યુ મીન પેલો ઘર હાઉસિંગવાળો?
સાઠે: હા મેડમ એ જ. મેં એમના પત્નીને જણાવી દીધું છે. એ પહોંચતાં જ હશે.
(ત્યાં તો એકદમ સ્ટાઈલીશ કપડામાં ગોગલ્સ સાથે એક સ્ત્રી રુઆબથી પ્રવેશે છે અને ઇન્સ્પેક્ટરનો ઇશારો થતાં ખુરશીમાં બેસે છે.)
ખેડેકર: આપ ...?
મિસિસ ચંદીરામાની : મને ના ઓળખી ? હું મિસિસ ચંદીરામાની.
ખેડેકર: આઈ એમ સોરી. જો તમે સમયસર આવી જાત તો મિસ્ટર ચંદીરામાનીને કદાચ બચાવી શકાત. એમને તાત્કાલિક લોહીની જરૂર હતી.
સાઠે: ખૂબ લોહી વહી ગયેલું એમનું. મ્યુનિસિપલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ તો ચાલુ જ હતી પણ....
મિસિસ ચંદીરામાની : મ્યુનિસિપલ હોસ્પિટલ? હાઉ ડેર યુ? એટલે જ આવું થયું. તદ્દન બેજવાબદાર છો તમે.
ખેડેકર: મેડમ, ઍક્સિડન્ટ કેસમાં આમ જ કરવું પડે. અને તમે. તમે આમ વાત ના કરી શકો.
મિસિસ ચંદીરામાની : (લહેકામાં) ઓકે ઓકે.
ખેડેકર: હં..?
મિસિસ ચંદીરામાની : (જોરથી નથી બોલવું છતાં) સોરી.
ખેડેકર: ઇટ્સ ઓકે. પણ તમે સમયસર પહોંચ્યા કેમ નહિ?
મિસિસ ચંદીરામાની: મને ક્યાં મોડું થયું છે? મને હવાલદારનો ફોન આવ્યો કે તરત તો હું આવી.
ખેડેકર: કેમ એ પહેલાં કોઈનો ફોન નહોતો? શીતલે પેલાને કહેલું ફોન કરવા.
મિસિસ ચંદીરામાની: કોણ શીતલ? અને એણે કોને કહેલું? આ બધું શું છે?
ખેડેકર: શીતલ ત્યાં ઍક્સિડન્ટ વખતે હાજર હતી.
મિસિસ ચંદીરામાની : એટલે કોઈએ જોયો છે આ ઍક્સિડન્ટ? મારે એને મળવું પડશે.
ખેડેકર: સાઠે. આવું કેવી રીતે હોય? શીતલ તો કહેતી હતી કે…… એની વે, પોસ્ટ મોર્ટમ થઈ ગયું છે. તમે હોસ્પિટલમાંથી એમને લઈ જઈ શકો છો. અને હા, તમને પણ બોલાવવા પડશે પછીથી.
મિસિસ ચંદીરામાની: કેમ? મને કેમ? મારું હવે શું કામ છે?
( ખેડેકર પ્રશ્નાર્થ નજરે પેલીને જોઈ રહે)
એટલે મેં શું કર્યું છે? ઍક્સિડન્ટ જ થયેલો ને.
ખેડેકર: લગભગ હા.
મિસિસ ચંદીરામાની : તો પછી? (એટિટ્યુડ સાથે) તમને મારા પર શંકા છે?
ખેડેકર: શંકાની સોય તો બધા પર તકાયેલ હોય જ.
મિસિસ ચંદીરામાની : પણ હું શું કામ મારા પતિને મારું?
ખેડેકર: તો ય તમારે આવવું પડશે.
મિસિસ ચંદીરામાની: સારું. આવી જઈશ. પણ એમનો ફોન? એ તો મને આપી દો?
ખેડેકર : હા એ તમને મળશે પણ હમણાં નહિ.
મિસિસ ચંદીરામાની : કેમ? મારા પતિનો ફોન હું કેમ ના માંગી શકું?
ખેડેકર: માંગી શકો અને આપીશ પણ. પણ તપાસ બાદ.
(મિસિસ ચંદીરામાની અચકાતા ઊભા થઈ જવા જાય. દરવાજેથી ઊંધા વળી કઈ અસમંજસમાં કંઈ કહેવા જાય. વળી અટકે.)
ખેડેકર: યસ? કંઈ કહેવું છે?
(માથું ધુણાવતાં મિસિસ ચંદીરામાની ત્યાંથી જતાં રહે છે.)
સાઠે: મેડમ આ એક એક્સિડન્ટ કેસ નથી? એટલે કેસ હજુ સોલ્વ નથી થયો?
ખેડેકર: જો કલમ ૩૦૪ અ લાગી છે એટલે ઇન્વેસ્ટિગેશન તો કરવું જ પડશે.
સાઠે: પણ આ બેન... છાપામાં જ જોયા હતા કાયમ. લાગે છે કેવા સુંદર નહિ. શું એમની સ્ટાઇલ. પણ બોલે એટલે.... મને લાગે છે કે....
ખેડેકર: (સાઠેને કાપતા) મને એમ લાગે છે કે તારે હવે ચંદીરામાનીના ફોનથી છેલ્લે જે બે ફોન થયા હતા એમનાં નામ સરનામાં શોધી કાઢવાં જોઈએ.
સાઠે: શોધી કાઢીએ તો પછી. પણ મને એમ લાગે છે કે....
ખેડેકર: (બે હાથ જોડી) હવે મને માફ કરીશ?
(સાઠે નિરાશ થઈ જાય છે.)
ખેડેકર: (ફોન જોડી) હલ્લો સર. એ ચંદીરામાની હતા. ઘર હાઉસીંગવાળા. આમ તો ઍક્સિડન્ટ જ લાગે છે. પણ હું પૂરતી તપાસ કરીશ. ચંદીરામાની મોટા બિલ્ડર હતા એની ના નહિ. પણ એમનું નામ કંઈ સારું નહોતું. એના દુશ્મન હોઈ શકે છે. હા સર, હોઈ શકે કે ટ્રક પણ એમણે જ મોકલ્યો હોય. મને ખબર છે આ હાઈ પ્રોફાઈલ કેસ છે. ડોન્ટવરી સર.
(ફોન મૂકે છે. ચૌલા આવે છે.)
ચૌલા: ગુડ મોર્નિંગ મેડમ. તમે મને બોલાવેલી?
ખેડેકર: શીતલ મેડમ નહિ આવ્યાં સાથે?
ચૌલા: એને અત્યારે નીકળવું મુશ્કેલ. આમે ય એને પોલીસ સ્ટેશનનો બહુ ડર લાગે. પણ મેં એને સમજાવ્યું કે પોલીસને મદદ તો કરવી જ જોઈએ ને?
ખેડેકર : અરે હા.ચૌલા, તમે તો કહેતા હતા ને કે તમેચંદીરામાનીના ઘરે કહેવડાવ્યું છે?
ચૌલા: અચ્છા. તો એ કોઈ ચંદીરામાની હતા. હા મેડમ, અમે કહેવડાવ્યું હતું.
ખેડેકર: પણ એનાં પત્ની તો કહેતાં હતાં કે કોઈએ એમને ફોન નથી કર્યો.
ચૌલા: મેડમ,શીતલે જે બીજો ફોન જોડેલોને એમણે એને કહ્યું હતું કે હું જણાવી દઈશ.
ખેડેકર: પણ એમણે તો જણાવ્યું નહોતું. કેમ?
ચૌલા : મેડમ મને એ કેવી રીતે ખબર પડે?
ખેડેકર: ઓકે. પહેલો ફોન તમે કોને કરેલો?
ચૌલા: જે ફોન ચંદીરામાનીએ છેલ્લે જોડયો હતો ને એમને. પણ સામેથી એમણે કહ્યું કે એ તો રોંગ નંબર છે.
ખેડેકર: પૂરી ચાર મિનિટ વાત થઈ છે ચૌલા, રોંગ નંબર કઈ રીતે હોય? તું જા. હું ચંદીરામાનીના ફોન પરથી જોડીને જાણી લઈશ.
(ચૌલા ડાબી બાજુથી જાય છે. ખેડેકર ચંદીરામાનીના મોબાઈલથી ફોન જોડે છે.)
(ત્રણ ફોનની રીંગ વાગે. મંચ પર લાઈટ ઓછી થાય છે અને જમણી બાજુ સ્પોટ લાઈટ આવે છે. જમણી બાજુથી ગંગુ ફોન ઉપાડે છે.)
ગંગુ: બોલો.
ખેડેકર: પોલીસ ઇન્સ્પેક્ટર ખેડેકર ગોરેગાંવ પોલીસ સ્ટેશન.
ગંગુ: (અચકાતા) બોલો મેડમ.
ખેડેકર: તમને કાલે આ નંબર પરથી ફોન આવેલો?
ગંગુ: હા મેડમ. મને આવેલો પણ એ ભૂલથી લાગી ગયેલો. મેં કહ્યું હતું કે રોંગ નંબર છે.
ખેડેકર: પછી?
ગંગુ: પછી પાછો બીજી વાર ફોન આવ્યો હતો કે આ નંબર કોનો છે તમને ખબર છે? ત્યારે પણ મેં કહ્યું કે આ રોંગ નંબર છે. મને કંઈ નથી ખબર.
ખેડેકર: ઓકે. ફોન મૂકું.
(ફોન મૂકે છે. )
ખેડેકર : આ અવાજ? ક્યાં સાંભળ્યો છે મેં આ અવાજ? ઑફ કોર્સ. આ તો ગંગુ. સાઠે, ઓ સાઠે.
(સાઠે જમણેથી આવે છે.)
ખેડેકર: સાઠે, પેલા ગંગુ શૂટરને પાછો શોધી કાઢવો પડશે.
સાઠે: પણ મેડમ એ તો નિર્દોષ છૂટી ગયેલો ને પેલા કેસમાં?
ખેડેકર: એ તો પુરાવાને અભાવે. એ કેસમાં ભલે છૂટ્યો પણ આ કેસમાં ફસાશે. મારી પાસે પાક્કા પુરાવા છે.
સાઠે : એટલે કેસ સોલ્વ્ડ? ગંગુએ ચંદીરામાનીને માર્યા છે? અને એ પણ સોપારી લઈને?
ખેડેકર: તે સોપારી કોણે આપી એ આપણે નહિ શોધવું પડે? તું કહે, તને શું લાગે છે?
સાઠે: (ખેડેકરની મજાક સમજ્યા વિના) મેડમ, મને લાગે છે કે...
ખેડેકર: ઓ ભગવાન.. મારે તને શું કહેવું?
સાઠે: સાઠે.
ખેડેકર: ભાગ અહીંથી.
(સાઠે હસતો હસતો મસ્તીના મૂડમાં ડાબી બાજુ જાય છે.)
(બ્લેક આઉટ)

દૃશ્ય ૩

(ખેડેકર પોતાના મોબાઈલથી ફોન પર વાત કરી રહ્યા છે. એમનો અવાજ લાઈટનો ક્યુ છે.)
ખેડેકર: સર,દાળમાં કંઈ કાળું છે. ચંદીરામાનીએ મરતાં પહેલાં બે ફોન કરેલા. એમાંનો એક ફોન ગંગુશૂટરને કર્યો હતો. હા સર. એ જ ગંગુશૂટર. મેં એનો અવાજ ઓળખી કાઢ્યો છે. એને હું નહિ છોડું. ઓકે. સર.
(સાઠે ગંગુ સાથે પાછો આવે છે. એમને આવતા જોઈ ખેડેકર ‘મૂકું' કહી ફોન મૂકે છે. સાઠેને જવા ઇશારો કરે છે. સાઠે જમણી બાજુ જાય છે)
ખેડેકર: (ગંગુને લાફો મારતા) બોલ, શું કારીગરી કરી છે તેં?
(પેટમાં જોરથી મુક્કો મારે છે.) રોંગ નંબર એમ? (ગંગુ બેવડ વળી જાય છે. ગંગુની પીઠ પર જોરથી કોણી મારતા) રોંગ નંબર હતો તો તું ચાર ચાર મિનિટ સુધી શું વાત કરતો હતો? (ગંગુ જમીન પર બેસી પડે છે. એને કોલરથી પકડી ઊભા કરતા કરતા) બોલ.
ગંગુ: મેડમ બસ. હવે ના મારશો. કહું છું. બધું કહું છું. મને ચંદીરામાનીનો ફોન આવેલો.
ખેડેકર: કેમ?
ગંગુ: (ડરતા ડરતા) મને પાર્ટીનું નામ એડ્રેસ આપવા.
ખેડેકર: એટલે તારે એને પતાવવાનો હતો એમ? કોણ હતું એ? (હાથ ઉપાડીને) બોલ જલ્દી બોલ.
ગંગુ: કહું છું મેડમ. મારો નહિ. એનું નામ આદિ બાવા. બંગલા નંબર ૩, પારસી કૉલોનીમાં રહે છે.
ખેડેકર: (એને કોલરથી પકડી હલાવી નાખતા) તો પછી તેં ફોનમાં શીતલને કેમ એમ કહ્યું કે આવેલો ફોન રોંગ નંબર હતો?
ગંગુ: હું ડરી ગયો હતો મેડમ. થોડી વાર પહેલાં જ ચંદીરામાની સાથે ફોન ચાલુ હતો અને અચાનક ફોન કપાઈ ગયો. પછી તરત ફોન કપાઈ ગયો. થોડી વાર પછી પાછો બીજી વાર એ જ નંબર પરથી ફોન આવ્યો ત્યારે બીજા જ કોઈનો અવાજ હતો ફોનમાં એટલે હું ડરીને ખોટું બોલ્યો.
ખેડેકર: (બૂમ પાડે) તું અને ડરે? સાલા....ગામ આખાને ડરાવનાર. સાઠે ઓ સાઠે.
(સાઠે જમણેથી દોડતો આવે.)
ખેડેકર: આને સાલાને અંદર બંધ કર.
(સાઠે એને અંદર મૂકી પાછો આવે. ત્યાં સુધી ખેડેકર લાઠી, ગન તેમજ ટોપી લે.)
સાઠે: મેડમ કેસ સોલ્વ્ડ?
ખેડેકર: (દાઢમાં) કેમ તારે બહુ ઉતાવળ છે?
સાઠે: સોરી મેડમ.
ખેડેકર : જો સાઠે, હું પારસી કૉલોની જાઉં છું. અરે હા, તેં પેલા બંને ફોનની તપાસ કરી? એક ફોન તો આ ગંગુનો હતો. તો બીજો? ઘરે કહીશ કહીને એણે કહ્યું કેમ નહિ? નક્કી કંઈક ઝોલ છે.
સાઠે: મેડમ, મેં તપાસ તો કરાવી લીધી છે. એ નંબર આદિ બાવાનો છે. બંગલા નંબર ૩, પારસી કૉલોની.
ખેડેકર: (મોટેથી) વો? આદિ બાવા? પણ એની તો સોપારી ચંદીરામાનીએ પેલા ગંગુને આપેલી. હવે મને સમઝાયું. તો ચંદીરામાનીએ પહેલાં આ આદિ બાવા નામના દુશ્મનને ફોન કર્યો હશે. એ નહિ માન્યો હોય એટલે એણે બીજો ફોન ગંગુ શૂટરને સોપારી આપવા કર્યો હશે. પણ આ આદિ બાવાએ પહેલાં જ પ્લાન કરીને ટ્રક મોકલી અને ચંદીરામાનીને મરાવી નાખ્યો. એક્ઝેટલી, આમ જ થયું હશે.
સાઠે: પણ મેડમ આ આદિ બાવાનું નામ તો આપણે કોઈ દિવસ નથી સાંભળ્યું.
ખેડેકર: હોઈ શકે કે એ નવી માછલી હોય. હશે કોઈ નવોસવો ખેલાડી. પણ છે હોશિયાર હોં. ચલ હવે આપણે જઈને એમને પકડી લાવીએ.
સાઠે: મેડમ, મને લાગે છે કે...
(ખેડેકર ડોળા કાઢે.)
સાઠે: સમજી ગયો મેડમ. ચાલો.
(બંને જાય છે. બ્લેકઆઉટ)

દૃશ્ય ૪

(મંચ પર અંધકાર. અજવાળું થાય છે. આદિબાવાના ઘરનો સીન. આદિ બાવાનો અવાજ લાઈટનો ક્યુ)
આદિ બાવા : (ડરથી ધ્રૂજતા) બોલો કેમ આવવું પડ્યું? આ પહેલી વાર એવું થયું કે કોઈ પોલીસ અમારે ઘરે આવી છે.
ખેડેકર: કારણ તો તમને પણ ખબર છે નહીં તો મને જોઈને તમે ડરો નહીં.
આદિ બાવા ડર તો મને સૌથી વધારે ખોદાઈજીનો લાગે છે જેને મારે ઉપર જઈ જવાબ આપવાનો છે.
ખેડેકર: (ચિડાઈને) હમણાં તો તમે મને જવાબ આપો આ બધું શું છે? તમે ચંદીરામાનીને કઈ રીતે ઓળખો? તમે તેને ઓળખતા હતા તો કેમ એના ઘરનાને ફોન કરી ના જણાવ્યું? સીધે સીધી રીતે જવાબ આપો, નહીં તો મારે તમને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે.
આદિ બાવા: (એક મોટો નિસાસો નાંખી) ભાઈ હું જવાબ આપીશને તો ય મને પોલીસ સ્ટેશન લઈ જવો પડશે કારણ કે ચંદીરામાનીના મૃત્યુનું કારણ હું છું.
ખેડેકર: (ખુશ થઈને) એટલે તમે ગુનો કબૂલો છો?
આદિબાવા : હું બહુ મોટો ગુનેગાર છું. મારા આ ગુના માટે મને જે કોઈ સજા થાય તે હું ભોગવવા તૈયાર છું. પણ મારી જેરુને તો કંઈ નહીં થાય ને?
ખેડેકર: કોણ જેરુ?
આદિ બાવા: મારી વ્હાલી પત્ની જેરુ.
ખેડેકર :તમે કેમ આવું કર્યું? તમારી ચંદીરામાની સાથે શું દુશ્મની હતી?
જેરુ: દુશ્મની અમારી એની સાથે નહોતી.
ખેડેકર : તો?
આદિ બાવા: દુશ્મની એને અમારી સાથે હતી. આ અમારું પારસી કૉલોનીનું ઘર જ્યાં અમે આટલા વર્ષો ગાળ્યાં ત્યાં એણે અમને શાંતિથી રહેવા નહોતા દેવા.
ખેડેકર: પણ કેમ?
આદિ બાવા: અહીં એને એક મોલ બનાવવો હતો. અમારું ઘર મેઇન રોડ પર છે ને એટલે. અમને ક્યારનો ઘર ખાલી કરવા જણાવતો હતો. પણ આ ઉંમરે અમે ક્યાં જઈએ? આગળ પાછળ કોઈ એવું નથી જેનો અમે આશરો લઈ શકીએ.
ખેડેકર : એટલે એ તમને ધમકાવતો હતો?
આદિ બાવા : હા. એણે અમને ખૂબ હેરાન કર્યા. જેરુ તો મને કહેતી જ હતી કે બન્ને જણા આત્મહત્યા કરી લઈએ હવે. આ બિલ્ડરની સામે લડવાનું આપણું ગજું નહિ. એણે અમને બે દિવસમાં ઘર ખાલી કરવાની ધમકી આપેલી અને એમ પણ કહ્યું હતું કે બે દિવસ પછી નહીં તો એ અમને મરાવી નાખશે.
ખેડેકર: પછી?
આદિ બાવા: બે દિવસ પૂરા થયા હતા અને એનો ફોન આવ્યો હતો કે તમારો સમય હવે પૂરો થયો. ઘર ખાલી કરવાનો અને દુનિયા પણ ખાલી કરવાનો.
આદિ બાવા: એના હાથે કમોતે મરવા કરતાં અમે બન્ને જાતે જ જીવ આપી દેતે. જેરુએ તો ઉંદર મારવાની દવા બે ગ્લાસમાં તૈયાર રાખેલી.
ખેડેકર: એટલે તમે ?
આદિ બાવા: હા. અમે આત્મહત્યા કરવાનાં હતાં. પણ ત્યારે જ કોઈનો ફોન આવ્યો. એ પણ ચંદીરામાનીના મોબાઈલ પરથી.
ખેડેકર: એ પેલી શીતલ.
આદિ બાવા: એણે કહ્યું કે તમે એમને ઓળખો છો? એમનો ઍક્સિડન્ટ થઈ ગયો છે. મારું તો માથું ફરી ગયું. આ શું કહે છે? મેં નક્કી કરી લીધું કે મારે શું કરવું છે તે અને મેં એમ જ કર્યું.
ખેડેકર: એટલે? તમે શું કર્યું શું?
આદિ બાવા : મેં ચંદીરામાનીના ઘરે જણાવ્યું જ નહિ. ભલે એનું બહુ લોહી વહી જાય. સમયસર ટ્રીટમેન્ટના અભાવે ભલે એનું મૃત્યુ થાય.
ખેડેકર: તે તો થયું જ.
આદિ બાવા : (નિસાસો નાખતા) ચાલો જે થયું તે. હું જેલમાં જઈશ પણ જેરુ તો શાંતિથી જીવતી રહેશે. એ પણ જો ચંદીરામાનીના ઘરવાળા એને જીવવા દે તો. ચાલો ઇન્સ્પેક્ટર મેડમ, હું સજા માટે તૈયાર છું.
ખેડેકર: એક મિનિટ, કયા ગુના માટે તમને સજા મળવી જોઈએ? ગુનો તો ચંદીરામાનીએ કર્યો હતો ધમકી આપવાનો, સોપારી આપવાનો. અને એને તો એની સજા મળી ચૂકી. હા, ગંગુએ પોલીસને મિસ્લીડ જરૂર કર્યા છે. એની સજા એને જરૂર મળશે. (આદિ બાવાના ખભે હાથ મૂકીને) પણ તમે જે કર્યું એ તમારી પરિસ્થિતિમાં કોઈ પણ હોત એ આ જ કરત. હું એક ફોન કરી લઉં? (ખેડેકર ફોન જોડે છે.) સર. કેસ ઇઝ સોલ્વ્ડ, મારી શંકા બિલકુલ ખોટી હતી. આ એક ઍક્સિડન્ટ કેસ જ હતો.
(પાછળ ઊભેલા આદિ બાવા એકદમ ખુશ થઈ જાય છે.)
ખેડેકર: સર પણ મને પેલી ગાડીનો નંબર નથી ખબર. હા તપાસ કરું સર એ ગાડીની.
(પાછળ ઊભેલા આદિ બાવા ગાડીનું નામ સાંભળીને ચમકે. ખેડેકર ફોન કાપે.)
આદિ બાવા: એટલે? કઈ ગાડીની વાત કરો છો તમે?
ખેડેકર: એ જ ગાડી જે સામેથી ધસીને આવી.
આદિ બાવા: (આશ્ચર્યથી) ગાડી?
ખેડેકર: હા ગાડી. ચંદીરામાનીની ગાડીની સામે અચાનક એક બીજી ગાડી આવી. ચંદીરામાનીએ ગભરાઈને ગાડી બીજી બાજુ વાળી લીધી પણ પેલી જે ગાડી હતી.....
આદિ બાવા: નાના એ ગાડી ના હોય.
ખેડેકર: અરે ગાડી જ છે. જોઈ છે ગાડીને કોઈએ આવતાં.
આદિ બાવા: એ ગાડી નહોતી.
ખેડેકર: ગાડી જ હતી એ.
આદિ બાવા: ના.. એ ટ્રક હતી.
(મ્યુઝિક. પહેલા ધન ધનધન... પછી રહસ્યવાળું મ્યુઝિક.)
ખેડેકર: સાઠે, ઓ સાઠે. આને લઈ લો સાથે.
(સાઠે બહારથી દોડતો આવે. બધા જાય. અંધકાર.)

દૃશ્ય ૫

સ્થળ: પોલીસ સ્ટેશન
સાઠે: (આદિ બાવાને અંદર મૂકી આવી) મેડમ, મેં આદિ બાવા પાસેથી નંબર લઈને સલીમને ફોન કરી દીધો છે. એ આવતો જ હશે. મને લાગે છે કે આ લોકો અત્યાર સુધી નર્યું ખોટું જ બોલતા હતા.કાં?
ખેડેકર: ના બધું ખોટું નહિ સાઠે. ચંદીરામાની એમને હેરાન કરતો જ હતો. એટલે એમની પાસે બીજો કોઈ રસ્તો નહિ બચ્યો હોય. હું સરને હવે સાચે સાચો ફોન કરી દઉં.
(ખેડેકર મોબાઈલથી ફોન જોડીને)
સર, મારી શંકા બિલકુલ સાચી હતી. આ એક મર્ડર કેસ જ હતો. હા સર હું પૂરતી ચોકસાઈ રાખીશ. થેંકયુ સર.
સાઠે: હવે મેડમ કેસ સોલ્વ્ડ, નહિ?
ખેડેકર: તને કેટલાં વરસ થયાં? સાઠ?
સાઠે: ના મેડમ કેમ?
ખેડેકર: કહેવત છે ને કે સાઠે બુદ્ધિ નાઠી તો પછી તારી બુદ્ધિ કેમ અત્યારથી નાઠી?
(ટ્રકવાળો સલીમ જે ઍક્સિડન્ટ વખતે બંને સ્ત્રીઓને મળેલો એ આવે છે.)
સલીમ : (તત૫૫ કરતા) નમસ્તે મેડમ. શું થયું? મારું શું કામ પડ્યું?
ખેડેકર: તને આદી બાવાએ જે કામ સોંપેલું એવું કોઈ કામ મારે તારું નથી પડ્યું.
સલીમ : મને? મને એમણે કોઈ કામ નથી સોંપ્યું.
ખેડેકર : જો ખોટું ના બોલ. તારી ટ્રકનો નંબર છે મારી પાસે. તું ઍક્સિડન્ટ સાઇટ પર હતો એ મને ખબર છે. તેં જ ફોન કરીને ઍક્સિડન્ટ રિપોર્ટ કરેલો ને? આદિ બાવાએ તને કામ સોંપેલું એની એણે કબૂલાત કરી છે.
સલીમ : મેડમ એમણે મને કામ સોંપેલું પણ મેં એ કર્યું નથી. સાચું કહું છું.
ખેડેકર : કયું કામ?
સલીમ : મેડમ હું કહું છું. પણ મને બીજા કોઈ કેસમાં..
ખેડેકર: હમણાં આની વાત કર.
સલીમ : ચંદીરામાની નામના બિલ્ડરને....
ખેડેકર : ઍક્સિડન્ટ કેસ. હીટ એન્ડ રન. બરાબર?
સલીમ : (નીચું જોઈ) હા મેડમ.
ખેડેકર : એટલે તેં એને ઉડાડ્યા બરાબર?
સલીમ : ના મેડમ. મેં ઍક્સિડન્ટ નથી કર્યો.
ખેડેકર: (ખૂબ ગુસ્સામાં) તેં ઍક્સિડન્ટ કર્યો અને પાછો પોલીસ સ્ટેશનમાં ફોન કરીને રિપોર્ટ પણ કર્યો.
સલીમ: સાચું કહું છું મેડમ. મેં ઍક્સિડન્ટ નથી કર્યો.
ખેડેકર: કેમ? કેમ ના કર્યો? તને એ સોંપવામાં આવેલું. તું એ કબૂલે છે. પછી હું આ કઈ રીતે માનું?
સલીમ : મેડમ સાચું કહું છું. હું ત્યાં પહોંચ્યો ત્યારે ચંદીરામાનીની ગાડીનો ઍક્સિડન્ટ થઈ ચૂકેલો હતો. એ ત્યાં રસ્તા પર લોહીલુહાણ પડેલા હતા.
ખેડેકર : તું ખોટું બોલે છે. સાઠે આને અંદર કર. મેથીપાક ખાધા પછી જ આ ઓકશે.
સલીમ: હું સાચું બોલું છું મને અંદર ના કરો મેડમ.
ખેડેકર: એટલે તેં આ કામ નથી કર્યું એમ?
સલીમ : હા. એમનું કામ તો એમ થઈ ગયેલું હતું. કદાચ જેમ મારી ટ્રક રસ્તા પર પડેલા ઓઇલના લીધે સ્કીડ થઈ એમ જ એમની ગાડી પણ....
ખેડેકર : પોલીસને પોલીસનું કામ કરવા દઈશ તું? તને પૂછે એટલાનો જ જવાબ આપ. સમજ્યો? તો પછી તેં કેમ એમ કહ્યું નહિ આદીબાવાને ઍક્સિડન્ટ વિષે?
સલીમ: મને પૈસા મળવાના હતા એટલે.
ખેડેકર: તો પોલીસમાં કેમ કહ્યું?
સલીમ : મને એમ કે હું જ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દઉં જેથી ઍક્સિડન્ટમાં એનું ડેથ થયું છે એ બહાર આવે અને મને પૈસા મળી જાય.
(સાઠે એટલામાં ચૌલાને લઈને અંદર આવે )
સાઠે: મેડમ મને લાગે છે કે....
ખેડેકર: (ઘડિયાળ જોતાં) ચૌલા? આટલી વહેલી?
ચૌલા: પછી મારે કામ છે એટલે હું વહેલી આવી ગઈ. એક તો આ ઍક્સિડન્ટ જોઈ હું મદદ કરવા ગઈ એમાં તો હું ફસાઈ ગઈ છું. દર વખતે કામ રખડાવીને અહીં આવવું પડે છે.
ખેડેકર: મદદ કરવાનું નક્કી જ કર્યું છે તો પૂરી મદદ કરો હવે, તમે જે ટ્રક ઍક્સિડન્ટ કરીને જતા જોઈ એ આ ચલાવતો હતો. તમે જો આને ઓળખી કાઢો તો કેસ ક્લોઝ, પછી તમે છુટ્ટાં.
ચૌલા : એનું મોઢું જાણીતું લાગે છે. અને તમે પણ કહો છો તો... હોઈ શકે કે આ જ હોય.
સલીમ: મોઢું જાણીતું લાગે છે કારણ કે હું ત્યાં જ હતો. એમને મળેલો પણ.
ખેડેકર: બસ સલીમ તો હવે બીજી શું સાબિતી જોઈએ? તે તારા મોઢે કબૂલ્યું કે તને આદી બાવાએ કામ સોંપેલું અને તું ત્યાં હાજર હતો.
સલીમ: હું હાજર હતો પણ ઍક્સિડન્ટ થયા બાદ. પૂછો આમને.
ચૌલા: અચ્છા. હવે યાદ આવ્યું. હા આ જ હતો જે અમને ત્યાં મળેલો. પણ ઍક્સિડન્ટ પછી.
ખેડેકર : ચોક્કસ?
ચૌલા: હા હવે ચોક્કસ.
ખેડેકર: સલીમ તું જા. પાછો બોલાવીશ જરૂર પડશે તો. અને હા, આ કેસમાં ભલે છૂટ્યો પણ હવેથી મારી નજર તારા પર છે એ ધ્યાન રાખજે.
(સલીમ થોડો હાશ અનુભવતો થોડો ડરતો ડરતો જાય.)
ખેડેકર: સાઠે, હવે આ કોકડું ઔર ગૂંચવાયું. આ કેસ છે કે પતવાનું નામ જ નથી લેતો. હવે? આગળ ડેડ એન્ડ.
સાઠે: મેડમ મને લાગે છે કે.....
ખેડેકર: તું તારું મગજ ના ચલાવ. આમેય બિચારું નાનું છે. ઘસાઈ જશે તો? પછી તું શું કરીશ.
ચૌલા: મને એમ લાગે છે કે...
ખેડેકર: (સાઠે સામે જોઈ) જો તારો રોગ હવે આને લાગ્યો. (ચૌલા સામે જોઈ) બોલો શું કહેતા હતા?
ચૌલા: આ ટ્રકવાળો પહેલા એક વાર ઍક્સિડન્ટ કરીને જતો રહીને બીજી વાર આવ્યો હોય, તપાસ કરવા, એવું પણ બને ને?
ખેડેકર: એ શક્યતા નકારી ના શકાય. પણ તમે આ ટ્રક ડ્રાઈવર વિષે મને કંઈ કહ્યું નહિ પહેલાં?
ચૌલા: હા એ ત્યારે ત્યાં આવેલો પણ મને એ કહેવાનું જરૂરી ના લાગ્યું. મને એમ કે એમ જ એ પૂછવા આવેલો.
ખેડેકર : સારું તમે જાવ. થેન્કસ ફોર કમિંગ.
(ચૌલા જાય.)
ખેડેકર: સાઠે, શીતલને બોલાવી લે. અને આદી બાવાને છોડી મૂક. સલીમે ઍક્સિડન્ટ કર્યો જ નથી એટલે આદિ બાવાને બેસાડી રાખવાનો કોઈ અર્થ નથી.
(સાઠે જાય. ફેડ આઉટ ફેડ ઇન.)
સાઠે: હું સહેજ ફ્રેશ થઈ જાઉં.
ખેડેકર: કેમ?
સાઠે: પેલાં શીતલ મેડમ આવતાં જ હશે. એ કેટલાં રૂપાળાં છે? એમની આંખો એટલે....
(ત્યાં તો શીતલ આવે. શીતલ બંને સ્ત્રીઓમાં જરા વધારે ઢીલી છે. આવે ત્યારે જ ગભરાયેલી છે.)
ખેડેકર: સાઠે, તારે ફ્રેશ થવું હતું ને?
સાઠે: (જવું ગમતું નથી પણ જાય છે.) હા જાઉં છું.
(સાઠે જતો રહે.)
ખેડેકર : તમે ડરો નહિ. તમે ક્યાં કંઈ કર્યું છે? તમે તો કેસ સોલ્વ કરવામાં હેલ્પ કરી રહ્યાં છો. ગભરાવ નહિ. ચા પીશો?
શીતલ: ના. ના. કંઈ નથી પીવું.
ખેડેકર: મને એ કહો ઍક્સિડન્ટની રાતે તમે ત્યાં એકલાં જ હતાં કે કોઈ બીજું હતું?
શીતલ: અમે બંને જ હતા ત્યાં. બીજું કોઈ નહિ.
ખેડેકર: તમને લાગે છે કે જે ટ્રકના લીધે ઍક્સિડન્ટ થયો એને તમે ઓળખી શકો?
શીતલ ના મેડમ. કંઈ દેખાયું જ ક્યાં હતું? એક તો રાત અને એમાં અંધારું.
ખેડેકર : તમે ત્યાં એટલા મોડા બંને જણા શું કરતા હતા? આમ એકલા ફરતા ફરો અને અડધી રાત્રે કંઈ થઈ જાય તો અમને લાંબા કરી નાખો.
શીતલ: અમે તો પિક્ચર જોવા ગયેલા.
ખેડેકર: રાતના શોમાં? કેમ?
શીતલ: મને ત્યારે જ ફાવે. દિવસે મને બહુ કામ હોય.
ખેડેકર: મને ય પિક્ચર જોવા બહુ ગમે. પણ અમારા કામનો તો કોઈ સમય જ નહિ. કયું પિક્ચર જોવા ગયેલા તમે?
શીતલ : દૃશ્યમ.
ખેડેકર : (ખુશ થઈ) દૃશ્યમ? મારે અડધેથી ઊઠવું પડેલું. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો એટલે. મસ્ત સ્ટોરી છે નહિ? સસ્પેન્સ. છેલ્લે ખૂની કઈ રીતે પકડાય છે એમાં એ કહેશો?
શીતલ : ખૂની? એમાં ખૂન થાય છે? ઓહ હા નહિ? ખૂની...? મને યાદ નથી. હા, અમે આખું નહોતું જોયું. અમે પણ અડધેથી ઊભા થઈ ગયેલા.
ખેડેકર : આટલું ઇન્ટરેસ્ટિંગ પિક્ચર અને અડધેથી ઊભા? ના ગમ્યું? કે મારી જેમ તમને પણ કંઈ કામ આવી પડ્યું?
શીતલ: મને સસ્પેન્સવાળા પિકચર ના ગમે.
ખેડેકર : મને સસ્પેન્સમાં બહુ રસ પડે. મને એક સવાલ થાય છે. તો પછી અડધેથી ઊભા થઈ ગયેલા તમે પિક્ચર છૂટ્યા બાદ, બધા જતા રહ્યા બાદ, રાત્રે બાર વાગ્યા સુધી ત્યાં શું કરતા હતા?
શીતલ : ચૌલા ક્યાં છે? એને બોલાવો ને. એને બધું ખબર છે.
ખેડેકર : (કરડાકીથી મોટા અવાજે) કેમ એનું શું કામ પડ્યું? એને એવું શું ખબર છે જે તમને નથી ખબર?
શીતલ: એટલે...એટલે....
ખેડેકર: (હજુ મોટા અવાજે) એટલે શું? તમારે હવે બોલવું છે કે પછી સાઠેને બોલાવું?
શીતલ : ના ના એવો જુલમ ના કરો મેડમ.
ખેડેકર: તો પછી સાચે સાચું બોલ. જો,ચૌલાએ બધી કબૂલાત કરી લીધી છે.
શીતલ: હેં? હવે?
ખેડેકર: તું પણ કબૂલ કરી લે. હું તમારા માટે બનતું કરીશ. સમજાય છે તને? બોલ હવે.
શીતલ : કહું છું મેડમ. બધું કહું છું. હું ક્યાં આમાં ફસાઈ? આ તો બકરું કાઢતાં ઊંટ ઘૂસ્યું. હું તકલીફમાં હતી. એટલે મેં મારી જ કૉલોનીમાં રહેતી ચૌલાની મદદ લેવાનું વિચાર્યું. મેં એને મળવા બોલાવી.
(ફેડ ઇન, ફેડ આઉટ)
(સ્ટેજની જમણી બાજુ ચૌલા અને શીતલ)
ચૌલા: બોલ શીતલ, કેટલા વખતે મળ્યા?
શીતલ: આમ તો તું બિઝી હોય પણ મારે અર્જન્ટ કામ હતું એટલે તને દોડાવી.
ચૌલા: શેની બિઝી હવે? સસ્પેન્ડ થઈ એટલે ઘરે જ.
શીતલ: હાય હાય! સસ્પેન્ડ? કેમ? મને તો એમ કે તું પોલીસમાં છે તો મને મદદ કરી શકીશ.
ચૌલા: એક છે હરામી સાલો. મને લાંચ કેસમાં ફસાવી સસ્પેન્ડ કરાવી, એક વાર એણે મને મોટું કામ સોંપ્યું. બહુ બધા પૈસા આપીશ કહ્યું. મેં પૈસા ખાઈને એનું કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તો એણે સાલાએ મારી સામે મોટી ચાલ રમી નાખી.
શીતલ: સાલા પુરુષો. મને ય એક આવો જ હેરાન કરે છે. પણ હવે તું તો કઈ રીતે મને મદદ કરી શકે?
ચૌલા : કહે તો ખરી જે હોય એ. મારાથી થાય એ હું કરીશ.
શીતલ: એક બિલ્ડર છે. પહેલાં તો મને ફસાવી. પછી એક વાર એણે મારી મુવી ઉતારી લીધી. અને એ બતાડીને એ મને બ્લેકમેઈલ કરી યુઝ કર્યા કરે છે. એના ક્લાયન્ટ કે ગવર્નમેન્ટ ઓફિસર પાસે કામ કઢાવવા મને મોકલે છે. ધંધો કરાવે છે મારી પાસે. હવે હું થાકી ગઈ છું. મારે આમાંથી નીકળવું છે. કાઢ મને બહાર પ્લીઝ.
ચૌલા : નામ બોલ એ હરામીનું.
શીતલ : ચંદીરામાની.
ચૌલા: (આશ્ચર્યથી આંચકો ખાઈ જતા) ચંદીરામાની. ઓહ માય ગોડ!
શીતલ: કેમ શું થયું? તું એને ઓળખે છે?
ચૌલા: એ જ તો છે જેણે મને સસ્પેન્ડ કરાવી છે.
શીતલ: હવે?
ચૌલા: મને વિચારવા દે. જો હું કહું એમ કરીએ.
(વાતો કરતા હોય એમ અવાજ વિના સંવાદ દેખાડાય.)
શીતલ: પણ પછી આગળ શું થશે? મને ડર લાગે છે.
ચૌલા: હું છું ને. તને કંઈ નહિ થવા દઉં.
(ફેડ ઇન ફેડ આઉટ)
સ્થળ: પોલીસ સ્ટેશન
શીતલ: બસ પછી ચૌલાની સલાહ મુજબ કરવાનું મેં નક્કી કર્યું. આમે ય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો.
ખેડેકર: એટલે ચંદીરામાનીનું મૃત્યુ ઍક્સિડન્ટમાં નહોતું થયેલું એમ જ ને?
શીતલ: ના.
ખેડેકર: એટલે તેં જ એને પતાવી દીધો એમ જ ને?
શીતલ : હા.
ખેડેકર: કે પછી મળીને?
શીતલ: ના. ચૌલાએ કંઈ નથી કર્યું. એ કેવી રીતે કરી શકે? નહીં તો પાછી પોલીસ ફોર્સ ના જોઇન કરી શકે. પણ ચૌલા કહેતી હતી કે એ ઍક્સિડન્ટ કેસ જ લાગશે. હું છૂટી જ જઈશ.
ખેડેકર : સાઠે હવે આને અંદર કર.
(શીતલ આ સાંભળી રડી પડે. સાઠે દોડતો આવે.)
સાઠે: હવે આ છેલ્લું? હવે તો કેસ સોલ્વ્ડ ને? આખરે ગુનેગાર ઝડપાઈ જ ગ્યો.
ખેડેકર : ( હસતા હસતા) હા ભાઈ હા. તારે હવે પૂછવું મટ્યું.
સાઠે: મને લાગે છે કે ...
ખેડેકર: હમણાં નહી. હવે નેક્સ્ટ કેસમાં.
(સાઠે શીતલને લઈને જાય. શીતલ પ્રોટેસ્ટ કરી રહી છે. ખેડેકર પોતાના મોબાઈલમાંથી ફોન જોડે.)
ખેડેકર: બ્રેક્થૂ. કેસ ઇઝ ફાઈનલી સોલ્વ્ડ. શીતલે ગુનો કબૂલી લીધો.
(કોઈ સ્ત્રીના અવાજમાં રેકોર્ડેડ અવાજ ફોનમાં સામે જવાબ આપે અથવા માઇકમાં બોલે.)
સ્ત્રી: પણ કેમ આમ? આપણો આ પ્લાન તો નહોતો.
ખેડેકર: જો મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. સારા કામમાં કોઈ વાર નિર્દોષ પણ.... તો ય હું એને છોડાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ. ખુશ? ચાલ તો લેટ્સ પાર્ટી....
(આ વાત ચાલે છે ત્યારે ચૌલા ડિઝાઈનર સાડીમાં, છુટ્ટા વાળ સાથે સ્ટેજ પર આવે. વાળ આગળ લીધા છે જેથી લંબાઈની ખબર ના પડે. બેક જ દેખાય. મોબાઈલમાં વાત કરી રહી છે.)
ચૌલા: હા મળીએ. યુઝુઅલ પ્લેસ.
(બ્લેક આઉટ, સ્પોટ ચાલુ. ફક્ત ટેબલ પર. બીજે અંધારું. સ્ટેજ પર પાછળ વચ્ચે રાખેલા ગોળ ટેબલ પર ડ્રિન્ક્સ, ગ્લાસ વગેરે પડ્યું છે. ખેડેકર અને ચૌલા મંદ મંદ હસીને પોતાની સફળતા મનાવી રહ્યા છે.)