ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કેટલીક અગ્રંથસ્થ વાર્તાઓ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
આ ગાળાની કેટલીક નમૂનારૂપ વાર્તાઓની નોંધ કરીશ, જે નીચે પ્રમાણે છે : | આ ગાળાની કેટલીક નમૂનારૂપ વાર્તાઓની નોંધ કરીશ, જે નીચે પ્રમાણે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>૧ | <poem>૧. ધી ટાઉનટૉન ટ્રસ્ટ–જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર | ||
૨. ગ્રામોફોનમાં વીલ–હરિપ્રસાદ કીરપારામ ઠાકોર | ૨. ગ્રામોફોનમાં વીલ–હરિપ્રસાદ કીરપારામ ઠાકોર | ||
૩. દેશદ્રોહી–સૌ. પ્રમીલા | ૩. દેશદ્રોહી–સૌ. પ્રમીલા |
Latest revision as of 11:16, 15 December 2024
જયેશ ભોગાયતા
આ ગાળાની કેટલીક નમૂનારૂપ વાર્તાઓની નોંધ કરીશ, જે નીચે પ્રમાણે છે :
૧. ધી ટાઉનટૉન ટ્રસ્ટ–જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર
૨. ગ્રામોફોનમાં વીલ–હરિપ્રસાદ કીરપારામ ઠાકોર
૩. દેશદ્રોહી–સૌ. પ્રમીલા
૪. મધ્ય રાત્રીએ–નરહરિ દ્વારિકાદાસ પરીખ
૫. મુંબાઈની લોકલ ટ્રેનમાં વાતચીત–બહેન પી
૬. લાલ સાડલાના વાવટા–અમૃતજી સુન્દરજી પઢિયાર
૭. કાંચનપ્રસાદ–રા. રા. કલ્યાણરાય નથુભાઈ જોશી
૮. ભાઈનો પ્રેમ–શ્રીયુત મહેતા (બી.એ.) પ્રાંતીજ
૯. કસોટી–છ વાર્તાકારો
ધી ટાઉનટૉન ટ્રસ્ટ : જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર; પ્રથમ પ્રકાશન : વાર્તાવારિધિ, ઓગસ્ટ, ૧૯૧૭ આ ગાળાની વાર્તાઓમાંથી પસાર થતાં વાર્તાકારોએ હાથ ધરેલા કેટલાક સામાજિક પ્રશ્નોની ગંભીરતા વાચક તરીકે આપણા ધ્યાનમાં આવે છે. સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો પ્રચાર, રાષ્ટ્રીય એકતાનો પ્રચાર, મુંબઈ જેવાં મહાનગરોમાં વાહનો અને માણસોની ભીડથી ત્રાસી ગયેલી પ્રજાનો આક્રોશ, બેરિસ્ટર બન્યા પછી અસીલની રાહ જોતા બેકાર યુવાનોની દયાજનક સ્થિતિ, પ્રસિદ્ધિભૂખ્યા લેખકો, અને સામયિકોના તંત્રીઓના દંભ, ઘરજમાઈ બન્યા છતાં પત્ની પર રૂઆબ છાંટતા બેવકૂફ જમાઈઓ-વગેરે સામાજિક પ્રશ્નોની ચર્ચાઓ હાથ પર લેતા ગદ્યલેખકો વાર્તાને સાધન તરીકે જ વાપરતા. આ કૃતિ બે રીતે મહત્ત્વની છે. એક તો કટાક્ષની ધાર કાઢવા માટે વાર્તાકારે ગુજરાતી ગદ્યમાં રહેલી અભિવ્યક્તિક્ષમતાને તાગી જોવા માટે કરેલી મથામણોની દૃષ્ટિએ અને બીજું આપણા સામાજિક જીવનનું ચિત્ર કેવું હતું તેના દર્શનની દૃષ્ટિએ. આ બંને દૃષ્ટિએ નીવડી આવે તેવી વાર્તાઓની સંખ્યા ઓછી છે. મુંબઈ શહેરમાં જુદા જુદા પ્રકારના અવાજો તથા ઘોંઘાટો ત્રાસ કરે છે. તેના ઉકેલ માટેનો વ્યંગપૂર્ણ સૂર નગરજીવનની અસહ્યતાને વર્ણવે છે. વાર્તાકથક ભદ્રંભદ્રીય શૈલી વડે ઘોંઘાટ તરફનો અણગમો વ્યક્ત કરે છે. વાર્તાકથક ભારપૂર્વક એક જ વાતનું રટણ કર્યા કરે છે કે સૂર સુધરાઈ કરો. ભદ્રંભદ્રીય શૈલીનો નમૂનો : ‘છેલ્લે કલિએ આ પુણ્યભૂમિ મુંબાપુરીમાં પ્રવેશ કીધો! આ ભૌતિક સુધારણાનું મોજું હજી કેથે સહેજ-સાજ ઊંચકાય છે! જ્યારે પર્વતપ્રાય પ્રચંડ રૂપ ધારણ કરશે અને અમારા કર્ણરન્ધ્રો પર આવીને અફળાશે ત્યારે શ્રી ભગવાનને એ અનર્થોથી-અમને-પામરોને ઉગારવા માટે કલ્કિ અવતાર ધારણ કરી દોડતા દોડતા આવવું પડશે! શહેર સુધરાઈને લીધે જેમ લોકોના ઘરો પાડીને રોગ રાઈનો સંહાર કરીને રુગ્ણશરીરને સુધારવાની વ્યવસ્થા થઈ છે તેવી રીતે સુધરાઈ ખાતા દ્વારા એ ફેરીવાળાઓના કંઠ પાડીને ભેંસાસૂર જેવા ધ્વનિબીજોનો નાશ કરીને અમારી શ્રુતિઓને સ્વાસ્થ્ય મળવું જોઈએ!!’ શૈલીસુખના વ્યામોહ વચ્ચે વાર્તાકથક કોઈ આધુનિક કવિની નગરસંવેદના સરખી જે વિગતની નોંધ કરે છે તે વિસ્મયકારક છે ને આ વિગતોનો સંદર્ભ આખી વાર્તામાં વહેતા વ્યંગસૂરની ભીતર પડેલી નગરજીવનની યાંત્રિકતા, કંટાળો અને થાકની સંવેદનાને વ્યંજિત કરે છે : ‘પ્રાતર્ગાયનથી લોકોને જાગૃતિ આપનારા પંખી આ મુંબઈપુરીમાં રહ્યા નથી. કાગડાઓ ભરપૂર છે પણ તે વેળા કવેળા ફાવે ત્યારે બોલે છે.’ વાર્તાકથકની હાસ્યપ્રધાન શૈલી જ મુખર છે. ગ્રામોફોનમાં વીલ : હરિપ્રસાદ કીરપારામ ઠાકોર; બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૧૩ દયાશંકરકાકા પાસે ખૂબ જ ધન હતું. એ અપરિણિત હતા. એમના સગાંસંબંધીઓને દયાશંકરકાકાની મિલકત વારસા રૂપે મેળવવાની લાલચ હતી. કાકા માંદા પડ્યા. સગાંઓએ કાકાની મનપસંદ બધી તકતીઓ (ગ્રામોફોન રેકોર્ડ) વગાડી. કાકા મરણ પામ્યા. વકીલે કાકાનું વીલ વાંચ્યું, ‘સૌ સગાંઓએ ઘરમાં છે તે બધી જ તકતીઓ સાંભળવી ને પછી બીજી નવી તકતી સાંભળવી.’ સગાંઓએ ધનની લાલચે મોડી રાત સુધી તકતીઓ સાંભળી ને અંતે બીજી નવી તકતીઓનો વારો આવ્યો. બીજી તકતીમાં વાર્તાની ચોટ છે. આઘાતક અંત છે. કુતૂહલવશ ભાવક પણ વાર્તાકથકે ગૂંથેલું રહસ્ય ખુલે તેની ઇચ્છાએ આતુર હોય તે સ્વાભાવિક છે. એટલે કે દયાશંકરકાકાના સગાંઓ અને ભાવકોની દશા લગભગ સરખી બની જાય. તકતીમાં કાકાનો અવાજ હતો. કાકાએ પોતાની બધી મિલકત શહેરની પાંજરાપોળને ભેટ આપી હતી. કાકાનો એક એક શબ્દ અને વિલનો રહસ્યસ્ફોટ સગાંઓને કેવો સોંસરવો પેસી ગયો હશે તેનું વાર્તાકથકે જે વ્યંગચિત્ર આલેખ્યું છે તેના દ્વારા સગાંઓની સ્વાર્થ બુદ્ધિ ધ્વનિત થાય છે. દેશદ્રોહી : સૌ. પ્રમીલા; પ્રથમ પ્રકાશનઃ સુન્દરી સુબોધ, જાન્યુઆરી ૧૯૦૭ આ ગાળામાં વિલાયતી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી વસ્તુઓના વપરાશનો આગ્રહ ખૂબ તેજ દશામાં હતો. વિલાયતી વસ્તુઓ દેશની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સ્થિરતા ડહોળી નાખે છે તેથી તેનો વપરાશ કરવો નહિ. દેશના વિકાસ માટે સ્વદેશી વસ્તુઓના વપરાશ પર ખાસ ભાર મૂકવો. વાર્તાકાર પ્રમીલાએ વાર્તાની સૂઝ સાથે સ્વદેશભાવનાનો સંદેશ આપ્યો છે. વાર્તાની શરૂઆત સૂચક સ્થિતિથી થાય છે. એક યુવતી પોતાના ઘરની બારી પાસે વિચારમાં સૂનમૂન ઊભી હતી. એનું નામ મૃદુલા હતું. ધનવાન વકીલ પિતાની એ પુત્રી હતી. એનું લગ્ન મુંબાઈમાં એલ.એલ.બી.નો અભ્યાસ કરતા પ્રબોધચન્દ્ર સાથે થયું હતું. બંને વચ્ચે નિયમિત પત્ર વ્યવહાર થતો હતો. પણ હમણાં આઠેક દિવસથી પત્ર આવતા નથી. તેથી એ ગભરાતી હતી. દુઃખ ભૂલવા માટે એ દેશી સુતરનો રૂમાલ ભરવા માંડી. પિતા ધનવાન હોવા છતાં સ્વદેશી વસ્તુઓના વપરાશ પર ખાસ ભાર મૂકતા. તેથી મૃદુલા પણ દેશી સુતરથી રૂમાલ ભરે છે. લાંબી પ્રતીક્ષા બાદ પ્રબોધચન્દ્રનો પત્ર આવ્યો. પત્ર વાંચીને મૃદુલા ક્રોધે ભરાઈ. પ્રબોધચન્દ્રએ કોઈ ભૂલ કરી હતી. મૃદુલા અનુમાન કરે છે કે કોઈ સ્ત્રી સાથેના સંબંધની વાત હશે. એ મિત્ર ઉર્વશીને વાત કરે છે. મૃદુલાને તાવ આવે છે. તેથી પ્રબોધચન્દ્ર આવે છે. એ પોતે કરેલા અપરાધની વાત કરે છે. એમણે વિલાયતી સિગારેટ પીવાનો અપરાધ કર્યો હતો. એ ક્ષમા માગે છે. મૂદુલાનો વહેમ નીકળી ગયો. વાર્તાનો સુખદ અંત. વાર્તાના આરંભે મૂદુલાના ચિત્તમાં જે દ્વિધા છે, ચિંતાનો ભાર છે તેનું નિર્વહણ સુખદ છે. પ્રબોધચન્દ્રે કરેલા અપરાધનો રહસ્યસ્ફોટ અંતે થાય છે. ત્યાં સુધી વાચકનો જિજ્ઞાસારસ જળવાઈ રહે છે. તેથી ચોટ શૈલીનો ઉપયોગ કર્યો છે. પતિ-પત્ની વચ્ચે થતી ગેરસમજના કારણે સર્જાતી પરિસ્થિતિનું નિરૂપણ છે. મૂંઝવણ, તેની તીવ્રતા અને અંતે તેમાંથી મુક્તિ; એવી વાર્તાયુક્તિ આસ્વાદ્ય છે. સાથે સાથે વિલાયતી વસ્તુ વાપરવી એ ઘણો મોટો અપરાધ છે, તેવી સભાનતા સ્વદેશભાવના અને દેશપ્રેમ સૂચવે છે. લેખિકાની વાર્તાની ભાષા ભાવનાપ્રધાન છે. સરળ ગતિ છે. વિલાયતી સિગારેટ પીવી એ પણ એક અપરાધ બની શકે છે તેવું વાતાવરણ જનમાનસમાં દૃઢ થતી સ્વેદશભાવનાનો સૂર વ્યક્ત કરે છે. મધ્ય રાત્રીએ : નરહરિ દ્વારિકાદાસ પરીખ; સુન્દરી સુબોધઃ ઑક્ટોબર ૧૯૧૦ પ્રસંગપ્રધાન વાર્તા. ધનસુખલાલ મહેતાની ‘બીજવર’ વાર્તાના વિષયવસ્તુ સાથે સામ્ય ધરાવે છે. વાર્તાકથક દક્ષિણાબાબુ કવિહૃદય ધરાવતું પાત્ર છે. સ્વભાવે રસિક, પરંતુ પત્ની તે ઘરકામમાં મસ્ત રહેતી. તેથી દક્ષિણાબાબુ થોડા અકળાતા. દક્ષિણાબાબુના રંગીન જીવનમાં પરિવર્તન આવે છે. પ્રથમ પત્ની બિમાર પડે છે. એ પત્નીની સારવાર કરતા પણ એને તે ગમતું નહીં. પત્નીના હૃદયમાં પતિ માટે ખરો સ્નેહ હતો. દક્ષિણાબાબુ પત્નીની મનોરમા નામની સ્ત્રી સાથે લગ્ન કરે છે. પરંતુ બંનેની સુંદર નાજુક ક્ષણોએ દક્ષિણાબાબુને પ્રથમ પત્નીના અવાજો, ઉદ્ગારો સંભળાતા રહે છે. એમને એ સ્વરોમાં સતત પ્રથમ પત્નીની ઉપસ્થિતિ વર્તાતી. પ્રથમ પત્નીના અવસાન પછી દક્ષિણાબાબુને શરાબની ટેવ પડી જાય છે. નશાની અવસ્થામાં પ્રથમ પત્નીના અવાજો સંભળાતા. દક્ષિણાબાબુનો પ્રથમ પત્ની માટેનો ન વિસરાતો પ્રેમ એમની ભાવનાપ્રધાનતાને વર્ણવે છે. વાર્તાકારે પાત્રના હૃદયના ભાવને પુષ્ટ કરવા માટે વાતાવરણનો ઉદ્દીપક તરીકે વિનિયોગ કર્યો છે. એક ભાવનાશીલ ક્ષણના વર્ણનનું ઉદાહરણ નોંધું છું : ‘પૂર્ણ ખીલેલાં બકુલ પુષ્પો ખરી પડતાં હતાં. ત્હેના સૂકાઈ ગયલા વદન ઉપર ઝાડની ડાળીયોમાંથી ચન્દ્ર ત્હેનાં શીત કિરણો ઢાળતો હતો. સર્વત્ર અલૌકિક શાન્તિ પ્રસરી રહી હતી. એમાંથી કોઈ બોલતું ન હતું. આ શાન્ત અને સુવાસિત રજનીમાં ત્હેના ચન્દ્રથી પ્રકાશિત મૃત્યુ સામું હું જોઈ રહ્યો હતો. મ્હારી આંખમાં અશ્રુબિન્દુ ભરાઈ આવ્યું. ધીમે ધીમે મ્હેં ત્હેને પાસે લીધી ને ત્હેનો તાવથી સૂકાઈ ગયેલો હાથ મ્હારા હાથમાં લીધો.’ (પૃ. ૭૦) પ્રથમ પત્ની પતિના પ્રેમાલાપમાં રહેલી બનાવટ પણ ઘણીવાર પારખી જતી. તેથી પતિના ઊર્મિલ ઉદ્ગારો સાંભળીને મોટેથી હસી પડતી. સંભવ છે કે પોતાની લાંબી માંદગીથી કંટાળેલા પતિને મુક્તિ આપવા માટે ઝેરી દવા જાણી જોઈને પી લીધી હોય! સ્ત્રીહૃદયની ઋજુતાને સુંદર રીતે વર્ણવી છે. મુંબાઈની લોકલ ટ્રેનમાં વાતચીત : બહેન પી સુન્દરી સુબોધ; જાન્યુ-ફેજ-માર્ચ ૧૯૧૩ શહેરના સમાજજીવન પર અને તેમાં પણ મધ્યમવર્ગની કિશોરી પર નવા વિચારો, ફેશન અને સ્વચ્છંદી વર્તનની કેવી અસર પડે છે, તે આ વાતમાં લેખિકાએ વાસ્તવદર્શી શૈલીમાં વર્ણવ્યું છે. વાર્તાકારે વાર્તાના સ્થળ તરીકે મુંબાઈની લોકલ ટ્રેનનું કમ્પાર્ટમેન્ટ પસંદ કર્યું છે. તેમાં ત્રણ ચાર છોકરીઓના વાર્તાલાપ વડે વાર્તાકથન રજૂ કર્યું છે. આ છોકરીઓમાં મોહિની નામની છોકરી હતી. એ સ્વભાવે શાંત અને ડાહી હતી. એ ગાડીમાં ક્યાં તો વાચતી ક્યાં તો ભરતકામ કરતી. બીજી છોકરી ચંદા હતી. એને છોકરીઓની ટીકામાં રસ હતો. ત્રીજી છોકરી તારા હતી. એના માનસ પર નૂતન જીવનશૈલીનો પ્રભાવ પડ્યો હતો. પારસીઓની ફેશનની ગુજરાતી છોકરીઓ પર પડેલી ખરાબ અસરનો નમૂનો ચંદા હતી. હિંદુ રીતરિવાજો માટે એને ભારોભાર તિરસ્કાર હતો. એ માનતી હતી કે ઇંગ્રેજી રીતરિવાજો પ્રમાણે લગ્ન ન થાય ત્યાં સુધી લગ્નસુખ મળવાનું નથી. એને હિંદુનો પહેરવેશ બિલકુલ ગમતો નહીં. પારસીનો પોષાક ગમતો. મોહિની એની માતાને ઘરકામમાં મદદ કરે છે. એને સરસ્વતીચંદ્રની કુસુમ જેવી બનવાની તમન્ના હતી, જ્યારે તારા સ્વતંત્ર મિજાજની હતી. એને એવા વિચારો પસંદ ન હતા. એને ઘરકામ આવડતું નહીં. વાતચીતમાં આધુનિક દેખાવા માટે અંગ્રેજી શબ્દો મધર, ફાધરનો વારંવાર ઉપયોગ કરતી. મોહિનીને તો ઘરકામમાં ઉમંગ આવે છે. બાહ્ય આડંબર, ફેશન અને કપડાં પહેરવામાં જ જીવનને સંપૂર્ણ માનતી અપરિપક્વ માનસની છોકરીઓના વિચારો અને વર્તન સાંપ્રતની સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિ વર્ણવે છે. તારા વાર્તાના અંતે મોહિનીની એના પહેરવેશ બદલ સખત મશ્કરી કરે છે, અપમાન કરે છે. ઘેર પહોંચીને મોહિની એની માને બધી વાત કહી દે છે. મા વાત્સલ્યભાવથી એને સમજાવે છે. હૂંફ આપે છે અને સ્વસ્થ બનાવે છે. તેથી મોહિની ફરી પ્રસન્ન બની જાય છે. સાંસ્કૃતિક સંતુલનના કેન્દ્ર પર આક્રમણ કરતાં પરિબળોથી સર્જાતાં અસંતુલનો સમાજજીવનની કુદરતી ગતિને ખોરવી નાખે છે. છોકરીઓના વાર્તાલાપ રૂપે રજૂ થયેલી વાર્તા નાટ્યાત્મક પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે. પરંતુ વાર્તાને અંતે સ્પષ્ટ શબ્દોમાં બોધ આપવાનું વાર્તાકાર ચૂકતા નથી. લાલ સાડલાના વાવટા : અમૃતજી સુન્દરજી પઢિયાર, સુન્દરી સુબોધ, ફેબ્રુઆરી ૧૯૧૫ જૂના નવા પહેરવેશની પસંદગીને કારણે સર્જાતા પ્રશ્નોની વાર્તા છે. સાદી સરળ ભાષામાં જૂનવાણી માનસિકતામાંથી છૂટવાનો સૂર વ્યક્ત કર્યો છે. વાર્તાનું બિનજરૂરી લંબાણ તેની તીવ્ર અસરને મંદ પાડે છે. પણ એક સાંસ્કૃતિક પરિસ્થિતિના દસ્તાવેજ તરીકે એનું મૂલ્ય છે. જૂના વિચારના પ્રેમકુંવરબાઈએ પતિના સ્વર્ગવાસ પછી એક મંદિરમાં સ્ત્રીઓનું મંડળા કાઢ્યું. એમને હાલના વખતની જુવાન સ્ત્રીઓ નવી નવી ફેશનોમાં લુગડાં પહેરતી જાય છે એે જરા પણ પસંદ ન હતું. જાણે બધી જાતનું પાપ એમાં જ આવી જતું હતું. તેથી નવી ફેશનની ચોળીઓ ઉપર એમને તિરસ્કાર હતો. પ્રેમકુંવરબાઈના વલણથી એમના ભત્રીજાની વહુ લલિતાને બહુ લાગી આવતું. લલિતા બહુ સમજુ હતી. વિચારશીલ હતી. દરેક વસ્તુને બંને બાજુથી જોનારી હતી. લલિતા કાકીજીના વારંવાર બોલાતા શબ્દોથી અકળાઈને માનમર્યાદા છોડીને સાચી વાત કહે છે. એમની આંખ ઉઘાડવા માટે વાર્તામાં વારંવાર આવતી એક ઉક્તિથી કહેવાનું શરૂ કરે છે : ‘કાકીજી! યાદ રાખજો કે તમારા લાલ સાડલાના વાવટા હવે ઉડવાના છે! કારણ કે એવી જાતના રંગો હવેની સ્ત્રીઓને ગમે નહિ.’ અને પછી વાર્તા લલિતાના કાકીજી તરફના ઉદ્બોધન રૂપે વિકસે છે. તેમાં લલિતા પરિવર્તનનો પક્ષ લે છે. પોષાકનું પરિવર્તન સહજ છે. વિચારો બદલાવા જોઈએ. સ્ત્રીઓનો સ્વભાવ સૌંદર્યને શોધનારો છે. તો બીજી તરફ લલિતા વિચારે છે કે ફેશનની બાબતમાં લોકોએ હદમાં રહેવું જોઈએ. ફેશનના ગુલામ ન બનવું જોઈએ. પોતાની આવકના પ્રમાણમાં ખર્ચ કરવું જોઈએ. કરકસર સ્ત્રીઓનું ભૂષણ છે; પતિની અગવડો સાચવવી અને એમને દુઃખ ન થાય એમ વર્તવું એ સ્ત્રીઓનો ધર્મ છે. લલિતાની વાતો સાંભળીને કાકીજીએ કહ્યું કે, ‘મારા લાલ સાડલાના વાવટા ઉડાવવાવાળી વહુ તો મને મજાની મળી છે. હોં! હા. પણ આજના જમાનામાં એવી જ વહુઓની હવે અમારા દીકરાઓને જરૂર છે. પ્રભુ તમોને સુખી રાખે.” એમ કહી કાકીજી એ બાબત ઉપર વિચાર કરતાં કરતાં ત્યાંથી રવાના થયાં. (પૃ. ૨૮૫) પ્રગટ સૂરની આ વાર્તા તે સમયની સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિ વર્ણવે છે. સ્ત્રીના જીવનમાં પરિવર્તન લાવવાની અનિવાર્યતા સૂચવનાર લલિતાનું પાત્ર સ્વતંત્ર જીવનનો સંદેશ કહે છે. મુક્ત વાતાવરણમાં એક સંતુલિત જીવન જીવવા માટેની અભિલાષા લેખકે લલિતાના પાત્ર વડે ઉદ્બોધન શૈલીમાં વ્યક્ત કરી છે. નવા વિચારોને કારણે સમાજજીવનમાં અપેક્ષિત પરિવર્તનોનો વિવેકબુદ્ધિથી સ્વીકાર કરવો જોઈએ. એવી બોધાત્મક ભાવના રજૂ કરતી વાર્તા લેખકની નૂતન જીવનભાવના સૂચવે છે. વાર્તા સ્વરૂપ વિશેની કળાસૂઝ હજુ પ્રારંભ દશાની હતી પણ સંતુલિત જીવનવિકાસની તરફેણ કરવામાં વાર્તાકારનો માનવીય સંવેદનાનો સૂર સિવશેષ સંભળાય છે. વાર્તાનું શીર્ષક જ નવા આવનારા જીવનનો ઉલ્લાસ વર્ણવે છે. કાંચનપ્રસાદ : રા. રા. કલ્યાણરાય નથુભાઈ જોશીઃ સુન્દરી સુબોધ, નવે-ડિસે. ૧૯૧૩ આ વાર્તા મને ગમી છે એનું એક કારણ એની સંરચના છે. વાર્તાના પરિવેશ દ્વારા રચાતો આવતો આરંભ, રહસ્ય ઊભું કરી ધીરે ધીરે એનું રહસ્ય ઉદ્ઘાટન, આકસ્મિક પ્રતીતિકર ઘટનાઓ અને પરિવર્તનો, નાયકના ચિત્તનું સ્થિતિ-ગતિ-પરિવર્તન-અંતે પુનઃ સ્થિતિ પ્રાપ્ત કરતું નિરૂપણ, શમ પર આવી વિરમતો અંત; એ વાર્તાનું માળખું છે. હવે પછી બનનારા બનાવોની ધીરે ધીરે પરિવેશ, વર્ણન, પાત્રો, સંવાદ, પત્રો, વ્યાખ્યાન વગેરે દ્વારા ભૂમિકા બાંધીને વાચકને ક્રમશઃ કથાવસ્તુનો પરિચય કરાવવાની વાર્તાકારની પદ્ધતિ વાર્તાના અંત સુધી અપેક્ષા જન્માવી ઉત્કંઠા ટકાવી રાખે છે. બીજી વિશિષ્ટતા છે વાર્તાનું વસ્તુ, જે Woman’s Liberation, સ્ત્રી સ્વાતંત્ર્યની દિશામાં સમસામયિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને દૂરંદેશીભર્યા સાહસિક વિચારો ધરાવે છે. સામાજિક સાંસ્કૃતિક જાગૃતિ સાથેની ખેલદિલીપૂર્ણ અને મનોમંથનોના નિચોડરૂપ ચર્ચા, એ પ્રશ્નો, ઉત્તરો, સમાધાનો અને માર્ગની છણાવટ સાથે સ્ત્રી-પુરુષ સમાનતાનો સૂર રજૂ કરે છે. ધૂમકેતુ પૂર્વેના સમયમાં જોવા મળતો શિથિલ રચનાબંધ, લેખકના વિચારોનો હસ્તક્ષેપ, સામાજિકતાનું વળગણ, અતિરંજકતા જેવી મર્યાદાઓ ઓછે વત્તે અંશે હોવા છતાં આ વાર્તા ઘણે અંશે રચનારીતિની નવીનતા દાખવે છે. નાયકની આરંભની કરુણ, વિહ્વળ સ્થિતિથી અંતની કરુણ, રોષ, તિરસ્કાર, નિંદા વગેરે તમામ ભાવો શમી ગયા પછીની શાંત સ્થિતિ સુધીનાં પરિવર્તનો કાર્યકારણ ન્યાયે આવશ્યકતા અને સંભાવનાના સૂત્રે બંધાયેલાં છે. માટે તે વિશિષ્ટ બન્યાં છે. ભાઈનો પ્રેમ : શ્રીયુત ‘Mehta’ : સુન્દરી સુબોધ, નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૧૩ આ વાર્તાનું મુખ્ય પાત્ર પીરોજ નાટકમંડળીમાં આવતી એક સામાન્ય પણ વિચારશીલ અને સંવેદનશીલ સ્ત્રી છે. વાર્તામાં પારસી પાત્રો અને સંવાદો રજૂ થયાં છે. જીવનની વિટંબણાઓનો એકલે હાથે સામનો કરતી નાયિકા ખમીરવંતી છે. અંગ્રેજોના આગમન પછી ભારતમાં સ્ત્રીઓની દશા સુધરતી ચાલી. છેક ઈ. સ. ૧૮૫૪-૫૫ના ‘બુદ્ધિપ્રકાશ’ના અંકોથી લઈને ગુજરાતી સામયિકોમાં કન્યા કેળવણી; સ્ત્રીઓનો સમાજમાં માનભર્યો દરજ્જો; સ્વચ્છતા, સ્વસ્થ અને બાળઉછેરની જાગૃતિ; કલારુચિ તથા સુરુચિપૂર્ણ વ્યવહાર અને આત્મસન્માનની ભાવના આધારિત લખાણો, નોંધો અને રચનાઓ પ્રકાશિત થયાં છે. આ સમય આપણા નવજાગરણનો છે. વહેમ, અંધશ્રદ્ધા, કુરૂઢિઓ, મંત્ર-તંત્ર, જાદુ, ભેદ-ભરમ, ગતાનુગતિક વિચારસરણીનો, સ્ત્રીઓની પછાત દશા, બાળકોની અવદશા, કેળવણીનો અભાવ, અસભ્યતા જેવાં દૂષણો પ્રત્યે જાગૃત બની ધીરે ધીરે તર્ક અને બુદ્ધિનાં પ્રમાણોને આધારે સુધારા તરફ જતા, કેળવાતા ગુજરાતી સમાજનાં આરંભના સામયિકો સાક્ષી છે. નારીવાદનાં લક્ષણો ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં જળવાયેલાં છે. આ વાર્તા એક તરફ ભાઈનો સમાજના વાડામાં સીમિત દંભી પ્રેમ વર્ણવે છે, બીજી બાજુ સ્ત્રીની આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો પુરસ્કાર કરે છે. લેખકે સ્ત્રીના સ્વાભિમાનનું વસ્તુ પસંદ કર્યું છે. વિવિધ ઘટનાઓ વડે નાયિકાના વ્યક્તિત્વને ક્રમશઃ ઉજાગર કર્યું છે. વાર્તાનું માળખું પ્રસંગપ્રધાન અને પાત્રપ્રધાન છે. આ વાર્તામાં વ્યક્ત થયેલા સ્ત્રીસ્વાતંત્ર્યના વિચારો સ્ત્રીની એક સન્માનપૂર્ણ છબિ પ્રસ્તુત કરે છે. કસોટી : છ વાર્તાકારો : રા. બટુભાઈ ઉમરવાડિયા, સૌ. લીલાવતી મુનશી, રા. મુનિકુમાર ભટ્ટ, રા. ધૂમકેતુ, રા. જયંતકુમાર ભટ્ટ અને રા. કનૈયાલાલ મુનશી, ગુજરાત, ઈ. સ. ૧૯૨૬-૨૭ કનૈયાલાલ મુનશીના તંત્રીપણા હેઠળ દર મહિને પ્રકાશિત થતા ગુજરાત સામયિકમાં હપ્તાવાર ઈ. સ. ૧૯૨૬ના સમયગાળામાં છ હપ્તે પ્રકાશિત થયેલી એક વાર્તા નોંધપાત્ર છે. આ વાર્તાની એક મહત્ત્વની વિશેષતા છે કે છ પ્રકરણમાં વહેંચાયેલી આ વાર્તાના છયે પ્રકરણના લેખક જુદા જુદા છે. કથાને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈને છોડી દીધા પછી બીજો લેખક એ વાર્તાને થંભાવે છે. રીલે દોડની જેમ આગળનું અંતર કાપવામાં ગતિ, સ્થિતિ અને રોમાંચને યથાતથ રાખી શકાય એ રીતે દરેક ખેલાડીએ રમવાનું છે. સામયિકના તંત્રી કનૈયાલાલ મુનશીના દાવા અનુસાર ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આ પ્રકારના સહિયારા લેખનનો આ અપૂર્વ પ્રયોગ છે. મુનશીએ ઈ. સ. ૧૯૨૨માં ‘સાહિત્યસંસદ’ નામે સાહિત્યિક મંડળની સ્થાપના કરી હતી. એના મુખપત્ર સ્વરૂપે ‘ગુજરાત’ માસિક શરૂ કર્યું. મંડળના સભ્યો અને અન્ય પ્રતિષ્ઠિત વાર્તાકારોએ આવા સંયુક્ત સર્જનના સાહસમાં પોતાની ક્ષમતા અને કૌશલ્યનો વિનિયોગ કર્યો. આ વાર્તા રા. બટુભાઈ ઉમરવાડિયા, સૌ. લીલાવતી મુનશી. રા. મુનિકુમાર ભટ્ટ, રા. ધૂમકેતુ, રા. જયંતકુમાર ભટ્ટ અને રા. કનૈયાલાલ મુનશીએ આ વાર્તાના જુદા જુદા છ હપ્તા લખ્યા છે. એટલે કે, જુદા જુદા લેખકોએ પોતાની શૈલી, લેખનપદ્ધતિ, જીવનભાવના અને કથનકળા પ્રયોજીને એક વાર્તાનો આકાર ઘડ્યો છે. ગુજરાતી ટૂંકી વાર્તાના આરંભના તબક્કે તે સમયના સિદ્ધહસ્ત વાર્તાકારોના સહકારથી આવો પ્રયોગ સફળ રીતે વાચકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કનૈયાલાલ મુનશી પ્રમુખ હતા એવી ‘સાહિત્ય સંસદ’ના બટુભાઈ ઉમરવાડિયા અને લીલાવતી મુનશી સભ્ય હતા. એમની ઘણી વાર્તાઓ જાણીતી બની હતી. તો મુનિકુમાર મણિશંકર ભટ્ટ, (કવિ કાન્તના સુપુત્ર)ની લાબો ઈ. સ. ૧૯૧૪ના સમયથી સુંદરી સુબોધ, ગુણસુંદરી, ગુજરાત આદિ સામયિકોમાં પ્રકાશિત થયેલી હતી. ધૂમકેતુનું નામ વાર્તાલેખન ક્ષેત્રે પ્રખ્યાત છે. જયંતકુમાર ભટ્ટની વાર્તાઓ પણ ગુજરાત સામયિકમાં પ્રકાશિત થઈ છે. કનૈયાલાલ મુનશીએ નવલકથા અને ટૂંકી વાર્તાના ક્ષેત્રોને નિજી પ્રતિભાથી ખેડ્યાં છે. આ વાર્તા હપ્તાવાર પ્રકાશિત થઈ એ પહેલાના અંકમાં એટલે કે, ગુજરાતના સંવત ૧૯૮૨ના જ્યેષ્ઠ માસના પુસ્તક ૯ ના અંક ૪માં પુત્ર ૩૩૩ અને ૩૪૫માં આ વાર્તા અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. જે વાચકોની નોંધ માટે આ વિભાગમાં રજૂ કરી છે. આ વાર્તા એક કિશોર સુરેશના સમાજની વ્યવસ્થાઓ સાથેના સંઘર્ષની કથા છે. સુરેશ અને એની સાથે તીવ્ર લાગણીથી જોડાયેલા એના પિતા, પિતરાઈ બહેન અને એની સાથી બાલાના નિઃસ્વાર્થ અને ઉદાત્ત પ્રેમની કથા છે. આ વાર્તામાં તે સમયનો ગુજરાતી સમાજ પ્રતિબિંબિત થાય છે. કાકાને ત્યાં અભ્યાસ માટે ઓશિયાળા બનીને રહેવું. ગુજરાતી કુટુંબની જીવનશૈલી, બાવાઓનું બાળકોને ઉપાડી જવું, બિલ ચઢાવવાની પ્રથા, આકાશવાણી, ભારતની તે સમયની દારુણ સ્થિતિ, દેશપ્રેમની ભાવનાથી ખાનગી રાહે ચાલતાં મંડળો, કાલકત્તાનો બદનામ વિસ્તાર, ભાંગતી કુટુંબવ્યવસ્થા જેવા સામાજિક પ્રશ્નોને ચર્ચ્યા છે. તત્કાલીન પહેરવેશ, રીતરિવાજ, રૂઢિ, માન્યતાઓ, રહેણીકરણી, જીવનપદ્ધતિને સાંસ્કૃતિક દૃષ્ટિએ મૂલવી શકાય.
૦
મધ્યકાલીન યુગની પદ્યવાર્તાઓ અને કથાકેન્દ્રી પદ્યપરંપરા પછી દલપતરામથી આરંભાયેલી બોધાત્મક અને ઘટનાની વાર્ણનપ્રધાન કથનપરંપરામાંથી ધીરે ધીરે ટૂંકી વાર્તાનું સ્વરૂપ ઘડાતું ગયું હતું. વીસમી સદીના બીજા દાયકાથી ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થતી વાર્તાઓની સંખ્યા પરથી વાર્તા સ્વરૂપની વધતી જતી લોકપ્રિયતાનો અંદાજ આવે છે. ‘બુુદ્ધિપ્રકાશ’, ‘સુન્દરીસુબોધ’, ‘ગુણસુંદરી અને સ્ત્રીરત્નાકર’, ‘સાહિત્ય’, ‘વાર્તાવારિધિ’, ‘વીસમી સદી’, ‘પ્રસ્થાન’ જેવાં સામયિકોમાં ટૂંકી વાર્તાનું સ્વરૂપ ધીરે ધીરે ઘડાતું જતું હતું અને પોતાનું સ્થાન લેખકો, વાચકો અને સાહિત્યક્ષેત્રે નિશ્ચિત કરતું જતું હતું. ૧૯૧૨માં પ્રકાશિત મુનશીની ‘મારી કમલા’ નામે વાર્તા વાચકોએ વખાણી હતી. ૧૯૧૮માં મલયાનિલની ‘ગોવાલણી’ વાર્તા ‘વીસમી સદી’ સામયિકમાં પ્રકાશિત થઈ હતી. ૧૯૨૬માં ધૂમકેતુનો વાર્તાસંગ્રહ ‘તણખામંડળ’ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. ઈ. સ. ૧૯૩૨માં ‘પ્રસ્થાન’ સામયિકમાં રામનારાયણ પાઠકે વાર્તામાં વાર્તાસ્વરૂપ વિશેનું વિવેચન આવરી લેતા ‘મહેફિલેફેસાને ગુયાન’ના પ્રયોગો કર્યા હતા. આ માહિતી તત્કાલીન સાહિત્યિક અને વાર્તાની સ્વરૂપલક્ષી આબોહવાનો ખ્યાલ આપવાના હેતુથી રજૂ કરી છે. તત્કાલીન ગુજરાતી ભાષાની લેખન રૂઢિનો પરિચય મળી રહે એ હેતુથી આ વાર્તામાં મૂળની જોડણી યથાવત્ રાખી છે. હ્રસ્વ અને દીર્ઘ ઇ, ઉ-ની તત્સમ તદ્ભવ શબ્દોમાં પણ બદલાઈ જતી જોડણી, ક્યાંક અર્ધસ્વરને બદલે શુદ્ધ સ્વરના પ્રયોગની રૂઢિ તો નિપાતોને જે તે પદની સાથે અડોઅડ જ મૂકવાની લેખનપદ્ધતિ આ વાર્તામાં સ્પષ્ટપણે જણાય છે. લેખકોએ વાર્તામાં બોલચાલની રોજિંદી ભાષા પ્રયોજી છે. એથી લેખકોની ભિન્ન ભિન્ન ભાષાશૈલી આસ્વાદ્ય બની છે. તો કિશોર વયનાં બાળકોની ભાષાનું પણ જુદું સ્તર મળે છે. દરેક લેખકની વાર્તાલેખન શૈલી જુદી છે. કોઈ આબેહૂબ, વિગતસભર વર્ણનો વડે દૃશ્ય તાદૃશ કરે છે. તો કોઈ વધારે અસરકારક સંવાદો પ્રયોજે છે. કોઈ એક બે ઘટનાઓ અને સરળ પ્રવહણ વડે કથારસ જમાવે છે. તો કોઈ ઘણી બધી ઘટનાઓ અને અણધાર્યા આકસ્મિક વળાંકો વડે નાટકીય પરિસ્થિતિ સર્જે છે. એક કરતાં વધુ લેખકોએ લખેલી વાર્તા છે એ બાબત બાજુ પર મૂકીને વાંચો તો પણ એક આખી અખંડ સુશ્લિષ્ઠ આકાર ધરાવતી કૃતિ તરીકે એને માણી પ્રમાણી શકાય એવી વાર્તારસ, સંવેદનાઓ, નાટકીય બનાવો, જીવનના પ્રશ્નોની ઉચિત પરિપ્રેક્ષ્યમાં રજૂઆત, ઉત્કંઠિત રાખે એવી રીતે ઘટનાઓની માવજત, સુરેખ ગતિએ જતો કથનનો પ્રવાહ. આરંભથી અંત સુધી એકંદરે જળવાતું પાત્રો, બનાવો અને સંવેદનશીલતાનું સાતત્ય, ઉદાત્ત જીવનભાવના અને પ્રણયભાવનાનું આલેખન, વર્ણનો, સંવાદો જેવાં એના ઘટકોથી આ વાર્તા વિશિષ્ટ છે. એક બીજી મહત્ત્વની વાત અહીં નોંધવી જરૂરી છે. આ વાર્તા પ્રકાશિત થઈ એ પહેલાં કનૈયાલાલ મુનશીની નવલકથાઓ ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬), ‘ગુજરાતનો નાથ’ (૧૯૧૭), ‘રાજાધિરાજ’ (૧૯૨૨) અને ‘પૃથિવીવલ્લભ’ (૧૯૨૦-૨૧)માં પ્રકાશિત થઈ ચૂકી હતી. કનૈયાલાલ મુનશીના મહાનાયકના ખ્યાલની સામે લીલાવતી મુનશીનો સામાન્યનાયકનો ખ્યાલ બહુ સ્પષ્ટ રીતે આ વાર્તામાં વ્યક્ત થયો છે. એ કહે છે, ‘આ વાર્તાનો નાયક વાર્તાનો નહીં, ખરી જિંદગી જીવ્યો.’ એટલે સામાન્ય રહીને, સામાન્ય રીતે જ પોતાનાં સંઘર્ષોમાંથી રસ્તો કાઢતો રહ્યો, કસોટીમાં મુકાતો રહ્યો. આ વાર્તા પુનઃપ્રકાશિત કરવાનો એક હેતુ એ પણ ખરો કે, છ લેખકોના સહિયાસ સર્જનના પરિણામે રચાયેલી આ વાર્તા કોઈ પણ એક લેખકના સ્વતંત્ર વાર્તાસંગ્રહમાં પ્રકાશિત નહીં થઈ હોય. એ એક પૂર્વધારણાને આધારે અને ગુજરાતી ટૂંકી વાર્તાના વિકાસની દૃષ્ટિએ પણ આ એક દુર્લભ સામગ્રી પ્રતીત થઈ છે.
જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર, અધ્યક્ષ
ગુજરાતી વિભાગ
એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક
વડોદરા
મો. ૯૮૨૪૦ ૫૩૫૭૨
Email : tathapi૨૦૦૫@yahoo.com